Monthly Archives: January 2014

સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ : વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઘણા વર્ષો પૂર્વે હું સુરતમાં આવેલ અલ જામિયા તુસ સેફીયાહ (સ્થાપના ૧૮૧૪) નામક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાની મુલાકાતે ગયો હતો. ઇસ્લામિક સહશિક્ષણઆપતી સુસજ્જ ઇસ્લામિક સંસ્થા જોઈને હું અત્યંત પ્રભાવિત થયો અને અનાયાસે જ મે સંસ્થા બતાવી રહેલા મૌલવી સાહેબને પૂછ્યું,

“આવી અત્યાધુનિક ઇસ્લામિક શિક્ષણ સંસ્થાનું સંચાલન કોણ કરે છે”

જવાબ મળ્યો,

“સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ”

ઇસ્લામિક કેલેન્ડર મુજબ ૧૦૨ વર્ષનું લાંબુ પણ અર્થપૂર્ણ જીવન વિતાવી અલ્લાહની બર્ગાહમા ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પ્રસ્થાન કરનાર સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ( ૧૯૧૫-૨૦૧૪) ઇસ્લામના શિયા સંપ્રદાયના દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ હતા. આમ તો દાઉદી વોહરા કોમ ભારત અને વિશ્વમાં પથરાયેલી છે. પણ ગુજરાત તળપદમાં અમદાવાદ, અહમદનગર, બાલાસીનોર, કપડવંજ, વિરમગામ પાસે ભોજવા, ભરુચ , ખંભાત, દાહોદ, ગોધરા, ઘોઘા, લુણાવાડા, નવસારી, સુરત, વડોદરામા તેઓ મોટી સંખ્યામા જોવા મળે છે. એ જ રીતે સૌરાષ્ટ્રમા ભાવનગર, લીમડી, રાજકોટ, જુનાગઢ, અને વઢવાણમાં પર તેમની વસ્તી છે. કચ્છમાં ભુજ અને માંડવીમાં પણ તેમનો વસવાટ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સમાજના ધર્મગુરુને દાઈ કહેવામાં આવે છે. દાઈના ઉચ્ચ સ્થાન પછી માઝન, મુશબિર, મશાયખ અને મુલ્લાની ધાર્મિક પદવીઓ હોય છે.

સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ દાઉદી વોહરા કોમના બાવનમાં દાઈ હતા. ૬ માર્ચ ૧૯૧૫ના રોજ સુરતમાં જન્મેલ  સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબે માત્ર છ વર્ષની વયે કુરાને શરીફનું પઠન શરુ કર્યું. માત્ર ૨૦ વર્ષની વયે કુરાને શરીફ કંઠસ્થ કરી નાખ્યું. ૧૫ વર્ષની વયે હજ અદા કરી અને “બુરહાનુદ્દીન” નો ખિતાબ (લકબ) હાસલ કર્યો. ૧૯૩૫મા તેઓ હાફીઝ થયા. બે વર્ષ બાદ તેમના નિકાહ અમાતુલ્લાહ આઈ સાથે થયા. તેનાથી તેમને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ થઇ. આજે પણ તેમનું સમગ્ર કુટુંબ મુંબઈમા આવેલ સેફી મહેલમાં નિવાસ કરે છે.

૧૯૬૫મા તેમના પિતા જનાબ તાહિર સેફૂદ્દીનનું અવસાન થતા તેઓ દાઉદી વહોરા સમાજના બાવનમાં દાઈ બન્યા હતા. ૨૦૧૧મા માં તેમના ૧૦૦મા જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમા કરવામાં આવી. દાઉદી વોરા સમાજના આવા પ્રગતિશીલ ધર્મગુરુ સમાજમાં વિચારોની ક્રાંતિ લાવવામાં અગ્ર રહ્યા હતા. જે યુગમાં ઇસ્લામમાં સ્ત્રી શિક્ષણની વાતો માત્ર હવામાં હતી ત્યારે સ્ત્રી શિક્ષણની પહેલ કરનાર સૈયદના સાહેબ હતા. સમૂહ લગ્નોનો વિચાર મુસ્લિમ સમાજમાં વહેતો કરી અમલમાં મુકનાર પણ સૈયદના સાહેબ હતા. આજે મુસ્લિમ સમાજ નોકરી કરતા વ્યવસાય તરફ દોરાયો છે. પણ સૌ પ્રથમ એ વિચાર આપનારા સૈયદના સાહેબ હતા. જેમણે “મુસ્લિમો માટે શિક્ષણ પછી ઉત્તમ માર્ગ વ્યવસાય છે” એમ કહીએ વોહરા સમાજને વ્યવસાય તરફ વાળ્યો હતો. આજે મુસ્લિમ સમાજના યુવાનો એ માર્ગે કદમો માંડી રહ્યા છે. વિશ્વમા  આરંભાયેલ ઇસ્લામિક બેન્કિગ પ્રથાના તેઓ પ્રખર હિમાયતી હતા. પોતાના સમાજમા વ્યાજ મુક્ત લોન આપવાની પ્રથાનો તેમણે આરંભ કર્યો. અને એ રીતે વોહરા સમાજના આર્થિક વિકાસને તેમણે વેગ આપ્યો હતો.  

તેમની આવી દીર્ઘ દ્રષ્ટિને કારણે જ સૈયદના સાહેબ દાઈ બન્યા પછી દાઉદી વહોરા સમાજે વિકાસની હરણફાળ ભરી છે. તેમના દાઈ તરીકેના ૪૯ વર્ષના શાસનકાળ દરમિયાન દાઉદી વોરા સમાજે શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય રીતે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. આજે દાઉદી વોહરા સમાજ દરેક ક્ષેત્રમાં આગળ છે. વેપારી અને સુસંસ્કૃત કોમ તરીકે વિશ્વમાં તેમનું માન અને સ્થાન છે. જેમા સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો ફાળો નાનોસુનો નથી. પોતાના સમાજના વિકાસને જીવનભર કેન્દ્રમા રાખનાર મહંમદ બુરહાનુદ્દીન સાહેબ પોતે ઉચ્ચ શિક્ષણ ધારક હતા. ૧૯૯૯મા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા. તેમને વિશ્વની અનેક ઉચ્ચ શિક્ષણિક સંસ્થાઓએ માનદ ડીગ્રી આપી છે. જેમ કે અલ અઝહર યુનિવર્સિટી, ઇજીપ્તે “ડોકટર ઓફ ઇસ્લામિક સાઈન્સ” અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ “ડોકટર ઓફ થિયોલોજી” યુનિવર્સિટી ઓફ કરાંચી એ “ડોક્ટર ઓફ લિટરેચર”ની પદવીથી બિરદાવ્યા છે. વિશ્વના અનેક દેશોમાં તેમણે ૪૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓની  સંસ્થાઓની સ્થાપના કરેલ છે. ૧૯૮૩મા કરાંચીમા એરેબીક યુનિવર્સિટીની શાખાનો તેમણે જ આરંભ કરાવ્યો હતો.

આવા મહામાનવની દ્રષ્ટિ આમ અને ખાસ બંને બાજુ રહી છે. એક બાજુ એ મુંબઈના મધ્યમાં વર્ગના વોહરા સમાજ માટે સસ્તા દરના ફ્લેટો બનાવે છે, તો બીજી બાજુ કેરો (ઈજીપ્ત)મા આવેલ મસ્જિત ઓફ અલ હકીમનું નવનિર્માણ (૧૯૮૦) પણ કરે છે. નોર્થ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વના ભાગોમાં વોહરા કોમ માટે મસ્જીતોનું નિર્માણ પણ કરે છે. એ સાથે પોતાની કોમ માટે સેફી બુરહાની ઉત્કર્ષ ટ્રસ્ટની મુંબઈમાં સ્થાપના પણ કરે છે. જેણે વોહરા સમાજના આર્થિક વિકાસમાં અદભુદ પ્રદાન કરેલ છે. એ જ મહામાનવ ૨૦૦૫મા મુંબઈમા વિશ્વની આધુનિક સૈફી હોસ્પિટલનું નિર્માણ પણ કરે છે.

વિશ્વના અનેક દેશોએ આ મહામાનવને ઇલ્કાબો અને માન-ચાંદ આપી તેમના કાર્યોને બિરદાવે છે. જોર્ડન તેમને “સ્ટાર ઓફ જોર્ડન”નો ખિતાબ આપેલ છે. ઇજીપ્તે તેમને  “નિશાન અલ નીલ”નો ઈલ્કાબ આપેલ છે. યુનાઈટેડ સ્ટેટના ટેક્સાસે તેમને “સ્ટાર ઓફ ટેક્સાસ” નો એવોર્ડ આપેલ છે. જયારે મડાગાસ્કારે તેમને “ધી ગ્રાન્ડ ક્રોસ”નો ઈલ્કાબ આપેલ છે.

૧૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી તેમની ગાદી માટે વારસા વિગ્રહના સમાચારો વહેતા થયા છે. પણ એ ઘટનાને સ્વાભાવિક ગણી શિયા દાઉદી વોહરા સમાજને તેમના માર્ગે ચાલવા ખુદાતઆલા નેક હિદાયત બક્ષે એ જ દુવા : આમીન.

Leave a comment

Filed under Uncategorized