Monthly Archives: July 2011

મૌલાના ગુલામ મહંમદ વસ્તાનવીની હકાલપટ્ટીની ભીતરમાં : ડો.મહેબૂબ દેસાઈ

ગુલામ મહંમદ વસ્તાનવી. સુરત જીલ્લાના માંડવી તાલુકાના વસ્તાન ગામના વતની અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરનાર મૌલવી ગુલામ મહંમદ વસ્તાનવીને દારુલ ઉલુમ દેવબંદ ઇસ્લામિક યુનિવર્સીટીના કુલપતિ સ્થાનેથી દૂર કરવાની ક્રિયા એક લોકશાહી રાષ્ટ્ર માટે ચોક્કસ આઘાતજનક છે. ઇસ્લામમાં જ્ઞાન અને શિક્ષણને અગ્રસ્થાન આપવમાં આવેલ છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.) પર ઉતરેલી સૌ પ્રથમ વહી અને તેનો પ્રથમ શબ્દ “ઇકરાહ” તેની સાક્ષી પૂરે છે. ઇકરાહ એટલે પઢ, વાંચ. એ દ્રષ્ટિએ વસ્તાનવી સાહેબ કુરાને શરીફના મૂળભૂત અને પ્રથમ આદેશનું પાલન સનિષ્ઠ રીતે કરી રહ્યા છે. તેમણે અક્કાલકુવા (મહારાષ્ટ્ર)મા પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થા સ્થાપી, મૌલાના શબ્દની માર્યાદિત સમાજને અસત્ય પુરવાર કરેલ છે.અક્કાલકુવામાં શિક્ષણની દરેક શાખાને તેમણે વિકસાવી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિને કારણે જ વિશ્વ પ્રસિદ્ધ ઇસ્લામિક યુનિવર્સીટી દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.

એ નિયુક્તિના થોડા દિવસો પછી તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા. ત્યારે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના શાસનતંત્ર અંગે પ્રશંસનીય વિધાનો કર્યા. ગુજરાતના મુસ્લિમોને આજે કોઈ જ તકલીફ નથી. એવું પણ કહ્યું. તેમના આ વિધાનોને માધ્યમોએ પ્રસિદ્ધ કર્યા. પરિણામે દારુલ ઉલુમ દેવબંદમા બેઠેલા મહાનુભાવોને નારાજગી વ્યક્ત કરવાનું કારણ મળી ગયું. તેમના વિધાનોને ધ્યાનમાં રાખી તેમના ઉપર એક તપાસ સમિતિ રચાય. સમિતિએ તેમને કુલપતિના સ્થાનેથી દૂર કરવાનો નિર્ણય લીધો. અને તેમને દારુલ ઉલુમ દેવબંદના કુલપતિના સ્થાનેથી દૂર કરવામાં આવ્યા.આ ઘટના પ્રથમ દ્રષ્ટિએ સરળ લાગે છે. પણ તેની ભીતરની ક્રિયા અને તેનું પૃથકરણ ભારત જેવા લોકશાહી રાષ્ટ્ર માટે અનિવાર્ય લાગે છે.

સૌ પ્રથમ તો ભારત લોકશાહી રાષ્ટ્ર છે. તેના દરેક નાગરિકને વિચાર, વાણી અને વ્યવહારની પૂરી સ્વતંત્રતા છે. એટલે ભારતના કોઈ પણ નાગરિકને, કોઈ પણ રાજ્યના મુખ્ય મંત્રી કે સામાન્ય નાગરિક અંગે પ્રશંસા કે ટીકા કરવાનો બંધારણીય અધિકાર છે. તે માટે તેને કોઈ પણ નાના મોટા સ્થાન માટે લાયક કે ગેરલાયક ઠેરવી શકાય નહિ. જો કે અહિયા વસ્તાનવી સાહેબનું શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેનું વિધાન સમગ્ર ગુજરાતના મુસ્લિમોને સ્પર્શે છે. તેનો સિધ્ધો સંબંધ ગુજરાતની ૨૦૦૨ની ઘટનાઓ સાથે છે. ગુજરાતની ૨૦૦૨ની ઘટના સમગ્ર વિશ્વના મુસ્લીમો માટે અત્યંત સવેદનશીલ ઘટના છે. મારી હજજ યાત્રા (૨૦૧૧) દરમિયાન મને વિશ્વના મુસ્લીમોને અનૌપચારિક રીતે મળવાની તક સાંપડી હતી. ત્યારે તે બાબત મેં જાતે અનુભવી હતી. પણ એ ઘટનાને જીવન પછેડીમાં બાંધી, તેના દુઃખને પંપાળી, જીવનને સ્થગિત કરી દેવું, કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી. બલકે એ ઘટનામાંથી ગુજરાતના મુસ્લિમોએ સબક લઇ વિકાસની જે વાટ પકડી છે, તે સાચ્ચે જ તારીફ-એ-કાબિલ છે. ૨૦૦૨ પછી ગુજરાતના મુસ્લિમો વધુ નેક અને એક બન્યા છે. તેનો કોઈ પણ બુદ્ધિજીવી મુસ્લિમ ઇન્કાર કરી શકે તેમ નથી. અને એટલે જ એ દિવસોમાં મેં લખેલ એક લેખનું મથાળું આપ્યું હતું “શુક્રિયા, મૌલાના નરેન્દ્રભાઈ મોદી”. જો કે આ દલીલ દ્વારા ૨૦૦૨ની ઘટનાનો બચાવ કરવાનો ઉદેશ સહેજ પણ નથી. પણ માત્ર વસ્તાનવી સાહેબના શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેના હકારાત્મક વિધાનને કારણે જ તેમની દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે, એ વાતમાં દમ નથી. શ્રી વસ્તાનવી સાહેબનું શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેનું વિધાનો તો બાહ્ય કારણ છે. આવા છીછરા કારણ સર કુલપતિ જેવા માતબર સ્થાન પરથી કોઈ કુલપતિને દૂર કરવાનું પગલું દારુલ ઉલુમ દેવબંદ જેવી આંતર રાષ્ટ્રીય ઇસ્લામિક શિક્ષણ સંસ્થા કરે તે માનવા જેવી વાત નથી. પણ શ્રી વસ્તાનવી સાહેબની કુલપતિના સ્થાને નિયુક્તિને કારણે દારુલ ઉલુમ દેવબંદમા ઉત્પન થયેલ આંતરિક વિરોધ માટે મૂળભૂત રીતે બે કારણો જવાબદાર હતા. તેની કોઈ જ ચર્ચા કોઈ જ માધ્યમોમાં થઇ નથી.

શ્રી વસ્તાનવીની દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ તરીકેની નિયુક્તિ સાથે જ તેમના વિરોધનો સૂર કેમ્પસના વાતાવરણમાં ઘુંટાવા લાગ્યો હતો. પણ તે વિરોધને હજુ વાચા ફૂટી ન હતી. કારણ કે તેના પાયાના પ્રાંતવાદ પડ્યો હતો. કોઈ પણ આંતર રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ શિક્ષણની સંસ્થા માટે પ્રાંતવાદનો મુદ્દો વિરોધનું કારણ બને તે સાચ્ચે જ શરમજનક બાબત ગણાય. ગુલામ મહંમદ વસ્તાનવી જન્મે અને કર્મે શુદ્ધ ગુજરાતી છે. તેમણે અક્કલકુવા સાથે ગુજરાતના તળ પ્રદેશો સુધી મુસ્લિમ શિક્ષણ સંસ્થાઓની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. એવા શુદ્ધ ગુજરાતી ઉત્તર પ્રદેશની આટલી મોટી આંતર રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના કુલપતિ બની જાય તે ઉત્તેર પ્રદેશના મૌલવીઓ કેમ સાખી લે. ઉત્તર પ્રદેશ ઇસ્લામિક આલિમો-મૌલવીઓનું સર્જન કરતો ભારતનો મુખ્ય પ્રદેશ છે. ભારતની મોટા ભાગની મસ્જિતોમા ઉત્તર પ્રદેશના મૌલવીઓ જ જોવા મળે છે. વળી, દારુલ ઉલુમ દેવબંદના ઈતિહાસને ઉપાડીને જોઈશું તો માલુમ પડશે કે તેના મોટાભાગના કુલપતિઓ ઉત્તર પ્રદેશના જ છે. દારુલ ઉલુમ દેવબંદના કુલપતિની પસંદગીના ધોરણોમાં ઉત્તર પ્રદેશના હોવું એ ઉમેદવારની વિશિષ્ટ લાયકાત ગણાય છે. પરિણામે વિરોધ સ્વભાવિક છે. પણ એ માટે યોગ્ય કારણ હાથવગું કરવું પડે. જે કારણ વસ્તાનવીએ નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરીને પૂરું પડ્યું.
બીજું કારણ પણ આ જ દિશામા પડ્યું છે. જનાબ વસ્તાનવી દારુલ ઉલુમ દેવબંદના “કાસ્મી” નથી. “કાસ્મી” એટલે એવી વ્યક્તિ જે દેવબંદની ડીગ્રી કે સનદ ધરાવતો હોય. જેને “કસીમુલ ઈલુમ” પણ કહે છે. વસ્તાનવી સાહેબ ન તો દેવબંદના વિદ્યાર્થી છે. ન તો ત્યાની કોઈ પણ પ્રકારની સનદ ધરાવે છે. મૂળભૂત રીતે ઇસ્લામિક શિક્ષણના પાયા પર ચાલતી વિશ્વની આ યુનિવર્સીટીના કુલપતિ તરીકે “કાસ્મી” ન હોઈ તેવી વ્યક્તિ ઇચ્છનીય ન જ હોઈ. પણ તે વિરોધનો મુદ્દો કેવી રીતે બની શકે ? એ માટે તો કોઈ કોમ કે સમાજને સ્પર્શતો સંવેદનશીલ મુદ્દો જોઈએ. જે જનાબ વસ્તાનવી સાહેબે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરીને પુરો પડ્યો.

આ વિશ્લેષણ ન માનવના કારણો હોઈ શકે. પણ તે માનવા માટે ઉપરોક્ત કારણો પૂરતા છે, તેમ દારુલ ઉલુમ દેવબંદને નજીકથી જાણનાર અવશ્ય માનશે.

2 Comments

Filed under Uncategorized

ઇસ્લામને બદનામ કરતા શૈતાનો : ડો.મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.) તેમના અનુયાયી અબ્દુલ્લાહ સાથે મુસાફરીમાં હતા. એ પ્રસંગનું વર્ણન કરતા અબ્દુલ્લાહ કહે છે,
“એકવાર અમે પયગમ્બર સાહેબ(સ.અ.વ.)સાથે સફરમાં હતા. અમે એક પક્ષી જોયું. તેની સાથે બે બચ્ચા હતા. અમે બચ્ચાને પકડી લીધા. તેમની મા એ જોઈને વિહવળ થઈ ગઈ. ચિચિયારીઓ પાડવા લાગી. પયગમ્બર સાહેબ(સ.અ.વ.)એ દ્રશ્ય જોઈ, તુરત અમારી પાસે દોડી આવ્યા. અને પૂછ્યું,”આના બચ્ચા છીનવી લઇ આ માને કોણે દુઃખી કરી ? તેના બચ્ચા તેને તુરત પાછા આપી દો” એ જ સફરમાં એક જગ્યાએ અમે ઉધયનો રાફડો જોયો. અમે તેને સળગાવી મુક્યો. એ જોઈ પયગમ્બર સાહેબે પૂછ્યું, ‘ આ રાફડો કોણે સળગાવ્યો ? મેં કહ્યું, ‘મેં’ ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.)બોલી ઉઠ્યા.’ અલ્લાહ જે અગ્નિનો માલિક છે, તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી કે અન્યને અગ્નિ દ્વારા શિક્ષા કરે”
એકવાર એક અનુયાયી પંખીના માળામાંથી કેટલાક ઈંડા ચોરી લાવ્યો. એ જોઈ મહંમદ સાહેબે આદેશ આપ્યો, “ઈંડા જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછા મુકી આવ” એકવાર એક જનાજો (ઠાઠડી) રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એ જોઈ મહંમદ સાહેબ ઉભા થઈ ગયા.એક અનુયાયી એ જોઈ બોલી ઉઠ્યો,
“આ તો એક યહુદીનો જનાજો છે. તેને માન આપવાની કઈ જરૂર નથી”
મહંમદ સાહેબ બોલ્યા, ” શું યહુદી માનવી નથી ?” એકવાર કોઈ કે મહંમદ સાહેબને કહ્યું,
“મુશારીકો (અલ્લાહ સિવાય અન્ય દેવોની પુજકારનાર)ની વિરુદ્ધ અલ્લાહને દુવા કરો કે તેમને શ્રાપ આપે”
મહંમદ સાહેબ કહ્યું,
“મને માનવજાત માટે દયા અને દુવા કરવા માટે મોકલવામાં આવ્યો છે. શ્રાપ આપવા માટે નહિ”
મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
“ઇસ્લામ એટલે શું ?”
આપે ફરમાવ્યું, “ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું એટલે ઇસ્લામ”
કુરાને શરીફની અનેક આયાતો ઇસ્લામના માનવીય અભિગમને વ્યક્ત કરે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“પરસ્પર ઝગડો ન કરો. સંતોષમાં સુખ માણો.ન તો તમે કોઈથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો”

ઇસ્લામ અને તેના અંતિમ પયગમ્બરના આવા માનવીય અભિગમને કેટલાક કહેવાતા ઇસ્લામના અનુયાયીઓ જિહાદને નામે બદનામ કરી રહ્યા છે. પોતાના અમાનુષી, અમાનવીય, હિંસક અપકૃત્યો દ્વારા વિશ્વ અને ભારતના મુસ્લિમોને શરમિંદા કરી રહ્યા છે. જો કે “જિહાદ”નો આદેશ દરેક ધર્મમાં આપવામાં આવ્યો છે. કરબલા અને કુરુક્ષેત્ર તેના ઉત્તમ ઉદાહરણ છે. પણ એ ધર્મ યુધ્ધો સત્ય અને અસત્યની લડાઈ હતા. ધર્મ અને અધર્મની લડાઈ હતા. તેમાં માનવ જાતની હિંસાનો કોઈ ભાવ કે ઉદેશ રતીભાર પણ ન હતો. વળી, કુરાને શરીફમાં “જિહાદ” શબ્દનો અર્થ કુકાર્યોથી પોતાને બચાવવાના સદર્ભમાં થયો છે. યુદ્ધ કે માનવ હિંસાના સંદર્ભમાં થયો નથી. કુરાને શરીફમાં એક સ્થાને “જિહાદ-એ-ફી સબીલલ્લાહ” શબ્દ વપરાયો છે. જેનો અર્થ થયા છે “ખુદાના માર્ગે પ્રયાસ”. ખુદાનો માર્ગ એટલે નૈતિક,અહિંસક અને શાંતીનો માર્ગ. કુરાને શરીફમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ખુદાએ આદેશ આપતા કહ્યું છે,
“જે લોકો તમારી વાતમા વિશ્વાસ નથી કરતા અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે નથી વર્તતા તેમની સામે જિહાદ કરો”
એકવાર કોઈ કે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પૂછ્યું, “સૌથી મોટી જિહાદ કઈ ?”
આપે ફરમાવ્યું, ” સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ મેળવવાની છે.પોતાના ક્રોધ અને વાસનાઓ અને નકારત્મક વૃતિઓ પર જીત મેળવવી એ જ મોટી જિહાદ છે.” કુરાને શરીફમા આવી મોટી જિહાદને “જિહાદ-એ-અકબરી” કહેલ છે. એટલે જિહાદના નામે અશાંતિ સર્જતા કે પ્રસરાવતા આતંકવાદીઓ ન તો સાચા મુસ્લિમ છે, ના તો તેમને ઇસ્લામના માનવીય મૂલ્યો સાથે કોઈ સંબંધ છે.
યુદ્ધ માટે કુરાને શરીફમાં અન્ય એક શબ્દા વપરાયો છે. જે છે “કીતાલ”. “કીતાલ” એટલે હિંસા,ખુનામરકી. જો કે તેનો ઉપયોગ પણ અનિવાર્ય સંજોગોમાં જ કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં વારંવાર કહેવામાં આવ્યુ છે, “લા તુ ફસીદ” અર્થાત “ફસાદ ન કર” ફસાદ એટલે ત્રાસ, જુલમ કોઈ પણ માનવી પર ન કર. કોઈને દુઃખ ન આપ. કોઈને દર્દ ન આપ. ઝગડો ન કર. એ જ રીતે કુરાને શરીફમાં કહ્યું છે, ” લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ. ઇસ્લામને અધકચરો સમજનાર માનવીઓએ પોતાના ધર્મના પ્રચાર પ્રસર માટે સેવેલ દુરાગ્રહ પણ ગુનાહ છે, પાપ છે. જિહાદના નામે હિંસા કરતા કહેવાતા મુસ્લિમો માત્ર ઇસ્લામના નિર્દોષ અને પાક મુસ્લિમોને જ નથી બદનામ નથી કરતા, પણ તેઓ એક ઉચ્ચ આદર્શ ધરાવતા વિશ્વના મહાન ધર્મને બદનામ કરી રહ્યા છે.
એકવાર બર્નાડ શો ને કોઈ કે પૂછ્યું,
“વિશ્વનો શ્રેષ્ટ ધર્મ કયો ?”
એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે કહ્યું, “ઇસ્લામ” પછી થોડીવાર અટકી બોલ્યા,
“પણ તેના અનુયાયીઓ તેને સમજી શક્ય નથી”

Leave a comment

Filed under Uncategorized

મધ્યકાલિન અમદાવાદની મસ્જિતો : આપણો સાંસ્કૃતિક વારસો : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૮ અપ્રિલ ૨૦૧૧ના દિવસને “વર્ડ હેરીટેજ ડે” અર્થાત “વિશ્વ વારસા દિન”તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત વિઝ્યુલ આર્ટીસ્ટ એસોસિયેશનના સહિયારા પ્રયાસથી તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની પોળોના સુંદર ચિત્રો ઉજવણીના ભાગ તરીકે દોરવામાં આવ્યા હતા. અમદાવાદની પોળો,તેની કલાત્મક બાંધણી અવશ્ય આપણી સાંસ્કૃતિક ધરોહર છે. તેનું જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ જ રીતે સલ્તનત યુગમાં અમદાવાદમાં સર્જાયેલ અદભૂત મસ્જીતો પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે આજે પણ હયાત છે. તેનું પણ આપણા વારસા અને પ્રવાસનના વિકાસ અર્થે જતન અત્યંત જરૂરી છે. આ મસ્જીતોનું સ્થાપત્ય હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનું સુંદર સમન્વય છે. ગુજરાતના પ્રખર ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના ગ્રંથ “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઇસ્લામ યુગ)” મા લખે છે,
“બુલંદ કોમળતાનો, લાલિત્યથી પૂર્ણ મહાકાવ્યોનો,ભરપુર અલંકાર સાથે જ સ્વચ્છ અને સાદાઈનો,મજબુતાઈ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યોમાં સધાયો છે, એવો હિંદના અન્ય પ્રાંતોના કે બહારના દેશોના સ્થાપત્યોમા જડવો મુશ્કેલ છે”
આજે અમદાવાદમાં હયાત એવી સલ્તનતકાળની કેટલીક અદભૂત મસ્જીતોની વાત કરવી છે.
વિશ્વમાં જેની ગણના પથ્થરમાં કોતરાયેલ કાવ્ય તરીકે થાય છે, કલાકારીગરીના ઉત્તમ અને બારીક નમુના રૂપ થાય છે, તે વીજળી ઘર પાસે આવેલ સીદી સૈયદની મસ્જિતની જાળી છે. સીદી સૈયદ એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર બાદશાહ અહેમદશાહનો ગુલામ હતો. બાદશાહની તેના પર મીઠી નજર હતી.ધીરે ધીરે તે ધનવાન થયો. અને શાહી હદમાં તેણે એક સુંદર મસ્જિત બંધાવી. આ મસ્જીતની ઉત્તમ સ્થાપત્યકલા પથ્થરમાં કોતરાયેલી તેની સુંદર જાળીઓ છે. કહેવાય છે કે તેમાં કુલ ત્રણ જાળીઓ હતી. તેમાંથી એક લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઇ જવા માટે કાઢી હતી. પણ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ.એ ભાંગેલ ટુકડાઓ પરથી પ્લાસ્ટર ઓફ પેરીસ પર લઈ લીધેલ છાપ આજે પણ મુંબઈના શેઠ પુરષોતમ માવજી કળાસંગ્રહમાં છે. હાલ બે જાળીઓ સુરક્ષિત અને યથાવત છે. આ જાળીઓ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ઉંચી છે. સમગ્ર એશિયામા આવી કળાકૃતિ જોવા મળતી નથી. સર જોહન માર્શલ આ જાળીઓ અંગે લખે છે,
“અમદાવાદના લાલ દરવાજે આવેલી સીદી સૈયદની મસ્જિતની જાળીઓ તો આખી દુનિયાની જાળીઓમા શ્રેષ્ટ ગણાય છે અને જગતના બધાએ કલાવિવેચકોએ એની મુક્ત કંઠે પ્રશંશા કરી છે. યુરોપ-અમેરિકા આદિ દેશોના કલારસિકો આ જાળીઓના આકર્ષણથી જ અમદાવાદ આવે છે.”
શહેરની મધ્યમાં ત્રણ દરવાજાથી થોડે દુર આવેલી જામા મસ્જિત પણ ઇસ્લામી સ્થાપત્ય કલાનો બેનમુન નમુનો છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૪૧૨મા શરુ થયું હતું. બાર વર્ષના સખત પરિશ્રમ પછી પૂર્ણ થયેલ આ મસ્જિતની ત્રણ દિશમાં ત્રણ પ્રવેશ દ્વાર છે. અહેમદશાહના રોઝા પાસેનું દ્વાર મુખ્ય છે. ગાંધી માર્ગ પરની દુકાનોની હારમાળાએ મસ્જિતના સાચા સૌંદર્યને ઢાંકી દીધું છે. આજે એની સ્થિતિ કોથળામાં બાંધેલા રત્ન જેવી છે. બહારથી તેની ભવ્યતા માણી શકાતી નથી. તેથી પ્રવાસીઓ ત્યાં સુધી પહોંચવામા નિષ્ફળ જાય છે. જામા મસ્જિતનો વચ્ચેનો ભાગ વિશિષ્ટ રીતે આયોજિત કરેલો છે.ત્રણ ઉપરાઉપરી ગોઠવેલા થાંભલાઓ એના પાછલા મજલાને સુસંગત કરવા પ્રયોજાયા છે. આ મજલામા જાળી વડે મસ્જિતમા નીચેના ભાગને પ્રકાશિત કરવાનો ઇજીપ્તના મંદિરો જેમ કરેલો પ્રયાસ સ્પષ્ટ નજરે પડે છે. મસ્જિતના વચલા મિહરબ ઉપર અરબીમાં મસ્જિત બાંધ્યા અંગેનો લેખ છે.ઇતિહાસકાર રત્નમણીરાવ જોટે તેની બાંધણીમાં હિંદુ-ઇસ્લામિક સ્થાપત્ય કલાના સમન્વયનો ઉલ્લેખ કરતા લખે છે,
“અમદાવાદની જુમ્મા મસ્જિતમા અંદર અને બહારના દેખાવમાં મુસલમાન બાંધણીના સિદ્ધાંતોને હિંદુ મંદિરની બાંધણીની કલા સાથે એવી સુંદર રીતે મેળવી દીધી છે કે અંદર જાણે મંદિરોના મંડપોની માત્ર
પુનઃ રચના જ કરી હોઈ એવું લાગે છે.”
સ્થાપત્ય કલાના પ્રખર વિદ્વાન સર જોહન માર્શલ આ મસ્જિત અંગે લખે છે,
“એકંદરે આ મસ્જિત દુનિયાના ઐતિહાસિક મકાનોની તુલનામાં શ્રેષ્ટ મકાન છે. એને જોઈને બંગાળની આદિના મસ્જિત પેઠે નીરસ અને એકસરખી ભાવના ઉત્પન થતી નથી”

આવી જ અન્ય એક ઈમારત છે શાહેઆલમનો રોજો.સુલતાન મહંમદ બેગડાના ગુરુ શાહઆલમ વટવા વાળા સૂફી સંત કુતુબઆલમ સાહેબના પુત્ર હતા. શાહઆલમ સાહેબ ઈ.સ. ૧૪૭૫મા ગુજરી ગયા. તેમનો રોજો (મકબરો) મહંમદ બેગડાના અમીર તાજખાન નરપાલીએ બંધાયો હતો. તાજખાને બંધાવેલો રોજો તેની આસપાસની ભૌમિતિક આકૃતિઓની જાળીઓથી ખુબ સુંદર ભાસે છે. દરવાજાના બારણાંની નકશી પણ ઉત્તમ છે. ૨૮,૨૦ અને ૧૨ થાંભલાઓના સમાંતર ચતુષ્કોણ એક બીજાની અંદર આવેલા છે. અંદરના ૧૨ થાંભલાના ચોરસ ઉપર ઘૂમટ છે. એની બહાર પડાળી છે. એમાં સુંદર જાળીઓ આવેલી છે. શાહઆલમના રોજની આ જાળીઓ એટલી જાણીતી હતી કે શહેરની અતલસના કાપડ ઉપર જો શાહઆલમની જાળીઓની ભાત છાપેલી હોય તો તે કાપડનો ભાવ વધારે ઉપજતા હતો. કબરની ઉપર લાકડાની છત્રીમાં છીપનું સુંદર જડતર કામ છે. ઘૂમટમાં પણ છીપનું જડતર કામ ગ્યાસુદ્દીન અલી અસફખાને કરાવેવું છે. રોજાની બાજુમાં મોટી મસ્જિત છે. એ પાછળથી મુહંમદ સાલેહ બદક્ષીએ બંધાવેલી છે. તેના કલાત્મક મિનારા નજાબતખાને બનાવવાનો આરંભ કર્યો હતો. તે જહાંગીરના સુબા સૈફખાને ઈ.સ.૧૬૨૦મા પુરા કરાવ્યા હતા.મસ્જિતનું ધાબુ કમાનો પર ગોઠવેલું છે. એથી તેની બાંધણી અન્ય મસ્જિતો કરતા જુદી પડે છે. એક થાંભલા પર ચાર કમાનો ઉતારેલી છે. જેના કારણે મસ્જિતની સુંદરતા બમણી થઈ જાય છે. મસ્જિત સામે મોટું ટાંકું છે. એનો વિસ્તાર ૭૨ ચોરસ ફૂટ છે.મેદાનની ઈશાને મોટુ જમાતખાનું અને દીવાનખાનું છે. જુના દીવાનખાનાની જગ્યાએ સુલતાન મુઝ્ફ્ફરે તે બંધાવ્યું છે. ઈ.સ. ૧૭૮૦માં જનરલ ગોડાર્ડના ઘેરા વખતે એના છાપરાનો ઉપયોગ થયો હતો. હાલ તેના ઉપર ધાબુ છે.પશ્ચિમના દરવાજાની બહાર મુસ્તફાસર તળાવ છે. જે તાજખાનની પત્નીએ બંધાવ્યું છે. શાહઆલમના સ્થાપત્યનો આ સમૂહ અમદાવાદના પ્રવાસીઓનું અનેરું આકર્ષણ છે.

Leave a comment

Filed under Uncategorized