Monthly Archives: January 2010

First Translation of Kuran-e-Sharif in Hindi : Prof. Mehboob Desai

કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં અનુવાદ

ડો.મહેબૂબ દેસાઈ

“અરબ વ હિન્દ કે તાલ્લુકાત “ગ્રન્થના સર્જક સૈયદ સુલેમાન નદવીએ પોતાના ગ્રંથમાં
કેટલીક ચોંકાવનારી વિગતો આપી છે. આ વિગતો અરબસ્તાન અને હિન્દના સંબંધોમાં રહેલ સદભાવનાની મીઠાસ વ્યક્ત કરે છે. એક હજાર વર્ષ પૂર્વે
કુરાન-એ-શરીફનો સૌ પ્રથમ હિન્દીમાં તરજુમો -અનુવાદ કરાવનાર એક હિંદુ રાજા હતો, એ ઘટના સાચ્ચેજ સર્વધર્મ સમભાવની પરાકષ્ઠા છે.

નદવી સાહેબ આ ઘટનાને પોતાના પુસ્તકમાં આલેખતા લખે છે,
“હિજરી સન ૨૭૦મા અલવરમાં રાજા મહેરોગ શાશન કરતા હતા.તેનો રાજ્ય વિસ્તાર કાશ્મીર અને પંજાબની મધ્યમાં હતો. એ સમયે અલવરના રાજાની ગણના મોટા રાજાઓમાં થતી.રાજા મહેરોગ અત્યંત વિનમ્ર અને જ્ઞાની હતા. સૂફીસંતોના સતત સમાગમ અને વાતોને કારણે તેમને ઇસ્લામ વિષે જાણવાની ઈચ્છા જાગી.
એટલે તેમણે સિંધના હાકેમ (ગવર્નર) અબ્દુલ બિન ઉમરને લખ્યું,
“કોઈ મુસ્લિમ વિદ્વાન અલવર મોકલો. મારે હિન્દી ભાષામાં કુરાન-એ-શરીફની વિગતવાર સમજ મેળવવી છે.”

હાકિમ અબ્દુલ બિન ઉમરે અલવરના રાજાની વિનંતીનો સહર્ષ સ્વીકારી,એક અત્યંત વિદ્વાન,શાયર ઈરાકીને હિન્દ જવા આદેશ આપ્યો. એ ઈરાકીએ સૌ પ્રથમ અલવરના રાજાની પ્રસંશા કરતુ કાવ્ય લખી મોકલ્યું. અલવરના રાજા તે વાંચી અત્યંત ખુશ થયા. અને તેમણે એ ઈરાકીને હિન્દ આવવાનો ખર્ચ મોકલી આપ્યો.અને આમ એ વિદ્વાન ઈરાકી અલવરના રાજાનો મહેમાન બન્યો.

એ ઈરાકી વિદ્વાન અલવરમાં ત્રણ વર્ષ રહ્યો. રોજ તે અલવરના રાજાને કુરાન-એ-શરીફનો તરજુમો કરી સંભળાવતો અને તેની રોજે રોજ નોંધ કરતો.અલવરના રાજા મહેરોગ ખુબ જ ધ્યાનથી કુરાન-એ-શરીફની આયાતોનો અનુવાદ સાંભળતા. અને મનોમન મુગ્ધ થતા.તેમાંથી બોધ ગ્રહણ કરતા.આમ ત્રણ વર્ષ સતત રાજા મહેરોગ
કુરાન-એ-શરીફનું આચમન કર્યું. આમ ત્રણ વર્ષના અંતે કુરાન-એ-શરીફનો સોં પ્રથમ અનુવાદ તૈયાર થઈ ગયો.

આ ઘટનાનું વર્ણન વિખ્યાત પ્રવાસી બિન શહયારે હિજરી સન ૩૦૦માં પોતાના ગ્રન્થ “શહયારે ખુબ હિન્દ”માં પણ કર્યું છે. અરબસ્તાન અને ભારતના આવા સંબંધો એ જ ઇતિહાસના પાનાઓને સદભાવનાના સાગરથી ભરી દીધી છે.

Leave a comment

Filed under Uncategorized

Masudi Al : Hirodotas of Islami History

મસુદી અલ : ઇસ્લામી ઇતિહાસના હીરોડોટ્સ

ડો.મહેબૂબ દેસાઈ

નવમી સદીમાં બગદાદ (ઈરાન)માં જન્મેલ અબુ અલ હુસૈન અલી ઈબ્ન હુસૈન અલ મસુદીને ઇસ્લામી ઇતિહાસના પિતા – હીરોડોટ્સ કહેવામાં આવે છે. ઇસ્લામી ઇતિહાસના તેઓ પ્રથમ ઇતિહાસકાર હતા,જેમણે ઈતિહાસ અને ભૂગોળનો વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસ કર્યો અને તેનું લેખન કર્યું. તેમનો બહુ જાણીતો ગ્રન્થ
“મરુજ અલ વહાબ વ મદીન અલ જવાહર” ( સુવર્ણ અને હીરાની દાસ્તાન) છે. આ ગ્રન્થ ૩૦ ભાગોમાં લખાયલો છે. તેમનો અન્ય એક ગ્રન્થ “અલ અશરફ” પણ
ઈતિહાસ લેખનની તેમની શૈલીની ઓળખ કરાવે છે.
બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા અને અદભૂત યાદ શક્તિ ધરાવનાર અલ મસુદી પુસ્તકોના વાંચન કરતા જાત તપાસના વધુ આગ્રહી હતા.જાત તપાસ દ્વારા મેળવેલ માહિતીના આધરે જ તેઓ લેખન કરતા. તેમના રસના વિષયો વિજ્ઞાન અને ધર્મ હતા.જાત તપાસના આધારે તેઓ લખતા હોઈ તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી.સીરિયા, આફ્રિકા,ઝાંઝીબાર, મડાગાસ્કર, શ્રીલંકા, ઈરાન,ઓમાન જેવા અનેક દેશોની મુલાકાત લઈ, તેની સંસ્કૃતિ,સભ્યતા અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યા પછી તેના વિષે લખ્યું હતું.પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ૨૦ ગ્રંથો લખ્યા હતા.પણ તેમના મોટા ભાગના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.

મસુદીએ ઇસ્લામના પયગમ્બર,તેના ખલીફાઓ અને તેની પેટા જાતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો.તેમનો એક ગ્રન્થ “અખબાર અઝ ઝમાન” અર્થાત “સમયનો
ઈતિહાસ” એ દ્રષ્ટિએ મહત્વનો છે. ત્રીસ ભાગમાં ફેલાયલો આ ગ્રન્થ વિશ્વ ઈતિહાસને આલેખતા વિશ્વકોષ જેવો સમૃદ્ધ છે. જેમાં વિશ્વનો રાજકીય અને માનવ ઈતિહાસ આધારભૂત રીતે આલેખ્યો છે.આ ગ્રંથની મૂળ પરત વિયેનામાં હોવાનું મનાય છે. આ ગ્રંથની વિશાળતા તેના અભ્યાસુઓ માટે કપરી હોઈને ,તેની લઘુ આવૃત્તિ પણ મસુદીએ તૈયાર કરી હતી. આ ગ્રંથને કારણે જ અલ મસુદીની ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ હતી.

તેમનો અન્ય એક ગ્રન્થ “કિતાબ-અલ-અવાસ્ત” (મધ્યકાલીન ઇતિહાસનો ગ્રન્થ) પણ ઇતિહાસનો અદભૂત ગ્રંથ છે.જેમાં તવારીખ પ્રમાણે ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. અલ મસુદીનો ઈતિહાસ લેખન પ્રત્યેનો અભિગમ મૌલિક હતો.તેમના ઈતિહાસ આલેખનમાં સામાજિક,આર્થિક,ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ
કેન્દ્રમાં હતા. સ્થાનિક વેપારીઓ,લેખકો,શિક્ષકો અને આમ પ્રજા સાથેના સંવાદો દ્વારા મેળવેલ માહિતીનો તેમણે ઈતિહાસ લેખનમાં બહોળો ઉપયોગ કર્યો હતો.
તેમના લેખનમાં ઇસ્લામ ઉપરાંત હિંદુ અને જર્થોસ્ત ધર્મનો પણ સમાવેશ થાય છે.

અલ મસુદી જીવનભર ફરતો રહ્યો હતો. ઈ .સ. ૯૪૫મા દમીસ્કમાં ગયો.અને જીવનના અંતિમ દિવસો ત્યાજ રહ્યો. ઈ.સ.૯૫૭મા તેનું અવસાન થયું. તેનો અંતિમ ગ્રન્થ “કિતાબ અત તનવીર વા અલ ઈશરફ ” (નોંધણી અને ચકાસણી) હતો.

Leave a comment

Filed under Uncategorized

Ibn Ishak : Islami Historian

ઇતિહાસકાર ઈબ્ન ઇશાક : મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર

ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના ઇતિહાસમાં ઈબ્ન ઇશાકનું નામ ઘાટા અક્ષરોમાં લખાયેલ છે. મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખવાનો યશ ઈબ્ન ઈશાકને જાય છે.
ઈબ્ન ઇશાકનું મૂળ નામ તો ઘણું લાંબુ છે. મુહંમદ ઈબ્ન ઇશાક ઈબ્ન યાસીર ઈબ્ન ખિયાર. પણ ઇસ્લામી ઇતિહાસમાં તેઓ ઈબ્ન ઇશાક તરીકે જાણીતા છે.
ઈ.સ. ૭૦૪મા મદીનામાં જન્મેલ ઈબ્ન ઇશાકના પિતા આરબોના કેદી હતા. ઇસ્લામનો અંગીકાર કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા.એ પછી તેઓ મદીનામાં
આવી વસ્યા. નાનપણથી જ ઇશાક મુહંમદ સાહેબના નામ અને કામથી પ્રભાવિત હતા. પરિણામે નાનપણથી પિતા અને કાકા સાથે તેઓ મુહંમદ સાહેબની વિગતો એકત્રિત કરવા લાગ્યા હતા. તેમનો એ શોખ ગાંડપણની હદ સુધી વિસ્તર્યો. દિનપ્રતિદિન ઇશાક તેમાં ઊંડા ઉતરતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે તેઓ મુહંમદ સાહેબની આધારભૂત વિગતો માટેનું સ્રોત બની ગયા.

ઈબ્ન ઇશાકે અભ્યાસનો આરંભ અલેક્ઝાન્દીયમાં કર્યો હતો. ત્યાંથી તેમનું કુટુંબ ઈરાક આવી વસ્યું.ઈરાકના જઝીરહ અને હિરણ પ્રદેશમાં થોડો સમય તેઓ રહ્યા.
અને પછી બગદાદમાં આવી વસ્યા. બગદાદમાં વસવાટ દરમિયાન જ ઇશાકે મુહંમદ સાહેબ અંગે જાણવાની શરૂવાત કરી હતી.એ પછી મદીના આવી મુહંમદ સાહેબ અંગે બાકાયદા સંશોધન આરંભ્યું. સંશોધને અંતે તેમણે મુહંમદ સાહેબનું સૌ પ્રથમ જીવનચરિત્ર લખ્યું. ઇન્બ ઇશાકે લખેલા મુહંમદ સાહેબના એ જીવનચરિત્રને ૬૦ વર્ષ પછી પુનઃ સંશોધિત કરી ઈબ્ન હિશામે પુનઃ પ્રકાશિત કર્યું. એજ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ એ. ગુલ્લ્યુંમે ૧૯૫૫મા “ધી લાઇફ ઓફ મુહંમદ” નામે કર્યો હતો.

ઈબ્ન ઇશાકે લખેલ મુહંમદ સાહેબના જીવનચરિત્રની ઘણાં ઇસ્લામી વિદ્વાનોએ ટીકા કરી છે. જેમાં મલિક ઈબ્ન અનસ મોખરે છે. ઈબ્ન હન્બલ નામક ઇસ્લામી ઇતિહાસકાર પોતાનો પ્રતિભાવ આપતા લખે છે,

“ઈબ્ન ઇશાક મુહંમદ સાહેબના જીવનચરિત્રના આધારભૂત લેખક છે. પણ મુહંમદ સાહેબના જીવનના પૂર્ણ અભ્યાસુ નથી”

એ સત્યનો સ્વીકાર કરીએ તો પણ ઈ .સ. ૭૬૭માં બગદાદમાં અવસાન પામેલ ઈબ્ન ઇશાકનું નામ મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર લેખક તરીકે ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું રહેશે.

Leave a comment

Filed under Uncategorized

Hishab Ebn Al kalbi: Islami Historian

ઇસ્લામી ઇતિહાસના પિતા : હિશાબ ઈબ્ન અલ ક્લબી

ડો. મહેબૂબ દેસાઈ

પૂર્વ ઇસ્લામી ઈતિહાસ લેખનના પાયાના પથ્થર સમા હિશાબ ઈબ્ન અલ ક્લબીનો જન્મ ઈ.સ. ૭૪૭મા ઈરાકમાં થયો હતો. તેઓ અબુ અલ મુનવીર નામે પણ
જાણીતા છે. તેમને ઇસ્લામી ઈતિહાસ લેખનના પિતા પણ કહેવામાં આવે છે. તેમના પિતા પણ મોટા વિદ્વાન હતા.બગદાદમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર હિશાબે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ૧૯ ગ્રંથો લખ્યા હતા. પરંતુ આજે માત્ર તેમના ત્રણ ગ્રંથો જ ઉપલબ્ધ છે.

ઇસ્લામી ઈતિહાસ લેખનનો આરંભ કરનાર હિશાબીની ઈતિહાસ લેખન શૈલી અત્યંત રસપ્રદ હતી.ઘટનાઓનું આલેખન તેઓ બખૂબી કરતા. ઈતિહાસ લેખનમાં તેઓ તથ્ય અને સાક્ષીઓને પ્રાધાન્ય આપતા. આરંભમાં તેમણે આરબો અને તેમના ધર્મના ઇતિહાસનું આલેખન કર્યું હતું. તેમણે લખેલ ગ્રન્થ ” અલ ખ્યાલ “માં તેમની ઈતિહાસ લેખનની શૈલી વ્યક્ત થાય છે. “અલ ખ્યાલ” અર્થાત વ્યવહારુ જ્ઞાન. આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના વિચારો અને ગીતોનો પરિચય આપ્યો છે.તેમનો બીજો ગ્રંથ ” જ્મ્હારાત અલ નસબ ” ખુબ વખણાયો હતો. ” જ્મ્હારાત અલ નસબ ” અર્થાત “પેઢીનામું”. આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના અરબસ્તાનના સામાજિક, ધાર્મિક, સાહિત્યક અને રાજકીય ઇતિહાસની રસપ્રદ વિગતો આલેખી છે.ઇસ્લામના આગમન પૂર્વેના અરબસ્તાનને પામવા માટે આ
ગ્રન્થ આજેપણ આધારભૂત ગણાય છે.

તેમનું અન્ય એક પુસ્તક છે ” કિતાબ- અલ -અસ્નામ “, અર્થાત “વિચારોનો સંગ્રહ “. આ ગ્રંથમાં તેમણે સૌ પ્રથમવાર ખુદની પરિકલ્પના કરી હતી. કુરાન-એં-શરીફના અવતરણ પહેલા ખુદાની કલ્પના કરનાર હિશાબનું આ પુસ્તક એં દ્રષ્ટિએ ક્રાંતિકારી હતું. ઇસ્લામ પૂર્વેના આરબ સમાજમાં ખુદાની કલ્પનાને સાકાર કરતું આ પુસ્તક આજે પણ ઇસ્લામી ઇતિહાસના અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. ઇસ્લામી સાહિત્યના અભ્યાસુઓ તેને “ઇસ્લામી કાવ્ય ” તરીકે બિરદાવે છે.

હિશાબ બિન અલ ક્લબીનું અવસાન ઈ.સ. ૮૧૯ અથવા ૮૨૧મા કુફામાં થયાનું માનવામાં આવે છે.ઇસ્લામી ઈતિહાસ લેખનનો પાયો નાખનાર હિશાબ ક્લબી આજે પણ ઇસ્લામી ઇતિહાસના પિતા તરીકે જીવંત છે.

Leave a comment

Filed under Uncategorized

Visited to Dhordo-Kachcha

Visited to Dhordo-Kachcha for Yuva Chetna Shibir , Delivered a lecture on ” Gujaratno Vaibhav ane Varsho” on 9th December 2009.

Leave a comment

Filed under Uncategorized

મને ભારતના વડાપ્રધાન બનાવો : ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન ” કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે ” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે. આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથી હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હાસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.

Leave a comment

Filed under Uncategorized

અલ્લાહ સૌના છે. : ડો. મહેબૂબ દેસાઈ

અલ્લાહ સૌના છે.

ડો. મહેબૂબ દેસાઈ

હમણાં મલેશયાની અદાલતે એક સુંદર ચુકાદો આપ્યો. અદાલતે કહ્યું,

” ગોડનો ઉલ્લેખ કરતી વખતે “અલ્લાહ” શબ્દનો પ્રયોગ કરવાનો મલેશયાના ખ્રિસ્તીઓને પણ અધિકાર છે. અલ્લાહ શબ્દ માત્ર મુસ્લિમો માટે જ નથી”

અલ્લાહ શબ્દ અને ખુદ અલ્લાહ સૌના છે. એટલી નાની વાત માટે પણ અદાલતમાં જવું પડે તે સાચ્ચે જ શરમજનક બાબત નથી લાગતી ? અલ્લાહ માત્ર મુસ્લીમોના જ નથી એ વાત કુરાન-એ -શરીફમાં વારંવાર કહેવામાં આવી છે. કુરાન-એ -શરીફમાં કહ્યું છે,

” રબ્બીલ આલમીન ” અર્થાત ” સમગ્ર માનવજાતના અલ્લાહ”
કુરાન-એ-શરીફમાં ક્યાંય “રબ્બીલ મુસ્લિમ” અર્થાત ” મુસ્લિમોના અલ્લાહ ” કહ્યું નથી.

જેમ અલ્લાહ શબ્દ સમગ્ર માનવજાત માટે છે તેમજ ઈશ્વર શબ્દ પણ દરેક માનવ માટે છે. ક્યારેક હું મારા લેખમાં ઈશ્વર શબ્દ લખું છું. ત્યારે કેટલાક મિત્રો મને ટોકે છે. એક મુસ્લિમ દાકતર મિત્રએ
તો એકવાર મને ફોન કરીને કહ્યું હતું,

” તમે વારંવાર અલ્લાહ શબ્દ સાથે ઈશ્વર શબ્દ શા માટે લખો છો ?”

ત્યારે મેં તેમને કહ્યું હતું ,
” અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે.”
અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,

“અલ્લાહ શબ્દ નથી એક વચન , નથી બહુવચન. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે.તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે.”

આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ છે. કુરાન-એ-શરીફમાં કહ્યું છે,

” અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી ”

અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિ,ધર્મ કે રંગભેદને સ્થાન નથી.અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે.અલ્લાહથી ડરનાર,તેની ઈબાદતમાં રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.કુરાન-એ-શરીફમાં આજ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું છે,
” વાસ્તવિકતા એ છે કે અલ્લાહથી ડરનાર, તેની ઈબાદત કરનાર સર્વ માટે જન્નતમાં બક્ષિશોના ભંડાર છે.”
ટૂંકમાં , અલ્લાહ શબ્દ માત્ર ઇસ્લામની જાગીર નથી. તે તો “રબ્બીલ આલમીન” છે. સમગ્ર માનવજાતનો અલ્લાહ છે. અને એટલેજ ઈસ્લામને વિશ્વમાં “માનવધર્મ ઇસ્લામ” તરીખે ઓળખવામાં આવે છે.

3-01-2010

Leave a comment

Filed under Uncategorized