Monthly Archives: July 2013

મહંમદ પયગમ્બર સાહેબના પ્રેરક જીવન પ્રસંગો : ડો. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ઉત્તર સીરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદાજુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્રાંતના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાપ્રિય શાસન ચલાવવા કાબેલ છે કે નહિ તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનો હતો. મહંમદ સાહેબએ મુઆઝને બોલાવ્યો અને પૂછ્યું,
“તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?”
મુઆઝે જવાબ આપ્યો,
“કુરાને શરીફની આયાતોને”
“પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ આયાત (શ્લોક) કુરાને શરીફમાં ન મળે તો ?” મહંમદ સાહેબે પૂછ્યું.
“ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ”
“પણ જો પયગમ્બરના દાખલામાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ન મળે તો ?”
“ત્યારે હું મારી અક્કલ હોશિયારીથી નૈતિક રીતે નિર્ણય કરીશ”
મહંમદ સાહેબ મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,
“જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે ત્યારે બંનેની વાત સારી રીતે સંભાળ્યા વગર કદી ચુકાદો ન આપીશ”
********************
હઝરત મહંમદ સાહેબ ન્યાય, ઇન્સાફના ખુબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબીલાની એક  સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી મહંમદ સાહેબ પાસે આવ્યો. ઔસામા બિન ઝૈદી પ્રત્યે મહંમદ સાહેબને ખુબ માન. આથી ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિન ઝૈદીને સાથે લઈને મહંમદ સાહેબ પાસે આવી. ઔસામા બિન ઝૈદને જોઈ મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,
“ઔસામા, શું તમે ન્યાયની વચ્ચે પડવા આવ્યા છો ?”
“મહંમદ સાહેબનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી પડી. મહંમદ સાહેબે સાથીઓને સંબોધતા કહ્યું,
“તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે. કારણ કે તેમણે ગરીબો મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો. ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું”
***********************
એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું, ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.’
એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ?’
‘તારી માતા’ ફરી એ જ જવાબ મળ્યો.
‘એ પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું, ‘એ પછી તારા પિતા.’
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.’
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
***************************
એક વાર મહંમદસાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જોઇને બાળાઓ હજરત મહંમદ (સ.ચ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ‘ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદા’ અર્થાત્ ‘અમારી વરચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.’
મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું, ‘જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.’
***************************
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઉઠ્યા, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.’
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.’
*****************************
લડાઇના દિવસો ચાલતા હતા. યુવાનો મોટા પ્રમાણમાં લડાઇમાં જૉડાઇ રહ્યા હતા. એ દિવસોમાં કોઇકે મહંમદસાહેબને કહ્યું, ‘હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઇમાં જવા ઇરછું છું.’
મહંમદસાહેબે તેને પૂછ્યું, ‘તારી મા જીવે છે?’
પેલા યુવાને કહ્યું, ‘હા.’
મહંમદસાહેબે ફરી પૂછ્યું, ‘શું કોઇ બીજું તેનું પાલનપોષણ કરનાર છે?’
યુવાને જવાબ આપ્યો, ‘ના.’
મહંમદસાહેબે કહ્યું, ‘તો જા, તારી માની સેવા કર, કારણ કે તેના ચરણોમાં જન્નત છે.’
****************************
મુસાફરીમાં એકવાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.’
મહંમદસાહેબે બોલ્યા,
પણ હું મારી જાતને તમારા કરતાં ઉંચી નથી માનતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’
******************************
હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પઢતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું,
‘મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.’
એક સાથીએ યાદ અપાવ્યું,
‘મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.’
મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું,
આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.’
ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્વીઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.
************************************
હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ને તેમના પુત્રી ફાતિમા અંત્યંત પ્રિય હતા. એક દિવસ હઝરત અલી મહંમદ સાહેબ પાસે આવ્યા. અને મસ્તક ઝુકાવી અદબથી વિનતી કરી,
“યા રસુલ્લીલાહ, ખાતુને જન્નત ફાતિમા સાથે નિકાહની દરખાસ્ત લઈને આવ્યો છુ.”
આપે હઝરત અલીની આ દરખાસ્ત અંગે પુત્રી ફાતિમાને પૂછ્યું. તેમણે મૌન રહી સંમતિ આપી. અને આમ નિકાહ કરવાનું નક્કી થયું. મહેરમાં આપવા માટે હઝરત અલી પાસે કશું ન હતું. અંતે બદ્રની લડાઈમાં મળેલું બખ્તર હઝરત ઉસ્માનગની (રદી)ને ૪૪૦ દીહરમમાં વેચી રસુલે પાક પાસે મુક્યા.
હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પોતાની વહાલસોઈ પુત્રી ફાતેમાને દહેજમાં આપેલ વસ્તુઓ પણ ઇસ્લામમાં દહેજ પ્રથાની અવગણના વ્યક્ત કરે છે.આપે પ્રિય પુત્રી ફાતેમાને દહેજમાં વાણનો એક ખાટલો, એક ચાદર, ચામડાનો એક ગદેલો જેમાં રૂને બદલે ખજૂરની છાલ ભરેલી હતી, લોટ દળવાની બે ઘંટીઓ, પાણી ભરવાની એક મશક અને માટીના બે ઘડા આપ્યા હતા.
ખુદાના પયગમ્બર અને ઇસ્લામના મહાન ઘડવૈયા હઝરત મહંમદ પયગમ્બરે પોતાની વહાલસોઈ પુત્રીને આપેલ દહેજ આજના સંદર્ભમાં દરેક સમાજ માટે ઉપદેશાત્મક નથી લાગતો ?
*************************
જંગેબદ્ર (બદ્રના યુદ્ધ)માં પકડાયેલા કેદીઓને શી સજા કરાવી એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે આ અંગે મહંમદ સાહેબને પૂછ્યું,
“યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું ?”
આપે ફરમાવ્યું,
“દરેક ભણેલો કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે. દંડ છે.”
**************************
હઝરત મહંમદ સાહેબને “વહી” દ્વારા ખુદાઈ પયગામ મળતો. વહી સમયે આપને ઘણી માનસિક અને શારીરિક તકલીફ સહેવી પડતી.જયારે કોઈ ખાસ આધ્યાત્મિક મુશ્કેલી કે સમસ્યા પ્રસંગે તેમને કોઈ રસ્તો ન સૂઝતો ત્યારે તેઓ ખાવાપીવાનું છોડીને ચાદર વીંટાળી પડી રહેતા, ઈબાદત કરતા અને રડતા. કોઈ કોઈવાર તો કેટલાય દિવસો આમ જ વિતતા. તેમનું શરીર વારંવાર કંપવા લાગતું. અને જે નિર્ણય કે શબ્દ આપણા મુખમાંથી નીકળતા તેને વહી કે ખુદાનો સંદેશ કહેતા.
વહીને કારણે વારંવાર તેમણે અસાધારણ પીડા અને બેચેની થતી. તેની અસર હઝરત મહંમદ પયગમ્બર સાહેબના શરીર, સ્નાયુ અને મગજ પર ઊંડી થતી. એકવાર તેમની દાઢીમાં સફેદ વાળ જોઈ અબુબક્ર રડવા લાગ્યા. હઝરત મહંમદ સાહેબે તેમને ફરમાવ્યું,
“હા, વહી વખતે મને જે દર્દ થતું, કષ્ટ પડતું, તેના આ બધા પરિણામો છે. સુરે હુદ, સુરે અલવાકિયા, સુરે અલકરયા અને તેની સાથેની બીજી સૂરતોએ મારા કેશ સફેદ કરી નાખ્યા છે.”
*************************
હઝરત મહંમદ સાહેબને છેવટનો તાવ આવ્યો. શરીરે તેઓ ઘણા અશક્ત થઇ ગયા હતા. આમ છતાં એ મધરાત્રે જયારે મદીનાના લોકો ભર ઊંઘમાં હતા, ત્યારે આપ ફક્ત એક સાથીને સાથે લઇ શહેર બહાર કબ્રસ્તાનમાં ગયા. અને કબરોની વચ્ચે ધ્યાનમગ્ન અવસ્થામાં લાંબો સમય સુધી બેસી રહ્યા. અંતે ભારે હૈયે તેમણે ફરમાવ્યું,
“હે કબરવાસીઓ, તમને સર્વેને ખુદાતઆલા શાંતિ બક્ષે.તમને અને અમને ખુદાતઆલા ક્ષમા બક્ષે. એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે. તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો અને અમે તમારી પાછળ જ આવીએ છીએ”
**************************
હઝરત મહંમદ સાહેબ ભોજનમાં ક્યારેક ઉંટ કે બકરાનું માંસ લેતા. પરંતુ સામાન્ય રીતે તેમનો ખોરાક ખજુર અને પાણી અથવા જવની રોટી અને પાણી જ હતો. દૂધ અને મધ તેમને પસંદ હતા. પણ તે મોંઘા હોવાને કારણે તેઓ વધુ ન લેતા. એકવાર એક સાથીએ તેમને બદામનો લોટ આપ્યો અને કહ્યું,
“રસુલ્લીલાહ, આપ આવું જ ભોજન લો”
આપે ફરમાવ્યું,
“આ ઉડાઉ લોકોનો ખોરાક છે” એમ કહી તેમણે તે લેવાનો ઇનકાર કરી દીધો. ડુંગળી અને લસણ પ્રત્યે તેમને અણગમો હતો. ડુંગળી અને લસણ નાખેલો કોઈ ખોરાક તેઓ ખાતા નહિ. તેમની આજ્ઞાના હતી કે મસ્જિતમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી કે લસણ ખાઈને કોઈએ ન આવવું. હઝરત અબૂ ઐયુબ જણાવે છે,
“એકવાર અમે ડુંગળી અને લસણ નાખી ભોજન બનાવ્યું. અને રસુલેપાકની સેવામાં મોકલ્યું. ભોજન આપે આરોગ્ય વગર પરત કરી દીધું. હું ગભરાઈ ગયો. અને રસુલેપાકની સેવામાં પહોંચી ગયો.અને પૂછ્યું,
“યા રસુલ્લીલાહ, આપે ભોજન લીધા વગર પરત કેમ પરત મોકલ્યું ?”
મહંમદ સાહેબે જણાવ્યું,
“ભોજનમાં ડુંગળી અને લસણની વાસ આવતી હતી. અલ્લાહના ફરિશ્તા રાત દિવસ મારી પાસે આવતા રહે છે. હું તેમની સાથે વાતો કરું છું. ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી. જેથી મેં ભોજન પરત મોકલી દીધું. પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો”
હઝરત અબૂ ઐયુબે મહંમદ સાહેબની વાત સાંભળી કહ્યું,
“જે વસ્તુ રસુલેપાકને પસંદ ન હોય તેને અમે કેવી રીતે પસંદ કરીએ ? આ બનાવ પછી અમે પણ ડુંગળી અને લસણનો ઉપયોગ ભોજનમાં કરવાનું છોડી દીધું.
********************************
એક વખત એક ચીંથરેહાલ ગરીબ મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,
“યા રસુલ્લીલાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કઈ ખાવનું હોય તો આપો”
આપે આપના ઘરમાં પૂછ્યું,”કઈ ખાવાનું છે ?”
જવાબ મળ્યો, “પાણી સિવાય કશું જ નથી”
આપે સાથીઓને ફરમાવ્યું,
“કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે ?”
મહંમદ સાહેબના પ્રખર અનુયાયી હઝરત અબૂ તલહાએ ઉભા થઇ કહ્યું,
“યા રસુલ્લીલાહ, હું આજે તેને મારો મહેમાન બનવું છું”
અને અબૂ તલહા એ ગરીબને લઇ પોતાના ઘરે પહોંચ્યા. મહેમાનને બેઠકમાં બેસાડી અંદર જઈ તેમણે પત્નીને પૂછ્યું, ” કઈ ખાવાનું છે ?”
“માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે” પત્નીએ જવાબ આપ્યો.
થોડું વિચારી હઝરત અબૂ તલહાએ પત્નીને કહ્યું,” ઘરના તમામ ચિરાગો બુઝવી નાખો”
પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. અને પોતે પણ તેની સાથે બેઠા. અંધારમાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબૂ તલહા અંધારામાં એવી રીતે હાથ મો ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય ! ગરીબ મહેમાને પેટ ભરીને ભોજન કરાવી વિદાય કર્યો. મહેમાનની વિદાય પછી પત્નીએ પૂછ્યું, “તમે ગરીબ મહેમાનને ભરપેટ જમાડ્યો અને તમે અંધારમાં જમવાનો દેખાવ કેમ કરતા રહ્યા ?”
 
હઝરત અબૂ તલહાએ કહ્યું, “તમે તંગી ભલે ભોગાવો પણ ગરીબ મઝલુમોને શકાય તેટલું આપો”
Advertisements

Leave a comment

Filed under Uncategorized

ઈબાદત અને ઝકાતનો માસ : રમઝાન :: ડો. મહેબૂબ દેસાઈ

 

 

 ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે. ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમ એ દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. રમઝાન માસમાં જકાત-ખૈરાત આપવામાં કોઇ પણ સાચો મુસલમાન અચકાતો નથી. કારણ કે જકાતમાં મનચોરી એ પાપ છે.

ઇસ્લામમાં રોજા દરેક મુસ્લિમ માટે ફરજીયાત કરવામાં આવ્યા છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

“તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે. જેવી રીતે તમારી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા”  

રોઝા કે ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં શરિયતમાં જણાવવામાં આવ્યું છે,

સવારે સૂરજ ઊગે એ પહેલાંથી અને સૂરજ આથમેં ત્યાં સુધી ખાવાની, પીવાની અને સ્ત્રી સહવાસની પાબંદી સ્વીકારી, ખુદાની ઇબાદતમાં મશગૂલ રહેવું એટલે રોઝો.’

ખુદાએ રોઝા ફર્ઝ કર્યા હોયને રોઝા અંગે અનેક હિદાયાતો કુરાને શરીફ અને હદીસોમાં આપવામાં આવેલા છે. રોઝાની મહત્તા વ્યકત કરતા હઝરત અબુ હરૈરએ કહ્યું છે,

“રોઝા દોઝક (નર્ક)થી બચવાની ઢાલ છે”

“રોઝદાર અપશબ્દ ન બોલે, સંભોગ ન કરે જહાલાતની વાતો ન કરે. જો કોઈ માણસ તેને સાથે લડવા આવે અને અપશબ્દ કહે તો તેને સબ્રથી કહીદે કે મારે રોઝો છે”

હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,  

“જો કોઈ માનવીની સ્ત્રી, બાળકો, જાનમાલ, ઔલાદ અને પાડોશીના હક્કો અદા કરવામાં કઈ ગફલત(ભૂલ) થી જાય તો તે ગફલતના બદલામાં તે રોઝા, નમાઝ અને ખૈરાત (દાન) અદા કરશે તો તેની ગફલત (ભૂલ) ખુદા માફ કરી દેશે”

“જન્નતમાં એક દરવાજો છે જેને ‘રય્યન’ કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે દરેક રોઝદાર જન્નતમાં દાખલ થશે. એ સિવાય કોઈ એ દરવાજામાંથી દાખલ થઇ શકશે નહિ”

“રમઝાન આવે છે ત્યારે દોઝકના દરવાજા બંધ થઇ જાય છે, અને જન્નતના દરવાજા ખુલી જાય છે”

“જે માનવી ઈમાન સાથે સવાબની અપેક્ષાએ લયલતુલ કદ્રની રાતે જાગતો રહેશે, તેના આગલા ગુનાહ માફ થઇ જશે. જે માનવીએ ઈમાન સાથે રમઝાનના રોઝા રાખશે તેના પણ આગલા ગુનાહો માફ થઇ જશે”

“જે માનવી રોઝામાં જુઠ્ઠું બોલવાનું અને તેના પર અમલ કરવાનું ન છોડે, તેનું ખાવાપીવાનું છોડાવાનું   ખુદાને ત્યાં કોઈ જ મહત્વ નથી”

કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

“માનવીનું દરેક કાર્ય પોતના માટે છે. અલબત્ત તેના રોઝા મારા (ખુદા) માટે છે. હું પોતે જ તેનો બદલો આપીશ”

હઝરત અનસ કહે છે,

“રમઝાન માસમાં મહંમદ સાહેબે પત્નીઓને ન મળવાની કસમ ખાધી હતી. આપ ૨૯ દિવસ એક જ ઓરડામાં રહ્યા. ૨૯ દિવસ પછી આપ તે ઓરડામાથી બહાર આવ્યા. ત્યારે કોઇ કે પૂછ્યું, ‘આપે તો રમઝાન મહિના દરમિયાન પત્નીઓથી દૂર રહેવાની કસમ ખાધી છે ને” મહંમદ સાહેબે ફરમાવ્યું.’ મહિનો ૨૯ દિવસનો પણ હોય છે”

હઝરત હસન બસરી કહે છે,

“રોઝદાર માટે કુલ્લી કરવી અને પાણીથી  ઠંડક મેળવવી વાંધાજનક નથી”

મહમદ સાહેબે ફરમાવ્યું છે,

“જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે અથવા પી લે તો રોઝો ન તોડે બલકે તે રોઝો પુરો કરે”

હઝરત અબુ હરૈરએ કહ્યું છે,

“જો રોઝદાર ઉલટી કરે તો રોઝો તૂટતો નથી. કારણ કે અંદરથી નકામો ખોરાક બહાર આવે છે, પેટમાં દાખલ થતો નથી”

ઇસ્લામમાં રમઝાન માસમાં રોઝા રાખવાનું અનેક ગણું આધ્યાત્મિક મહત્વ છે. કારણે કે રમઝાન

માસમાં જ  કુરાને શરીફનું અવતરણ થયું છે. આ ઉપરાંત ખુદાની ઉતરેલી અન્ય તમામ કીતાબોનું અવતરણ પણ રમઝાનમાં જ થયું છે. હઝરત ઇબ્રાહિમ(અ.સ.)અને અન્ય પયગમ્બરોને આ જ માસની પહેલી થી ત્રીજી તારીખ સુધીમાં જ સહીફેનું અવતરણ થયું હતું. સહીફે અન્ય પયગમ્બરો પર ઉતરેલ ખુદાના આદેશનો સંગ્રહ છે. હઝરત દાઉદ(અ.સ.)ને આ જ માસની ૧૨ થી૧૮ તારીખ દરમિયાન “જુબુર”નું અવતરણ થયું હતું. હઝરત મુસા(અ.સ.)ને આ જ માસની ૬ઠ્ઠી તારીખે “તૌરાત”નું  અવતરણ થવો આરંભ થયો હતો. હઝરત ઈસા (અ.સ.)ને આ જ માસની  ૧૨ થી ૧૩ તારીખ  દરમિયાન “ઈંજીલ”નું અવતરણ થયું હતું. એ દ્રષ્ટિએ દરેક મુસ્લિમ માટે રમઝાન માસ અંત્યંત પવિત્ર માસ છે.  

Leave a comment

Filed under Uncategorized