Monthly Archives: June 2018

જય શ્રી ખુદાતાલા : ડૉ.મહેબૂબ દેસાઈ

આમ તો આપણે ત્યાં એક બીજાને અભિવાદન કરવાના શબ્દો ભિન્ન ભિન્ન છે. એ અંગે થોડી વાત આપણે અગાઉ કરી છે. પણ કેટલાક અભિવાદન શબ્દો વ્યક્તિના વ્યક્તિત્વમાથી સ્ફૂરતા હોય છે. એવું જ એક સંબોધન હું જયારે મારા સહ અધ્યાપિકા બહેન, જાણીતા કવિયત્રી તથા ભગવત ગીતાના ઊંડા અભ્યાસુ એવા ડૉ.રક્ષાબહેન દવેને ફોન કરું છું, કે તેઓ મને વોઈસ મેલ પર કોઈ વાતનો આરંભ કરે છે, ત્યારે સાંભળવા મળે છે. તેમનું એ અભિવાદન સૌથી અલગ અને નિરાલું છે. રક્ષાબહેન મારી સાથે હમેશા વાતનો આરંભ “જય શ્રી ખુદાતાલા”થી જ કરે છે, અને વાતનો અંત પણ એ જ શબ્દથી કરે છે. અભિવાદની તેમની આ પરંપરા મારી સાથે લગભગ ત્રીસ વર્ષ જૂની છે. હું ભાવનગરમાં તેમની સાથે ગાંધી મહીલા કોલેજમા સહ અધ્યાપક હતો ત્યારે પણ રોજ સવારે કોલેજમાં આગમન સમયે તેઓ “ગૂડ મોર્નીગ” કહેવાને બદલે હંમેશા મને “જય શ્રી ખુદાતાલા” કહેતા. જયારે હું તેના ઉત્તરમા તેમને “જય શ્રી કૃષ્ણ” કહેતો. જો કે તેમની આ પરંપરાનો આરંભ તેમણે મારાથી ઘણા સીનીયર એવા કોલેજના પી.ટી. અધ્યાપિકા શ્રીમતી ફતુમાબહેન મર્ચન્ટથી કર્યો હતો. મેં એકવાર તેમને તેમની અભિવાદનની આ રીતે અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું,
“મહેબૂબભાઈ, જય શ્રી કૃષ્ણ એ એક સુંદર સૂત્ર છે. જય એટલે જય થાઓ. કૃષ્ણ એટલે ભગવાન. અર્થાત ભગવાનનો જય થાઓ. મારી કે તમારી ઈચ્છા કે અપેક્ષાઓનો જય નહિ, પણ ભગવાનની ઈચ્છાનો જય થાઓ. એ જ રીતે જય ખુદાતાલા એટલે ખુદાનો જય થાઓ. ખુદાને જે ગમે તેનો જય થાઓ. કારણ કે એ જ સાચો જય છે. મહેબૂબભાઈ, ખુદા અને ભગવાન બધું એક જ છે. આ બધા મુર્ખાઓ છે એટલે ઝગડે છે. આપણે મૂરખા નથી એટલે આપણે નથી ઝગડતા.”
તેમની આ વાત કહેવા માત્રનો આદર્શ નથી. જીવનમાં પણ તેમણે તે વાતને અમલમાં મૂકી છે. ભાવનગરમાં અમે બંને એક લત્તા પ્રભુદાસ તળાવમા રહેતા હતા. ૨૦૦૨મા મારા નિવાસની બારીના કાચ રાત્રે તૂટ્યા. એ સમાચાર એમને સવારે મળ્યા કે તુરત રક્ષાબહેન સવારના પહોરમાં મારા ઘરે આવી ચડ્યા. “જય શ્રી ખુદાતાલા” ના અભિવાદન સાથે મારા બેઠક ખંડમાં બેસતા તેઓ બોલ્યા,
“મહેબૂબભાઈ, તમારું જે કઈ નુકસાન થયું છે તે માટે હું ઘણી શરમ અનુભવું છું. તમારું બધું નુકસાન હું મારા ખિસ્સામાંથી તમને આપવા તૈયાર છું, તમે બધી બારીઓ મારા ખર્ચે રીપેર કરાવી લો. તો જ મને શાતા થશે.
મેં કહ્યું,
“રક્ષાબહેન, મારું આખું ઘર ઇન્સ્યોર છે. ઈન્સ્યોરન્સ કંપની મને બધું વળતર આપી દેશે. તમારી લાગણી બદલ આભાર.”
પણ રક્ષાબહેનના મનનું સમાધાન ન થયું. તેમણે મારા ઘરની તૂટેલી બારીઓથી વ્યથિત થઈ એક કાવ્ય લખ્યું. ૭ માર્ચ ૨૦૦૪ના રોજ લખાયેલ એ કાવ્ય ૨૦૦૭મા પ્રસિદ્ધ થયેલા તેમના કાવ્યસંગ્રહ “શારદા”ના પૃષ્ઠ ૭૯ પર “અરેરે” નામથી આજે પણ હયાત છે. કાવ્યની નીચે રક્ષાબહેને નોંધમાં લખ્યું છે, “હિંદુ મુસ્લિમ તોફાનો દરમ્યાન પ્રા.મહેબૂબભાઇ દેસાઈની બારીઓ કોઈએ ફોડી તેના અનુસંધાને” એ કાવ્યની થોડી કડીઓ માણવા જેવી છે.
“અરે આખો આ ઉલેચાઇ ગયો દરિયો !
હવે અહીં ખાડો રે ખાડી !
અરે રે ખાડો કે ખાડી !
માછલીઓ ગુલતાન હતી કે કેવાં અફાટ પાણી !
ઇતઉત જ્યાં પણ ધૂમો, પાણી ની કમી નથી ક્યાંય જાણી !
ઉઠી અચાનક તરસ, તરસી પીડ ભરેલી રાડો !
અરે રે રાડો રે રાડો !
ઘાસ-ફૂસ તરણા-પરોણાનો કીધો’તો એક માળો,
પંખી પેઢીઓ ઉછરતા’તા, પંથક ટહુકાવાળો,
અરે ! અચાનક ઉખાડ્યો મૂળથી આંબો પડી ગ્યો આડો.
અરેરે ! આડો રે આડો”
આજ રક્ષાબહેને આ ઈદ પર મને “ઈદ મુબારક” અર્થે નીચે મુજબનું એક કાવ્ય વોટ્શોપ પર મોકલી સાથે વોઈસ મેલમા કહ્યું,
“આ કોનું કાવ્ય છે એ મને ખબર નથી. પણ મને આ કાવ્ય ગમ્યું છે. તમને પણ જરૂર ગમશે. એટલે આ કાવ્ય સાથે મારા “ઈદ મુબારક” સ્વીકારશો.

“ચાલને આજ ‘અષાઢીઈદ’ અને ‘રમઝાનબીજ’ ઉજવી લઇએ,
તુ જગન્નાથના લાડુ ખાજે ને, હું રમઝાનની ખીર
તુ પહેરજે ભગવો મારો ને, હું પહેરીશ લીલા ચીર
ચાલને આજ……
હું પઢુ કુરાન-એ-શરીફ તારી, તુ પઢને મારી ગીતા
થશે જ્યારે આ યોગ ત્યારે ધેર-ધેર રામ ને સીતા
ચાલને આજ……
વેરઝેરની વાતો મેલી,ચાલ ભાઇ-બંધી કરી લઇએ
રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
ચાલને આજ……
હું હિન્દુ ને તુ મુસ્લીમ,આ નકામી જંજાળ તુ છોડ
દેશ અને દુનિયા જોશે, આ ‘જુગલ’જોડી બેજોડ
ચાલને આજ…..”
મને લાગે છે આજે આવા અનેક રક્ષાબહેનોની આપણા સમાજને તાતી જરૂર છે. ખુદા એ મુરાદ પૂર્ણ કરે એવી દુવા : આમીન.

Leave a comment

Filed under Uncategorized

પયગમ્બરે ઇસ્લામ મહંમદ પયગંબર સાહેબ : ડૉ.મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) સાહેબનું અંગ્રેજી તારીખ ૮ જુન ઇ.સ.૬૩૨ના રોજ મદીના (સાઉદી એરેબીયા) માં ૬૨ વર્ષની વયે અવાસન થયું હતું. તેમની મઝાર મદીનામાં મસ્જિત એ નબવી પાસે આવેલ છે. જે ગ્રીન ડોમ અર્થાત લીલા ગુંબજ તરીકે ઓળખાય છે. એ નાતે રમઝાન માસમાં તેમની અવસાનની અગ્રેજી તિથી ગઈ. ઇસ્લામના નવ સર્જન માટે જો કોઈ પયગમ્બર જવાબદાર હોય તો એક માત્ર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) છે. તેમના સમયમાં જ ઇસ્લામનો પુનઃ ઉદય અને વિકાસ થયો છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અને એટલે જ ઇસ્લામનો અભ્યાસ કરવા ઈચ્છતા કોઈ પણ માનવીએ સૌ પ્રથમ અભ્યાસ મહંમદ સાહેબના જીવન કવનનો કરવો જોઈએ. તેને જાણવું અને સમજવું જોઈએ. એ વગર ઈસ્લામ ધર્મને સમજવો શક્ય નથી. કારણ કે ઇસ્લામના કેન્દ્રમાં મહંમદ સાહેબનું જીવન રહેલું છે.
મહંમદ સાહેબ ન તો કોઈ બાદશાહ હતા, ન કોઈ શાશક હતા. તેઓ ન કોઇ સેનાપતિ હતા, ન કોઈ સમાજ સુધારક હતા. તેઓ ન કોઈ ચિંતક હતા, ન કોઈ વિદ્વાન હતા. અને આમ છતાં તેમણે પોતાના આદર્શ જીવન કવન દ્વારા અરબસ્તાનની જંગલી પ્રજામાં અદભુદ પરિવર્તન આણ્યું હતું. તેઓ કયારે કોઈ સિંહાસન પર બેઠા નથી. છતાં હજારો લાખો માનવીઓના હદય પર તેમણે શાશન કર્યું હતું. કોઈ મહેલોમાં રહ્યા નથી. છતાં અરબસ્તાનના દરેક ધરમા એમનો વાસ હતો. કોઈ ભવ્યતાને સ્પર્શ્યા નથી. છતાં અનેક ભવ્યતાઓ તેમની સાદગીમાં ઓગળી ગઈ હતી. તેમણે કોઈ આદેશો આપ્યા નથી. આમ છતાં અરબસ્તાનની પ્રજા તેમના એક વચન પર કુરબાન થવા તૈયાર હતી. કારણ કે તેમણે અરબસ્તાનની પ્રજાના દિલો પર શાશન કર્યું હતું. મહમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન માનવ સમાજના દરેક પાસાઓને બખૂબી નિભાવ્યા હતા. એક શિષ્ટ નવયુવક, પ્રમાણિક વેપારી, પ્રેમાળ પતિ, માયાળુ પિતા, નિખાલસ મિત્ર, હમદર્દ પાડોશી, અમાનતદાર અને ભરોસાપાત્ર સમાજસેવક, નિડર અને શુરવીર સેનાપતિ, મોભાદાર અને બુદ્ધિશાળી શાશક, લોકપ્રિય આધ્યાત્મિક નેતા, ઇન્સાફપસંદ ન્યાયધીશ વગેરે તમામ સ્થિતમાં તેમણે માનવજીવનનો આદર્શ રજુ કર્યો હતો. ટૂંકમાં, જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી, જેમાં આપે આદર્શ જીવનની છાપ ન છોડી હોય. એ દ્રષ્ટિએ એ જોઇએ તો તેઓ સર્વ ગુણ સંપન પ્રજા પ્રિય પયગંબર હતા. આજે એ મહાન માનવના જીવન વ્યવહારના કેટલાક વિશિષ્ઠ ગુણોની ટૂંકમાં વાત કરવી છે.
* મહંમદ સાહેબ સત્ય વક્તા હતા. આજીવન તેઓ સત્યનું આચરણ કરતા રહ્યા હતા. * સાદગી તેમનો જીવન મંત્ર હતો. તેઓ હંમેશા સાદું અને સરળ જીવન જીવ્યા હતા.* તેઓ નમ્ર અને દયાળુ હતા
* અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા. ગુસ્સો કે ક્રોધ તેમના સ્વભાવમા ન હતા.* પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા. * પોતાના નાના મોટા તમામ સહાબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા, તેમને માન આપતા.* સલામ કરવામાં હંમેશા પહેલ કરતા.* વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.* મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.* બીમારની અચૂક ખબર લેતા.* પ્રવાસે જનાર માટે હંમેશા પ્રાર્થના કરતા.* મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.* નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.* દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.* ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.* જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.* કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.* દરેકના માન-મર્તબાનું ખાસ ધ્યાન રાખતા.* ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.* અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.* ખુદાની દરેક નેમતો – બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.* મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી મહેમાનોને જમાડતા.* પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર પૂછતાં રહેતા.
* પોતાના જોડા પોતે જ સીવતા.* પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.* ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.* અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.* નમાઝ (પ્રાર્થના) લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકો કરતા.
ઈમાનદાર માનવીની નિશાની આપતા મહંમદ સાહેબ ફરમાવ્યું છે,
“ભલાઈ કરીને જે ખુશ થાય અને કંઇ પણ ખોટું થાય તો તે દુઃખ અને પ્રાયશ્ચિત અનુભવે”
મહંમદ સાહેબનો પશુ પ્રેમ પણ અનહદ હતો. તેઓ કહેતા,
“જે કોઈએ નાનકડી ચકલીને પણ નાહક મારી, તો તે અંગે કયામતના દિવસે અલ્લાહને જવાબ આપવો પડશે. ધિક્કાર છે એ લોકોને જેઓ પશુને છુંદી નાખે છે, માત્ર પોતના આનંદ પ્રમોદ માટે તેમના શરીરને ચીરી-ફાડી નાખે છે.”
સ્ત્રીઓના દરજ્જા અંગે પણ તેઓ કહેતા,
“માતાના પગ નીચે સ્વર્ગ છે. જેને ત્રણ પુત્રીઓ, બે પુત્રીઓ કે એક પુત્રી હોય તે તેઓનું સારી રીતે પાલન પોષણ કરે અને પોતાના પુત્રોને પ્રાધાન્ય ન આપે, તો તે વ્યક્તિ અને હું જન્નતમાં તદન સમીપ હોઈશું.”
પ્રેમ અને ભાઈચારો મહંમદ સાહેબના જીવનનો આદર્શ હતો. તેઓ ફરમાવતા,
“જેની પાસે જરૂરતથી વધારે ખાવાનું હોય, તે તેને જરૂરતમંદોને ખવડાવી દે. તમારામાંથી કોઈ વ્યક્તિ પોતાની જમીન, ઘર, ખેતર કે બગીચો વેચવાનો ઈરાદો કરે તો સૌ પ્રથમ તેની જાણ પોતાના પાડોશીને કરે.”
આવા અનેક માનવીય આદર્શોને મહંમદ સાહેબ પોતાના જીવનમાં સાકાર કર્યા હતા. અને એના કારણે જ વિશ્વમાં ઇસ્લામ આજે પણ જીવંત છે અને યુગો સુધી રહેશે.- આમીન.

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામિક તહેજીબ : ડૉ.મહેબૂબ દેસાઈ

હમણાં એક ફિલ્મી ગીતમાં “અચ્છા તો ચલતા હું, દુવા મેં યાદ રખના” સાંભળવા મળ્યું. બહુ ઓછા લોકો જાણતા હશે કે એ ઇસ્લામિક તહેજીબ કે સંસ્કારનો એક ભાગ છે. તેમાં એક વિવેક અને વિનંતી છે. જયારે બે મુસ્લિમ બિરાદરો દુવા સલામ પછી છુટા પડે છે ત્યારે એક બીજાને અવશ્ય કહે છે “દુવા મેં યાદ રખના”. અર્થાત તમે જયારે ખુદા પાસે પ્રાર્થના કરો, દુવા માંગો, ત્યારે તેમાં મને પણ યાદ રાખશો. આવા અનેક ઇસ્લામિક શબ્દો છે જે ખાસ પ્રસંગોએ સાંભળવા મળે છે. આજે એવા કેટલાક ઇસ્લામિક તહેજીબ અર્થાત સંસ્કાર વ્યક્ત કરતા શબ્દોની વાત કરવી છે. જે શબ્દો મુસ્લિમ બિરાદરો પોતાના જીવન વ્યવહારમાં વારંવાર ઇસ્તમાલ કરે છે.
સૌ પ્રથમ તો મારા લેખોમાં હંમેશા હજરત મહંમદ પયગમ્બર સાહેબ સાથે વપરાતા સ.અ.વ. અક્ષરોનો અર્થ વાચકો જાણવા ઉત્સુક છે. ઇસ્લામના એકમાત્ર પયગમ્બર મહંમદ સાહેબના નામ સાથે જ સ.અ.વ. અક્ષરો મુકાય છે. સ.અ.વ. એ એક પ્રકારની દુવા-પ્રાર્થના છે. સ.અ.વ. અક્ષરોનો પૂર્ણ ઉરચાર “સલ્લલ્લાહો અલયહે વસલ્લમ” થાય છે. તેનો અર્થ “તેમના પર અલ્લાહના આશીર્વાદ અને શાંતિ વરસો” થાય છે.’ મહંમદ સાહેબ સાથે કેટલાક ઇસ્લામિક ગ્રંથોમાં માત્ર સ.અ. પણ લખવામાં આવે છે. જેનો પૂર્ણ ઉરચાર “સલતાતુલ્લાહે અલયહે” થાય છે. એટલે કે “તેમના ઉપર અલ્લાહની રહેમત રહો.”
એ જ રીતે મહંમદ સાહેબ માટે હંમેશા “પયગમ્બર” શબ્દનો પ્રયોગ થાય છે.પયગંબર શબ્દ “પૈગામ” પરથી આવ્યો છે. “પૈગામ” એટલે સંદેશ. પૈગામ લાવનાર એટલે પયગમ્બર. એ અર્થમાં ખુદાનો પૈગામ લાવનાર મહંમદ સાહેબને પયગમ્બર કહેવામાં આવે છે. ઇસ્લામના અન્ય મહાનુભાવો, પયગમ્બરો કે ઓલિયાઓને માનવાચક સંજ્ઞાઓ સાથે સંબોધવામાં આવે છે. એ માટે “અ.સ.” શબ્દનો પ્રયોગ થાય છે. અ.સ.નો પૂર્ણ ઉરચાર ‘અલયહસ સલામ’ થાય છે એટલે કે તેમના ઉપર સલામ, એ જ રીતે “ર.અ.” શબ્દનો પ્રયોગ પણ થાય છે. “ર.અ.”નો પૂર્ણ ઉરચાર “રહેમતુલ્લાહ અલયહી” થાય છે.

જેમ જયશ્રી કૃષ્ણ, જય જિનેદ્ર, જય સ્વામીનારાયણ કે જય માતાજી શબ્દ જે તે સમાજના અભિવાદનની ઓળખ બની ગયા છે, તેમ મુસ્લિમ બિરાદરોમાં અભિવાદ માટે “અસલ્લામુ અલૈકુમ” શબ્દ વપરાય છે. એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે છે ત્યારે “અસલ્લામુ અલૈકુમ” શબ્દનો પ્રયોગ કરે છે. તેમાં કોઈ જય કે વિજયની વાત નથી. તેનો અર્થ થાય છે, “અલ્લાહ આપના પર શાંતિ-સલામતી બરકરાર રાખે”. તેના ઉત્તરમાં મુસ્લિમ બિરાદર “વઆલેકુમ્ અસ્લામ” કહે છે. તેનો અર્થ પણ એ જ છે, “અલ્લાહ આપ ઉપર પર શાંતિ અને સલામત વરસાવે.” એ જ રીતે કોઇ પણ મુસ્લિમ કોઈ પણ કાર્યના આરંભ પૂર્વે “બિસ્મિલ્લાહ” કહેવાનું પસંદ કરે છે. જેનો અર્થ થાય છે. “શરૂ કરું છું અલ્લાહના નામથી.”
જયારે કોઈ મુસ્લિમ બિરાદર પોતાની ભૂલ થઈ જાય ત્યારે તે એક શબ્દ અવશ્ય બોલે છે, “અસ્તગફેરૂલ્લાહ” જેનો અર્થ થાય છે “અલ્લાહ પાસે માફી માગું છું.” ખુદાની કોઈ રહેમત અર્થાત કૃપા ગમી જાય અથવા કોઈ સારું કાર્ય કે ઘટના તેના જીવનમાં બને કે દ્રષ્ટિગોચર થાય ત્યારે મુસ્લિમ એક શબ્દ અવશ્ય બોલે છે અને તે છે, “સુબહાનલ્લાહ” અર્થાત “ખુદા પ્રશંશનીય છે.”
નમાજ માટે આમંત્રણ આપતી ક્રિયાને “અઝાન” કહે છે. અઝાનના આરંભમાં જ ‘અલ્લાહુ અકબર’ શબ્દનો પ્રયોગ થાય છે. “અલ્લાહુ અકબર” એટલે ઇશ્વર-ખુદા સૌથી મહાન છે. આજે આભાર માનવા માટે “થેંક્યું” અંગ્રેજી ભાષાનો હોવા છતાં આપણા વ્યવહારમાં આમ થઈ ગયો છે. પણ ઇસ્લામમાં આભાર માટે પણ એક સુંદર શબ્દ “જઝાકલ્લાહ” વપરાય છે. અર્થાત્ “તમારા આ સદ્કાર્ય માટે અલ્લાહ તમને અચૂક બદલો આપે.”
જીવનના દરેક વ્યવહારમાં ઇસ્લામએ માનવીય અભિગમ સાથે ખુદાને યાદ કરવાના માર્ગો ચિંધ્યા છે. જેમ કે બુખારી શરીફની એક હદીસ છે કે જયારે તમે કોઈ ઊંચી જગ્યા પર ચઢી રહ્યા હો, ત્યારે અચૂક
“અલ્લાહુ અકબર” કહો. જેનો અર્થ થાય છે ઈશ્વર-ખુદા મહાન છે. એ જ રીતે જયારે કોઈ ઢાળ ઉતરી રહ્યા હો, ત્યારે “સુબાહન અલ્લાહ” કહો. અર્થાત અલ્લાહનો શુક્ર છે. આપણે ત્યારે અભિવાદન પછી “કેમ છો પૂછવાનો વ્યવહાર છે” એક મુસ્લિમ બીજા મુસ્લિમને જયારે આ રીતે પૂછે છે ત્યારે તેના જવાબમાં કોઈ પણ મુસ્લિમ “અલ્હમદોલિલ્લાહ” કહે છે. કોઈ મુસ્લિમને કોઈ કામમાં સફળતા મળે કે કોઈ ખુદાઈ મદદ મળી જાય ત્યારે પણ તે “અલ્હમદોલિલ્લાહ” કહે છે. કોઈ મુસ્લિમ કોઈ નાના મોટા, સહેલા કે કપરા કામનો ઈરાદો કરે અથવા તે કરવાનું વિચારે ત્યારે અવશ્ય કહે છે “ઇન્શાહઅલ્લાહ”. એજ રીતે કોઈ મુસ્લિમ તમારા પર અહેસાન કરે અથવા તમારી તારીફ કરે ત્યારે “જજાકઅલ્લાહુ ખૈર” કહેવામાં આવે છે. છીંક આવે ત્યારે કોઈ પણ મુસ્લિમ “અલ્હમદોલિલ્લાહ” કહે છે અને છીંક સમયે પાસે ઉભેલ મુસ્લિમ “યરહમુકલ્લાહ” કહે છે. કોઈ સારી વસ્તુ કે કાર્ય નજરે ચઢે ત્યારે મુસ્લિમ “માશાલ્લાહ લા કુવ્વતા ઇલ્લાબિલ્લાહ” કહે છે. ઘરમાં પ્રવેશ કરતા સમયે “બિસ્મિલ્લાહ” કહો. જયારે ઘરની બહા નિકળતા પહેલા “બિસ્મિલ્લાહ તવક્કલતુ ઈલ્લલ્લાહ મહમ્દુર રસુલ્લ્લાહ” કહેવાનું રાખો. કોઈના અવસાનના ખબર જયારે કોઈ મુસ્લિમ સાંભળે છે ત્યારે તે અવશ્ય કહે છે “ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઈલૈહી રાજિઉન” અર્થાત “આપણે ખુદા પાસેથી આવ્યા છીએ અને આપણે ખુદા પાસે જ પાછા જવાનું છે”.

ઇસ્લામી સંસ્કૃતિની તહેઝીબ અને તમીઝને વ્યકત કરતા આ શબ્દો ઇસ્લામના સાચા ઉદ્દેશને વારંવાર વ્યકત કરતા નથી લાગતા?

Leave a comment

Filed under Uncategorized