Monthly Archives: October 2020

સૂફી સાધિકા રાબિયા : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત રાબિયાનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હતો. તે  સાચા અર્થમાં રહસ્યવાદી હતા.

મુસ્લિમ સૂફી સાધકોમાં સાધિકા રાબિયા અંગે આ અગાઉ લખ્યું છે. પણ વાચકો રાબિયાના જીવન કવન

અંગે વધુ ને વધુ જાણવા વારંવાર ઉત્સુક છે. તેમનો જીવનકાળ સન ૭૧૭ થી ૮૩૦ સુધીનો માનવામાં આવે છે. જે દિવસ રબીયાનો જન્મ થયો, એ દિવસે તેમના પિતા પાસે પહેરવાના પૂરતા કપડા પણ ન હતા. તેમના પિતાને ત્રણ પુત્રીઓ હતી. અને એ ચોથું સંતાન હતા. એટલે તેમનું નામ રાબિયા અર્થાત ચોથી રાખવામાં આવ્યું. અરબીમાં “રાબીઅહ”નો અર્થ ચોથી થયા છે. એમનો જન્મ બસરા શહેરમાં થયો હતો. તેથી તેમને રાબિયા બસરી કહેવામાં આવતા. તેમની ઉમર થોડી મોટી થઈ ત્યારે તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. એ સમયે બસરામાં મોટો દુષ્કાળ પડ્યો. એટલે  ચારે બહેનો એક બીજાથી વિખુટી પડી ગઈ. તેના માતાપિતાના મૃત્યુ પછી તેમના  એક  દુષ્ટ સગાએ થોડા સિક્કાઓ માટે રાબિયાને ગુલામ તરીકે વેચી દીધી. રાબિયા તેમના માલિકનું દિવસરાત કામ કરતા અને રાતના પોતાની ઓરડીમાં ખુદાની ઈબાદત કરતા રહેતા. એક દિવસ રાતે તેમના માલિકે રાબિયાની ઓરડીમાં નજર કરીને જોયું તો રાબિયા ખુદાની  ઈબાદતમાં લીન બેઠા હતા. અને ખુદાને પ્રાર્થના કરી રહ્યા હતા,

“ હે ખુદાવંદ,  તમે તો મારા દિલની વાત જાણો છો કે હું તો તમારી સેવા કરવા ઈચ્છું છું. પણ તમે તો મને અન્યની ગુલામ બનાવી દીધી છે.”

રાબિયા દુવા માંગતા હતા ત્યારે એક દીવો વિના આધારે રાબિયાના મસ્તક ઉપર ઝળહળી રહ્યો હતો. રાબિયાની દુવા અને અધ્ધર રહેલા દીવાને જોઇ આશ્ચર્યચકિત થયેલ માલિકે બીજે દિવસે રાબિયાને બોલાવીને કહ્યું,

રાબિયા, તમને હું આજથી મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છે.”

માલિકની રજા લઇ રાબિયા બસરી શહેરને છેવાડે એક નાની ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. એ ઓરડીમાં એક ચટાઈ હતી. એક માટીનો ઘડો હતો. દિવસ રાત રાબિયા પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા. એમનું હૃદય ખુદાના પ્રેમથી સદાય છલોછલ રહેતું. એક વાર એને કોઈ કે પૂછયું “રાબિયા લગ્ન કરવાની તમને ઈચ્છા નથી થતી ?” રાબિયાએ કહ્યું,

શરીર સંબંધી લગ્ન ? મારું શરીર મારું ક્યાં છે ? શરીરને તો મે ક્યારનું ખુદાને સમર્પિત કરી દીધું છે. મારું શરીર તેની આજ્ઞાને આધીન છે.  ખુદાના કાર્યોમાં મારું શરીર સતત સેવા આપી રહ્યું છે.”

એક દિવસ રાબિયાએ સ્વપ્નમાં  હઝરત મહંમદ સાહેબને જોયા. સ્વપ્નમાં પયગંબર સાહેબે રાબિયાને પૂછ્યું

રાબિયા તું મને પ્રેમ કરે છે ?”

ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર રાબિયાએ કહ્યું,

“હે અલ્લાહના રસૂલ, એવો કોણ ઇન્સાન આ દુનિયામાં છે જે આપને પ્રેમ કરતો ન હોય ? પણ ખુદાના પ્રેમએ મારા ઉપર એવો અધિકાર જમાવી દીધો છે કે એમના સિવાય અન્ય કોઈ સાથે પ્રેમ કે   ધૃણા કરવાને સ્થાન મારા હૃદયમાં નથી.”

પરમ સૌંદર્ય સ્વરૂપ ખુદાને રાબિયાએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. સૂફી સાધિકા તરીકે એની ખ્યાતી દૂર દૂરના દેશો સુધી ફેલાઈ ગઈ હતી. રોમ અને ઇજિપ્તના સૂફી સાધકો  એમને મળવા બસરા આવતા. દિવસો સુધી એમની સાથે સત્સંગ કરતા. અને પરમાત્માને પામવાના પ્રેમ માર્ગની કંઠી બાંધી જતા. પોતાના ભીતરમાં રહેલા પરમાત્મા પ્રેમના અજવાળાને રાબિયા વિશેષ મહત્વ આપતા. એક વાર  કોઈએ એમને કહ્યું,

રાબિયા, વસંતઋતુ ખીલી છે. તેનું સૌંદર્ય જોવા ઓરડાની બહાર આવો.”

બંધ ઓરડામાં ઉપાસના કરી રહેલા રાબિયાએ તેને કહ્યું,

તું ઓરડામાં આવ અને પ્રકૃતિનું જે સૌંદર્ય  જેણે નિર્માણ કર્યું છે તે પરમાત્માને જો.”

અબ્દુલ ઉમર લખે છે

“એકવાર હું અને સૂફી સંત સુફિયાન હઝરત રાબિયાની માંદગીના સમાચાર જાણી તેમના ખબર અંતર પૂછવા ગયા. હઝરત રાબિયાની વિદ્વતાથી અમે પરિચિત હતા. એટલે તેમની સાથે કઈ પણ વાત કરતા અમે ખચકાતા હતા. ત્યાજ હઝરત રાબિયા બોલ્યા,

“હઝરત સુફિયાન આપને કઈ કહેવું હોય તો કહો.”

હઝરત સુફિયાન બોલ્યા,

“દેવી, આપ ખુદાને પ્રાર્થના કરો કે ખુદા આપને સ્વસ્થ કરી દે.”

હઝરત રાબિયાએ સંત સુફિયાન સામે જોઈ કહ્યું,

“હઝરત સુફિયાન તમે નથી જાણતા કે માંદગી કોની ઇચ્છાથી આવે છે ?”

“હા, હું જાણું છું કે માંદગી તો ખુદાના આદેશથી જ આવે છે.

“જયારે આવું જાણો છો તો પછી મને એવું શા માટે કહો છો કે મારે તેની ઈચ્છા વિરુદ્ધ મારા સાજા થવાની દુવા માંગવી જોઈએ ? જેને આપણે અપાર પ્રેમ કરતા હોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ દુવા કરવી એ પ્રેમીનું કર્તવ્ય છે ?”

રાબિયાનું જીવન સાદાઇમાં અને પ્રભુ પાસના સતત રત રહ્યું. પ્રેમ ભક્તિ અને પરમાત્માને પોતાનું સર્વસ્વ સોંપી દેવું તેની વિશેષતા હતી. નિષ્કામ પ્રેમની પુજારણ હતા .

હઝરત રાબિયા ખુદાને હંમેશા જે દુવા કરતા તે પણ  જાણવા જેવી છે. ખુદાને દુવા કરતા તેઓ કહેતા,

“હે ખુદા, તે આલોકમાં મારે માટે જે કઈ નક્કી કરેલું હોય, તે તમારા  વિરોધીઓ (નાસ્તિકોને) ને આપજો. અને પરલોકમાં જે કાંઈ નક્કી કરેલું હોય, તે મારા મિત્રો (ભક્તો) ને  આપજો. કેમ કે મારે પોતાને માટે તો આપ જ બસ હોઈ, આપ સિવાઈ બીજું કશું હું ચાહતી નથી. હું જો દોઝાકના ડરથી આપની ઈબાદત કરતી હોઉં તો હે ખુદા, મને દોઝાકમાં જ નાખજો. અને જો હું જન્નતના મોહમાં આપની ઈબાદત કરતી હોઉં તો તે જન્ન્નત મારા માટે હરામ છે. પરંતુ જો હું માત્ર આપને પ્રાપ્ત કરવા માટે જ આપની ઈબાદત કરતી હોઉં તો આપ આપના  દિવ્ય પ્રકાશમ્ય, પાક, નિર્મળ, નિર્દોષ અને સુંદર સ્વરૂપના દિદારથી મને વંચિત ન રાખશો   : આમીન.”

Leave a comment

Filed under Uncategorized

સાચી તબલીગ : ડૉ. મહેબૂબ દેસાઈ

 અરબી ભાષાના શબ્દ તબ્લીગનો અર્થ થાય છે પ્રચાર. હઝરત મહંમદ સાહેબના સમયમાં ઇસ્લામની તબ્લીગની ક્રિયાને એક મિશન તરીકે સ્વીકારવામાં આવેલ. એ યુગમાં ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભણ અને અજ્ઞાની  લોકોમાં પ્રસાર કરી, તેનો અમલ કરવા લોકોને વિનંતી કરવાના કાર્યને તબ્લીગ કહેવામાં આવતું. મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર પ્રસારનું કાર્ય અંત્યંત સબ્ર,નમ્રતા અને અભિમાન વગર કર્યું હતું. ઇસ્લામના કેટલાક અનુયાયી ઇસ્લામના પ્રચાર માટે તબલીગ કરે છે. દરેક મુસ્લિમ પોતાની રીતે નાની મોટી તબલીગ કરતો જ હોય છે. પણ તેનો દેખાડો જરૂરી નથી. મૌલાના વહીઉદ્દીન ખાન એવા જ એક ઇસ્લામિક વિદ્વાન છે, જેમનો જીવન ઉદેશ વિશ્વ શાંતિનો છે. અહિંસા એ વિશ્વ શાંતિ માટે અનિવાર્ય છે એમ માનનાર મૌલાના વહીઉદ્દીન સાહેબના પ્રયાસોથી જ “ગૂડવર્ડ” નામક પ્રકાશન સંસ્થા શરુ કરવામાં આવી છે. જેમાં મુલ્ય નિષ્ઠ ઇસ્લામિક સાહિત્યનુ પ્રકાશન થાય છે. તેમના દ્વારા જ ભારતની મોટા ભાગની ભાષાઓમાં કુરાને શરીફની પોકેટ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે. અને વિના મુલ્યે તેનું વિશ્વભરમાં વિતરણ કરવામાં આવે છે. તેમના આ કાર્યમાં અનેક નિસ્વાર્થ અને સેવાભાવી મુસ્લિમો સહકાર આપી રહ્યા છે. તેનો જાત અનુભવ મને થોડા માસ પૂર્વે થયો.

અમદાવાદના એક જાહેર સમારંભમાં ગુજરાતના જાણીતા સંશોધક અને ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ડૉ. વિષ્ણુભાઈ પંડ્યા ખાસ મહેમાન હતા. કાર્યક્રમ પૂર્ણ થયો. મંચ પરથી વિષ્ણુભાઈ નીચે ઉતર્યા. અને હોલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે સફેદ દાઢી, સફેદ કફની, કાળું પેન્ટ અને હાથમાં જૂની પુરાની કાળી બેગવાળા એક વૃદ્ધ વિષ્ણુભાઈ પાસે આવ્યા અને વિનમ્ર ભાવે બોલ્યા,

“મારે આપનું થોડું કામ છે.”

વિષ્ણુભાઈ થોડા ઉતાવળમાં હતા. એટલે તેમણે ચાલતા ચાલતા જ કહ્યું,

“અત્યારે તો મારે એક અન્ય કાયક્રમમાં જવાનું મોડું થાય છે. આપ સમય લઈને ગાંધીનગર મારા કાર્યાલય પર આવો. આપણે જરૂર મળીશું.”

“સાહેબ, મારે કોઈ અંગત કામ નથી. મારે તો આપને ગુજરાતી કુરાને શરીફની ખિસ્સા આવૃત્તિ ભેટ આપવી છે.”

આટલું બોલી એ વૃદ્ધે કુરાને શરીફની એક નકલ વિષ્ણુભાઈ સામે ધરી. આ સાંભળી વિષ્ણુભાઈના પગો સ્થિર થઇ ગયા. તેમણે એ વૃદ્ધના ચોળાયેલા વસ્ત્રો પર નજર કરી. પછી પોતાના બન્ને હાથો સ્વચ્છ કરવાના હેતુથી પોતાના વસ્ત્રો પર ફેરવતા વિષ્ણુભાઈ બોલ્યા,

“આવી પવિત્ર ભેટ લેવાનું મને ગમશે.”

અને પેલા વૃદ્ધ વિષ્ણુભાઈને ગુજરાતી કુરાને શરીફની પોકેટ આવૃત્તિ આપી ચુપ ચાપ ચાલ્યા ગયા.

૭૧ વર્ષના એ વૃદ્ધ નિવૃત પ્રાથમિક શિક્ષક વકાર અહેમદ સિદ્દીકી થોડા દિવસ પૂર્વે અચાનક મારા ઘરે પણ આવી ચડ્યા અને મને પણ કુરાને શરીફની ગુજરાતી અને હિંદી ખિસ્સા આવૃત્તિ આપતા ગયા. તેમણે આપેલ કુરાને શરીફની વચ્ચે એક રંગીન પ્રિન્ટ કરેલ કાગળ પણ હતો. જેમાં કુરાને શરીફની કેટલીક મુલ્યનિષ્ટ આયાતો તેના નંબર સાથે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં આપવામાં હતી. એ આયાતો સાચ્ચે જ જાણવા અને માણવા જેવી છે.

“અને જો તેઓ સુલેહ તરફ આગળ વધે તો તમે પણ તેના માટે આગળ વધો અને અલ્લાહ પર ભરોસો રાખો. નિઃશંક તે જ સાંભળનાર છે, સર્વજ્ઞાની છે અને જો તેઓ તમને ધોકો આપવા માંગે તો અલ્લાહ તમારા માટે પુરતો છે.”

“જયારે પણ તેઓ લડાઈની આગ ભડકાવે છે, ત્યારે અલ્લાહ તેને અવશ્ય બુઝાવી નાખે છે.”

“અને તમને તો જગતવાસીઓ માટે માત્ર દયા કરવા માટે જ મોકલવામાં આવ્યા છે.”

“જેણે ધરતી પર બગાડ અને ઉપદ્રવ ફેલાવ્યા અથવા કોઈ વ્યક્તિની હત્યા કરી, તો તેણે સમગ્ર માનવજાતની હત્યા કરી અને જેણે એક વ્યક્તિને બચાવ્યો તો તેણે સમગ્ર માનવજાતને બચાવી.”

“જો તમે ધીરજ રાખશો અને અલ્લાહથી ડરશો તો તેમની કોઈ યુક્તિ તમને નુકસાન નહિ કરી શકે.”

“દરગુજર કરો, ભલાઈનો આદેશ આપો અને અજ્ઞાનીઓથી ક્યારેય ન ઉલઝો.”

“અને ધીરજ રાખો. બેશક અલ્લાહ ધીરજ રાખનારાઓ સાથે છે.”

ટુકમાં, ઇસ્લામના પ્રચારમાં દેખાડો જરૂરી નથી. ધીરજ અને નમ્રતા અનિવાર્ય છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“જે લોકો પાસે બીજા ધર્મ પુસ્તકો છે તેમની સાથે ચર્ચા ન કરો અને કરો તો બહુ મધુર શબ્દોમાં કરો. પછી કોઈ હઠ કરે અને ન માને તો ભલે ન માને. તેમને કહો કે ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે. અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”

“તારું અથવા કોઈ પણ  રસૂલ (પયગંબર) નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા ઉપરાંત વધારે કઈ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.”

મદીના પહોંચ્યા પછી હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ) મદીના બહારના કબીલાઓમાં ધર્મસંદેશ પહોંચાડવા સમજુ અને સહનશીલ માણસોને મોકલતા ત્યારે તેમને ખાસ સૂચના આપતા,

લોકો સાથે નમ્રતાથી વર્તવું, કોઈ સાથે સખતાઈ ન વાપરવી, તેમનાં દિલ રાજી રાખવાં, તેમનું અપમાન ન કરવું. તેઓ સવાલ પૂછે કે સ્વર્ગની ચાવી કઈ છે? તો જવાબ દેજો ‘ઇશ્વર-ખુદા એક છે’ એ સત્ય અને ભલાઈમાં વિશ્વાસ રાખો અને ભલાં કાર્યો કરવાં એ જ જન્નત-સ્વર્ગની ચાવી છે.’

અત્યંત સબ્ર અને નિરાભિમાની રીતે ઇસ્લામનો પ્રચાર કરનાર મહંમદ સાહેબ એકવાર મુઆવઝની દીકરીના નિકાહમાં ગયા. તેમને જોઈને સૌ બાળાઓ તેમના વખાણમા ગીતો ગાવા લાગી.

“ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદી” અર્થાત અમારી વચ્ચે એક નબી છે જે આવતીકાલની વાત જાણે છે” આ સાંભળી  મહંમદ સાહેબ તુરત બોલ્યા,

“જે ગાતા હતા તે જ ગોઓ આવી વાત ન કરો”

કુરાને શરીફના ત્રીસે ત્રીસ પારા અર્થાત પ્રકરણોમાં અને હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના સમગ્ર જીવનમાં કયાંય લોકોમાં ધર્મસંદેશ પહોંચાડવા અભિમાન,બળજબરી, હઠાગ્રહ, ભય, લાલચ, જુઠ્ઠાણું, દંભ, દેખાડો કે અતિશયોકિતનો એક પણ શ્લોક-આયત કે દૃષ્ટાંત જોવા મળતા નથી. એટલે જ અરબસ્તાનના અંધકાર યુગમાં પણ મહંમદ સાહેબ (સ.અ.વ) ઇસ્લામનો સંદેશો સફળ રીતે લોકો સુધી પહોંચાડી શકયા. અને અજ્ઞાનતાના અંધકારમાંથી અરબસ્તાનના વાસીઓને જ્ઞાનના પ્રકાશમાં આણી શકયા.

Leave a comment

Filed under Uncategorized