Monthly Archives: January 2017

સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન : ડૉ. મહેબૂબ દેસાઈ

આજે મારે એક એવા સેવાભાવી, નમાઝી અને અનેકવાર હજજ કરી આવેલા પવિત્ર ઇન્સાનની વાત કરવી છે, જેમણે પોતાના ૮૨ વર્ષના જીવનમાં ઊંચનીચ,અમીર ગરીબ કે ધર્મના ભેદભાવોથી પર રહી, સૌ માટે જીવવાની પ્રતિજ્ઞા લીધી છે. છતાંય તેનો ક્યારેય કોઈ દેખાડો કે પ્રચાર પ્રસાર કર્યો નથી. તેનો અહંકાર કે ગર્વ રાખ્યો નથી. તેમનું નામ છે મા. ગફુરભાઈ બિલખીયા. ઇસ્લામમાં કહ્યું છે,
“જકાત ખેરાત (દાન) એવી રીતે કરો કે તમારા ડાબા હાથને પણ તેની જાણ ન થાય”
ગફુરભાઈ જીવનભર આ સિધ્ધાંતને વળગી રહ્યા છે. આ એ ઇન્સાન છે કે જેની પાસે કશું જ ન હતું ત્યારે પણ તેઓ જરૂરતમંદ માનવી માટે જીવ્યા છે. અને જયારે ખુદા એ તેમને ધન દોલતથી નવાજ્ય ત્યારે પણ આ ઇન્સાને ફકીરી અવસ્થામાં રહી, સમાજ સેવાની જ્યોત પ્રગટાવી રાખી છે.
આજથી ૬૦ વર્ષ પૂર્વે જયારે ગફુરભાઈ પાસે કશું જ ન હતું, ત્યારે તેઓ સુરેન્દ્રનગર પાસે આવેલા વંડા ગામમાં અત્યંત સામાન્ય માનવી જેમ રહેતા હતા. પણ માતા નૂરબહેનના સંસ્કારો તેમની રગોમાં દોડતા હતા. માતા કહેતા,
“માનવતાથી મોટો કોઈ ધર્મ નથી”
એ વાત નાનકડા ગફુરના મનમાં ઘર કરી ગઈ હતી. અને એટલે જ જયારે ગફુરભાઈ યુવાન થયા ત્યારે એક વણકરના બાળકને ભણાવવા પોતાના ઘરે લઇ આવ્યા. ઇસ્લામમાં ઇલ્મનું મહત્વ એ વખતે પણ ગફુરભાઈ સમજતા હતા. સમગ્ર વંડા ગામનો સખ્ત વિરોધ છતાં તેમણે એ બાળકને પોતાને ત્યાં રાખી ભણાવ્યું.

એ પછી નાણાંની ભરતીથી ગફારભાઈને ખુદાએ નવાજ્યા, છતાં ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદભાવ અને સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ, ગોરા ચહેરા પર મીઠી મુસ્કાન અને મધુરવાણી ગફૂરભાઈની પહેચાન બની ગયાં છે. જો કે હવે સૌ ગફૂરભાઈને ‘બાપુજી’ કહેવા લાગ્યા છે. દર વર્ષે ૧૫-૨૦ મુસ્લિમોને પોતાના ખર્ચે હજજ યાત્રાએ મોકલતા બાપુજીએ વંડા ગામમાં ૨૦૦૧મા કોલેજ શરુ કરી છે. થોડા વર્ષો પહેલા એ કોલેજના વાર્ષિકોત્સવકામાં સ્વામી સચિદાનંદજી સાથે મને જવાની તક સાંપડી હતી. ત્યારે એ કોલેજમાં સરસ્વતી માની તસ્વીર સામે ઉભા રહી એકાગ્રતાથી પ્રાર્થના કરતા મેં ગફુરભાઈને જોયા છે. બાળકોના શિક્ષણ માટે ગફુરભાઈ હંમેશા અવરોધો દૂર કરવા તત્પર રહે છે. કારણ કે ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,
“ઇલ્મ માટે ચીન જવું પડે તો જાવ”
એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. કાર પૂરપાટ દોડી રહી હતી. ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે ઓશિયાળા ચહેરે બાળકોને ઊભેલાં જોઈ બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યાં. બાળકના માથે હાથ ફેરવતાં બાપુજીએ પૂછ્યું : ‘દીકરાઓ, આવા ભરતડકામાં અહીયાં કેમ ઊભા છો ? ’‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે.’‘ “ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી જોઈએ. તમારાં જેવાં માસૂમ ભૂલકાંઓને થોડી સજા કરાય ?” આટલું બોલતાં તો બાપુજીનો અવાજ ભીનો થઈ ગયો. વ્યથિત હ્રદયે લાંબાં ડગલાં ભરતાં તેઓ સ્કૂલમાં પ્રવેશ્યાં.
‘ક્યાં છે આ શાળાના આચાર્ય?’
ખાદીના સફેદ કફની-લેંઘાધારી વૃદ્ધને જોઈ આચાર્ય દોડી આવ્યા.
‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં બેસીને શાંતિથી વાત કરીએ ?’
‘આચાર્ય સાહેબ, આપની ચેમ્બરમાં જરૂર બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા કરવાને બદલે તમે આવાં માસૂમ બાળકોને શા માટે સજા કરો છો? સૌ પ્રથમ તમે એ બાળકોને કલાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં બેસીએ.’
ખાદીધારી વૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તરત વર્ગમાં બેસાડવા સૂચના આપી પછી પોતાના રૂમ તરફ બાપુજીને દોરી જતાં બોલ્યા,
‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ પાંત્રીસ હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા પૈસાની જરૂર તો પડે જ ને ? એટલે બાળકો પર જરા સખતી કરવી પડી છે.’
આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતાં બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને મનોમન તેઓ બોલી ઊઠ્યા :
‘આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતૂમડા કરાતા હશે?
અને બાજુમાં ઊભેલા ડ્રાઈવર અનિલને કહ્યું : ‘અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂ. પાંત્રીસ હજાર ભરવાની વ્યવસ્થા કરશો ?
અનિલે તરત મોબાઈલ પર સંદેશો આપ્યો. એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક આચાર્યના ટેબલ પર આવી પડ્યો. ત્યારે આચાર્ય બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા. પણ બાપુજી તો, “પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી સજા ક્યારેય ન કરશો.” એમ કહી લાંબાં ડગલાં ભરતાં હવામાં ઓગળી ગયા.
આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ નથી. પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય પસંદ નથી કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં આથી ઊલટું થયું. હજયાત્રા દરમ્યાન કાબા શરીફની પરિક્રમા કરતાં કરતાં બાપુજીના મનમાં વિચાર ઝબક્યો. ’20 લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી લેવાના નીકળે છે. એ તમામને તાણમાં રાખી હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરીને આવવું જોઈતું હતું.’
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ એ વિચારને અમલમાં મૂક્યો. કાબા શરીફ સામે ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ લેણું માફ કરી દીધું. હજયાત્રાએથી પરત આવ્યા પછી એક દિવસ એક હિન્દુ સ્વજન પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાની થોકડીઓ લઈને આવ્યો અને બાપુજીની સામે મૂકતા બોલ્યો,
‘બાપુજી, આ આપની અમાનત રૂ. પાંચ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા. પણ હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા આવ્યો છું.’
બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને પ્લાસ્ટિકની થેલી પર નાખી, પછી ગોરા ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું,
‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.’
અને બાપુજી લાંબાં ડગલાં માંડતાં હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના જીવનઆદર્શનું પેલું સુત્ર હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યું હતું, ‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’

Leave a comment

Filed under Uncategorized