Monthly Archives: April 2014

ડૉ. મહેબૂબ દેસાઈકાફિર અર્થાત નાસ્તિક

કેટલાક ઇસ્લામિક શબ્દોના અયોગ્ય અર્થઘટન કે અયોગ્ય સમજ સમાજની શાંતિને જોખમે  છે. સમાજના એખલાસ ખંડિત કરે છે. ઇસ્લામી સંસ્કૃતિનો આવો એક શબ્દ છે “કાફિર”. જેની સાચી સમજ કે અર્થઘટનના અભાવે ગેર મુસ્લિમ સમાજ હંમેશા એ શબ્દ પોતાના માટે વપરાતો હોવાનું દુઃખ અનુભવે છે. પરિણામે આપણા તંદુરસ્ત સમાજમા ગેરસમજ પ્રસરે છે. અને આપણી શાંતિ જોખમાય છે. સમગ્ર હિંદુ સમાજમા એક મોટી ગેરસમજ એ પ્રસરેલી છે કે મુસ્લિમો દરેક ગેર મુસ્લિમને કાફર માને છે. કાફર એટલે ઇસ્લામને ન માનનાર તમામ માનવીઓ કાફર છે. આવી મહા ગેરસમજ ને કારણે પ્રસરેલ કે પ્રસરાવવામા આવેલ માન્યતા તંદુરસ્ત અને વિકસતા સમાજ માટે ઘાતક કેન્સર સમાન છે.  

કાફિર શબ્દ અરબી ભાષાના કુફ્ર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે ઢાંકવું, ખોટું સમજવું, ખોટું માનવું અથવા અકૃત્ઘની. .(ઉર્દૂ-ગુજરાતી શબ્દ કોશ,ઉર્દૂ સાહિત્ય અકાદમી,ગાંધીનગર,પૃ.૨૦૯).ઇસ્લામી અર્થ અને માન્યતા મુજબ કાફિર એટલે ઈશ્વર કે અલ્લાહમાં ન માનનાર,નાસ્તિક. ઈશ્વર ખુદાએ આપેલ નેમતો (બક્ષિશો) પર કૃતજ્ઞતા ન પ્રગટ કરનાર. અરબી ભાષામાં ખેડૂતને પણ કાફિર કહે છે. કારણે કે તે બીજને જમીનમાં ઢાંકે છે. એજ રીતે નદી, સમુદ્ર, કૃષક માટે પણ કાફિર શબ્દનો પ્રયોગ થયો છે..ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં પણ કાફિર શબ્દ જ્યાં જ્યાં વપરાયો છે ત્યાં ત્યાં તે અધર્મીઓ  અર્થાત નાસ્તિકો માટે જ વપરાયો છે, વિધર્મીઓ અર્થાત અન્ય કોઈ ધર્મ પાળનાર માટે વપરાયો નથી. એ અર્થમાં કાફિરની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે,

“જે માનવી ખુદા કે ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરે, ઈશ્વર- ખુદાની દયા (રહેમત) કે દીધેલ તમામ નેમતો (સગવડો) માટે ખુદા-ઈશ્વરનો આભાર (શુક્ર) ન માને તે કાફિર છે”

ઈશ્વર કે ખુદાના અસ્તિત્વને ન માનનાર માનવીને આપણે નાસ્તિક કહીએ છીએ. જેમનામાં (ઈમાન) શ્રધ્ધાનો અભાવ છે. જે સૃષ્ટિના સર્જન કે માનવીના નાના મોટા દરેક કાર્યો માટે ઈશ્વર કે ખુદાની શક્તિનો ઇન્કાર કરે છે. સાચા અર્થમાં એ કાફિર છે, નાસ્તિક છે.

ઇસ્લામમાં નીચે મુજબના ચાર પ્રકારના “કાફરો”નો ઉલ્લેખ છે. તે અંગે વિગતવાર વર્ણન આપવામાં આવેલ છે.

૧. કાફિર-એ-અસ્લી અર્થાત એવી વ્યક્તિ કે જેણે ખુદાના અસ્તિત્વનો પ્રથમથી જ અસ્વીકાર કરેલ છે. જ્યારેથી તે સમજણો થયો ત્યારેથી તે ખુદા કે ઈશ્વર જેવી કોઈ તાકાત વિશ્વના સર્જન અને તેના અસ્તિત્વને ટકાવી રાખી રહી છે, તે માનવા તૈયાર નથી.

૨ કાફિર-એ-મુર્તદ અર્થાત એવી વ્યક્તિ કે જેણે એકવાર ખુદાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય. પણ પછી તેનો અસ્વીકાર કર્યો હોય. ઇસ્લામના પ્રચારના આરંભિક યુગમાં મહંમદ સાહેબ માટે આવી ઘટનાઓ સ્વાભાવિક હતી. વળી, આજે પણ ઈશ્વર-ખુદાના અસ્તિત્વનો એકવાર સ્વીકાર કર્યા પછી નાસ્તિક વિચારધારાને સ્વીકારનાર માનવીઓ મળી આવે છે. જેમ કે સામ્યવાદી વિચારધારાને અપનાવનારા માનવી ઈશ્વરના અસ્તિત્વને માનવાનો ઇન્કાર કરે છે. પણ એક વિચાર મુજબ સામ્યવાદીઓ પણ આસ્તિક છે. કારણ કે તેમને લેનિન અને દાસ કેપિટલમા અતુટ શ્રધ્ધા છે. અને જ્યાં શ્રધ્ધા છે, ત્યાં નાસ્તિકતા નથી.

૩. કાફિર-એ- મુજાહિદ અર્થાત એવી વ્યક્તિ કે જે જાહેરમાં ઈશ્વર-ખુદાના અસ્તિત્વનો અસ્વીકાર કરતો હોય, પણ તેનું મન-હૃદય ખુદા-ઈશ્વરની હયાતીનો અહેસાસ કરતુ હોય. આપણા સૌના મનની આ સ્થિતિ છે. કયારેક ઈશ્વર-ખુદા આપણી કસોટી કરે છે. આપણા પર તકલીફો આવી પડે છે. ત્યારે આપણે સૌ એક પળ માટે ખુદા કે ભગવાનને બુરું ભલું કહેવાનું ચુકતા નથી. ત્યારે આપણમાનો નાસ્તિક એક પળ માટે અભિવ્યકત થઇ જાય છે. પણ આપણો આત્મા તો મૂળભૂત રીતે આસ્તિક જ હોય છે.

૪. કાફિર-એ-મુનાફિક અર્થાત એવી વ્યક્તિ જે જાહેરમાં ખુદના અસ્તિત્વનો સ્વીકાર કરતો હોય, પણ તેનું હૃદય-મન તેનો અસ્વીકાર કરતુ હોય. પ્રારંભિક યુગમાં ઇસ્લામના મહંમદ સાહેબ માટે આ સ્થિતિ સામાન્ય હતી. મક્કાના વાસીઓ મહંમદ સાહેબના સાત્વિક સાદગી પૂર્ણ પ્રભાવિત થઇ ખુદાના અસ્તિત્વનો સ્વીકાર કરતા. પણ તેમનું મન માનતું નહીં.

કુરાને શરીફમાં દર્શાવેલા કાફીરના આ પ્રકારો એ બાબત સ્પષ્ટ કરે છે કે કાફિર શબ્દનો ઉપયોગ ઇસ્લામમાં અધર્મી માટે જ થયો છે. વિધર્મી માટે નહી. ઇસ્લામિક ગ્રંથોમાં તેના એક દ્રષ્ટાંતો પણ જોવા મળે છે. જેમ કે  કુરાને શરીફમાં અનેકવાર સર્વધર્મ સમભાવ પર ભાર મુકતા કહેવામાં આવ્યું છે,

“દરેક યુગમાં ઈશ્વર-ખુદાનું આપેલું કોઈ ને કોઈ પુસ્તક ઉપદેશ માટે આપવામાં આવ્યું છે”

એટલે કે ખુદા કે ઇશ્વરના અસ્તિત્વ સાથે દરેક ધર્મના અનુયાયીઓ માટે અર્પેલ ધર્મ ગ્રંથનો સ્પષ્ટ સ્વીકાર કુરાને શરીફમાં કરવમાં આવ્યો છે.

કુરાને શરીફમાં આગળ કહ્યું છે,

“ખરેખર અમે દુનિયાની દરેક કોમ માટે રસુલ (ખુદાના પયગમ્બર) મોકલ્યા છે. જેનો ઉપદેશ એ જ હતો કે ખુદાની ઈબાદત (ભક્તિ) કરો  અને બુરાઈથી બચતા રહો”

કુરાને શરીફમાં કાફિર શબ્દનો પ્રયોગ થયો છે. પણ તે એવા યહુદીઓ માટે કે જેઓ પોતાના ધર્મગ્રંથ “તૌરાત” અને તેના સર્જક ખુદાને માનવાને બદલે વ્યભિચાર અને અનૈતિક જીવન જીવતા હતા. આવા અધર્મી લોકો માટે કુરાને શરીફમાં કાફિર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ટૂંકમાં, કાફિર શબ્દ કુરાને શરીફમાં કયારેય ગેર મુસ્લિમો માટે વપરાયો નથી. બલ્કે એવા લોકો માટે જ વપરાયો છે જેઓ નાસ્તિક છે. ખુદા કે ઈશ્વરે બક્ષેલ નેમતો-બક્ષિશોને જે માનવી સ્વીકારતો નથી. ખુદાનો શુક્ર અદા કરવાને બદલે ખુદાના સર્જનને નાસ્તિક જેમ જોવે છે, સ્વીકારે છે. અને મુલવે છે

તેવો શિક્ષિત કે અશિક્ષિત માનવી કાફિર છે. અને જ્યાં સુધી ખુદા કે ઈશ્વરના અસ્તિત્વનો તે અહેસાસ નથી કરતો ત્યાં સુધી તે કાફિર જ રહેશે.

1 Comment

Filed under Uncategorized

જિહાદ : હિંસા નહિ, આત્મ શુદ્ધિ

સમગ્ર વિશ્વ જે શબ્દથી નફરત કરે છે. જેના નામે માનવ હિંસા અને અત્યાચારને ધર્મ માની પુણ્યનું કાર્ય માનવમાં આવે છે. તે શબ્દ “જિહાદ” ઇસ્લામના ધર્મ ગ્રંથોમાં કેટલો પવિત્ર અને આદ્યાત્મિક અર્થ ધરાવે છે, તે સમજાવવામાં ઇસ્લામના આલિમો (જ્ઞાનીઓ ),મોલવીઓ અને શિક્ષિતો  નિષ્ફળ ગયાછે, તે સ્વીકારવું જ રહ્યું. જિહાદના નામે હિંસા આચરનારને વિશ્વમાં આતંકવાદી તરીકે ઓળખવામાં આવે છે.જેઓ પોતાની અમાનવીય અહિંસાને ન્યાયપૂર્ણ સિદ્ધ કરવા ઇસ્લામમા આત્મશુદ્ધિ માટે વાપરતા શબ્દ જિહાદ કે જેહાદનો પ્રયોગ કરે છે. હિંસા  આચરતા આવા આતંકવાદીઓ કોઈ ધર્મના અનુયાયીઓ નથી. બલ્કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. તેઓ તો પોતાના વ્યક્તિગત અને સંકુચિત વિચારોની પુષ્ટિ માટે ધર્મના નામે હિંસાનો પ્રચાર કરે છે, તેને આચરણમાં મૂકી દેશદ્રોહી કાર્ય કરે છે. અને સમગ્ર વિશ્વના મુસ્લિમોને તેમના દેશવાસીઓથી અળગા કરે છે. આ અંગે ડૉ. રફીક ઝકરિયાએ ૮ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ લખેલા એક લેખમાં લખે છે,

 

“ગેરમાર્ગે દોરાયેલા જેહાદીઓ થોડું આત્મ નિરીક્ષણ કરે, એ સમય આવી ગયો છે. તેમના તાજેતરમાં આત્મઘાતી કુત્યોને કારણે વિશ્વભરના મુસ્લિમો પ્રતિ દુર્ભાવ અને તિરસ્કારનું મોજું ફરી વળ્યું છે.તેઓ દરેક સ્થળે અને અને ક્ષેત્રમાં શંકાસ્પદ અને અવિશ્વાસને પાત્ર બન્યા છે. ખુદ ઇસ્લામ જાણે બર્બર અને અમાનુષી ધર્મ હોય તેવી છાપ ઊભી થઇ છે.કોઈકે કહ્યું છે “કાંઈ બધા જ મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધાજ આતંકવાદીઓ મુસ્લિમ હોવાનું માલુમ પડે છે” આ વિધાન બિન-મુસ્લિમોના મુસ્લિમો પ્રતિના વલણના સાર રૂપ છે. આંતકવાદઓ અને તેમને  સમર્થન આપનારાઓએ જરા થોભીને વિચારવું જોઈએ કે ખરેખર શું તેમની જેહાદ તે પાછળના  ઉદેશને સિદ્ધ કરી શકે છે ખરી ? જેહાદીઓ જે કરી રહ્યા છે તેનું કરુણ પરિણામ તો એ છે કે વિશ્વભરમા બિનમુસ્લિમો મુસ્લિમોથી વિમુખ થઇ ગયા છે.”

ઉપરોક્ત બાબત એ સૂચવે છે કે  “જેહાદ”ના નામે આચારવામા આવતી હિંસાને કારણે સમગ્ર વિશ્વના મુસ્લિમો શરમિંદા બને છે. અને મુખ્ય પ્રવાહમાં જોડવામાં તેમણે પહાડ જેવો સંધર્ષ કરવો પડે છે.વળી, જેહાદ જેવા આઘ્યાત્મિક શબ્દનો સાચો અર્થ મુસ્લિમ સમાજમાં પ્રચલિત કે જાણીતો ન હોવાને કારણે સામન્ય મુસ્લિમ બિન મુસ્લિમને તેની સમજ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યો છે.

જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ, અને આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ અંગે ફરમાવ્યું છે,

 “તમારી નફસ(આત્મા) સામે જેહાદ કરો.”

મોહ, માયા, ઇરછા, આકાંક્ષાઓ તમન્નાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જેહાદ. જેહાદ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે. પરંતુ આખા ગ્રંથમાં કયાંય એ શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે.

ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા, અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ પઢીને, રોજા(ઉપવાસ) રાખીને, બીજાઓને દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને સદ્ઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કર્યો માટેનો સંનિષ્ઠ પ્રયાસ એટલે જેહાદ.

આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“સબ્ર સાથે જેહાદ કરો.”

 જે મુસ્લિમોએ પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાના ઘરબાર છોડીને ઇથિયોપિયાના ખ્રિસ્તી બાદશાહનું શરણ લીધું હતું, તેમના એ કાર્યને પણ જેહાદ કહેવામાં આવેલ છે.

ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ (સ.બ.વ.)ના અનેક કિસ્સાઓ, સંવાદો જિહાદ કે જેહાદનો આ જ અર્થ વ્યકત કરે છે. કુરાને શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતા ખુદાએ કહ્યું છે,

 “જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સરચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જેહાદ ચાલુ રાખો.”

હજરત આઈશા (રહિ.) એ એકવાર મહંમદ સાહેબ (સ.બ.વ.)ને પૂછ્યું,

 “યા રસુલિલ્લાહ, તમે જેહાદને સૌથી શ્રેષ્ઠ અમલ ગણો છો, તો શું અમારે તે ન કરવી?”

મહંમદ સાહેબ (સ.બ.વ.) એ ફરમાવ્યું,

 “સર્વશ્રેષ્ઠ જેહાદ ‘હજજે મબરૂર’ છે.” અર્થાત્ હજ દ્વારા ગુનાહોની મુકિત સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.

મહંમદ સાહેબને એક વાર કોઈકે પૂછ્યું,

 “સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) કોણ?”

આપે ફરમાવ્યું,

 ‘એ મુસ્લિમ જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.”

સહાબીએ વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, ‘એટલે શું?’

મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ફરમાવ્યું,

 “અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે કે જે માણસ દિવસના રોજા રાખે છે અને રાત્રે ખુદાની ઇબાદતમાં લીન રહે છે.”

એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું,

 “સૌથી મોટી જેહાદ કઈ?”

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,

“સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે?”

ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને “જેહાદ-એ-અકબરી”તરીકે ઓળખાવેલ છે. આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામકરી નહીં.

કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે. પણ જયાં જયાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને “કેતાલ” શબ્દ વપરાયો છે.અરબી શબ્દ “કેતાલ” નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ અર્થાત સશસ્ત્ર લડાઈ.

જેહાદ શબ્દનો આવો આઘ્યાત્મિક અર્થ જયારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઇસ્લામ સાથે જોડવાની અને ઇસ્લામને બદનામ કરવાની પરંપરા અવશ્ય બંધ થશે.

2 Comments

April 22, 2014 · 2:05 PM

After the Inauguration of National Seminar Lecture on “Relevancy of Gandhi in Present India “at Mahila College, Yamunanagar (Haryana)

Leave a comment

April 13, 2014 · 2:38 PM

Lecture on “Muzako Sanmati De Bhagvan”at Khedbrmah College

Leave a comment

April 3, 2014 · 10:29 AM

ઉત્તમ ધર્મ : પાડોશી ધર્મ

‘પાડોશી’ શબ્દ વ્યકિત અને રાષ્ટ્ર બંને માટે અત્યંત મહત્વનો છે. સારો પાડોશી દેશ જેમ આપણા દેશના સુખ, દુઃખ અને વિકાસનો ભાગીદાર બને છે, તેમજ સારો નિવાસી પાડોશી પણ સ્વજન કરતાં સવાયો હોય છે. અને એટલે જ દરેક ધર્મમાં “પાડોશી ધર્મ” નો મહિમા વ્યકત થયો છે. પાડોશી ભલો હોય કે બૂરો હોય પણ તે આપણો સાચો હમદર્દ હોય છે. મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાઓને પહોંચતા વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશી હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ નથી હોતો. એવા ભેદભાવને કેન્દ્રમાં રાખનાર માનવી પાડોશીની મહત્તા ઓછી આંકે છે. તેને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે. ઇન્સાનિયત છે.

ઇસ્લામે પણ પાડોશીને અત્યંત મહત્વનો દરજ્જો આપ્યો છે. કુરાને શરીફમા વિવિધ પ્રકારના પાડોશીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઇસ્લામિક ગ્રંથોમાં પાડોશી ધર્મ બજાવનારા એક અજ્ઞાની પણ લાગણીસભર મોચીની કથા બહુ જાણીતી છે. 

હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક હજજ પછી મક્કામા આરામ ફરમાવી રહ્યા હતા. અને તેમની આંખ લાગી ગઈ. સ્વપ્નમા તેમણે બે ફરિશ્તાઓને વાતો કરતા સંભાળ્યા. એક બોલ્યો,

“આ વખતે કેટલા લોકો હજજ કરવા આવ્યા છે ?”

બીજાએ જવાબ આપ્યો,

“લગભગ એક લાખ લોકોએ આ વખતે હજજ અદા કરી છે”

પહેલાએ પૂછ્યું,

“આ એક લાખ હાજીઓમાંથી ખુદાએ કોની હજજ કબુલ કરી છે ?”

બીજાએ જવાબ આપ્યો,

“એક પણની નહિ. આ વખતે તો દમિશકના એક મોચી જે હજજ અદા કરવા મક્કા આવ્યા પણ નથી, તેની હજજ ખુદાતાલાએ કબુલ કરી છે”

અને હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકની આંખ ખુલી ગઈ. સ્વપ્નમા જોયેલ, સાંભળેલી હકીકતની જાત તપાસ કરવાની તમન્નાએ તેઓ દમિશ્કના એ મોચીને ત્યાં પહોંચ્યા. મોચી તો જોડા સીવવાના પોતાના કામમાં રત હતો. મોચીને દુવા સલામ કરી હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકે કહ્યું,

“આ વર્ષે હજજ કરવા આવેલા એક લાખ ઇન્સાનોમાંથી કોઈની હજજ ખુદાતાલાએ કબુલ કરી નથી. પણ આપની હજજ ખુદાએ દમિશ્કમા બેઠા બેઠા કબુલ કરી છે. અને તેનો સવાબ (પુણ્ય) ખુદાતાલાએ દમિશ્કમા બેઠા બેઠા આપને આપ્યો છે. તમે એવી તો કેવી ઈબાદત કરી કે હજજ કર્યા વગર હજજનો સવાબ ખુદાતાલાએ તમને આપ્યો ?”

ગરીબ મોચી પ્રથમ તો થોડો ગભરાયો. નવાઇ પામ્યો. પછી થોડીવારે સ્વસ્થ થતાં બોલ્યું,

‘હજયાત્રા કરવાની તમન્નાથી મેં મારી હલાલની કમાઈમાંથી થોડા થોડા પૈસા જમા કર્યા હતા. પણ થોડા દિવસ પહેલાં જ મારા પાડોશીની હાલતની મને જાણ થઈ. સાત સાત દિવસથી તેમનો ચૂલો ટાઢો હતો. બાલ બચ્ચાઓ ભૂખ્યાં ટળવળતાં હતાં. તે જોઈ મારું હૃદય કકળી ઉઠયું. અને મેં હજયાત્રા માટે જમા કરેલા પૈસા તેમને આપી દીધા.’

કુરાને શરીફમાં પાડોશીનો ખાસ ઉલ્લેખ છે. તેની મહત્તાનો સ્વીકાર કરી, તે અંગે વિસ્તૃત વિવરણ પણ આપવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પાડોશીઓના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે.૧.‘વલા જારે ઝિલ કુરબા’અર્થાત્ એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સ્વજન-સગાં પણ હોય.‘વલા જાહિલ ઝુનુબે’અર્થાત્ એવા પાડોશી જે કૌટુંબિક સગાંસંબંધી ન હોય. પણ માત્ર પાડોશી જ હોય. આવા પાડોશીમાં ગેરમુસ્લિમ પાડોશીનો પણ સમાવેશ થાય છે.૩.‘વસ્સાહિલે બિલજમ્બે’અર્થાત્ એવા પાડોશી જેનો  મુસાફરીમાં, સંજોગોવશાત દફતરમાં કે અન્ય કોઈ રીતે ભટો થઈ ગયો હોય. આમાં હિંદુ, શીખ કે ઈસાઈ વગેરે જેવા ગેરમુસ્લિમ પાડોશીનો સમાવેશ થાય છે.આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામે સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપ્યો છે. અને કહ્યું છે,

‘ જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઇમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કંઈ પણ દુ:ખ કે તકલીફ આપવા ન જોઈએ.’એકવાર એક સહાબીએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી,

‘હજૂર, તે સ્ત્રી ઘણી નમાઝો પઢે છે. પાબંદીથી રોઝા રાખે છે. અતિશય ખેરાત(દાન) કરે છે. પરંતુ પોતાની કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.’ આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,

 ‘તે સ્ત્રી દોઝકમાં જશે. કારણે કે તે સાચો મુસ્લિમ નથી. જેનો પાડોશી તેની શરારતોથી પરેશાન હોય.”

પાડોશી સાથેના સંબંધો અંગે તો મહંમદ સાહેબે (સ.અ.વ.) ત્યાં સુધી તાકીદ ફરમાવી છે, ‘જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જો તમે તેમ ન કરી શકો તો તે ફળોનાં છોતરાં તમારા પાડોશીની નજરમાં આવે તેમ બહાર ફેંકશો નહીં. જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.’

એક વખત મહંમદ પયગમ્બર સાહેબે (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું,

“સાચો મોમીન થવા માંગતો હોય તો તારા પાડોશીનું ભલું કર અને સાચો મુસ્લિમ થવા માંગતો હોય તો જે તારા માટે સારું માનતો હોય તેજ સૌને માટે કર”

“જો તમારા પાડોશીઓ તમને સારા કહે તો તું ખરેખર સારો માણસ છે અને જો તારા  પાડોશીનો અભિપ્રાયો તારા માટે ખરાબ હોય તો તું ખરાબ માણસ છે”

પાડોશી ધર્મ માટેની આ હિદાયાતોનો જો સાચા અર્થમાં આજે પણ અમલ થશે તો નાતજાત કે ધર્મની દીવાલો આપોઆપ ઓગળી જશે.

1 Comment

Filed under Uncategorized