Monthly Archives: February 2021

સૂફી સાહિત્યના હજારો રંગ : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફી સંતોએ સમાજમાં સામાજિક, ધાર્મિક અને નૈતિક પરિવર્તન આણવામાં મહત્વનું પ્રદાન કર્યું છે. પણ તેમનું સાહીત્યક પ્રદાન જરા પણ ઓછું નથી. તેમની રુબાઈઓ, કવ્વાલી, કાવ્યો કે ગઝલોમાં છુપાયેલું તત્વજ્ઞાન માણવા અને સમજવા જેવું છે. સૂફી સંતોના શિરમોર સમા અલ મન્સુરની “અનલ હક્ક” અર્થાત “હું ખુદા છું” ની ઉકતી સામે “અહં બ્રહ્માસ્મિ – હું બ્રહ્મ છું” ની સમાન આધ્યાત્મિક વિચારધારાએ એ યુગમાં ધાર્મિક વંટોળ ઉભો કર્યો હતો. અને અંતે અલ મન્સુરને સૂળી પર ચઢાવી દેવામાં આવ્યો. આમાં છતાં તેના મુખમાંથી અંતિમ ક્ષણ સુધી અલ્લાહની ઈબાદતના સૂર વહેતા રહ્યો હતા. એ મન્સૂર લખે છે,

“અગર હૈ શૌક મિલને કા,

 તો હરદમ લો લગાતા જા

 જલા કર ખુદ નૂમાઈ કો

 ભસમ તન પર લગતા જા”

મન્સુર જયારે સૂળી પર ચઢ્યો ત્યારે એક સૂફી સાધકે કહ્યું હતું,

“બડા લુત્ફ હૈ યાર ઈશ્ક મેં

 માર ભી હૈ ઔર પ્યાર ભી હૈ

 સૂલી પર મન્સુર ખડા હૈ

 દાર ભી હૈ દીદાર ભી હૈ”

આવા જ એક રહસ્યવાદી સૂફી સંત અબૂ સઈ પરમાત્માની મહોબ્બતમાં કહે છે,

 “મેરે દિલમે તેરા બસેરા હૈ

 વરના મેં ઇસ ખૂન સે તર કર દૂ

 મેરી આંખો મેં તેરી ચમક હૈ

 વરના મેં ઇસે આંસુઓ સે ભર દૂ

 મેરી સિર્ફ  એક હી રુહાની ખ્વાહીશ હૈ

 તુઝમે સમા કર મેં એક હો જાઉં”

બાબા કૂહી ફારસી સંત અને કવિ થઇ ગયા. ખુદા સાથેનો તેમનો લગાવ તેમની રચનામાં ભાસે છે,

 “હાટ ઔર મઠ મેં મેને કેવલ ખુદા કો દેખા

 પર્વત પર, ઘાટી મેં મેને કેવળ ખુદા કો દેખા

 કલેશ મેં બહુધા ઉસે મેને અપની બગલ મેં દેખા

 સ્નેહ મેં, સૌભાગ્ય મેં મેને કેવળ ખુદા કો દેખા

 ઈબાદત ઔર રોજે મેં, ચિંતન ઔર સ્તુતિ મેં

પયગંબર કે દિન મેં મેને સિર્ફ ખુદા કો દેખા”

સૂફી સંત અને કવિ નઝીરનું સાહિત્ય આજે પણ સંશોધનનો વિષય છે. તેમના કાવ્યોમાં જીવનની વાસ્તવિકતા અને ચિંતન જોવા મળે છે.

“હમ ચાકર જિસ કે હુસ્ન કે હૈ

 વહ દિલબર સબ સે આલા હૈ

 ઉસને હી હમ કો જી બખ્શા

 ઉસને હી હમ કો પાલ હૈ

 દિલ અપના ભોલા ભાલા હૈ

 ઔર ઈશ્ક બડા મતવાલા હૈ

 કયા કહીએ ઔર નજીર આગે

 અબ કૌન સમજને વાલા હૈ

 હર આન હંસી હર આન ખુશી

 હર વક્ત અમીરી હૈ બાબા

 જબ આશિક મસ્ત ફકીર હુયે

 તબ ક્યાં દિલગીરી હૈ બાબા”

જીવનની ક્ષણિકતાને વાચા આપતા નજીર લખે છે,

“જબ ચલ તે ચલતે રસ્તે મેં

 યહ ગૌન તેરી ઢલ જાયેગી

 એક બધિયા તેરી મીટ્ટી પર

 ફિર ઘાસ ન ચારને આયેગી

 એ ખેપ જો તુને લાદી હૈ

 સબ હિસ્સો મેં બટ જાયેગી

 ઘી પુત જમાઈ બેટા કયા

 બંજારન  પાસ ન આયેગી

 સબ ઠાઠ પડા રહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”  

સૂફી સંત અમીર ખુશરોની રચનઓમાં મુલ્યો અને ચિંતનની પરાકાષ્ટા વ્યક્ત થાય છે,

 “બહુત રહી બાબુલ ઘર દુલહિન

 ચલ તેરે પી ને બુલાઈ

 બહુત ખેલ ખેલી સખીયન સો

 અંત કરી લરકાઈ

 ન્યાહી ધોઈ કે વસ્તર પહિરે

 સબ હી સિંગાર બનાઈ

 વિદા કરન કો કુટુંબ સબ આઈ

 ચાર કહાર ડોલી ઉઠાઈ”

આમા દુલ્હન એ ભકત છે પિયાનું ઘર ખુદાની મંઝીલ છે.

 “ખુસરુ રૈન સોહાગ કી

 જાગી પી કે સંગ

 તન મોરો મન પીઉ કે

 દોઉ ભયે એક રંગ”

સૂફી સંત યારી સાહબ (૧૬૬૯-૧૭૨૪)ની રચનાઓની સરળતા લોકભોગ્ય હતી. ૫૫ વર્ષનું ટૂંકું જીવન જીવી ગયેલા યારી સાહબ લખે છે,

“ઝીલમીલ ઝીલમીલ બરસે નુર

 નૂર જુહૂર સદા ભરપુર

 રુનઝુન રુનઝુન અનહત બાજે

 ભંવર ગુંજાર ગગન ચડી ગાજે

 રીમઝીમ રીમઝીમ બરસે મોતી

 ભયો પ્રકાશ નિરંતર જોતી

 નિર્મલ નિર્મલ નિર્મલ નામા

 કહ યારી તહં લિયો વિસામા”

ખુદાની શોધને બહુજ માર્મિક ઢંગથી વ્યક્ત કરતા યારી સાહેબ લખે છે,

“આઠ પહર નિરખત રહો સનમુખ સદા હુજુર

 કહ યારી ઘર હી મિલે કાહે જાતે દૂર”

કવિ પ્રેમી તરીકે જાણીતા થયેલા બરકત ઉલ્લાહ નામક સૂફી સાધક (૧૬૫૭-૧૭૩૦) હિંદુ મુસ્લિમ એકતાને વ્યક્ત કરતા લખે છે,

“પેમી હિંદુ તુરક મેં, હર રંગ રહો સમાઈ

 દેવળ ઔર મસીત મેં, દીપ એક હી ભાઈ

 મારગ સિંધ પરેમ કો, જયો ચાહે કોય

 મગર મચ્છ કે બદન મેં, પરથમ બસેરો હોય”

સૂફી સંત બુલ્લેશાહ ની રચનાઓમાં ખુદા પ્રત્યેનો પ્રેમ અને પ્રેમની ઉંચાઈ જોવા મળે છે,

“બેશક મંદિર મસ્જિત તોડો

 મુઝે પ્યાર કૈસા

 પર પ્યાર ભરા દિલ ન તોડો

 જિસ દિલ મેં  દિલબર રેતા”

આવા હજારો રંગોને-વિચારોને ખૂબસૂરત શબ્દોમાં સાકાર કરનાર આપણા સૂફી સંતોનું સાહિત્ય આપણી અણમોલ જણસ છે. પણ તેના પર ન તો હજુ આપણા સંશોધકોની નજર પડી છે, ન સાહીત્યકારોની અને એટલે જ આજે પણ તે ઇતિહાસના પડો ભંડારાયેલું પડ્યું છે.

1 Comment

Filed under Uncategorized

સૂફી સંત ચિરાગ દેહલવી : ડૉ. મહેબૂબ દેસાઈ

નસીરુદ્દીન મહમૂદ ચિરાગ દહેલવી અર્થાત ચિરાગ એ દિલ્લી (૧૨૭૪-૧૩૬૫)૧૪ શતાબ્દીના રહસ્યવાદી કવિ અને ચિશ્તીયા પરંપરાના સૂફી સંત હતા. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં ઈ.સ. ૧૨૭૪માં થયો હતો. દહલવીના પિતા સૈયદ મહમૂદ યાહયા અલહસ્ની પશ્મીનાનો વેપાર કરતા હતા. તેમના દાદા યાહયા અબ્દુલા લતીફ અલહસ્ની પૂર્વ ઈરાનના ખારોસનથી લાહોર આવ્યા હતા. અને એ પછી અવધમાં આવી વસ્યા હતા. નવ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું. અને તેમણે અબ્દુલ કરીમ શેરવાની પાસેથી પ્રારંભિક શિક્ષા મેળવી. એ પછી તેમણે ઇફ્તિખાર ઉદ દિન ગીલા સાહેબ પાસેથી પણ શિક્ષણ મેળવ્યું. ૪૦ વર્ષની વયે તેઓ અયોધ્યાથી દિલ્હી આવીને વસ્યા. અને નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય બન્યા. અને જીવનભર નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય બની રહ્યા.

તેમના જીવનના અનેક કિસ્સા જાણીતા છે. પ્રારંભમાં સુલતાન મુહમ્મદ તુગલક ( દિલ્હી સુલતાન ૧૩૨૫ થી ૧૩૫૧) કેટલાક લોકોની કાન ભંભેરણીને કારણે તેમનો વિરોધી હતો. એનકેન પ્રકારે હઝરતને પરેશાન કરવા તે પ્રયાસ કરતો. એક વાર હઝરત ચિરાગ દહેલવીનું અપમાન કરવા અને તેમને સાજ કરવાના ઈરાદાથી સુલતાન મુહમ્મદ તુગલાકે હઝરતને શી ભોજન માટે દાવત આપી. દોસ્ત કે દુશ્મન જયારે પણ પ્રેમથી નિમંત્રણ આપે ત્યારે ઇસ્લામી શરીયત મુજબ જવું જોઈએ. હઝરત પણ શાહી ભોજનનું નિમંત્રણ સ્વીકારી મહેલમાં પહોંચ્યા. સુલતાને ભોજન ચાંદી અને સોનાના વાસણો પીરસ્યું. સુલતાન જાણતો હતો કે હઝરત આવા વાસણોમાં ભોજન કરવાનો ઇનકાર કરી દેશે. પરિણામે શાહી ભોજન નો ઇનકાર કરવાના ગુના સબબ હઝરતને કેદની સજા કરી જેલમાં નાખી દઈશ.

હઝરત ચિરાગ દહેલવી સુલતાનની મંશા પામી ગયા. તેમને સોના ચાંદીના વાસણોમાં પીરસેલું ભોજન સોના ચાંદીની થાળીમાં લેવાને બદલે પોતાના ડાબા હાથની હથેળી પર મુક્યું અને જમણા હાથથી અલ્પ ભોજન લઇ આરોગ્યું . આમ સુલતાનની હઝરતનું અપમાન કરી જેલમાં નાખવાની મુરાદ પૂરી ન થઇ. પણ તેમના આ કૃત્યથી સુલતાન પ્રભાવિત થયા. અને તેમણે હઝરતને સોનાની અશરફીઓ અને મલમલના તાકા ભેટ આપ્યા. પણ હઝરત એ ભેટો તરફ નજર પણ કર્યા વગર, સુલતાનને સલામ કરી શાહી દરબાર છોડી ચાલતા થયા. સુલતાન હઝરત ચિરાગ દહેલવીની ખુદ્દારી અને સંત પરાયણતા એક નજરે તાકી રહ્યા.

તેમના ઉપદેશોમાં મુલ્યોનું જતન અને જીવનના રહસ્યો અભિવ્યક્ત થતા હતા. તેઓ કહેતા,

“મનુષ્યના પ્રત્યેક અંગમાં શહવત (વાસના) અને લાલચ છુપાયેલા છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના અંગોને આ વાસનાઓ અને લાલચોથી મુક્ત નહિ કરે, ત્યાં સુધી એ કોઈ પણ મંઝીલ પર પહોંચી નહિ શકે.”

આપ એક ઉપદેશમાં જણાવે છે,

“તૌબા (પ્રાયશ્ચિત) છ પ્રકારની હોય છે

૧. તૌબા એ જબાન ૨. તૌબા એ ચશ્મ ૩. તૌબા એ ગોશ ૪. તૌબા એ દસ્ત ૫. તૌબા એ પા ૬. તૌબા એ નફસ

જેણે આ છએ પર કાબુ મેળવ્યો એ ખુદાનો પ્યારો બંદો બની ગયા.”

તેઓ કહે છે,

“કુરાન શરીફના વાંચનથી બે લાભો થયા છે

૧. આંખની દ્રષ્ટિ ક્યારેય ઓછી થતી નથી

૨. કુરાન શરીફનું અધ્યન આંખની બીમારીઓથી દૂર રાખે છે.”

તેમના ઉલ્લેખનીય શિષ્યોમાંના એક હતા બંદે નવાઝ, જે તૈયમુરના આક્રમણને કારણે ઈ.સ. ૧૪૦૦માં  દોલતાબાદમાં જઈ વસ્યા હતા. અને ત્યાંથી બહામની શાસક ફિરોઝ શાહ બહામનીના નિમંત્રણથી કર્નાટકના ગુલબર્ગમાં જઈને વસ્યા હતા. ત્યાજ તેમણે પોતાના જીવનના અંતિમ ૨૨ વર્ષો કાઢ્યા અને ચિશ્તીયા સિલસિલાનો પ્રચાર કર્યો. ઈ.સ.૧૪૨૨માં તેમનું અવસાન થયું. ખ્વાજા બંદે નવાઝની દરગાહ આજે પણ ગુલબર્ગ શહેમાં મૌજુદ છે અને હુંદુ મુસ્લિમ બન્ને સમાજમાં તેમની શ્રધ્ધા પ્રવર્તે છે.

હઝરત તેમના આધ્યાત્મિક ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના સૂફી વિચારોથી થોડા વિપરીત હતા. સમા અર્થાત સૂફી પરંપરામાં દરગાહ પર કવ્વાલી ગાવાની પ્રથાને તેઓ માનતા ન્ હતા. આજે પણ તેમની દરગાહ પર કવ્વાલી થતી નથી. તેમનું અવસાન ૮૨ વર્ષની વયે ૧૭ રમઝાન હિજરી ૭૫૭ અર્થાત ઈ.સ. ૧૩૫૬માં થયું. અને તેમેણ દક્ષિણ દિલ્હીમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમનો મકબરો ઈ.સ. ૧૩૫૮માં દિલ્હીના સુલતાન ફિરોઝ શાહ તુગલક (૧૩૫૧-૧૩૮૮)દ્વારા બાંધવામાં આવ્યો હતો.હઝરત ચિરાગ દેહલવીને “રોશન ચિરાગ એ દિલ્હી” નો ખિતાબ આપવામાં આવ્યો હતો. જેનો અર્થ થયા છે દિલ્હીની પ્રબ્ધ્ધ રોશની”. આજે દક્ષિણ દિલ્હીનો આ વિસ્તારમાં “ચિરાગ દિલ્હી” નામે જાણીતો છે. 

Leave a comment

Filed under Uncategorized