Monthly Archives: August 2015

આબે ઝમઝમ અને સફા-મરવહને ઓળખો : ડો. મહેબૂબ દેસાઈ

હજ યાત્રાનો માહોલ જામ્યો છે. હજ યાત્રાએ જનાર હાજીઓ હજ યાત્રાની તાલીમ લે છે. અને હજ યાત્રાના નિયમો અને તેની પાબંદીઓથી પરિચિત થાય છે. પણ એ સાથે હજ યાત્રામાં જનાર હજીઓએ ‘આબે ઝમઝમ’ અને સફા-મરવહ નામક પહાડીનું ઐતિહાસિક મહત્વ પણ જાણવું જોઈ.

‘આબે ઝમઝમ’ની ઉત્પત્તિનો નાનકડો ઇતિહાસ જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હજરત હાજરા અને પુત્ર હજરત ઇસ્માઇલ (અ.સ.)ને ઉજજડ વેરાન રણપ્રદેશ ‘તિહામહ’માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ ઉજજડ વેરાન રણપ્રદેશમાં ન માણસ છે કે ન કોઈ પ્રાણી. દૂરદૂર સુધી જીવન નિર્વાહ માટે પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. માત્ર બે ટેકરીઓ ઉજ્જડ રણમા દેખાતી હતી. જેનું નામ હતું સફા અને મરવહ. આવા ઉજ્જડ પ્રદેશને નિરાશ ચહેરે હજરત હાજરા થોડી પળો તો તાકી રહે છે. પછી પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સફા અને મરવહ નામની ટેકરીઓ વચ્ચે પાણીની શોધમાં દોડવા માંડે છે. એ દોડમા તેઓ બંને ટેકરીઓ વચ્ચે સાત ચક્કર મારે છે. પણ ઉજજડ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવજાત કે પાણીનો એક છાંટો પણ જોવા મળતો નથી. અંતે થાકીને હજરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ઉભા રહે છે. ત્યારે એકાએક તેમને કંઇ અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે. અને પોતાના નવજાત પુત્ર હજરત ઇસ્માઇલ પાસે એક માનવી ઉભેલો તેમને દેખાય છે. દોડતા હજરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઇલને જોઇને તેઓ શાંતિ અનુભવે છે. ખુદાના ફરિશ્તા હજરત જિબ્રાઇલે ઉજજડ રણપ્રદેશમાં અન્ન અને જળ શોધવામાં બેબાકળા બનેલા હજરત હાજરા સામે એક નજર કરે છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાના પગની એડી જમીન પર મારે છે અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળે છે. આ એ જ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ.

આ ઘટનાની સ્મૃતિ રૂપે જ હજયાત્રાએ જનાર હાજીઓને ફરજિયાત સફા અને મરવહ ટેકરીઓ વરચે સાત ચક્કર મારે છે. હજની ક્રિયાનો તે અહેમ ભાગ છે. જો કે આજે તો સફા અને મરવહ વરચેનું અંતર આધુનિક સાધનોથી સજજ છે. બંને પહાડીઓ વચ્ચેનું અંતર સંગેમરમરના પથ્થરોથી મઢી દેવામાં આવ્યું છે. વળી તે આખો વિસ્તાર સંપૂર્ણ વાતાનુકુલ બનાવી દેવામાં આવ્યો છે. હાજીઓની સગવડતા માટે બંને ટેકરીઓની વચ્ચે ઠેર ઠેર ઠંડા પાણીના જગો મુકવામાં આવેલ છે. બંને પહાડીઓ વચ્ચેનું અંતર ન ચાલી શકનાર હાજીઓ સાત ચક્કર મારી આસાનીથી પૂર્ણ કરે તેમ માટે ખાસ વ્હીલ ચેરનો માર્ગ પણ બનાવવામાં આવેલ છે. ટુંકમાં બંને પહાડીઓ વચ્ચેની ભવ્યતા જન્નત જેવી ભાસે છે.

પરિણામે આજે તો ‘આબે ઝમઝમ’ને કારણે ‘તિહમહ’ જેવો ઉજજડ-વેરાન પ્રદેશ સુંદર મક્કા શહેર બન્યો છે.

હજરત મહંમદ પયગંબર (સ.અ.વ) એ આબે ઝમઝમ અંગે ફરમાવ્યું છે.

ઝમઝમનું પાણી જે ઇરછાથી પીશો તે ઇરછા પૂર્ણ થશે. તરસ છિપાવવા પીશો તો પ્યાસ બૂઝશે. ભૂખ મિટાવવા પીશો તો પેટ ભરાઇ જશે અને બીમારી દૂર કરવા પીશો તો બીમારી અવશ્ય દૂર થશે.”

અને એટલે જ લાખો કરોડો હાજીઓ મોટા મોટા કેરબામા તે ભરી પોતાના દેશ લઇ જાય છે. અને ત્યાં ન્યાઝ (પ્રસાદ) રૂપે સૌને આપે છે. હજજ યાત્રાએ જતા મુસ્લિમો માટે ઝમઝમના જળની કેટલીક નોંધવા બાબતો જાણવી જોઈએ. ઝમઝમના પાણીનું આઘ્યાત્મિક જેટલું મહત્ત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. ઝમઝમના પાણીમાં રહેલા વૈજ્ઞાનિક તત્વોની તપાસ મિસરના એક વૈજ્ઞાનિકે થોડાં વર્ષો પહેલાં કરી હતી. તેની તપાસનું તારણ ઝમઝમ પ્રત્યે આસ્થા રાખનારા સૌએ જાણવા જેવું છે. ઝમઝમના પાણીની વૈજ્ઞાનિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેમાં સાત તત્વો રહેલાં છે.

૧. મેગ્નેશિયમ સલ્ફેટ ૨. સોડિયમ સલ્ફેટ ૩. સોડિયમ કલોરાઇડ ૪. કેલ્શિયમ કાર્બોનેટ ૫. પોટેશિયમ કાર્બોનેટ ૬. હાઇડ્રોજન ગેસ ૭. સલ્ફર (ગંધક).

ઝમઝમના પાણીમાં રહેલાં આ સાતેય તત્ત્વો માનવશરીર માટે ઉપયોગી છે. જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ શરીરની ગરમી દૂર કરે છે. એ જલંદરની બીમારી માટે અસરકારક છે. સતત ઉલટી થતી હોય અને માથું ફરતું હોય તેને માટે તે અકસીર છે.

સોડિયમ સલ્ફેટ કબજિયાત દૂર કરે છે. શરીરના સાંધાના દુ:ખાવા, ડાયાબિટીસ અને પથરીના રોગ માટે તે ફાયદાકારક છે. સોડિયમ કલોરાઇડ લોહી શુદ્ધ કરી શરીરની નકામી ગરમી, પાચન બરાબર ન થતું હોય, આંતરડાં અને પેટની બીમારી વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરના અવયવોની નબળાઈ પણ એ દૂર કરે છે અને ધુમાડાના ઝેરની અસરને તે દૂર કરે છે.

કેલ્શિયમ કાર્બોનેટ પાચન, પેશાબની સફાઇ, કિડનીની બીમારી માટે અસરકારક છે. ગરમી, જલન અને લૂની અસરને તે દૂર કરે છે. પોટેશિયમ કાર્બોનેટ લૂની વધુ પડતી અસર, બળતરા, થાક, દમની બીમારી માટે અકસીર છે. ઝમઝમના પાણીની અસાધારણ ઠંડક માટે આ તત્ત્વ જવાબદાર છે. તેનાથી પેશાબ છૂટથી આવે છે અને હાઇડ્રોજન ગેસ ચામડીના રોગો, શરદી, કોલેરા, હરસ-મસા અને સાંધાનાં દર્દોમાટે ખૂબ જ અસરકારક છે. તેનાથી ભૂખ સારી લાગે છે અને તે જંતુનાશક છે.

ઝમઝમના પાણીનું આ વૈજ્ઞાનિક પૃથક્કરણ એ બાબત સૂચવે છે કે ઝમઝમનું પાણી માત્ર આસ્થા નથી, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. એટલે જ હાજીસાહેબો મક્કાથી બીજું કંઇ લાવે કે ન લાવે પણ ઝમઝમનું પાણી અવશ્ય લાવે છે, જે આસ્થા અને સ્વાસ્થ માટેનું ઉમદા પ્રતીક છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામમાં મહેમાન નવાઝી : ડો. મહેબૂબ દેસાઈ

ત્રણ માસની વિદેશ સફરને પૂર્ણ કરીને આવ્યા પછી મને મહેમાન તરીકે રાખનાર સૌ હિંદુ મુસ્લિમ વડીલો અને મિત્રોની મહેમાન નવાઝી મને વારંવાર યાદ આવી જાય છે. “મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ” એવું હસરત જયપુરીનું એક ગીત રાજ કપૂરની એક ફિલ્મ”જિસ દેશમે ગંગા બહેતી હૈ”માં મુકેશના કંઠે સાંભળ્યું હતું. જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મના “અતિથી દેવો ભવ:” ના સંસ્કારોને અભિવ્યકત કરવામાં આવ્યા હતા. ઇસ્લામની એક હદીસમાં આ અંગે સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે,

“હઝરત અબુ તલ્હા અને તેની પત્ની ઉમ્મ સુલેમ અત્યંત ગરીબ હતા.એક દિવસ હઝરત અબુ તલ્હા એક ગરીબ ભૂખ્યા પ્રવાસીને મહેમાન બનાવી ઘરે લાવ્યા. અને પત્નીને તેમણે ભોજન પીરસવા કહ્યું. પત્નીએ પતિના કાનમાં કહ્યું,”ઘરમાં આપના પૂરતું જ ભોજન છે”

હઝરત અબુ તલ્હાએ પત્નીને કહ્યું,

“ઘરના બધા દીવાઓ ઓલવી નાખો. એક માત્ર મોમબત્તી ચાલુ રાખો. અને મારા માટે જે ભોજન બચાવીને આપે રાખ્યું છે, તે મહેમાનને જમવા આપો. હું અંધારમાં તેમની સાથે ભોજન કરી રહ્યાનો દેખાવ કરીશ.” હઝરત હઝરત અબુ તલ્હાની આ ઘટનાના બીજા જ દિવસે મહંમદ સાહેબે  હઝરત હઝરત અબુ તલ્હાને કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું હતું,

“તમારી ગરીબી છતાં મહેમાનને હંમેશા પ્રથમ ભોજન આપો”  ઇસ્લામની મહેમાન નવાઝીનું આ ઉમદા દ્રષ્ટાન છે.

બુખારી શરીફની એક હદીસમાં મહંમદ સાહેબનું એક અવતરણ ટાંકતા કહેવામાં આવ્યું છે,

“જે લોકો ખુદા અને તેના અંતિમ ન્યાય પર વિશ્વાસ રાખે છે, તેમણે તેમના મહેમાનોનો અવશ્ય સત્કાર કરવો જોઈએ”

મહંમદ સાહેબે એ પણ ફરમાવ્યું છે કે.

“અને મહેમાન નવાઝી (સત્કાર) ત્રણ દિવસ માટે હોય છે. એ પછી યજમાન જે કઈ મહેમાન માટે કરશે તે તેના માટે સદકા સમાન છે”

અત્રે સત્કારનો અર્થ સંપૂર્ણ મહેમાન નવાઝી થાય છે. જેમાં મહેમાનનું સન્માન, આરામ, સુકુન, ખુશી અને લાગણીઓની કદર કરી તેની તકેદારી રાખવાનો ભાવ છે.મહેમન સાથે ખૂલ્લ દિલે અને ખુલ્લા મને મળવું, હસી ખુશી તેનું દિલ બહેલાવવું, તેના રહેવા અને ભોજનની યથા શક્તિવ્યવસ્થા કરવી. મહેમાન એ ભાવ અને પ્રેમનો ભૂખ્યો હોય છે. યજમાનના ઘરનું રુખું સુકું અથવા સાદું ભોજન પણ તેના માટે પકવાન સમાન હોય છે.હઝરત મહંમદ સાહેબના ઘરે કોઈ મહેમાન આવતો તો તેઓ ખુદ તેની ખિદમતમાં લાગી જતા. મહંમદ સાહેબ પોતાના મહેમાનને ભોજન માટે દસ્તરખાન પર બેસાડતા ત્યારે મહેમાનને વારંવાર આગ્રહ કરતા,

“થોડું વધારે લો, થોડું વધારે લો” અને જયારે મહેમાન તૃપ્ત થઇ જતા ત્યારે આગ્રહ કરવાનું બંધ કરતા.

ઇસ્લામમાં મહેમાનના આગમન સમયે કરવાના વ્યવહાર કે વિવેકનો પણ ઉલ્લેખ છે. મહેમાનનું આગમન આપણા ઘરે થાય ત્યારે સૌ પ્રથમ તેની સાથે દુવા સલામ કરો. તેની ખેરિયત ના સમાચાર પૂછો. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

” શું આપને ઈબ્રાહિમના ઇજ્જતદાર મહેમાનોની વાત ખબર છે ? જયારે તેમના ઘરે મહેમાન આવતા ત્યારે તેઓ સૌ પ્રથમ તેમને સલામ પેશ કરતા”

મહેમાનોના સત્કારનો મામલો યજમાન માટે પોતાની ઈજ્જત વધારવા જેવો છે.મહેમાન સમક્ષ જે કઈ ઉત્તમ ભોજન, રહેણાંક અને સગવડત યજમાન પાસે ઉપલબ્ધ હોય તે પેશ કરવાનો ઇસ્લામમાં આદેશ છે. પણ મહેમાનનો સત્કાર દેખાડો કરીને કે તેને સત્કારનો અહેસાસ કરવાની કયારેય ન કરો. મહંમદ સાહેબે મહેમાન નવાઝીની જે આદર્શ મિશાલ પેશ કરી હતી, તેનો ઉલ્લેખ કરતા અબૂ શુરેહ ફરમાવે છે,

“મારી બંને આંખોએ જોયું છે,અને બંને કાનોએ સંભાળ્યું છે કે જયારે નબી સાહેબ કહેતા હતા કે મહેમાનના ઉત્તમ સત્કારનો બદલો યજમાનને ખુદાતાલા પ્રથમ રાત્રે જ  આપી દે છે”

અર્થાત મહેમાન નવાઝીનું પુણ્ય ખુદા યજમાનને તુરત આપે છે. મહેમાન નવાઝી ખુદ કરવા પર પણ ઇસ્લામમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મહેમાન નવાઝી નોકર ચાકરો પર ન છોડો. મહેમાનની ખિદમત યજમાને ખુદ કરવી જોઈએ. ત્યારે જ યજમાન મહેમાન નવાઝીના સાચા સવાબ (પુણ્ય) ને હક્કદાર બને છે. એકવાર હઝરત ઈમામ શાફાઈ હઝરત ઈમામ મલિકના ત્યાં મહેમાન બનીને ગયા. બંને ઇસ્લામના મોટા જ્ઞાતા હતા. સવારે ફજરની નમાઝનો સમય થયો. એટલે હાથમાં પાણી ભરેલો વઝું કરવાનો લોટો લઇ, હઝરત ઈમામ શાફાઈના રૂમનો ધીમેથી દરવાજો ખખડાવતા હઝરત ઈમામ મલિકે કહ્યું,

“આપ પર હંમેશ ખુદાની રહેમત રહે, નમાઝનો સમય થઇ ગયો છે, આપ વઝું કરી લો” હાથમાં લોટા સાથે હઝરત હઝરત ઈમામ મલિકને દરવાજે ઉભેલા જોઈ, હઝરત ઈમામ શાફાઈ શરમાઈ ગયા. તેમની શરમને પામી જતા હઝરત ઈમામ મલિક બોલ્યા,

“આપ અન્ય કોઈ વિચાર ન કરો. મહેમાનની ખિદમત કરવી એ જ ઇસ્લામિક તહેજીબ છે”

યજમાન માટે એક અન્ય આદેશ પણ ઇસ્લામની તહેજીબને વ્યક્ત કરે છે. ભોજનના દસ્તારખાન પર પહોંચતા પહેલા યજમાને સૌ પ્રથમ હાથ ધોઈને પહોંચી જવું જોઈએ. કારણ કે  ભોજનના દસ્તારખાન પર મહેમાનનું સ્વાગત કરવાની તેની ફરજ છે. જયારે ભોજન લીધા પછી યજમાને છેલ્લે હાથ ધોવા જોઈએ. અર્થાત મહેમાનના હાથ ધોવડાવ્યા પછી યજમાને હાથ ધોવા જોઈએ. તેમાં પણ મહેમાનની ઈજ્જત કરવાનો ભાવ રહેલો છે. ઇસ્લામમાં મહેમાન માટે પણ કેટલીક બાબતો કહેવામાં આવી છે. જેમ કે મહેમાન વિદાય વેળા એ યજમાન માટે દુઆ કરે. હઝરત મહંમદ સાહેબ એકવાર હઝરત અબ્દુલાહ બિન બીસ્રના પિતાના મહેમાન બન્યા હતા. ભોજન લીધા પછી, મહંમદ સાહેબ જયારે વિદાય લેવા ઉઠ્યા ત્યારે યજમાનની પત્નીએ મહંમદ સાહેબને અટકાવીને કહ્યું, “અમારા માટે દુવા કરતા જાવ.”

અને મહમંદ સાહેબે એક યજનામ ને છાજે તેવી દુવા કરતા કહ્યું,

“હે અલ્લાહ, તેમની રોઝીમાં બરકત આપજો. તેમને અતિમ ન્યાયના દિવસે મુક્તિ આપજો. અને તેમના પર હંમેશા આપની રહેમત (દયા) ઉતારતા રહેજો”

Leave a comment

Filed under Uncategorized

“મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યાર હોતા હો” : ડો. મહેબૂબ દેસાઈ

ત્રણ માસની વિદેશ સફરને પૂર્ણ કરીને આવ્યા પછી મને મહેમાન તરીકે રાખનાર સૌ હિંદુ મુસ્લિમ વડીલો અને મિત્રોની મહેમાન નવાઝી મને વારંવાર યાદ આવી જાય છે. “મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ” એવું હસરત જયપુરીનું એક ગીત રાજ કપૂરની એક ફિલ્મ”જિસ દેશમે ગંગા બહેતી હૈ”માં મુકેશના કંઠે સાંભળ્યું હતું. જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મના “અતિથી થી દેવો ભવ:” ના સંસ્કારોને અભિવ્યકત કરવામાં આવ્યા હતા. ઇસ્લામની એક હદીસમાં આ અંગે સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે,

“હઝરત અબુ તલ્હા અને તેની પત્ની ઉમ્મ સુલેમ અત્યંત ગરીબ હતા.એક દિવસ હઝરત અબુ તલ્હા એક ગરીબ ભૂખ્યા પ્રવાસીને મહેમાન બનાવી ઘરે લાવ્યા. અને પત્નીને તેમણે ભોજન પીરસવા કહ્યું. પત્નીએ પતિના કાનમાં કહ્યું,”ઘરમાં આપના પૂરતું જ ભોજન છે”

હઝરત અબુ તલ્હાએ પત્નીને કહ્યું,

“ઘરના બધા દીવાઓ ઓલવી નાખો. એક માત્ર મોમબત્તી ચાલુ રાખો. અને મારા માટે જે ભોજન બચાવીને આપે રાખ્યું છે, તે મહેમાનને જમવા આપો. હું અંધારમાં તેમની સાથે ભોજન કરી રહ્યાનો દેખાવ કરીશ.” હઝરત હઝરત અબુ તલ્હાની આ ઘટનાના બીજા જ દિવસે મહંમદ સાહેબે  હઝરત હઝરત અબુ તલ્હાને કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું હતું,

“તમારી ગરીબી છતાં મહેમાનને હંમેશા પ્રથમ ભોજન આપો”  ઇસ્લામની મહેમાન નવાઝીનું આ ઉમદા દ્રષ્ટાન છે.

એ જ સંસ્કારોની સુવાસ મેં સમગ્ર વિદેશ યાત્રા દરમિયાન અનુભવી હતી. મારા સ્વજન સમા બોસ્ટનના યજમાન ફિરોઝ વોરાનો આગ્રહ મારી અમેરિકા યાત્રાના કેન્દ્રમાં છે. તેમના આગ્રહને કારણે જ મેં અમેરિકાનો વિસા કઢાવ્યો હતો. વળી, તેમના ઘરે મારે વધારેમાં વધારે રોકાવાનું બન્યું હતું. મારા આગમન પૂર્વે તેમની પત્ની શબાનાને હદય રોગનો હુમલો આવ્યો હતો. છતાં એ વાત અમારા કાને પડવા દીધા વગર તે બંને પતિ પત્નીએ અમારી ખુબ ખિદમત કરી હતી. બોસ્ટનમાં ફેરવવામાં પણ પોતાની નોકરીના સમયમાં એડજેસ્ટમેન્ટ કરી તેમની કારમાં અમને તેમણે ખુબ ફેરવ્યા હતા. અમે આખો દિવસ ફરતા પણ અમારા સવાર, સાંજ અને રાત્રીના ભોજનની જરા પણ કચવાટ વગર શબાના વ્યવ્સ્થ કરતી. અમારા નિવાસ માટે પણ તેમણે આમારા આગમન પૂર્વે અમારા માટે એક ખાસ એસી રૂમ તૈયાર કરાવી રાખ્યો હતા. તેમાં અમને કોઈ તકલીફ ન પડે તેની બંને પતિ-પત્ની ખાસ તકેદારી રાખતા હતા. તેમની સાથેનો કેનેડાનો પ્રવાસ પણ અમારા માટે એક લહાવો બની રહ્યો હતો. જો કે એ પ્રવાસમાં અમારી સાથે ફિરોઝભાઈ અને શબાનાનો પરિવાર, ફિરોઝભાઈના  સાસુ સસરા, મારો પુત્ર ઝાહિદ-સીમા અને ઝેન એમ અગીયારેક વ્યક્તિઓ જોડાઈ હતી. એક મોટી કારમાં અમારો કાફલો ચાર દિવસ અને ચાર રાત કેનેડાના ત્રણ શહેરો નાઇગ્રા ટાઉન, ટોરેન્ટો અને બફેલોમાં ખુબ ફર્યો હતો. જો કે ફિરોઝભાઈની પત્ની શબાના અને મારી પુત્રવધુ સીમા બંને સગી બહેનો છે. આમ છતાં પોતાની પત્નીની બીમારી અને વ્યથા છુપાવી એક માસ સુધી મહેમાન નવાઝી કરવી એ કોઈ આસન કામ નથી. એ તો પાંચ વખતના નમાઝી એવા ફિરોઝભાઈમાં પડેલ ઇસ્લામના સંસ્કારોની દેન છે.

શિકાગોની મારી મુલાકાત દરમિયાન મારા યજમાન હતા મારી ફુઈની દીકરી હાજરબહેનની ચાર દીકરીઓ અને તેમના જમાઈઓ. એટલે કે મારી ભાણીઓ. મકસુદ-શરીફા વોરા , સલીમ-જુલી દેસાઈ, જહીર-ફિરોઝા દેસાઈ, વલીયુદ્દીન-હફીઝા દેસાઈ.  આ ચારે ભાણીઓ અને તેમના પતિઓએ મને અનહદ પ્રેમ અને ઈજ્જતથી રાખ્યાનો આજે પણ અહેસાસ છે. તેમની સાથે અને જાવેદ-મોના દેસાઈએ પણ સારા યજમાન તરીકે અમને સાચવ્યા હતા. અમારા શિકાગોના આગમન પૂર્વે પાંચે કુટુંબો ઇદના દિવસે ભેગા થયા હતા. અને સો એ એક સાથે મળીને સર્વ સંમતિથી અમારા પ્રવાસ, નિવાસ અને ભોજનનું સુંદર આયોજન કરી રાખ્યું હતું. શિકાગોના એરપોર્ટ પર રાત્રીનો સમય હોયને મને લેવા બધા ન આવશો એવો મારો આગ્રહ હોવા છતાં પચ્ચીસ માણસોનો કુંભો આઠ કાર સાથે રાત્રીના આગિયાર વાગ્યે શિકાગોના એર પોર્ટ પર અમને લેવા આવ્યો હતો. આ ચારે ભાણીઓ અને તેમના પતિ દેવોના ટુંકા પરિચય વગર તેમના યજમાન પણાની સાચી અનુભૂતિ નહિ થાય.

સૌથી નાની ભાણીનું નામ શરીફા અને તેના પતિનું નામ મકસુદભાઈ. શરીફાનું ફેમીલી નામ બોબી છે. બંને પતિ પત્નીનો સ્વભાવ ભિન્ન છે. મકસુદ એટલે અલ્લાહની ગાય. ભોળો અને નિખાલસ માણસ. અમેરિકામાં કાર ચલાવવાનું કામ સૌથી સરળ છે. કારણ કે  અહિયાં ટ્રાફિક ઓછો, રસ્તા પહોળા અને લોકોમાં ટ્રાફિક સભાનતા અદભૂત. વળી, અમેરિકનો ફૂટપાથ પર ચાલનાર રાહદારીઓ અને સીનીયર સીટીઝનની ઈજ્જત કરે છે. પરિણામે ચાર રસ્તાના ક્રોસિંગ પર સૌ નિરાંતે કાર રોકે છે. કોઈને જરા પણ ઉતાવળ હોતી નથી. એટલે જ અહિયાં સ્ત્રીઓ શહેર અને હાઇવે પર આરામથી કાર ચલાવે છે. પણ મકસુદભાઈ આવા વાતાવરણમાં પણ કાર ચલાવતા ટેન્શનમાં આવી જાય છે. તેમના સ્વભાવથી સંપૂર્ણ વિપરીત તેમની પત્ની બોબી એટલે આત્મ વિશ્વાસનો દરિયો. ત્રણ બહેનોને અમેરિકમાં સેટ કરવામાં જેટલો ફાળો તેના પિતા હુસેનભાઇનો છે, તેટલો જ ફાળો બોબીનો છે. કારનું લાઇસન્સ કઢાવવાથી માંડીને કોઈ પણ બાબત કે સમસ્યાને પહોંચીવળવા તે તૈયાર જ હોય. મકસુદભાઈના ડંકન ડોનાલ્ડના બિઝનેસને સેટ કરવામાં પણ બોબીની કુનેહ અને સુઝે અગ્ર ભાગ ભજવ્યો છે. આજે તે બે ડંકન ડોનાલ્ડમાં ભાગીદારી ધરાવે છે. બંનેનું ચાર બેડના રૂમવાળું નિવાસ પોતાનું છે. અમે શિકાગોના એરપોર્ટ પરથી સૌ પ્રથમ તેના ત્યાં જ ગયા હતા. અમારા રાત્રીના ભોજન માટે તેણે અનેક વાનગીઓ બનાવીને રાખી હતી. અને રાત્રે બાર વાગ્યે પણ તેણે અમને ભાવથી ભોજન કરાવ્યું હતું.  એ પછી જુલેખા. જેનું ફેમીલી નામ જુલી છે. તેના પતિનું નામ સલીમ. સલીમ આમ તો મારા પિતરાઈ બંધુ યાકુબભાઈનો મોટો પુત્ર છે. એ પણ દિલનો દિલદાર છે. પણ પાકો બિઝનેસ મેન છે. શિકાગો જેવા શહેરમાં તેણે પણ પોતાનું પાંચ બેડ રૂમનું મકાન બનાવી લીધું છે. તે પણ બે ડંકન ડોનાલ્ડમાં ભાગીદારી ધરાવે છે. સાથે સાથે સલીમ જૂની કારના લે વેચના બિઝનેસમાં પણ સક્રિય છે. તેને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રોકાયા હતા. રાત્રે તેને ત્યાં બાર્બેક્યુમાં સૌને મજા પડી હતી. એ પછી આવે જહીર-ફિરોઝા દેસાઈ. જહીર મારા સગા ફૂઈ હલીમાબહેનનો પુત્ર છે. એ નાતે પણ તેની મહેમાન નવાઝી અમારા માટે ભાવ વિભોર કરી મુકે તવી હતી. જહીર અને ફીરોઝા પાંચેક વર્ષથી જ અમેરિકામાં સેટલ થયા છે.તેમને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રોકાયા હતા. બંને પતિ પત્નીના માયાળુ અને પ્રમાળ સ્વભાવે અમને ખુબ સાચવ્યા હતા. એ પછી આવે વલીયુદ્દીન-હફીઝા દેસાઈ. જહીર-ફિરોઝા અને વલીયુદ્દીન-હફીઝા એક જ બિલ્ડીંગમાં સામ સામેના ફલેટમાં રહે છે. વલીયુદ્દીન-હફીઝા બંને પણ પાંચેક વર્ષથી અમેરિકમાં આવ્યા છે. પણ છતાં ખાસ્સા સેટલ થઇ ગયા છે. વલીયુદ્દીન અર્થાત વલુ પણ સ્વભાવમાં મકસુદભાઈ જેવો જ છે. અલ્લાહનું માણસ. તેમને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રહ્યા હતા. આ બધી બહેનોનો એક માત્ર ભાઈ એટલે જાવેદ. અને તેની પત્ની મોના. જાવેદ સ્વભાવે નિખાલસ છે. તેની પત્ની મોના અતિ પ્રેમાળ છે. તેના ઘરે પણ અમે એક દિવસ અને એક રાત રહ્યા હતા. આમ શિકાગોની અમારી મુલાકાત જુદા જુદા પણ પ્રેમાળ યજમાનો વચ્ચે કયારે પૂરી થઇ ગઈ તેની કોઈને ખબર ન પડી. અને આખા પ્રવાસ દરમિયાન સૌ એક જ સૂરમાં અમને ફરિયાદ કરી રહ્યા કે આટલા ઓછા દિવસો લઈને શિકાગો કેમ આવ્યા ? આવી જ એક અન્ય ફરિયાદ પણ મોટા સૂરમાં અમારે અલ્તાફ હવાની સાંભળવી પડી. અલ્તાફ ઘણા વર્ષોથી અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. તે મારા સાળા અબ્દુલ રહેમાનનો મિત્ર છે. અમારા શિકાગો આગમનની તે પણ આતુરતાથી રાહ જોતો હતો. પણ કૌટુંબિક ઘરોની મેહમાન નવાઝીમાંથી હું તેને જરા પણ સમય જ આપી શક્યો ન હતો. તેનો મને રંજ  હતો. પણ તેનો અલ્તાફને તો ખાસ્સો રોષ હતો. શિકાગોના ભારતીય વિસ્તાર દીવાનમાં તેની ગીફ્ટ અને ઈલેક્ટ્રોનિક આઈટેમ્સની મોટી દુકાન છે. શિકાગોનો દીવાન વિસ્તાર ભારતીય દુકાનો અને રેસ્ટોરન્ટોથી ભરેલો છે. અમે છેલ્લા દિવસે અલાતાફ્ને મળવા તેની દુકાને ગયા. અને તેનો પ્રેમ ભર્યો ગુસ્સો મારે સહેવો પડ્યો. હું તેની લાગણીને માત્ર સાંભળી રહ્યો. મારી પાસે તેનો કોઈ જ ઉત્તર ન હતો. અલ્તાફ થોડો શાંત પડ્યો, એટલે મેં તેને કહ્યું,

“અલતાફ માફ કર દે યાર, મારી પાસે અમેરિકાના દસ વર્ષના વિઝા છે. હવે પછી આવીશ તો તારે ત્યાજ ઉતરીશ” અને તે મારી સામે સસ્મિત એક નજરે તાકી રહ્યો. જાણે મારા કથનની સચ્ચાઈ ન માપતો હોય. તેની એ શંકાનું સમાધાન કરતા હું બોલ્યો હતો,

“કસમ સે”.

મારા સ્વજનો મને ખુબ સારી રીતે રાખે તે તો સ્વભાવિક છે. પણ ક્યારેય ન મળેલા ફિલોડેલ્ફિયામાં રહેતા પૂર્વીબહેન અને દીપકભાઈ મલકાણ જયારે યજમાન તરીકે પ્રેમનો વરસાદ કરે ત્યારે કોઈ પણ મહેમાનનું એ પ્રેમ આગળ મસ્તક ઝુકી જાય. પૂર્વીબહેન સાથે મારો એક લેખક-વાચક અને બે કોલમ લેખકો જેવો પરિચય હતો. એક સમયે “ફૂલછાબ” ના એક જ પાના પર અમારી કોલમો છપાતી હતી. એ નાતે એ મારા પાડોશી પણ હતા. પણ મેં કયારેય તેમને જોયા ન હતા. અમે કયારેય મળ્યા ન હતા. અલબત અમારો નાતો ઈમેઈલનો હતો. તેમની ઇસ્લામ અંગેની દ્વિધા તેઓ મને મેઈલ દ્વારા જણાવતા.અને હું તેના જવાબ આપતો. છતાં તેમની આગતા સ્વાગતમાં ક્યાય કચાશ ન હતી. બલકે એક નજીકના સ્વજન જેવી નિર્મળ લાગણી અને પ્રેમમાં તેમણે અમને તરબતર કરી મુક્યા હતા. ફિલોડેલ્ફિયાની મારી મુલાકાત મારા કાર્યક્રમનો ભાગ ન હતી. પણ જ્યારે પૂર્વીબહેનને મારા ન્યુ યોર્કના કાર્યક્રમની જાણ થઇ કે તુરત તેમનો મારા પર બોસ્ટનમાં ફોન આવ્યો,

“મહેબૂબભાઈ, ન્યુ યોર્ક સુધી આવો છો તો  ફિલોડેલ્ફિયા ત્યાંથી ઝાઝું દૂર નથી. તમારે મારે ત્યાં આવવું જ પડશે”

હું તેમના આગ્રહ આગળ વધુ ટકી ન શક્યો. અને મેં મારો કાર્યક્રમ બે દિવસ વધારી દીધો. એ બે દિવસ મલકાણ દંપતીએ અમને ઘરના વડીલ જેમ સાચવ્યા હતા. પૂર્વી બહેન પણ શારીરિક રીતે નાદુરસ્ત હતા. એકધારું ઉભા રહી શકતા ન હતા. છતાં અમારા માટે તેમણે બંને દિવસ સ્વાદિષ્ઠ ભારતીય રસોઈ બનાવી અને પ્રેમથી અમને જમાડ્યા હતા. તેમના પતિ દીપકભાઈ સોફ્વેર ઈજનેર છે. સતત કામમાં રત રહે છે. સવારે પાંચ વાગ્યે જાગી લેપટોપ પર બેસી જાય છે. પણ અમને તેમણે પણ તેમની કારમાં ફિલોડેલ્ફિયામાં મન ભરીને ફેરવ્યા. મિલ્ટોન એસ. હર્શી (1857-1945)એ સ્થાપેલ અમેરિકાની જાણીતી ચોકલેટ હર્ષીનું “હર્શીસ ચોકલેટ વર્ડ”બતાવવા તેઓ અમને લઇ ગયા. એ દિવસ આખો દીપકભાઈએ અમારી સાથે પસાર કર્યો. સાંજે અમે ફિલોડેલ્ફિયા શહેરમાં ફર્યા. જો કે બંને રાત્રી દરમિયાન પૂર્વીબહેનએ ઇસ્લામ અંગેના તેમના મનમાં રમતા ઘણા પ્રશ્નો મને પૂછ્યા. મેં તેમને વચન આપ્યું હતું કે આપના દરેક પ્રશ્નો અંગે આપણે અચૂક સમય કાઢીને ચર્ચા કરીશું. અને તેમણે એ વચનનો પુરો લાભ લીધો. અમે બંને રાત્રે એ માટે ખાસ બેસતા. તેઓ પ્રશ્નો પૂછતાં જાય અને હું તેના જવાબ આપતો જઉં. અને છતાંય રાતનો  એક કયારે વાગી જતો તેની અમને બંનેને ખબર પણ ન રહેતી.

ત્રણ માસના વિદેશ પ્રવાસ પછી ૧૬ ઓગસ્ટે જયારે મેં ભારત આવવા વિમાન પકડ્યું ત્યારે અમેરિકાની મુલાકાતનો આનંદ મારા હદયમાં કોતરાયેલો હતો. કારણ કે મારા તમામ યજમાનોએ “મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હે” વિધાનને સાર્થક કર્યું હતું. તેમની એ મહેમાન નવાઝી આજે પણ મારા હદયમાં સંઘરાયેલી પડી છે અને હંમેશા રહેશે.

Leave a comment

Filed under Uncategorized

બોસ્ટનમાં ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

મારા છ દાયકાના જીવનમાં હું ખુબ ફર્યો છું. પણ ઈદ તો મેં હંમેશા મારા ઘરમાં જ ઉજવી છે. જીવનની આ પ્રથમ ઈદ હતી, જે હું મારા ઘર અને અઢળક સ્વજનોથી દૂર બોસ્ટનમાં ઉજવી રહ્યો હતો. અને છતાં તેનો આનદ હતો. ઇદના દિવસે હંમેશ મુજબ હું સવારે ૩ વાગ્યે ઉઠી ગયો. નિત્યક્રિયા પતાવી મેં તહજ્જુજની નમાઝ અદા કરી. ઇસ્લામમાં તહજ્જુજની નમાઝનું ખુબ મહત્વ છે. રાત્રે સુઈને મળશકે ઉઠીને તહજ્જુજની નમાઝ પઢવાની હોય છે. એમ કહેવાય છે કે એ નમાઝ પછી કરેલી દુવા અલ્લાહ કબુલ ફરમાવે છે. તહજ્જુજની નમાઝ પછી મેં મારા લેપટોપ પર થોડું લેખન કાર્ય કર્યું. બોસ્ટનમાં ફઝરની નમાઝનો સમય ઘણો વહેલો ૩.૪૦નો છે. એટલે મેં ફઝરની નમાઝ પણ પઢી. ધીમે ધીમે ઘરમાં ચહલ પહલ  આરંભાઈ. અને સૌ ઈદની નમાઝ માટે તૈયાર થવા લાગ્યા. બોસ્ટનના માલડોન વિસ્તારમાં આવેલ માલડોન સ્કુલના હોલમાં ઈદની નમાઝ માટે અમારે જવાનું હતું.

ભારતમાં સ્ત્રીઓ મસ્જિતમાં નમાઝ પઢવા જતી નથી. જયારે અહિયા જુમ્માની નમાઝમાં પણ સ્ત્રીઓ મસ્જિતમાં નમાઝ પઢવા આવે છે. અલબત્ત મસ્જીતમાં સ્ત્રીઓના નમાઝ પઢવાના વિસ્તારને પડદાથી ઢાંકવામાં આવેલ હોય છે. અમે જયારે સહ કુંટુંબ માલડોન સ્કુલના હોલ પર ઈદની નમાઝ માટે પહોંચ્યા ત્યારે ત્યાનું વાતાવરણ ગમી જાય તેવું હતું. પુરુષોના વિભાગના દ્વાર પર સૌને આવકારવા ઈદની નમાઝનું આયોજન કરનાર આગેવાનો ઉભા હતા. તેમણે અમને સસ્મિત મુસાફો (હસ્તધૂનન) કરી આવકાર્ય. હોલમાં પ્રવેશીને મેં હોલમાં નજર કરી. આખો હોલ ચિક્કાર ભરેલો હતો. વિશ્વના મુસ્લીમો પોતાના દેશના પચરંગી પોશાકોમાં ભારતીય બેઠકમાં બિરાજમાન હતા. હું કમરના દુખાવાને કારણે નીચે બેસી શકતો નથી. એટલે મેં ચારે બાજુ ખુરશીને શોધ કરી. પણ મને તે ન મળી એટલે મેં દરવાજે ઉભેલા એક આયોજકને કહ્યું,

“આઈ વોન્ટ ચેર ડ્યું ટુ માય બેક પેન પ્રોબ્લેમ”

“ઓહ શ્યોર”

અને તે આગેવાન ખુદ ચેર માટે દોડ્યા. હું તેમને સેવાકીય ભાવનાથી પ્રભાવિત થયો. થોડીવારે તેઓ ખુરસીઓની એક આખી પૈડાવાળી ટ્રોલી લઈને આવી ચડ્યા. તેમાં લગભગ વીસેક ખુરસીઓ ગોઠવેલી હતી. તેમાંથી એક ખુરસી તેમણે ઉતારી અને બરાબર આગળની સફ અર્થાત લાઈનમાં ગોઠવી મને કહ્યું,

“પ્લીસ ટેઈક યોર સીટ”

મેં તેમનો આભાર માની ખુરસી પર સ્થાન લીધું. મારી બાજુમાં એક લેબેનોનના મુસ્લિમ બેઠા હતા. તેમણે મને જોઈ મારી સામે મુસાફા માટે હાથ લંબાવ્યો. મેં તેમની સાથે મુસાફો કરતા કહ્યું,

“આઈ એમ ફ્રોમ ઇન્ડીયા”

“આઈ એમ ફ્રોમ લેબેનોન” તેમણે સસ્મિત ઉત્તર પાઠવ્યો.

ભરચક હોલમાં મેં પુનઃ નજર કરી. હોલમાં બેઠેલ મોટાભાગના પુરુષોના માથે ટોપી ન હતી. ભારતમાં ટોપી વગર નમાઝ પઢવાની પ્રથા નથી. પણ અહિયા કોઈને તેની પડી નથી. જો કે આ જ બાબત મેં હજજ યાત્રા દરમિયાન પણ જોઈ છે. ત્યાં પણ ટોપી વગર નમાઝ પઢતા અનેક મુસ્લીમો મેં જોયા હતા. અટેલે મને તેની નવાઈ ન લાગી.  ઈદની નમાઝ ૮.૪૫ કલાકે આરંભાય. ઈદની નમાઝ દરેક જગ્યાએ એક સરખી જ જોવા મળે છે. નમાઝ પછી ખુત્બો અર્થાત ધાર્મિક પ્રવચન આરંભાયું. સૌ એ તે શાંતિથી સાંભળ્યું. ખુત્બો ન સંભાળવા ઇચ્છતા પુરુષો પણ અહિયા હતા. જેઓ નમાઝ પછી ઉભા થઇ બાજુના હોલ તરફ જવા લાગ્યા હતા.

ઇદની નમાઝ પછી નમાઝના હોલમાં જ ઈદ મુબારકનો લાંબો સીલસીલો આરંભાયો. દરેક દેશના મુસ્લીમો એકબીજાને પ્રેમથી ઈદ મુબારક કરતા હતા. અહિયા ક્યાય ફીરકાઓ  અર્થાત શિયા-સુન્ની કે અન્ય પેટા જ્ઞાતિઓ ના ભેદભાવ નથી. માત્ર પ્રેમથી સૌ એક બીજાને ઈદ મુબારક કરી રહ્યા હતા. જયારે ઈદ મુબારક કરી કેટલાક લોકો બાજુના હોલમા જઈ રહ્યા હતા. મેં ફિરોઝભાઈને પૂછ્યું,

“સૌ બાજુના હોલમાં જઈ રહ્યા છે. આપણે પણ ત્યાં જવાનું છે ?”

“બાજુના હોલમાં સ્નેહ મિલન અર્થાત સામુહિક ઈદ મુબારક સૌ કરશે. અને ત્યાં જ સૌ માટે હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આપણે પણ ત્યાજ જઈશું”

અમે પણ સહ કુટુંબ ત્યાં પહોંચ્યા. હોલ બે ભાગમાં વિભાજીત હતો. એક ભાગમાં બહેનોના ટેબલો હતા. તો બીજા ભાગમાં પુરુષોના ટેબલ હતા. ટેબલોની સામે જુદા જુદા દેશની વાનગીના ટેબલો પર સજાવીને રાખવામાં આવી  હતી. દરેક વ્યક્તિ પોતાની પસંદગીની વાનગી લઈને પોતાના સ્નેહીઓ, મિત્રો કે કુટુંબીજનો સાથે ઈદ મુબારકની આપલે સાથે નાસ્તો કરી રહ્યા હતા. લગભગ ૩૦૦થી વધુ  વિવિધ દેશના મુસ્લીમો અત્યંત શિસ્તબદ્ધ રીતે ઇદનો આનંદ લઇ રહ્યા હતા. છતાં ક્યાય અવ્યવસ્થા કે કોલાહલનું નામોનિશાન ન હતું. હું અને ઝાહિદ એક ટેબલ પર મલેશિયન વાનગીઓ માણી રહ્યા હતા, ત્યાજ ઝાહીદ બોલી ઉઠ્યો,

“ડેડ,  માલડોનના મેયર ગેરી ક્રિસ્ટન સન બધાને ઈદ મુબારક કરવા આવ્યા છે” મેં એ તરફ નજર કરી. એક ગોરા, લાંબા કદના, દુબળા પાતળા દેહધારી વ્યક્તિ બ્લેક સૂટમાં સસ્મિત સૌની સાથે મુસાફો અર્થાત હસ્તધૂનન કરી ઈદ મુબારક કરી રહ્યા હતા. તેમની આસપાસ ન કોઈ બોડીગાર્ડ હતા, ન કોઈ મદદનીશ, કે ન કોઈ પીએ. દરેક મુસ્લિમ પાસે તે ખુદ જતા અને જાણ્યા અજાણ્ય સૌને ઈદ મુબારક પાઠવતા હતા. થોડી મીનીટો હું તેમની સહજતા જોઈ રહ્યો. આપણા નેતાઓના સુરક્ષાચક્ર સાથે આ દ્રશ્યની તુલના અનાયસે પણ મારા જહેનમાં થઇ ગઈ.

મેં ઝાહિદને કહ્યું,

“આપણે તેમને મળવું જોઈએ”

પણ અમે કઈ વધુ વિચારીએ એ પહેલા તો મેયર ગેરી ક્રિસ્ટન સન ખુદ અમારી પાસે આવી ચડ્યા. અને અમારી સામે સ્મિત કરતા અંગ્રેજી લેહજામાં કહ્યું,

“ઈદ મુબારક સર”

હું તુરત મારી ખુરસીમાંથી ઉભો થઇ ગયો. તેમના વિવેકને માન આપતા મેં  મારો હાથ ઈદ મુબારક કરવા તેમની સામે લંબાવ્યો. તેમણે તેના પ્રતિભાવમાં મારી હથેળીમાં તેમની હથેળીને એક કરતા હસ્તધૂનન કર્યું. મેં કહ્યું,

“આઈ એમ ફ્રોમ ઇન્ડિયન. કેઇમ હીયર ટુ સી યોર અમેરિકા”

“ઓહ, વન્ડરફૂલ. હોઉ યુ  ફીલ ઇટ ?”

“ઈટ્સ અ બ્યુટીફૂલ”

મારી આટલી વાત થઈ હશે ને ઝાહિદ અમારી વાતમાં જોડાયો. તેણે કહ્યું,

“હું ઓસ્ટ્રેલિયાના તાજ્માંનીયા રાજ્યના હોબાર્ટમાં રહું છું. અમે તમારા જેવા મેયરની શોધમાં છીએ”

અને ઝાહીદનું વિધાન સંભાળી મેયર ગેરી ક્રિસ્ટન સનના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું.

“થેન્ક્સ” કહી તેઓ કઈ કહે તે પહેલા અન્ય મુસ્લીમો તેમની સાથે ફોટો પડાવવા આવી ચડ્યા. ઝાહીદે પણ એ તકનો લાભ લઇ મારો એક ફોટો તેમની સાથે તુરત લઇ લીધો.

અમે એ હોલમાં લગભગ એકાદ કલાક સૌની સાથે ઈદની ખુશી માણતા રહ્યા. ત્યાં સુધી મેયર ગેરી ક્રિસ્ટન સન જરા પણ આડંબર વગર ઉભા ઉભા સૌને મળતા રહ્યા. તેમની સાદગી સાથેની એ નિષ્ઠા મને સ્પર્શી ગઈ.

ઇદનું અમારું બપોરનું ભોજન અમારે એક પાકિસ્તાનના રહેવાસી સૈયદ સાહેબને ફઝલ મુહંમદને ત્યાં લેવાનું હતું. તેઓ લાહોરના વતની છે. પણ છેલ્લા ત્રીસેક વર્ષોથી બોસ્ટનમાં જ રહે છે. સૈયદ સાહેબ ફિરોઝભાઈના જીગરી વડીલ મિત્ર હતા. થોડા સમય પહેલા જ તેમની આંખોની રોશની ખુદાએ લઇ લીધી હતી. છતાં તેમના વ્યવહારમાં ક્યાય કડવાસ કે નિરાશા ભાસતી ન હતી.તેમના સંતાનો મોટા થઇ ગયા હતા. તેથી તેનાથી અલગ રહેતા હતા. તેઓ પતિ પત્ની એકલા રહેતા હતા. પણ તેમના વ્યવહારમાં પ્રેમ અને લાગણી ભારોભાર અમે અનુભવી. મારી સાથે તેમણે ઘણી ચર્ચા કરી. તેમણે મને સૌ પ્રથમ પ્રશ્ન જે પૂછ્યો તે એ હતો કે,

“મોરારજી દેસાઈ તમારા શું થાય ?”

મેં કહ્યું, “કશું ન થાય. તેઓ ભારતના એક ઉત્તમ નેતા અને ગાંધીવાદી હતા. પણ મારા સગા કે સંબધી ન હતા”

“તમારી અટક દેસાઈ છે એટલે મને થયું કે તેઓ તમારા સબંધી થતા હશે” સૈયદ સાહેબ બોલાયા.

મેં કહ્યું,

“એવું નથી. તેઓ હિંદુ હતા અને હું મુસ્લિમ છું. મારી અટક એ મારા વડીલોને વ્યવસાયના કારણે મળી છે. મોગલ બાદશાહ જહાંગીરે મારા પર દાદાઓને દેસાઈગીરી આપી હતી. અર્થાત રેવન્યુ ઉઘરાવવાની સત્તા. એ પરથી અમાંરી અટક દેસાઈ પડી છે.”

મારો જવાબ સંભાળી સૈયદ સાહેબ ખુશ થયા. બપોરે ચારેક વાગ્યે તેમના ઘરેથી અમે વિદાય લીધી. ત્યારે મને જરા પણ અહેસાસ ન હતો કે મેં આ સૌ પ્રથમ ઈદ મારા સ્વજનો વગર વિતાવી છે. આંતર રાષ્ટ્રીય સ્વજનોએ મને મારા મૂળભૂત સ્વજનો કે મિત્રોની જરા પણ યાદ આવવા દીધી ન હતી. એ જ વિદેશમાં ઈદ ઉજવણીની સાચી ખુશી મારા માટે બને રહી.

1 Comment

Filed under Uncategorized

પાટા સાથે પરિભ્રમણ : ડો. મહેબૂબ દેસાઈ

મારા  અકસ્માતના સમાચાર મારા ફેસબુક મિત્રો માટે ચિંતાનો વિષય બની ગયા હતા. પાટા સાથેનો મારો ફોટો ડાઉનલોડ થયાના પાંચેક કલાકમાં તો સો જેટલી શુભેચ્છાઓ આવી ગઈ. સૌ એક જ વાત કહી રહ્યા હતા. “જલ્દી સજા થઇ જાવ એવી દુવા છે” બે દિવસમાં તો ૨૯૬ લાઇક્સ અને ૨૧૯ જેટલી શુભેચ્છાઓથી મારી પોસ્ટ ઉભરાઇ ગઈ. એ માટે સૌનો આભારી છું. પાટા સાથે ઘરમાં મોટે ભાગે મારી પ્રવૃતિ મારું લેખન, ફેસબુક અને મારા ઈમેઈ હતા. પણ એથી અતિ મહત્વનું કાર્ય તો મારા પૌત્ર ઝેન સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનું હતું. અત્યાર સુધી ફરવાની લાયમાં એ તરફ  મારું ધ્યાન જ ગયું ન હતું. પણ ઓપરશન પછી મને તેનું મુલ્ય સમજાયું. મારા જીવનનો એ ઉત્તમ સમય બની રહ્યો. રોજ સવારે “દાદા, વેક અપ ઈટ્સ એ મોર્નિંગ” એમ કહેતો એ મારા રૂમમાં દોડી આવતો. અને હું “નો નો ઈટ્સ નોટ મોર્નિગ” કહું એટલે તે મારા રૂમનો પડદો હટાવીને મારા મો પરનું ગોદડું દૂર કરી મને બતાવે “સી દાદા ઈટ્સ મોર્નિંગ” અને પછી અમારી જુગલ જોડી આખો દિવસ આખા ઘરમાં ધમાલ કરી મુકે. વળી, તેની સાથે એક ઔર ટ્યુનીંગ જામી ગયું હતું. જયારે પણ એ મૂડમાં ન હોય ત્યારે હું તેને કહું,

“ઝેની, આઈ હેવ એ  સરપ્રાઈઝીંગ ગીફ્ટ ફોર યુ” અને તે તુરત

“દાદા વ્હેર ઇસ માય સરપ્રાઈઝ ગીફ્ટ ?”

અને મારા રૂમમાં તેને લઇ જાઉં. મારા પલંગ પર તેને સુવાડવું, આંખો બંધ કરાવું અને પછી બીગ મેજિશિયનની અદાથી “આબ્રા કા ડાબરા, ગીલી ગીલી અપ્પા, ઝેન કી ગીફ્ટ આ જા” કહી મારા કબાટમાં છુપાડી રાખેલ એક નાનકડી કાર કાઢીને તકીયા નીચે મૂકી દઉં. અને પછી તેને આંખો ખોલવા જણાવું. તે આંખો ખોલે એટલે તેને કહું “સર્ચ યોર ગિફ્ટ ઇન માય બેડ” અને તે મારું ઓઢવાનું તકિયો બધું ફેંદી નાખે. અને અચાનક તેને તકિયા

નીચેથી નાનકડી કાર મળી આવે. ત્યારે તેના ચહેરા પરની ખુશી મારું બધું દર્દ ભુલાવી દેતી. હું ખુદાનો શુક્ર અદા કરું કે તેણે મને આ સોનેરી તક આપીને ધન્ય કર્યો છે.

ધીમે ધીમે મારા પાટા વાળા હાથથી હું ટેવાવા લાગ્યો હતો. નિત્ય ક્રિયાઓમાં પણ હવે પહેલા જેટલી તકલીફ પડતી ન હતી. પરિણામે બે ત્રણ દિવસના વિરામ પછી મેં પાટા સાથે બહાર જવાનું શરુ કર્યું. પ્રથમ વાર ઝાહિદ મને, સાબેરા અને ઝેનને તેની કારમાં કિંગસ્ટન બીચ પર લઇ ગયો. હોબાર્ટમાં ફરવા લાયક સ્થાનોમાં સૌથી ઉત્તમ કિંગસ્ટન બીચ છે. જયારે દિવસ સારો હોય અર્થાત તડકો નીકળ્યો હોય ત્યારે બીચ પરની ભીડ અને સુંદરતા જોવા જેવી હોય છે. એ દિવસે પણ સુંદર તડકો હતો. બીચ પર માનવ મહેરામણ ઉભરાયું હતું. અહિયા બીચ પર આવનાર દંપતિઓ, બાળકો કે યુવાઓ સાથે મોટે ભાગે એકાદ કુતરો તો તમને જોવા મળે જ. આમ છતાં બીચ પર કુતરાની ગંદગી કે માનવસર્જિત ગંદગી તમને ક્યાય જોવા ન મળે. મેં ભારતના અનેક બીચ જોયા છે. ઘોઘાનો દરિયા કિનારો હોય કે દીવનો આજવા બીચ હોય કે પછી સોમનાથનો દરિયા કિનારો હોય, પણ તેની સુંદરતાને આપણે માનવ સર્જિત ગંદગી દ્વારા એવા કદરૂપા કરી મુકીએ છીએ કે તેમાં નાહવાનું તો શું પણ ત્યાં વધારે સમય રોકાવાનું પણ મન ન થાય. તેની તુલનામાં કિંગસ્ટન બીચ પર તમને કલાકો સુધી બેસી રહેવાનું મન થાય. લીલોછમ દરિયો તેની મોજમાં ઉછળતો હોય અને એના સ્વચ્છ નીરમાં બાળકો યુવાનો રમતા હોય. કેટલાક વૃદ્ધ કપલો બીચની સિમેન્ટ કોક્રીટની વોકિંગ પટ્ટી પર પોતાના કૂતર સાથે ચાલતા હોય. અને જો પોતાન કુતરા ટટ્ટી કરે તો તે જમીન પર ન રહેવા દેતા, પેપરમાં ઉપાડી કિનારા પર ગોઠવેલ વેસ્ટ બોક્સમાં નાખવામાં જરા પણ શરમ ન અનુભવતા હોય, એવા કપલ માટે  સાચ્ચે જ માન થાય. આવી શિસ્ત પ્રિય પ્રજા હોય પછી બીચની સુંદરતા શાને હણાયા ? એ દિવસે ઝાહિદ ઝેનને લઈને બીચ પર સાયકલિંગ કરાવવા ગયો. હું અને સાબેરા બીચના એક બાકડા ઉપર નિરાંતે બેઠા. લગભગ અડધી કલાક એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર અમે દરિયાની ખુબસુરતી અને આસપાસના માહોલને મન ભરીને પીતા રહ્યા. લગભગ ચાર કિલોમીટરના લાંબા કિનારા પર પથરાયેલ આ બીચ પર ઠંડીનું પ્રમાણ થોડું વધુ હોય છે. એટલે પૂરતા ગરમ વસ્ત્રો પહેરીને ત્યાં જવું હિતાવહ છે. જો કે અહીના લોકો આવી ઠંડીને ગુલાબી ઠંડી કહે  છે. તેને તેઓ ગણકારતા નથી. બીચ પર અનેક યુવક-યુવતીઓ બર્મુડા પહેરીને ફરતા પણ તમને જોવા મળે છે.

પાટા સાથે બહાર જવાથી મારો બીજો ઉદેશ પણ પૂર્ણ થયો. અને તે હતો માર્કેટિંગનો. મારા ઘરથી મારકેટ માત્ર એક કિલોમીટરને અંતરે હતી. એટલે હું મારકેટીંગ માટે ચાલતો એકલો નીકળી પડતો. અત્યાર સુધી મેં મારા માટે કોઈ જ પર્ચેજિંગ કર્યું ન હતું. એટલે તે માટે મને હવે પુરતો સમય મળી ગયો હતો. હોબાર્ટમાં બે મુખ્ય મોલ છે. એક કોલ્સ અને બીજો બીગ ડબલ્યુ. બંને લગભગ પાસે પાસે જ છે. એક દિવસ બપોરે ત્રણેક વાગ્યે તૈયારથી હું બીગ ડબલ્યુમાં જવા નીકળી પડ્યો. ઘણા વખત પછી લાંબુ અર્થાત એક દોઢ કિલોમીટર જેટલું ચાલવા મેં મારી જાતને તૈયાર કરી હતી.અમદાવાદમાં હંમેશા હું કારમાં જ ફર્યો છું. હોબાર્ટમાં આવતા પહેલા મેં ઝાહીદને મજાકમાં કયું હતું,

“મને કાર વગર નહિ ચાલે. તારી કાર તો તું કે સીમા લઈને કામ પર જતા રહેશો. પછી કાર વગર ઘરમાં બેસી રહેવું મને નહિ ગમે”

અને એક આજ્ઞાંકિત પુત્ર તરીકે ઝાહીદે અમે આવીએ એ પહેલા એક જૂની મીતુશુબી કાર અમારા માટે ખરીદીને રાખી હતી. પણ ખુદાની કુદરત અનેરી છે. અત્યારે એ કાર મારી સામે પડી છે અને મારે ચાલતા જવાનો ખુદાનો આદેશ માનવો પડે છે. મેં ઘર બહાર કદમો માંડ્યા. ઝોળીમાં હાથ સાથે મેં મક્કમ મને ચાલવા માંડ્યું. લગભગ એક કીલો મીટરનો માર્ગ કાપી હું વીસેક મીનીટમાં મુખ્ય બજારમાં આવી ચડ્યો. મુખ્ય બજારનું ચિત્ર નજીકથી જોવાની આ સૌ પ્રથમ તક મને સાંપડી હતી. હોબાર્ટ શહેરમાં એક સુંદર અને વ્યવસ્થિત બસ સર્વિસ ચાલે છે. તેનું નામ છે મેટ્રો ટ્રાન્સપોર્ટ. તેની લાંબી અને સંપૂર્ણ વાતાનુકુલ બસમાં મુસાફરી કરવી એ પણ આહલાદક આનંદ છે. તેના બસ સ્ટેન્ડ પાસે હું થોડીવાર ઉભો રહ્યો. બસ સ્ટેન્ડ પર સ્કુલેથી પાછા ફરી રહેલા ઓસ્ટ્રેલિયન છોકરા-છોકરીઓ ઉભા હતા. છોકરાઓ પેન્ટ અને શર્ટના યુનિફોર્મમાં હતા. જયારે છોકરીઓ સ્કર્ટ અને ટોપમાં હતી. સૌના ચહેરા પર માસુમિયત ટપકતી હતી. બસ સ્ટેન્ડની પાસે જ ફૂટપાથ પર બેચાર મોટી સ્ત્રીઓ સિગરેટનો દમ લેતી બિન્દાસ બેઠી હતી. મેં તેમની સામે એક છુપી નજર કરી નજર ફેરવી લીધી. થોડીવારે બસ આવી ચડી. મેં બસમાં નજર દોડાવી. બસમાં કોઈ કંડકટર ન હતો. સૌ પોતાનો પાસ ડ્રાયવર પાસેના મશીનમાં પંચ કરી બસમાં બેસતું હતું. બસના ડ્રાયવર પર મારી નજર ગઈ તો એક મોટી અર્થાત જાડી ઓસ્ટ્રેલિયન લેડી ડ્રાયવરની સીટ પર બેઠી હતી. મારી અને તેની નજર મળતા તેણે મારી સામે હેલોનું સ્મિત કર્યું. મેં પણ સસ્મિત તેનો પ્રત્યુતર પાઠવ્યો. થોડીવાર ત્યાનો નઝારો માણ્યા પછી મેં બીગ ડબલ્યુ તરફ કદમો માંડ્યા. રસ્તામાં આવતી અનેક નાની મોટી દુકાનોમાં હું નજર કરી લેતો. એવી જે એક દુકાનમાં મારી નજર ચડી.એ દુકાનમાં સ્ટેશનરી સાથે પોસ્ટ ઓફીસ પણ હતી. અહિયા પોસ્ટ ઓફીસ ખાનગી દુકાનોમાં ચાલે છે. ત્યાં તમને નાના મોટા દરેક સાઈઝના સ્ટેમવાળા કવરો મળી રહે છે. અને તે તમે પાસેના પોસ્ટ બોક્સમાં અથવા દુકાનદારને આપી શકો છો. થોડું ચાલ્યો હઈશને બીગ ડબલ્યુના ઓટોમેટીક ડોર પાસે હું આવી ચડ્યો. મેં અંદર પ્રવેશ કર્યો. અને મોલના જુદા જુદા વિભાગોમાં ફરવા માંડ્યું. તે દિવસે મેં બધું મારા માટે જ ખરીદયું. ઝીલેટનું નવું ઓટોમેટિક સેવિંગ મશીન, બ્રુટ્સનું આફ્ટર સેવિંગ લોશન, સેવિંગ કિટ, બે ગંજી, એક જીન્સ, ટીશર્ટ, ઓરલબીનું ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ. લગભગ ૨૦૦ ડોલરની ખરીદી કરી હું બહાર આવ્યો ત્યારે સાંજના ચાર વાગવામાં હતા. મેં ઘર તરફ કદમો માંડ્યા. પાછા ફરતા રોડની મારી જમણી બાજુ મેં એક કબ્રસ્તાન જોયું. ભર બજારની વચ્ચે કબ્રસ્તાન જોઈ મને નવી લાગી. મેં તેમાં પ્રવેશ કર્યો. એ કબ્રસ્તાનમાં ૨૩ કબરો અને તેની વિગતો આપતી તકતીઓ હતી. કબ્રસ્તાનના પ્રવેશ ઉપર જ તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. તેનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે ઈ.સ. ૧૮૪૦માં હોબાર્ટમાં પ્રથમ વસવાટ કરનાર એ ૨૩ મહાનુભાવોની કબરો હતી. જેને ઐતિહાસિક પરીપેક્ષમાં અત્રે જાળવી રખવામાં આવી હતી. એ નાનકડા ઐતિહાસિક સ્મારકમાં બેસવા માટે એક બાકડો પણ મૂકવામાં આવ્યો હતો. મેં એ બાકડા ઉપર સ્થાન લીધું. મને અદભુદ શાંતિની અનુભૂતિ થઇ. વીસેક મીનીટ હું એ શાંતિમાં તરબતર થતો રહ્યો. અને પછી મેં ઘર તરફ ચાલવા માંડ્યું.

1 Comment

Filed under Uncategorized