Monthly Archives: March 2020

“વહદત ઉલ વજૂદ” : “સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર” : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફી પરંપરા પર પીએચ.ડી.કરતા એક વિદ્યાર્થીએ વોટ્સઅપ પર મને પૂછ્યું “વહદત ઉલ વજૂદ” એટલે
શું ? મેં તેને ટૂંકો ઉત્તર આપતા લખ્યું,
“સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર”
પણ આ તો તેનો શાબ્દિક અર્થ થયો. તેનો આધ્યાત્મિક અર્થ તો વિશાળ છે. ગહન છે. દરેક ધર્મના માનવીએ જાણવા જેવો છે. ઈશ્વર ખુદા માટે સૂફી પરંપરામાં વપરાતો આ શબ્દ એકેશ્વરવાદનો પર્યાય છે. ખુદા કે ઈશ્વર સર્વ વ્યાપી છે. સર્વ શક્તિમાન છે. “કણ કણ મેં ભગવાન” ઉક્તિને તે સાકાર કરે છે.
“વહદત ઉલ વજૂદ” શબ્દ મૂળભૂત રીતે ફારસી ભાષાનો છે. “વહદ્ત” શબ્દનો અર્થ થાય છે એક હોવું, એકત્વ, એકતા, અદ્વેતભાવ, ઈશ્વર એક હોવાનું માનવું. ટુકમાં એકેશ્વરવાદ. એવો જ એક બીજો શબ્દ પણ જાણીતો છે. વજૂદ અર્થાત અસ્તિત્વ. એક ખુદા(ઈશ્વર)નું જ અસ્તિત્વ છે. “વાજિબુલ વજૂદ” અર્થાત જેનું અસ્તિત્વ બીજા ઉપર આધારિત નથી. પોતાની શક્તિથી જ અસ્તિત્વમાં આવેલ. અર્થાત કાયનાત, દુનિયાનો સર્જક ખુદા કે ઈશ્વર.
કુરાને શરીફમાં એવી અનેક આયાતો ખુદાની સર્જનાત્મકતા અને તેના સર્વ વ્યાપી અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આ આયાતોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ખુદા સર્વવ્યાપી છે. અલબત માનવી તેને જોઈ સકતો નથી. પણ તેના અસ્તિત્વનો અહેસાસ કરી સકે છે. સમગ્ર બ્રહ્માંડ પર ખુદાની નજર છે. ખુદા કે ઈશ્વર તેના દરેક બંદા કે ભક્તની ફરિયાદ સાંભળે છે. તેના દરેક કાર્યોથી વાકેફ છે.
જો કે આ વિચાર માત્ર કુરાને શરીફમાં જ નથી. વિશ્વના દરેક ધર્મના કેન્દ્રમાં છે. દરેક ધર્મ ગ્રંથમાં મૌજુદ છે. કુરાન, બાઈબલ અને વેદોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જેમ કે
કુરાને શરીફની અનેક આયાતો ખુદા સર્વ વ્યાપી હોવાની સાક્ષી પૂરે છે.
“સર્વ સ્તુતિ ઈશ્વર-ખુદા માટે છે. તે આકાશ અને પૃથ્વીનો નિર્માતા છે. તે દેવદૂતોને પોતાના
સંદેશવાહક બનાવે છે. બબ્બે ત્રણ ત્રણ અને ચાર-ચાર પાંખવાળા દેવદૂત ! સૃષ્ટિમાં ઈચ્છે તેને
અધિક આપે છે. તે બધું કરવાને સમર્થ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”
“શું અમે ભૂમિને તમારી શૈયા નથી બનાવી ? અને પર્વતોને મેખ ? અને અમે તમને જોડી જોડી
બનાવ્યા. અને અમે તમારી નિંદ્રાને વિશ્રામનું સાધન બનાવી. અને રાત્રીને તમારો પરદો બનાવી.
અને આજીવિકા માટે દિવસ બનાવ્યો.”
“મનુષ્ય એટલું જાણતો નથી કે અમે તેને પાણીના એક બિંદુમાંથી નિર્માણ કર્યો છે ? તેમ છતાં તે ખુલ્લમ
ખુલ્લા ઝગડાખોર બન્યો છે.”
“અને અમારી સાથે તે અન્ય વસ્તુની સરખામણી કરે છે. અને પોતાની ઉત્પતિ ભૂલી ગયો છે. કોણ
જીવતા કરશે એ શરીરને જે સડી ગયા છે.”
“અને જેણે આકાશ અને પૃથ્વીનું નિર્માણ કર્યું, જે સર્વસૃષ્ટા છે. સર્વજ્ઞ છે.”
“જયારે એ કોઈ વસ્તુનો સંકલ્પ કરે છે, ત્યારે કહે છે “થઇ જા” અને તે થઇ જાય છે.”
“આકાશ અને પૃથ્વીનું રાજ્ય અલ્લાહનું છે. એ ચાહે તે નિર્માણ કરે છે. ચાહે તેને પુત્ર આપે છે, ચાહે
તેને પુત્રી આપે છે. અથવા તો બન્ને આપે છે. અને ચાહે તેને નિઃસંતાન રાખે છે. નિઃસંદેહ એ જ્ઞાતા છે,
સમર્થ છે.”
કુરાને શરીફની એક આયાતમાં કહ્યું છે,
“જે માનવી પોતાના હદયમાં ખુદાને સ્થાન નથી આપતો, તેના હદયનો કબજો શૈતાન લઇ લે છે.”
અને એટલે જ રહસ્યવાદ અને આધ્યાત્મિકવાદ તરફ આકર્ષિત માનવી ખુદાની નિકટતા કેળવવા
શૈતાનથી પોતાના હદયને દૂર રાખવા પ્રયત્ન કરે છે. ખુદા દરેકની આસપાસ છે. તે દરેકના
હદયમાં વસે છે. અને એ જ પુરા બ્રહ્માંડનો સર્જક છે. આ અહેસાસ જ માનવીને “વહદત ઉલ વજૂદ”ના
દીદાર કરાવે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ લોકો, પોતાના ખુદાનો ડર રાખો, જેણે તમને એક બુંદમાથી પૈદા કર્યા છે.”
એ જ રીતે ખુદા કે ઈશ્વર કોઈ એક ધર્મ કે જાતીનો જ નથી. તે તો સમગ્ર માનવજાતનો સર્જક અને રક્ષક છે. કુરાન-એ -શરીફની એક આયાતમાં કહ્યું છે,
” રબ્બીલ આલમીન ” અર્થાત “સમગ્ર માનવજાતના અલ્લાહ”
કુરાન-એ-શરીફમાં ક્યાંય “રબ્બીલ મુસ્લિમ” અર્થાત “મુસ્લિમોના અલ્લાહ” કહ્યું નથી.
અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે. અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,
“અલ્લાહ એક શબ્દ નથી. એ ઈમાન છે. એ એક વચન નથી. બહુવચન છે. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ
વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે.”
કુરાન-એ-શરીફમાં આગળ કહ્યું છે,
“અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી ”
અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિ, ધર્મ કે રંગભેદને સ્થાન નથી.
અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે. અલ્લાહથી ડરનાર, તેની ઈબાદતમાં
રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.
ટૂંકમાં “વહદત ઉલ વજૂદ” અર્થાત અલ્લાહ ઈશ્વર સર્વ શક્તિમાન છે. અને તે સમગ્ર માનવજાતના છે.

1 Comment

Filed under Uncategorized

કુરાન-સાર : વિનોબા ભાવે : ડૉ. મહેબૂબ દેસાઈ

આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,
“આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?”
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,
“આધ્યાત્મ એટલે
૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા
૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ.”
વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમા આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. કુરાને શરીફ ના ઊંડાણ પૂર્વકના અભ્યાસ પછી વિનોબાજીએ “કુરાનસાર” નામક એક પુસ્તક લખ્યું હતું. આજે એ નાનકડા પુસ્તક “કુરાનસાર”ની વાત કરવી છે. “રાહે રોશન”ના અનેક ગેરમુસ્લિમ વાચકો વારંવાર કુરાન વાંચવા કે તેનું અધ્યન કરવા કોઈ ગુજરાતી પુસ્તક સૂચવવા કહે છે ત્યારે તેમને સૌ પ્રથમ વિનોબાજીનું “કુરાનસાર” પુસ્તક એકવાર વાંચવાની અવશ્ય ભલામણ કરું છું. એવા વૈચારિક અને ભાષાકીય સરળતા અને સુંદરતાથી શણગારેલા નાનકડા પુસ્તકની આજે વાત કરવી છે. આ પુસ્તક અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં પ્રસિદ્ધ થયેલા છે. તેની પ્રસ્તાવનામાં વિનોબા જી લખે છે,
“વરસોથી ભૂદાન નિમિતે મારી પદયાત્રા ચાલી રહી છે, જેનો એકમાત્ર ઉદેશ દિલોને જોડવાનો રહ્યો છે. બલકે મારી જિંદગીના બઘા કામો દિલોને જોડવાના એકમાત્ર ઉદેશથી પ્રેરિત છે. આં પુસ્તકના પ્રકાશન પાછળ એ જ પ્રેરણા છે. હું આશા રાખું છું કે પરમાત્માની કૃપાથી તે સફળ થશે.”
પુસ્તકના મરાઠી સંસ્કરણની પ્રસ્તાવનાના આરંભમાં જ વિનોબા જી લખે છે,
“એક બાજુ પાકિસ્તાન યાત્રાની અમારી તૈયારી ચાલી રહી હતી. ત્યારે બીજી બાજુ કાશીમાં “કુરાન-સાર”ની અંગ્રેજી આવૃત્તિ મુદ્રણ મુક્ત થઇને પ્રકાશન માર્ગે હતી. છાપાઓમાં તેના સમાચાર આપવામાં આવ્યા. તેટલા પરથી કરાંચીના છાપાઓએ કલકલાટ મચાવી મુકાયો. બીજે પણ તેના અનુકૂળ પ્રતિકુળ પ્રત્યાઘાત ઉઠયા. ગ્રંથ પ્રકાશિત થાય તે પહેલા જ તેનું દુનિયાભરમાં પ્રકાશન થયું. આમારા આશાદેવી કહે છે, અમેરિકાની રૂઢ ભાષામાં કહેવું હોય તો “કુરાન-સાર”નો દસ લાખ ડોલર પ્રચાર થયો. તે આ વિશ્રુત ગ્રંથ હવે મરાઠીમાં પ્રકશિત થઇ રહ્યો છે.”
આવા અદભૂદ ગ્રંથ “કુરાન-સાર”માં કુરાને શરીફની મુલ્ય નિષ્ઠ આયાતોનું સરળ ગુજરાતીમાં અનુવાદ વિનીબાજીએ સુંદર રીતે કર્યું છે. કુરાને શરીફના ત્રીસ પ્રકરણો અને નેવું વિષયોને આવરી લેતા આ નાનકડા ગ્રંથના પ્રથમ પ્રકરણનું નામ છે “મંગલાચરણ” સૂરા “અલ ફાતિહા”નું ગુજરાતી કરતા લખ્યું છે,
૧. પ્રારંભ કરું છું પરમાત્માના નામથી, જે પરમ કૃપાળુ, અતિ કરુણાવાન છે.
૨. પ્રત્યેક સ્તુતિ પરમાત્માને માટે જ છે, જે સમસ્ત સંસારનો પાલનહાર છે.
૩. પરમ કૃપાળુ, અતિ ગુણવાન.
૪. અંતિમ દિનનો માલિક.
૫. (હે પરમાત્મા ) તારી જ અમે ભક્તિ કરીએ છીએ અને તારી પાસે જ યાચના કરીએ છીએ.
૬. અમને સીધો રસ્તો બતાવ.
૭. રસ્તો એ લોકોનો, જેમના ઉપર તે દયા કરી છે, ન કે એમનો જેમના ઉપર તારો પ્રકોપ થયો, તેમ જ ન એમનો જેઓ ભ્રમિત થયા.”
ગ્રંથના અન્ય પ્રકરણો વિવિધ વિષયો પર આધારિત છે. કુરાને શરીફમાં ઈશ્વર, જ્ઞાન, દયા, ભક્તિ, નામસ્મરણ, પ્રાર્થના, ધર્મ, અહિંસા, બ્રહ્મચર્ય, માનવતા, વાકશુદ્ધિ, આસ્વાદ, સુધ્ધ જીવિકા, શિષ્ટાચાર, સત્ય, મહંમદ પયગંબર, તત્વજ્ઞાન, કર્મ વિપાક વિષયક વિચારોને અત્રે તારવીને તેનું શુદ્ધ ગુજરાતી અત્રે આપવામાં આવેલ છે. જેમ કે શિષ્ટાચાર વિષયક પ્રકરણમાં સભા વ્યવસ્થા અંગે કુરાને શરીફની એક આયાતનું ગુજરાતી કરતા લખવામાં આવ્યું છે,
“હે શ્ર્ધ્ધવાનો ! જયારે તમને કહેવામાં આવે છે કે સભામાં જગ્યા બીજા માટે કરી આપો દો તો જગ્યા કરી આપો. ઈશ્વર તમારા માટે મોકળાશ કરી દેશે, અને જયારે તમને ઉઠવાને માટે કહેવામાં આવે, ત્યારે ઉઠી જાવ. તમારામાંથી જે શ્રધ્ધા રાખે છે તથા જ્ઞાન રાખે છે, પરમાત્મા એમની શ્રેણી ઉચ્ચ કરી દેશે. જે કાંઈ તમે કરો છો, તેનાથી ઈશ્વર જાણકાર છે.”
માનવતા વિષયક પ્રકરણમાં વિશિષ્ટ વાણી મથાળા નીચે લખવામાં આવ્યું છે,
“અને ઈશ્વરે આદમને બધી વસ્તુઓના નામ શીખવી દીધા, પછી એ વસ્તુઓને સન્મુખ પ્રસ્તુત કરી અને કહ્યું, જો તમે સાચા જ્ઞાની હો તો આના નામ બતાવો.”
ટૂંકમાં કુરાને શરીફના અર્કને સરળ ભાષામાં પામવા ઈચ્છતા દરેક માનવીએ આ નાનકડા ગ્રંથનું એકવાર તો આચમન કરવું જ રહ્યું.

Leave a comment

Filed under Uncategorized

યુગ પુરુષ હઝરત અલી (અ.સ.) : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત અલીના ઇસ્લામના ચોથા ખલીફા હતા. તેમણે ઈ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી ઇસ્લામિક સામ્રાજ્ય પર ખલીફા તરીકે શાસન કર્યું હતું. ઇસ્લામી શિયા સંપ્રદાય અનુસાર તેમણે ઇ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી પ્રથમ ઈમામ તરીકે કાર્ય કર્યું હતું. ૮ માર્ચના રોજ આવતા તેમના જન્મદિવસની ઉજવણી ભારત અને વિદેશોમાં ભવ્ય રીતે થાય છે. ઇસ્લામી ઇતિહાસમાં હઝરત અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ. ઈમાન, અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા પણ હતા. હિજરી સન નવમાં મહંમદ સાહેબે તાબુક પર ચડાઈ કરી ત્યારે હઝરત અલીને યુધ્ધમાં સાથે લેવાને બદલે તેમને કુટુંબ અને કબીલાની સંભાળ રાખવા રાખ્યા. પરિણામે કેટલાક લોકોએ હઝરત અલીને ટોણા માર્યા કે,
“પયગમ્બર સાહેબ તમારામાં કઈ કુવત જોવે તો યુધ્ધમાં સાથે લઇ જાય ને ?”
આથી હઝરત અલી મહંમદ સાહેબ સાથે યુધ્ધમાં જવા તૈયાર થઇ ગયા.પણ મહંમદસાહેબે તેમને અટકાવતા કહ્યું,
“તુ તો મારો હારુન છે. ફરક એટલો જ છે કે મુસા પછી હારુન પયગમ્બર થયા હતા. પણ હું આખરી પયગમ્બર હોવાથી તું પયગમ્બર નહિ બની શકે”
૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા આપણી સાથે છે. ચાલો, તેમના જીવનમાં ઉતારવા લાયક થોડા સુવચનોને મમળાવીએ.
“જ્યારે દુનિયાનો માલ-દોલત તારી પાસે આવે ત્યારે તું તે તમામ દોલત જરૂરતમંદ લોકોમાં ઉદારતાથી ખર્ચ, કારણ કે દોલત તો ચંચળ છે, અસ્થિર છે. જે આજે તારી પાસે છે કાલે બીજા પાસે હશે”
“ઇન્સાનની સંપતિની વિપુલતા તેના દોષોને ઢાંકી દે છે. તે જુઠો હોવા છતાં તે જે કઈ કહે તે સૌ સાચું માને છે”
“વસ્ત્રોના શણગારથી તારી ખુબસુરતી કે સૌંદર્ય વધવાના નથી. પરંતુ સાચું સૌંદર્ય તો ઇલ્મ (જ્ઞાન) અને ઉચ્ચ અખ્લાસ (સદાચાર) વડે દીપે છે”
“અજ્ઞાનતાને કારણે ઉચ્ચ કુળ અને ખાનદાન માટે અભિમાન કરનાર એ ઇન્સાન, લોકો બધા એક જ માબાપથી જન્મ્યા છે”
“તું ચાહે તેનો પુત્ર બન. પણ ઉચ્ચ અખલાક હાંસલ કર, કારણ કે તે એ વસ્તુ છે જે અપનાવ્યા પછી તને ખાનદાનના નામની જરૂર નહિ રહે”
“જો તું એમ ઈચ્છતો હોઈ કે તારો મિત્ર તારાથી કંટાળી જાય, તો એને રોજ મળતો રહેજે. પરંતુ જો દોસ્તી વધારે મજબુત કરવાની ખ્વાહિશ હોય તો એકાદ દિવસને આંતરે તેને મળતો રહેજે”
હઝરત અલી(ર.અ.)ના ઉપદેશાત્મક વિધાનોમાં કડવી સત્યતા અને જીવન માર્ગને સંવારવાની ચાવી ડોકયા કરે છે.
“દુનિયાથી વફાદારીની ઉમ્મીદ રાખનારો એવો છે, જે ઝાંઝવાના જળથી મૃગજળની આશા રાખે છે”
“ફક્ત ઇલ્મ (જ્ઞાન) ધરાવનાર લોકો જ શ્રેષ્ટ છે. કારણ કે હિદાયત લેનારાઓને તેઓ સાચો માર્ગ ચીંધે છે”
“જાહિલ લોકોનો સંગ તું કદાપી ન કરીશ. બલકે હંમેશા તેનાથી દૂર રહેજે, ડરતો રહેજે”
“દરેક જખ્મ (ઘાવ) માટે કોઈને કોઈ ઈલાજ મળી રહે છે. પણ દુરાચાર જેવા જખ્મ માટે કોઈ ઈલાજ નથી”
અત્યંત જ્ઞાની હઝરત અલીને તેમના રાહબર મહંમદ સાહેબ(સ.અ.વ.)એ જીવનની અંતિમ પળોમા ઉપદેશ આપતા ફરમાવ્યું હતું,
“ખુદાના વાસ્તે બાંદીઓ અને ગુલામોના હક્કોનો પુરતો ખ્યાલ રાખજો. એમને પેટ ભરીને ખાવાનું આપજો.સારા વસ્ત્રો પહેરા આપજો. અને તેમની સાથે હંમેશ નરમી અને સ્નેહપૂર્વક વ્યવહાર કરજો”

મહંમદ સાહેબના આવા પ્રખર અનુયાયી હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાં હદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે.ખ્વારીજ અબ્દ-અલ-રહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. એ યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,
“જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તો, હઝરત અલીનું માથું લાવીને મને આપ”
આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની એ મસ્જિતમા આવી સંતાયા, જ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા. એ દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢવા મસ્જીદના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. હઝરત અલી ગંભીર રીતે ઘવાયા. આ ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં જ મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા પણ અફસોસ ન હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,
“ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી ન કરશો. જો મારું અવસાન થાય તો, ઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન ન કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે”
અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા આપણી સાથે છે.

1 Comment

Filed under Uncategorized

“હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” અદભૂત ગ્રંથ : ડૉ. મહેબૂબ દેસાઈ

સિરાજ ના પ્રખ્યાત ફારસી કવિ હાફેજ ફરમાવે છે,
“હંમેશા શિખામણ ધ્યાનથી સાંભળ કેમકે ભાગ્યશાળી યુવાનો ડાહ્યા વૃદ્ધાની શિખામણ પોતાના જીવ કરતા પણ વહાલી ગણે છે.”
આ વિધાન આજથી ૯૫ વર્ષ પહેલા ૧૯૨૫ પ્રસિદ્ધ થયેલ “હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો”નામક ગ્રંથના આરંભમાં આપવામાં આવેલ છે. જે ગ્રંથની મહત્તા વ્યક્ત કરે છે. ગ્રંથમાં બે બોલ લખનાર એક હિંદુ સજ્જન મેં.પા. માદાન લખે છે,
“હઝરત અલી જેવા મહાન પુરુષના બોધ વચનો વિષે મારા જેવા ગયર ઇસ્લામી ઇસ્લામી આલમને કઈ પણ કહેવાનો દાવો કરે તે લુહારવાડે સોઈ વેચવા જવા બરાબર ગણાશે. હઝરત અલી એકલા જ ઇસ્લામના જ નહિ પણ દુનિયાના મહાન પુરુષ હતા. તેમણે ઇસ્લામ દ્વારા આખી દુનિયાની સેવા કરી છે.”
ઇસ્લામના ચોથા ખલીફા અને હઝરત મહંમદ સાહેબના જમાઈ હઝરત અલીના બોધ વચનો સંગ્રહ ૧૯૨૫માં “હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” ના નામે પ્રસિદ્ધ થયો હતો. અલબત્ત એ અસલ ગ્રંથતો આજે ઉપલબ્ધ નથી. પણ તેની ઝેરોક્ષ નકલ મારા પુસ્તકાલયમાં સંગ્રાહેલી છે. ૮ માર્ચના રોજ હઝરત અલીના આવી રહેલ જન્મદિવસ નિમિત્તે એ સંગ્રહના થોડા બોધ વચનોની આજે વાત કરીએ.
એકવાર હઝરત મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું હતું,
‘હું ઇસ્લામનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. જેમ શહેરમાં દાખલ થવા માટે દરવાજામાંથી પસાર થવું પડે છે, તેમ ઇસ્લામની આધ્યાત્મિક વિદ્યા સંપાદિત કરવા દરેકે હઝરત અલીનો વસીલો લેવો પડશે.”
“હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” ગ્રંથમાં હઝરત અલીના ૭૭૫૦ બોધ વચનો સંપાદિત છે. આ ગ્રંથ મૂળભૂત રીતે અરબી ભાષામાં લખાયેલો હતો. તેનો ગુજરાતી અનુવાદ સૈયદ સદરુદ્દીન દ્વારા કરવામાં આવેલ છે. લગભગ ૫૦૦ પૃષ્ઠ અને ૯૧ પ્રકરણોમાં પથરાયેલ આ ગ્રંથમાં દરેક વિષય ઉપર હઝરત અલીના બોધ વચનો જોવા મળે છે. ગ્રંથના આરંભમાં ગ્રંથ વિષેના કેટલાક અભિપ્રયો પણ ગ્રંથની વિશિષ્ટ વ્યક્ત કરે છે.
આજે એ થોડા બોધ વચનો ને માણીએ.
“સત્ય એક સારો વસીલો છે અને ક્ષમા એક ઉત્તમ માર્ગ છે.”
“વાયદો પૂરો કરવો એ મોટા ગુણ છે અને શુદ્ધ મિત્રતા ઉત્તમ સંબંધ છે”
“નમ્રતાથી માણસની આબરુ વધે છે અને અહંકારથી ઘટે છે.”
“અકલમંદી સૌંદર્ય છે અને મૂર્ખતા એ દૂષણ છે”
“ઇન્દ્રિયોની વાસનાઓ નઠારા કામો તરફ ઉશ્કેરે છે અને દુનિયાની આસક્તિ ખુદાની યાદ ભુલાવે છે.”
“દુર્ગુણી માણસ છડેચોક નિર્લજપણું કરે છે.”
“દાન, આફત અને દુઃખ મટાડવાનું સાધન છે.”
“ઉપકાર માનવો એ ઉપકાર કરવા કરતા ઉત્તમ છે.”
“બુદ્ધિમાન તે છે જે પોતાની ઈચ્છાઓની લગામ પોતાના હાથમાં રાખે છે અને દાની તે છે જે પોતાની ઈચ્છા ઉપર વિજય મેળવે છે.”
“નમાજ ખુદાનો મજબૂત કિલ્લો છે અને શૈતાનને ફજેત કરવાનું સાધન છે.”
“નમાઝ ખુદાની રહેમત (કૃપા) ઉતરવાની સીડી છે.”
“જે વધારે ઉદાર છે તે વધારે બહાદુર છે અને જે વધારે શરમદાર છે તે વધારે બુદ્ધિશાળી છે.”
“સૌથી વધારે ખરાબ આત્મશ્લાઘા છે અને સૌથી ઉત્તમ વિગ્રહ પોતાના મન સાથે કરવામાં આવે તે છે.”
“દુઃખ સમયે જે ધૈર્ય રાખે છે તે ઉત્તમ માનવી છે.”
“કુટેવો બદલવી એ સૌથી મોટી સિદ્ધિ છે અને સ્વાદને ત્યજવો સૌથી મોટી ભક્તિ છે.”
“જે માણસ દુનિયા વિષે સારી ધારણા રાખે છે તે ભારે મુસીબતમાં પડે છે.”
“જે માણસ મૌતને યાદ રાખે છે તે દુનિયાની થોડી નેમતોથી પણ સંતોષ માને છે.”
“જે માણસ પરોપકાર કરે છે તેને માટે બધા માર્ગો સરળ બની જાય છે.
“જે માનવી ખુદાને હંમેશા યાદ કરે છે, ખુદા તેના દિલને જીવંત અને બુદ્ધિની પ્રકાશિત રાખે છે.”
“હે નેકી (સદ્કાર્ય) કરનારાઓ તમારી નેકીનો દેખાડો ન કરો, જાહેર કરેલી નેકી નેકી નથી રહેતી.”
“હે આદમની ઔલાદ જયારે તને ખુદાની બક્ષિશો નિરંતર મળ્યા કરે છે, ત્યારે તેની નાફરમાનીથી બચ અને તેની સુરક્ષા કર.”
“વિદ્યા રાજા છે. અને ધન રૈયત છે. વિદ્યા ખુદા તરફ જવાનો માર્ગ દેખાડે છે. અને ઈબાદત ખુદા તરફ જવાનો રસ્તો સહેલો કરે છે.”
“માલ અને ઔલાદ દુનિયાની ઝીંદગીનો શણગાર છે. સદકાર્યો પરલોકની ખેતી છે.”
“સત્ય આચરણ, વિશ્વાસ, પરહેજગારી, ધૈર્ય, અને ખુદની મરજી પર ખુશ રહેવું એનું નામ ઈમાન”
“ક્રોધને પી જા જેથી સહનશીલતામાં વૃદ્ધિ થશે.”
“જેમણે ઘણી દોલત એકઠી કરી, પોતાની આસપાસ સુરક્ષા કવચ રાખ્યું અને ચિરંજીવી બની રહેવાના ભૂલભર્યા સપના જોયા એ લોકો ક્યાં છે ?”
આવા ગ્રંથો આપણી સાંસ્કૃતિક ધરોહર છે. જેનું જતન અને આચરણ સામાજિક સંવર્ધન માટે આજે પણ અનિવાર્ય છે અને રહેશે.

1 Comment

Filed under Uncategorized