ગીતા અને કુરાનમાં કર્મનો સિધ્ધાંત : ડૉ. મહેબૂબ દેસાઈ*

ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન આપણી સમન્વય સંસ્કૃતિના પાયામાં છે. બન્ને ની વિચારધાર અને સિદ્ધાતોમાં અનેક સામ્ય છે. ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર (ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. ભગવાન કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. તેમને ખુદા તરફથી “વહી” દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ.

ગીતાનો આરંભ “ધર્મક્ષેત્ર” અથવા “ધર્મભૂમિ” શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ” શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?”
શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ ” અર્થાત “શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે” એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી”


ઉપરોક્ત આયાતમા એક વાક્ય “રબ્બીલ આલમીન” આવે છે. જેનો અર્થ “સમગ્ર સૃષ્ટિનો રબ” થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા “રબીલ મુસ્લિમ” માત્ર “મુસ્લિમોનો ખુદા” શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે. માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મના સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

“કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી”

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે.

ઇસ્લામમાં કર્મને “આમાલ” કહેલ છે. આમાલ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ થાય છે સારા-નરસા કાર્યો. ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ વર્ષો પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર હતું. કાવ્યનું મથાળું હતું,  “એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

જેની પ્રથમ પંક્તિમાં તેમણે લખ્યું હતું,


“આમલ કી કિતાબ થી

 દુવા કી કિતાબ બના દિયા”

કાવ્યમાં આગળ તેઓ લખે છે,

સમઝને કી કિતાબ થી

પઢને કી કિતાબ બના દિયા

જીન્દો કા દસ્તુર થા

મુર્દો કા મન્સુર બના દિયા

જો ઇલ્મ કી કિતાબ થી

ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

તસ્ખીર-એ-કાયનાતકા દર્સ દેને આઈ થી  

સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી

મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

આ કાવ્યમાં પણ “આમાલ” પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે આમાલ ઇસ્લામમાં કેન્દ્રીય વિચાર છે. ઇસ્લામમાં માનવીના કર્મો (આમાલ) જ માનવીનો સાચો ધર્મ છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,

“અલ્લાહને તેના બંદાના પાંચ આમાલો ખુબ પસંદ છે.

૧. કોઈ પણ વ્યક્તિને ખુશી આપવી.

૨. કોઈ પણ વ્યક્તિની તકલીફ દૂર કરવી.

૩. કોઈ વ્યક્તિનું દેવું કે કર્ઝ માફ કરવું કે ચુકેતે કરવું.

૪. કોઈ પણ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું

૫. કોઈ પણ વ્યક્તિની નૈતિક જરૂરિયાતને પૂર્ણ કરવી.

આ પાંચ આમાલો કરનાર વ્યક્તિ ખુદાને પ્યારો છે.

કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. “અલ આમલ બીન નિયતે” અર્થાત “સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે” દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે “ફી સબીલિલ્લાહ” અર્થાત “ખુદાના માર્ગે કર્મ કર” અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યા જ આપીશું.”
“અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું”
“જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ”
“એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે”
ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
“આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે”

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે.

ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન”

—————————————————————————–

*પ્રોફેસર અને અધ્યક્ષ (નિવૃત્ત), ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Leave a comment

Filed under Uncategorized

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી હતી. દિવસે મારી પત્ની સાબેરાનો જન્મ દિવસ હતો. તેની ડીલેવરી લીધી ત્યારે હજુ મને ડ્રાઈવિંગ બરાબર આવડતું હતું. એટલે મારો સાળો અબ્દુલ રહેમાન તેને ડ્રાઈવ કરીને અમદાવાદની બોમ્બે મર્કન્ટાઈ બેંક પર એક કામ અર્થે મને લઇ ગયો હતો. બરાબર એજ વખતે બેન્કના પગથીયા ઉતરી રહેલા મારા પિતાજી મળી  ગયા. મને અને કારને જોઈને મનમાં ખુશ થયા. પણ ચહેરા પર ગંભીરતા દાખવી બોલ્યા,

કાર લઇ આવ્યો ?”

જી

અને હું તેમને મૂંગા મૂંગા કાર સુધી દોરી ગયો. કારનો દરવાજો ખોલી મેં તેમને પાછળની સીટ પર બેસાડ્યા. હું આગળ બેઠો. અને અબ્દુલ રહેમાને કાર હંકારી. અમે નહેરુ બ્રીજ પર આવ્યા એટલે પિતાજી બોલ્યા,

“કોઈ મીઠાઈની દુકાને ગાડી ઉભી રાખજે. વાડીલાલ હોસ્પિટલ પાસે અબ્દુલ રહેમાને કાર ઉભી રાખી. અને પિતાજીનો આદેશ છૂટ્યો,

“જલેબીના બે ૫૦૦ ૫૦૦ ગ્રામના પેકેટ લઇ આવ.”

હું અને અબ્દુલ રહેમાન ઉતર્યા અને મહેતામાંથી ગરમ ગરમ જલેબીના બે પેકેટ લઇ આવ્યા. પછી કાર ચાલી.  ત્યાં તો પિતાજીનો અવાજ સંભળાયો,

“કાર બનાસ ફ્લેટ પર લઇ લે.”

કોચરબ કોંગ્રેસ ભવનની સામે આવેલા બનાસ ફલેટમાં મારા નાના ફઈ રહેતા હતા. કાર બનાસ ફલેટની સામે રોડ પર અબ્દુલ રહેમાને ઉભી રાખી.

“તમે બેસો હું આવું છું” એમ કહી પિતાજીએ જલેબીનું એક પેકેટ લીધું અને બનાસ ફલેટના કમ્પાઉન્ડમાં દાખલ થયા. પોતાની સૌથી નાની બહેન સાથે પુત્રે લીધેલી પહેલી કારની ખુશી વ્યક્ત કરવાની તેમની ઈચ્છા હું પામી ગયો. અને હું ચુપચાપ તેમને જતા જોઈ રહ્યો. પછી અમે અમદાવાદના અમારા નિવાસ મીનલ સોસાયટી પર પહોંચ્યા. આખી સોસાયટીમાં પિતાજીએ જલેબી વહેચી. ત્યારે તેમના ચહેરા પરની ખુશી શબ્દોમાં વર્ણવાય તેવી ન હતી.

એ સમયે મારુતિ ૮૦૦ની મૂળ કીમત માત્ર ૬૫૦૦૦ હજાર હતી. પણ તેની માંગ વધારે હોવાને કારણે મેં એ સેકન્ડ હેન્ડ કાર એક લાખ પાંચ હજારમાં પીએફમાંથી લોન લઈને લીધી હતી. તેનો નંબર ૪૮૪૮ હતો. બરાબર પાંચ વર્ષ કાર મેં વાપરી હતી. પણ ક્યારેય તે રસ્તામાં બંધ પડી હોય, પંચર પડ્યું હોય, કે કોઈ કારણ સર અટકી હોય એવું બન્યું નથી. બલકે એ મારા ભેરુ જેમ મારા સારા નરસા સમયે પડખે ઉભી રહી હતી.

મારા પિતાજીનું અવસાન અમદાવાદ મુકામે થયું. ત્યારે હજુ મને બહુ ખાસ ડ્રાઈવિંગ આવડતું ન હતું. અલબત્ત મારી પાસે પાકું લાઇસન્સ હતું. પણ હિંમત અને આત્મ વિશ્વાસનો અભાવ હતો. મારા એક શુભેચ્છક નીતિનભાઈએ તો એ માટે સાંઇ બાબાની માનતા પણ માની હતી કે  “મહેબૂબભાઈને ડ્રાઈવિંગ બરાબર ફાવી જશે તો અમે શિરડી દર્શન કરવા જઈશું” જો કે એ માનતા પૂરી કરવા નીતિન ભાઈ તો જીવિત ન રહ્યા. પણ તે માનતા હજુ છ માસ પહેલા જ શિરડી જઈને મેં પૂરી કરી છે. એટલે એ સમયે હાઈ વે પર કાર ચલાવવાનો આત્મ વિશ્વાસ મારામાં બિલકુલ ન હતો. પિતાજીના આકસ્મિક અવસાનના સમાચાર મને પરોઢીએ ચાર વાગ્યે ભાવનગરમાં મળ્યા. ત્યારે હું સંપૂર્ણ ભાગી પડ્યો. મને કશી સૂઝ કે સમજ ન પડી કે તાત્કાલિક અમદાવાદ કેવી રીતે પહોંચવું તેની મુઝવણ હતી. એસ.ટી. અને પ્રાઇવેટ બસ સર્વિસ હતી. પણ એટલી સબ્ર મારામાં રહી ન હતી. હું તો ઉડીને અમદાવાદ પહોચવાની બેસબ્રીના આવેગમાં હતો. હિમ્મત કરી હું કાર પાર્કિંગમાં પડેલી ૪૮૪૮ પાસે આવ્યો. તેના બોનેટ પર હાથ ફેરવ્યો. અને તેને સંબોધીને મનમાં બોલ્યો,

“દોસ્ત મને કેવું ડ્રાઈવિંગ આવડે છે તે તું જાણે છે. પણ ડેડની પાસે મારે ગમેતેમ કરી જલ્દી પહોંચવું છે. મને સલામત પહોંચાડી દઈશ ને ?” અને એટલું કહી મેં તેની છતને થબથબાવી. જાણે મિત્રનો સાથ માંગી તેની સંમતિ ન મેળવતો હોઉં !. એ હાઇવે મારું પર પ્રથમ ડ્રાઈવિંગ હતું. ઈશ્વર અલ્લાહનું નામ લઇ હું અને મારી પત્ની સાબેરા પહેરે કપડે ૪૮૪૮માં સવાર થઈ નીકળી પડ્યા. એ સમયે હજુ ધોલેરા માર્ગ ચલણમાં ન હતો. વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા અને અમદાવાદ એમ લગભગ ૨૦૦ કિલોમીટરનો લાંબો રસ્તો વેઠીને અમદાવાદ પહોંચવું પડતું. દિલની ધડકનો તેજ હતી. મનમાં સતત ખુદાનું રટણ હતું. વહેલી સવારનો હાઇવેનો ટ્રાફિક સક્રિય હતો. અને સ્ટ્રીંગ પર નવ શીખ્યો મારો હાથ હતો. પચાસની સ્પીડ પર ગાડી ચાલી રહી હતી. ડર મારા મનમાં યથવાત હતો. પણ મને મારી ૪૮૪૮ અને ખુદામાં વિશ્વાસ હતો. જેમ જેમ હાઇવે પર કાર હંકારતો ગયો તેમ તેમ વિશ્વાસ વધતો ગયો. ૪૮૪૮ પણ મારા વિશ્વાસને પ્રોત્સાહિત કરી રહી હતી. જાણે સ્વયંમ સંચાલન કરી તે મને દોરતી ન હોય. પિતાજીના અવસાનનો ભાર અને હાઇવે પર પ્રથમવાર વાહન ચલાવવાની તાણ, છતાં ૪૮૪૮એ  મને ૧૧ કે વાગે અમદાવાદ સહી સલામત પહોંચાડી દીધો. ત્યારે એક મિત્રના ખભે હાથ મૂકી ધન્યવાદ કરતો હોઉં તેમ ૪૮૪૮ની છત પર મારો હાથ અનાયાસે ફરી વળ્યો હતો.

આવો જ એક અન્ય પ્રસંગ પણ ૪૮૪૮ સાચવ્યાનું મને યાદ છે. મારા અમ્મા એ સમયે અમદાવાદ ભાવનગર વચ્ચે સંતુલન જાળવીને આવન જાવન કરતા. ૪૮૪૮ના આગમન પછી તેમનું આવન જાવન સરળ બન્યું. જયારે તેમને અમદાવાદ જવાની ઈચ્છા થાય ત્યારે અમે શનિ રવિની રજાઓમાં તેમને ૪૮૪૮માં અમદાવાદ મૂકી આવતા. અને ભાવનગર પાછા આવવાનું મન થાય ત્યારે તેમને ૪૮૪૮માં લઇ આવતા. આમ ૪૮૪૮ અમ્માના આવાગમનમમાં ખાસ્સી મહત્વની ભૂમિકા અદા કરી.  

પણ એક દિવસ અમદાવાદ મુકામે તેમને અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો. અને તેમનું અડધું અંગ પેરેલીટીક થઇ ગયું. એવા સમયે પણ તેમને કાળજી પૂર્વક અમદાવાદ ભાવનગર વચ્ચે લાવવા લઇ જવામાં ૪૮૪૮ એક સાચા બંધુની ભૂમિકા અદા કરી હતી. ૪૮૪૮ની પાછળની સીટ પર તેમને ઉચકીને બેસાડી, તેમની આસપાસ બરાબર ટેકા ગોઠવી ધીમી ગતિએ કારા હંકારવામાં મારી કાબિલિયત કરતા ૪૮૪૮ની મશીની સજ્જતા એ મને કાફી સહકાર આપ્યો હતો.

મને એ પ્રસંગ પણ બરાબર યાદ છે જયારે હું ભાવનગરના સાંઢીયાવાડના ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારે ૪૮૪૮ મુકવાની કોઈ જગ્યા ન હતી. માટે એક મિત્રના બંધ ગેરેજમાં ૪૮૪૮મુકતો. એ સમયે પુત્ર ઝાહીદ ૧૪ વર્ષનો  હતો. એક દિવસ દુકાનના શટર અને ૪૮૪૮ની ચાવી લઇ તે બોલ્યો,

“ડેડી, હું શટર ખોલું છું તમે તૈયાર થઈને આવો.” અને તેણે ગેરેજ ખોલ્યું. પણ ૪૮૪૮ ચલાવવાની પ્રબળ ઈચ્છાને તે રોકી ન શક્યો. અને ૪૮૪૮ બેસી, તેણે ૪૮૪૮ ચાલુ કરી. ગેરેજ ઢાળ પર હતું. એટલે ૪૮૪૮ બહાર સિદ્ધિ રોડ પર આવી ગઈ. રોડ પરના ટ્રાફિકમાં ૪૮૪૮ એક રીક્ષા સાથે અથડાઈ. અને પછી ત્યાં જ અટકી ગઈ. ઝાહીદ એકદમ ગભરાઈ ગયો. ૪૮૪૮નો દરવાજો બંધ કરી તે મારી પાસે દોડી આવ્યો.

“ડેડી, ૪૮૪૮ મારાથી અથડાઈ ગઈ”

“તને તો કઈ વાગ્યું નથીને ?”

“ના, પણ ૪૮૪૮ને પાછળ વાગ્યું છે.”

“ભલે એ તો રીપેર થઇ જશે.”

અને હું ૪૮૪૮ પાસે પહોંચ્યો ત્યારે તે નિરાતે ઉભી હતી. જાણે કહેતી ન હોય ઝાહીદ ને કઈ નથી થયું. મને થોડું વાગ્યું છે. પણ એ કઈ ગંભીર નથી. અને ત્યારે પણ મને ઝાહીદ બચી ગયો તેમાં ખુદાની રહેમત સાથે નસીબવંતી ૪૮૪૮ પણ સહભાગી લાગી. અને ત્યારે પણ અનાયાસે જ તેની છત પર મારો હાથ ફરી વળ્યો.

અને છેલ્લો જીવલેણ પ્રસંગ જીવનમાં કદી ભૂલાઈ તેવો નથી. નવી નવી કાર લેનાર સૌ કોઈને કાર લઈને ફરવા જવાનો શોખ હોય છે. મારા પિતરાઈ અને એ સમયે ભાવનગરમાં સીનીયર જજ તરીકે નિયુક્ત થયેલા પતિ પત્ની રહેના બહેન અને શબ્બીરભાઈ સાથે અમે અવારનવાર ફરવા જતા. એ સમયે તેમની પાસે ફિયાટ હતી. જયારે મેં નવી નવી ૪૮૪૮ લીધી હતી. એક દિવસ અમે દિવ બાય કાર જવાનો કાર્યક્રમ બનાવ્યો. હજુ હાઇવે પર ચલાવવાનો મને ઝાઝો મહાવરો ન હતો. મનમાં થોડો ડર રહ્યા કરતો. પણ છતાં હિંમત કરતો. એ દિવસે સવારે અમે બને દિવ જવા નીકળ્યા. તેમનું આખું કુટુંબ ફિયાટમાં અને મારું આખું કુટુંબ ૪૮૪૮માં. બંને કારો આગળ પાછળ હતી. એક ભયંકર વણાંક પર મારી કાર સામે અનાયાસે એસ.ટી. બસ આવી ચડી. અને મેં એકદમ સ્ટીયરીંગ જમણી બાજુ વાળી દીધું. અને બરાબર ૪૮૪૮ પાસેથી એસ.ટી. બસ પુરપાટ પસાર થઈ ગઈ. અને મારા હોશ ઉડી ગયા. હદય ધબકારા ચૂકી ગયું. હાથપગ સૂન થઇ ગયા. અને મેં ૪૮૪૮ને રોડની સાઈડમાં ઉભી કરી દીધી. જો અનાયાસે મેં સ્ટીયરીંગ જમણી બાજુ ના વાળ્યું હોત તો આજે હું અને મારુ આખું કુટુંબ હયાત ન હોત. આજે પણ એ પળ યાદ આવે છે ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. એ સમયે પણ મને બચાવવામાં ખુદાની રહેમત અને નસીબવંતી ૪૮૪૮ જ હતી, એમ આજે પણ લાગે છે.

આમ ૪૮૪૮ મારા માટે એક લોખંડની કાર માત્ર નહિ, પણ મારા કુટુંબની રક્ષક પણ બની રહી હતી. આજે ૪૮૪૮ વેચ્યે બાવીસ વર્ષ વીતી ગયા છે.  આજે એ ક્યાં છે તેની મને ખબર નથી. પણ તેની મારા કુટુંબ પ્રત્યેની સુરક્ષા અને મહોબ્બતની યાદને જીવંત રાખવા, એ પછી લીધેલી મારી તમામ નવી કારોના નંબર મેં ૪૮૪૮ જ રાખ્યા છે. અને જીવીશ ત્યાં સુધી એ પરંપરા જાળવી રાખીશ.

લખ્યા તા. ૩,૪ જુન ૨૦૨૨

હોબાર્ટ (ઓસ્ટેલિયા)

Leave a comment

Filed under Uncategorized

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા

ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન ચિસ્તી અને તેમના પિતા હઝરત સલીમ ચિસ્તીનું કાર્ય અને માન આજે પણ બરકરાર છે. હઝરત સલીમ ચિસ્તી સાહેબ હંમેશા પોતાના બુઝુર્ગોનું એક વાકય દોહરાવતા રહે છે,

“ઈબાદત (ભક્તિ) સે ખુદા મિલતા હૈ

ખિદમત (સેવા) સે જન્નત મિલતી હૈ”

તેમની ચાહના માટે એમનો આ વંશીય વારસો તો જવાબદાર છે જ. પણ તેમના સેવાકીય  કાર્યોની સુવાસ પણ ચોતરફ પ્રેસરેલી છે. વ્યસન મુક્તિ અભિયાન હોય કે શિક્ષણ અને સમાજ સેવા હોય દરેક ક્ષેત્રમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વગર નાના મોટો સૌને સાદર પ્રેમ અને સેવા આપનાર આ નાની વયના સૂફી સંત ડૉ. મતાઉદ્દીન પીરઝાદા સાહેબ માનસશસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા છે. હાલમાં જ તેમનો એક ગ્રંથ મારા વાંચવામાં આવ્યો. સૂફી વિચાર પર આધારિત આ ગ્રંથ “સૂફી સંદેશ” (અરુણોદય પ્રકાશન, અમદાવાદ) સાત્વિક વિચારોના ચાહકોએ વાંચવા અને માણવા જેવો છે. “સૂફી સંદેશ” ગ્રંથની પ્રસ્તાવના ઇતિહાસવિદ

ડૉ.મકરંદ મહેતા અને સંત સ્વામી સચિદાનંદે લખી છે. ડૉ. મકરંદ મહેતા તેમની પ્રસ્તાવનામાં લખે છે,

“મારા જીવનમાં શ્વાસની શરૂઆત જ સુફી રજમાં થઈ છે”

 આ યુવાન પ્રેમાળ અને સેવાભાવી ધર્મગુરુના ઉપરોક્ત ઉદગારો ઉપર જો આપણે વિચાર કરીએ તો સાચે જ ખ્યાલ આવી શકે કે ખુદ તેમના પરિવારની સૂફી પરંપરા ૧૨૨૦ વર્ષો કરતાં પણ વધારે જુની છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે મોટા મિયા માંગરોળની ગાદીના મહાન વડીલ સંતો લગભગ ઈ.સ ૧૨૦૦ થી ભારત વર્ષમાં પ્રવૃત્ત થયા હોવાથી એક સંગઠન, ફિલોસોફી, નૈતિક મૂલ્યો, નૈતિક આંદોલનનો અને તેની પ્રેક્ટિસની દ્રષ્ટિએ ડો. મતાઉદ્દીન ચિશ્તી -પીરઝાદાના પૂર્વજો અને કુટુંબીજનો ઇતિહાસ સાચા અર્થમાં ૭૫૦ વર્ષો કરતા પણ વધુ સમય પહેલાની ભારતની ભૂમિમાં પ્રગટ થયેલ સંતો અને સૂફી આંદોલનનો ઈતિહાસ છે. તેનો આબેહૂબ  પડઘો લેખકના આટલી નાની વયે સૂફીવાદ જેવા વિષય પર લખેલ ગ્રંથ પર પડે છે. તેમાંથી કેટલીક ચિંતનકણિકા પ્રગટ થાય છે અને તે સમજીને આચરણમાં મુકવા પાત્ર છે.

જેમ કે

આતંકવાદ, જ્ઞાતવાદ કે કોમવાદના ઉકરડામાં

સૂફીવાદના બીજ રોપાય તો માનવતાવાદ

નામના ઉપવનનું સર્જન થઇ શકે છે.

સમજી જ જો સમય સમજાવે એ પહેલા

થોભી જ જો શ્વાસો થંભી જાય એ પહેલા,

વિચારી લેજો વમળમાં વિખેરાય જાઓ એ પહેલા

જાગી જ જો જડતા જમાનાની જકડે એ પહેલા

અવસર છે આત્માની ઓળખનો આ અત્યંત અનેરો

ઝડપી લેજો જીવનની જ્યોત બુઝાઈ જાય એ પહેલા

સમર્પણની સંવેદના જગાડે એ સૂફીવાદ

શ્રધ્ધાને શિખર સુધી પહોંચાડે એ સૂફીવાદ

ખુદી ભૂલાવી ખુદાને મેળવી આપે એ સૂફીવાદ

આત્માને આત્મજ્ઞાથી શણગારે એ સૂફીવાદ

‘મોગરાના પુષ્પનું મહત્વ તેની સુગંધ છે, જે સુગંધ સ્પર્શી કે જોઈ શકાતી નથી, પરંતુ અનુભવી શકાય છે. એ જ રીતે ‘સૂફીવાદ’ પણ પુષ્પની સુગંધ સમાન અનુભૂતિનો વિષય છે.”

આવી ગહનતાની મધુરપ તેમના સમગ્ર પુસ્તકમાં વ્યાપેલી છે. એક સ્થાને તેઓ લખે છે,

“જે સમાજમાં હોય પરતું સમાજ જેનામાં ન હોય એ સાચો સૂફી છે.”

“પ્રીત કરે તો એસી કર, જૈસે કરે કપાસ

 જી તો જી તન ઢકે, મરે ન છોડે સાથ”

વિખ્યાત સૂફી જાલાલુદ્દીન રૂમીના અવતરણને ટાંકતા લેખક નોધે છે,

“ગઈકાલ સુધી હું હોશિયાર હતો. એટલે દુનિયાને બદલવા ઈચ્છતો હતો, પણ આજે હું સમજદાર છું. માટે ખુદને બદલી રહ્યો છું.”

૧૬૩ પૃષ્ટોમાં વિસ્તરેલ ગ્રંથ ત્રણ વિભાગોમાં પથરાયેલ છે. પ્રથમ ગદ્ય વિભાગમાં સાત્વિક વિચારોને વિસ્તૃત છણાવટ સાથે અભિવ્યક્ત કરવામાં આવેલા છે. પ્રકરણોના વિષયોની પસંદગી આપણા રોજબરોજના આચાર અને વ્યવહારમાં જોવા મળે છે. જેમ કે ઉત્કૃષ્ઠ પ્રેમ, સંગનો રંગ, જડતાની હદ, શબ્દોની માયાજાળ, ક્રમ કુદરતનો, ૨૧મી સદીના અસાધ્ય રોગો, જેવા વિષયોને મુલાયમ, મધુર અને સરળ ભાષામાં રજુ કરવામાં લેખક સફળ રહ્યા છે. પદ્ય વિભાગમાં લેખકની સુંદર રચનો મુકવામાં આવી છે. જેમાં મુલ્યો અને આધ્યાત્મનો સરળ સમન્વય જોવા મળે છે.

 “અંતિમ આ જીવનનો હેતુ તું જ છે

 હેતુને પામવાનો સેતુ પણ તું જ છે

 આ તો નાનકડો ફક્ત એક શબ્દનો ફેર છે.

 ઈશ્વર પણ તું અને અલ્લાહ પણ તું જ છે.

 મનમાં રાખી મેલ, ન જાણે કોઈ સ્થાન તારું

કોઈ કહે અહિયાં ને કોઈ કહે સર્વત્ર તું જ છે

વિવાદોની વિટંબણા એક દી’ જરૂર વિસરાશે

આધાર જયારે સંપૂર્ણ અસ્તિત્વનો તું જ છે

જણાવવા આ તથ્યો જગતને માથે ‘મતાઉદ્દીન’

દિવ્ય આ આત્માનો ભેદ પણ તું જ છે.”

આજના યુગમાં ધર્મ સત્તા અને વિભાજનનું મૂળ બનતો જાય છે. ત્યારે આ સૂફી લખે છે,

“”વિવાદો અને ઝગડાઓનું મૂળ કારણ ધર્મ નહિ, ધર્મની અજ્ઞાનતા છે.”

આવા વિચારોના ભંડાર સમો આ નાનકડો ગ્રંથ ધર્મની ગેરસમજના વાતાવરણમાં પ્રકાશનું કિરણ બની રહે એજ અભ્યર્થના સાથે વિરામ.

—————————————————-

૩૦૧/ડી, રોયલ અકબર રેસીડેન્સી, સરખેજ રોડ, અમદાવાદ. પીન કોડ. ૩૮૦૦૫૫ : મો ૯૮૨૫૧૧૪૮૪૮

Leave a comment

Filed under Uncategorized

ભારતની આઝાદીની લડતમાં કોમી સદભાવ : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતની સ્વાતંત્ર્ય લડતમાં અનેક શહીદોએ પોતાના જાન માલની આહુતિ આપી, આઝાદીનું આપણું સ્વપ્ન સાકાર કરેલ છે. એ સમયે આઝાદીના આશક દીવાનાઓમાં ન તો કોઈ ધર્મ, જાતી કે વર્ણના ભેદો હતા, ન હિંદુ, મુસ્લિમ, શીખ ઈસાઈ જેવા વાડાઓ હતા. દરેકે પોતાના દેશની આઝાદી માટે ખભેથી ખભો મિલાવી અંગ્રેજોને લડત આપી હતી. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઇતિહાસમાં જેનું આલેખન થયું છે, તે ૧૮૫૭ની ક્રાંતિમાં પણ નાના સાહેબ, તાત્યા ટોપે, ઝાંસીની રાણી સાથે ક્રાંતિની નેતાગીરી લેનાર છેલ્લા મોઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર હતા. જેમણે પોતાના બે શાહજાદાઓના બલિદાન પોતાની વૃદ્ધ આંખો સામે જોયા હતા. લડતની નેતાગીરી લેવાને કારણે જ અંગ્રેજ સરકારે તેમને તડીપાર કરી રંગુનમાં કેદ કર્યા હતા. તેમને પોતાના છેલ્લા દિવસો રંગુનમાં અગ્રેજોની કેદમાં વિતાવ્યા હતા, ત્યારે તેમનામાં રહેલો પેલો શાયર વદી ઉઠયો હતો,

“ઉમ્રે દરાજ માંગ કર લાયે થે ચાર દિન

 દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં

 કિતના બદ નસીબ થા ઝફર દફન કે લિયે

 દો ગજ ઝમી ભી ન મિલી કુયે યાર મેં”

રંગુનની અંધારી કોટડીમાં ભારતના છેલ્લા મોઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું ૬ નવેમ્બર ૧૮૬૩ના રોજ અવસાન થયું. અને અગ્રેજોએ બહાદુર શાહને રંગુનમાં જ દફનાવી દીધા. આજે પણ દિલ્હીના કુતુબ મીનાર પાસે બહાદુર શાહના પીરમુરશીદોની કબરો પાસે બહાદુર શાહ માટે રાખવામાં આવેલ જગ્યા ખાલી પડી છે.

૧૮૫૭ની ક્રાંતિ કેટલાક નામો આજે પણ ઇતિહાસમાં ગુમ છે. જેમાં કોમી સદભાવના પ્રતિક સમા બે નામો વિષે જાણવું જરૂરી છે. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં. ઈતિહાસના પડોમાં છુપાયેલ આ બન્ને પાત્રો ૧૮૫૭ની ક્રાંતિના રચયતા કે આયોજક હતા, એ બહુ ઓછા લોકો જાણે છે. અઝીમુલ્લા ખાં નાના સાહેબના વિશ્વાસુ સલાહકાર હતા. ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર તેઓ અગ્ર નેતા હતા. જયારે રંગો બાપુ સતારાના પદભ્રષ્ટ શાસકના બાહોશ વકીલ હતા. બન્ને પોતાના પદભ્રષ્ટ રાજાઓ માટે ન્યાય માંગવા લંડન માં ધામા નાખી બેઠા હતા. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં લંડનની એક હોટેલમાં મળ્યા. અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનું બીજારોપણ લંડનની એ હોટેલમાં થયું હતું. આમ લંડનની એક હોટેલમાં ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર  રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં હતા. એ ઈતિહાસ હજુ ઝાઝો ઉજાગર થયો નથી.

ગાંધીજીને દક્ષિણ આફિકામાં નિમંત્રણ આપનાર શેઠ અબ્દુલ્લા હતા. એ વાત ઇતિહાસમાં જાણીતી છે. પણ વકીલાતના વ્યવસાયમાંથી ભારતીઓના અધિકારની લડતમાં સક્રિય થનાર ગાંધીજીને દર માસે અબ્દુલ્લાહ શેઠ તરફથી નિયમિત સહાય થતી હતી. ભારતમાં ગાંધીજી ૧૯૧૫ આવ્યા ત્યારે તેમની સાથે ભારતની આઝાદીની લડતમાં સામેલ થવા ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવનાર એક માત્ર તેમના પરમ મિત્ર ઈમામ સાહેબ હતા. પોતાની પત્ની, પુત્રીઓ ફાતિમા અને અમીના સાથે ભારતમાં આવી તેઓ ગાંધીજી સાથે સહ કુટુંબ આશ્રમમાં જ રહ્યા. અને આઝાદીની લડતમાં ગાંધીજી સાથે કદમ મિલાવી ભાગ લીધી. ૧૯૩૦ના ધરાસણા મીઠા સત્યાગ્રહમાં તેમનું પ્રદાન નોંધ પાત્ર હતું. તેમના વિષે ગાંધીજીએ કહ્યું છે,

“ઈમામ સાહેબ સુધરેલા મુસ્લિમ નથી. એ ચુસ્ત મુસ્લિમ છે. એ નથી રોઝા ચુકતા, નથી નમાઝ ચુકતા. આશ્રમવાસીઓ સાથે ભળી જઈને તેમણે ઇસ્લામની સભ્યતાનું દર્શન કરાવ્યું છે.”

ગાંધીજી સાથેના આવતો અનેક મુસ્લિમ સાથીઓની જુગલ બંધી હતી. જેમાં ડૉ. અનસારી, અબ્બાસ સાહેબ, અલી બંધુઓ, ગુલામ રસુલ કુરેશી જેવા અનેક સાથીઓ સાથે ગાંધીજીના સબધો ઔપચારિક ન હતા. પણ મહોબ્બત અને ભાઇચારાના હતા. ઈમામ સાહેબની બન્ને પુત્રીઓના નિકાહની કંકોત્રી ગાંધીજીના નામે લખાઈ હતી. તેમાં ગાંધીજી એ લખ્યું હતું,

“મારા ભાઈ સમા ભાઈબંધ ઈમામ સાહેબ અબ્દુલ કાદર બવાઝીર, જેઓ હાલ કેટલાક વર્ષો થયા દક્ષિણ આફ્રિકાથી જ મારી સાથે આશ્રમમાં રહેવા આવ્યા છે, તે અહી પણ મારી સાથે જ આશ્રમમાં રહે છે. તેમની દીકરી બહેન અમીનાબીબીની શાદી ધંધુકાના રસૂલ મિયા કુરેશી સાથે ૩૧ મેં, ૧૯૨૪ની મુતાલીક તા. ૨૬ શવ્વાલ ૧૩૪૨ હિજરીને શનિવારના દિવસે સાંજના સાત વાગે થશે. આ શુભ પ્રસંગે આપ પધારશો અને વર કન્યાને આશીર્વાદ આપશો તો આભારી થઇ.

મોહનદાસ કરમચંદ ગાંધી”

આમ આ નિકાહ આશ્રમમાં ગાંધીજીની સરપરસ્તીમાં થયા. એ ઘટના આજે કેટલા લોકો જાણે છે ?

ગાંધીજી સાથે નિકટનો સબંધ ઘરાવનાર રેહાના તૈયબજી પણ કોમી સદભાવનું ઉત્તમ દ્રષ્ટાંત છે. રેહાના જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અંતેવાસી અબ્બાસ તૈયબજીના પુત્રી હતા. રેહાના તૈયબજી  અંગે ગાંધીજી લખે છે,

“જયારે રેહાના આવ્યા ત્યારે મેં મજાકમાં કહ્યું તું આશ્રમવાસીઓને મુસલમાન બનાવ હું તેને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ છે જ. તેની પાસે સર્વ પ્રકારના ભજનોનો ભંડાર છે, તે રોજ સંભળાવતા. કુરાનમાંથી મીઠી અને ઉંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતા. મેં કહ્યું અહી જે શીખે તેમને ય કંઇક આયાતો શીખવી જા.”

રેહાના તૈયબજી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. અને મધુર સ્વરમાં કૃષ્ણ ભજનો ગાતા. એ સમયના રાજકીય કે સામજિક મેળાવડાઓમાં તેમના ભજનો મોટું આકર્ષણ હતા. તેમના ભજનથી જ દરેક કાર્યક્રમો આરંભતા અને સંપન્ન થતા.

કેટલા લોકો એ જાણે છે કે સરદાર ભગતસિંગ અને બટુકેશ્વર દત્ત જેવા ક્રાંતિકારીનો કેઈસ લડનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બને ક્રાંતિકારીઓએ ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ કેન્દ્રીય એસેમ્લીની લોબીમાં બહેરી સરકારના કાનો ખોલવા બોમ્બ નાખ્યો હતો. અને અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી હતી. એવા સમયે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો કેસ લડવા તૈયાર થનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બન્ને ક્રાંતિકારીની દેશ ભક્તિને સાબિત કરતી તેમની દલીલો કોર્ટમાં જયારે ગુંજતી ત્યારે ભારતીઓની તાળીઓથી કોર્ટ ભરાઈ જતી. આ જ આસિફ અલી એ સ્વાતંત્ર્ય યુગમાં બંગાળની બ્રહ્માણ કન્યા અરુણા ગાંગુલી સાથે ૧૯૨૮માં લગ્ન કર્યા હતા. એ સમયે અરુણા તેમના કરતા ૨૦ વર્ષ નાના હતા. ૧૯૪૨ની હિંદ છોડો લડતમાં અરુણા આસિફ અલીએ સક્રિય ભાગ લીધો હતો.

આવી જ કોમી એખલાસની જોડી ગુજરાતના ઇતિહાસમાં પણ ભંડારાયેલી પડી છે. જેની કથા વિસરાતી જાય  છે. નવી પેઢી સુધી તેને પહોચાડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. ભાવનગરનો યુવાન રજબઅલી લાખણી અને વસંત હેગીષ્ટની જોડીએ ભારતની આઝાદીની લડતમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. પણ કોમી એકતા માટે બન્ને યુવાનોએ અમદાવાદની ધરતી પર શહીદી વહોરી લીધી હતી.૧૯૪૬ના જુલાઈ માસની પહેલી તારીખે જગન્નાથજીના મદિરમાંથી રથયાત્રાનું મોટું સરઘસની નીકળ્યું. અંગ્રેજ સરકારની કુટનીતિએ બિનસાંપ્રદાયિક ભાવનાને કુંઠિત કરી “ભાગલા પાડો શાસન કરો” જેવી નીતિનો ઉપયોગ રથયાત્રા જેવા પવિત્ર પ્રસંગે અંગ્રેજો એ કર્યો. અસામાજિક તત્વોને હાથવગા કરી અંગ્રેજોએ અમદાવાદમાં કોમી હુલ્લડ શરુ કરાવ્યા. અમદાવાદની સડકો અને ગલીઓ લોહી ભીની થવા લાગી. હિંદુ-મુસ્લિમ એકતાનું ખંડન  રજબઅલી અને વસંત ન સાંખી શકયા.

અને અમદવાદમાં પુનઃ હિંદુ મુસ્લિમ એકતા અને સદભાવ સ્થાપિત કરવા વસંત અને રજબની જોડી અમદાવાદની ગલીઓ અને સડકો પર નીકળી પડી. હેવાનિયતના મદમાં મસ્ત અસામાજિક તત્વોએ આ બન્ને સેવકોને પણ છુરાથી નવાજ્યા. અને બન્ને યુવકો કોમી એકતાની સ્થાપનાની ચાહમાં શહીદ થઇ ગયા.

સ્વાતંત્ર્ય યુગની આવી કોમી સદભાવના એ યુગની જણસ હતી. એકતાની ધરોહર હતી. સ્વાતંત્ર્ય લડતની શક્તિ હતી. અને એ શક્તિ એ જ આપણને અંગ્રેજોના જુલમ સામે લડવા શક્તિ પ્રદાન કરી હતી. એ ઈતિહાસ આપણે વિસરતાં જઈએ છીએ. જે સાચે જ દુ:ખદ અને ચિંતાજનક બાબત છે.   

Leave a comment

Filed under Uncategorized

પ્રોફે. મહેબૂબ દેસાઈનો દૂરદર્શન ઈન્ટરવ્યું

(ડો. મહેબૂબ દેસાઈના ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે ડૉ. મૌનસ ઠાકરે દૂરદર્શનના અમદાવાદ કેન્દ્ર માટે ૨ ઓકટોબર ૨૦૨૧, ૫.૩૦ કલાકે લીધેલ ઇંટરવ્યૂ )

આજે આપણી સાથે પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે.  તેઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના ઇતિહાસ અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે વર્ષો સેવા આપી ચૂક્યા છે. એ પછી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પણ તેમણે અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે કાર્ય કરેલ છે. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં ઇતિહાસ વિષયના તજજ્ઞ અને માર્ગદર્શક તરીકે તેમણે કાર્ય કરેલ છે. યુપીએસસી અને જીપીએસસીમાં પણ તેમણે વર્ષો વિષય નિષ્ણાત તરીકે સેવા આપી છે. ઇતિહાસ, પ્રવાસન, શિક્ષણ, આધ્યાત્મિક અને સાહિત્ય વિષયક લગભગ ૬૦ જેટલા ગ્રંથો તેમના નામે છે. ૧૯૯૨ તેમના સંશોધન ગ્રંથ “ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો (૧૯૨૦ થી ૧૯૪૭)” (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૧) ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ટ સંશોધન ગ્રંથનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. ગુજરાત રાજ્યના ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે થઈ હતી. તે પ્રસંગે મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું (તેનો ફોટો બતાવવો ચિત્ર-૨)  

એવા જાણીતા લેખક અને સંશોધક પ્રોફેસર મહેબૂબ દેસાઈનું સ્વાગત કરતાં આનંદ અનુભવું છું.

 હાલમાં જ પ્રોફે. મહેબૂબ દેસાઈનો એક અન્ય વિશિષ્ટ સંશોધન ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૩) પ્રસિદ્ધ થયો છે. જેની પ્રસ્તાવના જાણીતા ગાંધી વિચારક લંડન યુનિવર્સિટી ઓફ હૂલ, યુનિવર્સિટી ઓફ મિનિસ્ટરના  પ્રોફેસર ભીખુભાઈ પારેખ (તેમનો ફોટો બતાવવો) એ લખેલ છે. જ્યારે તેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ (તેમનો ફોટો બતાવવો ચિત્ર-૪) શુભેચ્છા પાઠવે છે. પ્રોફેસર મહેબૂબભાઇના એ પુસ્તકની વિગતે વાત કરીએ એ પહેલા આપણે  તેમની સંશોધન યાત્રા વિશે થોડી જાણકારી મેળવીએ.

પ્રશ્ન ૧. મહેબૂબભાઇ આપની સંશોધન યાત્રા અંગે દર્શકોને થોડી વાત કરશો ? ખાસ તો સંશોધન તરફ આપનો અભિગમ  કેવી રીતે જન્મ્યો, વિકસ્યો અને કેળવાયો તે જણાવશો ?

જવાબ ૧. નમસ્કાર તમામ શ્રોતા મિત્રોને મારા નત મસ્તકે પ્રણામ. 

આપે મારી સંશોધન યાત્રા વિશે મને પૂછ્યું છે. હું ભૂલતો ન હોઉં તો મારી સંશોધન યાત્રાનો  આરંભ  80ના દાયકામાં થયો હતો. મને બરાબર યાદ છે સમયે શ્રી માનસંગ બારડ “પથિક” નામનું એક સામાયિક ચલાવતા હતા. હું પથિકનું નિયમિત વાંચન કરતો. એ વાંચને મને ઇતિહાસના વિદ્યાર્થી તરીકે સંશોધન કરવા પ્રોત્સાહિત કર્યો. અને મેં સૌ પ્રથમ એક સંશોધન લેખ લખ્યો. જેનું નામ હતું “ભાવનગરમાં હિંદ છોડોની લડત” એ લેખ મેં ડરતા ડરતા પથિકના તંત્રી માનસંગભાઈને મોકલ્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે એ સંશોધન લેખ પથિકમાં છપાયો. એટલું જ નહિ પણ એ વર્ષના શ્રેષ્ઠ સંશોધન લેખ તરીકે એને પ્રથમ પારિતોષિક ૧૦૧ રુપિયાનું ઇનામ પણ મળ્યું. એ પારિતોષિક એ મારા ઉત્સાહને બમણો કરી દીધો. આટલા મોટા દિગ્ગજ ઈતિહાસકારોની વચ્ચે એક નવ શીખ્યા ઈતિહાસના વિદ્યાર્થીનો લેખ છપાય, અને એને પ્રથમ પારિતોષિક મળે, એ ઘટના એ જ મને ઈતિહાસ સંશોધન તરફ વળવા પ્રોત્સાહિત કર્યો. પછી તો ગુજરાતમાં ચાલેલ સ્વાતંત્ર સંગ્રામની લડતો મારા સંશોધનનો મુખ્ય વિષય બની ગયા. અને એ ઉપર મેં સંશોધન કાર્ય અવિરત પણે કરવાનું ચાલુ રાખ્યું. એ જ અરસામાં મારા પીએચ.ડી.ના વિષયની પસંદગી કરવાની આવી. મેં ભાવનગર રાજ્યમાં ચાલેલ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો વિષય નક્કી કર્યો.

પછી તો ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પુસ્તકો લખાતા ગયા. જેમાં ૪૨ની લડત માં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમાં અમરેલી, સૌરાષ્ટ્રની સ્વાતંત્ર ઝંખના, ગુજરાતની સ્વાતંત્ર સાધના, આઝાદીના આશક મેઘાણી, આઝાદીના પગરવ, હિન્દુસ્તાન હમારા, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો ,  ગુજરાતના નવતર સત્યાગ્રહો જેવા અનેક ગ્રંથોનું આલેખન મારા દ્વારા થયું.

મારા બે ગ્રંથો “યાત્રા” અને “ઈતિહાસ, વિચાર અને સંવેદના” નું વિમોચન એ સમયના મુખ્ય મંત્રી માં. નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની ચેમ્બરમાં થયાનું પણ મને યાદ છે. (ફોટા બતાવવા ચિત્ર-૫)

પ્રશ્ન : ૨. આપની સંશોધન યાત્રાનો ઈતિહાસ ખાસ્સો રસપ્રદ છે. પણ આ યાત્રામાં “ગાંધીજીને અપાયેલા માનપત્રો” વિષય કેવી રીતે ઉમેરાયો ? એ વિષય તરફ તમે કેવી રીતે આકર્ષાયા ? એ તરફ થોડો પ્રકાશ પાડશો ?

જવાબ : ૨. ગાંધીજી વિશ્વની એક એવી મહાન વિભૂતિ છે કે જેના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો એ સમગ્ર વિશ્વમાં લોકોને વાંચતા અને વિચારતા કરી મુકયા છે. (ગાંધીજીના વિવિધ મુદ્રામાં ફોટા દર્શાવો ચિત્ર ૬,૭,૮) ગાંધીજીને તેમના જીવનકાળ દરમિયાન ત્રણ વાર નોબેલ પારિતોષિક આપવાની વાત ચાલી હતી. અલબત્ત એ પારિતોષિક એમને ન મળ્યું. નોબલ પારિતોષિક સમિતિના સભ્યોએ એમને પારિતોષિક ન આવવાનું કારણ આપતા જણાવ્યું હતું,  ગાંધીજીની અહિંસા ની લડત વિશ્વ શાંતિ માટે નહોતી પરંતુ ભારતની આઝાદી માટે જ હતી. અલબત્ત આ દલિલ ગ્રાહ્ય ન કરી શકાય. કારણ કે ગાંધીજીના અહિંસાના વિચારો માત્રને માત્ર ભારતની સીમાઓ સુધી નથી રહ્યા. આજે એ વિશ્વ વિચાર બની ગયા છે. અને આજે આપણે બીજી ઓક્ટોબરના દિવસે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજના દિવસને સંયુક્ત રાષ્‍ટ્ર સંઘે વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીના  જન્મદિવસ 2-જી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આવી એક અદભુત વિભૂતિ અંગે ખૂબ લખાયું છે. તેમના વિચારોની આલોચના થઈ છે. એમના વિચારો અંગે ગહન વિચારણા થઈ છે. એમના જીવન કવન ઉપર ખૂબ પુસ્તકો લખાયા છે. તેમના અહિંસાના સિદ્ધાંત ઉપર ખૂબ પુસ્તકો લખાયા છે. પણ  આપણે જે નોબલ પારિતોષિક ની વાત કરી એના કરતા પણ સર્વોત્તમ પ્રજા દ્વારા તેમને આપવામાં આવેલા માનપત્રો નોબેલ પારિતોષિકો કરતાં પણ ઉચ્ચ કક્ષાના ગણાય. કારણ કે તે કોઈ સમિતિએ આપેલ બહુમાન નથી. એ તો ભારતની અને વિશ્વની આમ પ્રજાએ આપેલા માન છે અને એટલા માટે તેનું મુલ્ય નોબેલ પારિતોષિક કરતા અનેક ગણું છે. અને રહેશે.

પણ આવા વણ ખેડાયેલા વિષય પર આજ દિન સુધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ  કોઈ જ કામ થયું નથી. તે સમયે હું આવા જ કોઈ  વિષયની તલાશમાં હતો. તે દરમિયાન સાબરમતી આશ્રમમાં મારી મુલાકાત ગાંધીજીના કેટલાક માનપત્ર સાથે થઈ. સાબરમતી આશ્રમમાં(સાબરમતી આશ્રમનો ફોટો બતાવો ચિત્ર-૧૦) કેટલાક માનપત્રો સચવાયેલા છે. પણ તેનો ઉપયોગ થયો ન હતો. સાબરમતી આશ્રમના એ સમયના સંચાલક અમુલખભાઇ મોદી સાથે મારી એ અંગે વાત થઈ અને તેમણે સચવાયેલા કેટલાક માનપત્રોનું પ્રદર્શન ભાવનગરમાં કરવાનું સ્વીકાર્યું. અને આમ સૌ પ્રથમવાર ગાંધીજીના કેટલાક માનપત્રો નું પ્રદર્શન ભાવનગરમાં યોજાયું. એ ઘટના પછી મને આ વિષયમાં વધુ રસ જાગૃત થયો. અને મેં ગાંધીજી ને મળેલા માનપત્રો એકત્રિત કરવાનું શરૂ કર્યું. આમ મારી માનપત્ર સંશોધન યાત્રાનો આરંભ થયો. 

પ્રશ્ન : ૩. સંશોધન કાર્ય એ ધૂળ ધોયાનું કામ છે. એમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી દશા સંશોધકની હોય છે. એ કપરા સમયના અનુભવો જણાવશો ?

જવાબ : ૩.  સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી હું તમને કોઈ વધારે કિસ્સાઓ નહિ સંભળાવું. પણ એક કિસ્સો મને બરાબર યાદ છે. મહારાષ્ટ્રના જલગાવ માં એક વિશાળ ગાંધી સંસ્થા છે. જેનું સંચાલન ઉદય  મહાજન કરે છે. મને તેની જાણ થઈ કે એ ગાંધી સંસ્થામાં એક માનપત્ર સચવાયેલું પડ્યું છે. મેં ઉદય મહાજન સાહેબનો સંપર્ક કર્યો. અને તેમને એ માનપત્ર મને મોકલવા વિનંતી કરી. પણ તેમણે શરત મૂકી કે “તમારે મારી સંસ્થામાં આવીને બે દિવસ રહેવું પડશે અને પછી હું તમને માનપત્ર આપીશ” ગૂજરાત વિદ્યાપીઠમાંથી બે દિવસ રજા મૂકી હું જલગાંવ ગયો. જલગાંવમાં તેમની સંસ્થામાં રહ્યો. અને પછી તેમણે મને માનપત્ર આપ્યું. ગાંધીજીએ જલગાવની મુલાકાત લીધી ત્યારે ત્યાની આમ પ્રજાએ તેમને મરાઠી ભાષામાં જે માનપત્ર આપ્યું હતું તે માનપત્રની એમણે મને ફોટો કોપી આપી. એ માનપત્ર મેં પુસ્તકમાં મુક્યું છે. (માનપત્રનો ફોટો બતાવવો ચિત્ર-૯) આમ માનપત્ર મેળવવા માટે ઘણી જગ્યાની ધૂળ ખાવી પડી છે. જો કે તેનો મને આનંદ છે. પણ માનપત્રો એકત્રિત કરવા માત્રથી સંશોધન પૂર્ણ થતું નથી. ખરું કાર્ય તો એ પછી આરંભાય છે. માનપત્રની તારીખ, સમય, સ્થળ, તેની ભાષા, માનપત્ર સમયનું સ્થાનિક અને રાષ્ટ્રીય સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણ, માનપત્રનું  વિષય વસ્તુ, તેમાં વ્યક્ત થયેલ ગાંધીજી પ્રત્યેની અપેક્ષાઓ, વગેરે અનેક બાબતોની ઐતિહાસિક સંદર્ભમાં તપાસ અને આલેખાનનું કાર્ય પણ અત્યંત કપરું છે. કેટલાક માનપત્રો કાગળ પર છે, કેટલાક ખાદીના કાપડ પર છે,  કેટલાક કાર્ડ કે બોર્ડ પર છે. તો કેટલાક માનપત્રો હસ્તલિખિત પણ છે. આ બધાને ઉકેલવા કે વાંચવાનું કાર્યા પણ કપરું હતું.

પ્રશ્ન : ૪ હવે આપણે પુસ્તકમાંના કેટલાક અગત્યના માનપત્રોની વાત કરીએ. આપે પુસ્તકમાં ૬૯ માનપત્રોના ફોટા અને તેનું વિવરણ આપેલ છે. એ ૬૯ માનપત્રોમાંથી આપની દ્રષ્ટિએ સૌથી અગત્યનું માનપત્ર કયું ?

જવાબ : ૪. કોઈ માં ને પૂછવામાં આવે કે તેને કયું બાળક પ્રિય છે. એવો આ પ્રશ્ન છે. અત્રે મુકેલા તમામ  માનપત્રો તેની રીતે વિશિષ્ટ છે. કોઈની ભાષા અદભૂદ છે, તો કોઈમાં એ સમયની આપવામાં આવેલ ઐતિહાસિક વિગતો અમુલ્ય છે. તો વળી કોઈ માનપત્રની ડીઝાઇન સુંદર છે. ૬૯ માનપત્રોમાં ભાષાનું વૈવિધ્ય અદભૂદ છે. ગુજરાતી, હિંદી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાં આ માનપત્રો જોવા મળે છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતની જેતપુર શહેરની પ્રજાએ ગાંધીજીને આપેલ માનપત્ર અત્યંત મહત્વનું મને લાગે છે. (એ માનપત્રનો ફોટો બતાવો ચિત્ર-૧૧). મોટે ભાગે ઇતિહાસમાં સ્વીકારાયું છે કે ગાંધીજીને “મહત્મા”નું બિરુદ રવીન્દ્રનાથ ઠાકુરે ફેબ્રુઆરી ૧૯૧૫માં આપ્યું છે. “મહાત્મા ઔર કવિ” નામક ગ્રંથની પ્રસ્તાવનામાં લેખક સવ્યસાચી ભટ્ટાચાર્યએ આ બાબત નોધતા લખ્યું છે,

“અમારું માનવું છે કે લગભગ ફેબ્રુઆરી ૧૯૧૫માં ટાગોરે ગાંધીજી માટે “મહાત્મા”નું સંબોધન કર્યું અને ગાંધીજીએ પણ તત્કાલ ટાગોરને “ગુરુદેવ”નું સંબોધન કરવાનો આરંભ કર્યો હતો”

પણ  એ પહેલા આ માનપત્ર ગાંધીજીને ૨૧ જાન્યુઆરી ૧૯૧૫માં આપવામાં આવ્યું છે. તેના આરંભમાં ગાંધીજી માટે કરેલ સંબોધન આપ જોઈ શકો છો, “શ્રીમાન  “મહાત્મા” મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો”. માનપત્રનું આ સંબોધન એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમવાર  “મહાત્મા”નું બિરુદ ગુજરાતની પ્રજા દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું છે. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ “મહાત્મા” શબ્દનો પ્રયોગ થયાનું કહેવાય છે. એ ન સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  “મહાત્મા”નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે આ માનપત્ર દ્વારા સ્વીકારી શકાય. 

પ્રશ્ન : ૫. એ દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત માટે આ અવશ્ય ગૌરવની બાબત છે. જો કે આ તો ઐતિહાસિક માનપત્રની વાત થઇ, પણ સાહિત્યિક દ્રષ્ટિએ ઉત્તમ માનપત્ર આપના અભ્યાસમાં આપને કયું લાગ્યું ?

જવાબ : ૫. ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે દરેક વર્ગ અને ધર્મના લોકોએ સન્માનિત કર્યા છે. દરેકની શૈલી અને સન્માન કરવાની ભાષા વિશિષ્ટ રહી છે. ઇ. ૧૮૯૬ થી ૧૯૩૯ એમ કુલ ૪૩ વર્ષના ગાળા દરમિયાન આ માનપત્રો અપાયેલા છે. મને સાહિત્યક દ્રષ્ટિ ઉત્તમ માનપત્ર દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં આપવામાં આવેલ માનપત્ર લાગે છે. મસ્નવી શૈલીમાં લખાયેલ આ માનપત્ર હિન્દીમાં છે.  હસ્તલિખિત છે. (માનપત્ર બતાવવું ચિત્ર-૧૨) તેની ૩૧ કડીઓમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં આગમન, તેમના કાર્યો અને તેમને તુરત પાછા ફરવાની પ્રશંશા સાથે વિનતી કરવામાં આવી છે. આ એ યુગની વાત છે જયારે હજુ તેમને “મહાત્મા”નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને “ભાઈ” ના સંબોધનથી બોલાવતા હતા. પણ તેમની કાનૂની અને સેવાકીય કાર્યોની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે  હિંદીઓ તરફથી ગાંધીજીના માનમાં ઠેરઠેર  વિદાય સમારંભો યોજાયા હતા. એવો જ એક સમારંભ ૨ જૂન ૧૮૯૬ના રોજ યોજાયો હતો. તેમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રસ તરફથી ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું હતું. સાહિત્યના અદભૂત નમૂના સમા આ માનપત્રની કેટલીક પંક્તિઓનું આચમન કરવા જેવું છે.

કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાં કા ગફ્ફૂર રહીમ

સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ        

નસારુ કા યે મુલ્ક નાતાલ હેં
અવલ કાયદા યાંકા બે તાલ હેં         

વો  હિદી કી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે  

ફતેહ સારે કામો મેં તુમ કો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે           

દુશ્મન સે બિલકુલ વો દીલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે           

આને સે ઉસ કે  હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

આયા તાર ભાઇ કા જાના ધર
પડી હિંદીઓ કે તો દિલ મેં ફિકર   

સુની હિંદીયો ને યે બુરી ખબર

કે જાતા હે નાતાલ સે ગાંધી ઘર

      
અગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિંદી ઓ કા ઠીકાના કહાં ?       

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુસી સાથ જલદી યહાં પર ફીરો          

ખતમ યહાં સે કરતા હુ મેં મસનવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલ સભી     

ખુદા તનદુરસ્તી  હયાતી બડા

દુવા માંગતા હે “દાઉદ” ખડા.

પ્રશ્ન : ૬. આ સિવાય અન્ય કોઈ વિશિષ્ટ માનપત્રોની વાત કરવા આપ ઈચ્છશો ?.

જવાબ : ૬. આમ તો બધા માનપત્રો ખુબ વિશિષ્ટ છે. પણ મને જે બે માનપત્રો વિશિષ્ટ લાગ્યા છે, તે અંગે થોડી વાત કરીશ.  એક માનપત્ર ગાંધીજીને ધરતી પર નથી આપવામાં આવ્યું. પણ તે આગબોટમાં આપવામાં આવ્યું છે અને તે પણ ઈજીપ્ત વાસીઓ તરફથી આપવામાં આવ્યું છે. (માનપત્રનો ફોટો બતાવવોચિત્ર-૧૩) તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા મુંબઈ થી ઈંગલેન્ડ એસ. એસ. રાજપુતાના નામક આગબોટમાં જઈ રહ્યા હતા. આગબોટ ૭ સપ્ટેમ્બર ૧૯૩૧ ના રોજ મિસર (ઈજીપ્ત)ના પોર્ટ સૈયદ પહોંચી. એ દિવસે ઈજીપ્તમાં વસતા ભારતીયો ગાંધીજીને મળવા આગબોટ પર આવ્યા હતા. અને તેમને ગાંધીજીને અંગ્રેજીમાં પ્રિન્ટ કરેલ માનપત્ર આપ્યું હતું. માનપત્રમાં ગાંધીજીને વળતી વખત તેમના મહેમાન બનવા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે,

“આપે અહિંસાની જે પધ્ધતિ ભારતની આઝાદી માટે પ્રબોધિ છે અને અમલમાં મૂકી છે, તે સમગ્ર વિશ્વ માટે જરૂરી લાગે છે. તેમાં આપની સફળતા સમગ્ર વિશ્વના માનવમુલ્યોના જતન માટે આરંભ બની રહેશે.”

આ માનપત્ર ગાંધીજીના અહિંસાના સિધાંતને મળેલ વિશ્વ સ્વીકૃતિ દર્શાવે છે.   

પ્રશ્ન : ૭ મહેબૂબભાઈ, ગાંધીજી પોતે માનપત્ર અંગે કોઈ વિશિષ્ટ વિચાર ધરવતા હતા ખરા ? જેમ કે આદર્શ માનપત્ર કેવું હોય ? માનપત્રની ભાષા કેવી હોય ? વગેરે

જવાબ : ૭ ગાંધીજીએ મોટે ભાગે દરેક વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એ જ રીતે આદર્શ માનપત્ર કેવું હોવું જોઈએ તે અંગે પણ તેમને અવારનવાર પોતના વિચારો રજુ કર્યા છે. મેં પુસ્તકના પ્રારંભમાં ગાંધીજીના માનપત્ર અંગેના વિચારો મુક્યા છે. (એ પૃષ્ઠ બતાવવું ચિત્ર-૧૪)

પ્રશ્ન : ૮.  મહેબૂબભાઈ, આપે આપના ગ્રંથમાં ૬૯ માનપત્રો રજુ કર્યા છે. તો શું ગાંધીજીને આટલા જ માનપત્રો મળ્યા હતા ? અને તમે આ જ માનપત્રો શા માટે પસંદ કર્યા ?

જવાબ : ૮. જુઓ, ગાંધીજી ભારતમાં ૧૯૧૫માં આવ્યા એ પહેલા જ વિશ્વ વિખ્યાત બની ચુક્યા હતા. ગાંધીજીનું સૌ પ્રથમ જીવન ચરિત્ર લખનાર દક્ષિણ આફ્રિકાના એક પાદરી રેવરન્ડ જોસેફ જે. ડોક હતા. જેની  પ્રસ્તાવના એક સમયના મદ્રાસના ગવર્નર લોર્ડ એમ્ફીલે લખી હતી. ૧૯૦૯મા પ્રકાશિત થયેલ એ પુસ્તકનું નામ “M.K. Gandhi: An Indian Patriot in South Africa” હતું. (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૧૫)લંડનમાં એ જીવનચરિત્ર કાફી પ્રચલિત પણ બન્યું હતું. એટલે તેમને તેમના જીવન કાળ દરમિયાન દેશ વિદેશમાંથી અનેક માનપત્રો અને સન્માનો મળ્યા છે. પણ એ બધામાંથી કેટલાક જ સચવાયા છે. તેમાંના  કેટલાક અત્યંત જર્જરિત અવસ્થમાં મળી આવે છે. વળી, ગાંધીજી જે માનપત્રો તેમને મળતા તેની સ્થળ ઉપર જ હરાજી કરી તેના નાણા રાષ્ટ્રીય કાર્યોમાં આપી દેતા. એટલે એવા અનેક માનપત્રો આજે ઉપલબ્ધ નથી. મારા સંધોધન કાર્ય દરમિયાન મને મળેલા માનપત્રોમાં જે ઉત્તમ સ્થિતિમાં હતા, તે અત્રે રજુ કરવાનો મેં પ્રયાસ નમ્ર પ્રયાસ કર્યો છે.

પ્રશ્ન : ૯. દરેક પુસ્તક કે ગ્રંથની એક અદભૂદ સર્જન કથા હોય છે. મને લાગે છે આવા માતબર સંશોધક ગ્રંથની પણ રસપ્રદ સર્જન કથા હશે. દર્શકોને તેના થી થોડાક વાકેફ કરશો.

જવાબ : ૯. આપની વાત બિલકુલ સાચી છે. દરેક પુસ્તકના જન્મ પહેલાની કથા રસપ્રદ હોય છે. જો કે વાર્તા કવિતા જેવા ગ્રંથના વાચકોની સંખ્યા હોય છે. પણ સંસોધન ગ્રંથના વાચકો પણ માર્યાદિત હોયને તેનું પ્રકાશન પણ મુશ્કેલ બને છે. આજથી લગભગ દસેક વર્ષ પહેલા મેં ગાંધીજીના માનપત્રો એકત્રિત કરવાનું અને તેના વિશે આલેખન કરવાનું શરુ કર્યું હતું. એ સમયે હું ભાવનગર યુનિવર્સીટી હતો. વિભાગના અધ્યક્ષ અને શિક્ષણની જવાબદારી સાથે હું આ કાર્ય કરતો ગયો. પણ એ પુરતું ન હતું. એટલે મારી પાસે જે રજાઓ બેલેન્સ હતી તે અને વેકેશનની રજાઓમાં હું જુદા જુદા દફતર ભંડારો અને મ્યુઝીયમોમાં નીકળી પડતો. કોલકતા, દિલ્હી, મુંબઈ, જલગાવની અનેક ગાંધી સંસ્થાનોની મુલાકાત લીધી છે. લગભગ બે વર્ષની  જહેમત પછી લગભગ ૧૦૦ જેટલા માનપત્રો એકત્ર થયા. એ પછી તેના ફોટાઓને એન્લાર્જ કરવા, તેને  ઉકેલવા અને તેને નોંધવાનું કાર્ય શરુ કર્યું. ખર્ચ વધતો જતો હતો. એટલે આખો સંશોધન પ્રોજેક્ટ યુજીસીને મોકલવાનું નક્કી કર્યું. એ સમયે મારા આ પ્રોજેક્ટમાં એ સમયના મુખ્ય મંત્રી મા. નરેન્દ્રભાઈ મોદીને (ફોટો બતાવવો૧૬) પણ રસ પડ્યો અને તેમણે માહિતી વિભાગને તે અંગે ખાસ ભલામણ પણ કરી. પણ એ અંગે કઈ થાય તે પહેલા વહીવટી તંત્રમા આવેલ પરિવર્તને વાત વિસરે પાડી દીધી.

એ દરમિયાન જ ભાવનગરથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયો. ત્યાંથી આખો પ્રોજેક્ટ તૈયાર કરી યુજીસીને મોકલ્યો. પણ તેને ગ્રાંટ ન મળી. પછી ગુજરાત વિદ્યાપીઠમાં તે મુક્યો. ગુજરાત વિદ્યાપીઠે આર્થિક સહાય કરી. અને મારું સંશોધન પુનઃ ઝડપી બન્યું. આમ પ્રોજેક્ટ તૈયાર થતો ગયો. તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય “કુમાર” નામના સામાયિકે કર્યું. જેમાં મારો આખો પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષ હપ્તાવાર પ્રસિદ્ધ થતો રહ્યો.

એ પછી પ્રોજેક્ટનું પ્રકાશન કરવાનું આવ્યું. એ કાર્ય ગુર્જરે બખૂબી કર્યું. પુસ્તકના પ્રકાશનમાં ગાંધીવાદી મા. ગફુરભાઈ બિલખીયાએ સહાય કરી. અને પુસ્તકનું વિમોચન આપણા શિક્ષણ મંત્રી મા. ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ (ફોટો બતાવવો ચિત્ર ૧૭)  સહર્ષ કર્યું. ત્યારે એક ભગીરથ કાર્ય પાર પડ્યાનો આનંદ થયો હતો.

પ્રશ્ન : ૧૦ શ્રોતા મિત્રો, આજે ૨ ઓકટોબર વિશ્વ અહિંસા દિન નિમિત્તે આપણે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ માનપત્રો અને તેના સંશોધક ડૉ. મહેબૂબ દેસાઈ સાથે વાત કરી. આપ અહિયાં આવ્યા અને અમને પુસ્તક અને તેની અનેક અજાણી બાબતોથી વાકેફ કર્યા, એ બદલ આપનો આભાર.

Leave a comment

Filed under Uncategorized

ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                        બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .

Leave a comment

Filed under Uncategorized

સીરતુલ નબી : ૧૭ થી ૨૮

ઇસ્લામના પ્રચારમાં શિષ્ટાચાર

સીરતુલ નબી

૧૭     

ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના પ્રચાર અન્વયે અનેક વિચારો પ્રવર્તે છે. ઈતિહાસમાં તલવાર અને સત્તાના જોરે ઇસ્લામના પ્રચારની વાતો વારંવાર દોહરાવામાં આવે છે. પણ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફ અને હઝરત મહંમદ સાહેબની હદીસોમાં ઇસ્લામના પ્રચારમાં શિષ્ટાચાર અર્થાત તહેજીબનો સતત આગ્રહ સેવવામાં આવ્યો છે. કુરાને શરીફમાં તે અંગેની અનેક આયતો આપવામાં આવી છે. જેમાં ઇસ્લામનો પ્રચાર કેમ કરવો તેના સ્પષ્ટ આદેશો આપવામાં આવેલ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“લા ઇકરાહ ફિદ્દીન” અર્થાત “ધર્મની બાબતમાં કોઈ પ્રકારની બળજબરી ના હોવી જોઈએ.”

કુરાને શરીફમાં પહેલેથી છેલ્લે સુધી અનેક સ્થાનો પર ધર્મનો પ્રચાર કેમ કરવો તે સમજાવતી આયાતો આપવામાં આવી છે. તેમાં શરુઆતની કેટલીક આયાતોમાં કહ્યું છે,

“લોકોને તેમના રબ ( ખુદા )ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશીયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે, તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર.”

“અને તેઓ જે કઈ કહે તે ધીરજથી સાંભળ અને સહન કર અને જયારે તેમનાથી જુદો પડ ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી જુદો પડ.”

“જે લોકોએ તારો ધર્મ સ્વીકાર્યો છે તેમને કહી દે કે જેઓ તારી વાત માનતા નથી અને જેમને તેમના કૃત્યોના ફળ ઈશ્વર તરફથી મળશે એવો ડર નથી. તેમના પર ગુસ્સે ન કર. જે કોઈ ભલાઈ કરશે તે પોતાના  આત્મા માટે જ કરશે.  અને જે બૂરાઇ કરશે તે પણ પોતાના આત્મા માટે જ કરશે. પછી સૌએ એ જ રબ (ખુદા) પાસે પાછા જવાનું છે.”

“તારું અથવા કોઈ પણ  રસૂલ (પયગંબર) નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા ઉપરાંત વધારે કઈ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.”

“ જે લોકો પાસે બીજા ધર્મ પુસ્તકો છે તેમની સાથે ચર્ચા ન કરો અને કરો તો બહુ મધુર શબ્દોમાં કરો. પછી કોઈ હઠ કરે અને ન માને તો ભલે ન માને. તેમને કહો કે ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે. અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”

“આ જ વિચારો તરફ લોકોનું ધ્યાન ખેંચતો રહે, અને તને હુકમ કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે તારું પોતાનું જીવન ગુજાર. બીજાઓના વહેમોમાં ન ફસાઈશ. અને કહી દે કે હું અલ્લાહના બધા પુસ્તકોને માનું છું. મને ન્યાયથી વર્તવાનો હુકમ છે. અલ્લાહ મારો અને તમારો સૌનો રબ છે. તમે જે કરશો તેનું ફળ તમને મળશે અને હું જે કરીશ તેનું ફળ મને મળશે. આપણી વચ્ચે કશો ઝગડો નથી. અલ્લાહ આપણા સૌને ભેગા કરશે. આપણે બધાએ તેની જ પાસે પાછા જવાનું છે.”

મહંમદ સાહેબની પોતાનો ધર્મ ફેલાવાની રીત આખી જિંદગી સુધી કુરાનમાની આ આયાતો મુજબ જ હતી. તેમના જીવનમાં એક પણ દાખલો એવો નથી મળતો જેમાં તેમને કોઈને પણ તલવારને જોરે કે કોઈ પણ જાતનું દબાણ કરીને પોતાના ધર્મમાં સામેલ કર્યા હોય. કોઈ કબીલા કે ટોળાને પોતાના ધર્મમાં લાવવા માટે તેના પર ચડાઈ કરી હોય, અથવા એ કામને માટે એક પણ લડાઈ લડ્યા હોય. ધર્મની બાબતમાં બીજો પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા હતા તેટલી સ્વતંત્રતા બીજાને પણ આપતા હતા. મદીના પહોંચ્યા પછી મહંમદ સાહેબે પોતાનો ધર્મ ફેલાવવા મદીના બહાર દૂર દૂરના કબોલાઓમા સમજુ માણસોને મોકલવા શરુ કર્યા હતા. અને તે અનુયાયીઓને તેઓ ખાસ કહેતા,

લોકોને તેમના રબ (ઇશ્વર) ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળસહન કર અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ.”

“લોકો સાથે નમ્રતાથી વર્તવું, કોઈ સાથે સખતાઈ ન કરવી. તેમના દિલ રાજી રાખવા તેમનું અપમાન ન કરવું. તેઓ તમને પૂછે કે, સ્વર્ગની કૂંચી શી છે ? તો જવાબ દે જો કે “ઈશ્વર એક છે” એ સત્યમાં અને ભલાઈમાં વિશ્વાસ આણવો અને ભલા કામ કરવા એ જ સ્વર્ગની કૂંચી છે.

અને એટલે જ મહંમદ સાહેબ તેમના અનુયાયીઓને વારંવાર કહેતા છે,

———————————————————————

મુસીબતના તેર વર્ષ

સીરતુલ નબી

૧૮      

ડૉ. મહેબૂબ દેસાઈ

ત્રણ વર્ષની સખત મહેનત પછી માંડ ચાલીસ માણસોએ મહંમદ સાહેબનો ધર્મ અંગીકાર કર્યો. તેમાં તેમના પત્ની હઝરત ખતીજા, અબૂ તાલિબનો નાની ઉમરનો પુત્ર અલી, ઝેદ, અબૂ બકર અને ઉસ્માન એ પાંચ પહેલા હતા. અબૂ બકર એક ધનવાન સોદાગર હતા. બાકીના તમામ ગરીબ અને નાણા માણસો હતા. અને ઘન તો ગુલામો હતા. જેમને તે સમયે અરબસ્તાનમાં જાનવરો જેમ વેચવામાં આવતા હતા.  

મહંમદ સાહેબ જ્યાં જ્યાં પ્રચાર માટે જતા ત્યાં ત્યાં તેમની મજાક ઉડાડવામાં આવતી. કટાક્ષ કરવામાં આવતો. અને ગાળો આપવામાં આવતી. તેઓ ઉપદેશ કરવા ઉભા થતા ત્યારે તેમના પર મળ અને મરેલા જાનવરના આંતરડાફેકવામાં આવતા. લોકોને કહેવામાં આવતું,

“અબ્દુલાનો પુત્ર પાગલ થઇ ગયો છે. તેનું કોઈ સાંભળશો નહિ”

વળી, શોર મચાવીને તેમની વાત કોઈ સાંભળે નહિ, તેવા પ્રયાસો થતા. કેટલીકવાર તો તેમના પર પથ્થરમારો કરીને  તેમેણ લોહી લુહાણ કરી નાખવામાં આવતા. એકવાર તો કાબા શરીફની અંદર મહંમદ સાહેબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એ સમયે અબૂ બકરે તેમને બચાવી લીધા. અન્યથા તે દિવસે મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હોત. પણ ખુદાએ જેમને પોતાના પયગંબર બનાવીને મોકલાયા હોય તેમને ખુદા એનકેન પ્રકારે અવશ્ય બચાવી છે. આવ તમામ પ્રયાસો છતાં મહંમદ સાહેબે તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ત્યારે લોકોએ તેમના અનુયાયીઓ પર અત્યાચાર કરવા માંડ્યો.  આરંભના દિવસોમાં ઇસ્લામ માટે શહીદો થયેલા અસંખ્ય હતા. અદીના પુત્ર ખુબેબ પર બહુ નિર્દયતા પૂર્વક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેણે કહેવામ આવ્યું હતું, “ઇસ્લામ છોડી દે એટલે અમે તને છોડી દઈશું” તેણે જવાબ આપ્યો “આખી દૂનિયા છોડી દઈશ પણ ઇસ્લામ નહિ છોડું” એટલે એક એક કરીને તેના હાથ પગ કાપી નાખ્યા.

ઈ.સ.૬૧૫માં મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા પાંચ વર્ષ થઇ ગયા. પાંચ વર્ષમાં માત્ર સો સવાસો  માણસો ઇસ્લામમાં દાખલ થયા. એમ પણ ગરીબ લોકો વધારે હતા. કુરેશીઓની દુશ્મનાવટ વધતી જતી હતી. અને મહંમદ સાહેબ અને તેમના સાથીઓના જીવ હરઘડી જોખમમાં રહેતા હતા. પણ મહંમદ સાહેબ ઉપદેશ અને ધર્મપ્રચારના કાર્યને મક્કમતાથી વળગી રહ્યા.

 કુરેશીઓએ અંતે મહંમદ સાહેબના કાકા અબૂ તાલિબને ધમકી આપી, “આપના ભત્રીજાને પ્રચાર કરતા નહિ રોકો તો તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી તેનો અને તેના સાથીઓનો જીવ સલામત નથી” મહંમદ સાહેબને તેમના કાકા એ સમજાવ્યા ત્યારે મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,

“જેના હાથમાં મારો જન છે તે અલ્લાહના કસમ લઉં છું કે લોકો મારા જમણા હાથમાં સૂરજ અને ડાબા હાથમાં ચન્દ્ર મુકે તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી હું મારા સંકલ્પમાંથી ચલિત થઈશ નહિ.”

મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા સાત વર્ષ વીતી ગયા. હજુ સુધી મક્કાની શેરીઓમાં તેમનો જીવ જોખમમાં હતો. પણ તેમની સત્ય નિષ્ઠા અને નિર્ભયતા હવે લોકોની નજરમાં આવવા લાગ્યા હતા. ૫૦ વર્ષની ઉમરે હવે લોકો તેમનો ઉપદેશ શાંતિથી સંભાળતા હતા. પણ તેમના મોટા હિમાયતી તેમના કાકા અબો તાલીબનું ૮૦ વર્ષે અવસાન થયું. અબૂ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમના બીજા મોટા મદદગાર, તેમના પત્ની હઝરત ખદીજાનું પણ અવસાન થયું. પણ આ તમામ આઘાતો મહંમદ સાહેબને ડગાવી શક્યા નહિ. મક્કા અને તાયફમાં તેમણે ઇસ્લામનો પ્રચાર ચાલુ રાખ્યો. યસરબ (મદીના)ના લોકોના આગ્રહથી મહંમદ સાહેબે પોતાનો એક સાથી મુસઅબને ધર્મ પ્રચાર અર્થે યસરબ મોકલ્યો. મક્કામાં વધતા જતા વિરોધને કારણે મહંમદ સાહેબે પોતાના સાથીઓ સાથે મદીના હિજરત કરી અને ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો.

ઇ.સ. ૬૧૦ થી ૬૨૨સુધીના તેર વર્ષમાં મહંમદ સાહેબે જે દ્રઢતા, વિશ્વાસ,ધીરજ અને હિમતથી અનેક મુસીબતો વેઠતા વેઠતા ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા એ ઘટના જ વિશ્વ ઇતિહાસમાં અદભૂદ ઘટના છે. આ તેર વર્ષમાં માત્ર ૩૦૦ માણસોએ ઇસ્લામનો અંગીકાર કર્યો. અને છતાં મહંમદ સાહેબને તેમન અલ્લાહ અને તેના મઝહબમાં અતૂટ વિશ્વાસ અકબંધ રહ્યો હતો એ ઘટના જ માનવ સમાજમાં પ્રેરક છે.  

—————————————————————————

મહંમદ સાહેબ (સ.અ.વ) ઉત્તમ સેનાપતિ

સીરતુલ નબી

૧૯     

ડૉ. મહેબૂબ દેસાઈ

મહંમદ સાહેબ ઉત્તમ સેનાપતિ અને યુદ્ધ વ્યૂહરચનાના જ્ઞાતા હતા. પણ તેમના યુધ્ધોનો મુખ્ય સિધ્ધાંત રક્ષણાત્મક કે રચનાત્મક હતો. આક્રમક કે  હિંસાત્મક ન હતો. મહંમદ સાહેબે તેમના જીવનકાળ દરમિયાન કુલ ૨૪ યુદ્ધોમાં ભાગ લેવો પડ્યો હતો.  તમામ યુધ્ધો 

સત્તા કે વિસ્તારની અભિલાષા માટે નહોતા લડાયા. પરંતુ પ્રજાના રક્ષણ માટે  મહંમદ સાહેબે તેમાં 

લશ્કરને દોર્યું હતું. મહંમદ સાહેબે લડવા પડેલા ૨૪ યુધ્ધો આક્રમક નહિપણ સંપૂર્ણ પણે રક્ષણાત્મક

હતાતે તેમાં થયેલા માનવ સંહારના આંકડાઓ પરથી જાણી શકાય છે. ૨૪ યુદ્ધોમાં મહંમદ 

સાહેબના લશ્કરના માત્ર ૧૨૫ સૈનિકો શહીદ થયા હતા. જયારે સામા પક્ષે ૯૨૩ સૈનિકો  

મરાયા હતા. જો કે મૃતકોની  સખ્યામાં યુદ્ધના મેદાનમાં મરાયેલા સૈનિકો તો જુજ  હતા. પણ કુદરતી આફતો અને રોગચાળામાં મરાયાની સંખ્યા વિશેષ હતી. યુદ્ધમાં પકડાયેલા કેદીઓ સાથેનો તેમનો વ્યવહાર પણ માનવીય અને રચનાત્મક હતો.

જંગેબદ્ર (બદ્રના યુદ્ધ)માં પકડાયેલા કેદીઓને શી સજા કરાવી એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે આ અંગે મહંમદ સાહેબને પૂછ્યું,

“યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું ?”

આપે ફરમાવ્યું,

“દરેક ભણેલો કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે. દંડ છે.”

યુદ્ધનો પરિચય તો મહમંદ સાહેબને આઠ દસ વર્ષની વયે જ થઇ ગયો હતો. અરબસ્તાનના ઇતિહાસમાં  “હરબે ફિજાર” અર્થાત અપવિત્ર યુધ્ધના મહંમદ સાહેબ સાક્ષી હતી. આ લાંબા યુધ્ધમાં હઝરત મહંમદ સાહેબે પોતાના કાકાને તીરો આપવાનું કાર્ય કર્યું હતું. ૫૫ વર્ષની વયે મહંમદ સાહેબને યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો.

મક્કાથી ૨૮૬ માઈલ દૂર મદીનામાં મહંમદ સાહેબે સ્થાપેલ સામ્રાજયની હિફાઝત. માટે કુરેશીઓ સામે યુદ્ધ કરવું પડ્યું હતું. એક દિવસ ૭૦૦ ઊંટો, ૧૦૦૦ ઘોડા, અને એક હજાર ચુનંદા સૈનિકો સાથે કુરેશઓ મદીના પર ચડી આવ્યા. ત્યારે નાછૂટકે મહંમદ સાહેબએ ખુદા પાસે તેમનો સામનો કરવની પરવાનગી માંગી. અને તેમની એ દુઆના સંદર્ભમાં એક આયાત ઉતરી. તેમાં કહેવામાં આવ્યું હતું,

“શું તમે એવા લોકો સામે નહિ લડો, જેમણે પોતે જ લાડીનો આરંભ કર્યો છે ?”

ખુદાનો આવો આદેશ મળતા મહંમદ સાહેબ માત્ર ૩૧૩ સૈનિકો સાથે રક્ષણાત્મક યુદ્ધ માટે નીકળી પડ્યા હતા.”બદ્ર” નામની હરિયાળી ખીણમાં ઈ.સ. ૬૨૪માં આ યુદ્ધ લડાયું. એટલે તેને ઇસ્લામિક ઇતિહાસમાં “જંગેબદ્ર” અર્થાત બદ્રની લડાઈ કહે છે. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ આ યુધ્ધમાં પણ અંત્યત નીકટના કુટુંબીજનો સામસામે હતા. યુદ્ધ પહેલા મહંમદ સાહેબે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા. પણ કુરેશ લશ્કરને તેની તાકાત અને શસ્ત્ર સરંજામનો ભરપૂર અહંકાર હતો.

યુદ્ધ પૂર્વે કુરૈશનું એક હજારનું લશ્કર મૈદનમાં મોકાની જગ્યાએ મોરચો માંડી ગોઠવાઈ ગયું હતું. જ્યાં તેમનો પડાવ હતો, ત્યાં જમીન સમથળ હતી. જમીન પર ધૂળ અને માટી હતી. જેથી સૈનિકો આસાનીથી ફરી શકતા. મહંમદ સાહેબના લશ્કરનો પડાવ રેતાળ જમીન પર હતો. જેથી સૈનિકોને હરવા ફરવામાં તકલીફ પડતી હતી. આસપાસ કોઈ કુવો કે પાણીનો ઝરો પણ ન હતા. જેથી પાણીની સમસ્યા પણ સતાવતી હતી. મહંમદ સાહેબ યુધ્ધના ઉત્તમ આયોજક હતા. તેમણે છેલ્લી ઘડીએ લશ્કરનો પડાવ બદલી નાખ્યો. કુરૈશના લશ્કરથી ઊંચાણવાળા સ્થળે લશ્કરને ફેરવી નાખ્યું. ત્યાં પાણીની પુરતી સગવડ હતી. ઊંચાણવાળો ભાગ હોઈને કુરીશના લશ્કરની બધી હિલચાલ જોઈ શકાતી. યુધ્ધના આરંભ પૂર્વે મહંમદ સાહેબે સાંકેતિક શબ્દ “શિઆર” (આચરણ) પોતાના લશ્કરને અંતિમ સમયે આપ્યો. આ શબ્દ દુશ્મન પર અચાનક હુમલો કરવા કે પોતાના સૈનિકોને ઓળખવા માટે વપરાયો હતો. મહંમદ સાહેબની આવી યુદ્ધ કુનેહ અને ખુદની રહેમતથી માત્ર ૩૧૩ સૈનિકો કુરૈશના ૧૦૦૦ના લશ્કર પર ભારે પડ્યા. ખુદાએ યુધ્ધના સમયે જ ભારે વરસાદ મોકલી આપ્યો. એટલે નિચાળવાળા ભાગમાં જ્યાં કુરૈશ લશ્કરનો પડાવ હતો, ત્યાં પાણી ભરાવાથી ભયંકર અવ્યવસ્થા સર્જાય. અને મહંમદ સાહેબ હિંસાના જરા પણ અતિરેક વગર યુદ્ધ જીતી ગયા.

——————————————————–

આદર્શ પિતા : મહંમદ સાહેબ (સ.અ.વ.) 

સીરતુલ નબી

૨૦       

ડૉ. મહેબૂબ દેસાઈ

એક પિતા તરીકેની મહંમદ સાહેબની ભૂમિકા કપરી રહી છે. પિતા તરીકે પોતાનો સમગ્ર પ્રેમ હઝરત ફાતીમા પર વરસાવનાર મહંમદ સાહેબને જાણવા માણવાએ લહાવો છે. પુત્રીના પ્રેમ સામે ઇસ્લામના નિયમો સાથે મહંમદ સાહેબે ક્યારેય બાંધછોડ નથી કરી. અને છતાં આપ  આદર્શ પિતા બની રહ્યા હતા. હઝરત ફાતીમાની શાદી મહંમદ સાહેબે ઈચ્છ્યું હોત તો અરબસ્તાનના ધનાઢય કુટુંબમાં કરી શક્યા હોત. પણ મહંમદ સાહેબે ધન કરતાં સંસ્કારો અને ઇસ્લામના આદર્શોને પ્રાધાન્ય આપ્યું હતું. અને તે પણ હઝરત ફાતીમાની સંમતિ સાથે. એક દિવસ હઝરત અલીએ જ્યારે ફાતિમાના હાથની માંગણી કરી ત્યારે સૌપ્રથમ એક આદર્શ પિતા તરીકે પુત્રી ફાતિમાની મરજી જાણવાનું મુનાસીબ સમજ્યું. અને પુત્ર ફાતિમાને આપે પૂછ્યું, “બેટા ફાતિમા, આ રિશ્તા અંગે તારું શું મંતવ્ય છે ?”

પુત્ર ફાતિમા પ્રશ્ન સાંભળી મૌન રહ્યા. પણ તેમના ચહેરા પર સંમતિનું સ્મિત હતું. મહંમદ સાહેબએ તે જોઈ ફરમાવ્યું,

“બેટા ફાતિમા, તારી ખામોશીમાં મને તારી મરજી દેખાય છે”

અને આમ ચારસો મિસકાલ મિહર (લગભગ એકસો આઠ રૂપિયા)ની રકમથી હઝરત અલી અને ફાતિમાના નિકાહ થયા. નિકાહનો ખુત્બો (પ્રાર્થના) ખુદ મહંમદ સાહેબે જાતે જ પઢયો. જેના અંગે મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“મને અલ્લાહતાલા નો હુકમ છે કે હું ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે કરાવી દઉં. હું તમને સૌને ગવાહ બનાવીને કહું છું કે મેં ફાતિમાના નિકાહ ચારસો મિસકાલના બદલામાં અલી સાથે કરાવ્યા છે.”

નિકાહ પછી એક પિતા પોતાની પુત્રીને જેમ દુઃખી હદય વળાવે તેમજ મહંમદ સાહેબ ભારે હદયે પુત્રીને પોતાના ઘરના બારણા સુધી વળાવવા ગયા હતા. અને વિદાય આપતા પૂર્વે પુત્રી ફાતિમાના કપાળ પર ચુંબન કરી ફરમાવ્યું હતું,

“હવે તમે બંને તમારા ઘરે જાવ.”

વિદાય વેળાએ પ્યારા પયગમ્બર મહંમદ સાહેબએ ધાર્યું હોત તો પોતાની વહાલી પુત્રી હઝરત ફાતીમાને દહેજ દુનિયાની તમામ સોગાદો આપી હોત. પણ મહંમદ સાહેબ સાદગી અને સહજતાની  મિશાલ હતા. તેમણે પોતાની પુત્રી ફાતિમાને વિદાય વેળાએ કુલ અગિયાર વસ્તુઓ આપી હતી. જેમાં એક ખજૂરના વાણનો ખાટલો, એક ચામડાનું ગાદલું જેમાં ખજૂરના પાંદડા ભરેલા હતા, બે  પાણીની ગાગર, બે માટીના વાડકા, એક પાણી ભરવાની મસ્ક, એક ખજૂરીનો મસ્સ્લો  (નમાઝ પઢવાની શેતરંજી), એક તસ્બીહ (માળા) અને એક લોટ દળવાની પથ્થરની ઘંટી.

વિદાયના બીજે દિવસે મહંમદ સાહેબ પોતાની પુત્રી ફાતિમાને મળવા તેમના ઘરે ગયા. દરવાજા બહાર એક પિતાએ પોતાની પુત્રીના ઘરમાં પ્રવેશવા રજા માંગી. પિતાનો અવાજ સાંભળી પુત્રી ફાતિમા દરવાજે દોડી આવ્યા. મહંમદ સાહેબ પુત્રી ભેટી પડ્યા. પછી એક વાસણમાં પાણી મંગાવ્યું  અને પોતાના બન્ને હાથો પાણીથી ભીના કર્યા. પછી પ્રથમ જમાઈ હજરત અલી પર પાણીનો છંટકાવ કર્યો. પછી પુત્ર ફાતિમાના માથા પર ભીનો હાથ ફેરવ્યો અને ફરમાવ્યું,

“ફાતિમા મેં પોતાના ખાનદાનના. સૌથી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તારા નિકાહ કર્યા છે.”

અને બીજો હાથ હઝરત અલીના ખભા પર મુકતા ફરમાવ્યું,

“અલી તારી પત્ની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓની માની છે. તે મારા કલેજાને  ટુકડો છે.”

અને મહંમદ સાહેબની ગળાની ભીનાશ આંખોમાં ઉતરી આવી અને ચૂપચાપ તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા

નિકાહ પછી ઘર સંસારના વહનમાં પુત્રી ફાતિમાએ પિતાની હિદયાતોને કેન્દ્રમાં રાખી હતી. 

એકવાર હઝરત અલી સફરમાંથી ઘરે આવ્યા અને કહ્યું,

“મને ભૂખ લાગી છે જે કઈ જમવાનું હોય તે મને આપો.”

“ત્રણ દિવસથી ઘરમાં જવનો દાણો સુદ્ધાં નથી.”

 હઝરત અલી નવાઇ પામ્યા.

 “તે મને કહ્યું કે નહીં ?”

 હઝરત ફાતીમા ફરમાવ્યું,

 “મારા પિતાની નસીહત (શિખામણ) છે કે પતિ ને કદી સમસ્યાઓથી પજવીશ નહીં”

અને એટલે જ બીબી ફાતેમા ઘરનું તમામ કામ જાતે કરતા. પાણી ભરવું, વાસણો સાફ કરવા અને લોટ દળવો. કયારેક તો લોટની ઘંટી ચલાવતાં ચલાવતાં તેમના હાથમાં છાલા પડી જતા. છતાં સબ્રથી ઘરકામ કરતા રહેતા. એકવાર હઝરત અલીએ પત્નીની દયા ખાઈ મહંમદ સાહેબે ફરમાવ્યું,

“ફાતિમા ઘરનું કામ કરીને ખૂબ થાકી જાય છે. એટલે ગનીમતના માલમાં જે નોકરાણીઓ આવી છે તેમાંથી એક આપો તો ફાતિમાને કામમાં રાહત થાય,”

મહંમદ સાહેબે શાંત સ્વરે ફરમાવ્યું,

“હાલ મસ્જીદે નબવીમાં ચારસો ઇસ્લામના પ્રચારકો આવ્યા છે. તેમની ખિદમત (સેવા)માંથી નોકરોને ફારિગ (મુક્ત) કરી શકાય નહીં”

અને હઝરત અલી ચૂપ થઈ ગયા. પિતા પુત્રીનો આવો સ્પષ્ટ અને સાચુકલો પ્રેમ ઇસ્લામની  જણસ છે. 

———————————————————————————-

મહંમદ સાહેબ (સ.અ.વ.)નું દામ્પત્ય જીવન   

સીરતુલ નબી

૨૧        

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગંબર સાહેબે પોતાની ૬૧ વર્ષની આયુમાં કુલ ૧૦ નિકાહ કર્યા હતા. પરંતુ તેમના પ્રથમ નિકાહ હજરત ખદીજા સિવાયના બાકીના નિકાહોઓ સમયની રાજકીય અને સામાજિક અનિવાર્યતાને કારણે કર્યા હતા. અંગે ઇતિહાસ સ્ટનલી લેનપોલ લખે છે,

બાકીના લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક સૂત્રમાં બાંધવાનો હતો.”

 આમ છતાં દરેક પત્ની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર વર્તન અને પ્રેમ સમાન હતા. એક પણ પત્ની સાથે કડવાસ કે અસમાનતા મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં ક્યાંય જોવા મળતી નથી. મહંમદ સાહેબના પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયા હતા. હજરત ખદીજા મહંમદ સાહેબ કરતા ૧૫ વર્ષ મોટા હતા. છતાં તેમની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર પ્રેમાળ વિશ્વાસ પૂર્ણ હતો. હઝરત ખદીજા પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સૌ પ્રથમવાર મહંમદ સાહેબ પર વિશ્વાસ મૂકી ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચારપ્રસારના આરંભિક દિવસો અત્યંત કપરા હતા. લોકો મહંમદ સાહેબને ધુત્કારતા, મારી નાંખવાની ધમકીઓ આપતા, એવા સમયે હજરત ખદીજાની હિંમત તેમનું બળ હતું.

૨૫ થી ૫૦ વર્ષની ઉંમર સુધી મહંમદ સાહેબએ એક પત્ની હજરત ખદીજા સાથે જિંદગી ગુજારી હતી. તેમનું લગ્નજીવન આદર્શ હતું. ઇતિહાસ સ્ટનલી લેનપોલ અંગે લખે છે

“૨૫ વર્ષ સુધી મહંમદ સાહેબ પોતાનાથી મોટી ઉંમરની પત્ની સાથે વફાદારીપૂર્વક રહ્યા. તેમની પત્નીની ઉંમર ૬૫ વર્ષની હતી ત્યારે પણ તેને નિકાહ વખતે જેટલી ચાહતા હતા તેટલી ચાહતા હતા. ૨૫  વર્ષમાં મહંમદ સાહેબના સદવર્તન સામે ક્યારે કરશો શ્વાસ સુતા સંભળાયો નહોતો.”

 હઝરત ખદીજાના અવસાન પછી મહંમદ સાહેબે જીવનના અંતિમ તેર વર્ષોમાં નવ લગ્ન કર્યા. અને તમામ લગ્નો સામાજિક અને રાજકીય સમસ્યાઓ અને સંગઠનના સંદર્ભે   કર્યા હતા.  હઝરત ખદીજાના અવસાન બાદ મહંમદ સાહેબના બીજા લગ્ન તેમના જિંદગીભરના સાથે હઝરત અબુબકરની પુત્રી હઝરત આયેશા સાથે થયા હતા. તે સમયે હઝરત આયેશાની ઉંમર અઢાર વર્ષની હતી.

મહંમદ સાહેબની સમજદારીની પરાકાષ્ઠા આમાં નજરે પડે છે. પંદર વર્ષ મોટી પત્ની હજરત ખદીજા સાથે સમજદારી અને પ્રેમપૂર્વક પચ્ચીસ વર્ષ સુધી રહેનાર મહંમદ સાહેબ પોતાનાથી ઘણી નાની ઉંમરની પત્ની હઝરત આયશા સાથે પણ તેના માનસિક સ્તરે જઈ, એક આદર્શ પતિ તરીકે કામિયાબ રહ્યા હતા. તેની પાછળનું મૂળભૂત કારણ મહંમદ સાહેબની પત્નીઓ સાથેની નિખાલસતા, અહંમથી પર પ્રેમાળ મોહબ્બત હતી. અરબસ્તાનના બાદશાહનો ખિતાબ ધરાવતા હોવા છતાં મહંમદ સાહેબની સાદગી અને સહજ વ્યવહાર સૌ પત્નીઓને ગમતો હતો.

મહંમદ સાહેબ હંમેશા પ્રેમાળ અને પ્રફુલ્લિત ચહેરે પોતાની પત્નીઓ સાથે વર્તતા. પત્નીને ઘરના  કામમા સહાય કરતા. પત્ની લોટ ગૂંદતી હોય તો મહંમદ સાહેબ તેમને પાણી આપતા. કદી ચૂલા માટે લાકડા લઇ આવતા. ક્યારેક પલંગની પાટી ઢીલી પડી ગઈ હોય તો તે ખેંચવા બેસી જતા. પત્નીઓના મિજાજ અને ગુસ્સાનું તેઓ ખાસ ધ્યાન રાખતા.

એકવાર હઝરત આયેશાએ મહંમદ સાહેબને જરાક  વક્ર શબ્દોમાં કહ્યું,

આપ તો ફરમાવો છો કે હું ખુદાનો પયગંબર છું.”

મહંમદ સાહેબ હઝરત આયશાના શબ્દો સાંભળી હસી પડ્યા. અને હસતા હસતા  ફરમાવ્યું,

“આયશા, તારી નારાજગી અને ખુશી બંનેને હું બરાબર ઓળખું છું.”

 કેવી રીતે ?” હજરત આઈશાએ પૂછ્યું.

મહંમદ સાહેબે ફરમાવ્યું,

જયારે તું ખુશ હોય છે ત્યારે “કસમ છે મહંમદના ખુદાની” કહે છે. અને જ્યારે તું નારાજ હોય છે ત્યારે તું કહે છે “કસમ છે ઈબ્રાહિમના ખુદાની”

 હઝરત આયશા મહંમદ સાહેબની વાત સાંભળી એકદમ હળવા થઈ ગયા. અને બોલ્યા,

“બેશક ખુદાના રસુલ આપે સાચું ફરમાવ્યું છે. જ્યારે હું નારાજ હોઉં છું ત્યારે હું આપનું નામ નથી લેતી.”

મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં પત્નીઓ સાથેના અસમાન અને અપમાનીત વ્યવહારનું એક પણ દ્રષ્ટાંત જોવા મળતું નથી. મહંમદ સાહેબે પોતાના ઉપદેશોમાં પણ પત્ની સાથેના રહેવા અંગે વારંવાર કહ્યું છે,

 મુસ્લિમ પોતાના હાથથી  લુકમો  (કોળીયો) બનાવીને પોતાની પત્નીના મુખમા મૂકે તો તેનો પણ સવાબ (પુણ્ય)છે.”

હજરત ખદીજાના અવસાન સમયે હઝરત મહંમદ સાહેબ અત્યંત દુઃખી હતા. એ સમયે હજરત ખદીજાના બહેન બીબી હાલહરે મહંમદ સાહેબને સાંત્વના આપતા કહ્યું હતું,

એ વૃદ્ધના અવસાનથી આપ આટલા દુઃખી કેમ છો ?”

ત્યારે મહંમદ સાહેબે દુઃખી સ્વરે ફરમાવ્યું હતું,

જ્યારે લોકો મને ધિક્કારતા હતા ત્યારે તેણે મને પ્રેમ અને હિંમત આપ્યા હતા. જ્યારે કોઈ મારો મદદગારો હતો, ત્યારે ખદીજા મારી સાચી હમદર્દી હતી.”

 વિશ્વમાં પતિનો દરજ્જો ભોગવનાર પુરુષોનો તોટો નથી. પણ ખુદાના પેગંબર અને અરબસ્તાનના બાદશાહનો દરજ્જો ભૂલી એક સામાન્ય પણ આદર્શ પતિ બની રહેનાર તો એકમાત્ર હઝરત મહંમદ પયગંબર હતા અને રહેશે.

——————————————————————————–

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ   

સીરતુલ નબી

૨૨           

ડૉ. મહેબૂબ દેસાઈ

એક વખત એક ચીંથરેહાલ ગરીબ મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,

“યા રસુલ્લીલાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કઈ ખાવાનું હોય તો આપો”

આપે આપના ઘરમાં પૂછ્યું“કઈ ખાવાનું છે ?”

જવાબ મળ્યો, “પાણી સિવાય કશું જ નથી”

આપે સાથીઓને ફરમાવ્યું,

“કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે ?”

મહંમદ સાહેબના પ્રખર અનુયાયી હઝરત અબૂ તલહાએ ઉભા થઇ કહ્યું,

“યા રસુલ્લીલાહ, હું આજે તેને મારો મહેમાન બનાવું છું”

અને અબૂ તલહા એ ગરીબને લઇ પોતાના ઘરે પહોંચ્યા. મહેમાનને બેઠકમાં બેસાડી અંદર જઈ તેમણે પત્નીને પૂછ્યું, ” કઈ ખાવાનું છે ?”

“માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે” પત્નીએ જવાબ આપ્યો.

થોડું વિચારી હઝરત અબૂ તલહાએ પત્નીને કહ્યું,” ઘરના તમામ ચિરાગો બુઝવી નાખો”

પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. અને પોતે પણ તેની સાથે બેઠા. અંધારમાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબૂ તલહા અંધારામાં એવી રીતે હાથ મો ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય ! ગરીબ મહેમાને પેટ ભરીને ભોજન કરાવી વિદાય કર્યો. મહેમાનની વિદાય પછી પત્નીએ પૂછ્યું, “તમે ગરીબ મહેમાનને ભરપેટ જમાડ્યો અને તમે અંધારામાં જમવાનો દેખાવ કેમ કરતા રહ્યા ?”

હઝરત અબૂ તલહાએ કહ્યું, “તમે તંગી ભલે ભોગાવો પણ ગરીબ મઝલુમોને શકાય તેટલું આપો”

**********

હઝરત મહંમદ સાહેબ ન્યાય, ઇન્સાફના ખુબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબીલાની એક  સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી મહંમદ સાહેબ પાસે આવ્યો. ઔસામા બિન ઝૈદી પ્રત્યે મહંમદ સાહેબને ખુબ માનતા. આથી ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિન ઝૈદીને સાથે લઈને મહંમદ સાહેબ પાસે આવી. ઔસામા બિન ઝૈદને જોઈ મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,

“ઔસામા, શું તમે ન્યાયની વચ્ચે પડવા આવ્યા છો ?”

“મહંમદ સાહેબનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી પડી. મહંમદ સાહેબે સાથીઓને સંબોધતા કહ્યું,

“તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે. કારણ કે તેમણે ગરીબો મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો. ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું”

*****************

હઝરત મહંમદ સાહેબ ભોજનમાં ક્યારેક ઉંટ કે બકરાનું માંસ લેતા. પરંતુ સામાન્ય રીતે તેમનો ખોરાક ખજુર અને પાણી અથવા જવની રોટી અને પાણી જ હતો. દૂધ અને મધ તેમને પસંદ હતા. પણ તે મોંઘા હોવાને કારણે તેઓ વધુ ન લેતા. એકવાર એક સાથીએ તેમને બદામનો લોટ આપ્યો અને કહ્યું,

“રસુલ્લીલાહ, આપ આવું જ ભોજન લો”

આપે ફરમાવ્યું,

“આ ઉડાઉ લોકોનો ખોરાક છે” એમ કહી તેમણે તે લેવાનો ઇનકાર કરી દીધો. ડુંગળી અને લસણ પ્રત્યે તેમને અણગમો હતો. ડુંગળી અને લસણ નાખેલો કોઈ ખોરાક તેઓ ખાતા નહિ. તેમની આજ્ઞાના હતી કે મસ્જિતમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી કે લસણ ખાઈને કોઈએ ન આવવું. હઝરત અબૂ ઐયુબ જણાવે છે,

“એકવાર અમે ડુંગળી અને લસણ નાખી ભોજન બનાવ્યું. અને રસુલેપાકની સેવામાં મોકલ્યું. ભોજન આપે આરોગ્ય વગર પરત કરી દીધું. હું ગભરાઈ ગયો. અને રસુલેપાકની સેવામાં પહોંચી ગયો.અને પૂછ્યું,

“યા રસુલ્લીલાહ, આપે ભોજન લીધા વગર પરત કેમ પરત મોકલ્યું ?”

મહંમદ સાહેબે જણાવ્યું,

“ભોજનમાં ડુંગળી અને લસણની વાસ આવતી હતી. અલ્લાહના ફરિશ્તા રાત દિવસ મારી પાસે આવતા રહે છે. હું તેમની સાથે વાતો કરું છું. ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી. જેથી મેં ભોજન પરત મોકલી દીધું. પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો”

હઝરત અબૂ ઐયુબે મહંમદ સાહેબની વાત સાંભળી કહ્યું,

“જે વસ્તુ રસુલેપાકને પસંદ ન હોય તેને અમે કેવી રીતે પસંદ કરીએ ? આ બનાવ પછી અમે પણ ડુંગળી અને લસણનો ઉપયોગ ભોજનમાં કરવાનું છોડી દીધું.

——————————————————————–

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ-૨    

સીરતુલ નબી

૨૩            

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ઉત્તર સીરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદાજુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્રાંતના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાપ્રિય શાસન ચલાવવા કાબેલ છે કે નહિ તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનો હતો. મહંમદ સાહેબએ મુઆઝને બોલાવ્યો અને પૂછ્યું,

“તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?”

મુઆઝે જવાબ આપ્યો,

“કુરાને શરીફની આયાતોને”

“પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ આયાત (શ્લોક) કુરાને શરીફમાં ન મળે તો ?” મહંમદ સાહેબે પૂછ્યું.

“ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ”

“પણ જો પયગમ્બરના દાખલામાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ન મળે તો ?”

“ત્યારે હું મારી અક્કલ હોશિયારીથી નૈતિક રીતે નિર્ણય કરીશ”

મહંમદ સાહેબ મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,

“જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ચુકાદો ન આપીશ”

****************************

મહંમદ પયગંબર સાહેબ (સલ.) પોતાની દરેક વાત લોકો આંખ બંધ કરીને ન માને તે માટે પુરતી તકેદારી રાખતા. અંધ વિશ્વાસના તેઓ સખત વિરોધી હતા.

એકવાર મહંમદ સાહેબ એક ખજૂરના બગીચા પાસેથી પસાર થતા હતા. કેટલાક માણસો બગીચામાં ખજુરની કલમો રોપતા હતા. મહંમદ સાહેબને તેમાં રસ પડ્યો. એટલે ત્યાં ઉભા રહ્યા. કલમો રોપી રહેલ માણસોને સુચન કરતા તેઓ બોલ્યા,

“સાથીઓમને લાગે છે તમે ખજૂરના રોપાઓને એમ ને એમ જ જમીનમાં ઉભા રોપી દો તો સારું.”

ખજૂરના રોપા જમીનમાં વાવતા લોકોએ કશું જ વિચાર્યા વગર મહંમદ સાહેબની વાત માની લીધી. અને મહંમદ સાહેબે કહ્યું તેમ ખજૂરના રોપા જમીનમાં રોપી દીધા. મોસમ આવતા વૃક્ષો પર ખજુર ઓછી આવી. મહંમદ સાહેબને તેની જાણ કરવામાં આવી કે,

“જે રોપા આપના કહેવા મુજબ રોપવામાં આવ્યા હતા તેના પર ખજુર બહુ જ ઓછી આવી છે.”

હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું,

“હું ખુદાનો પયગામ (સંદેશ) લાવનાર પયગંબર છું. ખુદા નથી. અંતે તો બધું ખુદાની મરજી મુજબ જ થાય છે. જયારે હું તમને ધર્મની બાબતમાં કઈ કહું છું ત્યારે તે અવશ્ય માનજો. પણ જયારે ધર્મ સિવાઈ અન્ય કોઈ બાબત વિષે કઈ કહું ત્યારે તમે પ્રથમ વિચાર જો અને પછી વર્તજો. અંધ વિશ્વાસ ઇસ્લામમાં ક્યાંય નથી.”

*************************************

મદીનામાં હઝરત મહંમદ પયગંબર સાહેબનું ભવ્ય સ્વાગત થયું. મદીનાના અમીર ઉમરાઓ મહંમદ સાહેબ માટે ધન દોલત લુંટાવવા તૈયાર હતા. પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. મદીનામાં મહંમદ સાહેબની ઊંટણી જે ખુલ્લી જગ્યામાં બેઠી હતી, તે જમીન પર એક મસ્જિત બાંધવાનો વિચાર મહંમદ સાહેબે જાહેર કર્યો. એ ખુલ્લી જગ્યા સહલ અને સુહૈલ નામના બે યતીમ બાળકોની હતી. આ બન્ને બાળકો મઆઝ બિન અફરાસની સરપરસ્તીમાં હતા. મહંમદ સાહેબની ઈચ્છાની જાણ મઆઝને થતા તે મહંમદ સાહેબ પાસે દોડી આવ્યો અને બોલ્યો,

“યા રસુલ્લીલાહ, હું રાજી ખુશીથી આ જમીન આપની સેવામાં પેશ કરું છું. આપ ખુશી તેના પર મસ્જિત બનાવો.”

મહંમદ સાહેબે તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો અને કહ્યું,

“હું એ યતીમ બાળકોની જમીન મફતમાં નહિ લઉં. એ જમીન તેમની પાસેથી મો માંગી કિંમતે ખરીદીશ અને પછી જ તેના પર અલ્લાહનું ધર બનાવીશ.”

ઘણી સમજાવટ છતાં મહંમદ સાહેબ પોતાના આ નિર્ણયમાં મક્કમ રહ્યા. તેમણે એ જમીન દસ સોના મહોરમાં ખરીદી અને એ જમીન પર “મસ્જિદ એ નબવી” નું સર્જન થયું. “મસ્જિત એ નબવી” એ  મસ્જિત છે જેના બાંધકામમાં અન્ય સાથીઓ સાથે મહંમદ સાહેબએ પણ ઈંટ, પથ્થરો અને માટી ઉપાડવામાં ખભેથી ખભો મિલાવી મહેનત કરી હતી. મસ્જિતના બાંધકામ સમયે ઇંટો ઉપાડતા ઉપાડતા સાથીઓ સાથે ઉત્સાહભેર મહંમદ સાહેબ દુવા પઢતા હતા,

“તમામ ભલાઈ બસ અંતિમ દિવસ (કયામત) માટે જ છે, જેથી તું બેસહારાઓ પ્રત્યે તારી રહેમત ફરમાવ.”

***********************************

સન હિજરીના રમઝાન માસની ૧૭મી તારીખ હતી. બદ્રના મેદાનમાં કુફ્ર અને ઇસ્લામનું  પ્રથમ પ્રથમ યુદ્ધ થવાનું હતું. સત્ય અને અસત્યના  યુધ્ધના સેનાપતિ હઝરત મહંમદ પયગમ્બર હતા. પરોઢનું અજાવાળું રેલાતા મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફજરની નમાઝનું એલાન કર્યું.સૈનિકો સાથે મહંમદ સાહેબ નમાઝ પઢી.પછી સૈનિકોને સંબોધન કરતા ફરમાવ્યું,

“યાદ રાખો જીત કે ફતહનો આધાર સંખ્યા બળ પર નથી. શાનોશૌકત કે જાહોજલાલી પર નથી. વિપુલ હથિયાર કે અખૂટ સાધન સામગ્રી પર નથી. જીત કે ફતહ માટે જે વસ્તુ સૌથી વધુ અગત્યની છે તે સબ્રદ્રઢતા અને અલ્લાહ પર અતુટ વિશ્વાસ છે.”

મહંમદ સાહેબનું આધ્યાત્મિક અને શાસકીય જીવન એક  હતું. ખુદાના પયગંબર તરીકે તેમણે જે મુલ્યો પ્રજા સમક્ષ મુક્યા હતા. તે  મુલ્યોને અમલમાં મૂકી તેમણે ઇસ્લામી સામ્રાજ્યનું સંચાલન કર્યું હતું. ઇસ્લામ એટલે હિંસા નહીપણ શાંતિસમર્પણત્યાગબલિદાનની વિભાવના તેમણે સત્ય પૂરવાર કરી બતાવી હતી.

———————————————————————————-

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ- ૩     

સીરતુલ નબી

૨૪             

ડૉ. મહેબૂબ દેસાઈ

હિજરત એટલે મજહબ (ધર્મ) માટે પોતાનું કુટુંબ, વતન છોડી પરદેશ જવું. હિજરતને મહંમદ સાહેબે ઈબાદત (ભક્તિ) નો દરજ્જો આપ્યો છે. મક્કાથી હિજરત કરી તેઓ દુશ્મનોથી બચવા એક ગુફામાં છુપાયા હતા. દુશ્મનોએ તેમનો પીછો કર્યો. ગુફાના મુખ પાસે દુશ્મનો પહોંચ્યા ત્યારે એક બોલી ઉઠ્યો,

“અહિયાં ક્યાં આવ્યા ? જોતો નથી કરોળિયાનું જાળું તો મહંમદની પૈદાઇશ પહેલાનું લાગે છે. કોઈ અંદર  ગયું હોત તો આ જાળું સલામત હોત ખરું ?”

એમ કહી દુશ્મનો પાછા ફરી ગયા. ત્રણ દિવસ અને ત્રણ રાત મહંમદ સાહેબ એ ગુફામાં રહ્યા. એ પછી ત્યાંથી આગળ જવા હઝરત અબુબકરે એક ઊંટણીની વ્યવસ્થા કરી. અને મહંમદ સાહેબને કહ્યું

“યા રસુલિલ્લાહ, આપ આના પર સવાર થઇ આગળ નીકળી જાવ”

મહંમદ સાહબે ફરમાવ્યું,

“મારી પોતાની ખરીદેલી સવારી ઉપર જ હું બેશીશ.”

હઝરત અબુબકરે મહંમદ સાહેબને ખુબ સમજાવ્યા. પણ તેઓ એકના બે ન થયા. અંતે મહંમદ સાહબે તે ઊંટણી હઝરત અબુબકર પાસેથી ખરીદી અને પછી તેના પર સવાર થઇ આગળ જવા નીકળ્યા. રસ્તામાં એક અનુયાયીએ આપને પૂછ્યું,

“યા રસુલિલ્લાહ, હઝરત અબુબકરે તો આ ઊંટણીની કીમત કરતા પણ વધુ જાનમાલથી આપની ખિદમત (સેવા) કરી છે, પછી આપે આ ઊંટણીની કિંમત આપવાનો શા માટે આગ્રહ રાખ્યો ?”

હઝરત મહંમદ સાહબે ફરમાવ્યું,

“હિજરત એક મહાન ઈબાદત છે. આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા માંગતો નથી. ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત પોતાના જાનમાલથી કરવી જોઈએ.”

*************************************************

મહંમદ સાહેબના ઉપદેશો અને વ્યવહારમાં હંમેશા માનવ મુલ્યો કેન્દ્રમાં રહેતા. એકવાર એક

અનુયાયી મહંમદ સાહેબ પાસે આવ્યો. અત્યંત ગુસ્સામાં તે બોલ્યો,

“એક માનવીએ મને જાનમાલનું અઢળક નુકસાન કર્યું છે. મને તેનો બદલો લેવાની પરવાનગી આપો”

મહંમદ સાહેબ માત્ર એટલું જ બોલ્યા, “તેને માફ કરી દે”

મહંમદ સાહેબે એક વખત ઉપદેશ આપતા કહ્યું હતું,

“જે માણસ એક બાજુ નમાજ પઢશે, રોઝા રાખશે, દાન આપશે. અને બીજી બાજુ કોઈના ઉપર જુઠ્ઠો

આરોપ મુકશે, બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે, કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે.

એવા માનવીની નમાઝરોઝાદાન કશું જ કામ નહિ આવે. તેણે જે કઈ જીવનમાં સદકાર્યો કર્યા હશે

તેના બધા પુણ્યો જેમના પર તેણે જુલમ કર્યા હશે તેના હિસાબમાં ઉમેરી દેવામાં આવશે.

એકવાર કોઈ કે મહંમદ સાહેબને પૂછ્યું,

“જન્નત (સ્વર્ગ) માં જવાનો માર્ગ કયો ?”

આપે ફરમાવ્યું,

“જે માનવી શાંત, સદાચારી અને બીજાના સુખમાં સુખી રહેશે, તે કયારેય દોઝાક (નરક)માં નહિ જાય.”

*******************************************

મહંમદ સાહબે એકવાર કહ્યું“મૃત્યુ પછી અલ્લાહ પૂછશે, હે માનવીહું બીમાર હતો અને તું મને જોવા નહોતો આવ્યો.” માનવી કહેશે“હે મારા ખુદા હું તને કેવી રીતે જોવા આવી શકું ? તું તો આખી દુનિયાનો માલિક છે.”

અલ્લાહ ફરીવાર પૂછશે, “હે માનવ મેં તારી પાસે ભોજન માગ્યું હતું. અને તે મને ભોજન આપ્યું નહોતુ.

માનવી કહેશે“હે મારા ખુદા તું તો આખી દુનિયાનો માલિક છે હું તને ભોજન કેવી રીતે આપી

શકું ?”

અલ્લાહ પૂછશે, “ હે માનવી, મેં તારી પાસે પાણી માંગ્યું હતું અને તે મને પાણી નહોતું આપ્યું,”

માનવી ફરી વાર નવાઈ સાથે કહેશે, “ હે મારા ખુદા હું તમને કેવી રીતે પાણી આપી શું ? તું તો

આખી કાયનાતનો સર્જનહાર છે.”

પછી અલ્લાહ જબાબ આપશે,

“હે માનવી, શું તને ખબર નથી મારો એક બંદો બીમાર હતો ત્યારે તું તેને જોવા નહોતો ગયો. જો તું તેને જોવા ગયો હોત તો મને તેની પાસે જ જોત. મારા એક બંદાએ તારી પાસે પાણી માંગ્યું હતું, જો તે તેની પ્યાસ બુઝાવી હોત, તો મને તેની પાસે જ પામત. મારો એક બંદો ભોજન માટે વલખી રહ્યો હતો. પણ તે તેને ભોજન ન આપ્યું. જો તે તેની ભૂખ સંતોષી હોત તો તું મને તેની પાસે જ જોત.”

***************************************

મહંમદ સાહેબની હિદયાતો -૧  

સીરતુલ નબી

૨૫    

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબે સહાબીઓ (અનુયાયીઓ)ને અવારનવાર સામાન્ય વાતચીતમાં કે ઉપદેશાત્મક મજલિસો આપેલ સુવર્ણ હિદયાતો અઢળક છે. પણ તેમાંથી ચૂંટી અત્રે થોડી આપવા પ્રયાસ કરું છું.

સૌ પ્રત્યે પ્રેમ મારી રીત છે.

જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો,

તેણે મારી સાથે પ્રેમ રાખ્યો.

અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો

તે મારી સાથે જન્નત (સ્વર્ગ)માં રહેશે.

***

બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે,

આપણામાં બળવાન તે છે,

જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.

***

પોતાનો પાડોશી પાસે ભૂખ્યો પડ્યો હોય

ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે

તે મોમીન (મુસ્લિમ) નથી.

***

સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે.

અને જે પરમાત્માના કુટુંબનું ભલું કરે છે

તે પરમાત્માને સૌથી પ્રિય છે.

***

ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.

મોમીના (મુસ્લિમ) થવા માંગતો હોય તો,

તારા પાડોશીનું ભલું કર,

અને મુસ્લિમ થવા ઇચ્છતો હોય તો

જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌને માટે માન.

***

મોમીન તે છે

જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપીને

સૌ નિશ્ચિત થઈ જાય છે.

***

એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,

ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?”

મહંમદ સાહેબે ફરમાવ્યું, ” ભૂખ્યાને ભોજન આપવું

અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું”

***

જેનામાં પ્રમાણિકતા નથી,

તેનામાં ઇમાન નથી.

***

અલ્લાહ જે અગ્નિનો માલિક છે,

તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી

કે બીજાને અગ્નિ વડે શિક્ષા કરે.

***

ઈમાન (શ્રદ્ધા)

માનવીને દરેક પ્રકારનો જુલ્મ કરતા અટકાવવા માટે છે.

કોઈ ઈમાનદાર (શ્રદ્ધાવાન) માનવી કોઈ માનવી પર જુલ્મ ન કરી શકે.

***

એક સહાબીએ મહંમદ સાહેબને પૂછ્યું,

” ઇસ્લામ એટલે શું ?”

મહંમદ સાહેબે ફરમાવ્યું,

વાણી પવિત્ર રાખવી અને અતિથિનો સત્કાર કરવો એટલે ઇસ્લામ”

***

કોઈ પણ નશાની ચીજનો ઉપયોગ કરવો

એ સો પાપોનું પાપ છે.

***

અલ્લાહ રહીમ (દયાળુ) છે.

તે દયાળુ પર દયા કરે છે.

જેઓ પૃથ્વી પર છે

તેમના પર તમે દયા કરો

અને આસમાન પર છે

તે તમારા પર દયા કરશે.

***

આ દુનિયાનો મોહ રાખવો

એ જ બધા પાપોનું મૂળ છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓ, અભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોય, ખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈ, નેકી, અહેસાન, ખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

“લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે

ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ.

તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર

અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળ, સહન કર

અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ.”

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છે

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓઅભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોયખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈનેકીઅહેસાનખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે

————————————————————————————–

મહંમદ સાહેબની હિદયાતો-૨  

સીરતુલ નબી

૨૬      

ડૉ. મહેબૂબ દેસાઈ

અલ્લાહે મને હુકમ આપ્યો છે કે

નમીને ચાલ અને નાનો બનીને રહે,

જેથી કરીને કોઈ બીજાથી ઊંચો ન થઇ જાય,

તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે.

જેના મનમાં રતીભાર પણ ઘમંડ છે

તે કદી સ્વર્ગમાં નથી જઈ શકતો.

સૌ માનવીઓ આદમનાં સંતાન છે

અને આદમ માટીમાંથી પૈદા થયો છે.

***

સૌથી મોટાં પાપો છે,

શિર્ક અર્થાત અલ્લાહ (ઈશ્વર) સાથે

બીજા કોઈને તેની બરાબર માનવું,

માતા પિતાની આજ્ઞા ન માનવી,

કોઈ પ્રાણીને ઈજા પહોંચાડવી,

જૂઠા સોગંદ ખાવા અને જૂઠી સાક્ષી આપવી.

***

જે માણસ એક બાજુ નમાઝ પઢશે,

રોઝા (ઉપવાસ) રાખશે અને દાન કરશે,

અને બીજી બાજુ કોઈના પર જૂઠ્ઠો આરોપ મૂકશે,

બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે

કે કોઈનું લોહી રેડશે

અથવા કોઈને દુઃખ દેશે;

એવા માનવીની નમાઝરોઝા અને દાન

કશું કામમાં નહિ આવે.

***

તમારામાંથી જેઓ કુંવારા છે

તેમના નિકાહ કરાવી દો

અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ

જે નિકાહને લાયક છે

તેમના પણ નિકાહ કરાવી દો.

***

પ્રેષિતોની છત નીચે ધન ન હોય.

***

તમે તમારા તરફથી મને છ બાબતોની ખાતરી આપો

અને હું તમને જન્નત (સ્વર્ગ)ની ખાતરી આપું છું.

૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો

૨. વચન આપો તે પાળો

૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો

૪. દુરાચારથી બચો

૫. નજર હંમેશ નીચી રાખો

૬. કોઈની સાથે જબરજસ્તી ન કરો.

***

જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે

ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ઇન્સાફ ન આપીશ.

***

જયારે કોઈ પુરુષ કોઈ પર સ્ત્રી સાથે એકાંતમાં બેસે છે,

ત્યારે તેમની બંનેની વચ્ચે શૈતાન આવીને બેસે છે.

***

ઇમાનમાં પરિપૂર્ણ તે છે,

જે નૈતિકતામાં શ્રેષ્ઠ છે.

***

ખરેખર અલ્લાહે તમને પોતાની માંની

આજ્ઞાનો ભંગ કરવાની અને પોતાની પુત્રીઓને જીવતી દાટી દેવાની

સખ્ત મનાઈ કરી છે. અને લાલચને હરામ ઠેરવી છે.

***

તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે.

કારણ કે તેણે ગરીબોમઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો.

ખુદાના કસમજો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું.

***

મા-બાપની સેવાથી જ જન્નત મળે છે

અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી

દોજખ મળે છે.

***

જો તને સત્કાર્ય કરતા આનંદ થાય

અને દુષ્કર્મ કરતા દુઃખ થાય

તો તું ઇમાનદાર છે.

***

હે કબરવાસીઓ,

તમને સર્વેને ખુદાતાલા શાંતિ બક્ષે.

તમને અને અમને ખુદાતાલા ક્ષમા બક્ષે.

એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે.

તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો

અને અમે તમારી પાછળ જ આવીએ છીએ.

***

હું પણ મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો.

જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.

***

આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે.

જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

***

મજૂરનો પરસેવો સુકાતા પહેલાં

તેને તેની મજૂરી ચૂકવી દો.

*** 

જે મુસ્લિમ ક્ષમા કરે છે તે મામલો સુધારી લે છે.

જે મુસ્લિમ ગુસ્સો કરે છે તે સંબંધો બગાડી નાખે છે.

***

પવિત્રતા અને સ્વછતા

ઇમાન (શ્રદ્ધા)નો અડધો ભાગ છે.

***

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતાબેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છેતેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, “ઇન્નલ્લાહ મઅસ સાબરીન”

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જેની ઇચ્છાઓઅભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોયખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈનેકીઅહેસાનખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છ

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

ઇમાન(શ્રદ્ધા)ના સિત્તેરથી વધુ દરજ્જા છે.

તેમાં લા-ઇલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી)

ઇમાનનો સૌથી ઉંચો દરજ્જો છે.

***

જે માનવી સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.

***

હે લોકોમારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બનશો નહિ.

એકબીજાની ગરદન કાપશો નહીં. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબૂતીથી

પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશત્યારે તમારી

વચ્ચે નહિ રહું. પણ બે અમૂલ્ય વસ્તુઓને તમારા માટે મૂકતો જાઉં છું. એક છે

અલાહની કિતાબ કુરાન-એ-શરીફ અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ,

જે તમને ગુમરાહીથી બચાવશે.

***

પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે.

પરંતુ મને (હઝરત મહમદ સાહેબને)

સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.

***

ઈશ્વર તમારા ધન-દોલતને નથી જોતો,

બલકે તે તમારા ઇરાદા અને કર્મોને જુવે છે.

***

તમે દુનિયામાં એવી રીતે રહો

જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.

——————————————————————————-

મહંમદ સાહેબના અંતિમ દિવસો

સીરતુલ નબી

૭  

ડૉ. મહેબૂબ દેસાઈ

આમ તો મહંમદ સાહેબ (સ.અ.વ.)ની વફાત થઇ કે તેઓ અવસાન પામ્યા એવું કહેવા કરતા ઇસ્લામના અનુયાયીઓ મહંમદ સાહેબએ (સ.અ.વ.) પર્દા ફર્માંયા કહેવાનું વધારે પસંદ કરે છે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પર્દો ફરમાવ્યો એ દિવસ હતો ૮ જૂન ઈ.સ.૬૩૨, સોમવાર,મુસ્લિમ ચાંદ ૧૨ રબીઉલ અવલ હિજરી સન ૧૧. સમય મધ્યાહન પછી. છેલ્લા થોડા દિવસોથી મહંમદ સાહેબ બિમાર રહેતા હતા. બીમારીના આરંભ વિષે ઇબ્ને હિશામીની સીરતુલ નબીમાં લખ્યું છે,

બીમારીની શરૂઆત એવી રીતે થવા પામી કે મહંમદ સાહેબ (...) અર્ધી રતના સમયે પોતાના ઘરમાંથી નીકળીનેજન્ન્તુલ બકી“(મદીનામાં આવેલ મશહુર કબ્રસ્તાન)માં ગયા. ત્યાં તેમણે કબ્રસ્તાન વાસીઓ માટે દુવા ફરમાવી.   આપ કબ્રસ્તાનથી પોતાના મકાને તશરીફ લાવ્યા. પછીના દિવસે સવારે આપ ઉઠ્યા ત્યારે આપે માથાના દુખાવાની વાત કરી હતી

તેમની માંદગીનો આમ આરંભ થયો. ૬ જૂનની રાતે તેમને તાવ ખુબ વધ્યો. તેમની બેચેની જોઈને તેમની એક પત્ની ઉમ્મ સલમા રડવા લાગ્યા. મહંમદ સાહેબે તેમને શાંત પાડતા કહ્યું,

રડો નહિ. જેને અલ્લાહ પર વિશ્વાસ છે તે આમ રડતા નથી

એ આખી રાત મહંમદ સાહેબ કુરાનની આયાતો, જેમાં અલ્લાહની સ્તુતિ કરવામાં આવી છે તે વારંવાર પઢતા રહ્યા. ૭ જૂને મહંમદ સાહેબને ખુબ અશક્તિ મહેસૂસ થવા લાગી. બિમાર થયા તે દિવસથી જ તેઓ ઉપવાસ કરતા હતા. એટલે અશક્તિ સ્વાભાવિક હતી. અને તાવ પણ હતો જ. રવિવારે અર્ધ જાગૃત અવસ્થામાં કોઈ કે તેમને દવા પીવડાવવાની કોશિશ કરી. તેથી તેઓ નારાજ થયા. એ જ દિવસે તેમણે પત્ની આયશા ને કહ્યું,

તમારી પાસે બિલકુલ પૈસા રાખશો. જે કઈ બચાવીને ક્યાંય રાખ્યું હોય તે ગરીબોને વહેચી દો

આયશા એ થોડો વિચાર કર્યો પછી તેમને યાદ આવી જતા, પોતાની પાસે સાચવીને રાખેલા સોનાના છ દીનાર મહંમદ સાહેબના હાથમાં મૂકી દીધા. મહંમદ સાહેબે તુરત કેટલાક ગરીબ કુટુંબોમાં તે વહેચી દીધા.પછી બોલ્યા,

હવે મને શાંતિ મળશે. હું અલ્લાને મળવા જાઉં અને સોનું મારી મિલકત રહે ખરેખર સારું નથી.

એ જ રાત્રે ઘરમાં દીવો કરવા તેલ સુધ્ધાં ન હતું. પત્ની આયશાએ દીવો કરવા માટે પડોશીને ત્યાંથી થોડું તેલ માંગી, દીવો કર્યો. મહંમદ સાહેબની એ રાત્રી પણ માંદગીમાં વીતી. ૮ જૂન સવારે તાવ થોડો ઓછો થયો હતો. મહંમદ સાહેબને ખુદને તબિયત કંઇક સારી લાગતી હતી. મહંમદ સાહેબના નિવાસ બહાર મસ્જિતના ચોકમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પયગમ્બર સાહેબની ખબર જાણવા ઉત્સુક બની ઉભા હતા. ફઝરની નમાઝનો સમય થયો. અબુબક્ર નમાઝ પઢાવવા ગયા. હજુ પ્રથમ રકાત પૂરી થઇ હતી. એટલામાં આયશાની ઝૂંપડીનો પરદો ઊંચકાયો. બે માણસોના ટેકે મહંમદ સાહેબ બહાર આવ્યા. તેમને જોઈ બહાર ઉભેલા સૌના ચહેરા ખીલી ઉઠ્યા. મહંમદ સાહેબે સસ્મિત પોતાના  સાથી ફઝલને ધીમા સ્વરે કહ્યું,

અલ્લાહે સાચ્ચે મને નમાઝ બતાવીને મારી આંખો ઠારી છે

એજ ટેકાથી મહંમદ સાહેબ નમાઝ પઢતા લોકો તરફ આગળ વધ્યા. લોકોએ ખસીને મહંમદ સાહેબને રસ્તો કરી આપ્યો. અબુબક્ર નમાઝ પઢવતા હતા. તેઓ પાછે પગે ખસીને મહંમદ સાહેબ માટે ઈમામની જગ્યા કરવા ગયા. પણ મહંમદ સાહબે હાથના ઈશારાથી તેમને ના પડી. અને તેઓ નમાઝ પઢાવવાનું ચાલુ રાખે તેમ સૂચવ્યું. અને પોતે તેમની પાસે જમીન પર બેસી ગયા. અબુબકરે નમાઝ પૂરી કરી.

નમાઝ પછી મહંમદ સાહેબ ફરી પાછા આયશાની ઝૂંપડીમા ચાલ્યા ગયા. એઓ અત્યંત થાકી ગયા હતા. એક લીલું દાતણ માંગીને તેમણે દાંત સાફ કર્યા. પછી કોગળા કરીને સુઈ ગયા. આયશાનો હાથ મહંમદ સાહેબના જમણા હાથ પર હતો. તેમણે તેને પોતાનો હાથ ખસેડી લેવા ઈશારો કર્યો. થોડીવાર પછી તેમના મુખમાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા,

હે અલ્લાહ, મને ક્ષમા આપ અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ

પછી સદાને માટે સ્વર્ગ !” “ક્ષમા ” “હા  પરલોકના મુબારક સાથીઓ શબ્દો સાથે મસ્જિતમાંથી પાછા ફર્યા પછી થોડા કલાકમાં જ હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની ૧૨ તારીખને સોમવાર ઈ.સ. ૬૩૨, ૮ જૂનના રોજ મધ્યાહન પછી થોડીવારે મહંમદ સાહેબે પર્દો ફરમાવ્યો“.

બહાર મસ્જિતમા લોકોનું ટોળું ભેગુ થયું હતું. ઘણાને વિશ્વાસ નહોતો પડતો કે ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે. સમાચાર મળતા જ અબુબક્ર મહંમદ સાહેબના રૂમમાં આવ્યા. અને તેમણે મહંમદ સાહેબના મુખ પરથી ચાદર ખસેડી અને તેમનું મોઢું ચૂમ્યું અને પછી કહ્યું,

આપ જીવનમાં સૌના પ્રિય રહ્યા અને મૃત્યુમાં પણ પ્રિય રહ્યા છો. આપ મારા મા અને બાપ બંને કરતા મને પ્રિય હતા.આપે મૃત્યુના કડવા દુઃખો ચાખી લીધા. અલ્લાહની નજરમાં આપ એટલા કીમતી છો કે તે આપને મૌતનો પ્યાલો બીજીવાર પીવા નહિ દે

બહાર આવી અબુબક્રએ લોકોને કુરાને શરીફની બે આયાતોનું સ્મરણ કરાવ્યું. એક આયાત કે જેમાં ખુદાએ મહંમદ સાહેબને ફરમાવ્યું હતું,

અવશ્ય તું પણ મરણ પામશે અને બધા લોકો પણ મરણ પામશે

અને બીજી આયાતમા ખુદાએ ફરમાવ્યું છે,

મહંમદ એક રસુલ છે. તો પછી મરી જાય કે માર્યો જાય તો શું તમે તમારા ધર્મ (ઇસ્લામ) થી વિમુખ થઇ જશો ?”

અલી,ઓસામ,ફજલ અને અન્ય સહાબીઓએ મહંમદ સાહેબના પાર્થવી શરીરને સ્નાન કરાવ્યું. તેમના શરીર પર બે ચાદરો લપેટવામાં આવી. સૌથી ઉપર યમનની એક કીનારીદાર ચાદર ઓઢાડવામાં આવી. એમના પાર્થવી શરીરને અંતિમ દીદાર માટે રાખવામાં આવ્યું. એ પછી મંગળવારે અબુબકર અને ઉમરે જનાજાની નમાઝ પઢાવી. અને તે જ દિવસે આયશાની ઝૂંપડીમાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, ત્યાજ તેમને દફનાવવામાં આવ્યા.

———————————————————–

 સીરતુલ નબી-૨૮

સૌને ઈદ મુબારક 

ડો. મહેબૂબ દેસાઈ

આજથી ૧૩૯૮ વર્ષ પહેલા ઇસ્લામના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. હિજરી સન બીજી ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી, ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ખુદાએ ઇદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્ર માટે એક આયાત દ્વારા આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને ફરમાવ્યું હતું.

બેશક એ વ્યકિત સફળ થયો, જેણે બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું નામ લઈ નમાઝ અદા કરી.

હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદ-ઉલ-ફિત્ર ની નમાઝ પઢી.

આમ, ઇસ્લામમાં ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો. ઈદશબ્દ મૂળ અબદપરથી આવ્યો છે. અબદએટલે પુનરાવર્તન. દરસાલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. અને ફિત્ર એટલે દાન. ઇદના દિવસે સદકા-એ-ફિત્ર દરેક મુસ્લિમ માટે વાજિબ છે. ઇદની નમાઝ પહેલા દરેક મુસ્લિમે સદકા-એ-ફિત્ર અદા કરવો જોઈએ. સદકા-એ-ફિત્રમા વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અથવા તેની રોકડમાં કિંમત ગરીબોને આપવાનો હુકમ સરીયાતમાં છે. આજના સમયમા મોટે ભાગે મુસ્લિમો રોકડમાં સદકા-એ-ફિત્ર આપવાનું પસંદ કરે છે. જેથી ગરીબ માનવી તે પૈસામાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તી ખરીદી શકે.

ઇદનો ચાંદ દેખાય તેની સાથે જ ઈદ-ઉલ-ફિત્રની રાત્રીનો આરંભ થઈ જાય છે. આ મુબારક રાત્રીને “લૈલતુલ જાઈઝા” કહે છે. અર્થાત ઇનામ અને ઇકરામ મેળવવાની રાત્રી. એક હદીસમાં લખ્યું છે,

“જે કોઈ આ રાત્રીએ ઈબાદત માટે જાગરણ કરશે, તેના માટે જન્નત વાજિબ થશે” 

ઇદની રાત્રી જેમ જ ઇદના દિવસનું પણ ખુબનું મહત્વ છે. સૌ મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. એ તપસ્યાનું પુણ્ય મેળવવાની ખુશી પણ ઇદની ખુશી સાથે જોડાયેલી છે. એ દિવસે અલ્લાહ ગર્વથી તેમના ફરીશ્તાઓને કહે છે,

“મારા બંદાઓએ મારા માટે સમગ્ર રમઝાન માસ દરમિયાન અન્ન, જળ અને વાસનાઓનો ત્યાગ કર્યો છે.”

અને એટલે જ ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદોઓ પર બે દ્રષ્ટિએ રહેમત ઉતારે છે.

૧. સમગ્ર રમઝાન માસમા કરેલ સખ્ત ઈબાદતનું ફળ ખુદા ઇદને દિવસે તેના બંદાઓને આપે છે.

૨. ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદાઓની દરેક દુવા કબુલ ફરમાવે છે.

આમ ઈદ એ આધ્યાત્મિક ખુશીનો તહેવાર છે. અને એટલે જ તેના આરંભે નીચેની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧.ઇદના દિવસે વહેલા ઉઠી જાવ. ૨. મિસ્વાક એટલે દાતણ કરો, ગુસલ અર્થાત સ્નાન કરો ૩.પોતાની પાસે ઉપલબ્ધ હોય તેમાંથી સ્વચ્છ અને સારા કપડા પહેરો ૪. અત્તર લગાડો. પણ આજે મળતા આલ્કોહોલ વાળા પરફ્યુમ કે સેન્ટનો ઉપયોગ ન કરો. ૫. ઈદની નમાઝ પઢવા ઈદગાહ કે મસ્જિતે સમયસર પહોંચી જાવ ૭. શક્યા હોય ત્યાં સુધી ઈદગાહ કે મસ્જીતે પગપાળા જાવ. ૮.નમાઝ પઢવા  જતા પૂર્વે ઉપર જણાવ્યા મુજબ સદકા-એ-ફિત્ર અદા કરો ૯. ઈદની નમાઝ પૂર્વે કોઈ મીઠી વસ્તુ ખાવ. ૧૦. મસ્જિત કે ઈદગાહ પર નમાઝ અદા કરવા જાવ તે જ રસ્તે પાછા ન ફરો. બીજા રસ્તે ઘરે પાછા જાવ.

ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ છે. નાના-મોટા, ગરીબ-અમીર સૌ એકજ સફ અર્થાત કતારમાં ઉભા રહી ઈદની નમાઝ પઢે છે. નમાઝ પછી મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને સ્વરછ કરી, પુન: પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ઈદ મુબારકકરવા આવે છે ત્યારે તેને ઉમળકાતી આવકારવમા આવે છે. પછી બંને એકબીજાના ગળે મળે છે. અને ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરે છે. આમ બંનેના હૃદય પુન: શુદ્ધ-નિર્મળ બને  છે.

ઈદએ દ્રષ્ટિએ એકબીજાની ભૂલોને માફ કરવાનો,પ્રાયશ્ચિત કરવાનો દિવસ પણ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું,

કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.

આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે. એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું. ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.

ચાલો, આપણે સૌ ઈદની ઉજવણી તેના ઉદેશને છાજે તેમ કરીએ. અને એ સાથે સૌ હુંદુ-મુસ્લિમ વાચકોને મારા આકાશ ભરીને ઇદ મુબારક.

Leave a comment

Filed under Uncategorized

સીરતુન-નબી : ડૉ. મહેબૂબ દેસાઈ

સીરતુન-નબી

૧.  

ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા. આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી.

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને જન્મ આપી, દૂધપાન કરાવી માતા આમેના તો ધન્ય બની ગયા. પણ એ ધન્યતાને પામનાર એક બાંદી સુબીયાહ પણ હતા. જન્મ પછી આપને સાત દિવસ સુધી માતા આમેનાએ દૂધપાન કરાવ્યું. એ પછીના સાત દિવસ આપને બાંદી સુબીયાહએ દૂધપાન કરાવ્યું હતું. એ ઘટના માનવતાના મસીહા મહંમદ સાહેબ (સ.અ.વ.)જીવન ભર ભૂલ્યા ન હતા.હઝરત ખદીજા સાથે આપના નિકાહ થયા પછી પણ આપના જીવનમાં સુબીયાહનું સ્થાન માનભર્યું અને “મા”ની બરાબરીનું જ રહ્યું હતું. જયારે જયારે સુબીયાહ આપને મળવા આવતા ત્યારે ત્યારે આપ ખુદ ઉભા થઈ તેમનું સ્વાગત કરતા. હિજરત પછી પણ આપ હંમેશા સુબીયાહને આદરપૂર્વક ભેટ સોગાતો મોકલતા રહેતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર મળતા આપ ગમગીન થઈ ગયા હતા. સુબીયાહના અવસાન પછી પણ તેમના કુટુંબની તમામ જવાબદારીઓ મુહંમદ(સ.અ.વ.)સાહેબે અદા કરી હતી.

————————————————————

સીરતુન-નબી

૨  

હઝરત મહંમદ સાહેબને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર એક સામન્ય બાંદી સુબીયાહ જેમ જ પોતાની દૂધ બહેન શૈમાસને પણ હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)જીવનભર ભૂલ્યા ન હતા. બચપણમાં મહંમદસાહેબ (સ.અ.વ.) હઝરત હલીમાને ત્યાં રહેતા હતા. હઝરત હલીમાની પુત્રી શૈમાસ રોજ મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ગોદમાં ઉપાડી ફરતા, રમાડતા. એક દિવસ શૈમાસ મહંમદ સાહેબને ગોદમાં ઉપાડી રમાડતા હતા, અને અચાનક બાળક મહંમદે શૈમાંસના ખભા પર બચકું ભરી લીધું. શૈમાસના ખભામાંથી લોહી નીકળ્યું. અસહ્ય વેદનાને કારણે શૈમાસની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ.પણ તેણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની આ ચેષ્ઠા સામે જરા પણ રોષ ન કર્યો. મહંમદ સાહેબે ભરેલા બચકાનું નિશાન શૈમાસના ખભા પર કાયમ માટે અંકિત થઈ ગયું. લગભગ પંચાવન વર્ષ પછી ગઝવ-એ-હુનૈનની લડાઈમા એક દિવસ કેટલાક સિપાઈઓ એક વૃદ્ધાને પકડીને લાવ્યા. ત્યારે એ સ્ત્રીએ કહ્યું,  “મારે તમારા નબીને મળવું છે.” ઘણી આનાકાની પછી સિપાઈઓ મહંમદ સાહેબ પાસે એ સ્ત્રીને લઈ ગયા. ૬૦ વર્ષની એ વૃદ્ધાને જોઈ મહંમદ સાહેબ (સ.અ.વ.) બોલ્યા, “તમારે મારું શું કામ છે ?” “મને ન ઓળખી ? હું તમારી દૂધબહેન શૈમાસ છું.” અને મહંમદ સાહેબ (સ.અ.વ.)પોતાના સ્થાન પરથી એકદમ ઉભા થઈ ગયા. આત્મીય સ્વરે આપ પૂછ્યું, “તમેં શૈમાસ છો ?” “હા, હું શૈમાસ છું.” એમ કહી પેલી વૃદ્ધ સ્ત્રીએ ખભા પરનું કપડું ખસેડી પેલું નિશાન બતાવ્યું. એ નિશાન જોઈ મહંમદ સાહેબને પંચાવન વર્ષ પહેલાનો એ પ્રસંગ યાદ આવી ગયો. અને મહંમદ સાહેબના કદમો શૈમાસ તરફ ઝડપથી ઉપડ્યા. શૈમાસ પાસે આવી પોતાના ખભા પરની કાળી કામળી જમીન પર પાથરી આપે ફરમાવ્યું, “બહેન શૈમાસ, તમે તો વર્ષો પછી મને મળ્યા. આવો આ કામળી પર બેસો અને ફરી એકવાર મને રમાડતા મારા બહેન બની જાવ” આ દ્રશ્ય જોઈ રહેલા સિપાયોની આંખો પણ ભાઈ-બહેનનું મિલન જોઈ આનંદના આંસુઓથી ઉભરાઈ આવી. પછી તો ભાઈ-બહેને કલાકો સુધી બચપનની વાતો વાગોળી. અંતે મહંમદ સાહેબે ફરમાવ્યું, “બહેન, મારી સાથે મદીના ચાલો. ત્યાં જ રહેજો. તમે બચપનમાં મારી ખુબ સંભાળ રાખી છે. હવે હું તમારી સંભાળ રાખીશ” પણ શૈમાસે પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી. મહંમદ સાહેબે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. અને અશ્રુભીની આંખે પોતાની દૂધ બહેનને વિદાય આપી. માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે.

——————————————————————————

સીરતુન-નબી

૩ 

ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.

મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,

“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”

—————————————————————

સીરતુન-નબી  

 

ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,

“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”

પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,

“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં

સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને  કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું  આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”

હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી  કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.

“અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.

———————————————————-

સીરતુન-નબી  

 

હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા હતા. આવા કેટલાક પત્રો અને તેના અસલ ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરવાની તક સાંપડી. આ ઐતિહાસિક પત્રોની ભાષા અને ઇસ્લામના સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની મહમદ સાહેબની વિનંતી ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવાર કે બળના જોરે થયાની આપણી સામાન્ય માન્યતાને ખોટી પાડે છે. જેમાં રોમના રાજા હરક્યુલસ, ઈજીપ્તના રાજા, બેહરીનના ગવર્નર મુનબીર, પર્શિયના બાદશાહ ખુશરો પરવેઝ અને હબશાના બાદશાહ નજાશીને મહંમદ સાહેબે ઇસ્લામ આવવા નિમંત્રણ આપતા લખેલા અસલ પત્રોના ફોટા ઉપલબ્ધ છે.

હબશ એ અરબી શબ્દ છે. તેને એ સમયે હબશહ તરીકે પણ ઓળખવામા આવતો હતો. અરબની દક્ષિણે પૂર્વ આફ્રિકા પાસે આવેલા આ દેશને ઇથોપિયા કે એબીસીનીયા તરીકે પણ ઓળખવામા આવે છે. મહંમદ સાહેબને પયગંબરી મળ્યાના સમયમાં ત્યાં અસ-હમદ બિન અબરાજ નામક બાદશાહ શાસન કરતો હતો. એ સમયે ત્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. ઇ.સ. ૬૧૪મા મક્કામાં કુરેશીઓના અત્યાચારથી હિજરત કરીને મુસલમાનોને હબશ અર્થાત એબીસીનીયા જવાનો આદેશ મહંમદ સાહેબે આપ્યો હતો. ત્યારે મહંમદ સાહેબે હિજરત કરી જતી બીજી ટુકડીના સરદારને હબશાના શાસક નજાશીના નામે એક પત્ર આપ્યો હતો. એ પત્રનું લખાણ મહંમદ સાહેબના એ સમયના ઉદાર વ્યવહારને સુંદર રીતે વ્યકત કરે છે. એ પત્રમાં લખ્યું હતું,

“હું તે અલ્લાહની પ્રસંશા કરું, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. જે સમગ્ર વિશ્વનો માલિક છે,પાક છે, રક્ષણદાતા છે, સલામતી અર્પનાર છે. હું ઈકરાર કરું છું કે ઈસા બિન મરિયમ અલ્લાહની રૂહ અને તેનો કલિમા છે. ઈસા મરિયમની કુખેથી જન્મ્યા છે. અલ્લાહે તેમને પોતાની રૂહ અને પોતાની શક્તિથી એવી રીતે પેદા કર્યા જેવી રીતે તેમણે આદમને પોતાના હાથે પેદા કર્યા હતા.”

ખ્રિસ્તી ધર્મની આટલી પ્રશંશા પછી ઇસ્લામની દાવત આપતા મહંમદ સાહેબ લખે છે,

“હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા નિમંત્રણ પાઠવું છું. જેનો કોઈ ભાગીદાર નથી. અલ્લાહ ઉપર ઈમાન લઇ આવો. અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો. મારી પયગંબરી સ્વીકારો. કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું”

આ પછી ઈ.સ. ૬૨૯મા મહંમદ સાહેબ એક પત્ર હબશાના શાસકને લખ્યો હતો. જે પત્ર લઈને હઝરત અમ્ર બિન ઉમૈયહ દમરી હબશા ગયા હતા. મહંમદ સાહેબનો પત્ર હબશાના બાદશાહને આપ્યા પછી તેમણે અસરકારક પ્રવચન કરતા કહ્યું હતું,

“હે આલીજાહ બાદશાહ,મારું કર્તવ્ય હક-સત્ય વાતની તબલીગ (પ્રચાર) કરવાનું છે. અને આપનું  કર્તવ્ય સત્યને સાંભળવાનું છે. અમને આપના ઉપર એટલો વિશ્વાસ અને સંતોષ છે કે અમે આપને અમારી જમાતથી અલગ નથી ગણતા.અમારી અને આપની વચ્ચે ઇન્જીલ કિતાબ સૌથી મોટી સાક્ષી છે.માટે રહેમતના પયગંબર મહંમદ (સ.અ.વ.)ની પેરવી સ્વીકારવી એ સુરક્ષા, બરકત, માન અને પ્રતિષ્ઠાનો ભંડાર પ્રાપ્ત કરવા સમાન છે”

————————————————————————————

સીરતુન-નબી

૬ 

મહંમદ સાહેબે રોમન શહેનશાહના દરબારમાં પણ પોતાના એક રાજદુત હઝરત દિહયર બિન ખુલૈફહ કલ્બી પોતાના પત્ર સાથે મોકલ્યો હતો. કલ્બી અંત્યત ખુબસુરત અને વિદ્વાન હતો. એ સમયે રોમના સામ્રાજયનું પાટનગર કુસ્તુન-તુનીયા નામક શહેર હતું. અને તેના બાદશાહનું નામ કૈસર હતું. તે હરક્યુલસ તરીકે પણ જાણીતો હતો. હરક્યુલસ ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. ઈશ્વરીય ગ્રંથો તવરાત અને ઈંજીલનો પ્રખર અભ્યાસુ હતો. મહંમદ સાહેબે પોતાના રાજદુત કલ્બી સાથે રોમના બાદશાહને મોકલેલ પત્રનું વાંચન ખુલ્લા દરબારમાં કરતા પહેલા મહંમદ સાહેબના રાજદુત કલ્બીએ ખુલ્લા દરબારમાં વક્તવ્ય આપતા કહ્યું હતું,

“હે બાદશાહ, અલ્લાહના જે પયગમ્બરે મને આપના દરબારમાં પોતાનો એલચી બનાવીને મોકલ્યો છે, તેઓ જગતના તમામ ઈન્સાનોમાં સૌથી શ્રેષ્ટ અને ઉંચો દરજ્જો ધરાવે છે. અને જે અલ્લાહે તેમને પોતાના પયગમ્બર બનાવ્યા છે તે સારાએ આલમમા સૌથી મહાન અને શ્રેષ્ટ છે. માટે જે કઈ હું વિનંતી રૂપે કહું તેને ધ્યાનથી, શાંતચિત્તે, દિલથી સાંભળશો અને સંપૂર્ણ વિચારીને તેનો ઉત્તર પાઠવશો. જો પુરા ધ્યાનથી મારી વાતો સાંભળવામાં નહિ આવે તો આ મુબારક પત્રના હાર્દ સુધી પહોંચવું આપના માટે શકય નહિ બને”

આટલી ભૂમિકા પછી એલચી કલ્બીએ મહંમદ સાહેબનો પત્ર ખુલ્લા દરબારમાં વાંચ્યો. જેમાં લખ્યું હતું,

“આ પત્ર મહંમદ જે અલ્લાહનો બંદો અને તેનો રસુલ છે, તેના તરફથી રોમના રઈસે આઝમ હીરકલસના નામે મોકલવામાં આવી રહ્યો છે. આ પત્ર દ્વારા હું આપને ઇસ્લામની દાવત આપું છુ. મુસ્લિમ બની ખુદાની સલામતી મેળવી લો. અલ્લાહ તમને બમણો બદલો આપશે. અલ્લાહની પનાહ નહિ સ્વીકારો તો તમારા દેશવાસીઓના તમે ગુનેગાર બનશો. હે અહેલે કિતાબ, આવો એ તરફ જે અમારી અને તમારી વચ્ચે સરખી છે. આપણે અલ્લાહ સિવાય કોઈની બંદગી નહિ કરીએ. આપણામાંથી કોઈ અલ્લાહને છોડીને એકબીજાને પોતાના પાલનહાર નહિ બનાવીએ”

પત્ર પૂર્ણ થતા સમગ્ર દરબારમાં એક પળ માટે સમશાનવત શાંતિ પ્રસરી ગઈ. એ શાંતિનો ભંગ કરતા રોમના બાદશાહ હરક્યુલસે તેના દરબારીઓને કહ્યું,

“તમારી ઈચ્છા હોય કે દેશ ખુદાની રહેમતથી સલામત રહે અને તમે સફળતા મેળવતા રહો તો, અરબના આ નબીની પેરવી ગ્રહણ કરવી એ જ એક માત્ર નેકીનું કામ છે”

———————————————————————————

સીરતુન-નબી

૭   

ઇસ્લામમાં પણ હઝરત મહંમદ સાહેબ અને તેમના પ્રથમ પત્ની ખદીજાનો પ્રેમ પવિત્રતાની આદર્શ મિશાલ છે. આજે મહંમદ સાહેબ અને હઝરત ખદીજાના પવિત્ર અને ત્યાગી પ્રેમની વાત કરાવી છે. જે આજના યુવાનો માટે પ્રેરક દ્રષ્ટાંત છે.

વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા. એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિયા  મોકલવાની તેમની ઈચ્છા હતી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. હઝરત ખદીજા એ મહંમદ સાહેબની પસંદગી કરી. મહંમદ સાહેબ (સ.અ.વ.) ની ઈમાનદારી, કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા. તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય. તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
“મહંમદ સાહેબ, આપ શાદી કેમ કરતા નથી ?”
“હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
“હા, પણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
“તું કોની વાત કરે છે?”
“મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
“ખદીજા મારી સાથે શાદી કરશે ?”
“એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
આમ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પણ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. એક 

દિવસ હઝરત ખદીજાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો સંદેશો મોકલ્યો,

“કુરૈશી સમાજમાં આપની શરાફત, આપની અમાનતદારી, આપની સહનશીલતા અને આપના બેનમુન સંસ્કારોની ઘેરઘેર ચર્ચા ચાલે છે. આ કારણે મારું દિલ આપની તરફ આકર્ષાયું છે.તેથી નિકાહના પવિત્ર બંધનથી જોડાઈ જવાની મારી પ્રબળ ઈચ્છા છે.આશા રાખું છું કે મારી આ દાવતને આપ મંજુર ફરમાવશો”

આમ ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયા, ત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો.

નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી) હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગી હતી. છતાં તેમની એ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો હતો. અને તેમને સાથ આપ્યો હતો.

૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું. ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.) અત્યંત દુઃખી હતા. તેમની આંખો આંસુઓથી સતત ઉભરાયેલી હતી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
“આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી. જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.

જે પ્રેમમાં ઈબાદત છે, સાદગી છે. સરળતા છે, ત્યાગ છે. સમર્પણ છે. બલિદાન છે. પવિત્રતા છે. તે જ સાચો પ્રેમ છે.

———————————————-

સીરતુન-નબી

૭   

“જે અન્યાય કરે તેને તું ક્ષમા આપ. જે તને પોતાનાથી વિખુટો કરે તેની સાથે મેળ કર. જે તારી પ્રત્યે બુરાઈ કરે, તેની પ્રત્યે તું ભલાઈ કર. અને હંમેશા સત્ય બોલ. ભલે પછીએ એ તારી વિરુદ્ધ જતું હોય”

જેમની તલવારની મુઠ પર આ શબ્દો કોતરાયેલા હતા, એ ઇસ્લામના સર્જક હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના કેટલાક જીવન પ્રસંગો મનન કરવા જેવા છે. એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું,

 ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.’
એ વ્યકિતએ પૂછ્યું, ‘માતા પછી કોણ?’
‘તારી માતા’ ફરી એ જ જવાબ મળ્યો.
‘એ પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું,  ‘એ પછી તારા પિતા.’
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.’
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી 

દોઝક મળે છે.
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ 

પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને 

જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ 

ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, “આપણી છત નીચે પૈસા કે કંઇ 

સોનું-ચાંદી નથી ને ?’ આયશાને યાદ આવી જતાં બોલી ઉઠ્યા, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.’
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.’

મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. 

ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બર સાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.’
મહંમદસાહેબે બોલ્યા,

‘પણ હું મારી જાતને તમારા કરતાં ઉંચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં 

ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’ 

—————————————————————

સીરતુન-નબી

હઝરત અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા. તેમણે ઈ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી ઇસ્લામિક સામ્રાજ્ય પર ખલીફા તરીકે શાસન કર્યું હતું. ઇસ્લામી શિયા સંપ્રદાય અનુસાર તેમણે ઇ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી પ્રથમ ઈમામ તરીકે કાર્ય કર્યું હતું. ઇસ્લામી ઇતિહાસમાં હઝરત અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ. ઈમાન, અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા પણ હતા. હિજરી સન નવમાં મહંમદ સાહેબે તાબુક પર ચડાઈ કરી ત્યારે હઝરત અલીને યુધ્ધમાં સાથે લેવાને બદલે તેમને કુટુંબ અને કબીલાની સંભાળ રાખવા રાખ્યા. પરિણામે કેટલાક લોકોએ હઝરત અલીને ટોણા માર્યા કે,

“પયગમ્બર સાહેબ તમારામાં કઈ કુવત જોવે તો યુધ્ધમાં સાથે લઇ જાય ને ?”

આથી હઝરત અલી મહંમદ સાહેબ સાથે યુધ્ધમાં જવા તૈયાર થઇ ગયા. પણ મહંમદસાહેબે તેમને અટકાવતા કહ્યું,

“તુ તો મારો હારુન છે. ફરક એટલો જ છે કે મુસા પછી હારુન પયગમ્બર થયા હતા. પણ હું આખરી પયગમ્બર હોવાથી તું પયગમ્બર નહિ બની શકે”

મહંમદ સાહેબના આવા પ્રખર અનુયાયી હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાંહદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે. ખ્વારીજ અબ્દ અલરહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. 

એ યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના 

સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને 

નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના 

પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,

“જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તો, હઝરત અલીનું માથું લાવીને મને આપ”

આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ 

પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની એ મસ્જિતમા આવી સંતાયા, જ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા. એ દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢવા મસ્જીદના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. 

હઝરત અલી ગંભીર રીતે ઘવાયા. આ ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં જ મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે 

લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા 

પણ અફસોસ ન હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી 

શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર 

પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,

“ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી ન કરશો. જો મારું 

અવસાન થાય તો, ઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન ન કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે”

અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન 

થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે

——————————————————

સીરતુન-નબી

યુવાનીમાં “અલ અમીન” અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબમાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક “લાઈફ ઓફ મહંમદ” માં લખે છે,

“મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાંતમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શો, એ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવા, ચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી.

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટો, યાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા.” યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,

“તેઓ શરૂઆતથી શાંત અને મહાન હતા. ધ્ય્યના પાકા અને દિલના સાચા થયા સિવાઈ રહી જ શકે નહિ એવાઓમાના તે એક હતા. આ પ્રકારના પુરુષોને ખુદ પ્રકૃતિ શરૂઆતથી જ સાચા બનાવે છે. બીજા લોકો રીતરિવાજો પ્રમાણે અને સાંભળેલી વાતો પ્રમાણે ચાલે છે, એટલાથી જ તેમને સમાધાન મળી રહે છે. પરંતુ આ પ્રકારના પુરુષનો આત્મા રીતરિવાજના પડદા પાછળ છુપાઈ રહી શકે તેમ નહોતું. તેમને પૂરા દિલથી વસ્તુઓનું સાચું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે આ જીવનના જબરજસ્ત રહસ્યને, તેની બિહામણી બાજુઓ અને તેનો પ્રકાશ બન્નેને પૂરીપૂરી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. કોઈ સાંભળેલી વાત તેમના આત્માને, તેમની હસ્તીને દબાવી શકતી નહોતી. આવી સાચી લગનીવાલા માણસમાં ઈશ્વરનો કાઈક ખાસ અંશ હોય એમાં શંકા નથી.

તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતા, જગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા.”

યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક “મહંમદ એન્ડ મહંમદઇઝમ”માં લખે છે,

“મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન), એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો”

ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક “પ્રીચિંગ ઓફ ઇસ્લામ” માં લખે છે,

“મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું” 

સીરતુન-નબી

૯ 

મહંમદ સાહેબ ન તો કોઈ બાદશાહ હતા, ન કોઈ શાશક હતા. તેઓ ન કોઇ સેનાપતિ હતા, ન કોઈ સમાજ સુધારક હતા. તેઓ ન કોઈ ચિંતક હતા, ન કોઈ વિદ્વાન હતા. અને આમ છતાં તેમણે પોતાના આદર્શ જીવન કવન દ્વારા અરબસ્તાનની જંગલી પ્રજામાં અદભુદ પરિવર્તન આણ્યું હતું. તેઓ કયારે કોઈ સિંહાસન પર બેઠા નથી. છતાં હજારો લાખો માનવીઓના હદય પર તેમણે શાશન કર્યું હતું. કોઈ મહેલોમાં રહ્યા નથી. છતાં અરબસ્તાનના દરેક ધરમા એમનો વાસ હતો. કોઈ ભવ્યતાને સ્પર્શ્યા નથી. છતાં અનેક ભવ્યતાઓ તેમની સાદગીમાં ઓગળી ગઈ હતી. તેમણે કોઈ આદેશો આપ્યા નથી. આમ છતાં અરબસ્તાનની પ્રજા તેમના એક વચન પર કુરબાન થવા તૈયાર હતી. કારણ કે તેમણે અરબસ્તાનની પ્રજાના દિલો પર શાશન કર્યું હતું. મહમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન માનવ સમાજના દરેક પાસાઓને બખૂબી નિભાવ્યા હતા. એક શિષ્ટ નવયુવક, પ્રમાણિક વેપારી, પ્રેમાળ પતિ, માયાળુ પિતા, નિખાલસ મિત્ર, હમદર્દ પાડોશી, અમાનતદાર અને ભરોસાપાત્ર સમાજસેવક, નિડર અને શુરવીર સેનાપતિ, મોભાદાર અને બુદ્ધિશાળી શાશક, લોકપ્રિય આધ્યાત્મિક નેતા, ઇન્સાફ પસંદ ન્યાયધીશ વગેરે તમામ સ્થિતમાં તેમણે માનવજીવનનો આદર્શ રજુ કર્યો હતો. ટૂંકમાં, જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી, જેમાં આપે આદર્શ જીવનની છાપ ન છોડી હોય. એ દ્રષ્ટિએ એ જોઇએ તો તેઓ સર્વ ગુણ સંપન પ્રજા પ્રિય પયગંબર હતા.

* મહંમદ સાહેબ સત્ય વક્તા હતા. આજીવન તેઓ સત્યનું આચરણ કરતા રહ્યા હતા. 

* સાદગી તેમનો જીવન મંત્ર હતો. તેઓ હંમેશા સાદું અને સરળ જીવન જીવ્યા હતા.

* તેઓ નમ્ર અને દયાળુ હતા

* અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા. ગુસ્સો કે ક્રોધ તેમના સ્વભાવમા ન હતા.

* પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા. 

* પોતાના નાના મોટા તમામ સહાબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા, તેમને માન આપતા. * સલામ કરવામાં હંમેશા પહેલ કરતા.* વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.* મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.

* બીમારની અચૂક ખબર લેતા.

* પ્રવાસે જનાર માટે હંમેશા પ્રાર્થના કરતા.

* મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.

* નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.

* દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.

* ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.

* જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.

* કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.

* દરેકના માન-મરતબાનું ખાસ ધ્યાન રાખતા.

* ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.

* અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.

* ખુદાની દરેક નેમતો – બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.

* મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી મહેમાનોને જમાડતા.

* પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર પૂછતાં રહેતા.

* પોતાના જોડા પોતે જ સીવતા.

* પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.

* ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.

* અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.

* નમાઝ (પ્રાર્થના) લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકો કરતા.

ઈમાનદાર માનવીની નિશાની આપતા મહંમદ સાહેબ ફરમાવ્યું છે,

“ભલાઈ કરીને જે ખુશ થાય અને કંઇ પણ ખોટું થાય તો તે દુઃખ અને પ્રાયશ્ચિત અનુભવે”

મહંમદ સાહેબનો પશુ પ્રેમ પણ અનહદ હતો. તેઓ કહેતા,

“જે કોઈએ નાનકડી ચકલીને પણ નાહક મારી, તો તે અંગે કયામતના દિવસે અલ્લાહને જવાબ આપવો પડશે. ધિક્કાર છે એ લોકોને જેઓ પશુને છુંદી નાખે છે, માત્ર પોતના આનંદ પ્રમોદ માટે તેમના શરીરને ચીરી-ફાડી નાખે છે.”

સ્ત્રીઓના દરજ્જા અંગે પણ તેઓ કહેતા,

“માતાના પગ નીચે સ્વર્ગ છે. જેને ત્રણ પુત્રીઓ, બે પુત્રીઓ કે એક પુત્રી હોય તે તેઓનું સારી રીતે પાલન પોષણ કરે અને પોતાના પુત્રોને પ્રાધાન્ય ન આપે, તો તે વ્યક્તિ અને હું જન્નતમાં તદન સમીપ હોઈશું.”

પ્રેમ અને ભાઈચારો મહંમદ સાહેબના જીવનનો આદર્શ હતો. તેઓ ફરમાવતા,

“જેની પાસે જરૂરતથી વધારે ખાવાનું હોય, તે તેને જરૂરતમંદોને ખવડાવી દે. તમારામાંથી કોઈ વ્યક્તિ પોતાની જમીન, ઘર, ખેતર કે બગીચો વેચવાનો ઈરાદો કરે તો સૌ પ્રથમ તેની જાણ પોતાના પાડોશીને કરે.”

આવા અનેક માનવીય આદર્શોને મહંમદ સાહેબ પોતાના જીવનમાં સાકાર કર્યા હતા. અને એના કારણે જ વિશ્વમાં ઇસ્લામ આજે પણ જીવંત છે અને યુગો સુધી રહેશે.- આમીન.

————–

સીરતુન-નબી

૧૦  

હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના માતા આમિના તો બાળક મહંમદ સાહેબને સાત દિવસથી  વધારે દૂધપાન કરાવી શક્ય નહિ. કારણ કે તેઓ અત્યંત બીમાર રહેતા હતા. પરિણામે થોડા દિવસ અબદુલ મુત્તલીબના બીજા પુત્ર અબુ લહબની દાસીએ મહંમદ સાહેબને દૂધપાન કરાવ્યું હતું. એ પછી મક્કા પાસેની એક ટેકરી પરથી “સાદ” કબીલાની હલીમા નામની એક સ્ત્રીએ બાળક મહંમદ સાહેબને પોતાના ઘરે લઇ જઈ ઉછેર્યા. મહંમદ સાહેબની ઉંમર પાંચ વર્ષની થતા આયા હલીમાએ બાળક મહંમદ સાહેબને તેમની માં આમિનાને પાછો સોંપી દીધો. પરંતુ બીજે વર્ષે જ માતા આમિના પણ અવસાન પામ્યા. આમ એક ઊંચા કુળમાં જન્મ્યા છતાં બાળક મહંમદ સાહેબને માબાપનું સુખ મળી શક્યું નહિ.

મોટા થયા પછી મહંમદ સાહેબે કેટલીય વાર ભરેલે હદયએ માતા આમિનાની કબરની મુલાકાત લીધી હતી. આયા હલીમા સાથે પણ જિંદગીમાં ઘણીવાર તેમની મુલાકાત થઇ હતી અને દરેક વખતે તેમણે હમીમા પ્રત્યે પ્રેમ અને આદર રાખ્યો હતો.

માતાના મરણ પછી કેટલાક વર્ષો દાદા અબદુલ મુત્તલીબે અનાથ મહંમદની સંભાળ રાખી અને ત્યાર પછી અબદુલ મુત્તલીબના મોટા દીકરા અબુ તાલીબે તેમાનું પાલન પોષણ કર્યું. મહંમદ સાહેબની ઉમર લગભગ દસ વર્ષની હતી તે અરસામાં તેમનો ઘણો સમય મક્કાની આસપાસની ટેકરીઓ પર અબુ તાલિબની બકરીઓ ચરાવવામાં પસાર થયો હતો.

નાનપણથી જ મહંમદ સાહેબને એકાંતમાં રહેવાની અને ચિંતન કરવાની ટેવ હતી. તેમના સાથીઓ જયારે રમતગમતમાં સમય વ્યતીત કરતા ત્યારે મહંમદ સાહેબ કહેતા,

“માણસને રમતગમતમાં વખત વ્યય કરવા માટે નહિ પણ કોઈ ઉંચ્ચ આદર્શ માટે પેદા કરવામાં આવ્યો છે.”

બાર વર્ષની ઉંમરે મહંમદ સાહેબ પોતાના કાકા અબુ તાલિબ સાથે એક વેપારી કાફલામાં મક્કાથી પહેલીવાર સિરિયા ગયા. રસ્તામાં તેમને કેટલીક યહૂદી વસ્તીઓમાં થઈને જવાનું થયું. આથી તેમને તે સમયે યહૂદી ધર્મ વિષે ઘણી માહિતી મળી. સીરિયા દેશ તે સમયે રોમના ખ્રિસ્તી સમ્રાટોના તાબામાં હતો.  ત્યાં ખ્રિસ્તી ધર્મનું ખુબ જોર હતું. મહંમદ સાહેબને પોતાની જુવાનીના દિવસોમાં ઘણી વાર સીરિયા જવાના પ્રસંગો આવ્યા હતા. એક વિદ્વાન લખે છે,

“સીરિયામાં મહંમદને લોકોની બૂરી હાલત અને ધર્મની પડતીનું એટલું સ્પષ્ટ દર્શન થયું કે તેનું ચિત્ર તેમની નજર આગળથી કદી ખસ્યું નહિ.”  

સીરતુન-નબી

૧૧   

એક તરફ અબૂ તાલિબ જેવા માયાળુ કાકા અને બીજી તરફ હઝરત ખદીજા જેવા વફાદાર પત્નીના સાનિધ્યમાં મહંમદ સાહેબ ખુદાની યાદમાં મશગુલ રહેતા હતા. મહંમદ સાહેબ ફુરસતનો સમય ઘરની બહાર એકાંતમાં વિતાવતા. મક્કાથી ત્રણ ચાર માઈલના અંતરે એક પહાડ આવેલો છે. તેનું નામ છે “જબર-એ-નૂર” આ પહાડમાં એક ગુફા છે. જેનું નામ છે “હીરા”. મહંમદ સાહેબ મોટે ભાગે “ગારે હીરા”ના એકાંતમાં ખુદની યાદમાં લીન રહેતા. ખાસ કરીને રમઝાન મુબારકનો મહિનો તો આપ વધુમાં વધુ સમય ગારેહીરામાં જ વિતાવતા.

“વહી” એટલે છૂપી વાતચીત, ઈશારો. ઇસ્લામિક સાહિત્યમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ, પયગામ. હઝરત મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વહાલ પુત્ર કાસિમની વફાત (અવસાન) થઇ હતી. આમ છતાં મહંમદ સાહેબ બીજા દિવસે ગારેહિરામાં ચિંતન, મનન કરવા ગયા. એ દિવસ રમઝાન માસનો ચોવીસમો રોઝો હતો. એ દિવસે પણ મહંમદ સાહેબ એકાગ્રચિત્તે ગારેહીરામાં ખુદાની યાદમાં લીન હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતા. કાળી અંધારી રાત પોતાની સફર ખત્મ કરવાની તૈયારીમાં હતી. પ્રભાતનું ઝાખું અજવાળું ધરતીના સીના પર પ્રસરી રહ્યું હતું. બરાબર એ જ સમયે અલ્લાહના ફરિશ્તા હઝરત જિબ્રાઈલનો અવાજ ગુંજી ઉઠયો,

“ઈકરાહ” અર્થાત પઢો

હઝરત મહંમદ સાહેબ આ આદેશ સાંભળી ચકિત થયા. પોતના આશ્ચર્યને વ્યક્ત કરતા આપે ફરમાવ્યું,

“મા અના બિ-કારી-ઇન” અર્થાત મને પઢતા-વાંચતા નથી આવડતું. ફરીવાર એ જ આદેશ આવ્યો. અને ફરીવાર આપે એ જ જવાબ આપ્યો. લગભગ ત્રણ વાર આ વ્યવહાર થયો. ચોથી વાર ફરીશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા મહંમદ સાહેબને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ મહંમદ સાહેબ પર ઉતારેલ એ સૌ પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહિ, પણ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ છે. એ આયાત (શ્લોક) માં ખુદાએ ફરમાવ્યું છે,

“પઢો વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધી તેને શીખવી છે.”

હઝરત મહંમદ સાહેબ પર ઉતરેલી આ સૌ પ્રથમ આયાત ઇસ્લામમાં ઇલ્મની મહત્તા વ્યક્ત કરે છે. ઇસ્લામના પાયાના સિદ્ધાંતોમાનો એક સિધ્ધાંત ઈલ્મની પ્રાપ્તિ છે. જ્ઞાન ઉપાર્જનના અગત્યના સાધન તરીકે કલમનો આ આયાતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

“જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું”

જ્ઞાન એ સમગ્ર માનવજાત માટે અત્યંત અનિવાર્ય બાબત છે. અને એટલે જ ચાલીસ વર્ષની વયે મહંમદ સાહેબ પર વહી (સંદેશ) દ્વારા ઉતારેલ આ પ્રથમ આયાત સમગ્ર માનવજાતને ઇલ્મ-જ્ઞાનની મહત્તાનો સંદેશ આપે છે.

———————————————————————————— 

સીરતુન-નબી

૧૨    

હઝરત ઈબ્રાહીમ (અ.સ.) એ કાબા શરીફનું નિર્માણ કર્યું. અને તેમણે જ કાબાની દીવાલમાં હઝરત જિબ્રાઈલ (અ.સ.)એ આપેલા “હજરે અસ્વાદ” મઢ્યો. એ પછી છેક મહંમદ સાહેબની ઉંમર ૩૫ વર્ષની હતી ત્યારે કાબાનું પુનઃ નવસર્જન થયું. કાબાની જૂની દીવાલો દૂર કરી નવી દીવાલો ઉભી કરવામાં આવી. એ સમયે “હજરે અસ્વાદ”ને સાચવીને દીવાલમાંથી કાઢવામાં આવ્યો. જયારે નવી દીવાલોનું સર્જન થયું ત્યારે “હજરે અસ્વાદ” પાછો તેની મૂળ જગ્યાએ ગોઠવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો.. અને મક્કાના જુદા જુદા કબીલાઓમાં એ માન ખાટવા લડાઈ ઝગડા શરુ થયા. કબીલાઓ વચ્ચે આ અંગે મતભેદો એટલા ઉગ્ર બન્યા કે મામલો ખૂન ખરાબા પર આવી ગયો. કબીલાઓ વચ્ચે તલવારો ખેંચાઈ. “હજરે અસ્વાદ” પોતાના કબીલાના સરદારના હસ્તે ગોઠવાય તેવા તમામ કબીલાઓ આગ્રહ સેવતા હતા. મક્કામાં લોહીના પ્યાલાઓમા હાથ બોળીને સૌ કબીલોઓએ  સોગંદ લીધા કે અન્ય કોઈ “હજરે અસ્વાદ” એ હાથ પણ લગાડશે તો મક્કામાં ખૂનની નદીઓ વહેશે. સતત પાંચ દિવસ સુધી મક્કામાં આવું ઉગ્ર વાતાવરણ રહ્યું. આ ઝગડાનો નિકાલ કેવી રીતે લાવવો એ જ કોઈને સમજાતું ન હતું. અંતે મક્કાના વયોવૃદ્ધ અબૂ  ઉમૈયહ બિન મુગીરહ મખ્ઝુમએ માર્ગ  ચીંધ્યો,

“કાલે સવારે જે વ્યક્તિ પહેલા હરમ શરીફમાં દાખલ થાય એ વ્યક્તિ જે નિર્ણય આપે તે સૌ કબીલાઓએ માન્ય રાખવો.”

બીજા દિવસે હરમ શરીફ સૌ પ્રથમ હઝરત મહંમદ સાહેબ દાખલ થયા. એ સમયે હજુ તેમના પર વહી ઉતરવાનો આરંભ થયો ન હતો.  છતાં મક્કામાં તેમની પ્રતિષ્ઠા ખાસ્સી હતી. મક્કાવાસીઓ તેમને “અમીન” અને “સાદિક” કહીને બોલાવતા હતા.

મહંમદ સાહેબે તકરારનો મુદ્દો બરાબર જાણી લીધો. પછી ફરમાવ્યું,

“એક ચાદર લાવો.”

ચાદર આપને પેશ કરવામાં આવી. મક્કવાસીઓ આતુર નજરે મહંમદ સાહેબ આ સળગતા પ્રશ્નનો શું ઉકેલ કરે છે તે જોવા ઉત્સુક હતા.  મહંમદ સાહેબે ફરમાવ્યું,

“ચાદરને જમીન પર પથારી દો.”

ચાદર જમીન પર પથારી દેવામાં આવી. પછી મહંમદ સાહેબએ પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વાદ” ચાદરમાં મુક્યો. અને ફરમાવ્યું,

“દરેક કબીલાના સરદાર ચારે બાજુથી આ ચાદર પકડે અને સાથે મળીને ચાદર ઉપાડે.”

અને આમ બધા સરદારોએ સાથે મળીને ચાદર ઉપાડી અને “હજરે અસ્વાદ” કાબા દીવાલ પાસે લઇ ગયા, પછી મહંમદ સાહેબે પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વાદ”ને કાબા શરીફની દીવાલમાં ગોઠવ્યો. મહંમદ સાહેબના કુનેહ ભર્યા આ નિર્ણયે મક્કામાં પુનઃ શાંતિ સ્થાપી. અને લોકો મહંમદ સાહેબના આ ફેસલાથી ઘણાં પ્રભાવિત થયા.

——————————————————————————

સીરતુન-નબી

૧૩     

અલ અમીન એટલે અમાનત રાખનાર, શ્રધ્ધેય, વિશ્વાસપાત્ર, ઈમાનદાર, સત્યનિષ્ઠ. અરબી ભાષામાં અલ શબ્દનો ઉપયોગ અગ્રેજી શબ્દ “The” જેમ થાય છે. જાતી વાચક સંજ્ઞાને વ્યક્તિ વાચક બનાવવા અરબી ભાષામાં અલ શબ્દ પ્રયોજાય છે. હઝરત મહંમદ સાહેબને ભર યુવાનીમાં મક્કાવાસીઓએ “અલ અમીન” નો ખિતાબ આપ્યો હતો. અરબસ્તાનની અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ પ્રજામાં મહંમદ સાહેબ વિશ્વાસ અને શ્રધ્ધાના પ્રતિક સમા બની ગયા હતા. એક સહાબી (અનુયાયી) એ મહંમદ સાહેબના એ સમયના વ્યક્તિત્વનો પરિચય આપતા કહ્યું છે,

“આપ ઘણાં જ દયાળુ અને રહેમદિલ હતા. સદાચારી અને વિવેકી હતા. હસમુખ અને વિનોદી હતા. પાડોશીઓના મદદગાર અને હમદર્દ હતા. દરેક સાથે ભલાઈ અને મિલનસારથી વર્તનાર હતા. અત્યંત પુક્ત અને સહનશીલ હતા. મહેમાનોને હદયપૂર્વક આવકારનાર અને તેમની દિલોજાનથી સેવા કરનાર હતા. સત્યપ્રિય અને પ્રમાણિક હતા. તમામ કુટેવોથી કોસો દૂર હતા. ઉદાર અને મનના મોટા હતા. બહાદુર અને વીર નર હતા. અંગત વેરઝેરથી પર હતા. સાચા વચનપાલક અને વચનભંગ કરનાર પ્રત્યે પણ નારાજ ન થનાર હતા.”

એકવાર મહંમદ સાહેબ સાથે વેપાર કરનાર અબ્દુલ્લાહ બિન અબી હમસાયાને વેપારના સૌદા મુજબ મહંમદ સાહેબને એક મોટી રકમ આપવાની થઇ. અબ્દુલ્લાહ બિન અબી હમસાયા પાસે એટલી રકમ ન હતી. એટલે તેણે કહ્યું,

“મહંમદ સાહેબ આપ અહિયાં જ ઉભા રહો. હું રકમની વ્યવસ્થા કરી અબધડી આવું છું.”

મહંમદ સાહેબને વાયદો કરી અબ્દુલ્લાહ બિન અબી હમસાયાનેતો ભૂલી ગયા. ત્રણ દિવસ પછી તેને યાદ આવ્યું કે મહંમદ સાહેબને મેં ત્યાંજ ઉભા રહેવા જણાવ્યું છે. અને તેઓ વચનના પાકા છે. એટલે ત્યાં જ ઉભા હશે. અબ્દુલ્લાહ દોડતો એ સ્થળે પહોંચ્યો. મહંમદ સાહેબ હજુ ત્યાં જ ઉભા હતા.

ચહેરા પર ગુસ્સો કે નારાજગીની એક પણ રેખા ન હતી. અબ્દુલ્લાહને જોઈ ચહેરા પર સ્મિત પાથરતા મહંમદ સાહેબએ કપાળ પરનો પસીનો લૂછયો પછી એટલું જ ફરમાવ્યું,

“અબ્દુલ્લાહ તમે મને નકામી જહેમત આપી. હું ત્રણ દિવસથી તમારી રાહ જોઈ રહ્યો છું.”

કૈસ બિન સાઈબ મખ્ઝુમી એક વેપારી તરીકે મહંમદ સાહેબનું મૂલ્યાંકન કરતા કહે છે,

“જાહિલિયતના એ યુગમાં રસૂલે પાક વેપારમાં મારા ભાગીદાર હતા. આપ જેવા ઉત્તમ અને ઈમાનદાર ભાગીદાર મેં એ પછી ક્યારેય જોયા નથી.”

મહંમદ સાહેબની યુવાનીના એ દિવસોમાં પણ એક પયગંબરને છાજે તેવું તેમનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ હતું. અને એટલે જ ઇબ્ને હાશીમએ આ અંગે લખ્યું છે,

“રસૂલે પાક એવી હાલતમાં યુવાન થયા જયારે અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને દરેક પ્રકારની બૂરાઇઓ મક્કામાં ફેલાયેલી હતી. પણ ખુદાએ મહંમદ સાહેબને આ તમામ બૂરીઈઓથી પર રાખ્યા. તમામ બદીઓથી મહંમદ સાહેબનું રક્ષણ કર્યું. કેમ કે ખુદા મહંમદ સાહેબને મહાન પયગંબર તરીકે પસંદ કરી ચૂક્યા હતા.”  

———————————————————————————-

સીરતુન-નબી

૧૪      

મક્કા શહેરમાં આવેલ સફા અને મરવહ પહાડીઓનું મહત્વ માત્ર હજજ પૂરતું સીમિત નથી. આ એ જ પહાડી છે જેના પરથી સૌ પ્રથમવાર મહંમદ સાહેબએ મક્કાવાસીઓને ઇસ્લામની દાવત આપી હતી. ઇસ્લામની દાવત આપવી એટલે ઇસ્લામનો અંગીકાર કરવા જાહેરમાં નિમંત્રણ આપવું.

મહંમદ સાહેબને વહી દ્વારા આયાત સંભળાઈ,

“હે નબી, આપને જે હુકમ આપવામાં આવ્યો છે તેને હવે છડે ચોક જાહેર કરો અને વિરોધીઓના વિરોધની પરવા ન કરો.”

ખુદાના આદેશ પછી હઝરત મહંમદ પયગંબર સાહેબએ ઇસ્લામનો છૂપો પ્રચાર કરવાનું બંધ કર્યું અને ખુલ્લી રીતે તબલીગ (પ્રચાર) નો આરંભ કર્યો. અને એ આરંભ માટે તેમણે ”સફા” નામની પહાડીની પસંદગી કરી. એક દિવસ મહંમદ સાહેબ “સફા” ની ટેકરી પર ચડી ગયા ત્યાંથી તેમણે પોકાર કરી મક્કાવાસીઓને ભેગા કર્યા. પછી મહંમદ સાહેબએ ફરમાવ્યું,

“હે મક્કાવાસી, હું મરણ પછીના જીવનને જોઈ શકું છું. મૃત્યું માથે ઉભેલું છે. મૃત્યું પછી દરેકે ખુદાના દરબારમાં જવાનું છે. પોતાના કર્મોનો હિસાબ આપવાનો છે, અગર તમે મારી વાતો પર ઈમાન નહિ લાવો તો ખુદાના અઝાબનું લશ્કર તમારા પર તૂટી પડશે. હે મક્કાવાસીઓ, ખુદાએ મને હુકમ આપ્યો છે કે હું તમને તેના અઝાબથી ડરાવું. તમે માત્ર “લાઈલાહા ઈલ્લ્લાહ” કહી દો બસ એથી વધારે મારે કશું જ જોઈતું નથી.”

જો કે મહંમદ સાહેબની આ જાહેરાતનો એ સમયે ખાસ્સો વિરોધ થયો હતો. મહંમદ સાહેબના કાકા અબૂ લહબે તેનો વિરોધ કર્યો. પણ એ વિરોધથી મહંમદ સાહેબ જરા પણ વિચલિત થયા નહિ. ઇસ્લામના નૈતિક સિદ્ધાંતોથી મક્કાવાસીઓને વાકેફ કરવા મક્કાની બજારો, ગલીઓ, મજલિસો, મેળાઓ અને ઘરોમાં બેઝીઝક જતા અને લોકોને કહેતા,

“હે લોકો, ખુદાની ઈબાદત કરો. જે આખા જગતનો સર્જનહાર છે. પાલનહાર છે.”

આ સંદેશ સાથે સમાજ સુધારણાની તબલીગનો પણ મહંમદ સાહેબે આરંભ કર્યો હતો. મક્કવાસીઓને ચોરી, બેઈમાની, દગાબાઝી, જુગાર, જુઠ અને દીકરીઓને જીવતી દાટી દેવાની પ્રથાથી મુક્ત થવા તેઓ સમજાવતા. ટુકમાં “સફા” પર્વત એવો ઐતિહાસિક મકામ છે, જ્યાં મહંમદ સાહેબે જાહેરમાં તબલીગનો આરંભ કર્યો હતો.

———————————————————————————-

સીરતુન-નબી

૧૫       

ઇસ્લામિક ઇતિહાસમાં ગારેહિરાનું વિશેષ સ્થાન છે. ઉર્દુ ભાષાના શબ્દ ગારનો અર્થ થાય છે ગુફા. અને હિરા એ ગુફાનું નામ છે. ગારેહિરા જ્યાં સૌ પ્રથમ વાર મહંમદ સાહેબને વહી દ્વારા ખુદાનો પૈગામ (સંદેશ) મળવાનો આરંભ થયો હતો. ઇસ્લામિક ઇતિહાસમાં આ ગુફાનું એટલે પણ સ્થાન છે કે અલ્લાહના રસૂલ મહંમદ સાહેબ આ  જ ગુફામાં ખુદની બંદગી કરતા હતા. ગારેહિરા જે પર્વત પર આવેલી છે એનું નામ છે જબલ-એ-નૂર. જબલ એટલે પહાડ. નૂર એટલે પ્રકાશ. એ અર્થમાં તેને પ્રકાશનો પહાડ કહી શકાય. જ્યાંથી મહંમદ સાહેબને ઇસ્લામનું સાચું નૂર પ્રાપ્ત થયું. જબલ-એ-નૂર મક્કાની ઉત્તર-દક્ષિણમાં પુરાતન શહેરની લગભગ ત્રણ માઈલના અંતરે આવેલ છે. આજે તો મક્કા શહેરનો ઝડપી વિકાસ થવાને કારણે તે શહેરની વચ્ચે આવી ગયો છે. મક્કાથી અરાફાતના મૈદાન તરફ જતા રસ્ત્તામાં ડાબી બાજુએ જબલ-એ-નૂર આવેલ છે. હજયાત્રા પર જનાર હાજીઓ જે સડક પરથી પસાર થાય છે તે વિશાલ લાંબી સડક આ પહાડ સાથે સંકળાયેલી છે. વાહનો માત્ર

જબલ-એ-નૂરની તળેટી સુધી જઈ શકે છે.

જબલ-એ-નૂર બિલકુલ સૂકો પહાડ છે. તેના પર લીલોતરીનું ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી. ક્યાંક કયાંક છૂટીછવાઈ ઝાડીઓ જોવા મળે છે. પહાડની ચડાઈ લભભગ સીધી છે. એટલે મુશકેલ છે. ખાસ કરીને તેના અંતિમ અડધા ભાગનું ચઢાણ  કપરું છે. જબલ-એ-નૂર પહાડની ટોચ પર કુદરતી પથ્થરો અને ચટ્ટાનો એવી રીતે ગોઠવાયેલા છે કે તેનાથી કુદરતી ગુફા બની જાય છે. આ ગુફામાં જવા માટે સીડી જેમ પગથીયા જેવા પથ્થરો કુદરતી રીતે ગોઠવાયેલા છે. તેના પરથી સહેલાઈથી ગુફામાં પ્રવેશી શકાય છે. ગારેહીરા તરફ જતા ત્રણસો ચારસો ફૂટ થોડું સીધું ચઢાણ આવે છે. આ સ્થળે મહંમદ સાહેબે નમાઝ અદા કરી હતી. ગારેહિરાની મુલાકાતે જતા હાજીઓ આ સ્થળે  નફીલ નમાઝ પઢે છે. જમીનથી ગુફા સુધીનો રસ્સ્તો લગભગ દોઢ બે કિલોમીટરનો છે. પહાડની ઉંચાઈ પરથી મક્કા શહેર દક્ષિણ દિશા તરફ જોઈ શકાય છે. જયારે પૂર્વમાં અરફાતનો પહાડ જબલુરહેમાન આવેલો છે. પશ્ચિમેં અરબી સમુદ્ર દેખાય છે. દક્ષિણે મક્કા શહેર વસેલું છે. જયારે ઉત્તરે પહાડની હારમાળા આવેલી છે.

ગારેહીરા અંદરથી  ચાર ગજ લાંબી અને પોણા બે ગજ પહોંળી છે. તેની અંદરનો ભાગ બિલકુલ સપાટ છે. તેની ઊંચાઈ પૂર્ણ કદના માનવીની ઊંચાઈથી થોડી ઓછી છે. મધ્યમ કદનો માનવી તેમાં નમાઝ પડી શકે છે. લંબાઈ-પહોળાઈ માં એટલી જ ગુંજાઇશ છે કે એક માનવી આરામથી પગ લાંબા કરી તેમાં સૂઈ શકે છે. તેની છત તંબુની જેમ ઢાળવાળી છે. ગુફા પૂર્વ અને પશ્ચિમ તરફ ખુલે છે. એટલે કે તેની બંને બાજુઓ ખુલ્લી હોયને ગુફામાં હવા ઉજાસ પૂરતા મળે છે. ગુફાની કુદરતી રચના જ એવી છે તેમાં રહેનાર વ્યક્તિની તડકા અને વરસાદથી હિફાઝત થાય છે. એક નોંધપાત્ર બાબત એ છે કે ગારેહીરા કદમાં લાંબી છે અને તેની લંબાઈનું  કુદરતી સ્વરૂપ  કાબા શરીફની દિશામાં છે. તેમાં ઈબાદત કરનારનો ચહેરો બરાબર કિબલા  (કાબા શરીફ) તરફ જ રહે છે.

ગારેહીરાનું આ શાબ્દિક ચિત્ર હજ કરનાર હાજીઓ માટે તો ઉપયોગી છે પણ  હજયાત્રા માટે ન જઈ  શકનાર મુસ્લિમો પણ ગારેહીરાના આ શાબ્દિક ચિત્રથી તેને જોયાનો થોડોક અહેસાસ કરશે તો પણ તેનો થોડો સવાબ મને અવશ્ય મળશે : આમીન 

Leave a comment

Filed under Uncategorized

સિંધના સૂફી સચલ : ડૉ. મહેબૂબ દેસાઈ

દર રમઝાનના ૧૩માં રોઝા પર ત્રણ દિવસ માટે જેમનો ભવ્ય ઉર્સ તેમની મૃત્યું તિથી પર ઉજવાય છે, એવા સિંધના પ્રસિદ્ધ સુન્ની સૂફી સચલ સર મસ્ત (૧૭૩૯-૧૮૨૭) નું મૂળ નામ અબ્દુલ વહાબ હતું. પિતાનું નામ સલાહુદ્દીન અને  દાદાનું નામ સાહિબુદ્દીન હતું. સચલ સર મસ્તના નામે જાણીતા થયેલા આ સંતના નામમાં જ તેમના ગુણો વ્યક્ત થયા છે. સચલ અર્થાત સત્યવાદી. સર મસ્ત એટલે ખુદાના નશામાં મસ્ત. ઈ.સ. ૧૭૩૯માં સિંધના ખૈરપુર રાજ્યના દરાઝ ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી હતી. કાકા અબ્દુલ હક્કે બાળક અબ્દુલા વહાબનું પાલન પોષણ કર્યું અને તેમને આધ્યાત્મિક જ્ઞાનથી તરબતર કર્યા. સૂફી સંત તરીકેની તેમની પ્રસિદ્ધિને કારણે તેમના ગામ દરાઝને લોકો દર-એ-રાઝ અર્થાત આધ્યાત્મિક માર્ગના દ્વાર તરીકે ઓળખાવતા હતા.

એકવાર સૂફી સંત લતીફ શાહ તેમના ગામમાંથી પસાર થયા. તેમની નજર શેરીમાં રમતા બાળક અબદુલ વહાબ પર પડી. તેમણે અબ્દુલ વહાબના ચહેરા પરના તેજને પામી જી તે અંગે પૂછપરછ કરી. જયારે તેમને જાણ થઇ કે આ તો ખુદાના પાક બંદા સલ્લાહુદ્દીનનો પુત્ર છે, ત્યારે તેમણે પોતાનો જમણો હાથ બાળક અબ્દુલ વહાબના મસ્તક પર મૂક્યો અને ફરમાવ્યું,

“મેં પાત્ર (વાસણ)ને આગ પર ચઢાવી દીધું છે. તેનું ઢાકાણ હવે તેના દ્વાર ખોલી નાખશે.”

આવી આધ્યાત્મિક ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. અબદુલ વહાબ યુવા અવસ્થામાં જ ખુદાના પ્રેમ અને સંગીતનો દીવાનો બની ગયો. તેમની વાણીમાં ખુદાનો પ્રેમ અને આરાધના અવિરત છલકતા હતા. એકવાર સંત સચલને કોઈકે પૂછ્યું,

“આપ ક્યારે જન્મ્યા ? આપના માતાપિતા કોણ છે ?”

આપે જવાબ આપ્યો,

“હું જન્મ્યો નથી

 નથી કોઈએ મારું પોષણ કર્યું

 મેં સ્વર્ગને ખુદ છોડ્યું,

 તે મને પોષી ન શક્યું

 હું મારી ખુશીથી

 ધૂળમાંથી અવતર્યો છું

 અને એટલે જ

 હું અનંત છું, સર્વવ્યાપક છું

 પણ લોકોની ભૂલ છે

 કે તેઓ મને સચલ કહે છે”

વીસ વર્ષની વયે કુરાને શરીફ જેમને કંઠસ્થ હતું. ઇસ્લામી શરીયત (કાનૂન)ના જે તજજ્ઞ હતા. જેમના પર પર્શિયન કવિઓ અલ્લુદ્દીન સત્તાર અને હાફીઝની ગાઢ અસર હતી. સૂફીમાર્ગનો પ્રકાશ આપનાર તેમના કાકા અબ્દુલ હક્ક જેમના ગુરુ હતા. સિંધી મુસ્લિમ અને હિંદુઓના જેઓ પ્રિય હતા તેવા સચલ સર મસ્તે ભગવાન શ્રીકૃષ્ણ પર રચેલા કાવ્યો પણ માણવા જેવા છે.

“હે  આશ્ચર્ય જનક જોગી

 તારી વાંસળીની સૂરાવલી

 કેવી મધુરતા હતી.”

સૂફી સચલની રચનોમાં ગહનતા, સરળતા અને સર્વધર્મ સમભાવના જોવા મળે છે. સચલ આધ્યાત્મિક જ્ઞાનનો દરિયો હતા. અનેક ભાષાના તેઓ જાણકાર હતા. સિંધી, શ્રીલંકન, પર્સિયન, ઉર્દુ, બલુચી, પંજાબી અને એરેબીક ભાષાના તેઓ પ્રખર જાણકાર હતા. સચલના કાવ્યોમાં સમભાવના કેન્દ્રમાં હતી. માત્ર શુદ્ધ ઈબાદત (ભક્તિ)ના જ તેઓ આશક હતા. ખુદા ઈશ્વર પ્રત્યેના અલૌકિક પ્રેમને જ તેમણે પોતાના ભક્તિ કાવ્યોમાં વ્યક્ત કરેલ છે.

“અમે કાબાને અમારા હદયમાં નિહાળ્યું

 હવે મક્કા જવાની શી જરૂર

 જયારે મારું મન જ મસ્જિત છે

 પછી મસ્જિતમાં જવાની શી જરૂર ?

 મારી નસોમાં જ ખુદા વહે છે

 પછી કલમા પઢવાની શી જરૂર ?

 સચલ ખુદાના પ્રેમથી ઘવાઈ ગયો છું

 પછી ખંજરથી ઘાયલ થવાની શી જરૂર ?

સચલની રચનાઓનું સંક્ષ્પ્તીકરણ કરવાનો યશ આગા સૂફીને જાય છે. ૧૯૩૩માં તે સંગ્રહ શિકારપુર (સિંધ) થી પ્રકાશિત થયો હતો. તેમાં સચલનું જીવન ચરિત્ર અને તેમની આધ્યાત્મિક  રચનાઓનું વિષ્લેષણ આપવામાં આવ્યું છે. સૂફી સચલે પોતાના વિચારોને વાચા આપવા ઉર્દુ-પંજાબી ભાષાનો બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે ફારસીમાં પણ લખ્યું છે. પણ મોટે ભાગે તેમણે સિંધીમાં વધુ લખ્યું છે. ઇ.સ. ૧૮૨૭માં સચલના જીવન પર પડદો પડી ગયો. છતાં સિંધમાં તેમના ગીતો આજે પણ લોકજીભે રમે છે.

Leave a comment

Filed under Uncategorized

સૂફી સાહિત્યમાં જીવનની ક્ષણભંગુતા : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફી સાહિત્યમાં જીવનની અલ્પતા અને તેની મોહમાયાની ક્ષણભંગુતા વિષે ઘણું લખાયું છે. અલબત સૂફી કવિઓ અને સંતોની ભાષા અને શૈલીની ભિન્નતા તેમાં વ્યક્ત થાય છે. પણ એ જ તો  તેની સાચી ખૂબસૂરતી છે. ખુદાના ઘરમાં તમારા ઠાઠમાઠ નકામા છે. દૂનિયાની શાનોશૌકત અહીં જ રહેવાની છે. ઈશ્વરને ત્યાં તેનું કોઈ મુલ્ય નથી. તેની દ્રષ્ટિમાં તો તમારા સદકાર્યો તમારી મૂડી છે. તમારી શાલીનતા તમારી લાયકાત છે. તમારી માનવતા તમારી ઓળખ છે. અને એટલે જ જે કઈ જીવન તમને મળ્યું છે તેને એવી રીતે વ્યતીત કરો કે તે એક મિશાલ બની જાય. દ્રષ્ટાંત બની જાય. વ્યક્તિ અને સમાજ માટે પ્રેરણા બની જાય. આ જ વિચારને રજુ કરવાની ભાષા અને શૈલી  દરેક સંત કે કવિની અલગ અલગ છે. જે સાચે જ માણવા જેવી છે.

કબીરે જીવનની ક્ષણભંગુતાને પોતાના આચાર સાથે વિચારોમાં પણ સાકાર કરેલ છે.  તેઓ લખે છે,

“ઇસ તન ધન કિ કૌન બડાઈ

 દેખત નૈનન, મિટી મિલાઈ

 અપને ખાતિર મહલ બનાયા

 આપહિ જાકાર જંગલ સોયા

 હાડ જલે જૈસે લકડી કી મૌલી

 બાલ જલે જૈસે ઘાસ કી પોલી

 કહત કબીર સૂન મેરે ગુનિયા

 આપ મરે પીછે ડૂબ ગઈ દૂનિયા”

કબીરના વિચારોને આમ ભાષામાં મુકતા કહી શકાય કે,

“આ તન (શરીર) અને ધન (સંપતિ) ની સુંદરતા અને ભવ્યતાનો ગર્વ ન કર. જયારે શરીરમાંથી શ્વાસ હણાઈ જશે. ત્યારે એક પળમાં તારો ગર્વ માટીમાં મળી જશે. તે બનાવેલો મહેલ તારા કશો  કામ નહિ આવે. અંતે તો તારે જંગલમાં જઈને જ સૂવાનું છે. શરીરની સુંદરતા પલભરની છે. હાડ અને વાળ તો જીવનની અલ્પતા સાથે ભસ્મ થઇ જવાના છે. જયારે મૃત્યું આવશે ત્યારે જીવનનો સમગ્ર ઠાઠ અહિયાં જ રહી જવાનો છે.”

જીવનના આ ઠાઠની અલ્પતાને સૂફી સંત નઝીર પોતાની શૈલીમાં વ્યક્ત કરતા લખે છે,

“ જબ ચલતે ચલતે  રસ્તે મેં

  યહ ગૌન તેરી ઢલ જાયેગી

  એક બધિયા તેરી મીટ્ટી પર

  ફિર ઘાસ ન ચરને આયેગી

  યહ ખેપ જો તુને લદી  હૈ

  સબ હિસ્સો મેં બાત જાયેગી

  ધી પૂત જમાઈ બેટા કયા

  બંજારન પાસ ન આયેગી

  સબ ઠાઠ પડા રાહ જાયેગા

  જબ લાદ ચેલેગા બંજારા”

કવિ નઝીરની રચનો ભાવ પણ માણવા જેવો છે,

“વેપાર ધંધામાં તું કરોડો રૂપિયા કમાયો.  ગાડી, વાડી ને લાડી ત્રણેને પ્રાપ્ત કરીને તું ઠાઠમાઠથી જીવન જીવી રહ્યો છે. જમીનથી વેંત ઉંચો ચાલે છે. આમ જ બાદશાહીથી દિવસો પસાર થઇ  જવાના  છે, એમ માની મગરૂરીથી તું જીવી રહ્યો છે. પણ એક દિવસ તારી આ ગૌન, આ શરીર તને ભારે પડી જશે. એક દિવસ તારું શરીર ગમે ત્યારે ગમે તે સંજોગોમાં નષ્ટ થઇ જશે. ઢળી પડશે. શ્વાસ થંભી જશે. ત્યારે તારા શરીરને જ્યાં અગ્નિદાહ કે દફનાવવામાં આવશે, એ જમીન પર જે ઘાસ ઉગશે એ ઘાસ પણ બળદ કે બકરી ચરવા આવશે નહિ. ખેત, માલ મિલકત, સંપતિ તું જેના માટે કમાયો છે તે તારી દીકરી, પુત્ર, જમાઈ, પત્ની કોઈ તારી પાસે આવશે નહિ. તારી સંપતિ તેઓ અંદર અંદર વહેચી લેશે. માટે ચેત. પરમાત્માએ આપેલ આ અલ્પ માનવ શરીરને અન્ય માટે, કલ્યાણ માટે ઉપયોગ કરી તારી મૌત પછીને સફર માટે સદ્કાર્યોની સંપતી ભેગી કર.”   

કવિ નઝીરની એક ઔર રચના “મૌત કા ડેરા” પણ આ જ વિચારનો વિસ્તાર કરે છે.

“કયા જીપર બોઝ ઉઠતા હૈ

 ઇન ગૌનો ભારી ભારી કે

 જબ મૌત કા ડેરા  આન પડા

 ફિર દોનો હૈ વ્યોપારી કે

 કયા સાજ જડાઉ જર જેવર

 કયા ગોટે થાન કિનારી કે

 કયા ઘોડે જીન સુનહરી કે

 કયા હાથી લાલ અમારી કે

 સબ ઠાઠ પડા રાહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”

નકશીદાર જડતર કરેલા સોનાના દાગીના, અલંકારો, તારી સ્ત્રી માટે તે બનાવી આપેલી કીમતી ચોળી, કબજા, ઉંચી ઔલાદના ઘોડા અને સોના, જીન ને હાથી અંબાડી. આ બધો સાજો સામાન  તારી ખુશીનો સામાન નથી. પણ તારી વ્યથા અને દુઃખનો સમાન છે. તારી ગોન, તારું શરીર આ સાજો સામાનથીજ એક દિવસ ઢળી જશે. તારો બધો વૈભવ એક પળમાં છૂટી જશે. માટે તું તારા કલ્યાણ માટે સદકાર્યોનું ધન એકત્ર કર.

હાલમાં જ હર્ષ બ્રહ્મભટ્ટનું એક સુંદર પુસ્તક “એક અભિન્ન અનુબંધ” વાંચવામાં આવ્યું. તેમાં હિંદી ફિલ્મના ગીતોના કાવ્યતત્વ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. એ સંગ્રહમાં તેમણે કવિ શૈલેન્દ્રના  “તીસરી કસમ” ફિલ્મના એક ગીતની સુંદર ચર્ચા કરી છે. એ ગીત પણ જીવનની ક્ષણભંગુરતાને વ્યક્ત કરે છે. કબીર અને કવિ નઝીરની રચનાઓ સાથે તેની સમાનતા અદભૂદ રીતે માણવા જેવી  છે.

“સજન રે જુઠ મત બોલો

 ખુદા કે પાસ જાના હૈ

 ન હાથી હૈ ન ઘોડા હૈ

વહાં પૈદલ હી જાના હૈ

તુમ્હારે મહેલ ચોબારે

યહી રહ જાયેંગે સારે

અકડ કિસ બાત કિ પ્યારે

એ સર ફિર ભી ઝૂકના હૈ

ભલા કીજે ભલા હોગા

બુરા કીજે બૂરા હોગા

બહી લિખ લિખ્ કે કયા હોગા

યહી સબ કુછ ચુકાના હૈ

જીવનની કડવી ક્ષણભંગુતાને અભિવ્યક્ત કરતી આવી રચનો આજે પણ એટલી જ જીવંત લાગે છે જેટલી જીવનની ક્ષણભંગુતા છે. આજે કોરોના કાળે આપણને જીવનની અલ્પતા અને અનિશ્ચિતાનો નજીકથી અહેસાસ કરાવ્યો છે. એ એહસાસ માનવ મુલ્યોને સમાજમાં પ્રસરાવવામાં સહભાગી બનશે તો કદાચ આપણે સૌ પુનઃ ઈશ્વર ખુદાના ડરને મહેસૂસ કરી, મુલ્યો અને સદ્કાર્યોના માર્ગ પર અવશ્ય પાછા ફરીશું. અને કદાચ એ જ કોરોનાની અસરકારક વેક્સીન સાબિત થશે.

Leave a comment

Filed under Uncategorized