Monthly Archives: April 2015

ઇસ્લામિક તહેજીબનું પ્રતીક : રોઝીમા : મહેબૂબ દેસાઈ

લગભગ પાંચેક વાગ્યે યુનિવર્સિટીથી આવી મેં મારી નવી નક્કોર હોન્ડા સીટી કાર રોયલ અકબર રેસિડેન્ટસીના ખુલ્લા પાર્કીંગમાં પાર્ક કરી. પાછળની સીટમાં મુકેલ લેપટોપ લીધું. કાર લોક કરી લીફ્ટ તરફ હજુ માંડ દસ કદમ માંડ્યા હશે અને એક મોટો ધડાકો થયો. જાણે કોઈ બોંબ ન ફૂટ્યો હોય ? મેં પાછળ ફરીને જોયું તો મારા હોશ ઉડી ગયા. મારી નવી નક્કોર હોન્ડા સીટી કારનો આગળનો કાચ ભુક્કો થઇ ગયો હતો. બોનેટ પર મોટો ઘોબો પડ્યો હતો. કારની આસપાસ માટીના કુંડાના ટુકડા વેરવિખેર પડ્યા હતા. થોડી મીનીટો આઘાતને કારણે હું કશું જ ન બોલી શક્યો. પછી જરા સ્વસ્થ થઇ મેં ઉપર નજર કરી. પાંચમાં માળ સુધીની બાલ્કનીમાં કોઈ નજર ન આવ્યું. આસપાસ માણસો ભેગા થઇ ગયા. કારની દશા જોઈ સૌ મને આશ્વાસન આપવા લાગ્યા. રોયલ અકબર રેસીડન્સીના ચોકીદાર મારી પાસે ઉભા હતા. મેં તેમને થોડા ગુસ્સામાં પૂછ્યું,

“આ કુંડું ક્યાંથી પડ્યું છે ?”

“લગભગ ચોથા માળેથી પડ્યું લાગે છે”

મેં ઉપર નજર કરી મોટા અવાજે કહ્યું,

“અરે, આ કુંડું કોનું છે ? જેનું  હોય તે બહાર આવશો ?”

પણ કોઈ બહાર ના આવ્યું. ધીમે ધીમે ફલેટના માણસો ભેગા થવા લાગ્યા. કોલાહલ વધવા લાગ્યો.એટલે ઇસ્લામિક લિબાસમાં સજ્જ એક બહેન ચોથા માળની બાલ્કનીમાં આવી ભેગા થયેલા માણસોને નીરખવા લાગ્યા. મેં તેમની સામે જોઈ કહ્યું,

“આપા, યે ગમ્લા (કુંડા) આપકી બાલ્કની સે ગીરા હૈ ?”

અને એ યુવતી એકદમ સજાગ બની ગઈ. પોતાની બાલ્કનીમાં પક્ષીઓ માટે રાખેલ પાણીના કુંડાની જગ્યા પર તેની નજર ગઈ. અને તુરત તે અંદર જતી રહી. તેના આ કૃત્યથી હું વધુ ગુસ્સે થયો.

“કેવા બેજવાબદાર માણસો છે. ખુદાનો ખોફ પણ નથી રાખતા. બીજાનું ગમે તેટલું નુકસાન થાય,તેની તેમને જરા પણ પડી નથી”

હું મારું વાક્ય પૂરું કરું ત્યાતો એક યુવતી મારી સામે આવી ઉભી રહી. લગભગ પાંચ ફૂટની ઊંચાઈ, એકદમ ગોરો વાન, નમણા ચહેરા પર ઇસ્લામિક રૂમાલી બાંધેલી ૨૫-૨૭ વર્ષની એ યુવતીએ આવીને અંત્યંત નમ્ર ભાવે મને કહ્યું,

“અંકલ,મેં માફી ચાહતી હું. યે મેરી ગલતી સે હુવા  હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ, આપ કો દેને કો તૈયાર હું”

તેના માસુમ ચહેરામા મેં ક્ષમા અને પ્રાયશ્ચિતનો ભાવ અનુભવ્યો.

“કયા નામ હૈ આપકા ?”

“મેરા નામ રોઝીમા હૈ. મેં ચોથે મજલે પર રહતી હું. મેરે ખાવિંદ (પતિ)  ટ્રાન્સપોર્ટમેં કામ કરતે હૈ. મેં ભી બચ્ચો કો ટ્યુશન પઢાતી હું. મેરી હી ગલતી સે આપકા ઇતના બડા નુકસાન હુવા હૈ.  મૈ આપ સે માફી ચાહતી હું. મુઝે માફ કર દીજીયે હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ મેં વો દેને કો તૈયાર હું”

રોઝીમાની સૌજન્યશીલતાએ મારા ગુસ્સાને ઓગળી નાખ્યો. મેં તેને શાંત સ્વરે કહ્યું,

“બેટા, મેરી ગાડીકા કંપ્લીટ બીમા હૈ. ફિર ભી મુઝે મીનીમમ રકમ તો ભરની પડેગી. લેકિન વો ગાડી કા સર્વે હોને કે બાદ પતા ચલેગા કી મુઝે કીતની રકમ ભરની પડેગી”

“અંકલ, આપ જીતની કહોગે ઉતની રકમ મેં દે દુંગી.લેકિન આપ મુઝે માફ કર દે. યહી મેરી ગુઝારીશ હૈ. ક્યોકી અલ્લાહ માફી માંગને વાલો કે કરીબ રહતા હૈ, ઉસસે ખુશ રહતા હૈ”

બીજે દિવસે સવારે નવેક વાગ્યે મારી ડોરબેલ વાગી. હું યુનિવર્સિટી જવા તૈયાર થતો હતો. સાબેરાએ કહ્યું રોજીમાં અને તેના પતિ આવ્યા છે. મેં અસ્ સલામો અલયકુમ કહીને તેમને આવકાર્યા. માથે રૂમાલી બાંધેલી રોઝીમાએ સોફા પર સ્થાન લેતા કહ્યું,

“વાલેકુમ અસ્ સલામ અંકલ, આપે મીનીમમ ભરવાના પૈસા કેટલા થાય છે તે મને ખબર ન હતી. એટલે હાલ પૂરતા હું દસ હજાર લાવી છું. પછી જે કઈ વધુ થાય તે મને કહેશો તો પહોંચાડી દઈશ” એમ કહી રોજીમાં એ નોટોનું બંડલ ટીપોઈ પર મુકયું. હું અને સાબેરા તેની સચ્ચાઈને જોઈ રહ્યા. મેં તેમના પતિ અફઝલભાઈને પૂછ્યું

“આપની ટ્રાન્સપોર્ટ કંપની છે ?

“ના,મારી પોતાની કપની નથી. હું અમદાવાદ વેરાવળ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરું છું”

સાબેરાએ એ બંને યુગલને શરબત આપ્યું. થોડીવાર અમારા વચ્ચે મૌન છવાયેલું રહ્યું. પછી

મેં કહ્યું,

“બેટા રોઝીમા, હું તારી તહજીબ, તમીઝથી કાફી પ્રભાવિત થયો છું. ગઈકાલે એક પળનો પણ વિચાર કર્યા  વગર, એક પણ દલીલ કર્યા વગર તે તારી ભૂલ કબુલ કરી લીધી હતી, તે બાબત ઇસ્લામિક

શિષ્ટાચારનો ઉત્તમ નમુનો છે. વળી, આજે નુકસાનીના પૈસા પણ આપ બંન્ને આપવા આવ્યા છો. એ બદલ પણ આપનો આભાર. આપ બંનેના આવા સૌજન્ય પૂર્ણ વ્યવહારે અમારા બંને વૃધ્ધોના મન જીતી લીધા છે. રહી ખર્ચની વાત, મોટા ભાગનો ખર્ચ તો ઇન્સ્યુરન્સ કંપની ભોગવશે.બાકીના જે કઈ થશે તે હું ભોગવી લઈશ. એટલે આપની પાસેથી અમારે એક પણ પૈસો લેવાનો નથી.”

મારી વાત સંભાળી રોઝીમા અને અફઝલભાઈએ મને પૈસા લઇ લેવા બહુ આગ્રહ કર્યો. પણ હું એ યુગલના જીવનમાં વણાઈ ગયેલ ઇસલામિક તહજીબ (સંસ્કૃતિ) થી એટલો પ્રભાવિત થયો હતો કે મેં પ્રેમથી એ પૈસા લેવાની ના જ પાડી. અંતે રોઝીમાએ પૈસા પોતના હાથમાં લેતા કહ્યું,

“અંકલ આપે જયારે પૈસા લેવાની ના જ પાડી છે, ત્યારે એક વડીલ સ્વજન તરીકે આપને એક વાત કરવાનું મને ગમશે”

હું અને સાબેરા રોઝીમાને એજ નજરે તાકી રહ્યા. તેના જેવી સુશીલ અને પાબંધ નમાઝી યુવતી શું કહેવા માંગે છે તે સાંભળવા અમે ઉત્સુક હતા. ચહેરા પર આછું સ્મિત પાથરતા એ બોલી,

“આ વેકેશનમાં બાળકો સાથે મારા પિયર વેરાવળ જવા માટે ટ્યુશનમાંથી બચાવી, આ રકમ મેં ભેગી કરી હતી. પણ મારા હાથે આપની કારને નુકશાન થતા મેં વિચાર્યું કે કોઈનું નુકશાન કરી ફરવા જવાથી ઈશ્વર-અલ્લાહ નારાજ થાય છે. એટલે આ પૈસા અંકલને આપી દેવા. બાળકો સાથે પિયર હું આવતા વર્ષે જઈશ”

એટલું બોલી રોઝીમાં અટકી. તેના અવાજમાં અલ્લાહના ખોફ સાથે થોડી ભીનાશ પ્રસરેલી હતી. આટલી નાની ઉંમરમાં રોઝીમાએ કેળવેલ શિષ્ટાચાર જોઈ મારી આંખો ઉભરાઇ આવી. થોડા સ્વસ્થ થઇ  મેં કહ્યું,

“બેટા રોઝીમા, તમારા જેવી યુવતીને ઈશ્વર-અલ્લાહે જે આધ્યાત્મિક જ્ઞાન અને શિષ્ટાચાર બક્ષ્યા છે તેની સામે આ રકમ તો તુચ્છ છે. બસ અમારા બંને વૃધ્ધો માટે તમે ઈશ્વર-અલ્લાહને દુવા કરશો એજ અમારી ગુઝારીશ છે”

અને રોઝીમા અને તેમના પતિ અફઝલભાઈએ વિદાઈ લીધી. પણ તેમની ઇસ્લામિક તહજીબ અને તમિજ આજે પણ મારા હદયમાં જ્યોત બની પ્રજવલિત છે. અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized

અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ એન.આઈ.ડી.ના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મુસ્તકીમ ખાન તેમના અભ્યાસના ભાગ રૂપે તૈયાર કરી રહેલ “ભારતના મદ્રેસાઓ” પરની ફિલ્મ અંગે મને મળવા આવ્યા, ત્યારે ભારતમાં ચાલતા આધુનિક મદ્રેસાઓ અંગે અમારે વિગતે વાત થઇ હતી.  હાલના મોટાભાગના મદ્રેસાઓ આધુનિક શાળાઓ અને વિશ્વ વિદ્યાલયો જેવા જ બની ગયા છે. એ વાત આજે પણ આમ સમાજ સુધી પહોંચી નથી કે પહોંચાડવામાં આવી નથી. એવા આધુનિક શિક્ષણ આપતા મદ્રેસાઓમાં સુરતના બેગમપુરામાં કાર્યરત અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી સૌ પ્રથમ નજરમાં આવે છે. કોઈ પણ શૈક્ષણિક ક્ષેત્રમાં સક્રિય અધ્યાપક કે વિદ્યાર્થીઓએ તેના કેમ્પસની એકવાર મુલાકાત લેવી જોઈએ. અત્યંત ભવ્ય, સ્વચ્છ અને શૈક્ષણિક સાધન સામગ્રીથી સજ્જ આ શૈક્ષણિક સંસ્થામાં દેશ વિદેશના માત્ર શિયા દાઉદી વહોરા કોમના યુવા ભાઈઓ અને બહેનો અભ્યાસ કરે છે. ઇસ્લામના શિયા સંપ્રદાયના દાઉદી વહોરા શાખની આ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત ૧૯૬૦મા ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ૨૦૦૩માં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લઇ ચૂકયા છે. આ વિશ્વ વિદ્યાલયની ત્રણ શાખાઓ કંરાચી (૧૯૮૩), નૈરોબી(૨૦૧૧) અને મુંબઈમાં આજે પણ કાર્યરત છે. જ્યાં ધાર્મિક શિક્ષણ સાથે દુન્વયી અર્થાત પરંપરાગત શિક્ષણ દ્વારા સ્નાતકની પદવી આપવામાં આવે છે.

અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસાની સ્થાપના મૂળમાં સૈયદના મુફદ્દલ સેફૂદ્દીન સાહેબે કરી હતા. ૧૮૧૦માં  ૪૩માં દાઈ સૈયદના અબ્દાલી સેફૂદ્દીન સાહેબે એ સમયે નાનાપાયે એક મદ્રેસાની શરુઆત કરી હતી. તેની સ્થાપનામાં “દાવત” નામક ધાર્મિક સંસ્થાએ સહકાર આપ્યો હતો. પ્રારંભમાં તેનો ઉદેશ અરબી ભાષા દ્વારા દાવત સાહિત્યનું શિક્ષણ આપવાનો હતો. સૈયદના સાહેબના નિધન પછી ૫૧મા દાઈ ડો. તાહિર સેફૂદ્દીન સાહેબે અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસાના કેમ્પસને આધુનિક સ્વરૂપ આપ્યું. નવા મકાનો સાથે તેના અભ્યાસક્રમમાં પણ તેમણે આમુલ પરિવર્તન કર્યું. યુનિવર્સિટીના અભ્યાસક્રમોને  સમયને અનુરૂપ બનાવ્યા. પણ તેમણે ધર્મના પાયાના મૂલ્યો અને સિદ્ધાંતોને નવા અભ્યાસક્રમમાં યથાવત જાળવી રાખ્યા. આમ ૧૯૬૧ પછી આ મદ્રેસાએ ધાર્મિક શિક્ષણ સાથે પરંપરાગત આધુનિક શિક્ષણને પણ પોતાની ખાનગી યુનિવર્સિટીમાં સ્થાન આપ્યું.

આજે અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસા એક વિશ્વ વિદ્યાલય તરીકે વિદેશી ભાષાઓ સાથે  વિવિધ વિષયોનું શિક્ષણ આપતી આધુનિક સંસ્થા છે. જ્યાં વિદ્યાર્થીઓ નિવાસ સાથે  શિક્ષણ લે છે. અહિયાં શિક્ષા, આવાસ અને ભોજન માટે શિયા દાઉદી વહોરા કોમના વિદ્યાર્થી પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. અર્થાત પ્રવેશ પામનાર દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી અદા કરે છે. અહિયાં પાંચ અભ્યાસ શાખાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. કુરાન અને કુદરતી વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, માનસશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર. શિક્ષણ માટે આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. શિક્ષણમાં વિદ્યાર્થીને માહિતી સાથે તેની આલોચનાત્મક દ્રષ્ટિને વિકસાવવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. પરિણામે માહિતીની  આલોચનાત્મક વિષ્લેષણ કરવાની વિદ્યાર્થીની દ્રષ્ટિ વિકસે છે. મહાવિદ્યાલયનો અભ્યાસક્રમ અગિયાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ થી ચાર કક્ષા સુધી માત્ર લેખિત પરીક્ષા લેવામાં આવે છે.પાંચમી અને છટ્ટી કક્ષામાં લેખિત પરીક્ષા સાથે લેખ લેખનની કસોટી પણ લેવામાં આવે છે. એ પછી સાત થી અગિયાર કક્ષા સુધી લેખિત સાથે મૌખિક પરીક્ષા પણ લેવામાં આવે છે. અહીના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે અલીગઢ વિશ્વ વિદ્યાલયના અભ્યાસક્રમોમાં પણ જોડાઈ શકે છે. આંતર યુનિવર્સીટી કાર્યક્રમ અન્વયે અહીના વિદ્યાર્થીઓ નૈરોબી અને મિસ્રની યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવે છે. અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીને “મુબ્તાઘલ ઇલ્મ” અને “અલ-ફકીહુલ જૈયદ” ની પદવી આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષા, સંશોધન અને રચનાત્મક કાર્યો અને ભાષા વિજ્ઞાનના વિષય સાથે વિદ્યાર્થી સ્નાતકની પદવી મેળવી શકે છે. આગળ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પદવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને  નૈરોબી યુનિવર્સિટીમાં માન્ય કરવામાં આવેલ છે.

આધુનિક કોમ્પુટર લેબથી સજ્જ આ યુનિવર્સિટીમાં ધાર્મિક વિષયોનું શિક્ષણ અરબી ભાષામાં આપવામાં આવે છે. જયારે આધુનિક વિષયોનું શિક્ષણ અંગ્રેજી ભાષામા આપવામાં આવે છે. વિશ્વ વિદ્યાલયમાં પ્રકાશન વિભાગનું મહત્વ આજે દરેક યુનિવર્સિટીઓમાં સ્વીકારવામાં આવ્યું છે. અલજામિયા તુસ સૈફીયાહ વિશ્વ વિદ્યાલયમાં અરબી, ઉર્દૂ અને ગુજરાતીના વિષયલક્ષી પુસ્તકોનું પ્રકાશન નિયમિત રીતે કરવામાં આવે છે. પરિણામે અભ્યાસના પુસ્તકો દરેક ભાષામાં વિદ્યાર્થીઓને આસાનીથી ઉપલબ્ધ થાય છે. યુનિવર્સિટીનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ છે. લગભગ દોઢ લાખ પુસ્તકોથી સજ્જ આ ગ્રંથાલયમાં એક સો જેટલા દેશ વિદેશના વિવિધ વિષયોને લગતા સામયિકો આવે છે. આ ખાનગી વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. સૈયદના મુહંમદ બુરહાનુદ્દીન તુસ છે. જયારે તેના ઉપ કુલપતિ સૈયદના અલીકાદર મુદફ્ફલ સૈફુદ્દીન સાહેબ છે. સરકારની કોઈ પણ પ્રકારની આર્થિક સહાય વગર કાર્યરત આ યુનિવર્સિટી મુસ્લિમ મદ્રેસાઓની સંપૂર્ણ ઓળખને આધુનિક સ્વરૂપે સમાજ સમક્ષ રજુ કરતુ આદર્શ દ્રષ્ટાંત છે.

2 Comments

Filed under Uncategorized