Monthly Archives: May 2016

બિસ્મિલ્લાહ અર્થાત શિક્ષણનો આરંભ

ગઈકાલે ઉજવાએલ મારા પૌત્ર ઝેનની બિસ્મિલ્લાહના નિમંત્રણો મિત્રો અને સગા સબંધીઓને પાઠવ્યા, ત્યારે કેટલાક હિંદુ મિત્રોએ મને પૂછ્યું “બિસ્મિલ્લાહ” એટલે શું અને તેની ઉજવણી પાછળનો ઉદેશ શું ?” જો કે હિંદુ મિત્રો સાથે ઇસ્લામના કેટલાક અનુયાયીઓ પણ આજે તો બિસ્મિલ્લાહના પ્રસંગનું મહત્વ ભૂલી ગયા છે. આમ તો “બિસ્મિલ્લાહ” શબ્દ ઇસ્લામમાં કોઈ પણ શુભ કાર્યના આરંભ ટાણે વપરાય છે. જેમ હુંદુ ધર્મમાં “શ્રી ગણેશ નમઃ” કોઈ પણ શુભ કાર્યના આરંભમાં કહેવાય છે, તેમ ઇસ્લામમાં “બિસ્મિલ્લાહ” શબ્દ વપરાય છે. “બિસ્મિલ્લાહ” શબ્દનો અર્થ થાય છે “શરુ કરું છું અલ્લાહના નામથી” કુરાને શરીફનો આરંભ આ જ આયાતથી થાય છે. અને કુરાને શરીફના દરેક પ્રકરણોનો આરંભ પણ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ”થી થાય છે. જેનો અર્થ થાય ” શરુ કરું છું અલ્લાહના નામથી જે પરમ દયાળુ અને કૃપાળુ છે”
ઇસ્લામિક સંસ્કારો મુજબ પૈદાઈશ (જન્મ), અકીકા (મુંડન), ખતના (સુન્નત કે મુસલમાની) અને બિસ્મિલ્લાહ જેવા સામાજિક પ્રસંગોની ઉજવણી કરવાનો રીવાજ મુસ્લિમ સમાજમાં પ્રચલિત છે. બિસ્મિલ્લાહ એ કોઈ ધાર્મિક ક્રિયા કે આદેશ નથી. પણ મુસ્લિમ સંસ્કારોનો એક ભાગ છે. પરંપરાઓ સમાજ સાથે વણાઈ જાય ત્યારે તે સંસ્કાર બની જાય છે. બિસ્મિલ્લાહ પણ એવી જ એક પરંપરા છે જે ઇસ્લામિક સંસ્કાર બની ગઈ છે. જયારે કોઈ પણ મુસ્લિમ બાળક ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસનું થાય છે, ત્યારે તેના શિક્ષણનો આરંભ કરવામાં આવે છે. મુઘલ કાળમાં મુસ્લિમ બાળકોના શિક્ષણ માટે મકતબ અને મદ્રેસા હતા. મકતબમાં પ્રથામિક અને માધ્યમિક શિક્ષણ આપવામાં આવતું. જ્યારે મદ્રેસાઓમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અપાતું. મકતબમાં મૌલવી સાહેબો બાળકોને ધાર્મિક સાથે વ્યવહારુ શિક્ષણ પણ આપતા. આજે મદ્રેસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે જ જાણીતા છે. પણ એ યુગમાં મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ સાથે સાહિત્ય, તર્કશાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, કાયદા શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ચિકિત્સા, કલા કૌશલ્ય જેવા વિષયો પણ ભણાવવામાં આવતા. એટલે મુસ્લિમ બાળક ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસનું થાય ત્યારે તેના શિક્ષણનો આરંભ મકતબના મૌલવી સાહેબ દ્વારા કરવામાં આવતો. એ વિધિ ઇસ્લામના અનુયાયીઓમાં “બિસ્મિલ્લાહ પઢાવવા”ના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. એ પ્રસંગે મૌલવી સાહેબ બાળકને સૌથી પ્રથમ શબ્દ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ” (શરુ કરું છું અલ્લાહના નામથી જે પરમ દયાળુ અને કૃપાળુ છે) પઢાવે છે.

ઇસ્લામમાં શિક્ષણ દ્વારા જ્ઞાન(ઇલ્મ) મેળવવાનો મહિમા સૌથી વિશેષ છે. મુહંમદ (સ.અ.વ.) સાહેબ પર ઉતરેલ સૌથી પહેલી વહીનો પહેલો શબ્દ “ઇકરાહ” હતો. જેનો અર્થ થાય છે “પઢ, વાંચ”. કુરાને શરીફના ૩૦માં પારાની સૂરે અલક ૧ થી ૫ આયાતોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. હઝરત મહંમદ સાહેબ પર મક્કા શહેરના નાનકડા ડુંગરની હીરા નામક ગુફામાં રમઝાન માસમાં ઉતરેલા આ પ્રથમ વહી હતી. “વહી” એટલે છુપી વાતચીત, ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૦ દીવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને “રુહુલ કુદ્સ” અને “રુહુલ અમીન” કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબને કહ્યું,
“હું જિબ્રીલ આપને અલ્લાહનો શુભ સંદેશ આપવા માટે આવ્યો છું.આપ તેનો સ્વીકાર કરો. આપ અલ્લાહના રસુલ-પયગમ્બર(અલ્લાહનો સંદેશ લાવનાર સંદેશાવાહક) છો. પઢો અલ્લાહના નામે “ઇકરાહ”
અને પછી ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર ઉતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,
‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’
વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હતા કે આ દુનિયાનું સર્જન મેં કર્યું છે, તેનાં રહસ્યોને પામવા તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે, માટે જ ઇલ્મ અંગે ની આ આયાત સૌ પ્રથમ નાઝીલ થઈ. એ દ્રષ્ટિએ ઇસ્લામમાં જ્ઞાન કે ઇલ્મનો અત્યંત મહિમા છે. અને તે મેળવવા શિક્ષણ અત્યંત જરૂરી છે.

“બિસ્મિલ્લાહ પઢાવવા”ની વિધિ એ ઇલ્મ મેળવવાનો આરંભ છે. એટલે જ તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. દરેક મુસ્લિમ પોતાની હસ્તી મુજબ એ વિધિ ઉજવે છે. એ દિવસે માતાપિતા પોતાના સગા સબંધીઓને નિમંત્રણ પાઠવે છે. બાળકને નવા કપડા પહેરાવવામાં આવે છે. મસ્જિત કે પોતના નિવાસે મૌલવી સાહેબને બોલાવવામાં છે. અને બધાની હાજરીમાં મૂળાક્ષરની ચોપડીમાંથી મુળાક્ષરો ઓળખવી તેનું ઉચ્ચારણ કરાવે છે. પવિત્ર કુરાને શરીફની પ્રથમ શબ્દ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ” પઢાવે છે. તેનો અર્થ સમજાવે છે. એ પછી હાજર રહેલા સૌ સગાસબંધીઓ બાળકના માતા પિતાને મુબારકબાદી આપે છે. બાળકના માતા પિતા તરફથી સબંધીઓ અને શિક્ષકને ભોજન અને મીઠાઈ પીરસવામાં આવે છે. આમ સૌ શિક્ષણના આરંભની ખુશી માણી છુટા પડે છે. એ દિવસ સમગ્ર કુટુંબ અને સબંધીઓ માટે આનંદનો દિવસ હોય છે. કારણ કે એ દિવસે બાળકે શિક્ષણ દ્વારા જ્ઞાન મેળવવાનો આરંભ કર્યો હોય છે. એ દિવસે તેના શિક્ષણનો આરંભ થયો હોય છે. કારણ કે કુરાને શરીફ અને હદીસોમાં શિક્ષણનું મહત્વ વિશેષ આંકવામાં આવેલ છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક વિદ્વાન છે હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ. અમેરિકા અને કેનેડામાં સ્થાયી બિન નિવાસી ભારતીય શિક્ષિત મુસ્લિમોની સંસ્થા “અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ફ્રોમ ઇન્ડિયા” દ્વારા ૧૧,૧૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ સાંતા ક્લારા, સાંફ્રાન્સીસકો (અમેરિકા)માં મળેલ વાર્ષિક અધિવેશનમાં ભારતના નાગપુર નિવાસી બહુશ્રુત વિદ્વાન મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ (૧૯૨૨-૨૦૦૭)ને “ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને એ એવોર્ડ એનાયત કરવાનું નિમંત્રણ પાઠવતા આયોજકોએ પત્રમાં લખ્યું હતું,

“કુરાન અને હદીસનું જ્ઞાન આમ સમાજ માટે સુલભ કરવાનું આપનું સમર્પિત મહાકાર્ય પ્રશંસનીય છે. ભારતીય નાગરિકો, વિશેષતઃ મુસ્લિમ સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે આપની પ્રતિબદ્ધતા ઉદાહરણીય છે. શિક્ષણમાં, ખાસ કરીને મહિલા શિક્ષણમાં, દીની-દુન્વયી ઉભય શિક્ષણોને સાંકળી લઈને આગેકુચ કરવા માટેનો આપનો આગ્રહ નવજીવન બક્ષનારો છે. મઝહબી તેમજ બીજા ક્ષેત્રોમાં આપની ગણના પાત્ર સિધ્ધિઓને લક્ષમાં લઈને “એફમી”ની કારોબારી કમીટી અને વાર્ષિક અધિવેશન સમિતિએ એનો પ્રતિષ્ઠિત “ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા” એવોર્ડ (ભારતનું ગૌરવ) આગામી અધિવેશનમાં આપને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે.”

ભારત સરકારે પણ તેમની ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજની ખિદમત (સેવા) માટે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના પ્રજાસત્તાક દિને “પદ્મ ભૂષણ” નો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું છે.

ભારતના આવા બહુશ્રુત વિદ્ધાન હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ અંગે હઝરત મૌલાના સૈયદ અબુલ હસન અલી નદવી લખે છે,

“પવિત્ર કુરાનની નિતાંત સેવા કરનારાઓમાં એક નામ પ્રિય અલહાજ મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબનું પણ છે, તેમની દીર્ઘકાલીન સેવાના કારણે ઇસ્લામના નિષ્ઠાવાન પ્રચારક તથા કુરાનના આવાહકના રૂપમાં સૌ તેમને ઘણા લાંબા સમયથી ઓળખે છે અને તેમની તકરીરો (પ્રવચનો)નો લાભ ઉઠાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં મુહતરમ મૌલાના પારેખ સાહેબના “દરસે કુરાન” (કુરાનના પાઠો)એ મુસ્લિમ નવજવાનો તથા આજના શિક્ષિત યુવા દેશબંધુ વર્ગને ઘણા પ્રભાવિત કર્યા છે. અને તેમનામાં દીન (ઇસ્લામ)નો શોખ તથા કુરાનનું આકર્ષણ પૈદા કર્યું છે. મુહતરમ મૌલાના સાહેબ પોતાના વ્યવસાય તથા કારોબારની જવાબદારીઓ સંભાળવા ઉપરાંત આજે પણ આ દીની ખિદમતને અંજામ આપી રહ્યા છે.”

હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ વ્યવસાયે વેપારી હતા. નાગપુર (મહારાષ્ટ્ર)માં તેમનો ઇમારતી લાકડાનો મોટો વેપાર હતો. આજે પણ તેમના પુત્ર એ વેપાર સંભાળી રહ્યા છે. પણ વેપાર સાથે તેમના વાંચન, લેખનના શોખે તેમને વિદ્વાન આલીમ બનાવ્યા હતા. ઉર્દૂ, અરબી, ફારસી, હિંદી, મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, સિંધી અને સંસ્કૃત ભાષાઓ પર તેમનું એક સરખું પ્રભુત્વ હતું. હિંદુ, ખ્રિસ્તી, યહુદી, બૌદ્ધ, જૈન, શીખ અને ઇસ્લામ ધર્મના તેઓ ઊંડા અભ્યાસુ હતા.ઇસ્લામમાં તેમનું મોટું પ્રદાન તેમના ઇસ્લામિક ગ્રંથો અને તકરીરો અર્થાત વ્યાખ્યાનો છે. એક માનવીય અને પરિવર્તનશીલ મુસ્લિમ તરીકે આજે પણ તેમના ઇસ્લામ અંગેના અભિપ્રયો આલિમો અને મુસ્લિમ સમાજમાં વજનદાર ગણાય છે.
ઇસ્લામ વિષયક તેમણે કુલ ૧૭ ગ્રંથો લખ્યા છે. જેમાં મુખ્યત્વે તશરીહુલ કુરાન (કુરાનનો સંપૂર્ણ અનુવાદ અને તેનું વિવરણ) જે ઉર્દૂ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. તફસીર ખજાના, આસાન લુગાતુલ કુરાન, કૌમે યહુદી ઔર હમ (કુરાન કી રોશની મેં), બહનો કી નજાત, હજ કા સાથી, ગાય કા કાતિલ કૌન ઔર ઈલ્ઝામ કિસ પર ?, મદહે રસૂલ (સલ), મોમીન ખવાતીન ઔર કુરાન, પારઃ અમ્મા, જાદુ કા તોડ, તલીમુલ હદીસ, આયાતે શીફા, દુઆ એ હિફાઝત અને હજ કે પાંચ દિન. આ તમામ ગ્રંથોનો એકથી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલા છે. આ ઉપરાંત યુ ટ્યુબ પરના તેના ઇસ્લામક વ્યાખ્યાનો જેવા કે ઇસ્લામ મેં ઔરત કા હક્ક,
તૌબા કયા હૈ ?, ઈમાનવલે કી સિફાત, શાદી બ્યાહ મેં ગલત રસ્મે, ચાર નિકાહ તીન તલાક, હદીસ શરીફ કા તારૂફ જેવા વ્યાખ્યાનો આજે પણ મુસ્લિમ અને ગૈર મુસ્લિમ બંને સમુદાયને માર્ગદર્શન આપતા રહે છે.

તેમનો બહુ જાણીતો ગ્રંથ “આસાન લુગાતુલ કુરાન” તો આજે પણ આમ મુસ્લિમ સમાજ અને આલીમોમાં કુરાનના શબ્દોના આધારભૂત સરળ શબ્દકોશ તરીકે જાણીતો છે. લુગાતુલ શબ્દ અરબી કે ઉર્દૂ ભાષાનો છે. તેનો અર્થ થાય છે “શબ્દ કોશ”. કુરાને શરીફના શબ્દોના આ સરળ શબ્દ કોશનું સૌ પ્રથમ પ્રકાશન ૧૯૫૨ માં થયું હતું. એ પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની આજ દિન સુધી ચાલીસ આવૃતિઓ પ્રગટ થઇ ચુકી છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાલી, તુર્કી અને અંગ્રેજીમાં તેનું ભાષાંતર પણ થયું છે. જેનું ગુજરાતી ભાષાંતર જનાબ અબ્દુલ કાદીર ફતીવાલાએ કરેલ છે. કુરાને શરીફના આયાતોના ક્રમ મુજબ તેમાં આવતા અરબી શબ્દોના ઉચ્ચારો અને તેના અર્થને દર્શાવતા આ કોશના ગુજરાતી અનુવાદ અંગે લેખક ખુદ લખે છે,

“વાચકોની સહૂલત માટે કિતાબને ચાર વિભાગોમાં વિભાજીત કરીને એની વિસ્તૃત અનુક્રમણિકા પણ શરૂમાં આપવામાં આવી છે. મુસલમાનો પોતાના દૈનિક જીવનમાં અતિ ઉપયોગી અને જિંદગીમાં જરૂરી સૂરતો અને દુવાઓ તેના મૂળ અરબી મતન, તેના શબ્દાર્થો અને ગુજરાતી ભાષાંતર સહીત એમાં ઉમેરવામાં આવ્યા છે. એનાથી એની નમાઝ અને દુવાઓમાં ઇન્શાલ્લાહ જાન પડશે. અને ખુશૂઅ તથા ખુઝુંઅ (એકાગ્રતા અને તન્મયતા)
માં વધારો થશે. ગુજરાતી અનુવાદમાં વ્યાકરણના પાંચ પરિશિષ્ઠો ઉમેરવામાં આવ્યા છે. વ્યાકરણમાં આપેલા સ્વાધ્યાયોના જવાબો પણ અલગ અલગ વિભાગ બનાવી આપ્યા છે. જેથી જાતે અભ્યાસ કરનાર પોતાના જવાબો એની સાથે મેળવી શકે”

એજ રીતે મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબે કરેલ કુરાને શરીફનો ગુજરાતી અનુવાદ પણ તારીફે કાબિલ છે. જેણે ગુજરાતી ભાષામાં કુરાને શરીફનો અભ્યાસ કરવા ઇચ્છતા ગુજરાતી મુસ્લિમોને કુરાને શરીફની આયાતોનો સાચો અર્થ અને તેનું વિવરણ જાણવામાં ભારે સહાય કરી છે. આવા બહુશ્રુત વિદ્વાનનું ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ ૮૫ વર્ષની વયે નિધન થયું. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી વિલાસ રાવ દેશમુખે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું,
“તેઓ ભારતની બિનસાંપ્રદાયિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા”

Leave a comment

Filed under Uncategorized

યુગ પાલનપુરીની ગઝલોમાં આધ્યાત્મિકતા

શૂન્ય પાલનપુરી અને ઓજસ પાલનપુરી જેવા પાલનપુરના જાણીતા શાયરોએ પોતાની ગઝલો દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. ઓજસ પાલનપુર તો એક માત્ર શેર,
“મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરી ગઈ”
થી આજે પણ જાણીતા છે. એવા પાલનપુરમાં વસતા એક અન્ય શાયર યુગ પાલનપુરી, પાલનપુર શહેર અંગે લખે છે,
“દિલમાં ખુશ્બુ આંખમાં નૂર
એ જ અમારું પાલનપુર”
આમ તો યુગ પાલનપુરીનું મૂળ નામ ઈબ્રાહીમ કુરેશી છે. પણ તેમનું તખ્લુસ (ઉપનામ) તેમણે “યુગ પાલનપુરી” રાખ્યું છે. કારણ કે એ તખ્લુસની અંદર જીવે છે એક ધબકતો મઝહબી ઇન્સાન, જેની રચનોઓમાં ખુદાનો ખોફ અને ઇન્સાનિયતની સુગંધ પ્રસરેલી છે. હમણાં તેમનો ગઝલ સંગ્રહ “કુંજગલી” અનાયાસે મારા વાંચવામાં આવ્યો. ભાષાની મીઠાશ અને સરળતા સાથે વિચારોની મૌલિકતા સાચ્ચે જ ગમી જાય તેવા અનુભવ્યા.
“સુખમાં છું છતાંય પરેશાન થાઉં છું
સાચે જ સાચ એ ઘડી ઇન્સાન થાઉં છું
હિન્દુ ન થાઉં ન મુસલમાન થાઉં છું
બિન્દુ બની ને સિન્ધુનીય શાન થાઉં છું”
સિંધુ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિના મૂળમાં પડેલી છે. તેની શાનને વાચા આપનાર આ નાનકડો શાયર ખુદાના ફરિશ્તાઓની ઉંચાઈઓ અને ગહેરાઈઓથી પણ વાકેફ છે.
“છળ કપટથી દ્વેષથી જે દૂર થઇ ગયા
કોણે કહ્યું કે એ જ બધા નૂર થઇ ગયા
સહેલું નથી ઓ દોસ્ત મકબુલ થઇ જવું
બાકી ઘણાંએ માણસો મશહુર થઇ ગયા”
મશહૂર થવું અલગ વાત છે. અને મકબુલ થવું અલગ વાત છે. મકબુલ એટલે ખુદાનો એવો બંદો જે ખુદાને પ્રિય હોય અને જેની દુવા ખુદા કબુલ કરતા હોય.એટલે માત્ર છળ કપટ કે દ્વેષથી દૂર રહેનાર માનવી જ ખુદાના પ્યારા બંદા નથી બની શકતા. એ માટે તો એથી પણ વિશેષ પવિત્રતા, ઈબાદત અને નિસ્પૃહિતા જરૂરી છે. એકાગ્ર ઈબાદત જરૂરી છે. અને એટલે જ યુગ પાલનપુરી લખે છે,
“સાફ દિલ રાખ તું ખુદા માટે
કર દુવા તું પછી બધા માટે
રંગ ને રાગ બે ઘડીના છે,
એ નકામા છે આપણા માટે”
રંગ અને રાગ અર્થાત દુનિયાની માયા અને મોહ ખુદાના બંદા માટે સાવ નકામા છે. કારણ કે તે તો માત્ર બે ઘડીના જ છે. છેલ્લા મુગલ સમ્રાટ અને મશહુર શાયર બહાદુર શાહ “ઝફર”નો આવો જ એક શેર ખુબ જાણીતો છે.

“ઉમ્રે દરાજ માંગકર લાયે થે ચાર દિન
દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં”

ઇસ્લામમાં નમાઝને ઈબાદતનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. પણ નમાઝ પઢતા પૂર્વે દરેક મુસ્લિમેં સાચા નમાઝી થવું જરૂરી છે. યુગ પાલનપુરી એ અંગે શાયર લખે છે,
“સાચા નમાઝી માણસ ક્યાં છે
પ્રેમ પ્રકાશિત ફાનસ કયા છે
સંત કબીર તુલસી મીરા,
કલયુગના એ યાચક ક્યાં છે
જેના થકી હું માનવ થાઉં
એ સદગુણોની કાનસ ક્યાં છે”
સાચા નામાંઝીનો સૌથી મોટો ગુણ અને લક્ષણ સૌ પ્રથમ સાચો અને સારો ઇન્સાન થવાનો છે. તે ભલાઈને પ્રાધાન્ય આપે છે. અને પોતાના દુશ્મનનું પણ બૂરું નથી ઇચ્છતો. “કર ભલા હો ભલા અંત ભલે કા ભલા” એ ઉક્તિને સાકાર કરતા પોતાના એક શેરમાં શાયર કહે છે,
“આગ પાણીમાં લગાવીને તું વિખવાદ ન કર
કર ભલું કોઈનું પણ કોઈને બરબાદ ન કર”
આવો સારો ઇન્સાન જ સાચો નમાઝી થઇ શકે. અને આવા નમાઝીનો ખુદા સાથે એકાકાર થાય એ પળની કલ્પના કરતા યુગ પાલનપુરી કહે છે,
“આંખ અલ્લાહથી મળી ગઈ છે.
વેદનાઓ બધી ટળી ગઈ છે
જ્યાં દુવા માંગીએ ખુદા નામે
આશ દિલની બધી ફળી ગઈ છે”
અને જેની આંખ ખુદા સાથે મળી જાય છે, તેના દીલોમાંથી ધર્મના ભેદોની દીવાલો આપો આપ ઓગળી જાય છે.
“હૈયામાં જેના હરઘડી બેઠેલા રામ છે
એના દિલે તો પ્રેમ છે, રાધે છે શ્યામ છે
ભૂલી શકું કઈ રીતે રસખાનનું નામ
મુસ્લિમ હતો છતાંયે દિલે કૃષ્ણનામ છે
સળગે છે શાને હોળીઓ આપસમાં પ્રેમની
ઉંચા હર એક ધર્મના અહિયા મુકામ છે
ઈર્ષાનો છોડ વાવતા પહેલા વિચાર કર,
એ તો કોઈ આ દેશના દુશ્મનનું કામ છે”

આવા શાનદાર શાયર યુગ પાલનપુરીને તેમના વિચારોની ઊંચાઈ અને સરળતા માટે સલામ.

Leave a comment

Filed under Uncategorized

ટેન કમાન્ડઝ : દસ ધર્માદેશ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોટે ભાગે એમ માનવમાં આવે છે કે ટેન કમાન્ડઝએ યહુદી અને ખ્રિસ્તી ધર્મના પયગમ્બર હઝરત મુસા દ્વારા આપવામાં આવેલ ધર્માદેશ છે. અને તેને જ કેન્દ્રમાં રાખી આજ મથાળાની ઘણી અંગ્રેજી ફિલ્મો પણ બની છે. હઝરત મૂસા ઇસ્લામના એક અગ્ર પયગમ્બર હતા. ખુદાએ પોતાના પયગમ્બરો પર વખતો વખત વહી દ્વારા કેટલીક નોંધપાત્ર કિતાબો ઉતારી છે. જેમ કે હઝરત મૂસા (અ.સ.) પર ખુદાએ “તૌરાત” નામક કિતાબ ઉતારી હતી. હઝરત ઇસા (ઈસુ) પર ખુદાએ “ઈંજીલ” ઉતારી હતી. જેને ખ્રિસ્તીઓ “બાઈબલ” કહે છે. હઝરત દાઉદ (અ.સ.) પર ખુદાએ “ઝુબુર” નામક કિતાબ ઉતારી હતી. જયારે હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ખુદાએ “કુરાન” ઉતાર્યું હતું. જો કે કુરાને શરીફમાં એ પહેલાની ત્રણે ખુદાઈ કીતાબોની ઉત્તમ બાબતો મુહંમદ સાહેબ (સ.અ.વ.) એ સામેલ કરી છે. ટેન કમાન્ડસ કુરાને શરીફની એવી જ પાંચ આયાતોનો સંગ્રહ છે. જેનો ઉલ્લેખ હઝરત મુસાએ “તૌરાત”માં કર્યો છે. એ આયાતો કુરાને શરીફમાં સૂરા; અન્આમમાં ૧૫૧ થી ૧૫૩માં આપવામાં આવેલ છે. આજે એ દસ ધર્માંદેશ વિષે થોડી વાત કરવી છે. “તૌરાત” અને “કુરાને શરીફ”માં આપવામાં આવેલ એ દસ ધર્માદેશમાં અદભુત સામ્ય છે. કુરાને શરીફમાં તે આદેશો પ્રતિબંધો તરીકે આલેખવામાં આવ્યા છે. સૌ પ્રથમ કુરાને શરીફની સૂરા: અન્આમની ૧૫૧ થી ૧૫૩ની આયાતોનો ગુજરાતી અનુવાદ જોઈએ.
“હે નબી, એમને કહો કે આવો હું તમને સંભાળવું, તમારા રબે તમારી ઉપર કયા પ્રતિબંધો મુક્યા છે.
તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.
અને માતા-પિતા સાથે નેક વર્તાવ કરો.
અને પોતાના બાળકોને ગરીબીના ડરથી કતલ ન કરો, અમે એમને પણ રોજી આપીએ છીએ અને
તેમને પણ આપીશું.
અને નિર્જલતાની વાતોની નજીક પણ ન ફરકશો, ચાહે તે ખુલ્લી હોય કે છુપી,
અને કોઈ જીવને જેને અલ્લાહે હરામ ઠેરવ્યું છે, મારો નહિ પરંતુ હક્કની સાથે.
આ વાતો છે જેમની શીખ તેણે તમને આપી છે, કદાચ તમે બુદ્ધિપૂર્વક વર્તો.
અને આ પણ કે અનાથના માલ નજીક ન જાઓ પરંતુ એવી રીતે જે શ્રેષ્ઠ હોય, અહી સુધી કે તે
પુખ્ત ઉંમરે પહોંચી જાય.
અને તોલમાપમાં પૂરેપૂરો ઇન્સાફ કરો, અમે દરેક વ્યક્તું ઉપર જવાબદારીનો એટલો જ બોજ નાખીએ
છીએ જેટલો તે ઉઠાવી શકે છે.
અને જયારે વાત કરો ત્યારે ન્યાયની કહો, ચાહે મામલો પોતાના સગાનો જ કેમ ન હોય.
અને અલ્લાહનો કરાર પૂરો કરો.
અને બેશક આ સીધો માર્ગ છે, તેના પર ચાલો અને તે માર્ગ પર ન ચાલો કે જે તમને અલ્લાહના
માર્ગથી વિખુટા કરી દે,
તમને આ હુકમ આપ્યો છે, જેથી તમે બચી શકો.” (સૂરા: અન્આમ ૧૫૧ થી ૧૫૩)

ઉપરોક્ત કુરાને શરીફની આયાતમાં અલ્લાહએ માનવ સમાજ પર કુલ દસ પ્રતિબંધો કે આદેશો આપ્યા છે. એ મુજબ
૧. સૌ પ્રથમ આદેશ “તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો” છે.અર્થાત ઇસ્લામના મૂળભૂત સિધ્ધાંત એકેશ્વરવાદનો અત્રે ઉલ્લેખ છે. અલ્લાહ એક છે. અને તેની ઇબાદતમાં કોઈને ભાગીદાર ન બનાવો. એક માત્ર અલ્લાહની જ ઈબાદત કરો. ઈસ્લમમાં આ સિદ્ધાંતને તોહીદ કહેલ છે.
૨. બીજો આદેશ એ છે કે માતા-પિતા સાથે બદ્સૂલૂકી ન કરો. માતા-પિતા સાથે બદ્સૂલૂકી મોટો ગુનાહ છે. અર્થાત માતા-પિતા સાથે હંમેશા ભલાઈનો વ્યવહાર અને સારી વર્તણુંક કરો.
૩. સામાજિક કે આર્થિક કારણો સર પોતાના સંતાનોની હત્યા ન કરો. એ યુગમાં દીકરીના જન્મ સાથે જ તેને રણની રેતીમાં દાટી દેવાની પ્રથા હતી. વળી, ગરીબી કે બેરોજગારીને કારણે સંતાનોને મારી નાખવમાં પણ આવતા. આજે પણ ભ્રૂણ હત્યાને રોકવાના વિશ્વભરમાં પ્રયાસો થાય છે.
૪. નિર્લજ્જતા અથવા વ્યભિચાર ન કરો. તે હરામ છે.
૫. કોઈની નાહક, અકારણ, અન્યાયી રીતે હત્યા કરાવી હરામ છે. તે મોટો ગુનાહ છે.
૬. યતીમો અર્થાત અનાથોનો માલ (સ્થાવર જંગમ મિલકત) નાઝાઈઝ રીતે ન ખાઓ, તે હરામ છે. યતીમો,અનાથો કે નાબાલિગ બાળકોના માલથી દૂર રહો. તેના માલ પર બેઈમાની ભરી નજર પણ ન નાખો. બલકે તેમના માલની હિફાઝત કરો. તેમાં વૃદ્ધિ થાય તેવા પ્રયાસો કરો.
૭. તોલ માપમાં બેઈમાની કરવી એ પણ હરામ છે. તે મોટો ગુનાહ છે. અત્રેનો આદેશ તિજારત અર્થાત વેપારમાં ઈમાનદારીથી વર્તવા પર ભાર મુકે છે. કોઈને ઓછું તોલીને આપવું કે કોઈની પાસેથી બેઈમાની કરી વધારે લેવું બંને ગુનાહ છે.
૮. સાક્ષી, ન્યાય કે ન્યાયની કોઈ પણ પ્રક્રિયામાં બેઈમાની કે નાઈન્સાફી કરવી હરામ છે. જુઠ્ઠી સાક્ષી આપવી, ન્યાયમાં પક્ષપાત કરવો કે ખોટા પુરવાઓ ઉભા કરી ઇન્સાફને ગેરમાર્ગે દોરવાની કોઈ પણ ક્રિયા કરવા પર આ આદેશથી પ્રતિબંધ મુકવામાં આવેલા છે.
૯. અલ્લાહ સાથેના કરારનો ભંગ કરવો, એટલે કે કોઈ પણ કરાર ભંગ કરવો હરામ છે. ગુનાહ છે.
૧૦. સીધા માર્ગ પર ચાલો અને તે માર્ગ પર ન ચાલો કે જે તમને અલ્લાહના
માર્ગથી વિખુટા કરી દે. અર્થાત ખુદાએ નૈતિક અને સત્યના માર્ગે જ ચાલવાનો આદેશ આપ્યો છે. અનૈતિક કે અસત્યના માર્ગ પર ચાલવું હરામ છે. તે મોટો ગુનાહ છે.
કુરાને શરીફની આ આયાતમાં આપવામાં આવેલ આ દસ આદેશોમાંના સાત આદેશો તો તૌરાતમાં આપવામાં આવેલ ટેન કમાન્ડસમાં સમાયેલા છે. જેમ કે અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરો, માતાપિતાનો આદર કરો, અકારણ હત્યા ન કરો, નાજાયજ શારીરિક સંબધો ન રાખો, ચોરી ન કરો, ખોટી સાક્ષી ન આપો, અને કોઈની ઈર્ષા ન કરો.

અને એટલે જ કઅબ અહબાર જે તૌરાતના વિદ્વાન આલીમ હતા. તેઓ ફરમાવે છે,
“કુરાન મજીદની આ આયાતો જેમાં દસ વસ્તુઓનું વર્ણન છે, અલ્લાહની કિતાબ તૌરાતમાં બિસ્મિલ્લાહ પછી આ આયાતો શરુ થાય છે. અને કહેવામાં આવ્યું છે કે આ દસ આદેશો તે છે જે હઝરત મૂસા (અ.સ.) પર નાઝીલ થઈ હતી”

Leave a comment

Filed under Uncategorized

આત્મહત્યા : અધાર્મિક અપકૃત્ય :ડૉ. મહેબૂબ દેસાઈ

૬ મેંના રોજ રાજ ભવનમાં ગુજરાતના બૌદ્ધિકોની એક સભા મળી હતી. મહામહીમ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી સાહબે ખાસ બોલાવેલી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત આ બેઠકનો ઉદેશ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા વિચારણાના કરવાનો હતો. મહામહીમ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીજી આવી કોઇં સામાજિક સમસ્યાથી ચિંતિત થઇ, તેના ઉકેલ માટે રાજ્ય ભવનમાં બેઠક બોલાવે તે પ્રસંગ સમગ્ર ગુજરાતની પ્રજા માટે નવતર હતો. અને એટલે જ આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય શિક્ષણ મંત્રી વસુબહેન ત્રિવેદી, સાથે ગુજરાતના જાણીતા બુદ્ધિજીવીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં યુવાનોમાં (૨૫ વર્ષથી નીચેના) આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વમાં દર વર્ષે આઠ લાખ માનવીઓ આત્મહત્યા કરે છે. જેમાં દોઢ લાખ માણસો ભારતમાં આત્મહત્યા કરે છે. ગુજરાતમાં એક માત્ર અમદાવાદ શહેરમાં જ છેલ્લા એક માસમાં ૪૫ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. જેમાં ૧૫ જણે નદીમાં કુદીને, ૨૦ જણે ગળાફાંસો ખાઈને, ૫ જણે સળગીને અને ૫ જણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આવા સળગતા પ્રશ્ન પર રાજ્યપાલ ચિંતિત થાય અને તેના ઉકેલ માટે બુદ્ધિજીવીઓને પોતાના આંગળે નોતરી ચર્ચા કરે, એ ઘટના જ આપણા રાજ્યપાલમા હજુ પણ જીવંત રહેલા શિક્ષકને વ્યક્ત કરે છે.
જીવન માનવીને ઈશ્વર-અલ્લાહે આપેલ અનમોલ દોલત છે. તેને કોઈ નાના મોટા ભારણથી હારી જઈ ત્યજી દેવાની ક્રિયા એટલે આત્મહત્યા કે આપઘાત. શેખ આદમ આબુવાલાએ કહ્યું છે,
“અમને નાખો ઝિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરી સૌ મોરચા
મૌતને પણ આવવા દો લાગમાં”
એ જ લહેજામાં આપણા જાણીતા શાયર દાગ દહેલાવી કહે છે,
“દુનિયા મેં આદમીકો મુસીબત કહા નહિ ?
વો કોનસી ઝમી હૈ જહાં આસમાં નહિ ?”
ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહ એવા જ આશાવાદી સૂરમાં કહે છે,
“ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?
નાની અમથી જાતક વાતનો મચવીએ ના શોર !”

જિંદગી ખુદાની પ્યારી નેમત (ભેટ) છે તેને આત્મહત્યા કે આપઘાત કરી વેડફી નાખવી એ દરેક મઝહબમાં મોટો ગુનાહ છે .શંકરાચાર્યની પેલી આશાવાદી ઉક્તિ આજે પણ પ્રચલિત છે,
“અંગ ગળી ગયું છે, માથાના વાળ સફેદ થઇ ગયા છે,મોઢું દાંત વિનાનું થઇ ગયું છે એવો વૃદ્ધ હાથમાં લાકડી લઇ ચાલે છે,છતાં જીવવાની આશા છોડતો નથી”
ઇસ્લામમાં આત્મહત્યા કે આપઘાત માટે ખુદકુશી શબ્દ વપરાયો છે. અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. ઇસ્લામ માને છે,
“ખુદાએ માનવીને આપેલ સૌથી મોટી નેમત (ભેટ) એ માનવ દેહ છે. તેનું જતન-જાળવણી કરવાની દરેક માનવીની ફરજ છે. જેણે આપણને માનવ દેહે જન્મ આપ્યો છે તેણે જ આ દુનિયામાંથી આપણી વિદાઈની પળ પણ નક્કી કરી છે. અને એટલે જ ખુદાને માનવીના જન્મ અને મરણમાં દરમિયાનગીરી કે દખલગીરી સ્વીકાર્ય નથી. જીવનમાં દુઃખો, સમસ્યાઓ કે યાતનાઓથી ત્રાસીને, હારીને જીવન ટૂંકાવી નાખવાની માનવીની ક્રિયા ખુદાને અત્યંત નાપસંદ છે”
અને એટલે જ ઇસ્લામે ખુદકુશીનો સખત વિરોધ કર્યોં છે. તેને સૌથી મોટો ગુનાહ ગણવામાં આવેલ છે.
એકવાર હઝરત મુહમદ પયગંબર (સ.અ.વ.) પાસે આવી, એક અનુયાયી ભાંગી પડ્યો. આક્રંદ કરતા એ બોલી ઉઠયો,
“હવે મારાથી સહન નથી થતું, હું આ દુઃખોથી મુક્ત થવા ખુદકુશી કરવા માંગું છું.”
મુહંમદ સાહેબે ફરમાવ્યું,
“જે શખ્સ પોતાને પહાડ પરથી ફેંકી ખુદકુશી કરશે તે સદાને માટે દોઝક (નર્ક)માં જશે. જે માણસ ઝેરથી પોતાને મારી નાખશે, તેના હાથમાં કયામતને દિવસે ઝેરનો પ્યાલો જ હશે. જે પોતાને લોઢા કે કાથીની સાંકળથી હલાક કરશે, કયામતના દિવસે તેના હાથમાં તે જ હશે. અને તે પોતાની જાતને તેનાથી મારતો હશે.”

ઇસ્લામમાં એક ઉક્તિ બહુ જાણીતી છે. કમ ખાઓ ઔર ગમ ખાઓ. માનવી ભૂખથી મર્યાના દ્રષ્ટાંતો જુજ છે. પણ માનવી વધુ પડતું ખાઈને મર્યાના દ્રષ્ટાંતો અનેક છે. એજ રીતે માનવી જો ગમ ખાતા શીખી જાય તો પણ
આત્મહત્યાના પ્રસંગોને ટાળી શકાય. ગમ ખાવો એટલે કે ગમને પચાવવો. જેમ યશ, કીર્તિ કે ઉચ્ચ સ્થાન જો માનવી પચાવી ન શકે તો તે તેને ખાઈ જાય છે. એ જ રીતે માનવી દુઃખ, નિરાશા કે પરાજયને પચાવી જાય, નીલકંઠ બની તેને પી જાય, તો પણ અનેક માનવીઓ નિષ્ફળતાની ખાઈમાંથી બહાર નીકળી અવશ્ય પુનઃ ધબકતા બની શકે.

એજ રીતે ઇસ્લામના અન્ય એક શબ્દ પ્રચલિત છે. સબ્ર. સબ્ર આત્મહત્યાને મર્યાદિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. આપણી વધુ પડતી અપેક્ષાઓ અને તે પૂરી કરવામાં ઉણા ઉતરવાને કારણે આવતી હતાશા આત્મહત્યાનું મૂળભૂત કારણ છે. અને એટલે જ ઇસ્લામમાં સબ્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સબ્ર એટલે સંતોષ. જે મળ્યું છે તેમાં સંતોષ માનવો. “ખુદાએ મને જે કઈ આપ્યું છે તે મને મારી લાયકાત કરતા વધારે છે” તેમ માનીને જીવનાર માનવી કયારે દુ:ખી થતો નથી. હતાશ થતો નથી.

અંતમાં આત્મહત્યા અંગે હઝરત ઈમામ બુખારીનું એક અવતરણ કહી વાત પૂરી કરીશ. હઝરત ઈમામ બુખારી કહે છે,
“કોઈ પણ વ્યક્તિ મૌત આવ્યા પહેલા મૌતની તમન્ના ન કરે. અને ન તો એ માટે પ્રાર્થના કરે. કારણ કે મૌત આવ્યા પછી બધા જ આમાલો પૂર્ણ થઇ જાય છે. જીવન હશે તો જ કશુંક નેક કરવાની તક રહેશે. જીવન જ નહિ હોય તો પછી કશુજ નહી હોય”

Leave a comment

Filed under Uncategorized