Monthly Archives: May 2018

વિશ્વમાં રમઝાન માસ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલ હું ટૂંકા રોઝોમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવતા દેશ ઓસ્ટ્રેલિયામા છું. એટલે રોઝા રાખવામાં ઓછી તકલીફ અનુભવું છું. પણ તેની સાથે ઠંડીનું પ્રમાણ વધુ હોય ગરમા કપડામાં વીંટાઈને જ રહેવું પડે છે. આજે વિશ્વના મુસ્લિમોના રમઝાન માસના રોઝા અંગે થોડી વાત કરવી છે. વિશ્વના લગભગ ૫૦ દેશોમાં મુસ્લિમો વસે છે. જેઓ ઈસ્લામને અનુસરે છે. હાલ રમઝાન માસ ચાલતો હોય દરેક દેશનો મુસ્લિમ નિયમિત રોઝા રાખે છે. કારણ કે ઇસ્લામમાં રોઝા દરેક માટે ફરજીયાત છે. પરિણામે ગમે તે સંજોગોમાં કોઈ પણ મુસ્લિમ રોઝા ન રાખવાની ગુસ્તાખી કરતો નથી. ટાઢ તડકો કે લાંબો ટૂંકો દિવસ હોય છતાં દરેક મુસ્લિમ રમઝાન માસમા રોઝા અને ઇબાદતમાં અચૂક વ્યસ્ત રહે છે. અલબત્ત તેમાં કષ્ટ પડે છે. હાલ અમદાવાદની ગરમી અને તેની સાથે ૧૫.૩૬. કલાકનો લાંબો રોઝો માનવીના અસ્તિત્વને હચમચાવી મુકે તે સ્વભાવિક છે. ઇસ્લામના નિયમ મુજબ રોઝાનો સમય સૂર્યોદય અને સુર્યાસ્ત પર આધારિત હોય છે. અર્થાત જે દેશમાં સૂર્ય વહેલો ઉગે અને મોડો આથમે ત્યાં શહેરી (રોઝો રાખવાનો સમય) નો સમય વહેલો અને ઇફ્તીયારીનો સમય (રોઝો છોડવાનો સમય) મોડો હોય છે. ભારતમાં સૂર્યોદય થતા પહેલા લગભગ ૩.૪૨ કલાકે શેહરી રાખવાનો આરંભ થાય છે. જયારે લગભગ સાંજે લગભગ ૭.૨૦ કલાકે રોજો છોડવામાં આવે છે. જો કે આ વર્ષે વિશ્વના મુસ્લિમોના રોઝનો સરેરાસ સમય ૧૪ થી ૧૫ કલાકનો છે. એ દ્રષ્ટિએ ભારતમાં રોઝનો સમય યોગ્ય લાગે છે. એ જ રીતે ઇસ્લામના પવિત્ર યાત્રાધામ સમા સાઉદી અરેબિયામા શેહરીનો સમય સવારે ૩.૫૬નો છે. જયારે ઇફ્તીયારીનો સમય સાંજના ૭.૦૭ કલાકનો છે. એ મુજબ સાઉદી અરેબિયામા રોઝો ૧૫ કલાકનો છે. ત્યાં પણ ગરમીનું પ્રમાણ છે. છતાં દરેક મુસ્લિમ નિષ્ઠા અને એકાગ્રતાથી રોઝા રાખે છે.
વિશ્વમાં આજે સૌથી લાંબો રોઝો આઇસલેંડ કે આઇસલેંડમા થઈ રહ્યો છે. આઇસલેંડ ગણરાજ્ય ઉત્તર પશ્ચિમી યુરોપમાં ઉત્તરી એટલાંટિકમાં ગ્રીનલેંડ,ફરો દ્વીપ સમૂહ, અને નાર્વે ની મધ્યમાં વસેલ એક દ્વિપીય દેશ છે. આઇસલેંડનું ક્ષેત્રફળ લગભગ ૧,૦૩,૦૦૦ કિમી છે અને અનુમાનિત જનસંખ્યા ૩,૧૩,૦૦૦ (૨૦૦૯) છે. આ યુરોપમાં બ્રિટેન પછી બીજો અને વિશ્વમાં અઢારમો સૌથી મોટો દ્વીપ છે. અહીં ની રાજધાની છે રેક્જાવિક છે. દેશ ની અડધી જનસંખ્યા અહીં નિવાસ કરે છે. તેમાં મુસ્લિમોની સંખ્યા ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલી છે. અહિયાં રોઝો રાખવાનો સમય રાત્રીના ૧.૫૬નો છે જયારે રોઝો છોડવાનો સમય રાત્રીના ૧૧.૪૭નો છે. એ હિસાબે અહિયાં રોઝો ૨૧ કલાક અને ૫૧ મીનીટસનો થાય છે. વિશ્વમાં બીજા ક્રમે સૌથી લાંબો રોઝો નોર્વેનો છે. નૉર્વે યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. તેની રાજધાની ઓસ્લો છે. તેની મુખ્ય રાજભાષા નૉર્વેજિયન ભાષા છે. અહિયાં શહેરીનો સમય રાત્રે ૨.૯ મીનીટનો છે, જયારે ઇફ્તીયારી રાત્રે ૧૦.૨૯ મિનિટે થાય છે. કારણ કે અહિયાં સુર્યાસ્ત ૧૦.૨૯ મિનિટે થાય છે. સૌથી લાંબા રોઝોના ત્રીજા અને ચોથ ક્રમે નેધરલેંડ અને રશીયા આવે છે. અને ઇગ્લેન્ડ પાંચમાં ક્રમે આવે છે. છેલ્લા તેત્રીસ વર્ષમાં ઈગ્લેન્ડના મુસ્લિમો સૌ પ્રથમવાર લાંબામા લાંબા રોઝાનો અનુભવ લઇ રહ્યા છે. ઈંગ્લેન્ડમાં શહેરીનો સમય મળસકે ૨.૩૯ છે. જયારે ઇફ્તીયારી રાત્રે ૯.૧૫ થાય છે. એટલે કે ઇફ્તીયારી અને શહેરી વચ્ચે માત્ર પાંચ કલાકનું અંતર છે. એ પાંચ કલાકમાં ઈશાની નમાઝ તરાબીયા પઢી રોઝદાર લગભગ ૧૨ વાગ્યે મુક્ત થઈ સુવા ભેગા થાય છે. અને માત્ર બે કલાકની નિદ્રા લઇ સવારે બે વાગ્યે શહેરી માટે ઉઠી જાય છે. છતાં આવી કપરી ઈબાદત તેઓ કરી રહ્યા છે.
આ થઈ સૌથી લાંબા રોઝની વાત. હવે વિશ્વમાં સૌથી ટૂંકો રોઝો કયા દેશમાં છે તેની વાત કરીએ. સૌથી ટૂંકો રોઝો આર્જેન્ટીનામાં છે. આર્જેન્ટીના દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશનું મુખ્ય ઉત્પાદન ઘઉં છે. આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂરજમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન થાય છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વ ધાર્મિક અહેવાલ અન્વયે આર્જેન્ટીનામા મુસ્લિમોનો વસ્તી તેની કુલ વસ્તીના એક ટકા જેટલી છે. અર્થાત લગભગ ૧૦ લાખ મુસ્લિમો આર્જેન્ટીનામાં વસે છે. અહિયાં રોઝો ૧૧ કલાક અને ૮ સેકંડનો છે. શેહરીનો સમય સવારે ૬.૮ કલાકનો છે. જયારે રોઝો છોડવાનો સમય સાંજે ૫.૫૬ કલાકનો છે. આર્જેન્ટીના પછી બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેંડ વાયવ્ય પ્રશાંત મહાસાગર માં બે મોટા ટાપુઓ અને અન્ય ઘણાં નાના ટાપુઓથી બનેલો દેશ છે. ન્યુઝીલેંડના ૪૦ લાખ લોકોમાંથી ૩૦ લાખ લોકો ઉત્તરીય ટાપુ પર રહે છે અને ૧૦ લાખ લોકો દક્ષિણી ટાપુ પર રહે છે. આની ગણના વિશ્વના સૌથી મોટા દ્વીપમાં થાય છે. અહિયાં રોઝો ૧૧ કલાક અને ૨૧ મિનીટનો છે. શેહરીનો સમય સવારે ૫.૪૪ નો છે. જયારે રોઝો છોડવાનો સમય સાંજે ૫.૫.નો છે. આ કક્ષામાં ઓસ્ટ્રેલિયાનો ક્રમ ત્રીજો આવે છે. અહિયાં રોઝો ૧૧.૪૬ કલાકનો છે. શહેરીનો સમય સવારે ૫.૧૮ છે. જયારે ઇફ્તીયારીનો સમય સાંજના ૪.૫.નો છે.

વિશ્વના કેટલાક દેશો જેવા કે કેનેડા અને નોર્થવેસ્ટ ટેરીટરીઝમા દિવસ અને રાત્રી વચ્ચેનું અંતર બહુ ઓછું હોય છે. ત્યારે આપણે ઉપર ઇંગ્લેન્ડના સંદર્ભમા જોયું તેમ રોઝા રાખનાર માટે અત્યંત મુશ્કેલી સર્જાયા છે. એવા પણ કેટલાક દેશો છે જ્યાં સુર્યાસ્ત થતો જ નથી. ત્યાં તો રોઝા રાખનાર માટે મોટી સમસ્યા ઉભી થાય છે. એવા દેશોમાં ઇસ્લામના આલિમો મક્કા કે મિડલ ઇસ્ટના દેશોના રોઝાની શહેરી અને ઇફ્તીયારીના સમયને અનુસરવાની સલાહ આપે છે.

Leave a comment

Filed under Uncategorized

કુરાને શરીફનું સંકલન : ડૉ.મહેબૂબ દેસાઈ

એ વાત ઇસ્લામમાં જાણીતી છે કે હઝરત મહંમદ (સ.અ .વ.) સાહેબ પર વહી દ્વારા ૨૩ વર્ષ સુધી જે આયાતો ઉતરી તેનું સંકલન એ જ કુરાને શરીફ. પણ મહંમદ સાહેબ પર વહી ઉતરતી હતી ત્યારે તેને નોંધનાર કે તેને કંઠસ્થ રાખનાર જૂજ સહાબીઓ હતા . પયગંબર સાહેબની વફાત પછી પયગમબરીના જુઠ્ઠા દાવરદારો, ઇસ્લામના વિરોધીઓ અને ઝકાતનો ઇન્કાર કરનારઓ સાથેના અનેક સંઘર્ષોમાં કુરાને શરીફની આયાતો જાણનાર અનેક હાફીઝો શહિદ થઇ ગયા. ખાસ કરીને યમામાની ભયંકર લડાઈઓમાં એટલા બધા હાફીઝો શહીદ થઇ ગયા કે હઝરત ઉમર (ર.અ.)ના મનમાં ભય ઉત્પન થયો કે આવી રીતે કુરાને શરીફની આયાતો કંઠસ્થ રાખનાર સહાબીઓ શહીદ થતા રહેશે, તો કુરાને શરીફનો મોટો ભાગ નષ્ટ થઇ જશે.
હઝરત અબુ બક્ર (ર.અ ) મહંમદ સાહેબ (સ.અ .વ.)ની વફાત અર્થાત અવસાન પછી ઇસ્લામના પ્રથમ ખલિફા બન્યા (ઈ.સ. 8 જૂન, 632- 23 ઓગસ્ટ, 634 ). તેમનું અંગત જીવન અને ચરિત્ર અંત્યંત શુદ્ધ હતા. તેઓ પાબંધ નમાઝી હતા. જયારે હઝરત ઉમર ઇસ્લામના બીજા ખલિફા હતા (ઈ.સ. 23 ઓગસ્ટ, 634-7 નવેમ્બર 644 ). તેઓ પણ અત્યંત પવિત્ર અને ઇસ્લામના પ્રખર અનુયાયી હતા. હઝરત અબુબક્ર અને હઝરત ઉમર વચ્ચે એક અદભુત સમજદારી અને સાતત્ય હતું. પ્રથમ ખલિફા હોવા છતાં હઝરત અબુ બક્ર હઝરત ઉમરને ખુબ માનતા હતા. હઝરત અબુ બક્રના ખલીફા તરીકેના સવા બે વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે હઝરત ઉંમરના અભિપ્રયો અને સુચનોનું બાઇજ્જત અમલીકરણ કર્યું હતું. અને એટલે જ જયારે પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે હઝરત ઉંમરનું નામ જ સૂચવ્યું હતું .
હઝરત અબુ બક્ર ના શાશન કાળ દરમિયાન જ હઝરત ઉમરને કુરાને શરીફની તમામ આયાતોને એકત્રિત કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે એ વિચાર ખલિફા હઝરત અબુ બક્ર ને જણાવ્યો. હઝરત ઉંમર (ર.અ.)ના આ વિચાર સાથે આરંભમાં ખલોફા હઝરત અબુ બક્ર સંમત ન હતા. તેમની દલીલ હતી,
“જે કામ અલ્લાહના રસુલ હઝરત મહંમદ પયગમબર સાહેબ (સ.અ.વ.) એ નથી કર્યું, એ કાર્ય આપણે કેવી રીતે કરી શકીએ?”
પરંતુ હઝરત ઉમર (ર.અ.) તેમને કુરાને શરીફની આયાતોને એકત્રિત કરવા પ્રેરતા રહ્યા અને કહેતા રહ્યા,
“અલ્લાહના રસુલ મહંમદ સાહેબ (સ.અ.વ.) પર વહી દ્વારા ઉતરેલ આયાતોને જાળવવાની આપણી પવિત્ર ફરજ છે.”
અંતે હઝરત અબુ બક્ર (ર.અ ) સંમત થયા. પણ એ કાર્ય કપરું હતું. મહંમદ સાહેબને વહી અર્થાત ખુદાનો સંદેશ આવતો ત્યારે તેમના સહાબીઓ અથવા અનુયાયીઓ તે વહીને કંઠસ્થ કરી લેતા અથવા એ વહી ઝાડની છાલ પર કે પથ્થર પર કોતરી નાખતા. કેટલીક વહી ચામડાઓ પર પણ લખાયેલી હતી. કેટલીક વહી ખુદ મહંમદ સાહેબને પણ કંઠસ્થ રહી જતી હતી. પણ એ તમામ વહી કે આયાતોનું સંકલન કરવાનું કાર્ય ભગીરથ હતું. જેનો આરંભ મહંમદ સાહેબની વફાત પછી પ્રથમ ખલિફા હઝરત અબુ બક્ર ના સમયમાં થયો. હઝરત મહંમદ પયગંબર સાહેબના સમયમાં તેમની વહીઓની નોંધ રાખનાર જૈદ બિન સાબિત હતા. ખલિફા હઝરત અબુ બક્રએ કુરાને શરીફના સંકલનનું કાર્ય તેમને સોંપ્યું . જો કે પહેલા તો એ પણ આ કાર્ય સ્વીકારતા સંકોચ અનુભવાતા હતા.પણ પછી તે જવાબદારી તેમણે સ્વીકારી .
આનો અર્થ એ નથી થતો કે ખલિફા હઝરત અબુ બક્રના સમયમાં કુરાને શરીફનું સર્જન થયું. મહંમદ સાહેબના સમયમાં જ કુરાને શરીફની આયાતો અને સુરતો ક્રમવાર હતી. તે પારા અર્થાત પ્રકરણ પ્રમાણે ગોઠવાયેલ પણ હતી. સુરતોને નામ પણ આપવામાં આવ્યા હતા. માત્ર હઝરત અબુ બક્ર ના સમયમાં એ તમામ આયાતો અને સુરતોને વ્યવસ્થિત રીતે એકત્રિત કરી તેને એક સંપૂર્ણ ગ્રંથનું સ્વરૂપ આપવામાં આવ્યું. આમ અત્યાર સુધી વેરવિખેર પડેલની આયાતો ભેગી થઇ અને તેનું પવિત્ર ગ્રંથ “કુરાન શરીફ” સ્વરૂપે અવતરણ થયું. તેને “સહીફા સિદ્દીક” અથવા “મસહફે સિદ્દીક” પણ કહે છે. આમ હઝરત જૈદ બિન સાબિત દ્વારા તૈયાર કરવામાં આવેલ કુરાને શરીફની આ પહેલી પ્રત હઝરત અબુ બક્રની તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવી.એ પછી તે હઝરત ઉમરના કબ્જામાં આવી. હઝરત ઉમરે એ પ્રત હઝરત હફઝા ને સુરક્ષિત રીતે રાખવા આપી. અને તેની સાથે વસિયત પણ કરી કે,
“કુરાને શરીફની એ પ્રત કોઈને ન આપશો. અલબત્ત કોઈ તેની નકલ કરવા ઈચ્છે કે પોતાની પાસે રહેલી નકલ ચેક કરવા ઈચ્છે તો તકેદારી સાથે આપશો”
હઝરત ઉસ્માન ખલિફા બન્યા પછી તેમણે કુરાને શરીફની મૂળપ્રતની કેટલીક નકલો તૈયાર કરાવી અને જુદા જુદા સ્થાનો પર મોકલી હતી. જયારે મદીનાના ગવર્નર તરીકે મરવાન આવ્યો, ત્યારે તેણે કુરાને શરીફની અસલ પ્રત હઝરત હફઝા પાસેથી મેળવવાની કોશિશ કરી હતી. પણ હઝરત હફઝાએ તે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જો કે મુસ્લિમ શિયા પંથના અનયુઆયીઓ માને છે કે મહંમદ સાહેબના અવસાનના છ માસ જ અલી ઈબ્ન અબુ તાલિબે કુરાને શરીફની પ્રત મેળવી લીધી હતી. તે જ મૂળભૂત કુરાને શરીફ છે. પણ આ સાથે મુસ્લિમ સુન્ની પંથના અનુયાયીઓ સંમત થતા નથી.
ટૂંકમાં આજે ઇસ્લામના પવિત્ર ગ્રંથ તરીકે અસ્તિત્વમાં છે તે કુરાને શરીફ અનેક મંઝિલો પાર કરી આજના સ્વરૂપમાં આપણી સમક્ષ આવેલ છે. જેના આદેશો અને હિદાયતો આજે પણ એટલા જ સત્ય અને અસરકારક છે. બસ માત્ર જરૂર છે તો તેના ઇમાનદારી પૂર્વકના અમલની. અલ્લાહતઆલા આપણને સૌને તેનો નિષ્ઠાપૂર્વક અમલ કરવાની શક્તિ આપે એ જ દુવા : આમીન

Leave a comment

Filed under Uncategorized

વફાત : સનાતન સત્ય : ડૉ.મહેબૂબ દેસાઈ

૧૬ મેંના રોજ રાત્રે ત્રણ કલાકે મારા એક સબંધીનો ફોન આવ્યો કેધંધુકા મુકામે મારા એક પિતરાઈ બંધુ કાળુભાઈ મુસેભાઈ દેસાઈનું લગભગ ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. અનેવફાત કે મૃત્યુના વિચારે મને ઘેરી લીધો. માનવી માટે વફાત અર્થાત મૃત્યુ સનાતન સત્ય છે. દુનિયામાં બધું ભલે અનિશ્ચિત હોય પણ મૃત્યુઅર્થાત વફાત નિશ્ચિત છે. તેના નિર્ધાર કરેલ સમય, સ્થળ અને સંજોગોમાં કોઈ પરિવર્તન શક્ય નથી. છતાંતેઅણધાર્યું છે. તેના આગમનનો કોઈ નિશ્ચિત સમય કે સ્થિતિ દુનિયાનો કોઈ માનવી નથી જાણી શકતો, નથી કહી શકતો કે નથી અનુભવી શકતો.સામાન્ય માનવી મૃત્યુના વિચાર માત્રથી ડર અનુભવે છે.પણ તેનો ભય રાખવાની જરૂર નથી.સદકાર્યો, નેકી, નમાઝ કે બંદગીની મૂડી મોત પછીનો સાચોસામાન છે. દુન્વયી એટલેકે દુનિયાની બાબતોમાં રચ્યાપચ્યા રહેવાની આપણી ફરજ છે. પણ સાથે સાથે દિની એટલે કે આધ્યાત્મિક બાબતો પ્રત્યે પણ આપણી સજાગતા અનિવાર્ય છે. ધર્મ અને ઈબાદત માનવીને આદમીમાંથી ઇન્સાન બનાવે છે.
મૃત્યુ કે વફાતમાનવીના નશ્વર દેહનો નાશ કરે છે. મૃત્યુ સાથે કેટલીક કડવી સચ્ચાઈ જોડાયેલી છે. જે મોટે ભાગે દરેક મઝહબમા સમાન છે. જે માનવીના મોહના બંધનમા સમગ્ર કુટુંબ બંધાયેલું હોય છે, તે જ કુટુંબનાસભ્યો વફાત કેમૃત્યુ પછી તેને અવ્વલ મંઝીલ અર્થાતઅંતિમ યાત્રા પર પહોંચાડવા ઉતાવળા બની જાય છે. ઇસ્લામમાંજનાજા અર્થાત મૃતદેહને જેમ બને તેમાં જલદી દફનાવવાની હિદાયત આપવામાં આવી છે.એજ રીતે મૃત્યુ પછી સૌ પ્રથમ માનવી જીવનભર પોતાની સાથે રહેલું નામ ગુમાવી દે છે.શ્વાસ અટકાતાની સાથેજ માનવી નામ વિહોણો બની જાય છે.અવસાન પછી તુરત ગુજરનારનાસૌસ્વજનો મૃતક માનવીને નામથી બોલાવવાને બદલે જનાજો કહીને જ બોલાવે છે. જેમ કે સૌ કહે છે,“જનાજાને ગુસલ અર્થાત સ્નાન જલદીકરવો”ઇસ્લામમાંમૃતક માનવીને પ્રથમ ગુસલ કરાવવાનોનિયમછે.મરનાર માનવીને દફનાવતા પહેલાગુસલઅર્થાત સ્નાન કરાવી તેને પવિત્ર કરવામાં આવે છે. અને જયારે મૃતક માનવીને દફનાવવાનો સમય આવ છે ત્યારે પણ કહેવામાં આવે છે “મૈયત કો કબર મેં ઉતારો” અથવા“મૈયત કો કરીબ કરો” ત્યારે પણ કોઈ માનવી એમ નહિ કહે કે “મહેબૂબભાઇને કબરમાં ઉતારો” ટૂંકમા, માનવીના શ્વાસ અટકતા એ માત્ર મૈયત બની જાય છે. એ સમયે તેની સાથે તેનું નામ પણ નથી રહેતું. સૂફી સંત નઝીરે આ અંગે અસરકારક શબ્દોમાં કહ્યું છે
“જબ ચલતે ચલતે રસ્તે મેં
યહ ગૌનતેરીઢલ જાયેગી
એક બધિયા તેરી મીટ્ટી પર
ફિર ધાસ ન ચરને આયેગી
યે ખેપ જો તુને લાદી હૈ
સબ હિસ્સો મેં બટ જાયેગી
સ્ત્રી, પૂત, જમાઈ, બેટાકયા
બંજારન પાસ ન આયેગી
કયા સાજ, જડાઉ જર જેવર
કયા ગોરે થાન કિનારી કે
કયા ઘોડે જીન સુનહરી કે
કયા હાથી લાલ હમારી હૈ
સબ ઠાઠ પડા રહ જાયેગા
જબ લાદ ચલેગા બંજારા”
દુનિયામા માનવીનુંજીવન ગમેતેટલુઉત્તમ હોય, છતાં તેમનાઅવસાન પછી ત્રણ પ્રકારના અફસોસકરનારા જોવા મળે છે. પ્રથમ એ જે મરનાર સાથે આછીપાતળી ઓળખતાધરાવતાહોય, બીજા એ જે મરનાર સાથે સામજિક કે આર્થિક સંપર્ક ધરાવતા હોય. અને છેલ્લે મરનારના સ્વજનો. અલબતદરેકના અફસોસની માત્ર વધતા ઓછા પ્રમાણમાં હોયછે. પણસમય જતા દરેક પોતાના જીવનમાં મને કમને પરોવાઈ જાય છે.અલબત્તસ્મૃતિમા જળવાઈ રહેલ સ્વજન હોઈ શકે. પણ મરનાર વગર જીવન શક્યનથી, તે વિધાનઅયોગ્ય છે. અર્થાત દુનિયાની વિદાય પછી તમામ બંધનોથી બંને પક્ષે મુક્તિ મળી જાય છે. આમ છતાં માનવીની જીવન પ્રત્યેની જીજીવિષા જરા પણ ઓછી થતી નથી. દરેક મઝહબમા તેનાથી શક્ય તેટલું મુક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.કુરાને શરીફમાં કહ્યું છે,
“આ દુનિયામા જે કઈ છે તે સર્વ ફાની છે. એશ્વર્યવાન, કૃપાવાનઅને અવિનાશી એકમાત્ર અલ્લાહ જ છે.”
મૃતક માનવી સાથે માત્ર તેના સદકાર્યો અને ઈબાદતજાય છે. એ વાતદરેક મઝહબના કેન્દ્રમાં છે.બ્રહ્માનંદ કહે છે,
“દો દિનકા જગ મેં મેલા
સબ ચલા ચલીકા ખેલા
કોઈ ચલા ગયા, કોઈ જાવે
કોઈ ગઠડી બાંધ સિધાવે
કોઈ ખડા તૈયાર અકેલા
સબ ચલા ચલીકા ખેલા”
એ સંદર્ભમાકુરાને શરીફમાપણકહ્યું છે,
“આ સંપતિ, આસંતતિ આ દુનિયાની-જીવનની શોભા છે. પણ એ તો ક્ષણિક છે, જેટકે છે એ તો નેકી-સદ્કાર્ય છે. જે સુંદર છે, ને સ્થિર છે.”
ચાલો, આપણે સૌ વફાત પછીના ટકાઉ સદકાર્યો અને ઈબાદત તરફ વળીએ એવી ખુદા ઈશ્વરનેદુવા કરીએ : આમીન

Leave a comment

Filed under Uncategorized

રોઝાની મહત્વની બાબત : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં રોઝા અર્થાત ઉપવાસનું વિશેષ મહત્વ છે. તેનો સવાબ (પુણ્ય) અઢળક છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે એક હદીસમાં ફરમાવ્યું છે,
“જે માણસથી સ્ત્રી, બાળકો, જાનમાલ, ઔલાદ અને પડોશીયોના હક્કો અદા કરવામાં કઈ ઉણપ રહી ગઈ હોય, તો તે ઉણપને કારણે થયેલ ગુનાહ મુક્ત થવા રોઝા, નમાઝ અને ખૈરાત ઉત્તમ માર્ગ છે”
ઇસ્લામમાં એમ કેહવાય છે, જન્નત (સ્વર્ગ)માં એક દરવાજો છે. જેને “રય્યાન” કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે રોઝદાર જન્નતમાં દાખલ થશે. અર્થાત દરેક રોઝદાર માટે જન્નતનો દરવાજો “રય્યાન” ખુલ્લો રાખવામાં આવશે. એક હદીસમાં અબૂ હુરૈરાએ કહ્યું છે,
“રસુસલ્લાહ (સ.અ.વ.અ)એ ફરમાવ્યું છે કે જયારે રમઝાન આવે છે ત્યારે જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે.”
એક અન્ય હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“જે માણસ ઈમાનની સાથે સવાબની આશાએ રમઝાનના રોઝા રાખશે, તેના આગલા તમામ ગુનાહ માફ થઇ જશે”
હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,
“મહંમદ સાહેબ બધા લોકો કરતા અત્યંત સખી(દાતા) હતા.અને રમઝાનમાં તો હઝરત જિબ્રીલ સાથે સતત મુલાકાત કરતા અને કુરાને શરીફનું સતત પઠન કરતા રહેતા”
રોઝાની મહત્તા અને તકેદારી અંગે પણ ઇસ્લામની અનેક હદીસોમાં વિગતે વાત કરવમાં આવી છે. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“માનવીનું દરેક કાર્ય તેના પોતાના માટે હોય છે. જયારે તેના રોઝા ખુદા માટે છે. ખુદા પોતે જ તેનો બદલો વિશિષ્ટ રીતે આપશે. રોઝા દોઝક (નર્ક)થી બચવા માટેની ઢાલ છે. તમારામાંથી કોઈ પણ માણસ ગાલીગલોચ ન કરે, શોરબકોર ન કરે. જો કોઈ ગાળ આપે અથવા લડવા ઈચ્છે તો તેને કહી દો કે મારે રોઝો છે. કસમ છે ખુદાની જેના કબજામાં મુહંમદનો જાન છે, રોઝદારના મુખની વાસ ખુદાની મુશ્કની ખુશ્બુથી વધારે પસંદ છે. રોઝદાર માટે બે ખુશીઓ છે. એક ખુશી તો ત્યારે મળે છે જયારે તે રોઝો ખોલે છે. અને બીજી ખુશી ત્યારે મળશે જયારે ખુદા સાથે તેની મુલાકાત થશે.”
અરબસ્તાનની ગરમીમાં પણ ઇસ્લામના અનુયાયીઓ રોઝા રાખવાનું ચુકતા નથી. આપણે ત્યાં પણ ગરમીનું પ્રમાણ જ્યારે વધુ હોય છે ત્યારે પણ રોઝદાર અચૂક રોઝા રાખે છે. ગરમીના દિવસોમાં માનવ શરીર હંમેશા ઠંડક અને પાણીનો સ્પર્શ ઈચ્છે છે. ઇસ્લામ માનવ ધર્મ છે. તેમાં જડતા નથી. તેથી તેના નિયમો પણ માનવીય અભિગમ અને પરિવર્તન શીલતા છે. હઝરત હસન બસરી કહે છે,
“રોઝદાર માટે કુલ્લી (કોગળા) કરવી અને પાણીથી ઠંડક મેળવવી અયોગ્ય નથી”
એ જ રીતે રોઝદાર ભૂલમાં કઈ ખાઈ લે તો પણ તેનો રોઝો તુટતો નથી. હઝરત અબૂ હુરૈરા કહે છે,
“મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે અથવા પી લે તો રોઝો ન તોડે, બલકે રોઝો પુરો કરે”
રોઝાની હાલતમાં દાંતણ કરવું, મો સાફ કરવું કે દાંત સાફ કરવાંથી પણ રોઝો કાયમ રહે છે. આમરી ઇબ્ન રબી આ અંગે કહે છે,
“હુઝુર (સ.અ.વ.) રોઝોની હાલતમાં એટલીવાર દાંતણ કરતા કે હું ગણી શકતો નહિ”
હઝરત આયશા (રદિ)એ પણ કહ્યું છે,
“હુઝુર (સ.અ.વ.) ફરમાવ્યું છે કે દાંતણ મોને પાક કરનારું અને ખુદાની ખુશી મેળવવાનું સાધન છે”
રમઝાન માસમાં કયારેક મોમીનને કોઈ નાનું મોટું શારીરિક ઓપરેશન કરાવવાની ફરજ પડે છે. ત્યારે તે પોતાના તૂટી જતાં રોઝોથી ચિંતિત બને છે. કારણ કે સમાન્ય રીતે એવી માન્યતા સેવવામાં આવે છે કે રોઝાની હાલતમાં શરીર ઉપર વાઢકાપ અર્થાત ઓપરેશન કરાવવાથી રોઝો તૂટી જ્યાં છે. ઇસ્લામિક હદીસમાં આ અંગે પણ સ્પષ્ટ કરવાંમા આવી છે. આજથી લગભગ સાડા છસો વર્ષ પહેલા પણ રમઝાનના મહિનામાં રોઝદારોને અનિવાર્ય સંજોગોમાં શરીર પર વાઢકાપ અર્થાત શારીરિક ઓપરેશન કરાવવાની જરૂર પડતી. એ માટે હદીસમાં એક શબ્દ વારંવાર ઉપયોગમાં લેવાયો છે. “સીંગી”. “સીંગી” અર્થાત અસ્ત્રા દ્વારા શરીરમાંથી ખરાબ લોહી કાઢવાની ક્રિયા.
આ અંગે હદીસમાં કહ્યું છે,
“હઝરત ઇબ્ને ઉમર રોઝાની હાલતમાં સીંગી મુકાવતા હતા. પરંતુ છેવટે તેમણે તે છોડી દીધું. અને રાત્રે સીંગી મુકાવતા થયા”
હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,
“રસુલિલ્લાહ (સ.અ.વ.) એ અહેરામની હાલતમાં સીંગી મુકાવ્યું અને રોઝાની હાલતમાં પણ મુકાવ્યું હતું”
એક અન્ય બાબત પણ ઇસ્લામને માનવધર્મ તરીકે સ્વીકારવા આગ્રહ કરે છે. રોઝા દરેક માટે ફરજીયાત છે. પણ જો કોઈ પણ મુસ્લિમ સફર અર્થાત મુસાફરીમાં હોય તો તેના માટે હદીસમાં ખાસ છૂટ આપવામાં આવેલા છે. હઝરત આયશા કહે છે,
“હમઝા ઇબ્ને અમ્ર અસલ્મી બધા રોઝા રાખતા હતા. તેમણે મહંમદ સાહેબને પૂછ્યું “યા રસુલ્લીલાહ, સફરમાં રોઝા રાખું છું ? આપે ફરમાવ્યું “ઈચ્છો તો રાખો, ન ઈચ્છો તો ન રાખો”
એકવાર સહાબીઓ સાથે મહંમદ સાહેબ સફરમાં હતા. સખ્ત તાપ હતો. એટલે તાપથી બચવા માટે એક માણસના માથા પર કપડાથી છાયડો કરવામાં આવ્યો. એ જોઈ મહંમદ સાહેબે ફરમાવ્યું “સફરમાં રોઝા એ સારું કામ નથી”
પણ આ રીતે છૂટી ગયેલા રોઝા અદા કરવાનો પણ ઇસ્લામમાં આદેશ છે. ત્યાં સુધી કે બાકી રહી ગયેલા રોઝો તેના વાલી કે સગા સબંધી એ પુરા કરવા જોઈએ. આ અંગે હદીસમાં કહ્યું છે,
“જે માણસ મરી જાય અને તેના ઉપર રોઝા બાકી હોય તો તેના વાલી તેના તરફથી રોઝા પુરા કરે”

(આધાર : ઈમામ બુખારી (રહ) સંપાદક, બુખારી શરીફ, ઈબ્રાહીમ (અનુવાદક) ભાગ ૬ થી ૧૦, પ્ર. ઈસ્માઈલ ઘડિયાળી, પરિએજ, જિ. સુરત, પૃષ્ટ ૧૮૮ થી ૨૦૩)

Leave a comment

Filed under Uncategorized