Monthly Archives: April 2012

ભીમજી પારેખ : ગાંધીયુગ પૂર્વેનો સત્યાગ્રહી : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતના બંદરીય ઇતિહાસમાં ભીમજી પારેખ (૧૬૧૦-૧૬૮૦)નું નામ મોખરે છે. ભીમજી પારેખ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા. પણ તેમના પૌત્ર જગન્નાથ દાસે જૈન કન્યા સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ

તેમના વંશજોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. સુરત બંદરને વિકસાવનાર ભીમજી પારેખ અને વીરજી વોરા (૧૫૮૫-૧૬૭૦) બંને મિત્રો હતા. ગુજરાતના મોટા દરિયાઈ વેપારી તરીકે ભીમજી પારેખના અનેક વહાણો  હિંદી મહાસાગરમા ઘૂમતા હતા. જેમ ગુજરાતના બંદરીય વેપારી વીરજી વોરાએ સમગ્ર હિંદમાં ચા અને કોફીને લોકપ્રિય બનાવ્યા હતા. એ જ રીતે ભીમજી પારેખે ગુજરાતમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ સ્થાપવાના ઈ.સ. ૧૬૭૨મા મરણીયા પ્રયાસો કર્યા હતા. એ માટે તેમણે તેમના અંગ્રેજ મિત્રોની મદદથી લંડનના પ્રિન્ટીગ ટેકનોલોજીસ્ત હેન્રી હિલ્સનો સંપર્ક સાધ્યો હતો. અને તેણે ગુજરાતમા પ્રિન્ટીગ પ્રેસ સ્થાપવા સવેતન નિમંત્રણ પાઠવ્યું. તે સુરત આવ્યો અને પ્રેસ સ્થાપવાની શરૂઆત કરી હતી. લોખંડના બીબામાં તેણે ગુજરાતી શબ્દો કોતરવા માંડ્યા. પણ તેના એક મિત્ર ડૉ. જોહન ફાયરે તેને તેમ કરતા અટકાવ્યો અને કહ્યું,

“આમ કરવાથી ગુજરાતી વેપારીઓ અંગ્રેજો સામે બમણા વેગથી વેપારી સ્પર્ધા કરશે”

પરિણામે હેન્રી હિલ્સને તેના કાર્યના પૂરતા નાણા મળતા હોવા છતાં તે પોતાનો કરાર પુરો કર્યા વગર જ લંડન જતો રહ્યો. આમ ભારતમાં સૌ પ્રથમ ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ નાખવાના ભીમજી પારેખના અરમાનો અધૂરા રહી ગયા. આ જ કરોડપતિ ભીમજી પારેખને ગાંધી યુગ પૂર્વેના સત્યાગ્રહી બનવાનું માન પ્રાપ્ત થયું છે. એ ઘટના પણ ગુજરાતના ઇતિહાસનું વણ લખાયેલું અને સૌથી અજાણ પ્રકરણ છે. 

ઈ.સ ૧૬૬૯મા ભારતમાં મુઘલ શાસન હતું. દિલ્હીમાં ઔરંગઝેબ બાદશાહ હતો. તેની ધર્માંધ શાસક તરીકેની છાપ સમગ્ર હિંદમાં પ્રસરેલી હતી. પરિણામે તેને ખુશ કરવા કાઝી,મૌલવી અને ઇસ્લામ ધર્મના વડાઓ સતત પ્રયત્નશીલ રહેતા. એ જ અરસામાં સુરતમાં પણ એવી જ એક ઘટના બની. સુરતમા બાદશાહ ઔરંગઝેબને ખુશ કરવા એક કાઝીએ બે હિંદુ અને એક જૈન વેપારીને વટલાવી તેમને ઇસ્લામ અંગીકાર કરાવ્યો. તેના કારણે એક જણે આત્મહત્યા કરી.તેના પડઘા આખા સુરતમાં પડ્યા. શહેરમાં હાહાકાર મચી ગયો. અને સુરતની પ્રજાએ ભીમજી પારેખ અને વીરજી વોરાના નેતૃત્વમાં સત્યાગ્રહ આરંભ્યો. વીરજી વોરા એ સમયે ઘણાં વૃદ્ધ હતા. એટલે સમગ્ર સત્યાગ્રહની નેતાગીરી ભીમજી પારેખે લીધી. વ્યાપારી મહાજનો, કારીગરોના પંચો અને આમ પ્રજા એકત્રિત થયા. અને ભીમજી પારેખે “સુરત બંધ”નું એલાન આપ્યું. નગરની તમામ દુકાનોને તાળા લાગી ગયા. હંમેશા વેપારથી ધમધમતું બંદર સુમસામ બની ગયું. ઔરંગઝેબને ખુશ કરવાની ધાર્મિક વડાઓની નીતિનો શાંતિ પૂર્ણ માર્ગે સખત વિરોધ થયો. સુરતની પ્રજાએ પોતાના શાંતિ પૂર્ણ વિરોધ દ્વારા પોતાની શક્તિનો પરચો મુઘલ શાસકોને બતાવી દીધો. ૯ જુલાઈ ૧૬૬૯ના રોજ સુરતીઓએ સપૂર્ણ હડતાલ પાડી. ત્રણ મહિના ચાલેલ આ સત્યાગ્રહને નજરો નજર નિહાળનાર સુરતની કોઠીના પ્રમુખ જીરાલ્ડ ઔગિયરે તેનો અહેવાલ લંડન સ્થિત ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સંચાલક મંડળને મોકલતા લખ્યું,

“સુરતમાં લાંબા સમયથી તાળાબંધી પ્રવર્તે છે. હડતાલને લીધે ટંકશાળ અને કસ્ટમ હાઉસ સુના પડ્યા છે. શાકભાજી અને અનાજ કરિયાણું મળવું અશકય બન્યું છે. જે સુરત બંદર વેપારી પ્રવૃતિઓથી ધમધમતું હતું તે સ્મશાન જેવું શાંત બની ગયું છે. આપણો અને ડચ લોકોનો વેપારધંધો પણ ખોરવાઈ ગયો છે. નુરુદ્દીન કાઝી અને ઔરંગઝેબ મુઝવણમાં મુકાયા છે”

ત્રણ માસ ચાલેલ આ શાંત હડતાલની પરાકાષ્ટા તો ત્યારે આવી જયારે સુરતના ૮૦૦૦ વેપારીઓ

૨૪-૯-૧૬૬૯ના રોજ સુરતથી હિજરત કરી ભરુચ ચાલ્યા ગયા. ભરૂચના પ્રગતિશીલ વહીવટકર્તા અને વેપારીઓએ તેમને આવકાર્ય. અને ધર્મ પરિવર્તન કરાવનાર સુરતના કાઝી નુરુદ્દીનને એક પત્ર પાઠવ્યો. જેમા લખ્યું હતું,

“મુઘલોની જાહોજલાલી આ વેપારીઓ અને તેમના વેપારને લીધે છે. ધર્મના આડંબરો કરતા લક્ષ્મી વધારે મહત્વની છે”

હડતાલ લાંબો સમય ચાલતા છેક દિલ્હી સુધી વાત પહોંચી. ઔરંગઝેબ ધર્મ ચુસ્ત હતો પણ ધર્માંધ ન હતો. અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેણે સમગ્ર ઘટનાની તપાસ કરવા સુરત ખાસ અધિકારીઓને મોકલ્યા. તપાસને અંતે તેને  જાણવા મળ્યું કે કાઝી નુરુદ્દીનને બાદશાહને માત્ર ખુશ કરવા જ આવું બેજવાબદાર કાર્ય કર્યું છે. પરિણામે ઔરંગઝેબે એક ખાસ ફરમાન બહાર પાડ્યું. જેમાં સુરતની પ્રજાજોગ સંદેશ આપતા કહેવામાં આવ્યું હતું,

“તમે બધા શાંતિથી વેપારધંધો કરો. અને નિર્ભય રીતે સુખચેનથી રહો. હવે પછી આવો કોઈ અપરાધ મારા રાજ્યમાં નહિ થાય તેની ખાતરી રાખજો” 

બાદશાહના ફરમાન પછી હિજરત કરી ભરુચ ગયેલા તમામ વેપારીઓ સુરત પરત આવ્યા. અને સુરતમાં પુનઃ વેપારધંધાનો સુખરૂપ આરંભ થયો. સુરત શહેર અને તેના નગરજનોની આ ખુમારીએ  જ તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેના પાયામાં ભીમજી પારેખ જેવા અહિંસાના ચાહક અને વિકાસશીલ વેપારીઓ છે. ગાંધીજીના જન્મ પૂર્વે ૨૦૦ પહેલા ગાંધી માર્ગે સત્યાગ્રહ કરનાર ભીમજી પારેખને અલબત્ત ગુજરાતના ઇતિહાસમાં હજુ કોઈ ઝાઝું ઓળખતું નથી. પરિણામે તેમનું પ્રદાન ગુજરાતની આમ પ્રજા સુધી નથી પહોંચ્યું. પણ તેથી તેમના સામાજિક કે આર્થિક પ્રદાનનું મુલ્ય જરા પણ ઓછું થતું નથી.  

Advertisements

Leave a comment

Filed under Uncategorized

મૌલવી અબ્દૂલ ગફુર : ગુજરાતનો વિખ્યાત દરિયાઈ વેપારી : ડૉ. મહેબૂબ દેસાઈ

ફતેહ-ઈ-ગંજ, અહમદી, ફતેહ-ઈ-મુરાદ, ગંજે જોહર, ફતેહ, ફતેહ-ઈ-બક્ષી, હુસૈની, ફૈઝબક્ષ, કરીમી, ફતેહ-ઈ-મુહમદી અને ગંજ-ઇ-બક્ષ જેવા ૧૪૦૦ થી ૬૦૦ ટનના અગિયાર માલવાહક દરિયાઈ જહાજોના માલિક મૌલાના અબ્દૂલ ગફુર (૧૬૨૨-૧૭૧૮)ને ગુજરાતનો આમ અને ખાસ મુસ્લિમ ઓળખતો નથી. ગુજરાતના દરિયાઈ વેપારના ઇતિહાસમાં પોતાનું આગવું નામ અને પ્રતિમા ઉભી કરનાર મૌલવી અબ્દૂલ ગફુર અંગે ગુજરાતના ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાના હાલમાં જ પ્રસિદ્ધ થયેલા “ગુજરાત અને દરીયો” (દર્શક ઇતિહાસ નિધિ)નામક પુસ્તકમા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આમ તો મૌલવીનું મુખ્ય કાર્ય મસ્જિતમા નમાઝ પઢાવવાનું અને મુસ્લિમ બાળકોને મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ આપવાનું જ હોય છે. સમાજ તેથી વધુ અપેક્ષા તેની પાસે નથી રાખતો. પણ મૌલવી અબ્દૂલ ગફૂરે પોતાના માર્યાદિત કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળી મદ્રેસામાં બાળકોને શિક્ષણ આપતા આપતા એક વિશાળ વેપારી સામ્રાજ્ય ઉભું કર્યું હતું.

ઈ.સ. ૧૭૦૭મા સમગ્ર સુરત બંદર ઉપર પોતાની ધાક જમાવનાર મૌલવી અબ્દૂલ ગફૂરના પૂર્વજો મૂળ અણહીલવાડ પાટણના પટણી સુન્ની વહોરા હતા. મહંમદ બેગડાના સમય( ૧૪૫૯-૧૫૧૧)મા પાટણમા આવી વસ્યા હતા. એ જ સમય દરમિયાન સુરતનો એક બંદર તરીકે વિકાસ થયો. તેનો લાભ લેવા સુન્ની વહોરા પટણીઓએ શાહજહાના સમયમાં ઈ.સ. ૧૬૫૨મા સુરતમાં સ્થળાંતર કર્યું.  અને પોતાના ધાર્મિક શિક્ષણ અને નમાઝ પઢાવવાના કાર્ય દ્વારા જીવન નિર્વાહ કરવા લાગ્યા. અબ્દૂલ ગફૂરના વંશજો પણ આ જ કાર્ય કરતા હતા. પરિણામે તેમના નામ આગળ હંમેશા “મૌલવી” શબ્દનો પ્રયોગ થતો રહ્યો. મૌલવીના કાર્યને અંજામ આપતા આપતા અબ્દુક ગફૂરે દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવાનું કાર્ય નાના પાયે શરુ કર્યું. અને જોત જોતામાં તે ૧૧ દરિયાઈ માલ વાહક જહાજોનો માલિક બની ગયો.તેના જહાજો ઇસ્ફ્હાન, અબ્બાસ, મસ્કત, જિદ્દાહ, એડન, સોકોત્રા, મોચા, અને છેક કોન્સ્ટેટીનોપોલ જેવા દૂર રાતા સમુદ્રમા આવેલા બંદરો સુધી માલ લઈને જતા. વળી, પૂર્વ આફ્રિકાના બંદરો સાથે પણ તેના ઘાટા વેપારી સંબંધો હતા. મૌલવી અબ્દૂલ ગફૂરના અંગ્રેજી મિત્ર એલેક્ઝાન્ડર હેમિલ્ટન આ અંગે લખે છે,

” મૌલવી અબ્દૂલ ગફુર મારો મિત્ર છે. તે ૧૯ વાહણોનો માલિક છે. તે હિન્દી મહાસાગરમાં ઘૂમ્યા કરે છે. તે ડચ અને અંગ્રેજ પ્રતિસ્પર્ધીઓને હંફાવે છે. તેની નોકરીમાં અસંખ્ય નાખુદાઓ છે. એકલા અબ્દૂલ ગફૂરનો વેપાર ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સઘળા વેપાર કરતા વધારે બહોળો છે.”

મુઘલ બાદશાહ ઔરંગઝેબએ અબ્દૂલ ગફુરનું મહત્વ સ્વીકારી તેને “માલેકુલ-તુજ્જર” અર્થાત સર્વશ્રેષ્ઠ શક્તિશાળી વેપારી(બિઝનેસ ટાયકુન)નો ખ્તાબ આપ્યો હતો.

અંગ્રેજ અને ડચ દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થતી માહિતીના આધારે આસીન દાસ ગુપ્તાએ પણ તેમના ગ્રંથમા લખ્યું છે,

“હિંદી મહાસાગરમાં મૌલવી અબ્દુલના ગફૂરના વહાણો પ્રવૃત હતા. સમગ્ર સુરત બંદર ઉપર અબ્દૂલ ગફૂરનું પ્રભુત્વ હતું. ઈ.સ. ૧૭૦૧મા તેના કુલ વહાણોમાંથી ૧૧ના જ નામો આજે ઉપલબ્ધ છે” 

ગુજરાતના ઇતિહાસમાં દરિયાઈ જહાજોના વેપારી તરીકે વીરજી વોરા અને ભીમજી પારેખના નામો   બહુ જાણીતા છે. તેમની સાથેના મૌલવી અબ્દૂલ ગફૂરના સંબંધો અત્યંત સુમેળ ભર્યા હતા.વેપારની અનેક બારીકીઓથી આ બંને વેપારીઓને સજાગ રાખનાર મૌલવી અબ્દૂલ ગફુર અંગે કમનસીબે  ગુજરાતના ઇતિહાસમાં બહુ અલ્પ નોંધ લેવાઈ છે. મૌલવી હોવા છતાં અબ્દૂલ ગફૂરે વેપાર અને રાજકારણ સાથે અદભુદ સુમેળ સાધ્યો હતો. વીરજી વોરાની જેમ જ અબ્દૂલ ગફૂરે પણ તેના સમયના રાજકારણીઓ સાથે નજીકના સંબંધો જાળવી રાખ્યા હતા. જયારે તેમના કેટલાક જહાજો લુંટાયા, ત્યારે મૌલવી અબ્દુલે મુઘલ વહીવટી તંત્રની મદદથી ઈ.સ. ૧૬૯૩, ૧૬૯૯, ૧૭૦૧ અને ૧૭૦૬મા ડચ અને અગ્રેજ વેપારીઓને કેદમાં પુરાવી દરિયાઈ લુંટ બદલ વળતરની મોટી રકમ વસુલ કરી હતી. મૌલવી અબ્દૂલ ગફૂરે તાપી નદી પાસે એક મહોલ્લો વિકસાવ્યો હતો. જે આજે પણ સુરતમાં “મુલ્લા ચકલા” તરીકે જાણીતો છે. તેણે સુરતના ભાગોળ તરફ વિશાળ અને સુંદર બગીચો પણ બનાવ્યો હતો. ડુમસ, અઠવા અને સુંવાળી બંદરના ઓવારા પાસે વહાણો લંગારવા માટે તેણે ધક્કા બંધાવ્યા હતા. દરિયાઈ વેપારમાં એ સમયે કરોડપતિ તરીકે ગુજરાતના બે જ વેપારીઓના નામો અગ્ર હતા. વીરજી વોરા અને મૌલવી અબ્દૂલ. એ સમયે વીરજી વોરાની એકથી દોઢ કરોડ અને અબ્દૂલ ગફૂરની મિલકત ૮૫ લાખની હતી.

૯૬ વર્ષની વયે ૩ જાન્યુઆરી ૧૭૧૮ના રોજ તેમનું અવસાન થયું ત્યારે કોઈ પણ જાતના નાતજાત કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર સુરતે તેમના જનાજાને કાંધો આપ્યો હતો. એ દિવસે સમગ્ર શહેર ઘેરા શોકમાં ડૂબી ગયું હતું, અંગ્રેજ અને ડચ કોઠીવાલાઓ એ તેમના શોક સંદેશમાં લખ્યું હતું, 

“સમગ્ર શહેર શોકમાં ગરકાવ થયું છે. અને સુરત બંદર સુનું પાડી ગયું છે”

મૌલવી અબ્દૂલ ગફૂરનું અવસાન થતા જ સુરતના મુત્સદી-નવાબ હૈદરકુલીખાને તેમની તમામ મિલકત જપ્ત કરી લીધી. કારણે તેમનો પુત્ર અવસાન પામ્યો હતો. પરતું તેમના પૌત્ર મુલ્લા મોહમદ અલીએ પોતાનો દાવો સુરતના અગ્ર હિંદુ મુસ્લિમ વેપારીઓ અને મહાજન પાસે મુકાયો. તેમજ તેણે મુઘલ બાદશાહ પાસે પણ ઇન્સાફની માંગણી કરી. આમ મૌલવી અબ્દૂલ ગફુરના પૌત્રને તેના દાદાની મિલકત તો મળી પણ ત્યારે સુરતનું ધમધમતા બંદનગર તરીકેનું મહત્વ લુપ્ત થઈ ગયું હતું. 

ગુજરાતના બંદરીય ઇતિહાસમાં આવી મોટી નામના મેળવનાર મૌલવી અબ્દૂલ ગફુર આજે પણ કાળની ગર્તતામાં ગુમ થયેલા છે. અને ઇતિહાસનું સાચું રાષ્ટ્રીય આલેખન નહિ થયા ત્યાં સુધી રહેશે.

 

Leave a comment

Filed under Uncategorized

મોદીજી અને ગુજરાતના મુસ્લિમો : ડૉ. મહેબૂબ દેસાઈ


Image

ગુજરાતની ચુંટણીઓ નજીક આવતી જાય છે તેમ મોદીજી અને ગુજરાતના મુસ્લિમો વચ્ચેના સમીકરણો અંગે ચર્ચાઓ ગરમ થતી જાય છે. હાલમાં જ આપણા ૬૩મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ભાવનગર મુકામે થઈ. તેમાં ભાવનગરના ૧૨ જેટલા પ્રતિષ્ઠિત નાગરિકોના રાજ્યપાલ અને મુખ્ય મંત્રીશ્રી દ્વારા સન્માન થયા. એ યાદીમાં શિક્ષણ ક્ષેત્રમાંથી મારા નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે મારા માટે તે આશ્ચર્ય સાથે આનંદની વાત હતી. છેલ્લા ત્રીસેક વર્ષોથી શિક્ષણ, લેખન અને મુસ્લિમ સમાજમાં નિસ્વાર્થ પણે સક્રિય હોવા છતાં આવા કોઈ સન્માનની કયારેય અપેક્ષા રાખી ન હતી. બલકે ઘણાં પ્રસંગોમાં તો મારા સમાજના રોષનો ભોગ પણ મારે બનવું પડ્યું હતું. એવી સ્થિતિમાં ગુજરાત સરકારે સન્માન કર્યું તે અવશ્ય મારા માટે આનંદની ઘટના છે. જો કે કેટલાકના મતે આ પણ આગામી ચુંટણીનું એક સમીકરણ જ છે. પરિણામે મોદીજી અને ગુજરાતના મુસ્લિમો વચ્ચેના બદલાતા જતા સમીકરણોની ચર્ચામા ભરતી આવી છે.

સન્માનની આ ચેષ્ટા અન્વયે મને મળેલા કેટલાક પ્રતિભાવો જાણવા જેવા છે.  હિંદુ સમાજના કેટલાક મિત્રો કહે છે, “આ તો કામ કરતા અધ્યાપકની કદર છે” જ્યારે કેટલાક હિંદુ મિત્રો તેને “મોદીના મુસ્લિમ રાજકારણનો ભાગ” માને છે. સન્માન સમયે મને મળેલ અભિનંદનમા પણ ભાજપના કેટલાક ઉદારમતવાદી સભ્યોને બાદ કરતા સામાન્ય કાર્યકરોમા બહુ ઝાઝો ઉત્સાહ ન લાગ્યો. જ્યારે મારા મુસ્લિમ સમાજમાં પણ બે મતો પ્રવર્તતા હતા. એક “તમારું સન્માન એ સમાજનું સન્માન છે.” બીજું, “મોદીજીની મુસ્લિમ તૃષ્ટિકરણની આ નીતિ છે” આ મંતવ્યો સાંભળ્યા પછી મોદીજી અને મુસ્લિમો અંગે થોડી વિચારણા માંગી લે છે. અલબત્ત આ વિચારણા મારા સન્માનથી બિલકુલ પ્રભાવિત નથી.

 

૧. શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો ગુજરાતના મુસ્લિમોનો ૨૦૦૨ પછીનો બદલાતો જતો અભિગમ

૨. ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનો  શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બદલાતો જતો અભિગમ  

 

સૌ પ્રથમ મોદીજી પ્રત્યે ગુજરાતના મુસ્લિમોની બદલાયેલી નીતિની વાત કરીએ. ૨૦૦૨ ની ઘટના પછી ગુજરાતનો સમગ્ર મુસ્લિમ સમાજ ભયના ઓથારા નીચે જીવિત હતો.એ યુગમાં દરેક મુસ્લિમને દેશદ્રોહીની નજરે જોવાની એક પ્રથા પડી ગઈ હતી. એવા સમયે રાષ્ટ્રીય શિક્ષિત અને નિર્દોષ મુસ્લિમ માટે પણ પોતાની જાતને રાષ્ટ્રવાદી સ્થાપિત કરવા સઘન પ્રયાસો કરવા પડતા. મહોરમ કે ઈદે મિલાદના ધાર્મિક જલુસોમાં પણ રાષ્ટ્ર ધ્વજ સાથે કાઢવાના અનેક પ્રસંગો મેં જોયા છે. કોઈ પણ અસામાજિક પ્રવૃતિના કેન્દ્રમાં મુસ્લિમ સમાજ હોવા અંગેની દ્રઢતા અંધશ્રદ્ધા જેટલી પ્રબળ હતી.અત્યંત ભયભીત અવસ્થામાં જીવતા મુસ્લિમ સમાજ માટે અવશ્ય એ કપરો કાળ હતો. એ યુગના પોલીસ એન્કાઉન્ટરમા પણ મુસ્લિમ સમાજ કેન્દ્રમાં હતો. આજે હવે એ એન્કાઉન્ટરની સત્યતા ધીમે ધીમે પ્રકાશિત થઈ રહી છે. એ યુગમાં મેં લખેલ એક લેખ “શુક્રિયા, મૌલાના નરેન્દભાઈ મોદી” કાફી ચર્ચાયો હતો. મા. પ્રોફે. પ્રવીણભાઈ શેઠે તેમના પુસ્તક બદલાતા જતા પરિમાણો ગુજરાત અને નરેન્દ્ર મોદી” પુસ્તકના પરિશિષ્ટમા છેલ્લી ઘડીએ એ લેખ મુક્યો હતો. મા. પ્રવીણભાઈ શેઠે એ પૂર્વે લગભગ વીસેક મીનીટ મારી સાથે ફોન પર એ લેખ અંગે ચર્ચા કરી હતી. તેમની ચર્ચાનો સૂર એ હતો કે,

“નરેન્દ્રભાઈને મૌલાના કહેવા પાછળનો મારો આશ્રય મોનાલિસાના હાસ્ય જેવો લાગે છે.” તેના જવાબમાં મેં એટલું જ કહ્યું હતું,

“મુસ્લિમ સમાજ પ્રત્યેની સખ્તીએ અવશ્ય સમાજમા મૂલ્યોનું સિંચન કર્યું છે. મોટા મોટા મૌલવીઓના ઉપદેશો જે કાર્ય ન કરી શકાય તે નરેન્દ્રભાઈની સખતાઈએ કરી બતાવ્યું છે.”

 

ટૂંકમાં એ યુગમાં મુસ્લિમ સમાજ પ્રત્યેની પ્રતિકુળતા જ તેના શૈક્ષણિક,વ્યવસાયિક અને નૈતિક વિકાસનું પ્રખર પરિબળ બન્યા હતા. પણ એ પછી રાજકીય વાતાવરણ અને અભિગમ બદલાયા. મુસ્લિમ સમાજના વિકાસનો નારો લઈને છેક આઝાદીની પ્રાપ્તિથી ફરતા કોંગ્રસની વોટ બેન્ક નીતિ મુસ્લિમ સમાજ અને તેના આગેવાનોમાં ચર્ચાવા લાગી. છેક ૧૯૪૭ થી ૨૦૦૨ના મુસ્લિમ સમાજના વિકાસનો ગ્રાફ બહુ ઝાઝો ઉંચો ગયેલો નથી ભાસતો. શિક્ષણ અને વ્યવસાયિક પ્રગતિમા પણ સમગ્ર સમાજનું ચિત્ર યથાવત હતું. પરિણામે ૨૦૦૨ ની ઘટના પછી દુભાયેલા કચડાયેલા ગુજરાતના મુસ્લિમ સમાજની દશા ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટકા જેવી થઈ ગઈ હતી. કોંગ્રસ ન તો તેમને સુરક્ષા આપી શકી, ન તેના વિકાસમાં સહભાગી બની શકી. પરિણામે મુસ્લિમ સમાજની કોંગ્રેસના વિકલ્પની શોધ ભાજપ તરફ મંડાઈ. અને આમ સુરક્ષા અને વિકાસના વિકલ્પ તરીકે સૌ પ્રથમ મુસ્લિમ સમાજના શિયાપંથીઓ ભાજપ તરફ વળ્યા. જેમાં શિયા વોરા અને ખોજાઓનો મોટો સમુદાય ભાજપ તરફી વલણ ને જાહેરમાં વ્યક્ત કરતો થયો. એ પરંપરા અટકી નહિ. શિયા મુસ્લિમ સમાજ પછી સુન્ની અને તબલીગી મેમણો પણ ભાજપ તરફ વળ્યા.૨૦૦૫ સુધીમાં તો આ સંખ્યા વધી. છેલ્લી વિધાનસભાની ચુંટણીઓ વિકાસના મુદ્દા પર લડાઈ. તેમાં ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કેટલાક મુસ્લિમ બુદ્ધિજીવીઓએ નરેન્દ્રભાઈને ખુલ્લે આમ ટેકો આપ્યો. આજે ૨૦૧૨મા વિકાસ અને સદભાવના નામે મુસ્લિમ સમાજને આકર્ષવામાં નરેન્દ્ર ભાઈના પ્રયાસોની અનુભૂતિ સદભાવના ઉપવાસમાં મુસ્લિમ સમાજની હાજરીના દ્રશ્યો બખૂબી અભિવ્યક્ત કરે છે.

હવે આપણે બીજા મુદ્દા પર આવીએ. ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનો શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બદલાતો જતો અભિગમ. એ અભિગમ ચુંટણી લક્ષી છે કે હદય પરિવર્તન છે. તે તો સમય જ બતાવશે. પણ ગુજરાતના મુસ્લિમ સમાજ પ્રત્યે નરેન્દ્રભાઈ મોદીની બદલાયેલી નીતિની નોંધ લેવાઈ રહી છે. ૨૦૦૨ની ઘટના પછીનો માહોલ મુસ્લિમ સમાજ માટે ભય અને અસુરક્ષાનો હતો. પણ કોઈ પણ લોકશાહી શાસન ભય અને અસુરક્ષાના ઓથાર નીચે વધુ સમય ચાલી શકે નહિ. એ બાબત કુશળ રાજકારણી શ્રી નરેન્દ્રભાઈ મોદી ન સમજી શકે એ સંભવિત નથી. અને માટે જ તેમણે ૨૦૦૨ના વિશ્વ વ્યાપી દાગમાંથી ગુજરાતને મુક્ત કરવા વિકાસના મુદ્દાને કેન્દ્રમા આણ્યો. અને ૨૦૦૨ને મુસ્લિમ સમાજના માનસમાંથી ભૂસી નાખવા માટેના આયોજન બધ્ધ પ્રયાસો આરંભ્યા. અલબત્ત એ પ્રયાસો છેલ્લા બે એક વર્ષમાં વધુ સઘન બન્યા છે. હાલમાં જ ટાઈમ મેગેઝીનના ૧૬ માર્ચના મુખપૃષ્ઠ પર નરેન્દ્રભાઈની તસવીર સાથે જ્યોતિ થોટ્ટમએ લખેલ લેખમાં મુસ્લિમ ફેક્ટરનો ખાસ ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે,

“મોદીને મુસ્લિમોના સમર્થનની જરૂર તો છે જ. મોદી પર આરોપો થાય છે કે મુસ્લિમો પ્રત્યે તેઓ ઉદ્ધતાઈથી અને સખ્તાઈથી વર્તે છે, પણ મોદીને આ આરોપો સામે વાંધો નથી. જે વાત તેમને ખટકે છે તે એ છે કે મુસ્લિમો તેમના રાજમાં ખુશ અને સંતુષ્ટ નથી એવો એક મત પ્રવર્તે છે. તેમણે ટાઈમને મુસ્લિમો અંગેનું  એક પેમ્પલેટ બતાવ્યું, તેમાં મોટા મથાળે કાંઈક અસ્વાભાવિક લાગતી વાત કરવામા આવી હતી. “અમને ગુજરાતમાં હોવાનું ગૌરવ છે… અહી અમે ખુશાલ છીએ” આવા લખાણ સાથે તેમાં એક ખુશહાલ મુસ્લિમ પરિવારનો ફોટો હતો. ગુજરાતના ઝડપી વિકાસ અને સુશાસનને તોડી પાડવા માટે ફેલાવવામાં આવતા દુર્ભાવનાયુક્ત જુઠ્ઠાણઓને તેમાં વખોડી કાઢવામા આવ્યા હતા”

 

માર્ચ ૨૦૧૧ના અંતિમ સપ્તાહમાં મારે મોદીજી સાથે તેમની ચેમ્બેરમાં ૩૧ મીનીટ મુલાકાત થઈ હતી. અલબત્ત એ સમયે મારી સાથે મારા સ્વજનો સિવાય કોઈ રાજકીય કે સામજિક સેવક ન હતા. અને ત્યારે મોદીજીએ મને કહેલું,

“મને મુસ્લિમ વિરોધી શા માટે ગણવામાં આવે છે ? મેં જેટલા હિંદુ મંદિરો તોડ્યા છે તેટલા અન્ય કોઈ મુખ્યમંત્રીએ નહિ તોડ્યા હોય ? વળી, મારો વિરોધ દેશદ્રોહી મુસ્લિમો પ્રત્યે જ રહ્યો છે. રાષ્ટ્રવાદી મુસ્લિમોને હું આવકારું છું.”  

આગામી ચુંટણીઓના સંદર્ભમાં ટાઈમના એ લેખમાં જ્યોતિ થોટ્ટમએ મુસ્લિમો પ્રત્યેના મોદીજીના વલણને સ્પષ્ટ કરતા લખ્યું છે,

“મોદીને ખાતરી છે કે હવે તેઓ પહેલેથી કોંગ્રેસને જ મત આપતા મુસ્લિમોનો પ્રેમ સંપાદન કરી રહ્યા છે. આ વર્ષના અંતે તેમણે રાજ્યની ચુંટણીઓનો સામનો કરવાનો છે. અને ભાજપની મતસંખ્યા ઘટી રહી છે. સ્થાનિક કક્ષાએ ૧૪૦ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં પાર્ટી સફળ થઈ છે. જેના કારણે થોડા ઘણાં મુસ્લિમ મતદાતાઓ આર્થિક ઉદ્ધારને ખાતર ભૂતકાળને ભુલી જવા તૈયાર છે……તો પછી તેમને અપનાવી શા માટે ન લેવા”

 બંને પક્ષોના વિચારો અને અભિગમને જોતા ગુજરાતમાં ઉપરના સ્તરે મુસ્લિમો પ્રત્યેનો મોદીજીનો બદલાયેલો મૂડ જોઈ શકાય છે. અલબત્ત લોકોના હદય કે મનમાં ૨૦૦૨એ ઉભી કરેલી દિવારને ધરાશય થતા હજુ ઘણીવાર લાગશે. પણ મોદીજીના મુસ્લિમો પ્રત્યેના બદલાયેલા અભિગમની અસર આગામી ચુંટણીઓ પર અવશ્ય થશે. જો કે તેની માત્રા કેટલી હશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. તે તો ચુંટણીના પરિણામો જ બતાવશે. પણ મને એટલું ચોક્કસ લાગે છે કે આગામી ચુંટણીઓમા મોદીજીનો મુસ્લિમ આધાર થોડો ઘણો પણ અવશ્ય વધશે.

Leave a comment

Filed under Uncategorized

પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

 

(સર પ્રભાશંકર પટ્ટણી ઓપેન વિન્ડો ચેરી ટેબલ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા ૬,૭,અપ્રિલ ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે યોજાયેલ પરિસંવાદ “સર પ્રભાશંકર પટ્ટણી : જીવન અને કવન”મા તા. ૭ એપ્રિલના રોજ આપેલ વ્યાખ્યાન) 

ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં ઉજવાઈ રહી છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯). ગુજરાત રાજ્ય આ ત્રણે મહાનુભાવોની જન્મ શતાબ્દી ઉજવવા આતુર છે. આમાં સર્વ પ્રથમ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન અને ગાંધીજીના પરમ મિત્ર જ ન હતા, પણ આધ્યત્મિક જ્ઞાનના ઉપાસક અને ઊંડા ચિંતક પણ હતા. એક આદર્શ શાસક તરીકે તેમનું જેટલું પ્રદાન ઇતિહાસમાં નોંધાયું છે, તેટલું જ તેમના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે. તેઓ ઉમદા કવિ અને ઉંચા દરજાના વિચારક હતા. આ બધા તેમના વ્યક્તિત્વના ઉમદા પાસાઓ પર ઘણું લખાયું છે. પણ એક આમ આદમીના સીનામાં જે દિલ ધડકે છે તેવું જ બલકે તેથી વધુ સંવેદનશીલ હદય પટ્ટણીસાહેબ ધરાવતા હતા. એ તેમના જીવનના અનેક પ્રસંગોમાંથી ટપકે છે. ભાવનગરની સામળદાસ આર્ટસ કોલેજના ગુજરાતીના પ્રોફેસર શ્રી રવિશંકર જોશીએ “પટ્ટણીનું લોકોત્તર વ્યક્તિત્વ” નામક લેખ વર્ષો પૂર્વે લખ્યો હતો. જેમાં તેમના વિરલ વ્યક્તિત્વને સુંદર રીતે રજુ કરવામા આવ્યું હતું. પટ્ટણી સાહેબમા રહેલા એક સંવેદનશીલ માનવીને ઉભારતા રવિશંકર જોશી લખ્યું હતું, 
“ગરીબો માટે, વિદ્યાર્થીઓ માટે, યુરોપ કે જર્મની,ઇંગ્લેન્ડ કે અમેરિકામાં મુશ્કેલીમાં અટવાવેલા લોકો માટે, નાદારી લેવી પડે તેવા વ્યાપારીઓ માટે પટ્ટણી સાહેબ જેવી દાનધારા વિરલ સ્થળે જ નિહાળી શકાય. તારીખ પહેલીથી દસમી સુધીમા તેમના પગારમાંથી દુ:ખીજનોની સહાય માટે કેટલા ચેકો અને કેટલા મનીઓર્ડર જતા એ તો તેમના મંત્રીઓ જ જાણે છે. ઘરનો કોઈ નોકર સોનાની સાંકળી ચોરે તો સામા જઈ, તેને મુશ્કેલી હશે તેથી ચોર્યું હશે એમ વિચારી તેને પચાસ રૂપિયાની મદદ આપે ! આવા તો અનેક દ્રષ્ટાંતો તેમની જીંદગીમાં પગલે પગલે વેરાયેલા પડ્યા છે. આવા પ્રસંગોનો સંગ્રહ બહાર પડે તો માનવજાતીને લોકોત્તર માનવતાનો અવનવો પાઠ જાણવા મળે”૧ 
આવા માનવીય અભિગમના પ્રખર આગ્રહી પટ્ટણી સાહેબ “જોઈએ છીએ” એવા મથાળા નીચે હંમેશા લખતા,
“મારે એ મિત્ર જોઈએ છીએ, જે પોતાનો બધો પત્ર વ્યવહાર ખુલ્લા પોસ્ટકાર્ડમા જ હંમેશા લખતો હોઈ, તેણે જ અરજી કરવી” 
ગાંધીજી જેમ જ પોતાનો મોટાભાગનો પત્રવ્યવહાર ખુલ્લા પોસ્ટ કાર્ડમા કરતા પટ્ટણી સાહેબ દ્રઢપણે માનતા કે ,

“તમારી ટપાલ બીજો કોઈ ઉઘાડી શકે નહિ, એમ તમારો નિયમ હોઈ તો તમે તમારી પોતાનાથી જ બીહતા રહેજો. તમારે કઈ છુપાવવાનું છે,એવો એનો અર્થ છે. પ્રભુ એ છુપું દેખે છે, ને કોઈ દિવસ તે ખુલ્લું કરશે. જે પ્રભુને બતાવતા ડરતો નથી તેથી જ લોક ડરે છે. પ્રભુથી ડરનારને જગતનો ડર નથી”૨ 
કુશળ શાસક તરીકે ભાવનગર રાજ્યને દેશી રાજ્યોમાં “મીઠા રાજ્ય” તરીકે સ્થાન અપાવનાર પટ્ટણી સાહેબ વહીવટને નિર્જીવ નહોતા માનતા. વહીવટ આત્મા કે હદયની ભાવના વગર ન થઈ શકે એમ સ્પષ્ટ માનનાર પટ્ટણી સાહેબ કહે છે, 
“વહીવટ, કાગળ ઉપર લખી નાખેલા નિયમો પ્રમાણે નહિ પણ વહીવટ ચલાવનાર મનુષ્યની સારી નરસી હદયભાવના ઉપર આધાર રાખે છે” 
અર્થાત સારો ઇન્સાન જ સારો વહીવટ કર્તા બની શકે એ વાતને પટ્ટણી સાહેબે પોતાના જીવનમાં સાકાર કરી હતી. મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી સગીર હોવાને કારણે તેમણે ૧૨ વર્ષ સુધી ભાવનગર રાજ્યનો વહીવટ કર્યો હતો. પછી કૃષ્ણકુમારસિંહજી પુક્ત થતા તેમનો રાજ્યાભિષેક યોજાયો. અને ત્યારે રાજ્યની સીલ મુદ્રા કૃષ્ણકુમારસિંહજી ને સોંપતા પટ્ટણી સાહેબે કરેલ વિધાનમા એક માનવીની નૈતિકતા અને આધ્યાત્મિકતા પ્રગટ થાય છે,
“આ સીલ પેશ કરતા જે બધું સંભાળવાની ફરજ મારા પર હતી તે બધું આપ નામદારને હું સુપ્રત કરું છું. સુવ્યવસ્થિત રીતે ચાલેલું રાજય સોપું છું. ભક્ત અને સુખી પ્રજા સોપું છું. અને આપ નામદાર સાથેના મિત્ર રાજ્યોના સ્નેહ ભરેલા સબંધો, માત્ર અવિરત નહિ પણ આશા રાખું છું કે વધારે ઘટ થયેલા મિત્રાય ભરેલા સબંધ સોપું છું. અને આપને અત:કરણ પૂર્વક આશીર્વાદ આપું છું. તથા ફત્તેહમંદ રાજનીતિ માટે અનેક શુભેચ્છા દર્શાવું છું.”૩ 
પોતાની પ્રજાને પોતાના સંતાન માનનાર અને તેમના સારા નરસા વ્યવહારને હસ્તેમુખે સેહનાર પટ્ટણી સાહેબનો એક સુંદર પ્રસંગ જામે જમશેદે ટાંકયો છે, 
“મુંબઈના માર્ગ પર એકવાર પટ્ટણી સાહેબ તેમના એક મિત્ર સાથે જઈ રહ્યા હતા. પાછળથી એક અવાજ સંભાળ્યો, “એય દિવાન પટણા, ઉભો રહે. મારી સામે તો જો. મારા ચીથરે હાલ કપડા અને તારા ઉજળા કપડા જો તો ખરો. બસ લહેરથી મુંબઈમાં આંટા જ મારવા છે. હું તારા જ ગામનો છું. મુંબઈમાં ખુબ દુખી છું. મને કઈ આપ પટણા”
પટ્ટણી સાહેબે પાછળ ફરી ફરીને જોયુ. સંપૂર્ણ ચીથરેહાલ ભિખારી જેવો દેખાતો એક માણસ ઉભો હતો. પટ્ટણી સાહેબે તેને અત્યંત નમ્રભાવે પૂછ્યું, “શું છે ભાઈ ?” પેલાએ એ જ તોછડી ભાષામાં કહ્યું, 
“હું તારા ગામનો છું. પણ મુંબઈમાં અત્યંત દુ:ખી છું. મને કઈક આપ પટણા”
પટ્ટણી સાહેબે પોતાના ખિસ્સામાંથી સો સોની બે નોટો કાઢી એ માનવીના હાથમાં મૂકી. અને કહ્યું,
“ભાઈ અત્યારે મારી પાસે આટલા જ રૂપિયા છે. આટલાથી તારું કામ રોડવી લે જે”
“સારું સારું” એમ કહી પેલા માણસે હાથની મુઠ્ઠીમાં બંને નોટ દબાવી ચાલતી પકડી. 
સાથેનો મિત્ર ચકિત થઈ પટ્ટણી સાહેબને જોઈ રહ્યો. અને બોલ્યો,
“પટ્ટણી સાહેબ,આવા તોછડા અને ભિખારી જેવા માણસને આટલા બધા રૂપિયા ન અપાય”

પટ્ટણી સાહેબ બોલ્યા,”મારી પ્રજા મને ગમે તેવી રીતે બોલાવે પણ તેને મદદ કરવાની મારી પવિત્ર ફરજ છે”૪ 
પટ્ટણી સાહેબને ભાવનગર રાજ્યના વહીવટ કર્તા તરીકે અત્યંત માનસિક યાતનાઓ આપનાર અંગ્રેજ અધિકારી મી.કીલી ઇતિહાસમાં જાણીતા છે. પણ એ જ મી. કીલી નિવૃત્તિ થયા પછી ઇંગ્લેન્ડમા બેહાલ 
હતા. ત્યારે એક દિવસ ઈંગ્લેન્ડમાં તે પટ્ટણી સાહેબની નજરે ચડી ગયા. પટ્ટણી સાહેબે પોતાની સાથે ભોજન માટે તેમને નિમંત્રણ પાઠવ્યું. ભોજન પછી મિ. કીલીના બાળકોના અભ્યાસ માટે પટ્ટણી સાહેબે આર્થિક સહાય કરી. અને ત્યારે મી. કીલી ગળગળા થઈ ગયા અને બોલ્યા,
“પ્રભાશંકર, મે તમને બહુ હેરાન કર્યા છે. આજે મને તેનો અફસોસ થાય છે.”
ત્યારે પટ્ટણી સાહેબે અત્યંત હળવાશથી કહ્યું હતું, 
“એ સમયે આપ આપની ફરજ સમજીને કામ કરતા હતા. અને હું મારી સમજ પ્રમાણે વર્તતો હતો” અને પટ્ટણી સાહેબ મી.કીલીને વળાવવા છેક દરવાજા સુધી આવ્યા. પોતાની મોટર મી.કીલીને ઘરે સુધી પહોંચાડવા મોકલી.૫ 
આવા શુદ્ધ હદયના પટ્ટણી સાહેબને એકવાર એક કોલસાની ખાણના માલિક મળવા આવ્યા.તેઓ ભાવનગર રાજ્યની રેલવેને કોલસો પુરો પાડવાનો સોદો કરવા આવેલા.પટ્ટણી સાહેબ તેમને પોતાના ઘરે જમવા લઈ ગયા. જમવા બેઠા ત્યારે પિત્તળની થાળીઓ મુકાઈ. એ જોઈ ધનાઢ્ય બોલી ઉઠ્યા.
“મેડમ રમાબહેન (પટ્ટણી સાહેબના પત્ની),આપને ત્યાં તો ભાવનગરનું આખું રાજ્ય છે. એટલે તમારે ત્યાં તો સોના રૂપાની થાળીઓ હોવી જોઈએ”
પ્રભાશંકર પાસે જ બેઠા હતા. સહેજ સ્મિત કરી તેઓ બોલ્યા,
“સોના રૂપાની થાળીઓ મારે ત્યાં હોત તો હું પ્રભાશંકર ન હોત. મારા દાદા તાંબડી લઈને લોટ માંગવા જતા. ત્યારે મને સાથે લઈ જતા. એ તાંબડી આજે પણ મારી સામે અભરાઈ પર રાખી છે.મારે સોના રૂપાની થાળીની જરૂર પણ નથી અને જોઈતી પણ નથી. બીજાને ખવડાવીને ખાવાથી મને વધારે પચે છે. મારે ઘેર ગારે બેસીને પતરાવળામા ખાવા રાજી હોઈ એવા મેહમાનની હું હંમેશા રાહ જોવું છું.”૬ 
આ પ્રસંગમા એક શાસક ઉજાગર નથી થતો. પણ એક પ્રેષિત વ્યક્તિ અભિવ્યક્ત થાય છે. આ પ્રસંગ વાંચી મને મહંમદ સાહેબના જીવનનો એક પ્રસંગ યાદ આવી જાય છે. મહંમદ સાહેબને અવારનવાર સોનું ચાંદી અને કીમતી ચીજ વસ્તુઓની ભેટો મળતી રહેતી.પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહિ. વસ્તુઓ જેવી આવે કે તુરત તેને જરૂરતમંદોમા તકસીમ (વહેચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડ્યું. કઈ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું,
“આપણી છત નીચે પૈસા કે કઈ સોના ચાંદી નથી ને ?”
આયશાને યાદ આવી જતા બોલી ઉઠ્યા,
“અબ્બા (અબુબકર)ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડ્યા છે.”
મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,
“અત્યારેને અત્યારે તે પૈસા જરૂરતમંદોમા વહેંચી આવ. તને ખબર નથી પ્રેષિતોની છત નીચે ધન ન હોઈ.”૭ 

રાજ્યના ધનને પોતાના માટે હરામ માનનાર પટ્ટણી સાહેબ જેવો ઓલિયો જ એક સામન્ય ફકીર સાથે રસ્ત્તા પર જરૂરતમંદોને પૈસા વહેચવા, માન મોભાની પરવા કર્યા વગર બેસી જાય.એ ઘટના પણ જાણવા જેવી છે. એક વખત મહારાજા ભાવસિંહજી ધરમપુરમાં પોલો રમતા ઘોડા પરથી પડી ગયા. અને બેભાન થઈ ગયા. તેનો તાર પ્રભાશંકરને મળ્યો. અને એક હજાર રોકડા ભરેલી ત્રણ થેલીઓ લઈ પ્રભાશંકર ધરમપુર આવ્યા. ધરમપુરમાં પ્રવેશતા જ થેલીના રૂપિયા રસ્ત્તામાં મળતા ગરીબોને આપતા 
ગયા. રસ્ત્તામાં એક અંધ ફકરી મળ્યો. પ્રભાશંકરે ખોબો છલકાય જાય તેટલા રૂપિયા તેના હાથમાં મુક્યા. રૂપિયાનો અવાજ સાંભળી અંધ ફકીર બોલી ઉઠ્યો,
“યા અલ્લાહ કોન હૈ ?”
પ્રભાશંકરે પોતાનો પરિચય આપ્યો. અને પોતાના મહારાજા અંગે દુવા (પ્રાર્થના)કરવા વિનંતી કરી. ફકીર બોલ્યો,
“અચ્છા બચ્ચા જા, તેરે પહોંચને કે બાદ આધે ઘંટે મે તેરા બાદશાહ હોશ મે આ જાયગા ગા. લેકિન તુઝે મેરે પાસ બેઠના પડેગા”
“અત્યારે મને જવા દો બાબા, પણ પાછા ફરતા હું અવશ્ય આપની પાસે બેસીને જ ભાવનગર પરત જઈશ”
એમ કહી પટ્ટણી સાહેબ ઉતાવળ પગે મહારાજા સાહેબ પાસે પહોંચ્યા. પેલા અંધ ફકીરે કહ્યું હતું તેમ જ થયું. મહારાજા સાહેબ અડધી કલાકમાં તો હોશમાં આવી ગયા. અને પ્રભાશંકર સાથે નિરાતે વાતો કરી. પ્રભાશંકરને ફકીરની વાત યાદ આવી ગઈ. વળતી વખતે તેઓ ફકીર પાસે ગયા. અને ત્યારે પટ્ટણી સાહેબના આશ્ચર્ય વચ્ચે ફકીરે પેલા સિક્કા પટ્ટણી સાહેબને પરત કરતા કહ્યું,
“ઇસે મે ક્યાં કરુંગા. લે ઇસે વાપિસ લે લે”
“પણ હું તે પાછા ન લઈ શકું” પટ્ટણી સાહેબ બોલ્યા.
“ફિર તું મેરે પાસ બેઠ ઔર યે પૈસે જરૂરતમંદો મેં બાંટ દે”
અને ભાવનગર રાજ્યના દીવાન-વહીવટ કર્તા પોતાના રુતબાને ઓગાળી અંધ ફકીર સાથે રસ્ત્તાની ફૂટપાથ પર બેઠા અને એક એક સિક્કો ગરીબોને વેહેચતા રહ્યા.બધા સિક્કા પુરા થઈ ગયા પછી પ્રભાશંકરે પેલા અંધ ફકીરની વિદાય લીધી. ત્યારે એ ફકીર બોલી ઉઠ્યો,
“આજ એક ફકીર કો ફકીર મિલા હૈ. વહી બડા દિન હૈ”
પ્રભાશંકરે તે દિવસે એક કડી લખી “પ્રભુના દર્શન આજ થયા”૮ 
ગરીબ માનવીમાં પ્રભુને પામનાર પ્રભાશંકર પટ્ટણી ઉમદા કવિ પણ હતા. પણ તેમની રચાનોમાં મુખત્વે માનવી અને માનવતા કેન્દમાં રહેતા. તેમની એક રચના એ દ્રષ્ટિએ માણવા જેવી છે.

“દુ:ખી કે દર્દી કે ભૂલેલા માર્ગ વાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી

ગરીબીની દાદ સંભાળવા, અવરના દુઃખને દળવા 
તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી,

પ્રણયનો વધારો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હદયની ઉઘાડી રાખજો બારી,

થયેલા દુષ્ટ કર્મોના છુટા જંજીર થી થાવા
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી”૯ 

સ્થાન, મોભો, મોટાઈ,અભિમાન કે દંભ જેવા સામાન્ય માનવીમાં પ્રસરેલા દુર્ગુણોથી પર આવો 
સંતશાસક એ સમયે કદાચ સમગ્ર ભારતમાં ન હતો. ચારેકોર તેમની સુવાસ પ્રસરેલી હતી. આમ છતાં તેમણે તેમની માનવતા જીવનના અંતિમ ક્ષણ સુધી જીવંત રાખી હતી.તેમની વહીવટી સુઝ અને કાયદાકીય કાબેલિયતથી પ્રભાવિત થઈ એકવાર કાશ્મીરના મહારાજાએ તેમને પોતાના રાજ્યના ઉચ્ચ હોદ્દા પર નિમંત્રણ પાઠવતા કહ્યું,
“ભાવનગર ખાબોચિયા જેવું છે. આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક રૂપિયા પાંચ હજારથી ઓછા નહિ આપું. અને આપની યોગ્ય કદર પણ કરીશ.”
પ્રભાશંકર બોલ્યા, ” તો પછી આપે મારા પર વિશ્વાસ ન રાખવો જોઈએ”
મહારાજાએ પૂછ્યું, “કેમ ?”
પ્રભાશંકર બોલ્યા,
“ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી, ફગાવીને કાશ્મીર આવું, તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ”૧૦ 
આવું અદભૂત વ્યક્તિત્વ ઊંચનીચ, અમીરગરીબ અને નાના મોટા હોદ્દાના ભેદભરમથી પર હતું. અને એટલે જ જિંદગીના અંતિમ દિવસોમાં પટ્ટણી સાહેબે ભાવનગર રાજ્યના રેવન્યુ કમિશનરના હોદ્દા પર કાર્ય કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. આ કાર્ય માટે મહિનો દોઢ મહિનો રાજ્યના ગામડાઓમાં એકધારી મુસાફરી કરતા. આ શ્રમે તેમના સ્વસ્થ પર માઠી અસર કરી. અને શિહોર મહાલની મુસાફરી દરમિયાન ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ સવારે ૯ વાગ્યે તેમની ઈચ્છા પ્રમાણે કામ કરતા કરતા કર્તવ્ય પરાયણ સ્થિતિમાં જ આ વિરલ વ્યક્તિત્વ એ દેહ છોડ્યો. આવ માનવીય પ્રજાસેવક પટ્ટણી સાહેબને તેમની જન્મ શતાબ્દીની ઉજવણી ટાણે શત શત સલામ. 

***************************************

પાદટીપ

1. પારાશર્ય મુકુન્દરાય, પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન,ગુજરાત સાહિત્ય પરિષદ,અમદાવાદ, ત્રીજી આવૃત્તિ ૨૦૦૨, પૃ. ૧૧૫ 
2. પટ્ટણી પ્રભાશંકર, એક વૃદ્ધની વિચારપોથીમાંથી,ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય,અમદાવાદ,૨૦૦૯, ૩૩૨
3. ભાવનગર સમાચાર, દીપોસ્વી અંક , પ્ર. શ્રી જયંતીલાલ મોરારજી મહેતા,ભાવનગર, ૧૯૬૭, પૃ. ૨૮ 
4. ભાવનગર સમાચાર, દીપોસ્વી અંક , પ્ર. શ્રી જયંતીલાલ મોરારજી મહેતા,ભાવનગર, ૧૯૭૦, પૃ. ૪૭
5. પારાશર્ય મુકુન્દરાય, પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન ગ્રંથમાં “સર પ્રભાશંકર પટ્ટણી અને મિ. કીલી”નામક આખું પ્રકરણ માણવા જેવું છે. 
6. પારાશર્ય મુકુન્દરાય,પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૯૧-૯૨.
7. દેસાઈ મહેબૂબ, અલખને ઓટલે, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ,૨૦૦૯, ૩૮.
8. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૯૪.
9. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૬૦.
10. પારાશર્ય મુકુન્દરાય, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૭૪.

1 Comment

Filed under Uncategorized