Monthly Archives: March 2010

જોસેફ મેકવાન : ” મેરે મહેબૂબ કેસે હો ?” :પ્રોફે.મહેબૂબ દેસાઈ

જોસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનુ એક એવું નામ , જેને દલિત સાહિત્યના “દાદા”નું ઉપનામ સ્વભાવિક રીતે સાંપડ્યું છે. તેમની આંગળીયાત, વ્યથાના વીતક.મારી ભિલ્લુ, માણસ હોવાની યંત્રના અને જનમજલા જેવી કૃતિઓને અઢળક ઇનામ-ઇકરામ મળ્યા છે.
છતાં તેમની સાલસતા અને નિરાભિમાની વહેવાર સૌને સ્પર્શી જતો. આમતો સૌ પ્રથમ અમે કોલમ પાડોશી બન્યા હતા. ‘ગુજરાત ટુડે’ના રવિવારના અંકમાં અમે
બંને એક જ પાના પર નિયમિત મળતા. એ નાતે અમે ફોન પર અવારનવાર મળતા અને
મુસ્લિમ – દલિત સમાજની સરખી સમસ્યાઓની કલાકો સુધી ચર્ચા કરતા.
પણ જોસેફભાઈને સદેહ મળવાનું સદભાગ્ય ૧૬-૧૨-૯૯નાં રોજ મને સાંપડ્યું.
એ દિવસે ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં મારા તાજા પુસ્તક “ગુજરાતના નવતર સત્યાગ્રહો”નો
વિમોચન કાર્યક્રમ મંત્રીશ્રી મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં મિત્રભાવથી છલોછલ બે મિત્રો ઓચિંતા આવી ચડ્યા. એક હતા શ્રી કેશુભાઈ દેસાઈ અને બીજા હતા શ્રી જોસેફ મેકવાન.ભરાવદાર શરીર , કલગીથી ભરાયેલ ગરદન અને ચહેરો, બોલતી આંખો અને હોંઠો પર છલકાતા સ્મિતધારી એ મહામાનવનો પરિચય કરાવતા કેશુભાઈ બોલ્યા,

” આ આપણાં મિત્ર જોસેફ મેકવાન છે”

અને ત્યારે એ પડછંદ શરીર મને ભેટી પડ્યું. ભેટતાની સાથે જ તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા,

” મેરે મહેબૂબ કેસે હો ?”

હોલમાં સો અમને તાકી રહ્યા. સો એ એવું જ અનુભવ્યું જાણે જિગરજા દોસ્તો વર્ષો પછી મળતા ન હોઈ. જો કે જોસેફભાઈ ઉંમરમાં મારા કરતા ઘણા મોટા (જન્મ 1936) છતાં તેમણે જીવનભર મને એ વાતનો જરાપણ અહેસાસ થવા દીધો ન હતો.

તેમની સર્જન પ્રક્રિયા કોઈ વાતાવરણની મોહતાજ ન હતી. જ્યાં બેઠા હોઈ ત્યાં તેઓ વાર્તા ખોળી કાઢતા.એકવાર બીલીમોરાના બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા એક વાર્તા તેમણે ખોળી કાઢી અને લખી પણ નાખી. જોસેફભાઈના સાહિત્યમાં ડોકિયા કરતી દલિત સમાજની વ્યથામાંથી ટપકતી તેમના ઉદ્ધાર માટેની મહેચ્છા સમગ્ર ગુજરાતને સ્પર્શી ગઈ છે. પણ માત્ર દલિત સમાજ પ્રત્યેની જ સભાનતા તેમના વ્યક્તિત્વનું પાસું ન હતા. હિંદુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો તેમનો અભ્યાસ પણ ઊંડો હતો. તેની પ્રતીતિ મને મહેસાણા કાર્યક્રમમાં થઈ. જો કે અમારી સદેહ એ છેલ્લી મુલાકાત હતી. સંજય-તુલાએ મહેસાણામાં ૨૨ જુલાઈ ૨૦૦૯ના રોજ “સર્વધર્મ સમભાવ પરિસંવાદ” યોજ્યો હતો. હિંદુધર્મ વિષે મા. શ્રી ભાનુ વિજયશ્રીજી ખ્રિસ્તી ધર્મ વિષે જોસેફભાઈ અને ઇસ્લામ વિષે મારે બોલવાનું હતું . એ દિવસે જયારે હું કાર્યક્રમના હોલ પર પહોંચ્યો, ત્યારે હોલના પગથીયા પર જ મને આવકારતા ભેટી પડ્યા અને એ જ ઉમળકાના લહેજામાં ફરમાવ્યું,

“મેરે મહેબૂબ કેસે હો ?”

તેમની એ અદા એ દિવસે મારા જહેનમાં કોતરાઈ ગઈ.

છેલ્લા કેટલાક સમયથી તેઓ શારીરિક વ્યાધિઓથી કંટાળી ગયા હતા. તેનો અહેસાસ મને ૨૨ ડીસેમ્બર ૨૦૦૯ના રોજ થયો. એ દિવસે મોડાસા કોલેજમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂર્વે હું અને કોલેજના આચાર્ય ડો.દક્ષેશ ઠાકર વાતોએ વળગ્યા. અને જોસેફભાઈનો ઉલ્લેખ થયો. મેં કહ્યું.
” ઘણા વખતથી જોસેફભાઈ સાથે મારે વાત નથી થઈ”
દક્ષેશભાઈ બોલી ઉઠ્યા,
” હમણાં જ કરાવી દઉં” અને તેમણે જોસેફભાઈને એ જ ક્ષણે મોબાઈલ જોડ્યો.
” હેલ્લો , બિરાદર કેમ છો ? ”
“કોણ બોલો છો ?”
” મહેબૂબ દેસાઈ” મારું નામ સાંભળી જોસેફભાઈ એ જ જાણીતા લહેકામાં બોલી ઉઠ્યા,
“મેરે મહેબૂબ કેસે હો ? ક્યાંથી બોલો છો ?”
“મોડાસાથી. દક્ષેશભાઈ સાથે તમારી વાત નીકળી એટલે વાત કરવા મન લલચાયું.”

અને પછી તો અમે લગભગ વીસેક મિનીટ વાતો કરી. ત્યારે શરીરની વ્યાધિઓ અંગે તેમણે વિસ્તાર પૂર્વક વાત કરી.તેમના સ્વરમાં વ્યાધિઓની વ્યથા અનુભવાતી હતી. મેં તેમને હિંમત આપતા કહ્યું.
“તમે તો અડીખમ છો. આવી બાબતો તમને જરા પણ ચલિત કે દુ:ખી કરે તેમ નથી”
પછી વાતને બદલતા મેં કહ્યું.
“તમારા ગ્રંથનું સર્જન થતું હોઈ અને તેમાં લખવાનું મને જ નિમંત્રણ ન મળે તે તો કેમ ચાલે ?”
“મેરે મહેબૂબ ક્યાં બાત કરતે હો ! મને તેની ખબર જ નથી.તમને કાલે જ મળી જાય તેમ કરું છું”
આમારી વચ્ચેનો આ છેલ્લો સંવાદ હતો.

તેમના અવસાનના સમાચાર વાંચી મેં સવારે જ સંજયને ફોન કર્યો. ત્યારે સંજયે કહ્યું,
” ૧ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦ તેઓ વિશ્વગ્રામમા જ હતા. વિશ્વગ્રામના બાળકો દાદાના પગો દબાવતા. પણ જયારે દાદાના નકસોરા બોલવા માંડે ત્યારે બાળકો પગ દબાવવાનું બંધ કરી દેતા.અને ત્યારે દાદા આંખો બંધ રાખીને બોલતા,

“હજુ હું જાગું છું બેટા, હાથ કાં અટકાવી દીધો ?”

દલિત સાહિત્યના આવા દાદા અને જિન્દા દિલ ઇન્સાન જોસેફભાઈ આંગળીયાત , વહાલના વલખા, મારી પરણેતર, મારી ભિલ્લુ , જનમજલા જેવી અનેક અમર કૃતિઓ ગુજરાતી સાહિત્યને આપતા ગયા છે. એ કૃતિઓ તેમને ગુજરાતના સાહિત્ય જગતમાં અને વાચકોમાં હંમેશા જીવંત રાખશે. જયારે
“મેરે મહેબૂબ કેસે હો ” જેવું તેમનું પ્રેમાળ સંબોધન મારા હદયના ધબકારમાં જીવનપર્યંત ધબકતું રહેશે-આમીન.

Leave a comment

Filed under Uncategorized

ભગતસિંગ,સુખદેવ અને રાજગુરુને સો સો સલામ …….

ભગતસિંગ,સુખદેવ અને રાજગુરુને સો સો સલામ …….

૨૩ માર્ચની સાંજે ભગતસિંગ ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપી અંગ્રેજ સરકારે તેમના શાસન પર એક ઔર વિનાશક પ્રહાર કર્યો હતો.
નિયમ મુજબ ફાંસીની સજા સવારેજ આપવાની હોઈ છે.પણ ૧૯૨૯ના એ યુગમાં ભગતસિંગની લોકચાહના ગાંધીજી કરતા પણ ચડીયાતી હતી.
અંગ્રેજ સરકાર પ્રજાના આ પ્રવાહને જાણતી હતી.અને એટલે જ ત્રણે ક્રાંતિકારીઓને અચાનક-કસમયે ફાંસી આપવામાં આવી.ભગતસિંગના માતા-પિતા સુધ્ધાને તેની જાણ કરવામાં આવી ન હતી.ફાંસીના સમયે ભગતસિંગ ખુબ ખુશ હતા. તે સમયે તેઓ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.
જેલરે આવી ભગતસિંગને ફાંસીના માટે તૈયાર થઈ જવા કહ્યું. ત્યારે ભગતસિંગ બોલ્યા,
“જરા થોભો,અત્યારે એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે.” અને ભગતસિંગે જીવનની છેલ્લી પળોમાં લેનિનના જીવનચરિત્રને પેટ ભરીને માણ્યું. ભગતસિંગ નાસ્તિક હતા.કોઈકે ફાંસી પૂર્વે તેમને
“વાહિગુરુ”ને યાદ કરવા સૂચન કર્યું. ત્યારે પણ ભગતસિંગ બોલી ઉઠ્યા હતા,
“આખી જિંદગી મેં ઈશ્વરને યાદ નથી કર્યા. જીવનની છેલ્લી પળોમાં યાદ કરી મોતના ભય નો મને અહેસાસ થયો છે તેમ ભારતના યુવાનોને સબક આપવા નથી માંગતો.મોત મારા માટે શહાદત છે” અને એ નરવીર હસતા હસતા ફાંસીના માંચડે લટકી ગયો..

Leave a comment

Filed under Uncategorized

“Man can be destroyed, Cannot be defeated” : ડો. મહેબૂબ દેસાઈ

ભારતી શર્મા સાથે આમ તો મારો કોઈ ખાસ પરિચય નહીં. પણ તેમના પતિ સંજય શર્મા મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. એ નાતે વર્ષો પહેલાં તેમણે મને તેમના ધંધુકાના ઘરે જમવા નોતર્યો હતો.એ સમયે ઉજળોવાન, ઘાટીલો દેહ,બોલકણી આંખો અને હોઠો પર સ્મિત ધરાવતી પચ્ચીસેક વર્ષની યુવતી સાથે મારો પરિચય કરાવતા સંજયે કહ્યું હતું,
“સર , આ મારી પત્ની ભારતી છે.”
અને તે દિવસે ભારતીએ મને પોતે બિન ગુજરાતી હોવા છતાં પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ ભાવપૂર્વક જમાડી હતી. બસ, ભારતી સાથેની એ મારી પ્રથમ મુલાકાત. એ પછી સંજય મને પીએચ.ડી.ના કાર્ય અંગે મળતો. જયારે ભારતી મને ફોન પર મળી લેતી. એ વાતને દસેક વર્ષ વીતી ગયા.છતાં ભારતીનો ઘાટીલો દેહ,નમણો ચહેરો,બોલકણી આંખો અને મધુર સ્મિત મારી સ્મૃતિમાં અકબંધ જળવાઈ રહ્યા હતા. દસેક વર્ષના અંતરાલ પછી અચાનક એક દિવસ ભારતીનો ફોન આવ્યો. એજ મધુર સ્વરમાં તે બોલી ઉઠી,
“સર, મૈં ભારતી બોલ રહી હું. મુઝે ભૂલ તો નહિ ગયે ? ”
” તુઝે કૈસે ભૂલ સકતા હું. તેરા સ્વાદિષ્ટ ખાના અભી તક મુઝે યાદ હૈ”
“સર, આપકો મેરી સ્કુલ કે વાર્ષિક ઉત્સવમેં આના પડેગા”

ઘણા વર્ષો પછી ભારતીનો અવાજ સાંભળી મને આનંદ થયો. છતાં સમયની સમસ્યાને કારણે મેં તેને ના પાડી. પણ એમ માની જાય તો ભારતી નહિ. અત્યંત પ્રેમભર્યા સ્વરે આગ્રહ કરતા તે બોલી ઉઠી,
” આપ જબ કહેંગે તબ રખેંગે. પર આપકો હી આના હોગા”

અંતે મારી અનુકુળતા મુજબની એક તારીખ અમે નક્કી કરી. છેલ્લા દસેક વર્ષમાં ભારતીએ “ફિલ્ડ વ્યુ એકેડમી”નામક એક નાનકડી શાળા શરુ કરી હતી. ધંધુકાથી બે એક કિલોમીટરના અંતરે
અડવાળ રોડ પર એક નાનકડું મકાન સંજયે બનાવી આપ્યું હતું. તેમાં ભારતી શાળા ચલાવતી હતી. એ દિવસે હું તેની શાળાએ પહોંચ્યો ત્યારે ભારતી દરવાજા પર મારી રાહમાં ઉભી હતી.મને
જોઈ એ મારી કાર પાસે દોડી આવી. હું તેને જોઈ નવાઈ પામ્યો. ઘાટીલા દેહના બદલે ભારતીની સ્થૂળ કાયા મારી આંખોને ખૂંચવા લાગી.ચહેરાની નમણાશ પર ચરબીના થર જામી ગયા
હતા.ચમકતી બોલકણી આંખો નિસ્તેજ હતી. અને બંને આંખો કાળા કુંડાળાઓથી ઘેરાય ગઈ હતી. અલબત્ત તેના સ્મિતમાં એ જ મીઠાસ હતી. તેના આવકારમાં એ જ પ્રેમ હતો. મેં કારમાંથી બહાર નિકળી તેને પ્રથમ જ કહ્યું,
‘ભારતી, એ ક્યાં હો ગયા આપકો ? કહાં દસ સાલ પહેલેકી ભારતી ઔર કહાં આજકી ભારતી !”
મારા પ્રશ્નને સંભાળી ભારતી થોડી ખચકાય.પછી બોલી,
” સર, વક્ત વક્તકા કામ કરતા હી હૈ ”
અને અમે બન્ને તેની ઓફિસમાં પ્રવેશ્યાં. ઓફિસમાં બેસી તેણે મને પોતાની નાનકડી સ્કુલ વિશે ઉત્સાહથી માહિતી આપી. ધંધુકા ગામની આસપાસના ગામો ધોલેરા,પીપળી,પોલારપુર,ભીમનાથ,જસકા,ઝીન્ઝર,અડવાળ,જાળિયા,ફેદરા,રાણપુર,નાગનેશ જેવા ગામોમાંથી એક થી નવમાં ધોરણના વિદ્યાર્થીઓ તેની શાળામાં આવે છે.બાળકો માટે ગામડે ગામડે
ફરી તેમના વાલીઓને સમજાવવા. અને એ પછી ગ્રામ્ય સંસ્કૃતિમાંથી આવતા બાળકોનું અંગેજી માધ્યમ દ્વારા ધડતર કરવાનું કાર્ય કપરું છે. છતાં ભારતી એકલે હાથે તે કરતી.અંગ્રેજી માધ્યમની શાળા હોવા છતાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના પાઠો બાળકોને ભણાવવાની નેમ ભારતીના શબ્દોમાં ભાસતી હતી.
અત્યંત અપૂરતી સાધન સામગ્રી વચ્ચે પણ ભારતીએ સુંદર વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું હતું. વાર્ષિક ઉત્સવમાં કોથળા દોડ, લીંબુચમચી દોડ જેવી સ્પર્ધાઓમાં દોડતા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા ભારતી પણ તેમની સાથે દોડતી.કોઈ બાળક દોડતા દોડતા પડી જાય ત્યારે ભારતી તેની પાસે દોડી જતી અને તેને પુનઃ દોડવા હિંમત આપતી. બાળક પુનઃ દોડતું થાય ત્યારે તેનો આનંદ ભારતીના ચહેરા પર ઉપસી આવતો.આવી સ્પર્ધાઓ પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. મારા હાથે દરેક ભુલકાને ઇનામો
અપાય. પછી અમે ભારતીની ઓફિસમાં આવ્યા.ત્યારે સંજય મને મળવા આવ્યો. એ સમયે ભારતી ઓફિસમાં ન હતી.એ તકનો લાભ લઇ મેં સંજયને ટકોર કરતા કહ્યું,
” સંજય, તુમ ભારતીકા ખ્યાલ નહીં રખતે, દેખો ઉસકી ક્યાં હાલત હો ગઈ હૈ ”
સંજય મારી ટકોર સાંભળી ગમગીન થઈ ગયો. તેની આંખોમાં ભિનાશ પ્રસરી ગઈ.તેની બદલાયેલી મુખમુદ્રાને હું અવાચક નજરે તાકી રહ્યો.એટલે સંજયે ધીમા સ્વરે મને કહ્યું,
“સર, આપસે ક્યાં છુપાના, ભારતી વેજ્નર્સ ગ્રન્યુંલોમેટોસીસ (Wegeners Granulomatosis)કી દર્દી હૈ. યે એસા રોગ હૈ જિસમેં ખુનકે ગઠે હો જાતે હૈ. કીડની ઔર લીવર કામ કરના બંધ કર દેતે હૈ.ઇસકા કોઈ ઈલાજ નહીં.દાક્તરોને કહે દિયા હૈ જીતની જિંદગી હૈ ઉસે અપને તરીકે સે જી લેનેદો. કલકી ખબર નહીં”
હું સંજયની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો.
“ભારતી યે જાનતી હૈ ?” મેં થોડા સ્વસ્થ થતા પૂછ્યું.
“સર, ઉસે સબ પતા હૈ. વો કહતી હૈ , મૈ ઇસી બચ્ચો કે સાથ ખેલતે ખેલતે મરના ચાહતી હું. એસી મોત અગર આ જાય તો તુમ રોના મત”
આટલું બોલતાતો સંજય ભાંગી પડ્યો. અને પોતાના આંસુઓને ખાળવા ઓફિસની બહાર દોડી ગયો. અમે આટલી વાત કરી ત્યાતો ભારતી આવી ચડી.
તેના ચહેરા પર એ જ મીઠી મુસ્કાન હતી.
“સર, આપકો મેરી સ્કુલ બતાના ચાહતી હું ”

અને અમે બધા તેની નાનકડી સ્કુલના રૂમોમાં ફર્યા. દરેક રૂમને ભારતીએ જાતે શણગાર્યો હતો. લગભગ વીસેક મિનીટ રૂમોનું નિરીક્ષણ કરી અમે બધા બહાર આવ્યા. એટલે મેં કહ્યું,
“ભારતી અબ મુઝે ઈજાજત દીજિયે ”
“સર, આપકા બહોત બહોત શુક્રિયા, આપને મેરે લિયે ઇતના વક્ત નિકલા. અગલે સાલ જિન્દા રહી તો ફિર આપકો હી બુલાઉંગી”
કાર સુધી સંજય અને ભારતી મને મુકવા આવ્યા. કારમાં બેસતા મેં ભારતીને કહ્યું,
“ભારતી અપના ખ્યાલ રખના”
મારી સામે એજ મીઠું સ્મિત કરતા ભારતીએ આકાશ તરફ નજર કરી. જાણે ક્હેતી ના હોઈ, મેરા ખ્યાલ તો અબ ઉપરવાલા રખેગા.
અને મારી કાર અડવાળના ધૂળિયા રસ્ત્તા પર ડમરીઓ ઉડાડતી દોડવા લાગી અને ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેનું પેલું બહુ જાણીતું વાક્ય મારા હદયમાં વલોવાઈ રહ્યું હતું.
” Man can be destroyed,
Cannot be defeated “

Leave a comment

Filed under Uncategorized

સાચો ઇસ્લામ ક્યાં છે ? : પ્રોફે.મહેબૂબ દેસાઈ

સાચો ઇસ્લામ ક્યાં છે ?
પ્રોફે.મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં નમાઝનું અત્યંત મહત્વ છે. પાંચ વક્તની નમાઝ ઇસ્લામમાં ફરજીયાત પઢવાનો આદેશ છે. એથી પણ વિશેષ પ્રાધન્ય ઇસ્લામમાં માનવતાનું છે. એ વાત ક્યારેક વિસરાય જાય છે. ઇસ્લામમાં ગરીબને મદદ કરવી, બિમારની સેવા કરવી અને ભૂખ્યાને ભોજન આપવાનું કાર્ય ખુદાની ઈબાદત જેટલું જ મહત્વનું છે. કુરાન-એ-શરીફ j અને મોહંમદ સાહેબના ઉપદેશોમાં તેનો વારંવાર ઉલ્લેખ થયો છે. એક વાર મોહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે વાતો કરી રહ્યા હતા. મોહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
” મૃત્યુ પછી અલ્લાહ પૂછશે, એ બંદા હું બીમાર હતો અને તું મને જોવા કે મારી સેવા કરવા ન આવ્યો”

બંદો કહેશે,
” એ મારા રબ હું જોવા કેવી રીતે આવી શકું ? આપ તો સારા જહાનના માલિક છો.”

અલ્લાહ ફરી ફરમાવશે ,
” એ બંદા, મેં તારી પાસે ભોજન માંગ્યું હતું અને તે મને ભોજન નહોતું આપ્યું ”

બંદો કહેશે ,
” એ મારા રબ આપતો આખી દુનિયાના માલિક છો . હું આપને ભોજન કેવી રીતે આપી શકું ? ”

અલ્લાહ ફરીવાર પૂછશે,
” એ બંદા, મેં તારી પાસે પાણી માંગ્યું હતું. અને તે મને પાણી નહોતું આપ્યું”

બંદો કહેશે,
એ મારા ખુદા, હું આપને પાણી કેવી રીતે આપી શકું ? આપ તો આખી દુનિયાના માલિક છો”

પછી અલ્લાહ જવાબ આપશે,
” શું તને ખબર ન હતી કે મારો એક બંદો બિમાર હતો ? તું તેને જોવા કે તેની સેવા માટે ન ગયો. શું તને ખબર ન હતી કે મારા એક બંદાએ તારી પાસે ભોજન માંગ્યું હતું ? અને તે એને ભોજન આપ્યું ન હતું. શું તને ખબર ન હતી કે તું તેને ભોજન આપત તો મને એની સાથે જોત. મારા એક બંદાએ તારી પાસે પાણી માંગ્યું અને તે એને પાણી ન આપ્યું . જો તું એને પાણી આપત તો ખરેખર તું મને તેની સાથે જોત. મારો એક બંદો બિમાર હતો . જો તું તેને જોવા કે સેવા કરવા ગયો હોત તો તું મને તેની સાથે જ જોત”

આમ ખુદાને પામવા માત્ર નમાઝને જ પ્રાધાન્ય આપતા ઇસ્લામના અનુયાયીઓ માટે આમાં મોટો સબક છે. ખુદાને પામવાનું એક અન્ય માધ્યમ માનવસેવા છે. અને એ ઇસ્લામના માનવીય સિદ્ધાંતોના મૂળમાં છે.દરેક મુસ્લિમે તે સમજવાની અને અન્યને સમજાવવાની તાતી જરૂર છે. એમ તાજેતરમાં ઘટેલ એક ઘટના પર થી પ્રતિપાદિત થાય છે.

ભાવનગરની ઘાંચીવાડ મસ્જિતમાં જુમ્માની નમાઝ (શુક્રવારની બપોરની નમાઝ) ચાલુ હતી ત્યારે, ત્રીજી હરોળમાં નમાઝ પઢતા ખાલીદ સીદ્દીકભાઈ શેખ (ઉ.૩૯, ધંધો : ફ્રીજ રીપેરીંગ) શરીરમાં સુગર ઘટી જતા અચાનક ચાલુ નમાઝે બેહોશ થઈ ઢળી પડ્યા. જો કે તેઓ દીવાલ પાસે હોવાને કારણે અન્ય નમાઝીઓને નમાઝમાં કોઈ ખાસ ખલેલ ન પડી. પણ બેહોશ ખાલીદના મોંમાંથી ફીણ નીકળતા હતા અને તેમની આંખો ચડી ગઈ હતી. છતાં કોઈ નમાઝીએ એ તરફ ધ્યાન ન આપ્યું. કદાચ નમાઝની ગંભીરતા અન્વયે તે સ્વીકારી લઈએ તો પણ એ પછીની ઘટના અત્યંત દુ:ખદ છે.

ફર્ઝ નમાઝ પૂર્ણ થયા પછી કેટલાક મુસ્લિમોએ બેહોશ ખાલીદભાઈને ઊંચકીને વઝું કરવાના હોજ પાસે મૂકી દીધા. ખાલીદભાઈ બેહોશ હાલતમાં લગભગ વીસેક મિનીટ હોજ પાસે પડ્યા રહ્યા.પણ કોઈએ તેમની દરકાર કરવાની તસ્દી સુધ્ધ લીધી નહિ. આટલું ઓછું હોઈ તેમ સુન્નત નમાઝો પૂર્ણ થતા,કેટલાક માણસોએ ખાલીદભાઈને ઊંચકીને મસ્જિતના પગથીયા પાસે મૂકી દીધા.ધીમે ધીમે મસ્જિત ખાલી થઈ ગઈ. છેલ્લે નમાઝ પઢાવનાર મોલવી સાહેબ મસ્જિત બહાર નીકળ્યા.તેમણે પણ મસ્જિતના પગથીયા પર બેહોશ પડેલા ખાલીદભાઈ પર નજર સુધ્ધા કર્યા વગર વિધાય લીધી.

આમ ખાલીદભાઈ મસ્જિતના પગથીયા પર સાડાચાર વાગ્યા સુધી પડ્યા રહ્યા. સાડાચારની આસપાસ કોઈ નેક મુસ્લિમની નજર તેમના પર પડી. અને તેણે બાજુના ગેરેજમાં કામ કરતા સત્તારભાઈને તેની જાણ કરી.સત્તારભાઈ પોતાનો ધંધો પડતો મૂકી દોડ્યા.ખાલીદભાઈની ગંભીર સ્થિતિ જોઈ તેમણે તુરત ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો. માત્ર પાંચ મીનીટમાં જ એબ્યુલન્સ આવી ચડી. અને પ્રાથમિક સારવાર આપી, ખાલીદભાઈને ઈસ્પિતાલમાં પહોંચતા કરવામાં આવ્યા. આજે ખાલીદભાઈ સ્વસ્થ છે. પણ ચાલુ નમાઝમાં ઘટેલી આ ઘટના અનેક પ્રશ્નો સર્જે છે.

ખાસ સંજોગોમાં નમાઝ કરતા બિમારની સેવા મહત્વની છે, એમ ઇસ્લામ અને તેના પયગમ્બર મોહંમદ સાહેબે વારંવાર તેમના ઉપદેશોમાં કહ્યું છે. વળી,બીમાર મોમીન માટે ફર્ઝ નમાઝ અને રોઝામાં પણ ઈસ્લામે ખાસ છૂટ આપી છે. છતાં ખાલીદભાઈને સારવાર આપવાની દરકાર કોઈ મુસ્લિમે ન કરી. ઈસ્લામને ઊંડાણ

પૂર્વક સમજતા અને સમજાવતા મોલવી સાહેબ પણ આંખ આડા કાન કરી ચાલ્યા ગયા. આ બાબત ઈલ્સ્લામના સમગ્ર અનુયાયો માટે અત્યંત ગંભીર છે.ઇસ્લામના માનવીય સીધ્ધ્ન્તોની વાતો કરવા કરતા તેને સાકાર કરવાની દરેક મુસ્લિમની ફર્ઝ છે. એ ફર્ઝ પ્રત્યેની આપણી સભાનતા જ ઈસ્લામને માનવધર્મ
તરીકે જીવંત રાખશે. અન્યથા સાચો ઇસ્લામ ધર્મ ઇસ્લામના અનુયાયીઓ શોધતા રહેશે અને ઇસ્લામ પ્રત્યેની ગેરસમજને આપણે સૌ યથાવત રાખવામાં સહભાગી બનીશું.

20-03-2010
Bhavnagar

1 Comment

Filed under Uncategorized