Monthly Archives: May 2011

ઇસ્લામ અને લીડરશીપ:ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબ એક આદર્શ લીડર હતા, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. તેમણે અરબસ્તાનની જંગલી અને અસંસ્કૃત પ્રજામાં એક આગવી સંસ્કૃતિ અને સભ્યતાના બીજ વાવી તેને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવાનું અશકય કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તે જ બાબત તેમના આદર્શ નેતૃત્વને અભિવ્યક્ત કરે છે. પણ તેની ચર્ચા આરંભીએ એ પૂર્વે આધુનિક મેનેજમેન્ટનો નેતૃત્વ કે લીડરશીપનો અભિગમ ટૂંકમાં જોઈએ. ઓકસફોર્ડ શબ્દકોશમાં લીડરશીપની સમજ આપતા કહ્યું છે,

“The action of leading a group of people or an organization, or the ability to do this”

આ જ અર્થને મેનેજમેન્ટના નિષ્ણાતોની ભાષામાં કહીએ તો,

“એક માનવ સમુહને પ્રોત્સાહિત કરી,સર્વ સામાન્ય ઉદેશની પ્રાપ્તિ અર્થે સક્રિય કરવો એટલે નેતૃત્વ કૌશલ્ય”

હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના સામાજિક જીવનના આરંભથી જ તેમનામાં આ ગુણો અરબસ્તાનની પ્રજાએ મહેસુસ કર્યા હતા. તેમના જીવનનો સૌ પ્રથમ પ્રસંગ આ બાબતનું ઉમદા ઉદાહરણ છે.
હઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ કાબા શરીફનું સર્જન કર્યું. અને તેમણે જ કાબાની દિવાલમાં હઝરત જિબ્રાઈલે આપેલ “હજરે અસ્વદ” મઢ્યો હતો. એ પછી છેક મહમદ(સ.અ.વ.) સાહેબની ઉંમર ૩૫ વર્ષની હતી ત્યારે કાબાનું પુનઃ સર્જન થયું. કાબાની જૂની દીવાલો દૂર કરી નવી દિવાલો ઉભી કરવામાં આવી. એ સમયે “હજરે અસ્વદ”ને સાચવીને દિવાલમાંથી કાઢવામાં આવ્યો. જયારે નવી દીવાલોનું સર્જન થયું ત્યારે “હજરે અસ્વદ”ને પાછો તેની મૂળ જગ્યાએ ગોઠવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. અને મક્કાના જુદા જુદા કબીલાઓમાં એ માન ખાટવા લડાઈ ઝગડા શરુ થયા. કબીલાઓ વચ્ચે આ અંગે મતભેદો એટલા ઉગ્ર બન્યા કે મામલો ખુન-ખરાબા પર આવી ગયો. કબીલાઓ વચ્ચે તલવારો ખેંચાય. “હજરે અસ્વદ” પોતાના કબીલાના સરદારના હસ્તે જ કાબાની દિવાલમાં મુકાય તેવો તમામ કબીલાઓ આગ્રહ રાખતા હતા. મક્કામાં લોહીના પ્યાલાઓમાં હાથ બોળીને સૌ કબીલોએ સોગંદ લીધા કે અન્ય કોઈ “હજરે અસ્વદ”ને હાથ પણ લગાડશે તો મક્કામાં ખૂનની નદીઓ વહેશે. સતત પાંચ દિવસ સુધી મક્કામાં આવું ઉગ્ર વાતવરણ રહ્યું. આ ઝગડાનો નિકાલ કેવી રીતે લાવવો એ જ કોઈને સમજાતું ન હતું. અંતે મક્કાના એક વયોવૃદ્ધ અબુ ઉમૈયહ બિન મુગીરહ મખ્ઝુમીએ માર્ગ ચિંધ્યો.
“કાલે સવારે જે વ્યક્તિ સૌ પ્રથમ હરમ શરીફ(કાબાના વિસ્તાર)માં દાખલ થાય તે વ્યક્તિ જે નિર્ણય કરે તે તમામ કબીલાઓએ માન્ય રાખવો.”
બીજે દિવસે અનાયસે જ હરમ શરીફમાં સૌ પ્રથમ હઝરત મહંમદ(સ.અ.વ.)સાહેબ દાખલ થયા. એ સમયે હજુ તેમના પર “વહી”(ખુદાનો સંદેશ) ઉતરવાનો આરંભ થયો ન હતો. છતાં મક્કમાં તેમની પ્રતિષ્ઠા ખાસ્સી હતી. વેપારમાં તેમને ઘણી સફળતા પ્રાપ્ત થઈ હતી. એક ઈમાનદાર વેપારી તરીકે મક્કામાં તેમનંમ ઘણું માન હતું. તેમને “અમીન” (અમાનત રાખનાર)અને “સાદીક”(સત્યવાદી) કહીને મક્કાવાસીઓ બોલાવતા હતા. આમ છતાં જાહેરમાં પોતાની નિર્ણય અને નેતૃત્વ શક્તિને વ્યક્ત કરવાનો તેમના માટે આ પ્રથમ અવસર હતો. પ્રથમ કસોટી હતી.મહંમદ સાહેબ (સ.અ.વ.)એ સૌ પ્રથમ તકરારનો મુદ્દો બરાબર જાણી લીધો. પછી ફરમાવ્યું,
“એક ચાદર લાવો”
ચાદર આપને પેશ કરવમાં આવી. હજારો મક્કાવાસીઓ આતુર નજરે મહંમદ સાહેબ(સ.અ.વ.)આ સળગતા પ્રશ્નનો શું ઉકેલ લાવે છે તે જોવા ઉત્સુક હતા. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ ફરમાવ્યું,
“ચાદરને જમીન પર પાથરી દો”
ચાદરને જમીન પર પાથરી દેવામાં આવી. પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)એ પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વદ” ચાદરમાં મુક્યો અને ફરમાવ્યું,
“દરેક કબીલના સરદાર ચારે બાજુથી આં ચાદરને પકડે અને સાથે મળીને આં ચાદર ઉપાડે”
અને આમ બધા કબીલાના સરદારોએ સાથે મળીને ચાદર ઉપાડી અને “હજરે અસ્વદ” કાબા શરીફની દીવાલ પાસે લઇ ગયા. પછી મહંમદસાહેબે પોતાના હાથો વડે “હજરે અસ્વદ”ને કાબા શરીફની દિવાલમાં ગોઠવી દીધો. આમ મહંમદ સાહેબના કુનેહપૂર્વકના નિર્ણય અને નેતૃત્વ શક્તિએ મક્કામાં ખુનામરકી થતી અટકાવી અને પુનઃ શાંતિ પ્રસ્થાપિત કરી.
પછી તો મહંમદ સાહેબના સમગ્ર જીવન દરમિયાન આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા રહ્યા હતા, જેનો નિકાલ મહંમદ સાહેબે અત્યંત સુઝપૂર્વક કર્યો હતો.જેમાં તેમની નેતૃત્વ શક્તિના કેટલાક વિશિષ્ટઓ લક્ષણો ઉપસી આવ્યા હતા. એ મુજબ
૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ કયારેય પોતાની જાતને પોતાના સહાબીઓથી ઊંચી ગણી ન હતી.
૨. તેમણે પોતાના વિચારો અને કાર્યોમાં જરા પણ ભેદ રાખ્યો ન હતો.
૩. દરેક મક્કા કે મદીનાવાસીઓ સાથે હંમેશા કૌટુંબિક ભાવનાથી તેઓ વર્તતા હતા.
૪. હેંમેશા પોતાની જવાબદારી અદા કરી, એમ કરવા લોકોને દ્રષ્ટાંત પૂરું પાડતા હતા.
૫. પ્રશ્નોના ઉકેલ માટે આયોજન અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ તેમનામાં દરેક પ્રસંગે જોવા મળી હતી.
૬. મહંમદ સાહેબ પોતાના સાથીઓને બરાબર ઓળખતા હતા અને તેમના વિકાસ કે ભલા માટે હંમેશા ઉત્સુક રહેતા.
૭. પોતાના સહાબીઓ અને અનુયાયીઓ સાથે હંમેશા સંપર્કમાં રહેતા. અને વખતો વખત તેમને માર્ગદર્શન આપી મુલ્યનિષ્ઠ જીવન માટે તૈયાર કરતા.
૮. ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટે માનવ શક્તિ સાથે અન્ય અહિંસક સાધનોનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરવાની તેમની કુનેહ અદભૂત હતી.
( ક્રમશઃ)

Advertisements

Leave a comment

Filed under Uncategorized