Monthly Archives: June 2012

સમ્રાટ અશોક અને “ધમ્મ” : ડૉ.મહેબૂબ દેસાઈ

મધ્યકાલિન ભારતમાં મોઘલ બાદશાહ અકબરે “દિન-એ-ઇલાહી” ધર્મની સ્થાપના દ્વારા એક નવી મૂલ્યનિષ્ઠ ધાર્મિક વિચારધારા પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના ભારતના ઇતિહાસમાં જાણીતી છે. પણ પ્રાચીન ભારતમાં સમ્રાટ અશોકની “ધમ્મ” નામક વિચારધારાની ઇતિહાસમાં ઝાઝી નોંધ લેવાઈ નથી.આપણા જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરે તેમના ગ્રંથ “અશોક અને મૌર્ય સામ્રાજયનું પતન” નામક ગ્રંથમાં તે અંગે એક વિસ્તૃત પ્રકરણ ફાળવ્યું છે. અશોકની ધાર્મિક નીતિમાં “ધમ્મ” યશકલગી સમાન છે. રોમિલા થાપર લખે છે,

“ધમ્મ”નીતિ અશોકની પોતાની શોધ હતી. શક્ય છે કે તે હિંદુ અને બૌદ્ધ ચિંતનમાંથી લેવામાં આવી હોઈ. પરંતુ તે દ્વારા સમ્રાટ અશોકે ધર્મના પથદર્શનનો એક નવો માર્ગ પ્રજાને ચીંધ્યો હતો. જે વ્યવહારિક અને સહજ હોવા ઉપરાંત નૈતિક હતો. તે આમ પ્રજા માટે સુખદ માધ્યમ માર્ગ હતો. અને એટલે જ અધિકાંશ પ્રજા “ધમ્મ”થી પ્રભાવિત હતી. અશોકના અભિલેખો તેનું ઉત્તમ ઉદાહરણ છે.જેમાં “ધમ્મ”ના સિદ્ધાંતો સહજ રીતે પ્રગટ થયા છે. જો તેની “ધમ્મ”નીતિ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું પુરાવર્તન માત્ર હોત તો, અશોકે  તેનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હોત. કારણ કે અશોકે કયારેય બોદ્ધ ધર્મ પ્રત્યેના તેના લગાવને છુપાવાનો પ્રયાસ કર્યો નથી.”  

રોમિલા થાપારનું આ વિધાન કેટલીક બાબતો સ્પષ્ટ કરે છે.

૧. અશોકની “ધમ્મ” નીતિ તેની સ્વાતંત્ર ધાર્મિક વિચારધારા હતી. શક્ય છે બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો તેમાં લેવાયા હશે.

૨. તે વ્યવહારિક,સહજ અને નૈતિક હતી.

૩. તેને મોટાભાગની પ્રજાનો ટેકો હતો.

અશોકની “ધમ્મ” અને અકબરની “દિન-એ-ઇલાહી”ની તુલના કરીએ તો અશોકની ધમ્મ વિચારધારા વધુ પ્રભાવશાળી અને સફળ હતી. જેમ કે

૧.”દિન-એ-ઇલાહી” એ પણ અકબરની મૌલિક ધર્મ વિચારધારા હતી તેમાં પણ સર્વ ધર્મોના સારા તત્વોનું સંકલન હતું.

૨. “દિન-એ-ઇલાહી” વ્યવહારુ અને સરળ ન હતો. માત્ર વિદ્વાનો સુધી સીમિત રહ્યો હતો.

૩. “દિન-એ-ઇલાહી” માત્ર વિદ્વાનો સુધી સીમિત રહ્યો હતો.તેને આમ પ્રજાનો ટેકો ન હતો. માત્ર અકબરના ૧૧ જેટલા અનુયાયીઓ એ જ તેનો સ્વીકાર કર્યો હતો. આમ અશોકની ધમ્મ વિચારધારા “દિન-એ-ઇલાહી” કરતા વધુ સફળ અને પ્રચલિત હતી. છતાં ભારતીય ઇતિહાસમાં તેની ચર્ચા અને મહત્તા ઝાઝી વ્યક્ત નથી થઈ.

અશોકના શિલાલેખોમાં ધમ્મની વ્યાખ્યા અને ઘોષણાઓ જોવા માળે છે. તેને બે વિભાગમાં વિભાજિત કરવામા આવે છે. ૧. ધમ્મ અંગેની સાર્વજનિક ઘોષણાનો ૨. ધમ્મ અંગેની માર્ગદર્શક ઘોષણાનો. અશોકની ધમ્મ નીતિની વિશિષ્ટતા એ હતી કે તેમાં માત્ર ધર્મ ન હતો પણ તેમાં પ્રજા કલ્યાણ અને આર્થિક વિકાસની સંભાવના પણ હતી. જેમ જે અશોકના એક શિલાલેખમાં પ્રજા કલ્યાણ અંગે લખ્યું છે,

“ચાહે હું ભોજન કરતો હોઉં, અંતપુરમાં હોઉં, ચાહે શયનકક્ષમાં હોઉં, ચાહે સવારી પર હોઉં, ચાહે પશુશાળામાં હોઉં, ચાહે બાગમાં હોઉં દરેક પળે પ્રતિવેદિક મને પ્રજાની સ્થિતિથી અવગત રાખશે. હું પ્રજાનું કાર્ય દરેક સ્થાને કરીશ. અને જયારે હું કોઈ આજ્ઞા આપું અને તેના અમલ અંગે કોઈ શંકા હોઈ તો ગમે ત્યારે ગમે તે સમયે મારો સંપર્ક કરી શકાશે. ધમ્મના આ સિદ્ધાંતનું પાલન અનિવાર્ય છે.”

રાજા કે શાસકની પ્રજા પ્રત્યેની નિષ્ઠા અને કટીબધ્ધતા “ધમ્મ”ના આ આદેશમાં વ્યક્ત થયા છે. અશોકના “ધમ્મ”ના સિદ્ધાંતોમાં માત્ર ધર્મ નથી. પણ માનવ મૂલ્યોનું જતન છે. તેમાં રાજાની પ્રજા પ્રત્યેની નૈતિક ફરજો છે.

દેવોને પ્રિય રાજા પ્રિય દસ્સી ઈચ્છા કરે છે કે દરેક સંપ્રદાયના લોકો દરેક સ્થાને નિવાસ કરી શકશે. કેમ કે દરેક નાગરિક સંયમ અને ચિત્તની શુધ્ધતા ઇચ્છે. મનુષ્યને  વિવિધ ઈચ્છાઓ અને અનુરાગ છે. તેઓ સંપૂર્ણ કે મહદંશે તેનું પાલન કરે છે. જે ઉદાર છે. પણ જેનામાં સંયમ, ચિત્તની શુધ્ધતા, કૃતજ્ઞતા અને દ્રઢ વિશ્વાસ નથી તેને અધમ માનવમાં આવે છે.”

રાજ્યનો કોઈ પણ નાગરિક ગમે તે વિસ્તારમાં રહી શકે. પણ તે માટેની મુખ્ય શરત સંયમ અને ચિત્તની શુધ્ધતા છે. અને એ વિનાનો માનવી સમાજમાં અધમ છે. પ્રાચીન ભારતની વર્ગ વ્યવસ્થાનો વિરોધ કરતો “ધમ્મ”નો આ સિદ્ધાંત સામાજિક સમાનતાને અભિવ્યક્ત કરે છે. દાનનો મહિમા પણ “ધમ્મ”માં સ્વીકારવામાં આવ્યો હતો. એ અંગે એક શિલાલેખમાં લખ્યું છે,

“દાન આપવું સારું છે. પરંતુ “ધમ્મ”ના દાન અથવા “ધમ્મ”ના અનુગ્રહ જેવું કોઈ દાન નથી. એટલા માટે જ મિત્ર, બંધુ, સબંધીઓ અથવા સહયોગીઓને હંમેશા એ ઉપદેશ આપવો જોઈએ કે આ કાર્ય કરવું જોઈએ. તેના દ્વારા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. અને સ્વર્ગ પ્રાપ્ત કરવાથી વિશેષ શું અભિષ્ટ હોઈ શકે ?”

“ધમ્મ”ના સિદ્ધાંતોના પાયામાં માત્ર ધર્મ કરતા પણ મોટો માનવધર્મ રહેલો છે.

દેવોને પ્રિય રાજા પ્રિય દસ્સી એવું કહે છે, કોઈ એવું દાન નથી, જેવું “ધમ્મ”નું દાન છે. કોઈ એવી પ્રશંશા નથી, જેવી  “ધમ્મ”ની પ્રશંશા છે. એવી કોઈ ભાગીદારી નથી, જે  “ધમ્મ”ની ભાગીદારીથી શ્રેષ્ટ છે. એવી કોઈ મિત્રતા નથી, જેવી  “ધમ્મ”ની છે. અને દાસો-સેવકો પ્રત્યે સદ્વ્યવહાર કરો. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરો. મિત્રો, પરિચિતો, સબંધીઓ, શ્રમણો અને બ્રાહ્મણો પ્રત્યે ઉદારતા રાખો. પ્રાણીઓ પ્રત્યે અહિંસા રાખો. પિતા, પુત્ર, સ્વામી, મિત્ર, પરિચિત, સબંધી અને પડોશીને કહો કે સદ્વ્યવહાર એ ઉત્તમ કાર્ય છે. તે કરવા જેવું કાર્ય છે. એ કરવાથી આ લોકમાં સુખ મળે છે. અને  “ધમ્મ” દાન દ્વારા પરલોકમાં તેનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે.”

અશોકના  “ધમ્મ”ના આવા વિચારો, આદર્શો કે સિદ્ધાંતો ધર્મની આપણી સામાન્ય પરિકલ્પનાથી વિપરીત છે. અકબરના દિન-એ-ઇલાહીથી વધુ માનવીય અને સામાન્ય જન સાથે જોડાયેલા છે. અને કદાચ એટલે જ અશોકન યુગમાં  “ધમ્મ” ને કાફી સફળતા સાંપડી હતી. પણ ઇતિહાસના પડોમાં આજે  “ધમ્મ” દટાઈ ગયો છે. તેને બહાર આણી આજના સમાજમાં પ્રસરાવવાની તાતી જરૂર નથી લગતી ?

2 Comments

Filed under Uncategorized

રહીમના દોહા : માનવ સંવેદનાઓનું ચિત્રણ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોઘલ બાદશાહ અકબરના નીકટના માર્ગદર્શક બહેરામ ખાનને ત્યાં ૧૭ ડીસેમ્બર ૧૫૫૬ના રોજ જન્મેલ અબ્દૂલ રહીમ ખાનખાનાના આધ્યાત્મિક દોહાઓ ગાગરમાં સાગર સમાન છે. ઈ.સ. ૧૫૬૧મા હજયાત્રાએ જતા માર્ગમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં સ્નાન કરી બહાર આવતા સમયે અફઘાન સરદાર મુબારક ખાને પિતા બેહરામ ખાનની પીઠ પાછળ ખંજર મારી હત્યા કરી. એ સમયે રહીમની ઉંમર પાંચ વર્ષની હતી. પરિણામે બાળક રહીમ માટે જિંદગીના ચઢાણો કપરા બન્યા. એકાદ વર્ષાના કપરા રઝળત પાટ અને સંઘર્ષ પછી રહીમને અકબરની પનાહ સાંપડી. અને અકબરે રહીમનું  શિક્ષણ અને પાલન પોષણ એક શાહજાદા જેમ કર્યું.  જિંદગીના સારા નરસા પાસાઓથી વાકેફ રહીમના વિચારો નાનપણથી ઘણાં સંતુલિત હતા. અકબર તેનાથી અત્યંત પ્રભાવિત હતો.

રહીમના નૈતિક અને આધ્યત્મિક દોહાઓ સામાન્ય માનવીને પારકા-પોતાના, ઊંચ-નીચ અને સત્ય અને અસત્યને સમજવામા સાચો માર્ગ ચીંધે છે. રહીમની જિંદગીમા એક બાજુ તલવારની ચમક હતી તો,બીજી બાજુ રાજકારણના આટાપાટા. આમ છતાં તેમના દુહાઓમાં કોઈ સૂફી સાધકની સાધન દ્રષ્ટિગોચર થાય છે. ધર્મ અંગેના રહીમના વિચાર ઘણાં પર્માંર્જીત હતા.તેમના પિતા બહેરામ ખાન તુર્કના શિયા હતા, જ્યારે માતા સુન્ની હતા. જ્યારે રહીમ ઇસ્લામના શિયા અને સુન્નીના ભેદોથી સંપૂર્ણ પર હતા. તેમના દોહામા કોઈ એક ધર્મની વિભાવના કરતા મુલ્યનિષ્ટ માનવધર્મ વિશેષ વ્યકત થાય છે. વળી,તેમના દોહાઓમા વ્યક્ત થતો વિચાર અલબત્ત ઉચ્ચ હોય છે. પણ તેની ભાષા અત્યંત સરળ છે. જેથી તેમના દોહા સામાન્ય માનવીના હદયમાં સોંસરવાં ઉતરી જાય છે.જેમ કે,

बड़े बड़ाई ना करे, बड़े बोले बोल 

रहिमन हिरा कब कहे लाख टका है मोल 

પોતાના વખાણ કરનાર કયારે મોટો હોતો નથી. અને મોટા માનવીઓ કયારેય મોટાઈ વ્યક્ત કરતા  નથી. જેમ સાચો હીરો કયારેય પોતાના મૂલ્યનો દેખાડો કરતો નથી. 

तरुवर फल नहिं खात है, सरवर पियहि पान

कहि रहीम पर काज हित, संपति संचहि सुजान

વૃક્ષ પોતાના ફળો ખુદ નથી આરોગતું. તે અન્ય માટે જ ફળો પેદા કરે છે. પકવે છે. જેમ તળાવ પોતાનું જળ કયારે પીતું નથી. તે માનવીઓ માટે જ જળ સંગ્રહ કરે છે. તેમજ  સજ્જન માનવીઓ પોતાના સંગ્રહિત ધનનો ઉપયોગ જનકલ્યાણ માટે કરે છે.

रहिमन देख बड़ेन को, लघु दीजिये डारि
जहाँ काम आवै सुई, कहा करै तलवारि

ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે. “કોઈનો મહેલ જોઈ આપણી ઝુંપડી પાડી દેવાય“. એવી વાસ્તવિક ભાવના વ્યક્ત કરતો દુહો માણવા જેવો છે.મોટા અને સંપન્ન માનવીને જોઈને , તેનો સંગ કેળવીને, તેનાથી પ્રભાવિત થઈ, આપણા જુના અને ગરીબ મિત્રોનો ત્યાગ કરીએ. કારણ કે જે કાર્ય સોઈ કરી શકે છે તે તલવારથી નથી થતું.

 तन रहीम है कर्म बस, मन राखो ओहि ओर

जल में उल्टी नाव ज्यों, खैंचत गुन के जोर

આપણું શરીર તો કર્મના બંધનથી બંધાયેલું છે. પણ મન આપણા હાથમાં છે. તેને તો સંયમથી ઈશ્વર ભક્તિમાં લીન કરી શકાય છે. જેમ જળમાં પડેલ ઉંધી નાવને દોરડાથી ખેંચી કિનારા પર લાવી શકાય છે, તેમ જ મનને પણ ભક્તિના દોરડાથી સદમાર્ગે વાળી શક્યા છે.

रहिमन वहां जाइये, जहां कपट को हेत

हम तन ढारत ढेकुली, संचित अपनी खेत

રહીમ કહે છે હે માનવી, ત્યાં ન જઈશ જ્યાં કપટ હોવાની સંભાવના પણ હોઈ. કારણ કે કપટી માનવી આપણા શરીરના ખુનને પાણીની જેમ ચુસીને પોતાના સ્વાર્થનું ખેતર ખેડે છે. અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે.

रहिमन सीधी चाल सों, प्यादा होत वजीर

फरजी साह हुइ सकै, गति टेढ़ी तासीर

જેમ શતરંજની રમતમાં સીધી ચાલ ચાલનાર પ્યાદો વજીર બની શકે છે. પણ હંમેશા વાંકી ચાલ ચાલનાર ઘોડો કયારેય વજીર બનતો નથી, તેમ સિધ્ધા માર્ગ પર ચાલનારને સફળતા મળે છે. પણ આડા-અનૈતિક માર્ગે ચાલનાર કયારેય સફળ થતો નથી.

संपति भरम गंवाइ के, हाथ रहत कछु नाहिं

ज्यों रहीम ससि रहत है, दिवस अकासहिं मांहि

રહીમ કહે છે સંપતિના ભ્રમમાં માનવી તમામ પ્રકારની ખરાબ આદતોનો આદિ બની જાય છે. અને એ રીતે તે પોતાની સંપતિનો વ્યય કરે છે. પણ એક દિવસ એવો આવે છે જ્યારે તેની પાસે કશું જ નથી રહેતું. સંપતિ અને પ્રતિષ્ઠા બધું જ તેની ખરાબ આદતોમાં ખત્મ થઈ જાય છે.

રહીમના કેટલાક દુહાઓ તો અર્થધટનના મોહતાજ નથી. આજે પણ તે આપણા વ્યવહારમા ઉમદા અવતરણનો બની ગયા છે. જેમ કે, 

रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परि जाय 

बानी ऐसी बोलिये, मन का आपा खोय।
औरन को सीतल करै, आपहु सीतल होय॥

Leave a comment

Filed under Uncategorized

અલ્લાહના ૯૯ નામોના સર્જક : ડૉ. જેના અને રાહુલ : ડૉ. મહેબૂબ દેસાઈ

 એકાદ બે માસ પહેલા મને એક પુસ્તક મળ્યું. જેના કાળા મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું, ૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ અર્થાત “અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો” પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો પુસ્તક અરેબિક શૈલી અર્થાત કુરાને શરીફ જેમ જમણી બાજુ એથી આરંભાય છે તેમ જ આરંભાય છે. અને એટલે જ પ્રથમ દ્રષ્ટિએ હું પુસ્તકના લેખિકા જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ  “ડૉ.જેના આનંદ એલ.” વાંચ્યું ત્યારે આશ્ચર્ય સાથે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ અલ્લાહના એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર “ઈશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું હતું. અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ જોઈ શકાતું હતું. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવામા આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે “ અલ બારી”. જેનો અર્થ થાય છે “ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ “અલ માનીઅ:” અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં “અલ માનીઅ:” લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે “અલ વદૂદ:” જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા “અલ વદૂદ:” શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. પૃષ્ઠ ૪૫ પર અલ્લાહના ૪૫મા નામ “અલ મુજીબ” અર્થાત પ્રાથના સંભાળનાર અને સ્વીકારનારના ચિત્રમાં ગુલાબી પૃષ્ઠભૂમિ પર નમાઝ પઢવાના મુઅસ્લ્લાનું સુંદર ચિત્ર જેના બહેન મુક્યું છે.

અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે. સાણંદ જેવા  નાનકડા ગામમા રહેતા ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે “ગાંધીઝ લીડરશીપ” નામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,

“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા –પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.”

પણ આ સમગ્ર ઘટનાની પરાકાષ્ઠા સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવી છે. આ પુસ્તકનું  સર્જન કરનાર બંને હિંદુ મહાનુભાવો શરીરિક અને માનસિક રીતે  અસ્વસ્થ છે. અપરણિત અને એકાકી જીવન જીવતા ૪૦-૪૫ વર્ષની વયના ડૉ.જેનાબહેન બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. તેમની ઝીંદગીનો કોઈ ભરોસો નથી. છતાં તેમના ચહેરા પર હમેશા હાસ્ય પથરાયેલું રહે છે. ગોરો વાન અને ગોળ ચહેરોના માલિક જેનાબહેન ચિત્રોના સર્જન સમયે ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા. તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. છતાં એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર સુરેન્દ્રનગરના રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોમા અલ્લાહના નામોનું ચિત્રણ કરવાનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. એ તો ખુદાની અતુટ ઈબાદત છે. આવા ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું પુસ્તક આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજ રચનાના સાચા ઘડવૈયાઓ છે.

Leave a comment

June 1, 2012 · 6:41 AM