Monthly Archives: October 2022

ગીતા અને કુરાનમાં કર્મનો સિધ્ધાંત : ડૉ. મહેબૂબ દેસાઈ*

ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન આપણી સમન્વય સંસ્કૃતિના પાયામાં છે. બન્ને ની વિચારધાર અને સિદ્ધાતોમાં અનેક સામ્ય છે. ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર (ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. ભગવાન કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. તેમને ખુદા તરફથી “વહી” દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ.

ગીતાનો આરંભ “ધર્મક્ષેત્ર” અથવા “ધર્મભૂમિ” શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ” શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?”
શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ ” અર્થાત “શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે” એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી”


ઉપરોક્ત આયાતમા એક વાક્ય “રબ્બીલ આલમીન” આવે છે. જેનો અર્થ “સમગ્ર સૃષ્ટિનો રબ” થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા “રબીલ મુસ્લિમ” માત્ર “મુસ્લિમોનો ખુદા” શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે. માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મના સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

“કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી”

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે.

ઇસ્લામમાં કર્મને “આમાલ” કહેલ છે. આમાલ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ થાય છે સારા-નરસા કાર્યો. ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ વર્ષો પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર હતું. કાવ્યનું મથાળું હતું,  “એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

જેની પ્રથમ પંક્તિમાં તેમણે લખ્યું હતું,


“આમલ કી કિતાબ થી

 દુવા કી કિતાબ બના દિયા”

કાવ્યમાં આગળ તેઓ લખે છે,

સમઝને કી કિતાબ થી

પઢને કી કિતાબ બના દિયા

જીન્દો કા દસ્તુર થા

મુર્દો કા મન્સુર બના દિયા

જો ઇલ્મ કી કિતાબ થી

ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

તસ્ખીર-એ-કાયનાતકા દર્સ દેને આઈ થી  

સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી

મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

આ કાવ્યમાં પણ “આમાલ” પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે આમાલ ઇસ્લામમાં કેન્દ્રીય વિચાર છે. ઇસ્લામમાં માનવીના કર્મો (આમાલ) જ માનવીનો સાચો ધર્મ છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,

“અલ્લાહને તેના બંદાના પાંચ આમાલો ખુબ પસંદ છે.

૧. કોઈ પણ વ્યક્તિને ખુશી આપવી.

૨. કોઈ પણ વ્યક્તિની તકલીફ દૂર કરવી.

૩. કોઈ વ્યક્તિનું દેવું કે કર્ઝ માફ કરવું કે ચુકેતે કરવું.

૪. કોઈ પણ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું

૫. કોઈ પણ વ્યક્તિની નૈતિક જરૂરિયાતને પૂર્ણ કરવી.

આ પાંચ આમાલો કરનાર વ્યક્તિ ખુદાને પ્યારો છે.

કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. “અલ આમલ બીન નિયતે” અર્થાત “સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે” દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે “ફી સબીલિલ્લાહ” અર્થાત “ખુદાના માર્ગે કર્મ કર” અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યા જ આપીશું.”
“અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું”
“જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ”
“એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે”
ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
“આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે”

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે.

ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન”

—————————————————————————–

*પ્રોફેસર અને અધ્યક્ષ (નિવૃત્ત), ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Leave a comment

Filed under Uncategorized