ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઈફ્તીયારી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગત રમઝાન માસનો ચોથો રોઝો અને ૧૦મી તારીખ હતી. એ દિવસે શુક્રવાર હતો. જુમ્માની નમાઝ પછી સાજે સાત વીસની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મારે અમદાવાદથી મુંબઈ જવાનું હતું. અને મુંબઈથી રાત્રે ૧.૦૫ની હોંગ કોંગની ફલાઈટ પકડવાની હતી. જો કે આમ તો હું રમઝાનમાં મુસાફરી કરવાનું ટાળું છું. પણ જેટ એરવેઝની સમસ્યા સર્જાતા મારો આખો પ્રવાસ કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઇ ગયો. એટલે નાછૂટકે મારે રમઝાનમાં મુસાફરી કરવાનો વખત આવ્યો.
ઇસ્લામમાં સફર અર્થાત મુસાફરીમાં નમાઝ અને રોઝા બન્નેમાં સરળતા આપવામાં આવી છે. નમાઝ અંગે અલ સુરે નીસા (૪.૧૦૧)માં કહ્યું છે,
“અને જયારે આપ સફરમાં હો ત્યારે નમાઝ ટૂંકી કરી શકો છો. તેમાં કોઈ ગુનો નથી.”
અર્થાત ચાર રકાત નમાઝ તમે બે રકાત પઢી શકો છો. પણ ફજર અને મગરીબની નમાઝ ટુકી જ છે, તેથી તેને ટૂંકી કરવાની જરૂરી છે. એ જ રીતે સફરમાં તકલીફ પડે તેમ હોય તો રોઝા ન રાખવાની ઈજાજત પણ ઇસ્લામમાં આપવામાં આવી છે. પણ ચોથા રોઝે રમઝાનની પ્રથમ જુમ્મા (શુક્રવાર) હતી. વળી, મારી ફલાઈટ સાંજની ૭.૧૦ની હોય મેં એ રોઝો જતો કરવાનું મુનાસીબ ન માન્યું. સમસ્યા એટલી જ હતી કે રોઝો ૭.૨૦સે છૂટતો હોય એ સમયે હું પ્લેનમાં હોઉં. એટલે પ્લેનમાં મારે ઇફ્તીયારીની વ્યવસ્થા કરવી પડે. મારી પત્ની સાબેરાને તેની ચિંતા હતી. પણ મેં સાબેરાને કહ્યું,
“તું એની ચિંતા ન કર હું એરપોર્ટ પર જઈ કઈંક વ્યવસ્થા કરી લઈશ.”
સાંજે લગભગ પાંચેક વાગ્યે સાબેરા તથા મારા સાળા અબ્દુલ રહેમાન અને ગુલામનબી મને એરપોર્ટ પર મૂકી ગયા. બોર્ડીંગ અને સિક્યુરીટી પતાવી હું ગેટ નંબર ત્રણ પર આવ્યો. મારી પાસે અમેરિકન એક્સપ્રેસનું લોન્જ કાર્ડ હતું. મેં વિચાર્યું લોન્જમાં પૈસા ભરી ત્યાંથી ઇફ્તીયારી માટેનું ભોજન પેક કરાવી લઈશ. અને પ્લેનમાં રોઝો છોડવાનો સમય થયે, ભોજન કરી લઇશ. પણ લોન્જવાળાએ મને ભોજન પેક કરી આપવાની ના પાડતા કહ્યું,
“હમ ખાના પેક કર કે નહિ દેતે આપ અહી પર ખા લીજીએ.”
“લેકિન મેં રોઝદાર હું અભી નહિ ખા સકતા”
એ મારી સમસ્યા સમજી ગયો એટલે મને રસ્તો બતાવતા કહ્યું,
“પાસ મેં એક રેસ્ટોરન્ટ હૈ જો આપકો ખાના પેક કર દેંગે”
મેં એ રેસ્ટોરન્ટ તરફ કદમો માંડ્યા. મનમાં વિચારતો હતો જો એ ભોજન પેક ન કરી દે તો, વેફરનું એક પેકેટ લઇ લઈશ. તેનાથી થોડી રાહત થઇ જશે. પછી મુંબઈ પહોંચી નિરાતે ભોજન કરીશ. રેસ્ટોરન્ટના કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. તેને મેં મારી સમસ્યા કહી. અને તે બોલી ઉઠ્યો,
“અરે સાહબ, આપ યહાં આરામ સે બેઠે. મેં આપ કો સબ ઇન્તજામ કર દેતા હું.”
અને તેણે મને વેજીટેબલ બિરિયાની અને એક બોટલ પાણી પેક કરીને આપ્યા અને કહ્યું,
“અભી બોડીંગ નહિ હુવા. આપ યહાં આરામ સે બેઠે. મેરા વેઈટર બોડીંગ હોને પર આપ કો બતા દેગા.”

લગભગ ૬.૫૦.એ બોર્ડીંગ શરુ થયું. હું પ્લેમમાં પ્રવેશ્યો. સાતને વીસનો સમય થયો ત્યારે મારું પ્લેન અમદાવાદથી લગભગ ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. મેં પેક કરીને લાવેલ ભોજન કાઢ્યું. અને એર હોસ્ટેસને એક પાણી નો ગલાસ આપવા વિનતી કરી. એટલે તેણે મને સ્મિત કરતા પૂછ્યું,
“આપ રોઝે સે હૈ ?”
“જી” અને તે સસ્મિત કરી ચાલી ગઈ. મારી બાજુમાં એક ગુજરાતી હિંદુ બિરાદર બેઠા હતા. અમારી વાત સાંભળી તેમણે પોતાની હેન્ડ બેગમાંથી લીબું પાણીની પેક બોટલ કાઢી અને મને આપતા કહ્યું,
“વડીલ, આ લીંબુ પાણીની બોટલથી આપ રોઝો છોડો, તો થોડુંક પુણ્ય મને પણ મળશે.”
હું તેમની ધાર્મિક સદભાવના જોઈ રહ્યો. મેં કહ્યું.
“મારી પાસે પાણીની બોટલ છે.”
“પાણી કરતા લીંબુ પાણી આપને થોડી વધુ શાતા આપશે.”
“શાતા” શબ્દ સાંભળી મેં પૂછ્યું “આપ જૈન છો ?” તેમણે સસ્મિત હા પાડી. અમારી વાત ચાલતી હતી, ત્યાજ એરહોસ્ટેસ બહેન ટ્રેમાં પાણીની બોટલ, ગ્લાસ અને એક ભોજન પેકેટ લઈને આવી ચઢ્યા.
“યે ભોજન હૈ ઔર પાની કી બોટલ ઔર ગ્લાસ. આપ આરામ સે રોઝા છોડીએ. કિસી ઔર ચીજ કી જરૂરત હોતો મુઝે અવશ્ય યાદ કીજીયે ગા .”
મેં કહ્યું,
“શુક્રિયા મેડમ, મેં ભોજન લેકે આયા હું.”
તેણે સ્મિત વેરતા કહ્યું,
“આપ કો ભોજન હમ દેન હી વાલે થે. પર આપ કા રોઝા હૈ ઈસ લીયે હમ આપકો જલ્દી દે રહે હૈ”
અને તે મારી સામેની ખુરસીના ડેસ બોર્ડ પર મૂકી ચાલી ગઈ.
ઇફ્તીયારીની તમામ સામગ્રી લીંબુનું શરબત, વેજીટેબલ બિરિયાની, બે સમોસા, ઓરેંગ જ્યુસ અને ઠંડા પાણીની એક બોટલા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈ એ મારી સામે હતા. અને હું પ્લેનની બારીમાંથી ખુદાની આ રહેમતનો શુક્ર અદા કરી રહ્યો હતો. ખુદાએ કહ્યું છે,
“રોઝદાર મારો પ્યારો બંદો છે. તેની દરકાર રાખવાનું કાર્ય હું ખુદ કરું છે”
એ વિધાનની સત્યતા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ મેં અનુભવી. અને હું ખુદાની ખુદાઈથી ભીજાઈ ગયો.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

હઝરત યુસુફ અલૈ. અને ઝુલેખાનો કિસ્સો : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન એ શરીફમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયો સાથે અનેક ઉપદેશાત્મક કથાઓ પણ કુરાને શરીફમાં આપવામાં આવેલ છે. અને એટલે જ કુરાને શરીફએ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. સાચા અર્થમાં કુરાને શરીફ સમગ્ર માનવ સમાજને જીવન જીવવાની કળા શીખવતો અદભૂત ગ્રંથ છે. આજે એ ગ્રંથમાં આપવામાં આવેલ હઝરત યુસુફ અલૈ. અને ઝુલેખાની કથાની વાત કરવી છે. હઝરત યુસુફની કથા કુરાન એ શરીફના બારમાં પ્રકરણમાં આપવામાં આવેલ છે. ૧૧૧ આયાતો અને ૧૨ રુકુમાં પથરાયેલી આ કથા જીવનના મુલ્યોને સાકાર કરતી એક ઉત્તમ બોધકથા છે. આ કથા માત્ર આ જ સુરત આપવામાં આવેલ છે. સમગ્ર કુરાનમાં બીજીવાર તેનું ક્યાંય વર્ણન થયું નથી. આ કહાનીને પવિત્ર કુરાનમાં “એહસનુલ કસસ” અર્થાત અનુપમ કહાની કહેવામાં આવી છે. આ કથા અનેક લેખકો અને કવિઓની કથાનું કેન્દ્ર પણ બની છે. સૌ પ્રથમવાર ફારસી કવિ નુરુદ્દીન અબ્દુલરહેમાન જામી (૧૪૧૪-૧૪૯૨)એ પોતાની રચના “હપ્ત અવરંગ”માં આ કથાને રજુ કરી હતી. એ પછી મહમૂદ ગામી (૧૭૫૦-૧૮૫૫)એ કાશ્મીરીમાં આ કથાને સાકાર કરી. હાફીઝ બરખુરદાર (૧૬૫૮-૧૭૦૭)એ પંજાબીમાં આ કથાને રજુ કરી હતી. શેખ નિસારે અવધીમાં તેને કાવ્ય રૂપે રજુ કરી છે. કુરાને શરીફ ની આ જ કથાને કવિ નિસારે ૧૯૧૭-૧૮મા પ્રેમદર્પણ નામે રજુ કરેલ છે. શાહ મુહમ્મદ સગીરે પણ આ જ કથાને ૧૪મી સદીમાં બાંગલામાં રજુ કરી હતી. સૂફી સંતો ફિરદૌસ, અમીર ખુસરો અને બુલ્લેશાહએ પણ પોતાની રચનાઓમાં આ કથાને સાકાર કરેલ છે. આવી અદભૂદ કથામાં હઝરત યુસુફ અલૈ. ના જીવનના બોધદાયક પ્રેમ પ્રસંગનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં તેમનું શુદ્ધ ચારિત્રતે અભિવ્યકત થાય છે. આજે એ નાનકડી પ્રેમકથા માણીએ.

પિતાના વહાલા પુત્ર યુસુફ અલૈ.પોતાના ભાઈઓની ઈર્ષાનો ભોગ નાનપણથી બનતા રહે છે. અને તેના કારણે જ તેમના ભાઈઓ તેમને એક અવાવરા કુવામાં નાખી દે છે. ત્યાંથી તેમને એક રાહબર બચાવી, તેમને સજાવી ગુલામ તરીકે વેચવા બજારમાં મુકે છે. આવો અતિ સુંદર ગુલામ સૌ કોઈ ખરીદવા ન લલચાય ?. પણ અઝીઝ નામના એક અમીરે યુસુફ અલૈ.ને ખરીદી લીધા. ખરીદતી વેળા એ અઝીઝ સમજી ગયા હતા કે “તેમણે એક અણમોલ રતન ખરીદ્યું છે.” યુસુફ અલૈ.ની પ્રમાણિકતા, પવિત્રતા, કામ કરવાની ધગસ અને સુઝબુઝ, નિયમિતતા, સહનશીલતા અને બુદ્ધિ ચાતુર્ય અને અત્યંત ખુબસુરતી જોઇને અઝીઝ અને તેમની પત્ની ઝૂલેખા તેમની સાથે આદર પૂર્વક વ્યવહાર કરતા હતા. વીસેક વર્ષના ભર યુવા હઝરત યુસુફ અલૈ.નું અદભૂત સૌંદર્ય કોઈ પણ સ્ત્રીનું મન મોહી લે તેવું હતું. અને એમ જ બન્યું. હઝરત અઝીઝની પત્ની ઝુલેખા ગુલામ હઝરત યુસુફ અલૈ. પર મોહી ગઈ. પણ અત્યંત ચારિત્રવાન યુસુફ અલૈ. પર તેમના પ્રેમનો જાદુ ન ચાલ્યો. પણ એક દિવસ ઝુલેખાએ ઘરના બધા દરવાજા બંધ કરી દીધા. અને તેણે હઝરત યુસુફ અલૈ.ને રીઝવવાનો પ્રયાસ કર્યો. યુસુફ અલૈ. માટે આ કપરી કસોટીનો સમય હતો. એક ખુબસુરત સ્ત્રી તેમને સામેથી સહર્ષ આવકારી રહી હતી. પણ યુસુફ અલૈ. ઝુલેખાના ઈરાદાઓને પામી ગયા હતા. તેમણે અલ્લાહનો ખોફ પોતાના દિલમાં મજબૂત રીતે પકડી રાખ્યો હતો. ખુબ જ નમ્ર ભાવે તેમને ઝુલેખાને કહ્યું,
“હું અલ્લાહની પનાહ માંગું છું. મારાથી એ કૃત્ય નહિ થયા. હું અલ્લાહની અવગણના નહિ કરી શકું. વળી, જેણે મને ગુલામીની દશામાં ન રાખતા પોતાના પુત્ર જેમાં રાખ્યો છે, તેવા મારા માલિકનો હું કૃત્ઘ્ની બની શકું નહી.”
આ પ્રસંગનું વર્ણન પવિત્ર કુરાનમાં સૂરે યુસુફની આયાત ૨૫ થી ૨૯માં આપવામાં આવ્યું છે. તેનો ટૂંક સાર નીચેના શબ્દોમાં આપી શકાય.
“આમ યુસુફ અલૈ.એ દરવાજો ખોલી બહાર નીકળવા કદમો માંડ્યા. પણ તેમને રોકવા ઝુલેખાએ દોટ મૂકી. અને હઝરત યુસુફ અલૈ.નું પહેરણ પાછળથી પકડી લીધું. હઝરત યુસુફ અલૈ. પહેરણ છોડાવી આગળ જવા લાગ્યા. એ ખેંચતાળમાં હઝરત યુસુફ અલૈ.નું પહેરણ ફાટી ગયું. આમ પહેરણ ઝુલેખના હાથમાંથી સરકી ગયું. અને હઝરત યુસુફ અલૈ. ઝડપથી દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ઝુલેખાએ પોતાના આ કૃત્યને છુપાવવા હઝરત યુસુફ અલૈ. પર આક્ષેપ મુક્યો. અને પોતાના પતિને કહ્યું,
“જે માનવીએ તમારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેને કેદની સજા કરવામાં આવે.”
જો કે હઝરત યુસુફની નિર્દોષતાને સિદ્ધ કરતા એક વ્યક્તિએ કહ્યું કે,
“જો યુસુફનો કુરતો આગળથી ફાટેલો હોય તો તે દોષિત છે પણ જો તેનો કુરતો પાછળથી ફાટેલો હોય તો યુસુફ નિર્દોષ છે. અને સાચે જ યુસુફનો કુરતો પાછળથી ફાટેલો હતો. તેથી તે બિલકુલ નિર્દોષ છે.”
આમ હઝરત યુસુફ અને ઝુલેખાની પ્રેમ કથાનો અંત આવ્યો. જો કે આ પ્રેમ માત્ર એ તરફી હતો. જેમાં માત્ર ઝુલેખાં જ હઝરત યુસુફ તરફ આકર્ષાય હતા. હઝરત યુસુફ એ પ્રત્યે બિલકુલ નિર્લેપ હતા. કુરાને શરીફની આ કથા એ યુગની ઇન્સાફની પરંપરા અને હઝરત યુસુફના શુદ્ધ ચારિત્ર્યને સાકાર કરે છે.

Leave a comment

Filed under Uncategorized

કર ભલા હો ભલા, અંત ભલે કા ભલા : ડૉ.મહેબૂબ દેસાઈ

દરેક ધર્મમાં કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં છે. માનવી જીવનમાં જેવા કર્મ કરશે, તેવું ફળ પામશે. ગીતામાં પણ આ અંગેનો બહુ જાણીતો શલોક છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
અર્થાત કર્મ પર જ તારો અધિકાર છે. કર્મ જ હાથમાં છે. પણ તેના ફળની અપેક્ષા ન કરીશ. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં પણ કહ્યું છે,
”અલ આમલ બિન નીયતે”
અર્થાત સદકાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે. અર્થાત તમારા ખિસ્સામાં સો રૂપિયા હોય, અને કોઈ ગરીબ કે લાચાર જરૂરતમંદને જોઇને તમારા મનમાં માત્ર વિચાર આવે કે જો આ પૈસા મારી જરૂરિયાત ન હોત તો, પેલા ગરીબ જરૂરતમંદ માનવીને આપી દેત. બસ, આપનો આ વિચાર માત્ર આપનું સદકાર્ય છે.
આ વિચારને સાકાર કરતો એક કિસ્સો મને હમણાં આપણા વયોવૃદ્ધ ગાંધીવાદી વાપીના ઉદ્યોગપતિ મા. ગફુરભાઈ બિલખીયા પાસેથી સાંભળવા મળ્યો. વાપીની મોર્ડન શાળાના એક કાર્યક્રમમાં ત્યાના સંચાલક શ્રી રફીકભાઈ લાલોડીયાએ નિમંત્રણ પાઠવ્યું હતું. એ સંદર્ભે વાપી જવાનું થયું. મા. ગફુરભાઈ બિલખીયા ૮૬ વર્ષની ઉમરે પણ “અતિથી દેવો ભવઃ” ના સંસ્કારોને સાકાર કરતા અમને મળવા આવ્યા. અને મારી અને જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા સાથે રાત્રીના દસેક વાગ્યા સુધી વાતોએ વળગ્યા. એ દરમિયાન મા. ગફુરભાઈએ તેમના જીવનની એક ઘટના અમને કહી.
લગભગ ૫૦-૬૦ વર્ષ પહેલાની એ ઘટના છે. એ દિવસો ગફૂરભાઈ માટે ઘણાં તાણના હતા. આર્થિક તંગીના એ દિવસોમાં ગફુરભાઈ ભાવનગર જીલ્લા પંચાયતના સભ્ય હતા. જીલ્લા પંચાયતના ગંગાજળિયા તળાવના નાકે આવેલા ગેસ્ટ હાઉસમાં એ રાત્રે તેમનો ઉતારો હતો. ખિસ્સામાં માત્ર એકસો દસ રૂપિયા હતા. બીજે દિવસે સવારે એસ.ટી.ની બસમાં જીલ્લા પંચાયતના કોઈ કાર્ય અંગે તેમને ગાંધીનગર જવાનું હતું. એટલે જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચોકીદારને સવારે વહેલા ઉઠાડવાનું કહી ગફુરભાઈ સૂઈ ગયા. સવારે ચા પીને તેઓ ગેસ્ટ હાઉસની બહાર આવ્યા. બહાર એક બેહાલ માનવી લાચાર નજરે તેમને તાકી રહ્યો હતો. એ દિવસોમાં પણ ગફૂરભાઈનો પોશાક ખાદીનો સફેદ કફની અને લેંઘો જ હતા. ગફૂરભાઈને જોઈ પેલો લાચાર માનવી તેમની પાસે દોડી આવ્યો. અને ગળગળા સવારે બોલ્યો,
“મારી સાતેક વર્ષની દીકરીને હોસ્પીટલમાં દાખલ કરી છે. દવાના પૈસા નથી. મને એક સો રૂપિયા આપો.”
ગફૂરભાઈ એ બેહાલ માનવીને જોઈ રહ્યા. પછી બોલ્યા,
“જો મારી પાસે માત્ર એકસો દસ રૂપિયા જ છે. એ પૈસા બસમાં ગાંધીનગર જવા માટે રાખ્યા છે. જો હું એ તને આપી દઈશ તો, મારે ગાંધીનગર જવાનું મુલતવી રાખવું પડશે.”
પેલા માનવીએ આ સાંભળવા છતાં લાચાર બની આજીજી ચાલુ રાખી. અને ગફૂરભાઈનું મન પીગળી ગયું. તેમણે ખિસ્સામાંથી સો રૂપિયા કાઢી એ માનવીને આપી દીધા. અને ગાંધીનગર જવાનું મુલતવી રાખી, ગેસ્ટ હાઉસની લોબીમાં એક બાંકડા પર નિરાતે બેઠા. થાડીવારે ભાવનગરના જાણીતા કાર્યકર શ્રી.પ્રતાપભાઈ શાહની ગાડી આવી ચઢી. ગફૂરભાઈ ને જોઇને તેઓ બોલ્યા,
“ગફૂરભાઈ, ગાંધીનગર આવવું છે ? સાંજના પાછા આવી જઈશું.”
“આવવું તો છે, પણ મારે ત્યાં મંત્રીશ્રીને મળી એક કામ પતાવવાનું છે.”
“બધું થઇ પડશે. આવી જાવને.”
અને એસ.ટી.ની બસમાં ધક્કા ખાતા ખાતા જવાના બદલે શાંતિથી કારમાં જવાનું આયોજન કરનારા ખુદાને યાદ કરતા ગફૂરભાઈ પ્રતાપભાઈ શાહ સાથે તેમની કારમાં બેસી ગયા.
સાંજે બધું કામ પતાવી મા. પ્રતાપભાઈએ ગફૂરભાઈને જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના દરવાજે ઉતર્યા. ત્યારે રાત્રીના લગભગ નવેક વાગ્યા હતા. ગફૂરભાઈને દરવાજે ઉતારી, પ્રતાપભાઈએ વિદાઈ લીધી. ગફૂરભાઈ જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના પગથીયા ચડ્યા કે સામે જ સવારે એક સો રૂપિયા લઇ જનાર લાચાર માનવી ઉભો હતો. ગફૂરભાઈને જોઈ તે તેમની પાસે દોડી આવ્યો. તેણે પોતાના હાથની હથેળીમાં દબાવી રાખેલી સોની નોટ ગફૂરભાઈ સામે ધરતા કહ્યું,
“વડીલ, આ આપના સો રૂપિયા પરત કરું છું. હવે મને તેની જરુર નથી. ઈશ્વરે મારી દીકરીને એવી આકાશી મદદ મોકલી છે કે અત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ છે.”
ગફૂરભાઈ એ માનવીની આંખોમાં સચ્ચાઈની રોશની જોઈ રહ્યા. પછી ચહેરા પર સ્મિત પાથરતા બોલ્યા,
“ભલા માણસ, એ સો રૂપિયા તો હવે તું જ રાખ. તને સો રૂપિયા આપ્યા પછી મને તો ખુદાએ કાર મોકલી. હું એસ.ટી.ની બસમાં ધક્કા ખાતા ખાતા ગાંધીનગર જવાનો હતો તેના બદલે કારમાં ગયો. ગાંધીનગરનું બધું કામ કારમાં જ પતાવી આરામથી પરત આવી ગયો. અને તો ય મારા ખિસ્સામાં હજુ દસ રૂપિયા બચ્યા છે.’
પોતાના ખિસ્સામાંથી બચી ગયેલા એ દસ રૂપિયાની નોટ કાઢતા ગફૂરભાઈ બોલ્યા,
“આ દસ રૂપિયા પણ હવે તો તું જ રાખી લે. રખેને ખુદા આ દસ રૂપિયા પણ મારી નેકીમાં સામેલ કરી મને અન્ય કોઈ રીતે હજુ વધુ નવાજે.”
એમ કહી પેલા બાકીના દસ રૂપિયા પણ એ માનવીના હાથમાં મૂકી ગફૂરભાઈ લાંબા ડગ માંડતા જીલ્લા પંચાયતના તેમના રૂમમાં અલોપ થઇ ગયા. અને વાતાવરણમાં કર ભલા હો ભલા, અંત ભલે કે ભલા ઉક્તિને સાકાર કરતા ગયા.

Leave a comment

Filed under Uncategorized

શાયર કા કોઈ મઝહબ નહિ હોતા : ડૉ. મહેબૂબ દેસાઈ

ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તેમા અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ. માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે. આવી વિશાલ સમાજને સાકાર કરવામાં આપણા શાયરોનો ફાળો વિશેષ છે. શાયર હિંદુ કે મુસ્લિમ નથી હોતો. શયર તો માત્ર શાયર જ હોય છે. તેની રચાનોમાં ધર્મનો કોઈ ભેદ જોવા મળતો નથી. અને જેની રચનાઓમાં હિંદુ મુસ્લિમ ભેદ વ્યક્ત થયા છે તે શાયર નથી. પણ તુકબંધી કરનાર સામાન્ય વ્યક્તિ છે. આજે એવા સાચા શાયરોની થોડી વાત કરાવી છે. જેમણે પોતાની રચનાઓમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મને ઈજ્જત બક્ષી છે. તેની ગરિમા વધારી છે. એ શાયરોમાં સૌ પ્રથમ નામ ડૉ ઇકબાલનું આવે છે. જેમણે આપણને તારાના એ હિંદ આપ્યું. જેમાં તેમણે કહ્યું,
“મઝહબ નહિ શીખતા આપસ મેં બેર કરના
હિંદી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તા હમારા”
અર્થાત કોઈ ધર્મ વેરેઝેર પ્રસરાવવાનું કે આપસમાં લડવાનું નથી શીખવતો. શાયર માટે તેની શાયરી તેનો ધર્મ છે. તેમાં હિંદુ કે ઇસ્લામ જેવા કોઈ ભેદ નથી હોતા. શાયરની શાયરીનો વિષય તેની પારદર્શક મનોદશામાથી જન્મતો હોય છે. અલબત્ત તેની રજુઆતમાં શબ્દોની પસંદગી શાયરની પોતાની હોય છે. પણ તેના વિચારોમાં ક્યાંય ધર્મચુસ્તતા કે કટ્ટરતા જોવ નથી મળતી. અને એટલે જ શાયર અન્ય ધર્મના પ્રતિકોને પણ પોતાની શાયરીમાં અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બનાવે છે. જેમ કે પાકિસ્તાની મર્હુમ શાયરા પરવીન સાકીર(૧૯૫૨-૧૯૯૪)એ કૃષ્ણ ભગવાનને કેન્દમાં રાખી લખ્યું છે,

“કૈદ મેં ગુઝરેગી જો ઉમ્ર બડે કામ કી થી
પર મેં ક્યાં કરતી કી જંજીર તેરે નામ કી થી
યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા
યું સતાને કી આદત તો મેરે શ્યામ કી થી”

અને એજ શાયરા ખુદા અને તેના બંદાને નજર સમક્ષ રાખી લખે છે,

“ગવાહી કૈસે તૂટતી મુઆમલા ખુદા કા થા
મેરા ઔર ઉસકા રાબ્તા તો હાથ ઔર દુવા કા થા”

ભારતના એક અન્ય મશહુર શાયર બેતલ ઉતાહી પણ કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી લખે છે,
“જિસ કી હર શાખ પર રાધાએ મચલતી હોગી
દેખના કૃષ્ણ ઉસી પેડ કે નીચે હોંગે”

અન્ય એક શાયર હસન કમાલ રામાયણના ધનુષ્ય તોડવાના પ્રસંગને આલેખતા લખે છે,
“અબ કોઈ રામ નહિ ગમ કા ધનુષ તોડે
ઝીંદગી હોતી હૈ સીતા કે સ્વયંવર કી તરહ”

એક બહુ જાણીતા શાયર કુંવર મહેન્દ્ર સિંગ બેદી હતા. તેમની શાયરીમાં સરળતા અને તથ્યનો સુભગ સમન્વય જોવા મળતો. તેઓ તેમના એક બેબાક શેર કહે છે,
“ઈશ્ક હો જાયે કિસી સે કોઈ ચારા તો નહિ
સિર્ફ મુસ્લિમ કા મહંમદ પર ઈજારા તો નહિ”

આપણા જાણીતા કવિ અને સંગીતકાર રવીન્દ્ર જૈનનો એક શેર છે,
“ તુમ અપને દિલ મેં મદીને કી આરઝુ રખના
ફિર ઉસકા કામ હૈ જજબે કી આબરૂ રખના”
તું તારા દિલમાં મદીનાની આરઝુ રાખ. અર્થાત ઈચ્છા કે આસ્થા રાખ. પછી તારી આસ્થાની ઈજ્જત રાખવાનું કામ તો તેનું છે, અર્થાત ખુદા ઈશ્વરનું છે.
ક્રિષ્ણ બિહારી નૂર કહે છે,
“મર ભી જાઓ તો નહિ મીલતે હૈ મરને વાલે
મૌત લેજા કે ખુદા જાને કહાં છોડતી હૈ
જપ્તે ગમ ક્યાં હૈ તુઝે કૈસે સમજાઉં
દેખના મેરી ચિતા કિતના ધૂંવા છોડતી હૈ”

આવા શાયરો કે જેમણે મઝહબને મહોબ્બત અને એખલાસનો સેતુ બનાવ્યો. જેમણે સમાજમાં મઝહબની નવી પરીભાષા આપી. તેવા તમામ શાયરીને સલામ.

Leave a comment

Filed under Uncategorized

શ્રીનગરની હઝરતબલ દરગાહ : ડૉ. મહેબૂબ દેસાઈ

શ્રીનગર (કાશ્મીર)ના પ્રવાસે જતા પ્રવાસીઓ શ્રીનગરની સુંદરતા સાથે ડલ લેઈક, શાલીમાર ગાર્ડન વગેરેના દીદાર કરવાનું ચૂકતા નથી. બહુ ઓછા પ્રવાસીઓ હઝરતબલ જેવા આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થાનની મુલાકાત લેવા જતા હોય છે. પંદરેક વર્ષ પહેલા હું શ્રીનગર ગયો ત્યારે મારી પણ એ જ હાલત હતી. પણ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને એક રીક્ષા ચાલકે હઝરતબલ જવાની સલાહ આપી. અને તેનો થોડો ઈતિહાસ પણ કહ્યો. પરિણામે બધું પડતું મૂકી મેં તે રીક્ષા ચાલકને રીક્ષા સીધી હઝરતબલની દરગાહ પર લઇ લેવા કહ્યું. આમ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને અનાયાસે એક ઐતિહાસિક અને પવિત્ર સ્થાનના દીદાર કરવાની તક સાંપડી. સફેદ સંગેમરમરના પથ્થરોથી તામીર થયેલ આ દરગાહ ડલ ઝીલમાં તરતા ખુબસુરત મોતી જેવી ભાસે છે. હઝરતબલની દરગાહ સાથે જ સુંદર મસ્જિત પણ આવેલી છે. આ મસ્જિત પહેલા એક મહેલ હતી. ઈ.સ. ૧૬૨૩મા મોઘલ બાદશાહ શાહજહાંના સુબેદાર સાદિક ખાને પોતાના માટે અહિયાં એક મહેલ અને સુંદર બગીચો બનાવ્યો હતો. ઇ.સ. ૧૬૩૪મા શાહજહાં કાશ્મીર આવ્યો ત્યારે તેણે એ મહેલને ઈબાદત ખાનું અર્થાત મસ્જિત બનાવવાનો આદેશ આપ્યો. આમ એક સુંદર મહેલ મસ્જીતમાં તબદીલ થઈ ગઈ. અને એટલે જ હઝરતબલ દરગાહ અંદરથી અત્યંત વિશાલ અને ભવ્ય છે. આવી ભવ્ય મસ્જિતમા નમાઝ પઢવાનું સૂકુન વષો પછી આજે પણ હું મહેસૂસ કરું છું.
હઝરતબલની દરગાહમા ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના દાઢીનો બાલ સચવાયેલો છે, જેની સાથે વિશ્વના કરોડો મુસ્લિમોની આસ્થા જોડાયેલી છે. કાશ્મીરી ભાષામાં “બલ”નો અર્થ “જગ્યા” થાય છે. એ દર્ષ્ટિએ હઝરતબલનો અર્થ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નું સ્થાન કે જગ્યા એવો થાય છે. ફારસી ભાષામાં “બાલ” શબ્દનોં અર્થ “મૂ’ અથવા “મો” થાય છે. હઝરતબલની દરગાહમાં રાખવામાં આવેલ બાલ ને “મો-એ-મુકદ્દસ” પવિત્ર બાલ પણ કહે છે. કેટલાક આ દરગાહને “મદીનાત અસનીત” અથવા “ અશેરે શરીફ” પણ કહે છે. હઝરતબલની દરગાહ શ્રીનગરમાં ડલ ઝીલની ડાબી બાજુએ લગભગ છ સાત કિલોમીટરના અંતરે આવેલ છે. ડલ ઝીલ પ્રવાસી સ્થાન છે. જયારે હઝરતબલએ શહેરનો રહેણાકી વિસ્તાર છે. અહિયાં આપને કાશ્મીરી સંસ્કૃતિ અને સમાજની ઝલક બખૂબી જોવા મળે છે.
હઝરતબલની દરગાહની ઐતિહાસિક કથા પણ જાણવા જેવી છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)સાહેબના વંશજ સૈયદ અબ્દુલ્લાહ ઈ.સ. ૧૬૩૫મા મદીનાથી પગપાળા ભારત આવ્યા હતા. અને આજના કર્નાટક રાજ્યના બીજાપુર શહેરમાં તેમણે વસવાટ કર્યો હતો. તેઓ તેમની સાથે હઝરત મહંમદ પયગંબર સાહેબનો દાઢીનો બાલ લઈને આવ્યા હતા. સૈયદ અબદુલ્લાહના અવાસન પછી તેમના પુત્ર સૈયદ હામિદને તે પવિત્ર બાલ વારસમાં મળ્યો. એ સમયે ભારતમાં મોઘલ શાસન હતું. કોઈક અગમ્ય કારણો સર મોઘલ શાસકોએ સૈયદ હામિદની જમીન જાયદાત જપ્ત કર્યા. પરિણામે આર્થિક પરેશાનીઓને કારણે સૈયદ હામિદએ પોતાને વારસામાં મળેલ એ બાલ કાશ્મીરના એક ધનિક વેપારી ખ્વાજા નૂરુદ્દીન ઈશાનીને વેચી નાખ્યો. આ ઘટનાની જાણ એ સમયના મોઘલ બાદશાહ ઔરંગઝેબને થઈ. તેમણે એ પવિત્ર બાલ ખ્વાજા નૂરુદ્દીન પાસેથી લઈને અજમેરના સૂફી સંત મોઉદ્દીન ચિસ્તીની દરગાહને સાચવવા આપ્યો. અને ખ્વાજા નૂરુદ્દીનને આવા અવશેષનો વેપાર કરવાના ગુનાહસર કેદ કરવામાં આવ્યો.
કેટલાક વર્ષો પછી ઔરંગઝેબને તેની ભૂલ સમજાઈ. પોતાન કૃત્ય અંગે તેને પસ્તાવો થયો. તેથી તેણે ખ્વાજા નૂરુદ્દીનને કેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો.અને તેને તે પવિત્ર બાલ કાશ્મીર લઇ જવાની પરવાનગી આપી. પરંતુ ત્યારે તો કેદમાં નૂરુદ્દીનનું અવસાન થઈ ગયું હતું. એટલે એ પવિત્ર બાલ તેના મૃતુદેહ સાથે ઈ.સ. ૧૭૦૦મા કાશ્મીર લાવવામાં આવ્યો. કાશ્મીરમાં નૂરુદ્દીનની પુત્રી ઈનાયત બેગમને એ પવિત્ર બાલ સોંપવામાં આવ્યો. ઈનાયત બેગમે પવિત્ર બાલ માટે એક દરગાહ બનાવી. ઈનાયત બેગમના નિકાહ શ્રીનગરના પાંડે પરિવારમાં થયા હતા. તેથી મહંમદ સાહેબનો દાઢીનો એ પવિત્ર બાલ આજે પાંડે પરિવારની નિગરાનીમાં છે.

આ કથા અહિયાં સમાપ્ત થતી નથી. જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૨૭ ડીસેમ્બર ૧૯૬૩ના રોજ એક આઘાતજનક ઘટના બની. હઝરતબલની દરગાહમાં સાચવી રાખવામાં આવેલ મહંમદ સાહેબના મુકાદ્સ બાલની ચોરી થઈ ગઈ. આ ઘટના ૨૭ ડીસેમ્બરની રાત્રે બે વાગ્યે બની.
આ વાત અગ્નિની જેમ સમગ્ર દેશમાં પ્રસરી ગઈ. પરિણામે કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં જેવા કે પશ્ચિમ બંગાળમા અશાંતિ પ્રસરી ગઈ. પૂર્વ પાકિસ્તાનમા પણ તેની અસર થઈ. શ્રીનગરમાં લાખોની સંખ્યામાં લોકો સડક પર ઉતારી આવ્યા. અનેક અફવાઓએ પણ અશાંતિને વધુ પ્રસરાવવામા મદદ કરી. ૨૭ ડીસેમ્બરના રોજ સવારે સમાચાર મળતા જ કાશ્મીરના મુખ્યમંત્રી ખ્વાજા શમ્સ ઉદ દીન દરગાહ પર પહોંચી ગયા. અને તેમણે પવિત્ર બાલ શોધી આપનાર કે તેની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી. ૩૧ ડિસેમ્બરે ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તેની તપાસ સીબીઆઈને સોપવાની જાહેરાત કરી. સીબીઆઈના વડા બી.એમ. મુલ્લીક કાશ્મીર પહોંચી ગયા. અને તેમણે તપાસ આરંભી. એ સાથે જ આ માટે એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી. તમામ સક્રિય પ્રયાસોને કારણે ૪ ડીસેમ્બર ૧૯૬૪ના રોજ મહંમદ સાહેબનો મુકાદ્સ અને ઐતિહાસિક બાલ શોધી કાઢવામાં આવ્યો. તેના માનમાં કાશ્મીરના રાજા કરણ સિંગે હિંદુ મંદિરમાં ભવ્ય પૂજાનું આયોજન કર્યું. અને કાશ્મીર અને દેશમાં શાંતિ જાળવવા પ્રજાને અપીલ કરી. જયારે સીબીઆઈ વડા બી.એમ. મુલ્લીકએ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને મહંમદ સાહેબનો બાલ મળી ગયાના સમાચાર આપ્યા ત્યારે નહેરુ એટલું જ બોલ્યા હતા,
“મુલ્લીક, તમે કાશ્મીર અને દેશની હિફાઝત કરી છે.”
એ સમયના દેશના ગૃહ પ્રધાન ગુલઝારીલાલ નંદાએ પાર્લામેન્ટ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું,
“હઝરત મહંમદ સાહેબના બાલની ચોરી કરનાર ચોર પકડાઈ ગયા છે.”
હઝરતબલ અર્થાત હઝરત મહંમદ પયગંબર સાહેબના પવિત્ર બાલને પુનઃ સ્થાપિત કરવાની ઘટનાને આજે ૫૫ વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ એ દરગાહ પર લોકોની આસ્થા અને પ્રેમ યથાવત છે અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized

સુહાસિની હૈદર અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

બીજેપીના સાંસદ સ્વામી સુબ્રમણ્યમની નાની પુત્રી સુહાસિનીએ એક મુસ્લિમ સાથે નિહાહ કર્યા છે. તેમના પતિનું નામ નઈમ હૈદર છે. સુહાસિનીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. અને તેઓ તેમના પતિ સાથે હજયાત્રા પણ કરી આવ્યા છે. એ ઘટના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે તેઓ એક સુંદર અને અસરકાર કવિયત્રી છે. અખબારના સંપાદક અને કોલમિસ્ટ છે. ઇસ્લામ અંગેનું તેમનું અધ્યન ઘણું ઊંડું છે. ઇસ્લામ અંગેના તેમના વિચારો અત્યંત સ્પષ્ટ અને પારદર્શક છે. ઉર્દુ અને હિંદી બંને ભાષાઓ પર તેમનું વર્ચસ્વ અદભૂત છે. તેમની એક નઝમ ઉર્દુ અને હિંદી બંને ભાષાઓને ધર્મના નામે અલગ કરી, તે પ્રત્યે ઓરમાયું વર્તન કરનાર માટે એક સબક સમાન છે. સૌ પ્રથમ તેમની એ રચનાને માણીએ.

“મેં હિંદી કી વો બેટી હું, જિસે ઉર્દૂને પાલા હૈ
અગર હિંદી કી રોટી હૈ, તો ઉર્દુ નિવાલા હૈ
મુઝે હૈ પ્યાર દોનો સે, મગર એ ભી હકીકત હૈ
લતા જબ લડખડાતી હૈ, હયા ને હી સંભાલા હૈ
મેં જબ હિંદી સે મિલતી હું, તો ઉર્દુ સાથ આતી હૈ
ઔર જબ ઉર્દુ સે મિલતી હું, તો હિંદી ઘર બુલાતી હૈ
મુઝે દોનો હી પ્યારી હૈ, મેં દોનો કી દુલારી હું
ઇધર હિંદી સી માઈ હૈ, ઉધર ઉર્દુ સી ખાલા હૈ
યહી કી બેટીયા દોનો, યહી પે જન્મ પાયા હૈ
સિયાસતને ઇન્હેં હિંદુ ઔર મુસ્લિમ કયો બનાયા હૈ
મુઝે દોનો કી હાલત એક સી માલુમ હોતી હૈ
કભી હિંદી પર બંદિશ હૈ, કભી ઉર્દુ પે તાલા હૈ
ભલે અપમાન હિંદી કા હો, યા તોહીન ઉર્દુ કી
ખુદા કી હૈ કસમ હરગીઝ, હયા યે સહ નહિ સકતી
મેં દોનો કે લિયે લડતી હું, ઔર દાવે સે કહતી હું
મેરી હિંદી ભી ઉત્તમ હૈ, મેરી ઉર્દુ ભી આલા હૈ”

ઉત્તમ શાયર અને કવિયત્રી એવા સુહાસિની હૈદર પોતાના ઇસ્લામ પ્રવેશ અંગેના અનુભવોને ટાંકતા કહે છે,
“મેં ઈસ્લામને સમજવા તેના ગ્રંથો વાંચવાનું શરુ કર્યું. અને ત્યારે સાચ્ચે જ એ ધર્મ મારી રૂહમાં ઉતરી ગયો. અને મને અહેસાસ થયો કે ઇસ્લામ એક સારો મઝહબ છે. તેના વિષે જે જાણે છે તે તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકતો નથી. અલબત્ત આજે ઇસ્લામ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. એ માટે તેના અનુયાયીઓની ઇસ્લામ અંગેની પૂરતી સમજનો અભાવ છે. એ માટે હું મારી આસપાસના લોકોને ઇસ્લામની સાચી સમજ આપવાનો પ્રયાસ કરું છું. હું મારી આસપાસ પણ ઈસ્લામ અંગેની થોડી ઘણી ગેરસમજ દૂર કરવામાં સફળ થઈશ, તો પણ ઇસ્લામની ઉમદા સેવા કર્યાનું માનીશ”
“જો કે આરંભમાં જયારે હું મુશાયરા જતી ત્યારે હિંદુ સમાજના લોકો મને પૂછતાં કે મુસલમાનો વચ્ચે જતા તમને ડર નથી લાગતો ?”
તેમની વાત સાંભળી મને નવાઈ લાગતી. અને હું તેમને કહેતી,
“આવા તહજીબ અને અદબ વાળા લોકો કેવી રીતે ખરાબ હોઈ શકે ?”
“મેં ઇસ્લામની હદીસનો અભ્યાસ કર્યો છે. મારે ત્યાં “ઇન્કલાબ” નામક ઉર્દુ અખબાર આવે છે. તેની ઇસ્લામિક કોલમ હું નિયમિત વાંચું છું. એવી જ એક હદીસ પરથી મેં ચાર લાઈનો લખી છે. તેમા મેં લખ્યું છે,
“મેરા કિરદાર કહેતા હૈ, મેરા કામ કહેતા હૈ
મેરા આમાલ કહેતા હૈ, એ મેરા નામ કહેતા હૈ
બડે ઘરમેં રહેને સે, બડા હોતા નહિ કોઈ
હૈ જિસકા દિલ બડા વો હૈ બડા, એ ઇસ્લામ કહેતા હૈ”
આ રચના ઇસ્લામના તમામ અનુયાયીઓ માટે મોટી હિદાયત અર્થાત ઉપદેશ સમાન છે. મુસ્લિમનું વ્યક્તિત્વ, તેના કાર્યો અને તેનું નામ જ, તેની સાચી ઓળખ છે. મોટા ઘરમાં રહેવાથી કે જન્મ લેવાથી મોટા થવાતું નથી. પણ જેનું દિલ મોટું છે અર્થાત માનવતાથી તરબતર છે, તે જ મોટો માણસ છે. એવી જ બીજી પણ ચાર લાઈનો સુહાસિની હૈદરની માણવા જેવી છે. તેઓ લખે છે,
“ખુદા જિસ કી હિફાઝત કી ઠાન લેતા હૈ,
તો મકડી કી જાલો કી ચાદર તાન લેતા હૈ
અગર વો ઝિંદગી લીખ દે, તો સમુન્દર રાહ દે દેતા હૈ
અગર વો મૌત લીખ દે તો, મચ્છર ભી જાન લેતા હૈ”
પ્રથમ બે લાઈનોમાં હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના જીવનનો એક કિસ્સો છુપાયેલો છે. મહંમદ સાહેબ મક્કાથી મદીના જવા નીકળ્યા ત્યારે દુશ્મનો તેમની જાન લેવા તેમની પાછળ પડ્યા હતા. ત્યારે ખુદાએ ગુફાના દ્વાર પર મકડી અર્થાત કરોળિયાનું જાળું બનાવી તેમની હિફાઝત કરી હતી. એટલે કે ખુદા જેને ઝિંદગી આપવા ઈચ્છે છે, તેના માટે દરિયામાં પણ રસ્તો કરી નાખે છે. અને જેનું મૌત મુકરર કરી દે છે તેનો જીવ નાનકડો મચ્છર પણ લઇ શકે છે.
આજે સુહાસિની હૈદર જેવી વિભૂતિઓ ધર્મને વાડાઓના મર્યાદિત બંધનમાંથી દૂર કરી, એક વિશાલ માનવીય અભિગમ તરફ વાળી રહી છે. એ માટે સુહાસિનીબહેનને સાચ્ચે જ સો સો સલામ.

Leave a comment

Filed under Uncategorized

આમાલ-એ-મોરારીબાપુ : ડૉ. મહેબૂબ દેસાઈ

મહુવાના મુસ્લિમ સમાજમાં જાણીતા મહેંદી બાપુ થોડા દિવસ પૂર્વે મને મળવા આવ્યા. મહુવામાં મહેંદી બાપુના પ્રયાસોથી હઝરત ઈમામ હુસેનની શહાદ અનવ્યે યોજાતા કોમી એખલાસના કાર્યક્રમોમાં મોરારીબાપુની ઉપસ્થિતિ જાણીતી છે. પરિણામે આજે પણ મહુવામાં કોમી સદભાવ જળવાઈ રહ્યો છે. વીસેક મિનીટની અમારી મુલાકાતમાં મહેંદી બાપુ સાથે ગાંધીજીની દોઢસો વર્ષની જન્મજયંતી અન્વયે એક માતબર કાર્યક્રમના આયોજન બાબત વાત થઈ. એ વાત તેમણે મહુવા જઈ મોરારીબાપુને કરી. અને બાપુનો મારા પર ફોન આવ્યો. તેમણે સપૂર્ણ શ્રદ્ધાથી મને કહ્યું,
“મહેબૂબભાઈ, ગાંધીજીના કાર્યક્રમમા આપને મારો સહકાર છે.”
હું તેમનો ગાંધીપ્રેમ તેમની વાણીમાં અનુભવી રહ્યો. જો કે મોરારીબાપુનો ગાંધી પ્રેમ બહુ જાણીતો છે. ૨૦૧૩મા નીતિન વડગામીએ મોરારીબાપુની મુલાકાત લીધી હતી. એ મુલાકાતની નાનકડી પુસ્તિકા “મુખોમુખ” મારા નાનકડા ગ્રંથાલયમાં સચવાયેલી હતી તે મેં કાઢી. તેમાં વ્યક્ત થયેલા મોરારીબાપુના ગાંધીજી અંગેના વિચારો આજે પણ યથાર્થ ભાસે છે. તેમાં ગાંધીજી અંગે મોરારીબાપુએ કહ્યું હતું,

“ગાંધી બાપુ મને ગમે છે. તેમની નાનપણથી તે નિર્વાણ સુધીની જીવનની જે યાત્રા છે, એ કદાચ કોઈ પણ જીવની મહાત્મા બનવાની યાત્રા છે. એક જીવાત્મા મહાત્મા સુધી કેમ વિકસે એની આખી યાત્રા છે, એની એક આખી માર્ગદર્શિકા, એક આખી ગાઈડ છે એમની આખી યાત્રા. ક્યાં એ હતા અને એમનું જીવન ક્યાં સુધી પહોંચે છે ! એ એટલા માટે ગમે છે કે આ સંભાવના દરેકમાં પડી છે. કોઈ પણ જીવાત્મા, મહાત્મા થવા માટે અધિકારી છે, એ એનો અધિકાર છે, ધારે તો કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે, એટલે ગાંધી મને બહુ ગમે છે.”
મોરારીબાપુએ મુસ્લિમ સમાજ સમક્ષ આપેલ વ્યાખ્યાનોનો સંગ્રહ “મજહબ-એ-મોહબ્બત”નામક પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે. જયદેવ માંકડે સંપાદિત કરેલ હિંદી ભાષાનું આ પુસ્તક દરેક મુસ્લિમે વાંચવા જેવું છે. તેના પ્રથમ વ્યાખ્યાનમાં મોરારીબાપુએ એક સૂફીસંતને શોભે તેવી સુંદર વાત કરી છે.
“અગર તું મસ્જિત મેં હૈ, તો મંદિર મેં કૌન હૈ ?
અગર તું મંદિર મેં હૈ, તો મસ્જિત મેં કૌન હૈ ?
અગર તું તસબીહ કે એક દાને મેં હૈ, તો હર દાને દાને મેં કૌન હૈ ?
અગર તું વીરાને મેં પલતા હૈ, તો ગુલીસ્તા મેં કૌન હૈ ?
અગર તું શમ્મા મેં જલતા હૈ, તો પરવાને મેં કૌન હૈ ?”
એક સૂફીસંતે આવું જ કંઈક બે લાઈનમાં કહ્યું છે.
“વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહેતા
વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા”
માનવતા એ જ સાચો મઝહબ છે. એવું કહેવા માત્રના મોરારીબાપુ આગ્રહી નથી. પણ તેમનું જીવન એક સૂફીસંત જેમ જ આમાલ અર્થાત આચરણમાં માને છે.
મોરારીબાપુના ગામ તલગાજરડામા નાથાભાઈ રહે. તેમનું મૂળનામ યુસુફભાઈ. ઇસ્લામના અનુયાયી. લાંબી સફેદ દાઢી અને દુબળો પાતળો બાંધો. બધાની સાથે હંમેશા હસીને વાત કરે. પોતાની પાસે જે કઈ છે તેનાથી સંતુષ્ટ થઈ જીવતા યુસુફભાઈ સમય મળે ત્યારે ચિત્રકૂટધામમા બાપુના પાસે આવે અને સત્સંગ કરે. બાપુના માટે સત્સંગ એટલે,
“આપણે બે જણા કોઈ સારી વાત કરતા હોઈએ તો એ સત્સંગ છે.”
એક દિવસ બાપુએ યુસુફભાઈને પૂછ્યું,
“નાથાભાઈ, હજ પઢવા ગયા છો ?”
“બાપુ, હજ પઢવા જવાનુ મારુ ગજુ નથી. એટલા બધા નાણાની જોગવાઈ હું કયારેય કરી ન કરી શકું.”
બાપુએ એક પળનો વિચાર કર્યા વગર કહ્યું,
“ચિત્રકૂટ તરફથી તમે હજ પઢવા જાવ તો ?”
યુસુફભાઈ અર્થાત નાથાભાઈ બાપુની શુદ્ધ ભાવનાથી વાફેક હતા. એટલે તેમણે સંમતિ આપી. પાસપોર્ટ અને અન્ય વિધિ કરવામાં ખાસ્સો સમય પસાર થઈ ગયો. પરિણામે હજ કમિટીના સમાન્ય કોટામા જગ્યા ન મળી. એટલે બાપુએ નાથાભાઈ અને તેમના પત્નીને વી.આઈ.પી. કોટામા હજ પઢવા મોકલ્યા. હજ યાત્રાએ જતા નાથાભાઈને વિદાઈ આપતા બાપુએ કહ્યું,
“નાથાભાઈને હનુમાન રહેમાનને ત્યાં મોકલે છે.”
એકવાર આણંદ જિલ્લાના મરિયમપુરા ગામના ખ્રિસ્તી ધર્મી શિક્ષક શ્રી જીતુ ફીલીપે મોરારીબાપુને પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. બાપુએ નિમંત્રણ સહર્ષ સ્વીકાર્યું. એક દિવસ બાપુ તેમના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં ભોજન પણ લીધું.
આવા સૂફીસંતને પૂછવામાં આવ્યું,
“ભક્તિ અને મુક્તિમાંથી આપ શું પંસદ કરો છો ?”
બાપુએ કહ્યું,
“બહુ સ્પષ્ટ છે કે, “હરિ જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર”. મુક્તિ તમે પસંદ કરો તો ભક્તિ આવે કે કેમ એની ખાતરી નથી, પણ ભક્તિ (ઈબાદત)નો માર્ગ લો તો મુક્તિ આવે જ.

આવા મોરારીબાપુને ભારતવાસીઓના સો સો સલામ.

Leave a comment

Filed under Uncategorized