Category Archives: Uncategorized

શાયર કા કોઈ મઝહબ નહિ હોતા : ડૉ. મહેબૂબ દેસાઈ

ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તેમા અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ. માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે. આવી વિશાલ સમાજને સાકાર કરવામાં આપણા શાયરોનો ફાળો વિશેષ છે. શાયર હિંદુ કે મુસ્લિમ નથી હોતો. શયર તો માત્ર શાયર જ હોય છે. તેની રચાનોમાં ધર્મનો કોઈ ભેદ જોવા મળતો નથી. અને જેની રચનાઓમાં હિંદુ મુસ્લિમ ભેદ વ્યક્ત થયા છે તે શાયર નથી. પણ તુકબંધી કરનાર સામાન્ય વ્યક્તિ છે. આજે એવા સાચા શાયરોની થોડી વાત કરાવી છે. જેમણે પોતાની રચનાઓમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મને ઈજ્જત બક્ષી છે. તેની ગરિમા વધારી છે. એ શાયરોમાં સૌ પ્રથમ નામ ડૉ ઇકબાલનું આવે છે. જેમણે આપણને તારાના એ હિંદ આપ્યું. જેમાં તેમણે કહ્યું,
“મઝહબ નહિ શીખતા આપસ મેં બેર કરના
હિંદી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તા હમારા”
અર્થાત કોઈ ધર્મ વેરેઝેર પ્રસરાવવાનું કે આપસમાં લડવાનું નથી શીખવતો. શાયર માટે તેની શાયરી તેનો ધર્મ છે. તેમાં હિંદુ કે ઇસ્લામ જેવા કોઈ ભેદ નથી હોતા. શાયરની શાયરીનો વિષય તેની પારદર્શક મનોદશામાથી જન્મતો હોય છે. અલબત્ત તેની રજુઆતમાં શબ્દોની પસંદગી શાયરની પોતાની હોય છે. પણ તેના વિચારોમાં ક્યાંય ધર્મચુસ્તતા કે કટ્ટરતા જોવ નથી મળતી. અને એટલે જ શાયર અન્ય ધર્મના પ્રતિકોને પણ પોતાની શાયરીમાં અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બનાવે છે. જેમ કે પાકિસ્તાની મર્હુમ શાયરા પરવીન સાકીર(૧૯૫૨-૧૯૯૪)એ કૃષ્ણ ભગવાનને કેન્દમાં રાખી લખ્યું છે,

“કૈદ મેં ગુઝરેગી જો ઉમ્ર બડે કામ કી થી
પર મેં ક્યાં કરતી કી જંજીર તેરે નામ કી થી
યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા
યું સતાને કી આદત તો મેરે શ્યામ કી થી”

અને એજ શાયરા ખુદા અને તેના બંદાને નજર સમક્ષ રાખી લખે છે,

“ગવાહી કૈસે તૂટતી મુઆમલા ખુદા કા થા
મેરા ઔર ઉસકા રાબ્તા તો હાથ ઔર દુવા કા થા”

ભારતના એક અન્ય મશહુર શાયર બેતલ ઉતાહી પણ કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી લખે છે,
“જિસ કી હર શાખ પર રાધાએ મચલતી હોગી
દેખના કૃષ્ણ ઉસી પેડ કે નીચે હોંગે”

અન્ય એક શાયર હસન કમાલ રામાયણના ધનુષ્ય તોડવાના પ્રસંગને આલેખતા લખે છે,
“અબ કોઈ રામ નહિ ગમ કા ધનુષ તોડે
ઝીંદગી હોતી હૈ સીતા કે સ્વયંવર કી તરહ”

એક બહુ જાણીતા શાયર કુંવર મહેન્દ્ર સિંગ બેદી હતા. તેમની શાયરીમાં સરળતા અને તથ્યનો સુભગ સમન્વય જોવા મળતો. તેઓ તેમના એક બેબાક શેર કહે છે,
“ઈશ્ક હો જાયે કિસી સે કોઈ ચારા તો નહિ
સિર્ફ મુસ્લિમ કા મહંમદ પર ઈજારા તો નહિ”

આપણા જાણીતા કવિ અને સંગીતકાર રવીન્દ્ર જૈનનો એક શેર છે,
“ તુમ અપને દિલ મેં મદીને કી આરઝુ રખના
ફિર ઉસકા કામ હૈ જજબે કી આબરૂ રખના”
તું તારા દિલમાં મદીનાની આરઝુ રાખ. અર્થાત ઈચ્છા કે આસ્થા રાખ. પછી તારી આસ્થાની ઈજ્જત રાખવાનું કામ તો તેનું છે, અર્થાત ખુદા ઈશ્વરનું છે.
ક્રિષ્ણ બિહારી નૂર કહે છે,
“મર ભી જાઓ તો નહિ મીલતે હૈ મરને વાલે
મૌત લેજા કે ખુદા જાને કહાં છોડતી હૈ
જપ્તે ગમ ક્યાં હૈ તુઝે કૈસે સમજાઉં
દેખના મેરી ચિતા કિતના ધૂંવા છોડતી હૈ”

આવા શાયરો કે જેમણે મઝહબને મહોબ્બત અને એખલાસનો સેતુ બનાવ્યો. જેમણે સમાજમાં મઝહબની નવી પરીભાષા આપી. તેવા તમામ શાયરીને સલામ.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

શ્રીનગરની હઝરતબલ દરગાહ : ડૉ. મહેબૂબ દેસાઈ

શ્રીનગર (કાશ્મીર)ના પ્રવાસે જતા પ્રવાસીઓ શ્રીનગરની સુંદરતા સાથે ડલ લેઈક, શાલીમાર ગાર્ડન વગેરેના દીદાર કરવાનું ચૂકતા નથી. બહુ ઓછા પ્રવાસીઓ હઝરતબલ જેવા આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થાનની મુલાકાત લેવા જતા હોય છે. પંદરેક વર્ષ પહેલા હું શ્રીનગર ગયો ત્યારે મારી પણ એ જ હાલત હતી. પણ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને એક રીક્ષા ચાલકે હઝરતબલ જવાની સલાહ આપી. અને તેનો થોડો ઈતિહાસ પણ કહ્યો. પરિણામે બધું પડતું મૂકી મેં તે રીક્ષા ચાલકને રીક્ષા સીધી હઝરતબલની દરગાહ પર લઇ લેવા કહ્યું. આમ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને અનાયાસે એક ઐતિહાસિક અને પવિત્ર સ્થાનના દીદાર કરવાની તક સાંપડી. સફેદ સંગેમરમરના પથ્થરોથી તામીર થયેલ આ દરગાહ ડલ ઝીલમાં તરતા ખુબસુરત મોતી જેવી ભાસે છે. હઝરતબલની દરગાહ સાથે જ સુંદર મસ્જિત પણ આવેલી છે. આ મસ્જિત પહેલા એક મહેલ હતી. ઈ.સ. ૧૬૨૩મા મોઘલ બાદશાહ શાહજહાંના સુબેદાર સાદિક ખાને પોતાના માટે અહિયાં એક મહેલ અને સુંદર બગીચો બનાવ્યો હતો. ઇ.સ. ૧૬૩૪મા શાહજહાં કાશ્મીર આવ્યો ત્યારે તેણે એ મહેલને ઈબાદત ખાનું અર્થાત મસ્જિત બનાવવાનો આદેશ આપ્યો. આમ એક સુંદર મહેલ મસ્જીતમાં તબદીલ થઈ ગઈ. અને એટલે જ હઝરતબલ દરગાહ અંદરથી અત્યંત વિશાલ અને ભવ્ય છે. આવી ભવ્ય મસ્જિતમા નમાઝ પઢવાનું સૂકુન વષો પછી આજે પણ હું મહેસૂસ કરું છું.
હઝરતબલની દરગાહમા ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના દાઢીનો બાલ સચવાયેલો છે, જેની સાથે વિશ્વના કરોડો મુસ્લિમોની આસ્થા જોડાયેલી છે. કાશ્મીરી ભાષામાં “બલ”નો અર્થ “જગ્યા” થાય છે. એ દર્ષ્ટિએ હઝરતબલનો અર્થ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નું સ્થાન કે જગ્યા એવો થાય છે. ફારસી ભાષામાં “બાલ” શબ્દનોં અર્થ “મૂ’ અથવા “મો” થાય છે. હઝરતબલની દરગાહમાં રાખવામાં આવેલ બાલ ને “મો-એ-મુકદ્દસ” પવિત્ર બાલ પણ કહે છે. કેટલાક આ દરગાહને “મદીનાત અસનીત” અથવા “ અશેરે શરીફ” પણ કહે છે. હઝરતબલની દરગાહ શ્રીનગરમાં ડલ ઝીલની ડાબી બાજુએ લગભગ છ સાત કિલોમીટરના અંતરે આવેલ છે. ડલ ઝીલ પ્રવાસી સ્થાન છે. જયારે હઝરતબલએ શહેરનો રહેણાકી વિસ્તાર છે. અહિયાં આપને કાશ્મીરી સંસ્કૃતિ અને સમાજની ઝલક બખૂબી જોવા મળે છે.
હઝરતબલની દરગાહની ઐતિહાસિક કથા પણ જાણવા જેવી છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)સાહેબના વંશજ સૈયદ અબ્દુલ્લાહ ઈ.સ. ૧૬૩૫મા મદીનાથી પગપાળા ભારત આવ્યા હતા. અને આજના કર્નાટક રાજ્યના બીજાપુર શહેરમાં તેમણે વસવાટ કર્યો હતો. તેઓ તેમની સાથે હઝરત મહંમદ પયગંબર સાહેબનો દાઢીનો બાલ લઈને આવ્યા હતા. સૈયદ અબદુલ્લાહના અવાસન પછી તેમના પુત્ર સૈયદ હામિદને તે પવિત્ર બાલ વારસમાં મળ્યો. એ સમયે ભારતમાં મોઘલ શાસન હતું. કોઈક અગમ્ય કારણો સર મોઘલ શાસકોએ સૈયદ હામિદની જમીન જાયદાત જપ્ત કર્યા. પરિણામે આર્થિક પરેશાનીઓને કારણે સૈયદ હામિદએ પોતાને વારસામાં મળેલ એ બાલ કાશ્મીરના એક ધનિક વેપારી ખ્વાજા નૂરુદ્દીન ઈશાનીને વેચી નાખ્યો. આ ઘટનાની જાણ એ સમયના મોઘલ બાદશાહ ઔરંગઝેબને થઈ. તેમણે એ પવિત્ર બાલ ખ્વાજા નૂરુદ્દીન પાસેથી લઈને અજમેરના સૂફી સંત મોઉદ્દીન ચિસ્તીની દરગાહને સાચવવા આપ્યો. અને ખ્વાજા નૂરુદ્દીનને આવા અવશેષનો વેપાર કરવાના ગુનાહસર કેદ કરવામાં આવ્યો.
કેટલાક વર્ષો પછી ઔરંગઝેબને તેની ભૂલ સમજાઈ. પોતાન કૃત્ય અંગે તેને પસ્તાવો થયો. તેથી તેણે ખ્વાજા નૂરુદ્દીનને કેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો.અને તેને તે પવિત્ર બાલ કાશ્મીર લઇ જવાની પરવાનગી આપી. પરંતુ ત્યારે તો કેદમાં નૂરુદ્દીનનું અવસાન થઈ ગયું હતું. એટલે એ પવિત્ર બાલ તેના મૃતુદેહ સાથે ઈ.સ. ૧૭૦૦મા કાશ્મીર લાવવામાં આવ્યો. કાશ્મીરમાં નૂરુદ્દીનની પુત્રી ઈનાયત બેગમને એ પવિત્ર બાલ સોંપવામાં આવ્યો. ઈનાયત બેગમે પવિત્ર બાલ માટે એક દરગાહ બનાવી. ઈનાયત બેગમના નિકાહ શ્રીનગરના પાંડે પરિવારમાં થયા હતા. તેથી મહંમદ સાહેબનો દાઢીનો એ પવિત્ર બાલ આજે પાંડે પરિવારની નિગરાનીમાં છે.

આ કથા અહિયાં સમાપ્ત થતી નથી. જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૨૭ ડીસેમ્બર ૧૯૬૩ના રોજ એક આઘાતજનક ઘટના બની. હઝરતબલની દરગાહમાં સાચવી રાખવામાં આવેલ મહંમદ સાહેબના મુકાદ્સ બાલની ચોરી થઈ ગઈ. આ ઘટના ૨૭ ડીસેમ્બરની રાત્રે બે વાગ્યે બની.
આ વાત અગ્નિની જેમ સમગ્ર દેશમાં પ્રસરી ગઈ. પરિણામે કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં જેવા કે પશ્ચિમ બંગાળમા અશાંતિ પ્રસરી ગઈ. પૂર્વ પાકિસ્તાનમા પણ તેની અસર થઈ. શ્રીનગરમાં લાખોની સંખ્યામાં લોકો સડક પર ઉતારી આવ્યા. અનેક અફવાઓએ પણ અશાંતિને વધુ પ્રસરાવવામા મદદ કરી. ૨૭ ડીસેમ્બરના રોજ સવારે સમાચાર મળતા જ કાશ્મીરના મુખ્યમંત્રી ખ્વાજા શમ્સ ઉદ દીન દરગાહ પર પહોંચી ગયા. અને તેમણે પવિત્ર બાલ શોધી આપનાર કે તેની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી. ૩૧ ડિસેમ્બરે ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તેની તપાસ સીબીઆઈને સોપવાની જાહેરાત કરી. સીબીઆઈના વડા બી.એમ. મુલ્લીક કાશ્મીર પહોંચી ગયા. અને તેમણે તપાસ આરંભી. એ સાથે જ આ માટે એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી. તમામ સક્રિય પ્રયાસોને કારણે ૪ ડીસેમ્બર ૧૯૬૪ના રોજ મહંમદ સાહેબનો મુકાદ્સ અને ઐતિહાસિક બાલ શોધી કાઢવામાં આવ્યો. તેના માનમાં કાશ્મીરના રાજા કરણ સિંગે હિંદુ મંદિરમાં ભવ્ય પૂજાનું આયોજન કર્યું. અને કાશ્મીર અને દેશમાં શાંતિ જાળવવા પ્રજાને અપીલ કરી. જયારે સીબીઆઈ વડા બી.એમ. મુલ્લીકએ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને મહંમદ સાહેબનો બાલ મળી ગયાના સમાચાર આપ્યા ત્યારે નહેરુ એટલું જ બોલ્યા હતા,
“મુલ્લીક, તમે કાશ્મીર અને દેશની હિફાઝત કરી છે.”
એ સમયના દેશના ગૃહ પ્રધાન ગુલઝારીલાલ નંદાએ પાર્લામેન્ટ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું,
“હઝરત મહંમદ સાહેબના બાલની ચોરી કરનાર ચોર પકડાઈ ગયા છે.”
હઝરતબલ અર્થાત હઝરત મહંમદ પયગંબર સાહેબના પવિત્ર બાલને પુનઃ સ્થાપિત કરવાની ઘટનાને આજે ૫૫ વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ એ દરગાહ પર લોકોની આસ્થા અને પ્રેમ યથાવત છે અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized

સુહાસિની હૈદર અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

બીજેપીના સાંસદ સ્વામી સુબ્રમણ્યમની નાની પુત્રી સુહાસિનીએ એક મુસ્લિમ સાથે નિહાહ કર્યા છે. તેમના પતિનું નામ નઈમ હૈદર છે. સુહાસિનીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. અને તેઓ તેમના પતિ સાથે હજયાત્રા પણ કરી આવ્યા છે. એ ઘટના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે તેઓ એક સુંદર અને અસરકાર કવિયત્રી છે. અખબારના સંપાદક અને કોલમિસ્ટ છે. ઇસ્લામ અંગેનું તેમનું અધ્યન ઘણું ઊંડું છે. ઇસ્લામ અંગેના તેમના વિચારો અત્યંત સ્પષ્ટ અને પારદર્શક છે. ઉર્દુ અને હિંદી બંને ભાષાઓ પર તેમનું વર્ચસ્વ અદભૂત છે. તેમની એક નઝમ ઉર્દુ અને હિંદી બંને ભાષાઓને ધર્મના નામે અલગ કરી, તે પ્રત્યે ઓરમાયું વર્તન કરનાર માટે એક સબક સમાન છે. સૌ પ્રથમ તેમની એ રચનાને માણીએ.

“મેં હિંદી કી વો બેટી હું, જિસે ઉર્દૂને પાલા હૈ
અગર હિંદી કી રોટી હૈ, તો ઉર્દુ નિવાલા હૈ
મુઝે હૈ પ્યાર દોનો સે, મગર એ ભી હકીકત હૈ
લતા જબ લડખડાતી હૈ, હયા ને હી સંભાલા હૈ
મેં જબ હિંદી સે મિલતી હું, તો ઉર્દુ સાથ આતી હૈ
ઔર જબ ઉર્દુ સે મિલતી હું, તો હિંદી ઘર બુલાતી હૈ
મુઝે દોનો હી પ્યારી હૈ, મેં દોનો કી દુલારી હું
ઇધર હિંદી સી માઈ હૈ, ઉધર ઉર્દુ સી ખાલા હૈ
યહી કી બેટીયા દોનો, યહી પે જન્મ પાયા હૈ
સિયાસતને ઇન્હેં હિંદુ ઔર મુસ્લિમ કયો બનાયા હૈ
મુઝે દોનો કી હાલત એક સી માલુમ હોતી હૈ
કભી હિંદી પર બંદિશ હૈ, કભી ઉર્દુ પે તાલા હૈ
ભલે અપમાન હિંદી કા હો, યા તોહીન ઉર્દુ કી
ખુદા કી હૈ કસમ હરગીઝ, હયા યે સહ નહિ સકતી
મેં દોનો કે લિયે લડતી હું, ઔર દાવે સે કહતી હું
મેરી હિંદી ભી ઉત્તમ હૈ, મેરી ઉર્દુ ભી આલા હૈ”

ઉત્તમ શાયર અને કવિયત્રી એવા સુહાસિની હૈદર પોતાના ઇસ્લામ પ્રવેશ અંગેના અનુભવોને ટાંકતા કહે છે,
“મેં ઈસ્લામને સમજવા તેના ગ્રંથો વાંચવાનું શરુ કર્યું. અને ત્યારે સાચ્ચે જ એ ધર્મ મારી રૂહમાં ઉતરી ગયો. અને મને અહેસાસ થયો કે ઇસ્લામ એક સારો મઝહબ છે. તેના વિષે જે જાણે છે તે તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકતો નથી. અલબત્ત આજે ઇસ્લામ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. એ માટે તેના અનુયાયીઓની ઇસ્લામ અંગેની પૂરતી સમજનો અભાવ છે. એ માટે હું મારી આસપાસના લોકોને ઇસ્લામની સાચી સમજ આપવાનો પ્રયાસ કરું છું. હું મારી આસપાસ પણ ઈસ્લામ અંગેની થોડી ઘણી ગેરસમજ દૂર કરવામાં સફળ થઈશ, તો પણ ઇસ્લામની ઉમદા સેવા કર્યાનું માનીશ”
“જો કે આરંભમાં જયારે હું મુશાયરા જતી ત્યારે હિંદુ સમાજના લોકો મને પૂછતાં કે મુસલમાનો વચ્ચે જતા તમને ડર નથી લાગતો ?”
તેમની વાત સાંભળી મને નવાઈ લાગતી. અને હું તેમને કહેતી,
“આવા તહજીબ અને અદબ વાળા લોકો કેવી રીતે ખરાબ હોઈ શકે ?”
“મેં ઇસ્લામની હદીસનો અભ્યાસ કર્યો છે. મારે ત્યાં “ઇન્કલાબ” નામક ઉર્દુ અખબાર આવે છે. તેની ઇસ્લામિક કોલમ હું નિયમિત વાંચું છું. એવી જ એક હદીસ પરથી મેં ચાર લાઈનો લખી છે. તેમા મેં લખ્યું છે,
“મેરા કિરદાર કહેતા હૈ, મેરા કામ કહેતા હૈ
મેરા આમાલ કહેતા હૈ, એ મેરા નામ કહેતા હૈ
બડે ઘરમેં રહેને સે, બડા હોતા નહિ કોઈ
હૈ જિસકા દિલ બડા વો હૈ બડા, એ ઇસ્લામ કહેતા હૈ”
આ રચના ઇસ્લામના તમામ અનુયાયીઓ માટે મોટી હિદાયત અર્થાત ઉપદેશ સમાન છે. મુસ્લિમનું વ્યક્તિત્વ, તેના કાર્યો અને તેનું નામ જ, તેની સાચી ઓળખ છે. મોટા ઘરમાં રહેવાથી કે જન્મ લેવાથી મોટા થવાતું નથી. પણ જેનું દિલ મોટું છે અર્થાત માનવતાથી તરબતર છે, તે જ મોટો માણસ છે. એવી જ બીજી પણ ચાર લાઈનો સુહાસિની હૈદરની માણવા જેવી છે. તેઓ લખે છે,
“ખુદા જિસ કી હિફાઝત કી ઠાન લેતા હૈ,
તો મકડી કી જાલો કી ચાદર તાન લેતા હૈ
અગર વો ઝિંદગી લીખ દે, તો સમુન્દર રાહ દે દેતા હૈ
અગર વો મૌત લીખ દે તો, મચ્છર ભી જાન લેતા હૈ”
પ્રથમ બે લાઈનોમાં હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના જીવનનો એક કિસ્સો છુપાયેલો છે. મહંમદ સાહેબ મક્કાથી મદીના જવા નીકળ્યા ત્યારે દુશ્મનો તેમની જાન લેવા તેમની પાછળ પડ્યા હતા. ત્યારે ખુદાએ ગુફાના દ્વાર પર મકડી અર્થાત કરોળિયાનું જાળું બનાવી તેમની હિફાઝત કરી હતી. એટલે કે ખુદા જેને ઝિંદગી આપવા ઈચ્છે છે, તેના માટે દરિયામાં પણ રસ્તો કરી નાખે છે. અને જેનું મૌત મુકરર કરી દે છે તેનો જીવ નાનકડો મચ્છર પણ લઇ શકે છે.
આજે સુહાસિની હૈદર જેવી વિભૂતિઓ ધર્મને વાડાઓના મર્યાદિત બંધનમાંથી દૂર કરી, એક વિશાલ માનવીય અભિગમ તરફ વાળી રહી છે. એ માટે સુહાસિનીબહેનને સાચ્ચે જ સો સો સલામ.

Leave a comment

Filed under Uncategorized

આમાલ-એ-મોરારીબાપુ : ડૉ. મહેબૂબ દેસાઈ

મહુવાના મુસ્લિમ સમાજમાં જાણીતા મહેંદી બાપુ થોડા દિવસ પૂર્વે મને મળવા આવ્યા. મહુવામાં મહેંદી બાપુના પ્રયાસોથી હઝરત ઈમામ હુસેનની શહાદ અનવ્યે યોજાતા કોમી એખલાસના કાર્યક્રમોમાં મોરારીબાપુની ઉપસ્થિતિ જાણીતી છે. પરિણામે આજે પણ મહુવામાં કોમી સદભાવ જળવાઈ રહ્યો છે. વીસેક મિનીટની અમારી મુલાકાતમાં મહેંદી બાપુ સાથે ગાંધીજીની દોઢસો વર્ષની જન્મજયંતી અન્વયે એક માતબર કાર્યક્રમના આયોજન બાબત વાત થઈ. એ વાત તેમણે મહુવા જઈ મોરારીબાપુને કરી. અને બાપુનો મારા પર ફોન આવ્યો. તેમણે સપૂર્ણ શ્રદ્ધાથી મને કહ્યું,
“મહેબૂબભાઈ, ગાંધીજીના કાર્યક્રમમા આપને મારો સહકાર છે.”
હું તેમનો ગાંધીપ્રેમ તેમની વાણીમાં અનુભવી રહ્યો. જો કે મોરારીબાપુનો ગાંધી પ્રેમ બહુ જાણીતો છે. ૨૦૧૩મા નીતિન વડગામીએ મોરારીબાપુની મુલાકાત લીધી હતી. એ મુલાકાતની નાનકડી પુસ્તિકા “મુખોમુખ” મારા નાનકડા ગ્રંથાલયમાં સચવાયેલી હતી તે મેં કાઢી. તેમાં વ્યક્ત થયેલા મોરારીબાપુના ગાંધીજી અંગેના વિચારો આજે પણ યથાર્થ ભાસે છે. તેમાં ગાંધીજી અંગે મોરારીબાપુએ કહ્યું હતું,

“ગાંધી બાપુ મને ગમે છે. તેમની નાનપણથી તે નિર્વાણ સુધીની જીવનની જે યાત્રા છે, એ કદાચ કોઈ પણ જીવની મહાત્મા બનવાની યાત્રા છે. એક જીવાત્મા મહાત્મા સુધી કેમ વિકસે એની આખી યાત્રા છે, એની એક આખી માર્ગદર્શિકા, એક આખી ગાઈડ છે એમની આખી યાત્રા. ક્યાં એ હતા અને એમનું જીવન ક્યાં સુધી પહોંચે છે ! એ એટલા માટે ગમે છે કે આ સંભાવના દરેકમાં પડી છે. કોઈ પણ જીવાત્મા, મહાત્મા થવા માટે અધિકારી છે, એ એનો અધિકાર છે, ધારે તો કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે, એટલે ગાંધી મને બહુ ગમે છે.”
મોરારીબાપુએ મુસ્લિમ સમાજ સમક્ષ આપેલ વ્યાખ્યાનોનો સંગ્રહ “મજહબ-એ-મોહબ્બત”નામક પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે. જયદેવ માંકડે સંપાદિત કરેલ હિંદી ભાષાનું આ પુસ્તક દરેક મુસ્લિમે વાંચવા જેવું છે. તેના પ્રથમ વ્યાખ્યાનમાં મોરારીબાપુએ એક સૂફીસંતને શોભે તેવી સુંદર વાત કરી છે.
“અગર તું મસ્જિત મેં હૈ, તો મંદિર મેં કૌન હૈ ?
અગર તું મંદિર મેં હૈ, તો મસ્જિત મેં કૌન હૈ ?
અગર તું તસબીહ કે એક દાને મેં હૈ, તો હર દાને દાને મેં કૌન હૈ ?
અગર તું વીરાને મેં પલતા હૈ, તો ગુલીસ્તા મેં કૌન હૈ ?
અગર તું શમ્મા મેં જલતા હૈ, તો પરવાને મેં કૌન હૈ ?”
એક સૂફીસંતે આવું જ કંઈક બે લાઈનમાં કહ્યું છે.
“વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહેતા
વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા”
માનવતા એ જ સાચો મઝહબ છે. એવું કહેવા માત્રના મોરારીબાપુ આગ્રહી નથી. પણ તેમનું જીવન એક સૂફીસંત જેમ જ આમાલ અર્થાત આચરણમાં માને છે.
મોરારીબાપુના ગામ તલગાજરડામા નાથાભાઈ રહે. તેમનું મૂળનામ યુસુફભાઈ. ઇસ્લામના અનુયાયી. લાંબી સફેદ દાઢી અને દુબળો પાતળો બાંધો. બધાની સાથે હંમેશા હસીને વાત કરે. પોતાની પાસે જે કઈ છે તેનાથી સંતુષ્ટ થઈ જીવતા યુસુફભાઈ સમય મળે ત્યારે ચિત્રકૂટધામમા બાપુના પાસે આવે અને સત્સંગ કરે. બાપુના માટે સત્સંગ એટલે,
“આપણે બે જણા કોઈ સારી વાત કરતા હોઈએ તો એ સત્સંગ છે.”
એક દિવસ બાપુએ યુસુફભાઈને પૂછ્યું,
“નાથાભાઈ, હજ પઢવા ગયા છો ?”
“બાપુ, હજ પઢવા જવાનુ મારુ ગજુ નથી. એટલા બધા નાણાની જોગવાઈ હું કયારેય કરી ન કરી શકું.”
બાપુએ એક પળનો વિચાર કર્યા વગર કહ્યું,
“ચિત્રકૂટ તરફથી તમે હજ પઢવા જાવ તો ?”
યુસુફભાઈ અર્થાત નાથાભાઈ બાપુની શુદ્ધ ભાવનાથી વાફેક હતા. એટલે તેમણે સંમતિ આપી. પાસપોર્ટ અને અન્ય વિધિ કરવામાં ખાસ્સો સમય પસાર થઈ ગયો. પરિણામે હજ કમિટીના સમાન્ય કોટામા જગ્યા ન મળી. એટલે બાપુએ નાથાભાઈ અને તેમના પત્નીને વી.આઈ.પી. કોટામા હજ પઢવા મોકલ્યા. હજ યાત્રાએ જતા નાથાભાઈને વિદાઈ આપતા બાપુએ કહ્યું,
“નાથાભાઈને હનુમાન રહેમાનને ત્યાં મોકલે છે.”
એકવાર આણંદ જિલ્લાના મરિયમપુરા ગામના ખ્રિસ્તી ધર્મી શિક્ષક શ્રી જીતુ ફીલીપે મોરારીબાપુને પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. બાપુએ નિમંત્રણ સહર્ષ સ્વીકાર્યું. એક દિવસ બાપુ તેમના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં ભોજન પણ લીધું.
આવા સૂફીસંતને પૂછવામાં આવ્યું,
“ભક્તિ અને મુક્તિમાંથી આપ શું પંસદ કરો છો ?”
બાપુએ કહ્યું,
“બહુ સ્પષ્ટ છે કે, “હરિ જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર”. મુક્તિ તમે પસંદ કરો તો ભક્તિ આવે કે કેમ એની ખાતરી નથી, પણ ભક્તિ (ઈબાદત)નો માર્ગ લો તો મુક્તિ આવે જ.

આવા મોરારીબાપુને ભારતવાસીઓના સો સો સલામ.

Leave a comment

Filed under Uncategorized

બે સૂફીકથાઓ: ડૉ. મહેબૂબ દેસાઈ

સ્વામી વિવેકાનંદના પિતાજીનું અવસાન થયું. પિતાજી કર્ઝ મુકીને ગયા હતા. તે ચૂકવવાનો કોઈ માર્ગ વિવેકાનંદજીને સૂઝતો ન હતો. કારણ કે તેઓ તો આધ્યાત્મિક દુનિયામા લીન હતા. રામકૃષ્ણ પરમહંસ તેમની મનોભૂમિ પર છવાયેલા હતા. તેમની સાથે સત્સંગમા તેઓ ચોવીસે કલાક રચ્યાપચ્યા રહેતા. પણ વિધવા માને કર્ઝની ચિંતા હતી. વળી, ઘરની આર્થિક સ્થિત પણ ચિંતાજનક હતી. ક્યારેક ઘરમાં ભોજન ન બનતું, તો કયારેક એકાદ માણસ પુરતું જ ઉપલબ્ધ થતું. એવા સમયે વિવેકાનંદજી માને કહેતા,
“મા, તું જમી લે આજે મારે મારા મિત્રને ત્યાં જમવાનું નિમંત્રણ છે.”
અને તેઓ ઘરની બહાર નીકળી જતા. સડકો પર, ગલીઓમા ભુખ્યા પેટે ફરતા રહેતા. પાણી પીને પેટ ભરી લેતા. અને ઘરે પાછા આવી માને પકવાનો આરોગ્યાની વાતો કરતા. એક દિવસ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદજીની આ સ્થિતિની જાણ થઈ. તેમણે શિષ્યને સલાહ આપતા કહ્યું,
“તું તો માનો ભક્ત છે. માના મંદિરમાં જઈને મા પાસે જે કઈ માંગવું હોય તે માંગી લે ને. મા અવશ્ય તારી તમામ સમસ્યાઓ દૂર કરશે.”
વિવેકાનંદજી ગુરુની આજ્ઞા સાંભળી રહ્યા. તેમની ઈચ્છા મા પાસે કશું માંગવાની ન હતી. છતાં ગુરુની આજ્ઞા માનીને તેઓ માની મૂર્તિ સામે જતા. બે ત્રણ કલાક ભક્તિમાં લીન રહેતા અને મા પાસે કશું માંગ્યા વગર પાછા આવી જતા. તેની જાણ રામકૃષ્ણ પરમહંસને થઈ. તેમણે શિષ્યને પુનઃ કહ્યું,
“તું મા પાસે કેમ તારી સમસ્યાની વાત કરતો નથી. મા તારી બધી તકલીફો દૂર કરી દેશે”
વિવેકાનંદજી ગુરુની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી માની મૂર્તિ સામે એક નજર કરી બોલ્યા,
“માની મૂર્તિ સામે જયારે જયારે હૂં જઉં છું ત્યારે ત્યારે તેમની ભક્તિમાં લીન થઈ બધું ભૂલી જઉં છું. વળી, મા શું નથી જાણતા ? તેઓ તો સર્વજ્ઞાની છે. તેમની પાસે કશું માંગવાની મને જરૂર નથી લાગતી.”
ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ સાંભળી ખુશ થયા. અને શિષ્ય સામે સ્મિત કરતા બોલ્યા,
“તે મા પાસે કશું માંગ્યું હોત તો હું સમજી જત કે તું ત્યાગી નહિ સંસારી છે. પણ તે મા પાસે કશું ન માંગી સિદ્ધ કરી દીધું કે તું તો સાચો ત્યાગી છે. આ માર્ગ પર તો એ જ ચાલી શકે જે સાચો ત્યાગી હોય.”

*****

એક સૂફી થઈ ગયા. તેઓ નસ્સાજના નામે ઓળખતા હતા.ગામના પાદરે એક ઝાડ નીચે ફાટલા વસ્ત્રોમા તેઓ બેસી રહેતા. શરીરે તંદુરસ્ત. કદકાઠી મજબૂત. એક મુસાફર ત્યાંથી પસાર થયો. નસ્સાજને જોઈ તેના મનમાં વિચાર આવ્યો,
“આ તો કોઈ ભાગેલો ગુલામ લાગે છે. શરીરે તંદુરસ્સ્ત છે. જો હું તેને મારો ગુલામ બનાવી દઉં તો મારું ઘણું કામ મફતમાં તે કરશે.”
મુસાફરે નસ્સાજ પાસે જઈ પૂછ્યું,
“તું ભાગેલો ગુલામ લાગે છે?”
નસ્સાજ મુસાફરની વાત સાંભળી મનોમન હસ્યા અને બોલ્યા,
“હા, હૂં સાચ્ચે જ ખુદાથી ભાગેલો ગુલામ છું.”
“મારી ગુલામી કરીશ?” મુસાફરે પૂછ્યું.
નસ્સાજે એક નજર આકાશ તરફ કરી જાણે ખુદાની રજામંદી ન લેતા હોય. પછી કહ્યું,
“હા, હું તમારી ગુલામી કરીશ.” પછી મનોમન બોલ્યા,
“વર્ષોથી ખુદાને શોધી રહ્યો છું. કદાચ તમારા સ્વરૂપમાં તે મને મળી જાય” અને નસ્સાજ એ મુસાફર સાથે તેમના ગામ ચાલી નીકળ્યા. મુસાફરે ઘરે પહોંચી કહ્યું,
“જો હવે હું તારો માલિક છું. અને તું મારો ગુલામ છે. જે કામ હું તને ચીંધુ તે તારે કરવાનું છે.”
નસ્સાજે કહ્યું,
“હું પણ એવું જ ઈચ્છું છું કે કોઈ મારો રાહબર બને. આ દુનિયામા મનમાની કરી કરીને તો હું ફસાઈ ગયો છું.”
માલિકને નસ્સાજની વાતોથી નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો, ક્યાં તો આ માણસ પાગલ છે, ક્યાં તો જ્ઞાની છે. પણ પછી તે મનમા બોલ્યો, “મારે શું ? મને તો એક સારો ગુલામ મફતમા મળે છે ને”
નસ્સાજે એ માણસને ત્યા દસ વર્ષ ગુલામ તરીકે કાર્ય કર્યું. તેના માલિકની ખુબ સેવા કરી. તેને બહુ માન આપ્યું. એક દિવસ તેના માલિકના મનમાં ખુદા વસ્યો. તેના મનમાં દસ વર્ષ સુધી નસ્સાજનું શોષણ કર્યાનો ડંખ જન્મ્યો. તેને પસ્તાવો થયો. અને તેણે નસ્સાજને બોલાવીને કહ્યું,
“મને સતત લાગ્યા કરે છે કે મેં દસ વર્ષ સુધી તમારું ખુબ શોષણ કર્યું છે. હું વધુ સમય તમને ગુલામ બનાવી, ખુદાનો ગુનેગાર બનવા નથી માંગતો. આજથી હું તમને મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. આજથી તમે તમારા માલિક છો.”
નસ્સાજ આ સાંભળી મલકાયા. અને પછી બોલ્યા,
“તમારી મોટી મહેરબાની. એક ઈન્સાનની ખિદમતે મારો અંહકાર ઓગળી નાખ્યો છે. પરિણામે હૂં ખુદાની વધુ નજીક આવ્યો છું. હું તો આજે મુક્ત થઈ ગયો. પણ તમે કયારે આ દુનિયાની ગુલામીમાંથી મુક્ત થશો ?”
એટલું કહી નસ્સાજ ખુદાના માર્ગ પર ચાલી નીકળ્યા. જયારે તેનો માલિક તેના શબ્દોનો મર્મ સમજવા મથતો રહ્યો.

Leave a comment

Filed under Uncategorized

હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબની હિજરત : ડૉ.મહેબૂબ દેસાઈ

૮ ડિસેમ્બરના રોજ મુસ્લિમ માસ રબી ઉલ અવ્વલ પૂર્ણ થયો અને ઇસ્લામના ચોથા માસ રબી ઉલ આખરનો ૯ ડીસેમ્બરના રોજ આરંભ થયો છે. ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત
સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.
મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,
“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”
ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,
“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”
પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,
“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં
સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”
હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.
“અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.

Leave a comment

Filed under Uncategorized

ભક્તિ સાગર : ભજન સંગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ મને “ભક્તિ સાગર” નામક પુસ્તક તેના સંપાદક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબે મોકલ્યું છે. તેઓ ગુજરાતના સૂફી વિચારના ચિસ્તી પરંપરાના અગ્ર સંત હઝરત ખ્વાજા બડા સાહબ ચિસ્તી, હઝરત ખ્વાજા મોટામિયા ચિસ્તી, હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી, હઝરત ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી અને હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિસ્તીના સિધ્ધાં વંશજ છે. કડી, મોટામિયા માંગરોળ, એકલબાર, છોટા ઉદયપુર અને પાલેજમા તેમના વંશજોની મઝારો દરગાહ છે. અને હજારો હિંદુ મુસ્લિમોનું આસ્થાનું તેમના વડીલો કેન્દ્ર છે. તેઓ ખુદ અભ્યાસુ છે. વિનિયન વિદ્યા શાખના પી.એચડી. છે. તેમણે ઘણા સંશોધન અને જહેમત પછી આ નાનકડા પુસ્તકમાં અલભ્ય એવા હિંદુ મુસ્લિમ સૂફી સંતોના ભક્તિ ગીતોનું સંપાદન કરી આપણી સમક્ષ મુક્યું છે. આ ભક્તિ ગીતો લોક સાહિત્ય અને લોક ભજનો પર અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસુઓ માટે અણમોલ ખજાનો છે. આજે તે ગ્રંથના થોડા ભજનોની વાત કરીએ.

મોટા મિયા માંગરોળની ગાદીના સૂફી સંત હઝરત કાયમુદ્દીન ચિસ્તી સાહેબના હિંદુ મુસ્લિમ અનેક ભક્તો હતા. તેમાના એક હિંદુ ભકત ઈભરાહીમ ભગત અર્થાત અભરામ ભગત એ યુગમાં ખુબ જાણીતા હતા. તેઓ પરીએજ ગામના રહેવાસી હતા. તેઓ સંપૂર્ણ નિરક્ષર હતા. છતાં તેમના વિચારોમાં સરળતા હતી. તેમના ભક્તિ ગીતોમાં હિંદુ મુસ્લિમ એકતાની સુગંધ અને ભક્તિની એકગ્રતા નીતરતી હતી. તેમનું એક ભજન માણવા જેવું છે.
“ધન ઓત્તર દેશ, કડી કસ્બાની મ્હાય
વસેરે પીર કાયમદિન
હૂં તો ચિસ્તી ઘરાણાની ચેલી,
મેં લાજ શરમ સર્વે મેલી
મને લોક કહે છે ઘેલી રે
પેલા અણસમજુ ને સમજાવીય… ધન ઓત્તર દેશ
દખણ દેશમાં પરદો લીધો
એકલબારે જઈ દ્નાકો દીધો છે
પડદો દેખાડી ફડચોકીધો છે……. ધન ઓત્તર દેશ
મનેઈસ્ક ઇલાહી લાગ્યો છે
મારા મનનો ધોકો ભાંગ્યો છે
પેલો અભરામ નિંદ્રાથી જાગ્યો છે. …. ધન ઓત્તર દેશ”

અભરામ ભગતના ભજનોમાં હિંદુ ઇસ્લામ બંને ધર્મને સાથે રાખી ઈબાદતનો એક નવો માર્ગ કંડારવાની અદભૂત નેમ જોવા મળે છે. એક અન્ય ભજનમાં અભરામ ભગતની એ ભાવના સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

“નેહ મને લાગ્યો રે, નબીરે રસુલનો રેજી, પીયુજી પૂરે મનની આશ
સાધન કરવાં રે બાઈ મારે સુલટારેજી, જોયા મેં મીઠા મહુમદ ખાસ

મુલ્લાં ને કાજીરે, મોટા મોટા મોલવીરેજી, પંડિત જોશી પામે નહિ કોઈ પાર
ઇલમને આધારે રે, અહંકાર બહુ કરેરેજી, તેથી ન્યારો છે કિરતાર

સઉ ઇલમનોરે, ઇલમ એક છે રેજી , બાઈ જેનું અલખે કહીએ નામ
ભાવ કરીનેરે, જે કોઈ રૂદે ઘરે રેજી, બાઈ તેનું સરયુ સર્વે કામ”

એવા જ અન્ય હિંદુ ભક્ત હતા પૂજાબાવા. મૂળમાં ખંભાતના ખારવા-ખલાસી જાતિના હતા. તેમનું રહેણાંક ભરૂચમાં હતું. હઝરત શાહ કાયમુદ્દીન ચિશ્તીના તેઓ શિષ્ય હતા. તેમના તરફથી તેમને જ્ઞાનની પ્રસાદી મળી હતી. પૂજાબાવાને માનનાર ખારવા લોકો ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને મુંબઈમાં વસે છે. પૂજબાવાના ભજનો આજે પણ ગવાઈ છે. તેમના ભજનોની ખાસિયત સરળ ભાષા અને ભક્તિની મીઠાશ છે.

“છે પીર અમારા સાચા રે કાયમદીન બાવા
આપી છે મુજને વાચા રે કાયમદીન બાવા

પીર મારા બીરાજા છો એકલબરે,
રંકની ચડો વારે રે કાયમદીન બાવા

મોટા રે મોટા સાધુને આપે ઉગાર્યા
કંઈકને પલમાં તાર્યા રે કાયમદીન બાવા

સેવકને ઉગાર્યો છે મહેર કરીને
મારા દુખડા સૌ હરિને કાયમદીન બાવા

“પૂજાનો” સ્વામી પ્રીતે થઈ ગયો રાજી
જીતાડી રૂડી બાજીરે કાયમદીન બાવા
હિંદુ ભક્તોના મુસ્લિમ ઓલિયાઓ કે પીર સાહેબો પર લખાયેલા ભજનો જેવાજ ભક્તિભાવથી ભરપૂર મુસ્લિમ સંતોના હિંદુ ધર્મને વાચા આપતા ભજનો પણ માણવા જેવા છે. હઝરત બડા સાહેબ ચિસ્તીના ભજનો તેની સાક્ષી પૂરે છે.
“હમ કો જાનતે નહિ કોઈ, હમ તો સોહી પુરુષ હૈ વોહી રે

સત જુગ હમેં મહાદેવ થાયે, પારવતી હમ લાયે રે
ગંગા કો હમ જટામેં છૂપાયે, તો આક ધતુર ખાયે રે

ભાગીરત ભગવાન બન આએ, કાયા પલટ હમ આયે રે
ભાસ્માસૂરકો નાચ નાચયે, તો અચેતન અગ્નિ જલાયે રે

ત્રેતા જુગમે હમ રામ હો આયે, લંકા પાર સેન ચડાય રે
સાગર પર હમ પાલ બંધાયે, તો રાવણ માર ગિરાય રે”

આવા અદભૂત લોક ભજનોનો સંગ્રહ આપનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબને સલામ

Leave a comment

Filed under Uncategorized