Monthly Archives: September 2014

ગાંધીજી અને ઇસ્લામ : ડો. મહેબૂબ દેસાઈ

૨ ઓકટોબર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અર્થાત ગાંધીજીનો જન્મ દિવસ. સત્ય અને અહિંસાના સૌ પ્રથમ પાઠ વિશ્વને પઢાવનાર ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમની ઊંડી સમજ હતી. આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજોનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના વિચારોમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજ્જ્ઞો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક દ્રષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. તેમના આ વિચારો ગાંધી સાહિત્યમાં આજે પણ સંગ્રહાયેલા છે. આજે એ વિચારોનું થોડું આચમન કરાવવાનો ઉદ્દેશ છે. ૧૯૦૮મા ગાંધીજીએ વિલાયતથી પાછા ફરતા આગબોટમાં “હિન્દ સ્વરાજ” નામક નાનકડી પુસ્તિકા લખી હતી.તેમાં ગાંધીજીએ ભારતના હિંદુ મુસ્લિમો અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સૌ પ્રથમ તેનું આચમન કરીએ. તેમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું સુંદર વર્ણન કરવામાં આવેલ છે. અગ્રેજોને કેન્દ્રમાં રાખી ગાંધીજી લખે છે,

“હું એમ નથી કહેવા માંગતો કે હિંદુ-મુસલમાન કોઈ દિવસ લડશે જ નહિ. બે ભાઈ ભેળા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણા માથા ફૂટશે. તેમ થવાની જરૂર હોય નહિ, પણ બધા માણસો સરખી મતિના નથી હોય શકતા. એકબીજા આવેશમાં આવે ત્યારે ઘણીવાર સાહસકામ કરે છે. એ આપણે સહન કરવા પડશે.પણ આપણી તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહિ લઇ જઈએ.”
આ શિખામણ જેટલી અગ્રેજ સમય માટે સાચી હતી. તેટલી આજે પણ સાચી છે. એ સમયે અગ્રેજો હતા. આજે હિંદુ મુસ્લિમ એકતાને તોડતા અને તેનો લાભ ખાટતા માનવીઓ છે. એજ રીતે ઇસ્લામ અંગેની અસત્ય સમજ ફેલાવનાર એક આખો વર્ગ પણ સક્રિય છે. તે માટે પણ ગાંધીજીના ઇસ્લામના વિચારો જાણવા જેવા છે.

‘હું ઇસ્લામને પણ ખિ્રસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪

‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ અક્ષરદેહ – ૪૦ પૃ. ૫૭

ઇસ્લામ તલવારના જૉરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. ગાંધીજી એ અંગે લખે છે.

‘ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જૉ તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે.’ અક્ષરદેહ – ૨૧, પૃ. ૧૯૫-૧૯૬

ગાંધીજીએ વારંવાર સ્વીકાર્યું હતું કે તેમણે કુરાને શરીફનું અઘ્યયન કર્યું છે. કુરાને શરીફમાં અહિંસાના વિચારને પ્રાધાન્ય આપ્યાનું પણ તેમણે પોતાના લખાણોમાં સ્વીકારેલ છે ગાંધીજી લખે છે,
‘કુરાને શરીફ મેં એકથી વધુ વેળા વાંરયું છે. મારો ધર્મ આ દુનિયાના બધા મહાન ધર્મોમાં જે કંઈ સારું છે તે લેવાની અને પચાવવાની અનુકૂળતા આપે છે. બલકે તેમ કરવાની મારા પર ફરજ પાડે છે.’ હરિજનબંધુ ૨૯-૧૦-૧૯૩૯ પૃ.૨૭૧

‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩

‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨

“કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)ને શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે”. હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬

‘ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.’ હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭

ગાંધીજીનું ઉપરોકત છેલ્લું વિધાન આજે ઇસ્લામના નામે જેહાદ કરી, ઇસ્લામને બદનામ કરનારાઓ તરફ આંગળી ચીંધે છે. શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાન જેવા આદર્શોથી ભરપૂર એવા ઇસ્લામ અંગેના ગાંધીજીના વિચારો સાચે જ ઇસ્લામને ઓળખનાર સંત જેવા છે. ઇસ્લામનું આવું સાચું સ્વરૂપ આજે જુદાં જુદાં માઘ્યમો દ્વારા આમસમાજ સુધી મુકાશે તો, અત્યંત ગેરસમજૉથી ભરપૂર ઇસ્લામ અંગે થોડી પણ ગેરસમજો દૂર કરી શકાશે.

Leave a comment

Filed under Uncategorized

ગાંધીજીની દ્રષ્ટિએ રાષ્ટ્રીયતા : ડૉ. મહેબૂબ દેસાઈ

૨ ઓક્ટોબર, ફરી એકવાર ગાંધી જયંતિ આવી છે. ફરી એકવાર એક દિવસ માટે આપણે ગાંધીને યાદ કરીશું. અને પછી આપણે સૌ રોજીંદા કાર્યમાં લાગી જઈશું. પરિણામે ગાંધી ભારતમાંથી વિસરાતા જાય છે. અને વિદેશોમાં તે આચરણમાં મુકતા જાય છે. આપણે ત્યાં ગાંધીજી અંગે અઢળક લખાયું છે. લખાતું રહેશે. ગાંધીજીના રાષ્ટ્રીય પ્રદાનથી આપણે પરિચિત છીએ. તેમના રાષ્ટ્રીય વિચારો તેમના જ શબ્દોમાં આપણી પાસે સંગ્રાહેલા છે. પણ તેના આચરણ થી આપણે કોશો દૂર છીએ. ગાંધીજીના એ આચરણમાં ન મુકાયેલા રાષ્ટ્રીયતાના વિચારોની આજે વાત કરવી છે. ગાંધીજી રાષ્ટ્રીયતા અંગે શું માનતા હતા. એ તેમના જ શબ્દોમાં જાણીએ. દરેક ભારતીય માટે એ સાચ્ચે જ માર્ગદર્શક બની રહશે.
રાષ્ટ્રીયતા કોને કહેવાય ? રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એટલે રાષ્ટ્રયતા એવો સાદો અર્થ આપણા જહેનમાં ગોઠવેલો છે. નેશનાલીટી (રાષ્ટ્રીયતા)શબ્દની ઉત્પતિ લીટીન ભાષાના “નેશીયો” શબ્દ પરથી આવેલ છે. જેના અર્થમાં કહેવામાં આવ્યું છે
“એક જાતી એક વિશેષ ભોગોલિક સીમામાં પોતાના અધિકારો અને કર્તવ્યોની રક્ષા સાથે, બાહ્ય આક્રમણથી પોતાની સીમાઓને સુરક્ષિત રાખવા કટીબદ્ધ બને તે રાષ્ટ્રીયતા છે.”
એન્સાયકલોપીડીયા ઓફ બ્રિટાનિકામાં રાષ્ટ્રવાદની વ્યાખ્યા આપતા કહ્યું છે,
“રાષ્ટ્રવાદ એક મનોદશા છે. જેમાં માનવી પોતાના રાષ્ટ્ર પ્રત્યે ઉંચ્ચ ભક્તિનો અનુભવ કરે છે”
ગાંધીજી રાષ્ટ્રીયતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે,
“જે રીતે રાષ્ટ્ર ભક્તિ આજે આપણને શીખવે છે કે માણસે પોતાના પરિવાર માટે પ્રાણ આપવો જોઈએ, પરિવારે ગામ માટે, ગમે જિલ્લા માટે, જિલ્લાએ પ્રાંત માટે અને પ્રાંતે દેશને માટે બલિદાન આપવું જોઈએ. તે રીતે દેશે જરુર પડે ત્યારે દુનિયાના ભલા માટે, સ્વતંત્ર થવું જ જોઈ. તેથી મારી રાષ્ટ્રીયતા માટેના મારા પ્રેમનો અથવા રાષ્ટ્રીયતાની મારી કલ્પનાનો અર્થ એ છે કે મારો દેશ સ્વતંત્ર થાય. જેથી જો જરૂર પડે તો, માનવજાતિને જીવંત રાખવા માટે, તે હોમાય જાય. આ કલ્પનામાં વંશીય ધ્રુણાને કોઈ સ્થાન નથી. આ જ આપણી રાષ્ટ્રીયતા હજો”
ગાંધીજીની રાષ્ટ્રીયતામાં સમાજ, દેશ અને સમગ્ર માનવ સમાજના કલ્યાણની વાત જોવા મળે છે. વળી,ગાંધીજી પરાધીન ભારતમાં રાષ્ટ્રીયતાની વાત કરતા હોય, તેમની રાષ્ટ્રીયતામાં ભારતની આઝાદીનો વિચાર કેન્દ્રમાં હોય તે સ્વભાવિક છે.
ગાંધીજી આગળ કહે છે,
“આપણી રાષ્ટ્રીયતા બીજા રાષ્ટ્રને જોખમ રૂપ ન હોય. જેમ આપણે કોઈને લુંટવા માંગતા નથી. તેમ આપના દેશને આપણે કોઈને લુંટવા દેવા માંગતા નથી. સ્વરાજ દ્વારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે”
અર્થાત ગાંધીજી રાષ્ટ્રની આંતરિક અને સરહદી સુરક્ષાની વાત કરે છે. દરેક રાષ્ટ્રની આંતરિક અને સરહદી બાબતો પર બીજા રાજ્યએ કુદ્રષ્ટિ ન રાખવાનો નૈતિક આદર્શ આજના યુગમાં અત્યંત જરૂરી છે. પાકીસ્થાનના ઘરમાં ઘુસી જઈ અમેરિકાએ લાદેનનો સંહાર કર્યો હતો. તેમાં પાકિસ્થાનનું એક રાષ્ટ્ર તરીકેનું સાર્વભોમત્વ ક્યાં રહ્યું ? અલબત્ત લાદેનનો સંહાર જરૂરી હતો. પણ પાકિસ્તાન ખુદ તે કરી શક્યું હોત. કારણ કે તે માનવીય સિદ્ધાંતોની દ્રષ્ટિએ જરૂરી હતું. પણ પાકિસ્તાન લાદેનના રક્ષણને પોતાનું ધ્યેય બનાવી ચાલતું હતું. પરિણામે અમેરિકાને આંતર રાષ્ટ્રીય કાનૂનોને મૂકી લાદેનની હત્યા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને કરવી પડી. અલબત્ત ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારો વિરુદ્ધ તે કૃત્ય છે. ગાંધીજીના રાષ્ટ્રીય વિચારોના કેન્દમાં માનવતા રહેલી છે. માનવ જાતના હિતમાં ગાંધીજી હિંસાને પણ આવકારે છે. તેમની અહિંસાના મૂળમાં માનવતા રહેલી છે. ગાંધી આશ્રમમાં રીબાતા વાછરડાને ઝેરનું ઇન્જેક્શન આપી મુક્ત કરનાર ગાંધીજી જ હતા.
ગાંધીજી એમ પણ કહે છે,
“દરેક રાષ્ટ્રની સરહદો એક બીજાના ભય અને આક્રમણથી સુરક્ષિત હોવી જોઈએ. માનવતાનો એ પણ એક તકાજો છે”
પણ આજે વિશ્વનું રાજકારણ મુલ્યોના અધ:પતનના આરે આવીને ઉભું છે. જેનું તાજું દ્રષ્ટાન ચીન છે. હાલમાં જ ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રમુખ શ્રી શી જિનપિંગ એ ભારતની મુલાકાત લીધી. આપણે તેમની એક અતિથિ દેવો ભવ: જેમ આગતા સ્વાગતા કરી. પણ એ સ્વાગત સમારંભો ચાલતા હતા તે દરમિયાન જ સરહદ પર ચીની લશ્કર ભારતની સીમામાં ઘૂસણખોરી કરી રહ્યું હતું. જે દેશનું લુણ ચીનના પ્રમુખ આરોગી રહ્યા છે તે જ દેશની સરહદો પર પોતાનું લશ્કર મોકલવું, તેમાં નથી , માનવતા કે નથી અનૈતિકતા. જો કે ચીનની તો આ પુરાની ફિતરત છે. તેનો ઇતિહાસ બહુ જાણીતો છે. જવાહરલાલ નહેરુને પણ આજ રીતે છેહ દેવામાં આવ્યો હતો. પણ આપણે ઇતિહાસમાંથી કયારેય કશું શીખ્યા નથી.

પણ ગાંધીજી માટે તો રાષ્ટ્રીયતા અને માનવતા એક સમાન છે. તેઓ કહે છે,
“મારે મન દેશભક્તિ અને માનવતા બંને એક જ વસ્તુ છે. હું દેશભક્ત છું. કારણ કે મારામાં માનવતા છે અને દયા છે. મારી દેશભક્તિ માત્ર હિન્દ માટે નથી. હિન્દોસ્તાનની સેવા કરવા હું ઈંગલેન્ડ કે જર્મનીને હાની ન પહોંચાડું. જીવનની મારી યોજનામાં સામ્રાજ્યવાદને કોઈ સ્થાન નથી. દેશભક્તિમાં માનવતા ઓછી હોય તો પણ પ્રમાણમાં તેની દેશભક્તિ ઓછી ગણાય. રાજકારણી કાનૂન અને ખાનગી કાનૂન વચ્ચે કોઈ જાતની વિસંગતતા નથી”
અર્થાત ગાંધીજીની રાષ્ટ્રીયતા “વસુધૈવ કુટુંબક્” ની ભાવના પર આધારિત છે. તેઓ કહે છે,
“હું ભારતનો વિકાસ સમગ્ર વિશ્વના વિકાસ માટે ઈચ્છું છું. પણ હું ભારતનો વિકાસ બીજા રાષ્ટ્રોના ભોગે નથી ઇચ્છતો. હું હંમેશા એવી રાષ્ટ્રીયતાને ધિક્કારું છું જે બીજા રાષ્ટ્રના શોષણ અને સમસ્યાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરતી હોય”
“મારો રાષ્ટ્રવાદ કોઈ બહિષ્કાશીલ નથી. બલ્કી અતિશય વ્યાપક વસ્તુ છે. અને હું એવા દેશપ્રેમને વર્જ્ય માંનું છું જે બીજા રાષ્ટ્રને તકલીફ આપીને અથવા તેનું શોષણ કરીને પોતાના દેશનો વિકાસ કરવામાં માનતો હોય. દેશપ્રેમની મારી કલ્પના એ છે કે તે હંમેશા કોઈ અપવાદ વગર હર સ્થિતિમાં માનવજાતિના વિશાલ હિત સાથે સુસંગત હોય. પણ જો તેમ ન હોય તો એવા દેશપ્રેમની કોઈ કિંમત નથી”
“કોઈ પણ માનવી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી બન્યા સિવાય આંતર રાષ્ટ્રવાદી ન બની શકે આંતર રાષ્ટ્રીયતા ત્યારે જ શક્ય બને છે, જ્યારે રાષ્ટ્રીયતા વાસ્તવિક બને છે, એટલે કે જુદા જુદા દેશોની પ્રજા સંગઠિત બને છે.”
” જો આપણે ભારતીય રાષ્ટ્રીયતાનો લક્ષ પ્રાપ્ત કરવો હોય તો આપણે ક્ષેત્રીય બંધનોથી મુક્ત થવું પડશે. શું ભારત એક દેશ એક રાષ્ટ્ર છે કે અનેક દેશ અનેક રાષ્ટ્ર છે ?”

ગાંધીજીના આવા રાષ્ટ્રીય વિચારો કદાચે આજના રાજકારણીઓને વધુ પડતા આદર્શવાદી લાગે. પણ તે સત્ય આને આચરણમાં મુકવા યોગ્ય છે. તો જ “વસુધૈવ કુટુંબક્” ની ભાવના વિશ્વમાં પ્રસરી શકશે.

Leave a comment

Filed under Uncategorized

Never trust on KENT RO SYSTEM LTD.

Dear Friends,

Never trust on KENT RO SYSTEM LTD. The company is not taking any care of COUSTMERS.
There are no any after sell service.
The Officers are most irresponsible. The dot take Care of COUSTMERS.
This is my personal Experience. So I obey my Humble Duty as a COUSTMER.

Thanking You

Prof. Mehboob Desai
Prof. Head
Department of History & Culture
Gujarat Vidiyapith
Ahmadabad
9825114848

Leave a comment

Filed under Uncategorized

ઇતિહાસકાર રત્નમણિરાવ જોટેની અંતરંગ વાતો : ડૉ.મહેબૂબ દેસાઈ

ગુજરાતના ઈતિહાસને સમૃદ્ધ કરનાર આંગળીને વેઢે ગણાય તેટલા ઇતિહાસકારોમાના એક રત્નમણિરાવ ભીમરાવ જોટે(૧૮૯૫-૧૯૫૫)થી ઇતિહાસનો કોઈ અભ્યાસુ અપરિચિત નહિ હોય. અમદાવાદનો પરિચય, ખંભાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ગુજરાતનું વહાણવટું, અમદાવાદ ગુજરાતનું પાટનગર, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ (૧થી૪ ભાગ) જેવા આધારભૂત ગ્રંથોના સર્જક રત્નમણિરાવ ભીમરાવ જોટેનો જન્મ આજ થી એક સો ઓગણીસ વર્ષ પૂર્વે ૧૯ ઓક્ટોબર ૧૮૯૫મા કચ્છમા દીવાન મોતીલાલ લાલભાઈને ત્યાં અધૂરા મહિને થયેલો. તેથી કુંટુંબમાં તેઓ સોને વહાલા હતા. તેમનું કુટુંબનું પેટ નામ ભાણાભાઈ હતું. નાનપણથી જ રત્નમણિરાવને સૌ ભાણાભાઈ કહેતા. એ હુલામણું નામ આજીવન તેમની સાથે જ રહ્યું. આપ્તજનોના વર્તુળોમાં એ નામ એટલું પ્રિય થઇ પડ્યું હતું કે વયોવૃદ્ધ થયેલ રત્નમણિરાવને નાનેરાઓ પણ છેવટ સુધી “ભાણાભાઈ” જ કહેતા. એવી જ નાવિન્ય પૂર્ણ બાબત તેમની અટકની છે. તેમની જોટે અટક ઈતિહાસ વિદોમાં આજે પણ ચર્ચાનો વિષય છે. રત્નમણિરાવ જોટે પોતાની અટક “જોટે” અંગે રસપ્રદ માહિતી આપતા લખે છે,

“અમારી અટક જોટ છે. કેટલાકે એમાંથી જોધ – યોધ ઉપજાવી કાઢી છે. પણ ખરો અર્થ એ નથી. અમારા પૂર્વજો કચ્છ-કાઠીયાવાડ તરફથી આવેલા ત્યારે અહિયાના શહેરી લોકોનો એ જોટ જેવા જોટડા જેવા લગતા. કેમ કે એમના ડીલ ઉપર વાળ હતા. આથી તેમને જોટ એવું ઉપનામ મળ્યું. આમાંના “ઓ”નો સાંકળો ઉચ્ચાર દર્શાવવા મેં શાળામાં એની અંગ્રેજી જોડણી “jhote” કરેલી. એ પરથી કેટલીક જોડણી “જોટ” ને બદલે “જોટે” સમજી બેઠા.”

રત્નમણિરાવનું મોસાળ અમદાવાદમાં આવેલ ખાડીયની સાંકળી શેરીમાં હતું. તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત ભદ્રમાં આવેલ મિડલ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં થઇ હતી. ત્યાં થોડો વખત અભ્યાસ કરી તેઓ આર.સી. હાઇસ્કુલમાં જોડાયા હતા. અને ઈ.સ. ૧૯૧૪મા તેમણે મેટ્રિકની પરીક્ષા ત્યાંથી જ પાસ કરી. ઈ.સ ૧૯૧૯મા ચોવીસ વર્ષની વયે સંસ્કૃત અને અગ્રેજી સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. થયેલા રત્નમણિરાવ ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને સંશોધક બનશે એવી કોઈને કલ્પના સુધ્ધ ન હતી. સૌ પ્રથમ એમણે “ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન” નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો. ત્યારથી એમની તરફ સૌનું ધ્યાન ખેંચાયું.પછી તો એ યુવાને એવી સિદ્ધિ હાંસલ કરી કે ગુજરાતના ઇતિહાસ પર સંશોધન કરવા ઇચ્છતા કોઈ પણ અભ્યાસુ કે વિદ્યાર્થીએ રત્નમણિરાવ જોટેને વાંચવા જ પડે. તેમના પુસ્તકો જોયા વગર કે તેના સંદર્ભો લીધા વગર ગુજરાતનો આધારભૂત ઇતિહાસ આલેખી શકાય જ નહિ. આવા ઇતિહાસના પ્રખર અભ્યાસુ અને ચિંતક રત્નમણિરાવ નાનપણમાં કેવા રમતિયાળ અને મજાકિયા હતા તેની નોંધ લેતા તેમના મામા ચૈતન્યપ્રસાદ મોતીલાલ દીવાન તેમના એક લેખમાં લખે છે,
“ઉતરાણને દિવસે એ પતંગ ચગાવે નહિ. પણ પાસે એક કાતર રાખી અગાસીમાં આવી બેસી રહેતા.અને અમારી ઉપર બીજાની દોર આવી પડે હોય તો તે કાપી લેતા. પછી અમારો પતંગ બરાબર ચડ્યો હોય, લાંબો દોર મુક્યો હોય અને બરાબર રસ જાગ્યો હોય ત્યારે ધીમે રહીને ઠંડે કલેજે કાતરથી દોરી કાપી નાખતા.અને અમે હાથમાંથી દોર જતા “એ ગયો” કહી બાઘા બની ઉઠતા. એ જોવાની એમને બહુ ગમ્મત પડતી”
પ્રારંભમાં રત્નમણિરાવે “કુમાર” નામના જાણીતા સામાયિકમાં શોધ નિબંધો લખવાનું શરુ કર્યું. ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ મંદિરના પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધન કાર્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલના અભિયાનને નૈતિક સમર્થન પણ પૂરું પાડ્યું હતું. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને વિદ્વાન સર ચીનુભાઈ બેરોનેટ સાથે રત્નમણિરાવના પારિવારિક નીકટના સંબધો હતા. રત્નમણિરાવ અવારનવાર ચીનુભાઈના સંપર્કમાં આવતા રહ્યા. સર ચીનુભાઈ બેરોનેટને જ્યારે રાજા જ્યોર્જ છઠ્ઠાને હાથે “બેરોનેટ” નો ઈલ્કાબ મળ્યો, ત્યારે ચીનુભાઈ સાથે રત્નમણિરાવ પણ દિલ્હી ગયા હતા. જાણ્યે અજાણ્યે રત્નમણિરાવ પર સર ચીનુભાઈ બેરોનેટની ઘાટી અસર હતી. એ જ રીતે આચાર્ય આનંદશંકરધ્રુવ સાથે પણ તેમના સંબંધો નીકટના અને પૂજ્ય હતા.

ગંભીર વાંચન, લેખન અને ચિંતનમા રત રહેતા રત્નમણિરાવ સ્વભાવે અત્યંત રમુજી અને વિનોદી હતા. તેનો એક પ્રસંગ ચૈતન્યપ્રસાદે નોંધતા લખ્યું છે,
“ક્રિકેટની રમતનો તેમને બિલકુલ શોખ નહિ. છતાં કલબના ખેલાડીઓ માટે બેજ સાથેના બ્લેઝર કરાવ્યા, ત્યારે ભાણાભાઈએ ખાસ આગ્રહથી પોતાન માટે પણ બ્લેઝર કરાવ્યો. અને જ્યારે જયારે અમારી કલબની મેચ હોય ત્યારે એ પહેરીને પોતે આવતા. એક વખત એવું બન્યું કે અમારી સામે વાળી ક્લબના એક મુરબ્બીએ ઠાવકાઈથી બ્લેઝર પહેરી બેઠેલા ભાણાભાઈને પૂછ્યું.
“તમે પણ રમવાના છો ?”
ત્યારે ભાણાભાઈએ જવાબ આપતા કહ્યું,
“ના ના હું શું રમું ? મારા વગર જ તમારો આટલો ડૂચો નીકળે છે, તો પછી હું રમું તો શું થાય ?”
પેલાએ પૂછ્યું,
“તમે કોણ છો ?”
ભાણભાઈએ જવાબ આપ્યો,
“હું તો આ લોકોનો ક્રિકેટ શિક્ષક છું”
પેલો એ સંભાળી બોલ્યો,
“તો તો સારું છે તમે નથી રમતા”
ગુજરાતના વિરલ સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પોતાના ગ્રંથમા રત્નમણિરાવનું વર્ણન કરતા લખે છે,
“શ્રી ભાણાભાઈ એક ગુલાબી સ્વભાવના, કોઈ ધૂળધોયા વેદિયા કરતા તદન ઉલટા જ સ્વભાવના, હસમુખા સજ્જન હતા. ચાના રકાબી-પ્યાલાના રણકારને એ ઉત્તમ સંગીત માનતા”

રત્નમણિરાવનું જીવન અંત્યંત સાદું હતું. તદન સાદા વસ્ત્રો. લાંબો કોટ, કાળી કે કથાઈ ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપર. તેમની સાદગી કોઈ પણ સાદા માનવીને પણ ટપી જાય તેવી હતી. અંગ્રેજ શાસનમા ઉછર્યા હોવા છતાં પ્રશ્ચિમ સંસ્કૃતિની તેમના પર બિલકુલ અસર ન હતી. દેખાવમાં સાદા અને સ્વભાવમા સરળ ભાણાભાઈ ભોજનના રસિયા હતા. એમને જુદી જુદી વાનગીઓ અને તેના સ્વાદની ઊંડી સમજ હતી. એમને દાળ-ઢોકળી, લાડુ-દાળ, મુઠીયા પ્રિય વાનગીઓ હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે નાનપણમાં ભાણાભાઈ એક હસ્તલિખિત કૌટુંબિક સાપ્તાહીક “ઘર સમાચાર” કાઢતા.ત્રણ ચાર પાનાના આ સાપ્તાહિકે તો કમાલ કરેલી. ઘરના બધાનું એ ખુબ માનીતું થઇ ગયેલું. તેનું મુખ્ય આકર્ષણ તેની રજુઆત હતી. તેમાં એક નાનો અગ્રલેખ, પરિવારના લોકોની ટેવો, લાક્ષણિકતાઓ, રીતો વગેરે પર કઈને કઈ ટકોર-ટીકા હોય. પણ એ એવી કે વાંચતા જ ઘરમાં સર્વત્ર
હસાહસ થઇ જતી. એ સાપ્તાહિકનું બીજું આકર્ષણ તેની જાહેરાતો હતી. “જોઈએ છે”, “ખોવાયું છે”, “વેચવાનું છે” એવી ઘણી જાતની જાહેરાતો સાપ્તાહિકમાં એવી કુનેહથી એ મુકવામાં આવતી વાંચનાર ચકિત થઇ જતા. સાથો સાથ ચાલુ વાર્તા રૂપે એકાદ અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ દર હપ્તે તેમાં આવતો. રત્નમણિરાવની અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાની ટેવને કારણે ગુજરાતી સાહિત્યને જેમ્સ બેરીના “The Admirable Crichton” હાસ્ય નાટકનું “સંભવિત સુંદરલાલ” નામક ગુજરાતી નાટક મળ્યું હતું. આ નાટકના બેત્રણ શો પણ થયા હતા. એક ઇતિહાસકાર હાસ્ય નાટકો લખે, કાવ્યો લખે, જ્યોતિષ શાસ્ત્ર વિષે વાંચે વિચારે એ ઘટના જ તેના ઇતિહાસકાર તરીકેના વ્યક્તિત્વના વિકાસમાં રહેલા વિવિધ પાસાઓને વ્યક્ત કરે છે.
૨૪ સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ શનિવારે બપોર પછી સાડાત્રણ વાગ્યે પોતાના પરિવાર પત્ની,પુત્ર,પુત્રીઓ, જમાઈઓ સૌની હાજરીમાં પોતાની મોટી પુત્રીના ખભે માથું મૂકી ઘણી જ શાંતિથી તેમને પ્રાણ છોડ્યા હતા. ૬૦ વર્ષની વયે ગુજરાતના સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું જીવન સમર્પિત કરી લાંબી યાત્રાએ નીકળી પડેલા ભાણાભાઈ ઉર્ફ રત્નમણિરાવ જોટે ઇતિહાસનો જે વારસો મુકતા ગયા છે, તે યુવા ઇતિહાસકારો, સંશોધકોને હંમેશા માર્ગ ચીંધતો રહશે.

Leave a comment

Filed under Uncategorized

ઇલ્મ અને આલિમ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇલ્મ એટલે જ્ઞાન. વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલીમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો અર્થ શબ્દ કોશમાં આપતા કહેવામાં આવ્યું છે,
“જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ” અત્રે આલીમ એટલે ધર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ એવો સંકુચિત અર્થ યોગ્ય નથી. ધર્મ અંગે માર્ગદર્શન આપનાર વ્યક્તિને મૌલવી કે ઈમામ કહે છે. મૌલવી ઇસ્લામ કે કુરાને શરીફના આદેશો આમ મુસ્લિમ સમાજમાં સ્પષ્ટ કરે છે. તેને સમજાવે છે. મદ્રેસામાં બાળકોને ધાર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ મૌલવી છે. જયારે ઈમામ એટલે જેમની પાછળ મસ્જીતમાં ઉભા રહી આમ મુસ્લિમ નમાઝ પઢે છે. જે મસ્જીતમાં નમાઝ પઢાવવાનું કાર્ય કરે છે. ઈમામ એ મુસ્લિમ સમાજના નેતા કે મસીહા નથી. તેમને ઇસ્લામની ધાર્મિક બાબતો સિવાય અન્ય કોઈ રાજકીય આદેશ આપવાનો અધિકાર નથી. તે તેમનું કાર્ય ક્ષેત્ર પણ નથી.

આલીમ શબ્દ તો સ્પષ્ટ રીતે ઇલ્મ કે જ્ઞાન સાથે જ સંકળાયેલો છે. તેનો અર્થ જ્ઞાન જ થાય છે. ઇસ્લામમાં જ્ઞાનનું અત્યંત મહત્વ છે. મહંમદ (સ.અ.વ.) પર ઉતરેલ પહેલી વહીનો પહેલો શબ્દ “ઇકરાહ” હતો. જેનો અર્થ થાય છે “પઢ, વાંચ”. એ દ્રષ્ટિએ ઇસ્લામમાં જ્ઞાન કે ઇલ્મનો અત્યંત મહિમા છે. ઇસ્લામિક ગ્રંથોમાં જ્ઞાન મેળવવા માટેની હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલાક નોંધપાત્ર અને બહુ જાણીતી હદીસો છે. જેમાં તેમણે કહ્યું છે,
“શહીદોના ખુન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે”
“જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે”
“ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો”
“જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે”
આવી રીતે જ્ઞાન મેળવનાર આલીમ છે.
સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપને આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ. પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. બાર્બર અર્થાત વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે. તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી. પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.
એક વખત હઝરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હઝરત ઈમામ અજમએ ડોલી ઉભી રાખી.ડોલીમાંથી ઉતારી ભરબજારમાં લોકો જુવે તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જીજ્ઞાસાથી પૂછ્યું,
“આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી ?”
આપે ફરમાવ્યું,
“એ સફાઈ કામદારને કુતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કુતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું જયારે કુતરો એક પગ ઉંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું. નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ હું તેને આલિમ માનું છું. અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે”
આ ઘટના આલિમની નમ્રતા પણ વ્યક્ત કરે છે. આલિમને પોતાના જ્ઞાનનો ગર્વ ,અભિમાન કે અહંકાર ન હોવો જોઈએ. મળેલ જ્ઞાન માટે તે હંમેશા અલ્લાહનો શુક્ર (આભાર) અદા કરતો હોવો જોઈએ. અલ્લાહે કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
“અમે દાઉદ અને સુલયમાનને ઇલ્મ આપેલ છે. તે બંનેએ તેનો શુક્ર અદા કરતા કહ્યું છે,’ તમામ તારીફ એક માત્ર અલ્લાહની છે જેણે અમને પોતાના અનેક બંદો કરતા વધુ ઇલ્મની બક્ષીશ આપેલ છે”
કુરાને શરીફની આ આયાત ઈલ્મી કે જ્ઞાની માટેનું પ્રથમ લક્ષણ વ્યક્ત કરે છે. દાઉદ અને સુલયમાન બંને પયગમ્બરોને ખુદાએ આપેલ જ્ઞાનની દોલત અને ઊંચા દરજ્જા માટે ખુદાનો શુક્ર અદા કરેલ છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મુલ્ય અનેક ઘણું છે. પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે. એમ દ્રઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.
એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરભિમાન વધવા જોઈએ. રહીમ તેના એક દોહામાં કહે છે,
“બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ
રહીમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ”
એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં હું સાચો અને તું ખોટો જેવો વિચાર કે વ્યવહાર નથી હોતો. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્વ છે. કારણ કે દરેક વિચાર વ્યક્તિની સમજ મુજબ યોગ્ય છે. વિચારમાં અધુરપ કે ગેરસમજ હોય શકે. પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. એવા અનૈતિક વિચારનું સમર્થન ના હોય. જ્ઞાની માનવી એવ અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે. પણ તેના અમલીકરણ માટે દુરાગાહ નથી સેવતો.
ટૂંકમાં, આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. પરિણામે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની જરૂરિયાત બની ગયું છે. તેને સમાજમાં પ્રસરાવવાનું કે પહોંચાડવાનું કાર્ય જ્ઞાની અર્થાત આલીમ જ કરે છે. અને એટલે જ એક સંસ્કૃતના શ્લોકમાં કહ્યું છે,
“સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્રૈ પૂજયતે”
અર્થાત “રાજા માત્ર તેના દેશમાં પુજાય છે, જયારે આલિમ-વિદ્વાન-જ્ઞાની સમગ્ર વિશ્વમાં પુજાય છે”

Leave a comment

Filed under Uncategorized