Monthly Archives: April 2013

શિકવા અને જવાબે શિકવાના સર્જક : ડૉ.ઇકબાલ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૧ એપ્રિલના રોજ આપણા જાણીતા શાયર ડૉ. ઇકબાલ (૯ નવેમ્બર ૧૮૭૭-૨૧એપ્રિલ ૧૯૩૮)ની  પુણ્યતિથી છે. ડૉ.ઇકબાલે ભારતને તરાના-એ-હિન્દ નામક અદભૂત રાષ્ટ્ર ગીત આપ્યું છે. તેના સર્જનનો પણ એક રસમય ઈતિહાસ છે. ૧૯૦૪મા ડૉ. ઇકબાલ લોહોરની સરકારી કોલેજમાં વ્યાખ્યાતા હતા. એ દિવસોમાં લાલા હર દયાલ નામના એક વિદ્યાર્થીના આગ્રહથી કોલેજના એક કાર્યક્રમમાં ડૉ. ઇકબાલ અધ્યક્ષ સ્થાને આવવા સંમત થયા. ત્યારે સૌ તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક હતા. પણ ડૉ. ઇકબાલે અધ્યક્ષ સ્થાનેથી ભાષણ આપવાને બદલે સો પ્રથમવાર એ કાર્યક્રમમાં તરાના-એ-હિન્દ”સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”નું ગાન કર્યું. અને સૌ અભિભૂત બની તે સાંભળી રહ્યા. ઉર્દૂ ભાષામાં અને ગઝલ શૈલીમાં લખાયેલ આ ગીતની આઠ કડીઓમાં ભારતની ભવ્યતા,સુંદરતા અને ઐતિહાસિકતાનું સુંદર વર્ણન છે.એ પછી આ ગીત ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ના રોજ “ઇત્તેહાદ” નામના ઉર્દૂ સાપ્તાહિકમા પ્રસિદ્ધ થયું. અને ૧૯૨૪મા ડૉ.ઇકબાલના પુસ્તક “બંગ-એ-દારા”મા પ્રસિદ્ધ થયું. ભારતની રાષ્ટ્રીયતાને વાચા આપતા આ ગીતની પ્રારંભિક બે ત્રણ  કડીઓ સિવાય મોટે ભાગે આપણે તેનાથી અપરિચિત છીએ. એટલે એ ગીતની કેટલીક માણવા જેવી અજાણી પંક્તિઓ અત્રે જુ કરું છું.

सारे जहाँ से अच्छा हिन्दोस्तान हमारा
हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा

परबत वो सब से ऊंचा हमसाय आसमाँ का
वो संतरी हमारा वो पासबा हमारा

गोदी मे खेलती है इसकी हजारो नदिया
गुलशन है जिनके दम से रश्क-ए-जना हमारा

मज़हब नहीं सिखाता आपस मे बैर रखना
हिन्दी है हम वतन है हिन्दोस्तान हमारा

कुछ बात है की हस्ती मिटती नही हमारी
सदियो रहा है दुश्मन दौर-ए-जमान हमारा

ડૉ. ઇકબાલના દાદા મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ બન્યા.શાલની ફેરી કરતા ઇકબાલના દાદાના પુત્ર નૂર મહંમદ નિરક્ષર હતા. વ્યવસાયે દરજી અને ટોપીઓ પર ગૂંથણ કરવામાં માહિર હતા.તેઓ સૂફી વિચારધારાથી પ્રભાવિત હતા. એટલે જ તેમના મિત્રો તેમને “નિરક્ષર દાર્શનિક” કહેતા.તેમના દરજી કામની કુશળતા જોઈ, એક સ્થાનિક અધિકારીએ તેમને સિંગર મશીન ભેટ આપ્યું.  જે એ સમયે લોકો માટે અજાયબી સમાન હતું. પણ થોડો સમય રાખી તે મશીન તેમણે તે અધિકારીને પરત કરતા કહ્યું,

“મારા હાથમાં ખુદાએ જે હુનર બક્ષ્યો છે તે આ મશીનમાં નથી”

૧૯૦૫મા ઇકબાલ યુરોપ ગયા. એ સમયે તો ભારતમાં તેમનું નામ જાણીતું થઇ ચૂક્યું હતું. તેમના કાવ્ય સંગ્રહો “નાલા-એ યતીમ” અર્થાત યતીમનું ગીત,”અબ્ર-એ-ગોહરબર” અર્થાત ખુદાને સમર્પિત, “તસ્વીર-એ-દર્દ” “પરિંદે કી ફરિયાદ” અને “તરાના-એ-હિન્દ”પ્રસિદ્ધ થઇ ચૂકયા હતા. “પરિંદે કી ફરિયાદ” મા તેમણે ખુલ્લા આકાશમા ઉડનાર પક્ષીના પ્રતિક તરીકે ભારતની આઝાદીની વાત કરી હતી. “તસ્વીર-એ-દર્દ” “નયા શિવાલા” અને “તરાના-એ-હિન્દ”મા તેમણે હિંદુ મુસ્લિમ એકતાની વાત કરી હતી. ડૉ. ઇકબાલની શાયરીના કેન્દ્રમાં પ્રકૃતિ, ખુબસુરતી કે સ્ત્રી ન હતા. પરંતુ તેમની શાયરીના કેન્દ્રમાં ગતિશીલ માનવી હતો. અને એટલે જ ડૉ. ઇકબાલ કહેતા,

“જબ તક ગતી હૈ જાન હૈ,

રફતાર ગઈ તો જાન ગઈ”

ફારસી અને ઉર્દુમાં તેમને લખેલ કાવ્યો બુદ્ધિજીવી અને આમ માનવી બંનેમા પ્રચીલિત હતા. તેનું ઉત્તમ ઉદાહર તેમના બે કાવ્યો “શિકવા”અને “જવાબે શિકવા”છે. “શિકવા”નું સૌ પ્રથમ ગાન એપ્રિલ ૧૯૧૧મા અંજુમન હિમાયત-એ-ઇસ્લામ,લાહોરના વાર્ષિકોત્સવમા ડૉ. ઇકબાલે કર્યું હતું. ૩૧ કડીઓમાં લખાયેલ આ કાવ્યમાં ડૉ ઇકબાલે ઇસ્લામની જીવન શૈલી અને તેના  મૂળભૂત સિદ્ધાંતો સાથે ખુદાને કરેલ ફરિયાદનું અસરકારક આલેખન છે. તેના શબ્દોની પસંદગી અને વિચારોને અસરકારકતા કોઈ પણ વાચકને સ્પર્શી જાય તેવા છે. તેનું એક દ્રષ્ટાંત માણવા જેવું છે. ડૉ. ઇકબાલ ખુદાને સંબોધીને લખે છે,

 “તુને માટી બનાઈ, મૈ ને પ્યાલે બનાયે

 તુને ધરતી કો વન, પહાડ, ઔંર રેગીસ્તાન દિયે

 મૈ ને હસતી હુઈ વાટિકાયે સજાઈ, ફૂલ ખિલાયે

 યે માલિક, સચ સચ બતા તું બડા યા મૈ”

“શિકવા”ના લગભગ બે વર્ષ પછી ૧૯૧૩મા ડૉ. ઇકબાલે  લાહોરના મોચી ગેટ પાસેના એક જાહેર જલસામાં “જવાબે શિકવા”નું પઠન કર્યું હતું. ૩૬ કડીઓમાં લખાયેલ આ કાવ્યમાં ડૉ. ઇકબાલે ખુદાને કરેલી ફરિયાનો જબાવ આપ્યો છે. પણ જેટલી પ્રસંશા “શીકાવા”ને મળી, તેટલી “જવાબે શિકવા”ને ન મળી. ડૉ. ઇકબાલ ઇસ્લામને બે પ્રકારે મૂલવતા હતા. એક વિશુદ્ધ અને બીજો ભ્રષ્ટ ઇસ્લામ. વિશુદ્ધ ઇસ્લામને જાણનાર અને સમજનાર માનવીઓની સંખ્યા જુજ છે. અલબત્ત ઇકબાલ પણ પોતાનો સમાવેશ તેમાં કરતા હતા. ભ્રસ્ટ ઇસ્લામ એટલે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોને પોતાની સગવડતા કે અનુકુળતા મુજબ ઢાળી તેનો અમલ કરવો. ડૉ. ઇકબાલ ખુદ કહેતા,

“હું પણ ભ્રસ્ટ ઇસ્લામનો અનુયાયી છું”

ઇસ્લામના ધાર્મિક અને રાજનૈતિક દર્શન પર વિશેષ લખનાર ડૉ. ઇકબાલે મ્યુનિચ વિશ્વ વિદ્યાલયમાંથી “ફારસી તત્વ મીમાંસા” પર ડોકટરેટની પદવી મેળવી હતી. અને એટલે જ પ્રારંભમા ડૉ. ઇકબાલ ઇસ્લામ અને તવસુફ્ફ વચ્ચેના સબંધને સ્વીકારવા તૈયાર ન હતા. ઇસ્લામના સૂફી સંતોની મઝારો પર માથું ટેકવાની પ્રથાનો તેમણે વિરોધ કર્યો હતી. પણ જિંદગીના અંતિમ દિવસોમાં તેમના એ વિચારમાં  પરિવર્તન આવ્યું હતું. ભારત અને તેની સંસ્કૃતિ પ્રત્યેનો ડૉ. ઇકબાલનો લગાવ તેમના એક કાવ્યમાં છલકાય છે.

 “ઇસ દેશ મેં હુએ હૈ હજારો મુલ્કો સિરસ્ત,

  મશહુર જિનકે દમ સે હૈ દુનિયા મેં નામે હિન્દ,

  હૈ રામ કે વજુદ પે હિન્દોસ્તા કો નાઝ

 અહલે નઝર સમઝતે હૈ ઇસ્કો ઈમામે હિન્દ

 તલવાર કા ધની થા, શુજાઅત (વીરતા)મેં ફર્દ (અજોડ)થા,

 પાકીઝગી (પવિત્રતા)મેં, જોશે મહોબ્બત્મે ફર્દ થા”

અંતિમ દિવસોમાં(૧૯૩૮ના નવા વર્ષ)મા ઓલ ઇન્ડિયા રેડીઓ, લાહોર પરથી તેમણે કરેલ અંતિમ ભાષણમા તેમણે કહ્યું હતું,

“માત્ર એકતા જ ભરોસા પાત્ર છે. અને એ એકતા છે માનવીના ભાઈચારાની. જે જાતિ, રંગ અને ભાષાથી પર છે.જ્યાં સુધી લોકો પોતાન કાર્યોથી એ સિદ્ધ નહિ કરે કે આ સમગ્ર વિશ્વ ખુદાનો પરિવાર છે, ત્યાં સુધી આઝાદી, સમાનતા અને ભાઈચારોના તમામ સુંદર વિચારો જેમના તેમ જ રહેશે”

૨૧ એપ્રિલ ૧૯૩૮મા તેમણે પોતાના એક યુવા કદરદાનના આગ્રહથી પોતાની છેલ્લી ચાર લાઈનો સંભળાવતા કહ્યું હતું,

“ગયા રાગ આયે ન આયે,

 હેજાજ કિ બયાર આયે ન આયે

 ઇસ ફકીર કે દિન પૂરે હુએ

 દુસરા દીદાવર આયે ન આયે”

આ છેલ્લો શેર સંભળાવ્યાના થોડા કલાકો પછી તેમની તબીયત વધુ બગડી. અને પોતાના ૧૪ વર્ષના પુત્ર જાવેદના ખોળામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો. ડૉ. ઇકબાલ આજે આપણી વચ્ચે સદેહે નથી. પણ વિશ્વના ફલક પર “તરાના-એ હિન્દ”ના સર્જક તરીકે તેઓ હંમેશા જીવંત રહેશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

મહંમદ સાહેબના મુબારક પત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

<img class="size-full" alt="" src="https://mehboobudesai.files.wordpress.com/2013/04/images.jpg&quot;

હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા હતા. આવા કેટલાક પત્રો અને તેના અસલ ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરવાની હમણાં તક સાંપડી. આ ઐતિહાસિક પત્રોની ભાષા અને ઇસ્લામના સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની મહમદ સાહેબની વિનંતી ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવાર કે બળના જોરે થયાની આપણી સામાન્ય માન્યતાને ખોટી પાડે છે. જેમાં રોમના રાજા હરક્યુલસ, ઈજીપ્તના રાજા, બેહરીનના ગવર્નર મુનબીર, પર્શિયના બાદશાહ ખુશરો પરવેઝ અને હબશાના બાદશાહ નજાશીને મહંમદ સાહેબે ઇસ્લામ આવવા નિમંત્રણ આપતા લખેલા અસલ પત્રોના ફોટા આ લેખ સાથે મુકયા છે.
હબશ એ અરબી શબ્દ છે. તેને એ સમયે હબશહ તરીકે પણ ઓળખવામા આવતો હતો. અરબની દક્ષિણે પૂર્વ આફ્રિકા પાસે આવેલા આ દેશને ઇથોપિયા કે એબીસીનીયા તરીકે પણ ઓળખવામા આવે છે. મહંમદ સાહેબને પયગંબરી મળ્યાના સમયમાં ત્યાં અસ-હમદ બિન અબરાજ નામક બાદશાહ શાસન કરતો હતો. એ સમયે ત્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. ઇ.સ. ૬૧૪મા મક્કામાં કુરેશીઓના અત્યાચારથી હિજરત કરીને મુસલમાનોને હબશ અર્થાત એબીસીનીયા જવાનો આદેશ મહંમદ સાહેબે આપ્યો હતો.
ત્યારે મહંમદ સાહેબે હિજરત કરી જતી બીજી ટુકડીના સરદારને હબશાના શાસક નજાશીના નામે એક પત્ર આપ્યો હતો. એ પત્રનું લખાણ મહંમદ સાહેબના એ સમયના ઉદાર વ્યવહારને સુંદર રીતે વ્યકત કરે છે. એ પત્રમાં લખ્યું હતું,
"હું તે અલ્લાહની પ્રસંશા કરું, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. જે સમગ્ર વિશ્વનો માલિક છે,પાક છે,રક્ષણદાતા છે, સલામતી અર્પનાર છે. હું ઈકરાર કરું છું કે ઈસા બિન મરિયમ અલ્લાહની રૂહ અને તેનો કલિમા છે. ઈસા મરિયમની કુખેથી જન્મ્યા છે. અલ્લાહે તેમને પોતાની રૂહ અને પોતાની શક્તિથી એવી રીતે પેદા કર્યા જેવી રીતે તેમણે આદમને પોતાના હાથે પેદા કર્યા હતા."
ખ્રિસ્તી ધર્મની આટલી પ્રશંશા પછી ઇસ્લામની દાવત આપતા મહંમદ સાહેબ લખે છે,
"હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા નિમંત્રણ પાઠવું છું.જેનો કોઈ ભાગીદાર નથી. અલ્લાહ ઉપર ઈમાન લઇ આવો. અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો. મારી પયગંબરી સ્વીકારો. કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું"
આ પછી ઈ.સ. ૬૨૯મા મહંમદ સાહેબ એક પત્ર હબશાના શાસકને લખ્યો હતો. જે પત્ર લઈને હઝરત અમ્ર બિન ઉમૈયહ દમરી હબશા ગયા હતા. મહંમદ સાહેબનો પત્ર હબશાના બાદશાહને આપ્યા પછી તેમણે અસરકારક પ્રવચન કરતા કહ્યું હતું,

"હે આલીજાહ બાદશાહ,મારું કર્તવ્ય હક-સત્ય વાતની તબલીગ (પ્રચાર) કરવાનું છે. અને આપનું કર્તવ્ય સત્યને સાંભળવાનું છે. અમને આપના ઉપર એટલો વિશ્વાસ અને સંતોષ છે કે અમે આપને અમારી જમાતથી અલગ નથી ગણતા.અમારી અને આપની વચ્ચે ઇન્જીલ કિતાબ સૌથી મોટી સાક્ષી છે.માટે રહેમતના પયગંબર મહંમદ (સ.અ.વ.)ની પેરવી સ્વીકારવી એ સુરક્ષા, બરકત, માન અને પ્રતિષ્ઠાનો ભંડાર પ્રાપ્ત કરવા સમાન છે"

આ જ રીતે મહંમદ સાહેબે રોમન શહેનશાહના દરબારમાં પણ પોતાના એક રાજદુત હઝરત દિહયર બિન ખુલૈફહ કલ્બી પોતાના પત્ર સાથે મોકલ્યો હતો. કલ્બી અંત્યત ખુબસુરત અને વિદ્વાન હતો. એ સમયે રોમના સામ્રાજયનું પાટનગર કુસ્તુન-તુનીયા નામક શહેર હતું. અને તેના બાદશાહનું નામ કૈસર હતું. તે હરક્યુલસ તરીકે પણ જાણીતો હતો. હરક્યુલસ ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. ઈશ્વરીય ગ્રંથો તવરાત અને ઈંજીલનો પ્રખર અભ્યાસુ હતો. મહંમદ સાહેબે પોતાના રાજદુત કલ્બી સાથે રોમના બાદશાહને મોકલેલ પત્રનું વાંચન ખુલ્લા દરબારમાં કરતા પહેલા મહંમદ સાહેબના રાજદુત કલ્બીએ ખુલ્લા દરબારમાં વક્તવ્ય આપતા કહ્યું હતું,

"હે બાદશાહ, અલ્લાહના જે પયગમ્બરે મને આપણા દરબારમાં પોતાનો એલચી બનાવીને મોકલ્યો છે, તેઓ જગતના તમામ ઈન્સાનોમાં સૌથી શ્રેષ્ટ અને ઉંચો દરજ્જો ધરાવે છે. અને જે અલ્લાહે તેમને પોતાના પયગમ્બર બનાવ્યા છે તે સારાએ આલમમા સૌથી મહાન અને શ્રેષ્ટ છે. માટે જે કઈ હું વિનંતી રૂપે કહું તેને ધ્યાનથી, શાંતચિત્તે, દિલથી સંભાળશો. અને સંપૂર્ણ વિચારીને તેનો ઉત્તર પાઠવશો. જો પુરા ધ્યાનથી મારી વાતો સંભાળવામાં નહિ આવે તો આ મુબારક પત્રના હાર્દ સુધી પહોંચવું આપણા માટે શકય નહિ બને"

આટલી ભૂમિકા પછી એલચી કલ્બીએ મહંમદ સાહેબનો પત્ર ખુલ્લા દરબારમાં વાંચ્યો. જેમાં લખ્યું હતું,

"આ પત્ર મહંમદ જે અલ્લાહનો બંદો અને તેનો રસુલ છે, તેના તરફથી રોમના રઈસે આઝમ હીરકલસના નામે મોકલવામાં આવી રહ્યો છે.
આ પત્ર દ્વારા હું આપને ઇસ્લામની દાવત આપું છુ. મુસ્લિમ બની ખુદાની સલામતી મેળવી લો. અલ્લાહ તમને બમણો બદલો આપશે. અલ્લાહની પનાહ નહિ સ્વીકારો તો તમારા દેશવાસીઓના તમે ગુનેગાર બનશો. હે અહેલે કિતાબ, આવો એ તરફ જે અમારી અને તમારી વચ્ચે સરખી છે. આપને અલ્લાહ સિવાય કોઈની બંદગી નહિ કરીએ. આપણામાંથી કોઈ અલ્લાહને છોડીને એકબીજાને પોતાના પાલનહાર નહિ બનાવીએ"

પત્ર પૂર્ણ થતા સમગ્ર દરબારમાં એક પળ માટે સમશાનવત શાંતિ પ્રસરી ગઈ. એ શાંતિનો ભંગ કરતા રોમના બાદશાહ હરક્યુલસે તેના દરબારીઓને કહ્યું,

"તમારી ઈચ્છા હોય કે દેશ ખુદાની રહેમતથી સલામત રહે અને તમે સફળતા મેળવતા રહો તો, અરબના આ નબીની પેરવી ગ્રહણ કરવી એ જ એક માત્ર નેકીનું કામ છે"

Leave a comment

April 8, 2013 · 11:10 AM

વિસરાઈ ગયેલ વિદ્વાન : કરીમ મહંમદ માસ્તર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાના એક કરીમ મહંમદ માસ્તર (૧૮૮૪-૧૯૬૨) આજે તો ઇતિહાસના પડળોમાં દટાઈ ગયા છે. પણ તેમણે લખેલ ગ્રંથો

“મહા ગુજરાતના મુસલમાનો”, “પંચસુરા” અને “મુસલમાન વકફ આકટ” આજે પણ તેમના અસ્તિત્વનો અહેસાસ કરાવતા રહે છે.૧૮ ઓગસ્ટ ૧૮૮૪મા સુન્ની વહોરા કુટુંબમાં જન્મેલ કરીમ મહંમદ માસ્તરનું લેખન કાર્ય આજે પણ ગુજરાતના વાચકો વિચારકોને માર્ગ ચીંધતું રહ્યું છે. કરીમ મહંમદ માસ્તરે પ્રારંભના કાળમાં અર્થાત ઈ.સ. ૧૯૨૮મા નડિયાદમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. એ પછી સદર અદાલત,જુનાગઢમા જજના ઉચ્ચ હોદ્દા પર કાર્ય કર્યું. અને ઈ.સ. ૧૯૪૮મા તેઓ સેવા નિવૃત્ત થયા.પણ તેમની સેવા નિવૃત્તિ અંગ્રેજ સરકારની નોકરી પુરતી સીમિત રહી. નિવૃત્તિ પછી તેમણે ગુજરાતના મુસ્લિમો અંગેના તેમના સંશોધનને ગતિ આપી. અને તેને પરિણામે ગુજરાત અને વિશ્વને એક આધારભૂત ગ્રંથ “મહા ગુજરાતના મુસલમાનો” ભાગ-૧,૨, સાંપડયો. ગુજરાતમાં વસતા મુસ્લિમોની તલસ્પર્શી માહિતીથી સભર આ ગ્રંથ આજે તો સૌ કોઈ પાસે ઉપલબ્ધ નથી. મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિર દ્વારા ઈ.સ. ૧૯૬૯મા તેનું પુનઃ મુદ્રણ થયું હતું. ૬૦૬ પૃષ્ટો અને ૧૩ રૂપિયાની કીમતનો ગુજરાતી ભાષામાં લખાયેલ આ ગ્રંથ આજે તો રેર ગ્રંથોની શ્રેણીમાં આવે છે. પણ તેના અભ્યાસ અને આધાર વગર ગુજરાતના મુસ્લિમોનો અભ્યાસ કરવો લગભગ અશક્ય છે. Encyclopaedia of the World Muslims: Tribes, Castes and Communities, Volume 1(edited by Nagendra Kr Singh, Abdul MabudKhan,Global vision publishing House, Delhi,2001)મા આ ગુજરાતી ગ્રંથના અઢળક આધારો લેવામાં આવ્યા છે.

ગ્રંથના સર્જનકાળ પર પ્રકાશ પાથરતા કરીમ મહંમદ માસ્તર તેની પ્રસ્તાવનામાં લખે છે,

“મને પુરતો અવકાશ તો ઇ.સ.૧૯૪૮મા હું નિવૃત થયો ત્યારે જ મળ્યો. દરમિયાન, મારી છુટક છુટક કરેલી નોંધો તૈયાર હતી. મૂળ પુસ્તકમાં તે સાંકળી લીધી હતી. “મહાગુજરાતના મુસલમાનો”અને સરકારી ગેઝેટીયર અર્ધી સદી અગવની માહિતી આપતા હતા.તેથી તેઓની જૂની થઇ ગયેલી અને બિન જરૂરી માહિતી કમી કરી,નવી માહિતી ચાલુ વૃતાંતમા થડકો ના લાગે તેવી રીતે સંકલિત કરી હતી”

આ ગ્રંથમા ગુજરાત અને સૌરષ્ટ્રમા મુસ્લિમોનું આગમન, તેમનો વેપાર અને ધર્મ પ્રચાર,મુસ્લીમોના પેટા વિભાગો,તેમના મૂળ,વ્યવસાય, રીતરીવાજો,વિસ્તાર,ઇસ્લામના ફીરકાઓ,ઈમામો  અને મુસ્લિમોની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.

કરીમ મહંમદ માસ્તર જેવા વિદ્વાનને પણ જીવનના કાંટાળા માર્ગ પર અનેક જખમો સહેવા પડ્યા હતા. ઈ.સ ૧૯૪૫મા તેમના સિવિલ જજ પુત્ર ઈબ્રાહીમ (૧૯૦૫ થી ૧૯૪૫)નું ૪૦ વર્ષની ભર યુવાવયે આકસ્મિક અવસાન થયું. ત્યારે જરા પણ વિચલિત થયા વગર તેઓ સ્વસ્થ રીતે પોતાના જીવન ઉદેશને વળગી રહ્યા હતા. તેની સાક્ષી પૂરતું એક અવતરણ તેમના “પંચસુરા”નામના પુસ્તકના આરંભમાં જોવા મળે છે. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબે ૬૦ વર્ષની ઉમરે પોતાના દોઢ વર્ષના પુત્ર ઈબ્રાહીમના અકાળ અવસાન સમયે કહેલા શબ્દોનો ગુજરાતીમાં કાવ્યત્મક શૈલીમાં અનુવાદ કરી,કરીમ મહંમદ માસ્તરે પોતાના પુસ્તક “પંચસુરા”ના  આરંભમાં લખ્યું છે,

  “અશ્રુ સરે છે આંખથી, કલ્પાંત થાયે અંતરે

 ઇબ્રાહીમો ! તુજ યાદમાં, હા,ઝૂરવું બાકી હવે

 ને તોય હું મુખથી વદૂ, અલ્લાહને જે પ્રિય છે,

 ‘આવ્યા સહુ અલ્લાહથી, પાછા જવાનું ત્યાં જ છે”

“પંચસુરા” નામક તેમનું પુસ્તક તેમના ઇસ્લામિક જ્ઞાન અને ઊંડાણને વ્યક્ત કરે છે. જેમા તેમણે

કુરાન-એ-શરીફની  જુદી જુદી ૧ થી ૨૬ સુરાઓનો ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે. ૧૯૫૪માં પ્રસિદ્ધ થયેલ એ પુસ્તકની પ્રસ્તાવનામા કરીમ મહંમદ માસ્તર કેટલાક કડવા સત્યોને ઉજાગર કરતા લખે છે,

“પંચસુરા”નો નિત્યપાઠ કેટલા બધા મુસલમાનો કરે છે ! છતાં, તેમાંના કેટલા તેનો અર્થ સમજે છે ? અથવા સમજવા કોશિશ પણ કરે છે ? ”યાસીન”જેવી અગત્યની સુરા, જે હરેક મુસલમાનની મરણ ઘડીએ પઢવામાં આવે છે,તેનો ય અર્થ, સંભાળનાર તો શું, પણ પઢનાર પોતે ય, મોટે ભાગે સમજે છે ખરા ? તેનો પઢવાનો આશય એટલો જ હોય છે કે વિદાય લેતી રુહને તેની તે પછીની હાલતથી વાકેફ કરવામાં આવે. પરંતુ તે હેતુ બર આવે છે ખરો ? નમાઝમાં નિત્ય પઢાતી સુરાઓ “અલ્હમ્દો” અને “કુલહોવલ્લાહ”જેવી અગત્યની સુરાઓનો પણ બહુ સારાંશ સમજનાર છે,પણ તેનું ખરું હાર્દ સમજનાર કેટલા છે ? બીજી અનેક દુવાઓ નમાઝ પછી પઢવામાં આવે છે, પરંતુ તે યંત્રવત ! આ સ્થિતિ શું સોચનીય નથી. તો. તેને નિવારવા પ્રયત્ન કરવો જોઈએ નહિ ? તેવો અલ્પ પ્રયાસ મેં અહીં કરેલો છે”

કુરાન-એ-શરીફની પ્રથમ આયાત “અલ્હમ્દો” અંગે “પંચસુરા”ના પૃષ્ટ ૮૬ પર સમજ આપતા કરીમ મહંમદ માસ્તર લખે છે,

“આ સુરા આખા કુરાનના સાર રૂપે છે. તેથી તેને કુરાઆન’લ-અઝીમ કહે છે. આ સુરાની સાત આયાતો દરેક નમાઝમાં, દરેક રકાતમાં પઢવી પડે છે. માટે તેને સબ-ઉલ-મસાની અર્થાત વારંવાર પઢાતી સાત આયાતો કહે છે.આ સુરા કુરાનમાં સૌથી અગત્યની છે. માટે તેને ઉમ્મુલ કુરઆન અથવા ઉમ્મુલ કિતાબ

પણ કહે છે. દરેક દુવા પઢવામાં આ સુરા આવશ્યક અંગ છે. માટે તેને સુરતુદ્’દુવા  કહે છે. તે જ અર્થમાં, અલ્લાહનો ઉપકાર માનવાની દુવા તરીકે તેને સુરતુશ્’શુક્ર કહે છે.”

કરીમ મહંમદ માસ્તરે લખેલા અન્ય ગ્રંથોમાં ઇસ્લામની ઓળખ, અલ્લાહ નામાવલી, હઝરત મહંમદ મુસ્તુફા અને કરીમ મહંમદના કાવ્યો અને લેખોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મુસ્લિમ વકફ એકટના ઘડતરમાં અને તેની પ્રસિદ્ધિમાં પણ કરીમ મહંમદ માસ્તરનું પાયાનું પ્રદાન હતું. તેનું ઉત્તમ દ્રષ્ટાન ઈ.સ. ૧૯૨૮માં તેમણે તૈયાર કરેલ અને સુન્ની મુસ્લિમ વકફ કમીટી, માણેકચોક, અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક “મુસલમાન વકફ આકટ” છે. ૨૧ ડીસેમ્બર ૧૯૬૨ના રોજ ૭૮ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ઘણીવાર માનવીના એકાદ-બે કાર્યો પણ તેને ઇતિહાસમાં અમર બનાવી દે છે. એ મુજબ “મહા ગુજરાતના મુસલમાનો”, “પંચસુરા” અને “મુસલમાન વકફ આકટ” નામક આધારભૂત ગ્રંથો દ્વારા કરીમ મહંમદ માસ્તર ઇતિહાસના પાનાઓ પર આજે પણ જીવંત છે અને રહેશે.

2 Comments

Filed under Uncategorized