Monthly Archives: June 2011

નિદા ફાજલી : ધર્મની સાચી વિભાવના : ડો. મહેબૂબ દેસાઈ

ભારતના આધુનિક શાયરોમાં નિદા ફાજલીનું નામ અગ્ર છે. તેમની શાયરીમાં વ્યક્ત થતી ધર્મ ભાવના ભારતની બિનસાંપ્રદાયિકતાની અસલ ઓળખ છે. તેમનો પેલો જાણીતો શેર આજે પણ ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને સાકાર કરતો લોકજીભે જીવંત છે.

अपना ग़म लेके कहीं और न जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये

નમાઝની અહેમિયત ઇસ્લામમાં અનહદ છે. પાંચ વકતની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ ઇસ્લામમાં હોવા છતાં, માનવતાનો ધર્મ ઇસ્લામના કેન્દ્રમાં રહ્યો છે. એ ધર્મને સાકાર કરતા નીદાજી ઉપરોક્ત ચાર લાઈનોમા ગઝલના રૂઢ સ્વરૂપ ઈશ્ક, સૌદર્ય અને વિરહના સ્થાને ઇસ્લામની મૂળભૂત વિભાવનાને વ્યક્ત કરે છે. તેમની આ ચાર લાઈનોમાં તેઓ કહે છે,પોતાના દુઃખોના ગાણા લોકો પાસે ગાવા કરતા, ખુદાએ તને જે આપ્યું છે, તેનો શુક્ર અદા કરી, તેને સજાવ તેની ખુશી માનવ. ખુદાએ તને જે કઈ આપ્યું છે તેનો શુક્ર અદા કરવા ઈબાદત કર નમાઝ પઢ. અને જો નમાઝ અદા કરવા મસ્જિત તારા ધરથી દૂર હોઈ તો કોઈ રડતા બાળકને રમાડ, તેને હસાવ. તે પણ ખુદાની જ ઈબાદત છે. જો કે આ ગઝલ પાકિસ્તાનમાં પઢ્યા પછી ત્યાના મૌલવીઓનો રોષ નીદાજીએ વોહરી લેવો પડ્યો હતો.
“આપને મસ્જિત ઔર બચ્ચે કો એક સા ગીન કર, ખુદા કે ઘર મસ્જિત કી તોહીન (અપમાન) કી હૈ”
આવા અનેક સવાલોનો એક માત્ર જવાબ આપતા નીદાજી એ કહ્યું હતું,
“મસ્જિત કો તો ઇન્સાનને અપને હાથો સે બન્યા હૈ, ઔર બચ્ચે કો તો ખુદ ખુદા ને બનાય હૈ.” અને ખુદાના સર્જનને ચાહવું, તેને પ્રેમ કરવો, તેની ખિદમત કરવી એ જ તો ઇસ્લામનો મૂળભૂત ઉદેશ છે. નીદાજીના આવા વિચારો ઇસ્લામની સાચી ઓળખ છે. એ ઓળખને વાચા આપતા નીદાજીના દોહા પણ માણવા જેવા છે. તેમાં પણ ધર્મની આપણી રૂઢ વિભાવનામાં ક્રાંતિકારી પરિવર્તનના એધાણ વર્તાય છે. એવા કેટલાક દુહો સો પ્રથમ આપણે માણીએ અને પછી કેટલાકનું આચમન કરીએ.

“સાતો દિન અલ્લાહ કે ક્યાં મંગલ કયા પીર
જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર”

“ઇસા, અલ્લાહ, ઈશ્વર, સારે મંતર શીખ
જાને કબ કિસ નામ પર મિલ જાયે ભીખ”

“અલ્લાહ અરબ મેં,ફારસીવાલો મેં વો ખુદા
મેને જો મા કા નામ લિયા ફિર કિસ કો ક્યા”
આ દુહાઓમાં ધર્મના નામ પર ચાલતા જીવનના દ્રષ્ટાંતો દ્વારા નીદાજી અલ્લાહના સાચા સ્વરૂપને સાકાર કરવાનો પ્રયાસ કરે છે. “મા” અલ્લાહનું આદર્શ સ્વરૂપ છે. ઇસ્લામમાં પણ ખુદા પછીનો દરજ્જો “મા” ને આપવામાં આવ્યો છે.
બચ્ચા બોલે દેખ કે મસ્જિત આલીશાન
અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન
મંદિરો-મસ્જીતોના મોટા પાયા પર સર્જન પ્રત્યેની આપણી વધતી જતી ઘેલછાને આ દોહામાં અસરકારક રીતે નીદાજીએ અભિવ્યક્ત કરી છે. માનવીઓને રહેવા માટે ૧૦x૧૦ની નાનકડી ઓરડી પણ આજે નથી મળતી. ત્યારે ખુદા-ઈશ્વરના નામે આપણે મોટા મોટા મંદિરો અને મસ્જીતોનું સર્જન કરવાની હોડ આરંભી છે. અને તે માટે અશાંતિ પણ સર્જીએ છીએ. એ વિચારને એક બાળકના મુખે વ્યક્ત કરી નીદાજીએ સમાજના ઠેકેદારોને વિચારતા કર્યા છે.

અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બહાર ખડા, ઈશ્વર માંગે દાન

દરેક ધર્મમાં માનવતાનું મુલ્ય કેન્દ્રમાં છે. ભગવાન કે ખુદાના ચરણે આપણે જે કઈ ધરીએ છીએ,તે ખુદાને પહોંચે છે કે નહિ તે આપણે જાણતા નથી. છતાં આપણી આસ્થા, વિશ્વાસ આપણને તેમ કરવા સતત પ્રેરે છે. પણ જરૂરત મંદ માનવીને મદદ કરવામાં પણ ખુદા-ઈશ્વરનો વાસ છે. તે સત્ય આપણે વાતોમાં વાગોળીએ છીએ, પણ વ્યવહારમાં આચરતા નથી.

સબકી પૂજા એક સી, અલગ અલગ હર રીત
મસ્જિત જાયે મોલવી , કોયલ ગાયે ગીત

ઈબાદત કે ભક્તિની રીત દરેક ધર્મમાં અલગ અલગ છે. પણ તે તમામ ક્રિયાઓના કેન્દ્રમાં ઈશ્વર-ખુદાનું સાનિધ્ય સાધવાની ખેવના જ છે. એ ખેવનાનું સંગીત કોયલના સ્વર જેવું મધુર છે. જેમાં કોઈ ધર્મના ભેદો નથી માત્ર તેમાં મધુરતા અને એકાગ્રતા જ છે.

મુઝ જૈસા એક આદમી મેરા હી હમ નામ
ઉલટા સીધા વો ચલે, મુઝે કરે બદનામ

નીદાજીના આ દોહમાં ખુદા-ઈશ્વરની ફરીયાદનો સુર ભાસે છે.”મારા બનાવેલા મને બનાવે છે” જેવો ભાવ વ્યક્ત થાય છે.માનવીના હદયમાં ખુદા-ઈશ્વરનો વાસ છે. એ જ માનવી પોતાના કર્મોને કારણે દુઃખ, યાતનાઓ અને મુશ્કેલીયોમાં ફસાય છે. ત્યારે તે ઈશ્વર કે ખુદાને બદનામ કરે છે, તેને કોશે છે.પણ તેને એ સમયે તેણે કરેલા ઉલટા સિધા કામો યાદ નથી આવતા.

પૂજા ઘર મેં મૂર્તિ, મીરા કે સંગ શ્યામ
જીતની જિસકી ચાકરી,ઉતના ઉસ કા દામ

આ દોહામાં નીદાજીએ પૂજા ઘરમાં મુકવામાં આવેલ મુરત અને તેની ચાકરી અર્થાત ઈબાદત-ભક્તિના સંદર્ભ સાથે દામનો ઉલ્લેખ કર્યો છે.દામ એ ભક્તિ કે ઈબાદતના સંદર્ભમાં ઈશ્વર કે ખુદા તરફથી મળતી ભેટ છે. આ ભેટનું સ્વરૂપ ગમે તે હોઈ શકે. અથવા તે નિરાકાર પણ હોઈ શકે. ઈબાદત અને ભક્તિ માનવીને સુકુન, શાંતિ અને પરમ આનંદનો અહેસાસ કરાવે છે. એ અર્થમાં દામનું સ્વરૂપ કળવું મુશ્કેલ છે. વળી, આપણી ભક્તિ કે ઇબાદતમાં મોટે ભાગે માગવાનો ભાવ વિશેષ હોઈ છે. આપણી એક પણ પ્રાર્થના નિસ્વાર્થ હોતી નથી.તેમાં કયાંકને ક્યાંક ખુદા-ઈશ્વર પાસેથી કઈક પ્રાપ્ત કરવાની ખેવના સંતાયેલી હોઈ છે. નીદાજી તેને અહિયા”દામ”ના સ્વરૂપે વ્યક્ત કરવાનું ભૂલ્યા નથી. એક શાયર પોતાની કલમમાથી સમાજ ધડતરના આવા રત્નો સમાજને અર્પે ત્યારે સમાજમાં કલમ ધારકનું મુલ્ય થોડી પળો માટે પણ આપણને સમજાય છે. અને તે જ કલમધારકની સાચી સિદ્ધિ છે.

Leave a comment

Filed under Uncategorized

ગુજરાતમાં મુસ્લિમ શિયા વહોરા પંથનો ઉદભવ અને વિકાસ : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમા શિયાપંથના બે વિભાગો જાણીતા છે. તેમા મુસ્તાલી અર્થાત વહોરા અને નીમારી અર્થાત ખોજાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વહોરાપંથનો પ્રચાર કરનાર મૌલાના અબ્દુલ અલી સૈફ નામક ઇસ્માઈલી પ્રચારક હતા. તેઓ પોતાના ગ્રંથ “મજાલીસ સફફીયા” (રચના ઇ.સ. ૧૮૦૯)મા લખે છે,
“આદમ બિન ઝકીમુદ્દીને જણાવ્યુ છે કે મુસ્તનીસર લિલ્લાહ (ફાતિમા ખલીફા મિસર)એ અબ્દુલ્લાહ અને અહેમદ નામના બે મીસરીને યમનના પ્રચારક પાસે એવા ઈરાદાથી મોકલ્યા કે તેની પાસેથી હિન્દુસ્તાનમાં પ્રચારનું કાર્ય લઇ શકાય. અને તે બંને યમનથી પ્રચાર અર્થે ભારતના ખંભાત બંદરે આવ્યા.”
ગુજરાતમાં શિયા વહોરા પંથના ઉદય માટે ઈ.સ. ૧૦૬૭ના અરસામાં અરબસ્તાનના યમન પ્રાંતના હીરોઝ ગામમાંથી ઈસ્માઈલી મુસ્તાલી કોમના વડા મુલ્લાજીએ અબ્દુલ્લાહ નામક એક દાઈને ગુજરાતમાં મોકલ્યા હતા. તેઓ ખંભાત બંદરે ઉતર્યા હતા. દાઈ અબ્દુલ્લાહ અત્યંત વિદ્વાન અને ચમત્કારી હતા. તેમણે સૌ પ્રથમ ખંભાતમાં રહીને ત્યાના લોકોની રહેણીકરણીનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અને પછી પોતાના પંથનો પ્રચાર કર્યો. ધર્મ પ્રચારમાં તેમને સફળતા અપાવનાર બે કથાઓ શિયાપંથના ઇતિહાસમાં નોંધાયેલી છે. કાકા કેલા અને તેમની પત્ની કાકી કેલી ખંભાત પાસે એક ખેતરમાં કામ કરતા હતા. ત્યારે દાઈ અબ્દુલ્લાહ ત્યાંથી પસાર થયા. તેમણે આ દંપતી પાસે પીવા માટે પાણી માંગ્યું. પણ ખેતરના કુવામાં પાણી ન હતું. તેથી કાકી કેલીએ તેમને પાણી ન આપ્યું. ત્યારે દાઈ અબ્દુલ્લાહે કાકા કેલાને કહ્યું, ” જો આપ બંને પતિ-પત્ની મુસ્લિમ થવા તૈયાર થાવ તો હું આ સુકાય ગયેલા કુવામાં પાણી લાવી આપું” કાકા કેલા સંમત થયા. અને દાઈ અબ્દુલ્લાહે કુવામાં તીર માર્યું. અને કુવામાં પાણી ઉભરાવા લાગ્યું. કાકા કેલી અને કાકી કેલી આ ચમત્કાથી પ્રભાવિત થયા. અને તેમણે ઇસ્લામનો અંગીકાર કર્યો. એ પછી ખંભાત વિસ્તારમાં ઘણા હિન્દુઓ મુસ્લિમ થયા. તેઓ બધા વહોરા કહેવાયા. આજે પણ ખંભાત પાસે આવેલી કાકા કેલાની મઝાર શિયા વહોરાઓનું મોટું યાત્રા ધામ છે. દાઈ અબ્દુલ્લાહનો બીજો ચમત્કાર પણ ખંભાતના જ લોકોએ જોયો હતો. એક જાહેર સ્થળે લોખંડનો એક વિશાળ હાથી હવામાં લટકતો હતો. જે જાહેર ઈમારતના ખંડમાં હાથી લટકતો હતો, તે ઓરડામાં ચારે બાજુ લોહચુંબક ગોઠવેલા હતા. દાઈ અબ્દુલ્લાહએ ધીમે ધીમે ચારે દીવાલોમાંથી લોહચુંબક કાઢ્યા. અને હાથીનો એક એક પગ જમીન પર ઉતાર્યો. તેમના આ ચમત્કાર પછી લોકોમા તેમના પરનો વિશ્વાસ અને ખ્યાતી બને વધ્યા. એ વખતના ગુજરાતના શાસક સિદ્ધરાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩) અને તેના વજીર ભારમલ અને તેના ભાઈ તારમલે દાઈ અબ્દુલ્લાહના આવા ચમત્કારોથી પ્રભાવિત થઈ ઇસ્લામ અંગીકાર કર્યાનો ઉલ્લેખ શિયા વહોરાઓના ઇતિહાસમાં જોવા મળે છે. જો કે આ ઉલ્લેખના ઐતિહાસિક આધારો પ્રાપ્ત થતા નથી. પણ તેના પરથી એટલું તારણ કાઢી શકાય કે દાઈ અબ્દુલ્લાહએ ગુજરાતમાં આવી, હિંદુ સમાજને પ્રભાવિત કરી, ઇસ્લામના શિયાપંથનો બહોળો પ્રચાર કર્યો હતો. કારણકે સિદ્ધરાજ જયસિંહ અને અજયપાલ (૧૧૭૩-૧૧૭૬)ના સમયમા શિયાપંથના અનેક અનુયાયીઓ ગુજરાતમાં આવ્યા હતા. અજયપાલે તો રાજ્યમાં શિયાપંથના પ્રચારકોને ઘણી સગવડતાઓ આપ્યાના આધારો મળે છે.
ગુજરાત પર મહંમદ ગઝનીના આક્રમણના અનેક રાજકીય અને ધાર્મિક કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યા છે. પણ ફારસી સાહિત્યના ઇતિહાસમાં મહંમદ ગઝનવીની શિયાઓ પ્રત્યેની સુગને પણ એક મહત્વના કારણ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. મહંમદ ગઝનવીએ અજયપાલના રાજ્યમાં હેરાનગતિ કરવાના બદલે મુલતાનમાં જ્યાં શિયાઓની વસ્તી વધારે હતી ત્યાં ચડાઈ કરી હતી. આવા કપરા સમયમાં પણ શિયા દાઈઓએ પોતાનો પ્રચાર અઢી દાયકા સુધી અર્થાત ચૌદમાં સૈકાના અંત સુધી ચાલુ રાખ્યો હતો. એ પછી ગુજરાતના સુબા તરીકે ઝફરખાન સાથે અનેક સુન્ની ઉલેમાઓ ગુજરાતમાં આવ્યા હતા. તેના પૌત્ર અને અહમદાબાદના સ્થાપક અહમદ શાહના શાસનકાળમાં શીયોનો પ્રચાર થોડો માર્યાદિત થયો હતો. મોગલ શાસનકાળ દરમિયાન પણ શિયા અને સુન્ની વચ્ચેનો સંઘર્ષ યથાવત રહ્યો હતો. આ યુગનો શિયાપંથનો મહત્વનો ઐતિહાસિક બનાવ વડા મુલ્લાજીનું યમનથી ઈ.સ. ૧૫૩૯ હિજરી સન ૯૪૬ ગુજરાતમાં આગમન હતો. એ માટે ગુજરાતમાં શિયાપંથનો વધતો જતો વિસ્તાર અને યમનમા શિયાપંથમાં આવેલી ઓટા જવાબદાર હતા. આ ઉપરાંત એક અન્ય કારણ પણ ઇતિહાસમાં નોંધાયેલ છે. ઈ.સ. ૧૫૩૭મા તુર્કોએ એડન અને કિનારાના પ્રદેશો જીતી લીધા હતા. આથી પરોક્ષ રીતે વડા મુલ્લાજીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આમ ગુજરાતમાં આવનાર ૨૪મા દાઈ મુલ્લ્લાજી સાહેબ યુસુફ બિન સુલયમાન હતા. તેમણે ગુજરતામાં આવી પોતાની ગાદી સૌ પ્રથમ સિદ્ધપુરમાં સ્થાપી હતી.
મોગલ શાસનકાળ દરમિયાન શિયા વહોરા કોમમાં બે ફિરકા પડ્યા. એક દાઉદી વહોરા અને બીજા સુલયમાની વહોરા. આ ફાંટા ઈ.સ. ૧૫૯૧મા થયા. સુલયમાની વહોરા પ્રથમ ગુજરાતના વડા મુલ્લાજીને પોતાના ધાર્મિક વડા માનતા હતા. પરંતુ ઈ.સ. ૧૫૮૮મા ગુજરાતના વહોરાઓના વડા મુલ્લાજી દાઉદ બિન અજબ શાહ વફાત (અવસાન) પામ્યા. ત્યારે ગુજરાતના વહોરાઓએ વારસદાર તરીકે દાઉદ કુતુબ શાહને નીમી તેની જાણ યમનમા કરી. દરમિયાન યમનના મુલ્લાજીએ ત્યાના એક મુલ્લાજી સુલયમાનને મર્હુમ વડા મુલ્લાજીના વારસદાર તરીકે જાહેર કર્યા. અને તેઓ ગુજરાતમાં આવ્યા.પરંતુ ગુજરાતના જુજ વહોરાઓએ જ તેમનો સિવાય સ્વીકાર કર્યો હતો. જેથી તેઓ પાછા અરબસ્તાન જતા રહ્યા હતા. ગુજરાતના વહોરાઓમાંથી જેમણે સુલયમાનનો મુલ્લાજી તરીકે સ્વીકાર કર્યો, તેઓ સુલયમાની વહોરા કહેવાય. આજે પણ સુલયમાની વ્હોરાઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે.

Leave a comment

Filed under Uncategorized

નૈતૃત્વ કૌશલ્ય અને ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ

લીડરશીપ અર્થાત નૈતૃત્વ કૌશલ્ય અંગેના લક્ષણોની ચર્ચા મેનેજમેન્ટના ગ્રંથોમાં વિશદ રીતે આપવામાં આવી છે. પણ તેની ચર્ચા કરવાનો અત્રે ઉપક્રમ નથી. ઇસ્લામિક સાહિત્યમાં તે અંગે આપવામાં આવેલા અવતારણો, ઉલ્લેખો અને ઉદાહરણોની થોડી વાત કરવી છે. અબુ દાઉદની એક હદીસમાં કહ્યું છે,
“જો પ્રવાસમાં ત્રણ વ્યક્તિઓ સાથે હોય તો તેમાંથી એકને તેનું નૈતૃત્વ સોંપવું જોઈએ”
એક તબરાની હદીસમાં કહ્યું છે,
“પ્રજાના નેતા પ્રજાના સેવક છે.”
ઇસ્લામ અને મેનેજમેન્ટ નામના ગ્રન્થના લેખક ડૉ. નિક્યુર જબનોયુમ ઇસ્લામિક નૈતૃત્વના લક્ષણોને આલેખતા લખે છે,
“ઇસ્લામિક નૈતૃત્વ કરનાર વ્યક્તિ, લેવા કરતા પ્રજાને વધુ આપવામાં ખુશ થાય છે. એ અર્થમાં તેઓ પ્રજાના સાચા સહાયક છે.” એનું ઉત્તમ ઉદાહરણ હઝરત મહંમદ (સ.અ.વ.) અને ઇસ્લામના ચાર ખાલીફાઓ છે. જેમણે ઇસ્લામિક શાશન દરમિયાન પ્રજાના હિતોનું ભરપુર પોષણ કર્યું હતું. તેમનું સાદું અને સરળ જીવન પ્રજા માટે આદર્શરૂપ હતું. તેમની સરળ પણ અસરકાર સલાહો પ્રજામાં અત્યંત લોકપ્રિય બની હતી. એકવાર એક વ્યક્તિએ હઝરત ઉમર પાસે અન્ય કોઈ વ્યક્તિની પ્રશંશા કરી. ખલીફા હઝરત ઉમરે શાંતિથી સાંભળી પૂછ્યું,
“તમારે તેની સાથે કયારેય કોઈ કામ પડ્યું છે ?”
પેલાએ કહ્યું, “ના”
આપે પૂછ્યું, “કયારેય મુસાફરીમાં પણ સાથે રહ્યા છો ?” પેલાએ કહ્યું, “ના”
એ સાંભળી હઝરત ઉમરે ફરમાવ્યું, “ એટલે તમે એવી વ્યક્તિની વાત કરો છો જેને તમે ઓળખતા જ નથી. કયારે અજાણ્યા માનવી માટે કોઈ અભિપ્રાય ન આપશો”
હઝરત ઉમર સાદગી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા. તેમના કપડા હંમેશા થીગડાંઓથી ભરપુર રહેતા.પણ તેના પ્રત્યે કયારે તેમનું ધ્યાન ન જતું. એકવાર એક પ્રાંતનો ગવર્નર તેમને મળવા આવ્યો. તેણે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો, અત્તર અને ખુશબુદાર તેલ વાળમાં નાખ્યા હતા. એ જોઈ હઝરત ઉમર ખુબ નારાજ થયા. અને તુરત તેમના કિંમતી વસ્ત્રો ઉતરાવી તેમને મોટો સાદો ઝ્ભો પહેરાવી દીધો અને પછી ફરમાવ્યુ,
“સમાજના સેવકોની સાદગી સમાજ માટે પ્રેરણા હોય છે.”
હદીસ બુખારી શરીફમાં પણ એક આવી જ ઘટના આલેખવામાં આવે છે. જેમાં લખ્યું છે,
“હઝરત ફારુખે એક જોડ વિચાર રેશમી કપડા જોયા. તેમણે મહંમદ સાહેબને કહ્યું,’આપ તેને ખરીદી લો જુમ્માના દિવસે તે પહેરજો. એ દિવસે કોમના પ્રતિનિધિઓ આપને મળવા આવે છે.’ મહંમદ સાહેબે એ સાંભળી ફરમાવ્યું, ‘ આવા કપડા એવા લોકો પહેરે છે જેને આખિરતમાં કોઈ હિસ્સો નથી. ખુદાને ત્યાં તેને કોઈ જ સ્થાન નથી.’
આદર્શ નેતા તેના અનુગામીના વિચારોને સાંભળે છે. તેની ભૂલોને સુધારે છે. અને તેનું ઘડતર કરે છે. જેથી તેની ગેરહાજરીમાં પણ ઉદેશની પૂર્ણતાનું કાર્ય અવિરતપણે ચાલતું રહે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પોતાના અનુગામીની ભૂલોને સુધારી પોતાના અનુગામીઓને ઘડ્યા હતા. અને તેમને સત્તાના સુત્રો સોંપ્યા હતા. તેનું ઉત્તમ ઉદાહરણ ઇસ્લામના ચાર ખાલીફાઓ હઝરત અબુ બક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી છે. જેમના શાસનકાળ દરમિયાન ઇસ્લામના વિચારો વિશ્વભરમાં પ્રેમ અને એખલાસના સંદેશ સાથે પ્રસરતા રહ્યા હતા.
એ જ રીતે આદર્શ નેતા કે લીડર પોતાન નિર્ણયને પોતાના કર્મચારી કે પ્રજા ઉપર કદાપી લાદતા કે થોપતા નથી. હઝરત ઉમરના ખલીફા તરીકેના સાડા દસ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે કયારેય કોઈ આદેશ આપ્યો ન હતો. જયારે પણ કોઈ નિર્ણય આપવાનો થતો ત્યારે તેઓ અત્યંત નમ્ર સ્વરેપોતાના મંત્રીઓ કે પ્રજાને કહેતા,
“આ અંગે મારો નમ્ર અભિપ્રયા એ છે કે ……”
અને પછી પોતાનો એ વિચાર રજુ કરતા. અને તેમનો એ વિચાર મંત્રીઓ કે પ્રજા માટે આદેશ બની જતો. તેમના આ વ્યવહારમાં તેમની સત્તા કરતા લોકોને સાથે રાખીને ચાલવાની તેમની નીતિ લોકોને સ્પર્શી જતી હતી. શક્તિશાળી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ કોઈ પણ સંસ્થા માટે જણસ સમાન હોય છે. એ જ બાબત પર ભાર મુક્તા કુરાને શરીફમા કહ્યું છે,
“એવા માનવીને નોકરીએ રાખો જે શક્તિશાળી અને વિશ્વાસપાત્ર હોય,” અહીંયા શક્તિનો અર્થ શારીરિક બળ નથી. શક્તિ અર્થાત નૈતિકબળ. આત્માબળએ દરેક નેતાનું આગવવું લક્ષણ છે. એ જ રીતે સમાજ કે સંસ્થામા કાર્ય કરનાર દરેક માનવીના વ્યવહાર વર્તનની અસર સમગ્ર સમાજ પર થતી હોય છે. અને એટલે જ નૈતૃત્વ કરનાર માનવીનું અન્ય સાથેનું વર્તન હંમેશા માન અને માનવતા પૂર્ણ હોવું જોઈએ. હદીસ બુખારી શરીફમાં આ અંગે કહ્યું છે,
“જે માનવી પોતાની બિરાદરી સાથે માન અને માનવતા પૂર્ણ સંબંધો જાળવી રાખે છે, તેને ખુદા પોતાની સાથે રાખે છે.”
આજે લીડરશીપ કે નૈતૃત્વ કૌશલ્ય માત્ર રાજકારણનો વિષય નથી રહ્યો. વેપાર ઉદ્યોગમાં પણ તેનો સૈધાંતિક વિકાસ થયો છે. ઇસ્લામમાં પણ વેપારના વિકાસમાં નૈતૃત્વ શક્તિઓ સ્વીકાર થયો છે. ખુદ મહંમદ સાહેબ મૂલ્યનિષ્ઠ સફળ વેપારી હતા. કુરાને શરીફમાં પણ વેપારની નૈતૃત્વ શક્તિ માટે
માર્ગદર્શક આદેશો આપવામા આવ્યા છે.
“તારા વેપારના વિકાસ માટે અનૈતિક માર્ગો ન અપનાવીશ. ત્રાજવાની દાંડીને ઠેસ તારી બાજુ કદાપી ન નમાવીશ”
આવા અનેક આદેશો ઇસ્લામમાં નૈતૃત્વ શક્તિના વિકાસ માટે આપવામાં આવ્યા છે. બસ આપણે તેનો અમલ માત્ર કરવાનો છે. એ માટે ખુદા-ઈશ્વર આપણને શક્તિ આપે-આમીન.

Leave a comment

Filed under Uncategorized

નબુવ્વતના જુઠ્ઠા દાવેદારો : ડો.મહેબૂબ દેસાઈ

દરેક યુગમાં મહામાનવો અને દૈવી પુરુષોના વિરોધીઓ અને તેમના જેવી શક્તિ ધરાવવાનો દાવો કરનાર માનવીઓની સંખ્યા નાનીસુની નથી. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ને ૧૨ ફેબ્રુઆરી ઇ.સ. ૬૧૦ના રોજ ૪૦ વર્ષની વયે નબુવ્વત પ્રાપ્ત થઈ હતી. નબુવ્વ્ત શબ્દ નબી પરથી આવેલો છે. નબી એટલે જેના પર ખુદાઈ ગ્રંથ ઉતરીયો હોય તે દિવ્ય પુરુષ. એ માટે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે ઇસ્લામમાં પયગમ્બર શબ્દ પ્રયોજાયો છે. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ખુદાનો સદેશ ઉતરવાનો આરંભ થયો એટલે તેમને નબીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. એ યુગમાં પણ આજના જેવા જ વિઘ્ન સંતોષી માનવીઓ હતા. જેમણે મહંમદ સાહેબના નબીના દરજ્જાને હસી કાઢ્યો. તેની અવગણા કરી. અને તેમને ભર બજારમાં અપમાનીત કર્યા હતા. તો વળી, કેટલાકે મહંમદ સાહેબ જેમ પોતે પણ નબી છે. અને પોતાના પર પણ ખુદાનો સંદેશ-પયગામ ઉતરે છે તેવો દાવો કર્યો હતો. એવા ફૂટી નીકળેલા નબીઓની વાત પણ ઇસ્લામિક ઇતિહાસમાં નોંધાયેલી છે. નબુવ્વ્તનો એવો એક જુઠ્ઠો દાવેદાર હતો મુસૈલમા. જેણે હિજરી સન ૧૦મા નબુવ્વ્તનો દાવો કર્યો હતો. તેણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું,
“આપને મળેલ નબુવ્વ્તમાં હું પણ ભાગીદાર છું. ખુદાના આદેશ મુજબ અડધા વિશ્વ પર આપ નબુવ્વ્ત કરશો. અને અડધા પર ખુદાએ મને નબુવ્વ્ત આપી છે.”
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ તેના આ પત્રના જવાબમાં પોતાના સહાબી પાસે જવાબમાં લખાવ્યો હતો. જેમાં લખ્યું હતું,
“અલ્લાહના રસુલ મહંમદ તરફથી સૌથી જુઠ્ઠા મુસૈલમાના નામે,
આ દુનિયા અલ્લાહની છે. તે તેના બંદોમાંથી જેને ચાહે છે તેને પોતાનો વારીસ બનાવે છે. અને સૌથી સારો અંજામ તો સંયમી લોકોનો જ હોય છે.”
આ જ અરસામાં નબુવ્વ્તના અન્ય જુઠ્ઠા દાવેદારો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. જેમણે મહંમદ સાહેબને ઉતરતી વહી જેવીજ વહી પોતાને પણ ઉતરે છે. તેવી વાહિયાત વાતો પ્રસરાવી હતી. એવો એક દાવેદાર તુલેહા બિન ખુવૈલદે હતો. તેના આ દાવાને પ્રખર ટેકો આપનાર બનૂ ગતફાનનો મોટો કબીલો હતો. તેનો સરદાર ઉવૈના બિન હસન ફિજારી હતો. અસવદ ઉનસીએ યમનમાં અને મુસૈલમા બિન હસીબે યમામાં નબુવ્વ્તનો દાવો પ્રસરાવી દીધો હતો. પુરુષોમાં તો આ હવા જબરજસ્ત પ્રસરી ગઈ હતી જ. પણ એક સ્ત્રીએ પણ પોતાની નબુવ્વ્ત જાહેર કરી હતી. તેનું નામ સજાહ બિન્ત હારીસ હતું. તેણે પોતાની નબુવ્વ્તની જાહેરાત ધામધૂમથી કરી હતી. અને કહ્યું હતું,
“ખુદાએ એક સ્ત્રીને નબુવ્વ્ત આપી સ્ત્રીઓનું માન વધાર્યું છે.” અશાઅસ બિન કૈસ તેનો પ્રચારક હતો. પણ તેની નબુવ્વ્તની દલીલ થોડા દિવસોમાં જ પોકળ સાબિત થઇ. પોતાની તાકાત વધારવા માટે તેણે નબુવ્વ્તના દાવેદાર મુસૈલમા બિન હસીબ સાથે નિકાહ કરી લીધા.
આમ જુઠ્ઠી નબુવ્વ્તનો આ રોગ ઇસ્લામિક રાષ્ટ્રમાં પ્રસરવા લાગ્યો. પરિણામે હઝરત અબુ બકરે તેને ડામવા કડક પગલાઓ લીધા. તેમણે આ માટે હઝરત ખાલીદ બિન વલિદની નિયુક્તિ કરી. હઝરત ખાલીદ બિન વલિદ આ પહેલા પણ આ જ દુષણને ડામવાનું કાર્ય કરી ચુક્યા હતા. એટલે તેમના અનુભવનો લાભ મળે અને આ દુષણને તુરત દબાવી શકાય. હઝરત ખાલીદ બિન વલિદએ સૌ પ્રથમ તુહૈલ કબીલા પર હુમલો કર્યો. તેના અનુયાયીઓ ઉવૈના બિન હસન ફિજારીને નબી બનાવવા હિંસક પગલાઓ લઇ રહ્યા હતા. પરિણામે ઉવૈના બિન હસન ફિજારી અને તેના ૩૦ સાથીઓને પકડી મદીના મોકલી આપ્યા. મદીનામાં મહંમદ સાહેબના સાનિધ્યમાં આવતા,તેમનાથી પ્રભાવિત થઈ ઉવૈના બિન હસન ફિજારીએ ઇસ્લામનો અંગીકાર કરી લીધો.
બીજી બાજુ નબુવ્વ્તના જુઠ્ઠા દાવેદાર મુસૈલમા બિન હસીબને ડામવા હઝરત શુરહબિલ બિન હસનને નીમવામાં આવ્યા. તેમની મદદ માટે હઝરત ખાલીદ બિન વાલીદને મોકલવામાં આવ્યા. નબુવ્વ્તના જુઠ્ઠા દાવેદાર મુસૈલમા બિન હસીબ સાથે ધમસાણ યુદ્ધ થયું. યુધ્ધમાં અનેક મુસ્લિમો શહીદ થયા. તેમાં કેટલાકતો કુરાનના હાફીઝ હતા. પણ અંતે જીત સત્યની થઇ. નબુવ્વ્તનો જુઠ્ઠો દાવેદાર મુસૈલમા બિન હસીબ હઝરત બહશીના હાથે હણાયો. જયારે તેની પત્ની અને નબુવ્વ્તની દાવેદાર સજાહ બસરા ભાગી ગઈ. જ્યાં થોડા દિવસો પછી તેનું અવસાન થયું. એ જ રીતે અસવદ અનસી જે પણ નબુવ્વ્તનો દાવેદાર હતો, તેને ફીસ બિન મક્શૂહ અને ફિરોઝ વેલવીએ નશાની હાલતમાં મારી નાખ્યો.

નબુવ્વ્તના જુઠ્ઠા ઠેકેદારો અને ઇસ્લામની વિરુદ્ધ વિદ્રોહ કરનાર સિવાય પણ એક એવો વર્ગ હતો જે ઇસ્લામમાં માનતો હતો, પણ જકાત (ફરજીયાત દાન) આપવાનો ઇનકાર કરતો હતો. આવા લોકો સામે તલવાર ઉપાડવાનો સૌનો આગ્રહ વિસ્તરતો જતો હતો. પણ હઝરત અબુ બકર એ માટે તૈયાર ન હતા.
તેઓ શક્તિ કરતા સમજણ અને કળથી કામ લેવા માંગતા હતા. એટલે તેમણે એલાન માત્ર કર્યું કે
“ખુદાની કસમ, કોઈ જકાતમાં બકરીનું બચ્ચું પણ આપવાનો ઇનકાર કરશે તો તેની સામે જિહાદ કરવામાં આવશે.” અને તેમની આ જાહેરાત કારગત નીવડી. જકાત આપવાનો ઇનકાર કરનારા મુસ્લિમો જકાતના નિયમનું ફરજીયાત પાલન કરવા લાગ્યા.

આવા વિપરીત સંજોગોમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારનું કાર્ય અત્યંત કપરું હતું. નબુવ્વ્તના ખોટા દાવેદારો એ પોતાના પ્રભાવથી અરબના પ્રાંતોમાં વિદ્રોહના બીજ વાવ્યા હતા.પરિણામે જુદા જુદા પ્રાંતોમાં બગાવત થવા લાગી હતી. પણ હઝરત અબુ બકરે કુશળતાથી તેમને દાબી દીધા હતા. જેમ કે અરબ કબીલના મોટાભાગના સરદારો ઇસ્લામ વિરુદ્ધ થઈ ગયા હતા. નોમન બિન મુનજીરે બહેરીનમાં બળવો કર્યો હતો. કુંદા વિસ્તારના અરબો પણ ઇસ્લામ અને નબુવ્વ્તમાં વિશ્વાસ ધરાવતા ન હતા.પરિણામે હઝરત અબુ બકરે તે અસંતોષ અહિંસક માર્ગે દાબી દેવાનું કાર્ય કર્યું હતું. જેથી હઝરત મહંમદ પયગમ્બર સાહેબે સંયમ, સબ્ર અને સાદગીથી ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરી શકે. ટૂંકમાં ઇસ્લામના પ્રચારમાં મહંમદ સાહેબના પ્રદાન સાથે તેમના સહાબીઓનો સહકાર પણ અદભૂત હતો.

Leave a comment

Filed under Uncategorized