Monthly Archives: October 2014

પેશ ઈમામનું સ્થાન અને કાર્ય : ડો. મહેબૂબ દેસાઈ

દિલ્હીની જામા અર્થાત જુમ્મા મસ્જિતના પેશ ઈમામ સૈયદ અહેમદ બુખારીએ ૨૨ નવેમ્બેરના રોજ દસ્તરબંદીના કાર્યક્રમમાં પાકિસ્તાનના વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું. અને ભારતના વડા પ્રધાનને નિમંત્રણ ન આપ્યું. નિમંત્રણ ન આપવાનું કારણ આપતા પેશ ઈમામ શ્રી બુખારીએ કહ્યું,
“ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી”
આ ઘટના એક બુદ્ધિજીવી મુસ્લિમ તરીકે કોઈ પણ રાષ્ટ્રવાદી મુસ્લિમને ખૂંચે તેવી છે. એનું વિશ્લેષણ અને અર્થઘટન અનિવાર્ય છે. ભારતનો મુસ્લિમ છેલ્લા પંદર વર્ષોમાં ભણતો, વિચારો અને પોતાની રીતે સ્વતંત્ર પણે નિર્ણય લેતા થયો છે. પરિણામે ઉપરોક્ત ઘટનાનું વિશ્લેષણ તે સમજશે અને સ્વીકારશે, તેની મને શ્રધ્ધા છે.

સૌ પ્રથમ આપણે પેશ ઈમામના કાર્ય અને સ્થાન અંગે વિચાર કરીએ. ભારતની દરેક નાની મોટી મસ્જીતમાં પેશ ઈમામ હોય છે. તેમનું મુખ્ય કાર્ય મસ્જીતમાં નમાઝ પઢવા આવતા દરેક મુસ્લિમને પાંચ વકતની નમાઝ પઢાવવાનું છે. દરેક મુસ્લિમ મસ્જિતમાં પેશ ઈમામની પાછળ નમાઝ પઢે છે. એ સિવાય પેશ ઈમામ ઇસ્લામ ધર્મ અંગેની ધાર્મિક સમસ્યાઓનું મુસ્લિમોને નિરાકરણ આપે છે. જો મસ્જિમાં મદ્રેસો અર્થાત ઇસ્લામિક શિક્ષણ આપતી સ્કુલ ચાલતી હોય તો તેમાં તે શિક્ષક તરીકે પણ કાર્ય કરતા હોય છે. ગુજરાતી ઉર્દૂ શબ્દ કોશમાં “પેશ ઈમામ” નો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,
“નમાઝ પઢાવનાર. મસ્જિતમાં નમાઝ પઢાવનાર મૌલવી”
એ અર્થમાં “પેશ ઈમામ” એ કોઈ સમાજિક કે રાજકીય હોદ્દો ધરાવતા નથી. એ તો એક ધાર્મિક સ્થાન છે, જે માત્ર ઇસ્લામની નમાઝની ક્રિયા અને ઇસ્લામના નિયમોના અર્થઘટન સાથે જ જોડાયેલ છે. ભારતની દરેક મસ્જિતમાં પેશ ઈમામની નિયુક્તિ કરવામાં આવે છે. અને તેનો પગાર જે તે મસ્જીતના વહીવટકર્તા નક્કી કરે છે. અર્થાત પેશ ઈમામનું પદ એક નોકરી કરનાર વહીવટી સેવક જેવું જ છે. દર છ માસે મસ્જીતોના પેશ ઈમામ બદલાતા હોવામાં અનેક દ્રષ્ટાંતો ભારતની અનેક મસ્જિતમાં સાધારણ છે. ટૂંકમાં રાજા-મહારાજ , અમીરો-સરદારો કે સુલતાનો જેમ પેશ ઈમામનું પદ કે સ્થાન વંશપરંપરાગત નથી.

હવે પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે ૨૨ નવેમ્બરે યોજેલ “દસ્તરબંદી” કાર્યક્રમની વાત કરીએ. “દસ્તરબંદી” શબ્દ દસ્તર અને બંદી શબ્દના જોડાણથી બન્યો છે. દસ્તર એટલે પાઘડી. બંદી એટલે બાંધવું. પાઘંડી બાંધવાના કાર્યક્રમને “દસ્તરબંદી” જશન-ઉત્સવ કહેવામાં આવે છે. ગુજરાતી-ઉર્દી શબ્દ કોશમાં “દસ્તરબંદી” શબ્દનો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,
“૧. મુસ્લિમ અમીરો, સુલતાનો અને સરદારોની એક પ્રથા, કે જેમાં જીવિત કે મૃતક અમીર, સુલતાન કે સરદાર પોતાના મોટા પુત્રને પાઘડી બાંધી તેનો વારસદાર જાહેર કરે છે.
૨. ઇસ્લામ અંગેનું શિક્ષણ આપતી સંસ્થાઓ કે મદ્રેસામાંથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ થતા તેમને પ્રમાણિત કરતા પાઘડી બાંધવામાં આવે છે. તે ક્રિયાને પણ “દસ્તરબંદી” જશન કહેવામાં આવે છે.

એ અર્થમાં પેશ ઈમામનું પદ સેવક સ્વરૂપનું છે. તે ધાર્મિક સ્થાન છે અને વંશપરંપરાગ નથી.
પેશ ઈમામનું પદ કયારેય કોઈ યુગમાં વંશપરંપરાગ રહ્યું નથી. દરેક મસ્જિતોમાં નિયુક્ત થતા પેશ ઈમામો પગારદાર સેવકો જ હોય છે. મસ્જિતના ટ્રસ્ટીઓ કે વહીવટકર્તાઓ તેમનો પગાર નક્કી કરે છે. પેશ ઈમામનું સ્થાન કાયમી પણ નથી હોતું. અલબત્ત તેમની ગરીમાને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમાજ તેમને માન આપે છે. એવા સંજોગોમાં કોઈ પેશ ઈમામ પોતાન પુત્રને પેશ ઈમામી સોંપવા “દસ્તરબંદી” કાર્યક્રમ યોજે તો તે તેની અંગત બાબત છે. કારણ કે એવા
“દસ્તરબંદી” કાર્યક્રમને ન તો કોઈ ઇસ્લામિક નિયમનું કે વારસાગત પરંપરાનું બળ છે, ન કોઈ આધાર. ન તે કોઈ આમ મુસ્લિમ સમાજનો જાહેર કાર્યક્રમ છે. ન કોઈ ઇસ્લામી કાર્યક્રમ છે. તે તો એક મસ્જીતના પેશ ઈમામનો અંગત કાર્યક્રમ છે.

આવા કાર્યક્રમમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા એ કાર્યક્રમના આયોજક પર નિર્ભર છે. પણ એ માટે ભારતના મુસ્લિમોને આગળ ધરી પોતાના અંગત વિચારો પ્રસરાવવા એ યોગ્ય નથી. “ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી” એ વિધાન દ્વારા ભારતના મુસ્લિમોના ખભા પર બંદુક રાખી ફોડવાની પેશ ઈમામ શ્રી બુખારીની નીતિ સાચ્ચે જ દુખદ છે. એમા કયાંય ઇસ્લામની આધ્યત્મિકતા નથી. એ તો નર્યું રાજકીય વિધાન છે. જે તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. વળી, ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા છે કે નહિ, એ તપાસવાની પારાશીશી પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ પાસે નથી. આમ છતાં વારવાર મુસ્લીમોના રાહબર બનવાનો પ્રયાસ કરનાર પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે પોતાના સ્થાન અને તેની માર્યદાને પામી લેવા જોઈએ. વળી, “દસ્તરબંદી” કાર્યક્રમએ તેમનો અંગત કૌટુંબિક કાર્યક્રમ હોવા છતાં એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ભારતના વડા પ્રધાનની અન્ય રાષ્ટ્રના વડા પ્રધાન સામે જાહેરમાં અવગણા કરવાનું કૃત્ય કોઈ પણ હિંદુ કે મુસ્લિમ ભારતીય સાંખી ન લે. વડા પ્રધાન ગમે તે પક્ષના હોય પણ જયારે તે ભારતના વડા પ્રધાન તરીકે બેઠા હોય ત્યારે તેમનું માન સન્માન એ રાષ્ટ્રનું માન સન્માન છે. એટલી સાદી સમજ કોઈ પણ ભારતીયમાં હોય તે સ્વભાવિક છે. પણ પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ આ સાદી સમજથી આજે પણ કોશો દૂર લાગે છે.

2 Comments

Filed under Uncategorized

અહમદ મહમદ કાછલિયા : મહાત્માના સર્જનના સાથી : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના નવા વર્ષ હીજરી સંવત 1436નો આરંભ ૨૬ ઓકોબર ૨૦૧૪ના રોજ થયો છે. નુતન વર્ષના આરંભ પછી તુરત આરંભાયેલ ઇસ્લામના નવા વર્ષની સૌને શુભેચ્છાઓ. ઇસ્લામ એટલે શાંતિ, સમર્પણ અને ત્યાગ એવા સાચુકલા સિદ્ધાંતોને જીવનભર વરેલા અહેમદ મહમદ કાછાલીયાને આજે કોણ ઓળખે છે ? ગાંધીજીને મોહનમાંથી મહાત્માના બનાવવાની પ્રક્રિયાના સહાયક અને સાથી અહમદ મહમદ કાછલિયા જેવા પાક એકનિષ્ઠ આદમીને સ્મરી નવા ઇસ્લામક વર્ષની મુબારકબાદ સૌને પાઠવું છું. ગાંધીજીએ તેમના પુસ્તક “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ” માં અહેમદ મહમદ કાછાલીયા વિષ સવિસ્તર લખ્યું છે.
ઇ.સ. ૧૮૯૩મા ભારતમાંથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી નામનો યુવાન આફ્રિકા ગયો, ત્યારે કોઈને ખબર નહતી કે એક વર્ષની બાંધી મુદત માટે જઈ રહેલ મોહનદાસ ત્યાં ઇતિહાસ સર્જાશે. અને ગાંધીજીનું બહુમાન મેળવી પરત આવશે. મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી ગાંધીજીનું માન મેળવનારા એ બેરિસ્ટરના જાહેરજીવનનો આરંભ દક્ષિણ આફ્રિકામાં થયો. ત્યારે મોહનદાસના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારો હજુ બાલ્યાવસ્થામાં હતા. આવા પ્રારંભિક કાળમાં મોહનદાસના અપરિપકવ વિચારોમાં વિશ્વાસ મૂકી તેમના જાહેરજીવનને પ્રોત્સાહિત કરનાર દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરો હતા. એ બાબતની ઇતિહાસમાં બહુ ઓછી નોંધ લેવાય છે. પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના પ્રથમ સત્યાગ્રહમાં પ્રેરકબળ બની રહેલા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરોની ખુલ્લા દિલે પોતાના લખાણોમાં પ્રશંસા કરી છે. તેમનો વિગતે પરિચય આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોની આ સહકારની પરંપરાનો આરંભ દક્ષિણ આફ્રિકાના નાતાલ બંદરે ગાંધીજી ઉતર્યા ત્યારેથી થયો હતો. નાતાલ બંદરે મોહનદાસને લેવા આવેલા શેઠ અબ્દુલાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. આ અંગે ગાંધીજી લખે છે,
“અબ્દુલ્લા શેઠનું અક્ષરજ્ઞાન ઘણું ઓછુ હતું. પણ અનુભવજ્ઞાન પુષ્કળ હતું. તેમની બુદ્ધિ તીવ્ર હતી. અને એ વાતનું તેમને પોતાને ભાન હતું. અંગ્રેજી જ્ઞાન કેવળ વાતચીત પૂરતું મહાવરાથી મેળવી લીધું હતું. પણ એવા અંગ્રેજી મારફત પોતાનું બધું કામ ઉકેલી શકતા. બેંકના મેનેજરો સાથે વાત કરે, યુરોપિયન વેપારીઓ સાથે સોદા કરી આવે, વકીલોને પોતાનો કેસ સમજાવી શકે. હિન્દીઓમાં તેમનું માન ખુબ હતું. તેમની પેઢી તે વેળા બધી હિન્દી પેઢીઓમાં મોટી હતી, અથવા મોટામાની એક હતી જ. તેમની પ્રકૃતિ વહેમી હતી. તેમને ઇસ્લામનું અભિમાન હતું. તત્વજ્ઞાનની વાતોનો શોખ રાખતા.અરબી ન આવડતું છતાં કુરાન શરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મ સાહિત્યની માહિતી સારી ગણાય. દ્રષ્ટાંતો તો હાજર જ હોય. તેમના સહવાસથી મને ઇસ્લામનું વ્યવહારુ જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા ત્યારે પછી તે મારી સાથે ધર્મ ચર્ચા પુષ્કળ કરતા” (સત્યના પ્રયોગો, પૃ. ૧૯૫)
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે ખડેપગે ઉભા રહેનાર અહમદ મહમદ કાછલિયાનો ઉલ્લેખ પણ ગાંધીજીએ “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ” નામક પોતાન ગ્રંથમાં સવિસ્તાર લીધેલ છે. ટ્રાન્સવાલાની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી જાહેરસભા ભરાઈ. તેના પ્રમુખ હતા બ્રિટીશ ઇન્ડિયન એસોશિયેસનના હંગામી પ્રમુખ યુસુફ ઇસ્માઈલ મિયા. પોતાના ભાષણમાં તેમણે ગાંધીજીને તમામ સહકાર આપવાનું વચન આપ્યું. પણ તેનાથી વિશેષ તો આ સભામાં બોલવા ઉભા થયેલા અહમદ મહમદ કાછલિયાથી ગાંધીજી ખુબ પ્રભાવિત થયા. આ અંગે તેઓ લખે છે,
” હિંદીઓના ભાષણ શરુ થયા. આ પ્રકરણના અને ખરું જોતા આ ઇતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઉભા થયા તેમાં મર્હુમ અહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખાતો. એઓં અત્યાર સુધી જાહેરકામોમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા, એમનું અંગ્રેજી કામ ચલાઉ હતું. પણ અનુભવે એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજી વકીલોને ત્યાં લઇ જાય ત્યારે તે પોતે જ દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું એ કઈ એમનો ધંધો હતો. એ કામ તો તે મિત્ર તરીકે જ કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈ સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી મેમણ હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી મેમણોમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે તે વસ્તુ એ ઘણી સહેલાઇથી સમજી જતા. કેસોની આંટીઓ એવીરીતે ઉકેલતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલ સાથે કાયદાની દલીલ કરતા પણ એ અચકાતા નહિ, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય જ. બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જ જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ… જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.” (‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, નવજીવન પ્રકાશન, પૃ. ૧૨૫-૧૨૬)
પ્રિટોરિયાની એ જંગી જાહેરસભામાં અહમદ મહમદ કાછલિયાએ પોતાના જમણા હાથના ખુલ્લા આંગળા ગાળા ઉપર ફેરવતા ગર્જના કરતા કહ્યું હતું,
“હું ખુદાના કસમ ખાઈને કહું છું કે કતલ થઈશ, પણ કાયદાને વશ નહિ થાઉં અને ઈચ્છું કે આ સભા પણ એ જ નિશ્ચય પર આવશે” (એજન, પૃ. ૧૨૬)
આ જ લડતમાં સક્રિય રીતે ભાગ લેવાને કારણે દક્ષિણ આફ્રિકાની સરકારે શ્રી કાછલિયાના વેપારમાં અડચણો ઉભી કરવા માંડી. જે અંગ્રેજ પેઢીઓએ કાછલિયા શેઠને ધીરધાર કરી હતી, તેમણે અંગ્રેજ સરકારના દબાણને વશ થઇ વેપારમાં ધીરેલા નાણાંની કાછલિયા પાસે પઠાણી ઉઘરાણી શરુ કરી અને કહેણ મોકલ્યું કે,
“જો તમે લડતમાંથી નીકળી જાવ તો અમને નાણાની કઈ જ ઉતાવળ નથી. જો તમે તેમાંથી ન નીકળી જાવ તો અમને ભય છે, તમને સરકાર ગમે ત્યારે પકડી લે તો અમારા નાણાનું શું થાય ? તેથી જો તમે આ લડતમાંથી ન જ નીકળી શકો તો અમારા નાણા તમારે તુરત ભરવા જોઈએ”
પણ આ વીર પુરુષ કાછલિયાએ અગ્રેજ વેપારીઓને ખુમારીથી જવાબ આપ્યો કે,
“લડત એ મારી પોતાની અંગત બાબત છે, તેને મારા વેપાર સાથે કઈ સંબધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું સ્વમાન સમાયેલું છે. તમારી ધીરધારને સારું હું તમારો આભાર માનું છું. પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો” (એજન, પૃ. ૧૮૫)
શ્રી કાછલિયાનો જવાબ સાંભળી અગ્રેજ વેપારીઓ સમસમી ગયા. કારણ કે તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. પણ કાછલિયા ન નમ્યા અને નાદાર કે દેવાદાર બનવાનું તેમણે પસંદ કર્યું. આવા ભડવીર વિષે ગાંધીજીએ નોંધ્યું છે,
“કાછલિયા બધી બાબતોમાં થોડું થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા. અને એમા અડગ રહેતા. મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે જયારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટના પરિણામ વિષે શંકા પણ બતાવી હોય” (એજન, પૃ. ૧૮૪)
આવા શ્રી અહમદ મહમદ કાછલિયાએ પોતાના એકના એક પુત્ર અલીને ગાંધીજીના ટોલ્સટોય આશ્રમમાં સાચો પ્રજા સેવક બનાવવા મુક્યો હતો. તેમના એ પગલા પછી બીજા મુસ્લિમ બાળકોને પણ તેમના માબાપે ગાંધીજીના આશ્રમમાં મુક્યા હતા. ૧૦-૧૨ વર્ષનો અલી કાછલિયા સ્વભાવ નમ્ર, ચંચળ, અને સત્યવાદી હતો. પણ પિતાનું નામ રોશન કરવા તે વધુ ન જીવ્યો. કાછલિયા શેઠે હદય પર પથ્થર મૂકીને પુત્રને કાંધો આપી વિદાય કર્યો અને પાછા ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના કાર્યમાં લાગી ગયા. અને લડત ચાલી ત્યાં સુધી તેઓ ગાંધીજી સાથે જ રહ્યા. આવા સિંહ પુરુષનું અવસાન કોમની ખિદમત કરતા કરતા જ ૧૯૧૮મા એટલે કે દક્ષિણ આફ્રિકાની લડત પૂર્ણ થયાના ચાર વર્ષે થયું. આજે પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મોહનમાંથી મહાત્માનું સર્જન કરનાર સેવકોમાં શ્રી અહમદ મહમદ કાછલિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

Leave a comment

Filed under Uncategorized

સૌને નુતનવર્ષાભિનંદન : ડો. મહેબૂબ દેસાઈ

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો, ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે. ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને ઊજવવાના અવસરો મુક્કરર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. તો ઇસ્લામમાં ઈદ છે.
ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ છે. પારસીમાં પતેતી છે. આ બધા ધર્મોના નામો , રીવાજો, પહેરવેશો અને ઉજવણીના માર્ગો ભલે અલગ અલગ હોઈ, પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી, આનંદ. જેમ કે બેસતા વર્ષના દિવસે સૌ સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે. અને ખુશીને માણી શકાય તેટલી પેટ ભરીને માણે છે. ઇદમાં પણ એજ પરંપરાને મુસ્લિમો અનુસરે છે. વડીલોને સલામ કરે છે. તેમની દુવાની અપેક્ષા રાખે છે. નવા વસ્ત્રો ધારણ કરી એક બીજા સ્વજનોને મળવા જાય છે. અને ખીર ખુરમા દ્વારા જીવનમાં મીઠાશ ભરે છે. ધાર્મિક પ્રસંગોને માણવાની આ રીતમાં દરેક ધર્મનો ઉદેશ મહોબ્બત એખલાસને પ્રસરાવવાનો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
“તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ-પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો ”
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન, નવા વસ્ત્રો અને આનંદ પુરતી સીમિત ન હોઈ શકે. સદ વિચારોના આચારથી ખુશી બેવડાય છે. તમારી ખુશીમાં નાના-મોટા ગરીબ-અમીર સૌને સામેલ કરવાથી તમારી ખુશી વિસ્તરે છે. મને બરાબર યાદ છે મારા એક મુસ્લિમ મિત્ર તેમના ત્યાં જયારે પણ કોઈ નિકાહ કે સગાઇ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે સૌ પ્રથમ તેઓ ગરીબો માટે એક અલગ ભોજનની ડેગ તૈયાર કરાવે છે. પ્રથમ ગરીબોને ભોજન કરાવે છે. પછી જ મહેમાનોનું ભોજનનો આરંભાય થાય છે. એજ રીતે ખુશીના પ્રસંગે તમારા સ્વજનો સાથેના નાના મોટા મનદુઃખો નિવારવા એ પણ સદ વિચારના પ્રસાર પ્રચાર બરાબર છે. તમારી કુટેવો વ્યસનોને હંમેશ માટે છોડવાનો નિર્ણય પણ તમારા સ્વજનો માટે અત્યંત ખુશીનો અવસર બની રહે છે. મારા એક પિતરાઈ બંધુ તેમના તમાકુના વ્યસન ને કારણે આજે છેલ્લા સ્ટેજ પર છે. હમણા જ ગયેલી ઈદના દિવસે તેમના ઘરના માહોલ અંગે જાણ્યું ત્યારે હું ખુબ ગમગીન થઇ ગયો. ઈદની ખુશી ઘરના વડીલના વ્યસનને કારણે ગમમા પલટાઈ ગઈ હતી. ટુંકમાં સદવિચારોનું આચરણ અને આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે.
કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અલબત્ત જે લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા અને સદકાર્યોને વળગી રહ્યા તેમને જન્નતના બાગોમાં પ્રવેશ મળશે, જ્યાં મીઠા પાણીને નહેરો વહેતી હશે.તેમને રેશમના વસ્ત્રો અને કીમતી આભૂષણો પહેરાવવામાં આવશે. અને અલ્લાહના માર્ગ (સદમાર્ગે) પર ચાલવા માટે તેમની પ્રશંશા કરવામાં આવશે”
હિંદુ ધર્મમાં પણ દરેક તહેવારોની ઉજવણી પાછળ સામજિક અને ધાર્મિક ઉદેશો રહેલા છે. દશેરામાં રાવણનું દહન એ સત્ય અને અસત્યની લડાઈમાં સત્યના વિજયનો સંદેશ આપે છે. એમાં પણ સદ્ વિચારોના વહનનો ઉપદેશ રહેલો છે. અને અટેલે જ દીપાવલીની ઉજવણી પ્રસંગે ખલીલ જિબ્રાનના કેટલાક સદવિચારને વાચા આપતા અવતરણોનું આચમન કરીએ.
” મારા દુશ્મને મને કહ્યું ,” તારા દુશ્મનને પ્રેમ કર’ અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી”
“ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી”
“શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદાર છે.”
“મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં”
“વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વક્તૃત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન”
” વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે.”
“મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે.”
“ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી”
“કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર”

“ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે.”
“પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે.”
“ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ”
” જેણે વ્યથા જોઈ નથી, તે આનંદને પામી સકતો નથી”
“દયાળુ ન બનશો,
કારણ કે દયા ગુનાખોર કેદીયો પ્રત્યે દર્શાવાય છે, જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે”
“અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે”
ખલીલ જિબ્રાનના આ વચનોને નવા વર્ષના આનંદ સાથે વાગોળીએ.કારણ કે
દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. પ્રકાશ એ જ્ઞાન, નવ વિચાર નું પ્રતિક છે. નવા વર્ષની ખુશી- ઉત્સવનું પ્રતિક છે. જીવનના દુખો, ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે. ખુશીને માણવાનો પ્રસંગ છે.
લેખના આરંભમાં મહંમદ સાહેબ (સ.અ.વ.)ના તહેવારોની ઉજવણી અંગેના વિધાનને દોહરાવું છું,
“તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ-પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો ”
મહંમદ સાહેબની આ હિદાયત સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન.

Leave a comment

Filed under Uncategorized