Monthly Archives: May 2019

સૂફીસંત બુલ્લે શાહ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઉત્તર ભારત અને ખાસ કરીને પંજાબમાં પ્રસિદ્ધ સૂફી સંત અને કવિ બુલ્લે શાહને કોણ નથી ઓળખાતું ? તેમનું મૂળ નામ અબ્દુલ શાહ હતું. પણ તેઓ બુલ્લે શાહ કે બુલ્લા શાહ તરીકે જાણીતા છે. તેમના જીવન કવન અંગે વિસ્તૃત અને આધારભૂત વિગતો બહુ જુજ પ્રાપ્ત થાય છે. તેમનો જન્મ ઈ.સ. ૧૬૮૦માં તેમના પિતાના ગામ ગીલાનીયામાં થયો હતો. તેમના પિતા શાહ મુહમ્મદ અરબી, ફારસી અને કુરાન એ શરીફના જ્ઞાતા હતા. તેઓ આજીવિકા અર્થે “પાંડો કે ભટ્ટીયા” નામક ગામમાં આવીને વસ્યા હતા. એ સમયે બુલ્લી શાહની વય છ વર્ષની હતી. બુલ્લે શાહ જીવનભર ત્યાં જ રહ્યા. ઈ.સ. ૧૭૫૭માં બુલ્લે શાહનું અવસાન થયું. આજે પણ તેમની મઝાર એ જ ગામમાં લોકોની આસ્થાનું કેન્દ્ર બની જીવંત છે. બુલ્લે શાહનું બચપન તેમના વિદ્વાન પિતાની છત્રછાયામાં પસાર થયું હતું. પ્રારંભિક સંસ્કાર અને શિક્ષણ તેમને તેમના પિતા દ્વારા જ પ્રાપ્ત થયા હતા. બુલ્લે શાહએ પ્રાથમિક શિક્ષણ કસૂર ગામના હઝરત મુર્તજા જેવા ખ્યાતનામ વિદ્વાનો પાસેથી પણ લીધું હતું. અરબી, ફારસી સાથે તેમણે ઇસ્લામ અને સૂફી પરંપરાનો ગહન અભ્યાસ કર્યો હતો. બુલ્લે શાહનું ખાનદાન સૈયદ હતું. જયારે તેમના ગુરુ (મુર્શીદ) ઈનાયત શાહ અરાઈ નામક નીચી જાતિના હતા. આથી તેમના કુટુંબીજનોએ તેમને ઈનાયત શાહનો સંગ છોડી દેવા ખુબ સમજાવ્યા. પણ બુલ્લે શાહે પોતાના ગુરુ ઈનાયત શાહ સાથેનો સત્સંગ જીવનભર જાળવી રાખ્યો.
ઈનાયત શાહ સાથેની તેમની પ્રથમ મુલાકાતનો એક કિસ્સો જાણીતો છે. એક દિવસ બુલ્લે શાહ તેમના મનોમન માની લીધેલા ગુરુ ઈનાયત શાહને મળવા ગયા. તેમની પાસે પહોંચ્યા એ સ્થાન પર ચારે બાજુ આંબાના વૃક્ષો હતા. અને તેના પર કેરીઓ લટકતી હતી. જેવા બુલ્લે શાહ આંબાના વૃક્ષો પાસે પહોંચ્યા, ઝાડ પરથી કેરીઓ ટપો ટપ નીચે પડવા લાગી. એ જોઈ ઈનાયત શાહ બોલી ઉઠ્યા,
“એ નૌજવાન તે આ કેરીઓ કેમ તોડી ?”
બુલ્લે શાહ બોલ્યા,
“સાંઈ, ના તો હું ઝાડ પર ચડ્યો છું, ના મેં પથ્થર મારી કેરી તોડી છે. એ તો હું આવ્યો ત્યારે તેના મેળે જ ઝાડ પરથી પડવા લાગી છે.”
ઈનાયત શાહ બુલ્લે શાહનો આધ્યાત્મિક પ્રભાવ જોઈ બોલ્યા,
“અરે, તું તો ચોર પણ છે, અને ચતુર પણ છે.”
અને બુલ્લે શાહ ગુરુ ઈનાયત શાહના કદમોમાં બેસી ગયા અને બોલ્યા,
“ખુદાને પ્રાપ્ત કરવા મારે તમારા જેવા ગુરુની જરૂર છે.”
ઈનાયત શાહએ તેમના માથા પર હાથ મુકતા કહ્યું,
“ખુદાને પ્રાપ્ત કરવાનું કાર્ય તો એવું છે કે એક વૃક્ષને તેના મૂળમાંથી ઉખાડી બીજી જમીનમાં વાવવું.”
બુલ્લે શાહ તેમને ગુરુને અનહદ માન આપતા. એકવાર તેમને મક્કા જવાની ઈચ્છા થઇ. તેમણે તેમના ગુરુને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું,
“ખુદાના પયગંબર મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, જેણે મારી કબ્રના દીદાર કર્યા, તેણે મને જીવિત જોયો. એટલે મારી મદીના જવાની ઈચ્છા છે. મને ઈજાજત આપો.”
ઈનાયત શાહે કહ્યું,
“બેશક, પણ બે ત્રણ દિવસ પછી જવા માટે નિકાલ જે.”
બુલ્લે શાહ બે દિવસ રોકાઈ ગયા. બીજે દિવસે રાત્રે બુલ્લે શાહને સ્વપ્ન આવ્યું. તેમાં તેમને હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના દીદાર (દર્શન) કર્યા. સ્વપ્નમાં મહંમદ સાહેબે તેમને પૂછ્યું તારા ગુરુ બુલ્લે શાહ ક્યાં છે ? બોલાવ તેમને.”
બુલ્લે શાહ તેમના ગુરુને પોતાના શોહર અર્થાત પતિ માનતા હતા. એકવાર એક નવપરણિત કન્યા પોતાના વાળ સંવારતી હતી. એ જોઈ બુલ્લે શાહએ તેને પૂછ્યું,
“તું તારા વાળ શા માટે સંવારે છે ?”
પેલી કન્યાએ જવાબ આપ્યો.”મારા પતિને રીઝવવા”
બુલ્લે શાહ એ સાંભળી બોલી ઉઠ્યા,
“મારા વાળ પણ તું સંવારી દે. હું પણ મારા ગુરુને રીઝવવા માંગું છું”
અને પેલી કન્યાએ બુલ્લે શાહના વાળ સંવારી દીધા. એ જ દશામાં બુલ્લે શાહ પોતાના ગુરુ પાસે પહોંચી ગયા. અને તેમને પ્રસન્ન કરવા તેમની સામે મસ્ત બની ખુદાનો ઝીક્ર કરવા લાગ્યા.
બુલ્લ્ર શાહ અનુભવ દ્વારા મળેલ જ્ઞાનને વધુ પ્રાધાન્ય આપતા હતા. તેઓ કહેતા,
“એક અલીફ પઢલો મુક્તિ મિલ જાયેગી.” ઉર્દુમાં અલ્લાહના નામનો પહેલો શબ્દ અલીફ છે. તો વળી ક્યારેક કહેતા,
“પોથી પઢના બંધ કરો યાર, તુમ્હે તો બસ એક અલીફ અક્ષર હી કાફી હૈ”
બુલ્લે શાહ દ્રઢ પણે માનતા કે સમાજમાં સંપ્રદાયિક કલહનું મૂળ કારણ પંડિતો છે અથવા તેમની પોથીઓ અર્થાત તેમના ગ્રંથો છે.
આજ વાત કબીરે પણ કહી છે,
“તું કહેતા પોથી કી લેખી, મેં કહેતા અખિયન દેખી”
ગુરુ નાનક પણ આ જ કહે છે,
“ભલે હી સારી ઉમ્ર પઢતે રહો, ભલે હી અપની સારી સાંસ પઢાઈ મેં લગા દોતો, લેકિન સાર્થક બાત તો એક હી હૈ હરી કે સ્મરણ કે સિવાઈ સબ અહંકાર હૈ, સીર ખપાઈ હૈ”
આવા જ્ઞાની સૂફી સંત બુલ્લેશાહને સલામ.

1 Comment

Filed under Uncategorized

સૂફી સંતો અને માનવ મુલ્યો : ડૉ. મહેબૂબ દેસાઈ

રમઝાનના આગમન પૂર્વે જુહાપુરા સીનીયર સીટીઝન કાઉન્સિલ અંતર્ગત “ઇસ્લામ અને સમાજ” વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. ભારતના મધ્યકાલીન યુગમાં ઇસ્લામના પ્રચાર પ્રસારમાં સૌથી મોટો ફાળો સૂફી સંતોનો રહ્યો છે. એ સંદર્ભે “સૂફી સંતો” વિષયક થોડો વધુ અભ્યાસ કરવાની તક સાંપડી. તેનો અર્ક અત્રે આપવાનું ગમશે.
સૌ પ્રથમ સૂફી સંતોના લક્ષણો જાણવા જેવા છે. જેમા ઠેર ઠેર માનવ મુલ્યો દ્રષ્ટિ ગોચર થાય છે. જેણે આમ પ્રજાને તેમના તરફ આકર્ષ્યા હતા. જેમકે
૧. સૂફીસંતો ખુદા કે ઈશ્વરને પ્રિયતમા માની તેનો “જિક્ર” કરે છે. તેને પ્રેમ કરે છે.
૨. તેઓ ખુદા કે ઈશ્વરને મંદિર-મસ્જિતમા નથી શોધતા. તેઓ માને છે ઈશ્વર કે ખુદા દરેક માનવીના હદયમા વસે છે.
૩. તેઓ મોટેભાગે ધાર્મિક ક્રિયાકાંડોથી અલિપ્ત રાહે છે.
૪. તેઓ મૃત્યુંને મુક્તિ માને છે. મુક્તિના આનંદની ઉજવણી કરે છે. અને એટલે જ સૂફીસંતોની દરગાહ પર ઉર્ષની ઉજવણી મૃત્યુતિથિ પર થાય છે, જન્મતિથી પર નહિ.
૫. સૂફી સંતો ઊંચનીચ, અમીર ગરીબ, ધર્મ જ્ઞાતિના ભેદભાવોમા માનતા નથી. તેમને મન સૌ સમાન છે. સૌ એક જ ખુદાના સંતાનો છે.
૬. તેઓ માને છે ખુદાની પ્રાપ્તિ માટે જરૂરી છે અહંકારનો ત્યાગ.
વિશ્વના સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી સંત હઝરત મહંમદ પયગમ્બર સાહેબ હતા. જેમના જીવન કવન માંથી સૂફીઓં હંમેશા પ્રેરણા લેતા રહે છે. તેઓ સાદગી, સેવા, સંયમ, ઈબાદત અને નિરાભિમાનનું આદર્શ દ્રષ્ટાંત હતા. તેઓ પોતાના અનુયાયીઓ સાથે સમાન વ્યવહાર કરતા. એકવાર સફરમાં સૌ ભોજન બનાવવામા લાગી ગયા. મહંમદસાહેબ જંગલમાંથી સૂકા લાકડા શોધવા નીકળી પડ્યા. સહાબીઓએ ઘણી ના પાડી ત્યાંરે તેઓ બોલ્યા,
“જે પોતાની જાતને અન્યથી ઉંચી કે બહેતર માને છે તેને ખુદા નથી ચાહતા”
આવા માનવીય સિદ્ધાંતોને જીવનમાં સાકાર કરનાર અનેક સૂફીઓ ભારતમાં થઇ ગયા
સૂફી સંતોના પિતામહ સમા અલ મન્સુર, જેમણે સૌ પ્રથમ “અનલ હક”નો સિધ્ધાંત આપ્યો. અર્થાત તેમણે સૌ પ્રથમ કહ્યું “હું ખુદા છું. મારામાં ખુદા છે” તેમની એ વાત એ યુગમાં કોઈના ગળે ન ઉતરી અને તેમને પથ્થરો મારીને મારી નાખવામાં આવ્યા. અબ્દુલ રહીમ ખાનખાન જેઓ અકબરના માર્ગદર્શક બહેરામ ખાનના પુત્ર હતા. અને ઉત્તમ કૃષ્ણભક્ત હતા. તેમણે પોતાની એક સાખીમાં કહ્યું છે,
“બડે બડાઈ ના કરે, બડેના બોલે બોલ
રહિમન હીરા કબ કહે લાખ ટકા હૈ મોલ”
સિંધના સૂફી સંતોમાં બુલ્લેશાહનું નામ ઘણું મોટું છે. તેમણે કહ્યું છે,
“મંદિર-મસ્જિદ તોડો,
મુઝે પ્યાર કૈસા
પર પ્યાર ભરા દિલ કભીના તોડો
જિસ દિલ મેં દિલબર રહેતા”
અત્રે જે દિલબરની વાત બુલ્લેશાહ કરે છે તે ઈશ્વર-ખુદા છે. જેના હદયમાં ખુદા રહે છે, તે દિલ ક્યારેય ના તોડો. આવા માનવ મૂલ્યોની શીખ બુલ્લેશાહના ઉપદેશોના કેન્દ્ર છે. એવા જ એક અન્ય સૂફીસંત થઇ ગયા બાબા ફરીદ, જેઓ જાણીતા સૂફીસંત નીઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. વર્ષો જગલમાં રહી, ઝાડના પાંદડાઓ ખાઈને ઈબાદત કરી. પછી તેઓ પોતાના ઘરે આવ્યા. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. ગૂંચાઈ ગયા હતા. વર્ષો પછી પોતાના પુત્રને જોઈ તેમની મા ઘણા ખુશ થયા. પુત્રનું માથું ખોળમાં મૂકી તેના પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદે કહ્યું,
“મા મારા વાળમાં હાથ ન ફેરવ. વાળ ગુંચાયેલા છે, તેથી મને પીડા થાય છે”
ત્યારે મા બોલ્યા,
“બેટા ફરીદ, વર્ષો તે જંગલમાં ઝાડના પાંદડા તોડી ને ખાધા ત્યારે એ વૃક્ષોને કેટલી પીડા થઇ હશે ?”
અને બાબા ફરીદને જ્ઞાન લાધ્યું “ઈબાદત એવી રીતે કરો જેમાં પીડા તમારે ખુદે સહેવી પડે”
સંત કબીર પણ ઉત્તમ કોટના સૂફી હતા. જેમનું જીવન અને સાખીઓ તેની સાક્ષી પૂરે છે. તેઓ કહે છે,
“મૌકો કહા ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં
નહીં ખાલ મેં, નહીં પોંછ
મેં ના હડ્ડી ના માસ મેં
ના મૈં દેવલ,
ના મૈં મસજિદ,
ના કાબે કૈલાસ મેં
મેં તો રહૌ સહર કે બહાર,
મેરી પુરી મવાસ મેં
કહે કબીર સુનો ભાઈ સાધો,
સબ સાંસો કી સાંસ મેં”
ગુજરાત પણ સૂફી પરંપરાથી તરબતર છે. સંત અહેમદ ખટુ ગંજબક્ષ, હઝરત ઉસ્માન, હઝરત શાહઆલમ શાહ, મહેમુદ શાહ બુખારી, હઝરત દાવલ શાહ, હઝરત સતાર શાહ. સૂફી સંપ્રદાયની ચિસ્તીયા શાખાના હિમાયતી સત્તાર શાહના કોમી એકતાને વાચા આપતા ભજનો આજે પણ લોક જીભે રમે છે.
“કોઈ બ્રાહ્મણ કોઈ વાણીયો
કોઈ સૈયદ કોઈ શેખ
જ્ઞાન કરીને જોઈ લો
ભાઈ આત્મ સૌના એક ”
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ.સ.૧૬૯૯) અને જીવણ મસ્તાન (ઈ.સ.૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ ગવાતી હતી.જીવણ મસ્તાન લખે છે,
“ઇશ્વરતો છે સોનો સરખો રે, એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે ઉભું થયું એવું ભાન છે
સજનો ક્સાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય , એ ભક્તિનો સાર”
આવ સૂફીસંતોએ વહેવડાવેલ માનવ મુલ્યોની સરવાણી આજે પણ આપણને રાહ ચીધતી રહે છે

Leave a comment

Filed under Uncategorized

અખલાક એ એહમદી : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર સ.અ.વ. (પયગંબર સાહેબના નામ પછી લખાતા ટૂંકા શબ્દ સ.અ.વ.નો પૂર્ણ શબ્દ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ થાય છે. જેનો ગુજરાતીમાં અર્થ “તેમના પર અલ્લાહના આશીર્વાદ અને શાંતિ રહો” થાય છે.)માં જે ગુણોનું એકત્રીકરણ કુદરતે કર્યું હતું ,તેને ઇસ્લામી કિતાબોમાં અખલાક એ એહમદી અર્થાત મહંમદ પયગંબર સાહેબના સદગુણો કહ્યા છે. આજે એ અંગે થોડી વાત કરવી છે. મહંમદ સાહેબની નિર્માન સાદાઈ, દરેક વ્યવહારમાં છલકતી માનવતા, એમની કરકસર, હેતની નિષ્ઠા, અડગતા, વિપત્તિમાં સ્વસ્થતા, સત્તા હોવા છતાં નરમાશ અને નિરભિમાન, પ્રાણીઓ તરફ માયા, બાળકો તરફ ઉભરાતો પ્રેમ, શોર્ય અને હિમ્મત, ન્યાયપ્રિયતા અને વિશાળ મન વગેરે જોઈએ છીએ ત્યારે “બલગલ ઉલા બિકમાલે હી” અર્થાત એ ઉચ્ચ સ્થાન પર એ પોતાની આવી પૂર્ણતાથી પહોંચ્યા, વાળી ઉક્તિ સાર્થક લાગે છે.
ખજુર અને જવ જે સસ્તામાં સસ્તા સુલભ હતા, તે જ લેતા અને બાકીનું જરૂરત મંદોને આપી દેતા. પત્નીઓને કામમાં મદદ કરતા, નજર કાયમ નીચી રાખતા, તાકીને કદી જોતા નહી. પોતાના માટે કે કુટુંબ માટે દાન ક્યારેય સ્વીકારતા નહી. કોઈવાર ખજુરની પેશી જોઇને ખાવાનું મન થાય. પણ કદાચ એ દાનમાં આવી હશે તો ? એ વિચારથી ખાવાં માટે ઉપાડેલી પેશી પાછી મૂકી દેતા. એકવાર તેમના નવાસા હસન નાના હતા ત્યારે એમણે એક ખજુર મોમાં મૂકી દીધી. એ જોઈ તેમને ઠપકો આપતા મહંમદ સાહેબે કહ્યું,
“તું નથી જાણતો આપણા કુટુંબમાં હાશમના સંતાનો ખેરાત નથી ખાતા” અને એ ખુજુર તેમને મોમાંથી બહાર કાઢી લીધો.

એકવાર એક યહુદણે ઝેર નાખેલો ખોરાક તેમને ભોજનમાં પીરસ્યો. આપને વહેમ પડતા પૂછપરછ કરી. અંતે એ યહુદણે કબુલ કર્યું,
“મેં આપને મારી નાખવા ખોરાકમાં ઝેર નાખ્યું હતું.” ત્યાં હાજર લોકોએ તે યહુદણને મારી નાખવા મહંમદ સાહેબ પાસે ઈજાજત માંગી ત્યારે મહંમદ સાહેબ ના પાડતા કહ્યું,
“તેને છોડી મુકો”
મુસાફરીમાં ચાલતા ચાલતા તેમના જોડા નો પટ્ટો તૂટી ગયો. તે સાંધવો પડે તેમ હતો. સાથીઓને જાણ થયા સૌ દોડી આવ્યા. અને પટ્ટો સાંધી આપવા વિનંતી કરી. આપે સૌને ના પડતા કહ્યું,
“એ તો વ્યક્તિ પૂજા છે. એ મને ગમતી નથી.” અને પોતે જ પોતાના જોડાણો પટ્ટો સાંધવા બેસી ગયા. એકવાર તેમના સાથી ખબ્બાબને કોઈ કામ અર્થે બહાર મોકલવો પડ્યો. તેના ઘરમાં ભારે કામ કરનારા કોઈ ન હતું. એટલે મહંમદ સાહેબ ખુદ ખબ્બાબની ઊંટણીઓ દોવા નિયમિત તેમના ઘરે જતા. હદીસમાં છે કે મહંમદ સાહેબ કુમારિકાઓ કરતા પણ શરમાળ અને વિનમ્ર હતા. કોઈનેય કઠોર વચનો ન કહેતા. તેમના ચહેરાના હાવભાવ પરથી ખબર પડી જતી કે તેઓ નારાજ છે કે ખુશ.
એકવાર કોઈએ કહ્યું કે પ્રાર્થનામાં મુઆઝ કુરાનની લાંબી આયાતો પઢે છે. ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“સમૂહ પ્રાર્થના બહુ લાંબી ન કરવી. કેમકે એ સમુહમાં નબળા, અશક્ત અને વૃદ્ધ લોકો પણ હોય છે.”
અરબસ્તાનમાં બાગાયતી જમીન અને મિલકત દુર્લભ ગણાય. મખૈરિક નામના એક અમીરે મહંમદ સાહેબને પોતાની જમીનમાંથી સાત બગીચા ભેટ આપ્યા. મહંમદ સાહેબે તેને “વકફ” કરી દીધા. અર્થાત એ બગીચા તેમને લોકહિતાર્થે અર્પણ કરી દીધા. એ બાગોની ઉત્પતિ ગરીબોને, હાજતમંદોને વહેચી દેવામાં આવતી. એકવાર એક માણસે મિત્રો માટે કઈંક ભોજન બનાવવા મહંમદ સાહેબ પાસે સામગ્રી માંગી. આપે ફરમાવ્યું,
“આયશા પાસે જા, ને વિનતી કર તો તને લોટ આપશે.”
પેલા માનવીએ હઝરત આયશાને વિનતી કરી. હઝરત આયશાએ સાંજના ભોજન માટે પણ કઈ રાખ્યા વગર થેલી ભરીને લોટ આપી દીધો. આવું તો ઘણીવાર બનતું. ગફ્ફાર કબીલાનો એક માણસ પયગંબર સાહેબને ત્યાં રોકાયો. ઘરમાં માત્ર થોડું બકરીનું દૂધ હતું. તે મહેમાનને આપી દીધું. અને પયગંબર સાહેબ ભૂખ્યા પેટે સુઈ ગયા.
ઇસ્લામ ધર્મ કઠોર તપનું જીવન ઉત્તેજતો નથી. એટલે મહંમદ સાહેબ દુનિયાની સારી ચીજોને આવકારતા પણ એશ આરામનું જીવન મહંમદ સાહેબ ક્યારેય પસંદ કરતા નહી. કેમ કે ભોગ વિલાસ મર્દાનગી હરે છે. પયગંબર સાહેબ જાડું કપડું પહેરતા. ઊની વસ્ત્રો પસંદ કરતા. એવા જ કપડામાં તેઓ વફાત (અવસાન) પામ્યા. મહંમદ સાહેબ કહેતા,
“મુસાફરીમાં જેટલું આપણી પાસે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું જોઈએ.”
એકવાર એક સહાબીએ આપણે પૂછ્યું, “આપને તકીઓ જોઈએ છીએ ?”
આપે ફરમાવ્યું,
“મુસાફર ઝાડના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય, એથી વધુ મારો સંબંધ જગત સાથે નથી.”
કરાર કે સંધી થાય તો મહંમદ સાહેબ તેનું ચુસ્ત રીતે પાલન કરતા અને કરાવતા. મક્કા જીતાયું ત્યારે વેર લેવાની પૂરી તક હતી. પણ મહંમદ સાહેબે તમામ ત્રાસવાદીઓને માફ કરી દીધા. ખૂન કરવાનો પ્રયત્ન કરનારને ક્ષમા આપી. મહંમદ સાહેબની આવી ઉદારતાને કારણે તેમાંના કેટલાયનું હદય પરિવર્તન થયું અને તેઓ ઉમદા ધર્મ પ્રચારકો બની ગયા.
આ તો હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના અખલાકનો અલ્પ અંશ છે. જો તેમના જીવનના અંશ માત્રને પણ આપણે જીવન ઉદેશ બનાવએ, તો સાચા ઇન્સાન બન્યાનું ગૌરવ અવશ્ય લઈ શકાય.

Leave a comment

Filed under Uncategorized

ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઈફ્તીયારી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગત રમઝાન માસનો ચોથો રોઝો અને ૧૦મી તારીખ હતી. એ દિવસે શુક્રવાર હતો. જુમ્માની નમાઝ પછી સાજે સાત વીસની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મારે અમદાવાદથી મુંબઈ જવાનું હતું. અને મુંબઈથી રાત્રે ૧.૦૫ની હોંગ કોંગની ફલાઈટ પકડવાની હતી. જો કે આમ તો હું રમઝાનમાં મુસાફરી કરવાનું ટાળું છું. પણ જેટ એરવેઝની સમસ્યા સર્જાતા મારો આખો પ્રવાસ કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઇ ગયો. એટલે નાછૂટકે મારે રમઝાનમાં મુસાફરી કરવાનો વખત આવ્યો.
ઇસ્લામમાં સફર અર્થાત મુસાફરીમાં નમાઝ અને રોઝા બન્નેમાં સરળતા આપવામાં આવી છે. નમાઝ અંગે અલ સુરે નીસા (૪.૧૦૧)માં કહ્યું છે,
“અને જયારે આપ સફરમાં હો ત્યારે નમાઝ ટૂંકી કરી શકો છો. તેમાં કોઈ ગુનો નથી.”
અર્થાત ચાર રકાત નમાઝ તમે બે રકાત પઢી શકો છો. પણ ફજર અને મગરીબની નમાઝ ટુકી જ છે, તેથી તેને ટૂંકી કરવાની જરૂરી છે. એ જ રીતે સફરમાં તકલીફ પડે તેમ હોય તો રોઝા ન રાખવાની ઈજાજત પણ ઇસ્લામમાં આપવામાં આવી છે. પણ ચોથા રોઝે રમઝાનની પ્રથમ જુમ્મા (શુક્રવાર) હતી. વળી, મારી ફલાઈટ સાંજની ૭.૧૦ની હોય મેં એ રોઝો જતો કરવાનું મુનાસીબ ન માન્યું. સમસ્યા એટલી જ હતી કે રોઝો ૭.૨૦સે છૂટતો હોય એ સમયે હું પ્લેનમાં હોઉં. એટલે પ્લેનમાં મારે ઇફ્તીયારીની વ્યવસ્થા કરવી પડે. મારી પત્ની સાબેરાને તેની ચિંતા હતી. પણ મેં સાબેરાને કહ્યું,
“તું એની ચિંતા ન કર હું એરપોર્ટ પર જઈ કઈંક વ્યવસ્થા કરી લઈશ.”
સાંજે લગભગ પાંચેક વાગ્યે સાબેરા તથા મારા સાળા અબ્દુલ રહેમાન અને ગુલામનબી મને એરપોર્ટ પર મૂકી ગયા. બોર્ડીંગ અને સિક્યુરીટી પતાવી હું ગેટ નંબર ત્રણ પર આવ્યો. મારી પાસે અમેરિકન એક્સપ્રેસનું લોન્જ કાર્ડ હતું. મેં વિચાર્યું લોન્જમાં પૈસા ભરી ત્યાંથી ઇફ્તીયારી માટેનું ભોજન પેક કરાવી લઈશ. અને પ્લેનમાં રોઝો છોડવાનો સમય થયે, ભોજન કરી લઇશ. પણ લોન્જવાળાએ મને ભોજન પેક કરી આપવાની ના પાડતા કહ્યું,
“હમ ખાના પેક કર કે નહિ દેતે આપ અહી પર ખા લીજીએ.”
“લેકિન મેં રોઝદાર હું અભી નહિ ખા સકતા”
એ મારી સમસ્યા સમજી ગયો એટલે મને રસ્તો બતાવતા કહ્યું,
“પાસ મેં એક રેસ્ટોરન્ટ હૈ જો આપકો ખાના પેક કર દેંગે”
મેં એ રેસ્ટોરન્ટ તરફ કદમો માંડ્યા. મનમાં વિચારતો હતો જો એ ભોજન પેક ન કરી દે તો, વેફરનું એક પેકેટ લઇ લઈશ. તેનાથી થોડી રાહત થઇ જશે. પછી મુંબઈ પહોંચી નિરાતે ભોજન કરીશ. રેસ્ટોરન્ટના કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. તેને મેં મારી સમસ્યા કહી. અને તે બોલી ઉઠ્યો,
“અરે સાહબ, આપ યહાં આરામ સે બેઠે. મેં આપ કો સબ ઇન્તજામ કર દેતા હું.”
અને તેણે મને વેજીટેબલ બિરિયાની અને એક બોટલ પાણી પેક કરીને આપ્યા અને કહ્યું,
“અભી બોડીંગ નહિ હુવા. આપ યહાં આરામ સે બેઠે. મેરા વેઈટર બોડીંગ હોને પર આપ કો બતા દેગા.”

લગભગ ૬.૫૦.એ બોર્ડીંગ શરુ થયું. હું પ્લેમમાં પ્રવેશ્યો. સાતને વીસનો સમય થયો ત્યારે મારું પ્લેન અમદાવાદથી લગભગ ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. મેં પેક કરીને લાવેલ ભોજન કાઢ્યું. અને એર હોસ્ટેસને એક પાણી નો ગલાસ આપવા વિનતી કરી. એટલે તેણે મને સ્મિત કરતા પૂછ્યું,
“આપ રોઝે સે હૈ ?”
“જી” અને તે સસ્મિત કરી ચાલી ગઈ. મારી બાજુમાં એક ગુજરાતી હિંદુ બિરાદર બેઠા હતા. અમારી વાત સાંભળી તેમણે પોતાની હેન્ડ બેગમાંથી લીબું પાણીની પેક બોટલ કાઢી અને મને આપતા કહ્યું,
“વડીલ, આ લીંબુ પાણીની બોટલથી આપ રોઝો છોડો, તો થોડુંક પુણ્ય મને પણ મળશે.”
હું તેમની ધાર્મિક સદભાવના જોઈ રહ્યો. મેં કહ્યું.
“મારી પાસે પાણીની બોટલ છે.”
“પાણી કરતા લીંબુ પાણી આપને થોડી વધુ શાતા આપશે.”
“શાતા” શબ્દ સાંભળી મેં પૂછ્યું “આપ જૈન છો ?” તેમણે સસ્મિત હા પાડી. અમારી વાત ચાલતી હતી, ત્યાજ એરહોસ્ટેસ બહેન ટ્રેમાં પાણીની બોટલ, ગ્લાસ અને એક ભોજન પેકેટ લઈને આવી ચઢ્યા.
“યે ભોજન હૈ ઔર પાની કી બોટલ ઔર ગ્લાસ. આપ આરામ સે રોઝા છોડીએ. કિસી ઔર ચીજ કી જરૂરત હોતો મુઝે અવશ્ય યાદ કીજીયે ગા .”
મેં કહ્યું,
“શુક્રિયા મેડમ, મેં ભોજન લેકે આયા હું.”
તેણે સ્મિત વેરતા કહ્યું,
“આપ કો ભોજન હમ દેન હી વાલે થે. પર આપ કા રોઝા હૈ ઈસ લીયે હમ આપકો જલ્દી દે રહે હૈ”
અને તે મારી સામેની ખુરસીના ડેસ બોર્ડ પર મૂકી ચાલી ગઈ.
ઇફ્તીયારીની તમામ સામગ્રી લીંબુનું શરબત, વેજીટેબલ બિરિયાની, બે સમોસા, ઓરેંગ જ્યુસ અને ઠંડા પાણીની એક બોટલા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈ એ મારી સામે હતા. અને હું પ્લેનની બારીમાંથી ખુદાની આ રહેમતનો શુક્ર અદા કરી રહ્યો હતો. ખુદાએ કહ્યું છે,
“રોઝદાર મારો પ્યારો બંદો છે. તેની દરકાર રાખવાનું કાર્ય હું ખુદ કરું છે”
એ વિધાનની સત્યતા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ મેં અનુભવી. અને હું ખુદાની ખુદાઈથી ભીજાઈ ગયો.

Leave a comment

Filed under Uncategorized