Monthly Archives: January 2020

નમાઝી વગરની મસ્જિત અને અઝાન : ડૉ. મહેબૂબ દેસાઈ

થોડા દિવસો પૂર્વે વર્તમાન પત્રમાં કઝાકિસ્તાનની સૌથી મોટી મશ્ખુર જુસુપ મસ્જિતના સમાચાર વાંચ્યા. લગભગ ૧૫૦૦ નમાઝીઓ એક સાથે નમાઝ પઢી શકે તેટલી મોટી આ મસ્જિતનું નામ કઝાક કવિ અને ઇતિહાસકાર મશ્ખુર જુસુપના નામે રાખવામાં આવ્યું છે. મસ્જિતનો આધાર ૪૮ મીટર વ્યાસવાળા આઠ ખૂણાવાળા તારા જેવો છે. તેના મિનારાની ઉંચાઈ ૬૩ ફૂટ છે. તેનો વાદળી ગુંબજ ૫૪ મીટર ઊંચો છે. આવી ભવ્ય મસ્જિતના સમાચાર વાંચી મને બિહારના એક નાનકડા ગામ માધીમાં આવેલી ૨૦૦ વર્ષ જૂની નાનકડી મસ્જિત યાદ આવી ગઈ. જો કે એ મસ્જિત સાવ મામુલી છે. પણ તેની પાછળની ત્યાંના હિંદુ સમાજની આસ્થા અને ભાવના મસ્જિતની ભૌતિક ભવ્યતા કરતા તેના પ્રત્યેની ભાવનાત્મક ભવ્યતા ને સાકાર કરે છે. જે સાચે જ ભવ્ય અને અનુકરણીય છે.
આપણી ધાર્મિક સમસ્યાઓનોના અનેક કારણોમાનું એક કારણ એક બીજાના ધર્મ અને ધર્મ સ્થાનો પ્રત્યેની આપણી અવગણના છે. અંગ્રેજીમાં એક કહેવત છે “યુ ગીવ રીસ્પેક્ત એન્ડ રીસ્પેક્ત વિલ રીબાઉન્ડ ટુ યુ“ અર્થાત “તમે જેટલું માન આપશો, તેનાથી બમણું માન પામશો” એ નાતે આપણે અન્ય ધર્મ અને તેના ધર્મસ્થાનોને જેટલું માન આપીશું તેનાથી બમણું માન આપણા ધર્મ અને ધર્મસ્થાનોને અવશ્ય મળશે. બિહારના નાનકડા ગામ માધીની આ મસ્જિત આ બોધને સાકાર કરે છે.
“અમે હિંદુ હોવાને કારણે અમને “અઝાન” આપતા નથી આવડતું. એટલે પાંચ સમયની અઝાન પેન ડ્રાયમાં અમે રેકોર્ડ કરી રાખી છે. અને તે અમે નમાઝનો સમય થતા દિવસમાં પાંચવાર માઈક પર નિયમિત વગાડીએ છીએ.”
આવું વિધાન કરનારા બિહારના માધી ગામના હંસ કુમાર સલામ અને માનના અધિકારી છે. જન્મે હિંદુ હંસ કુમારનું આ વિધાન આપણી સમન્વય વાદી સાંસ્કૃતિક પરંપરાને વ્યક્ત કરે છે. ભારતની બિનસાંપ્રદાયિકતાના પ્રતિક સમી આ મસ્જિતની કથા આજના બદલાતા જતા સમયમાં જાણવા અને માણવા જેવી છે. દેશમાં વધતી જતી ધાર્મિક કટ્ટરતા અને દૈનિક ઘટનાઓ વચ્ચે, બિહારના નાલંદા જિલ્લામાં આવેલું માધી ગામ ઉદારવાદ અને ખુલ્લી વિચારધારાની દુર્લભ અને આદર્શ તસ્વીર રજુ કરે છે.
બિહારના નાલંદા જિલ્લામા માધી ગામમાં વર્ષોથી હિંદુ અને મુસ્લિમ સમાજ પારંપરિક પ્રેમ અને મહોબ્બતથી રહેતા હતા. ગામમાં મુસ્લિમ સમાજે ૨૦૦ વર્ષ પૂર્વે એક નાનકડી મસ્જિત ઈબાદત માટે બનાવી હતી. આજે પણ એ મસ્જિત હયાત છે. પણ તેમાં નમાઝ અદા કરનાર એક પણ મુસ્લિમ ગામમાં નથી. આર્થિક અને સમાજિક કારણો સર ગામના મુસ્લિમો ધીમે ધીમે સ્થળાંતર કરી અન્ય સ્થળોએ રહેવા જતા રહ્યા છે. પણ તેમણે ઈબાદત માટે બનાવેલી નાનકડી મસ્જીત મુકતા ગયા. ૨૦૦ વર્ષ જૂની એ મસ્જિતને સાચવવાની, તેની પવિત્રતાને બરકરાર રાખવાની જવાબદારી માધી ગામના હિન્દુઓએ ઉપાડી લીધી. આજે એ મસ્જિતની પવિત્રતા, સ્વચ્છતા અને નિયમિત અઝાનની સંપૂર્ણ જવાબદારી ગામમાં રહેતા હિંદુઓ સંભાળી રહ્યા છે. અલબત આ મસ્જિતમાં નિયમિત પાંચ સમયની અઝાન થાય છે. પણ એ અઝાન કોઈ મૌલવી નથી આપતા. પણ પેન ડ્રાઈવમાં સેવ કરેલ અઝાન નમાઝનો સમય થતા અચૂક ગામમાં ગુંજી ઉઠે છે. અને ગામ લોકો અઝાનના સમયે અન્ય અવાજો બંધ કરી અઝાન આસ્થા અને શાંતિથી સાંભળે છે.
મસ્જિતની નિયમિત સફાઈ કરવાનું, તેની સંભાળ રાખવાનું કાર્ય કરનાર ગામનો ગૌતમ નામક એક યુવાન કહે છે,
“”મસ્જિદની સંભાળ લેનાર એક પણ મુસ્લિમ ગામમાં નથી. જેથી તેની સંભાળ લેવાનું કાર્ય અમે કરીએ છીએ. મસ્જિતની સફાઈ અને મરામતનું કાર્ય પણ અમે ગામ લોકો સાથે મળીને કરીએ છીએ”
એક મુસ્લિમ પ્રાર્થના સ્થાનની નિયમિત સફાઈ અને સંભાળ હિંદુ સમાજ દ્વારા થઇ રહ્યાની ઘટના જ આજના માહોલમાં આદર્શ દ્રષ્ટાંત છે. અને એ પણ એવા હિંદુ સમાજ દ્વારા જે ઝાઝો શિક્ષિત નથી, સુસંસ્કૃત નથી. આપણા શહેરી શિક્ષિત સમાજને તેના દ્વારા મળતો સબક સમાજમાં શાંતિ અને સુરક્ષા માટે અનિવાર્ય લાગે છે.
ગામના એક અશિક્ષિત યુવાન હંસ કુમાર કહે છે,
“ગામમાં કોઈ પણ શાદી વિવાહ હોય અથવા નાનો મોટો શુભ પ્રસંગ હોય ત્યારે સૌ પ્રથમ અમે મસ્જિતમાં આવીએ એ છીએ. અને મસ્જિતના દ્વારા પર ચરણ સ્પર્શ કરીએ છીએ.”
દરેક ધર્મીની આસ્થા પવિત્ર અને પાક હોય છે. તેને ધર્મના ક્રિયાકાંડો સાથે કોઈ ખાસ સંબધ નથી હોતો. એ મહત્વની બાબત માધી ગામના અશિક્ષિત લોકો કેટલી સહજતાથી સમજે છે, આચરણમાં મુકે છે.
ગામના એક અન્ય વયોવૃદ્ધ હિંદુ મુસ્લિમ સદભાવનાને અભિવ્યક્ત કરતા કહે છે,
“અલ્લાહ ઈશ્વર તેરો નામ સબ કો સંમતિ દે ભગવાન. અલ્લાહ અને ઈશ્વર એક જ છે બીજું કોઈ નથી. પછી શા માટે આપણે લડીએ છીએ ? આ આજ ની વાત નથી. આ ગામમાં અમે હિંદુ અને મુસ્લિમ વર્ષોથી સાથે રહ્યા છીએ. પણ અમારી વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ આવ્યો નથી. આજે એક પણ મુસ્લિમ આ ગામમાં વસતો નથી. છતાં તેઓ મૂકી ગયેલ મસ્જિતનું જતન કરવાનું કાર્ય અમારી નૈતિક ફરજ છે. અને તે અમે સહર્ષ કરીએ છીએ.”

દેશમાં વધતી જતી ધાર્મિક કટ્ટરતા અને કોમી રમખાણોની વચ્ચે બિહારના નાલંદા જિલ્લામાં આવેલ માધી ગામની ઉદારતા અને ધાર્મિક સદભાવના દુર્લભ છતાં પ્રેરક ચિત્ર રજુ કરે છે. જે આપણા સૌ માટે એક ઉપદેશ છે.

Leave a comment

Filed under Uncategorized