Monthly Archives: January 2015

આપણી ધાર્મિક સમરસતાનો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ત્રણ દિવસના ભારત પ્રવાસની સમાપ્તિ કરતા કહ્યું હતું,

“જો ધર્મના આધારે ભાગલા નહિ પડે તો ભારતનો જરુર વિકાસ થશે”. ભારત અને તેના વિકાસના ઇતિહાસનું આ સનાતન સત્ય છે. એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. ભારતે એ સત્યને દરેક યુગમાં સાકાર કરી વિશ્વમાં હંમેશા પોતાનું નામ ઊંચ સ્થાને રાખ્યું છે. તેનો ઇતિહાસ સાચ્ચે જ રોમાંચક અને અદભૂત છે. ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા અભ્યાસક્રમોમા ક્યાંય જોવા મળતો નથી. બંને ધર્મોના વિદ્વાનો અને વિચારકોએ હિંદુ અને ઇસ્લામ ધર્મના વિચારોને સાહિત્ય અને સમભાવ સાથે આચારણમાં મુકવા કરેલા પ્રયાસો એ સમરસતાનું ઉમદા વાતાવરણ સર્જ્યું હતું. પરિણામે ભારતીય સંવાદિતતાની એ પરંપરાએ દેશ અને દુનિયામાં એક આદર્શ દ્રષ્ટાંત ઉપસાવ્યું છે.

એ યુગમા ઇસ્લામનું કેન્દ્ર બગદાદ હતું. બગદાદના વિદ્વાનોને ભારતના હિંદુધર્મ, તેનો ઇતિહાસ અને આધ્યાત્મિક જ્ઞાનમાં અત્યંત રસ હતો. તેથી બગદાદના પ્રવાસીઓ અન્ય માધ્યમો દ્વારા ભારત વિષે જાણવા સક્રિય પ્રયાસો કરતા હતા. એ સમયના કેટલાક મુસ્લિમ ઇતિહાસકરો જેવા કે બલાજરી, યાકુબ અને મુકીદસીના ગ્રંથોમાં ભારતનું વર્ણન જોવા મળે છે. રબ્નેનદીમના ગ્રંથ અલ ફહીરસ્તમા હિંદુ ધર્મ અંગે એક આખું પ્રકરણ આલેખવામાં આવ્યું છે. એ સમયે બગદાદમાં કેટલાક હિંદુ પંડિતો અને નવ મુસ્લિમો પણ વસતા હતા. સૈયદ સુલેમાન નદવીએ એ અંગે લખ્યું છે,

એ સમયે બગદાદમાં અનેક હિંદુ પંડિતો મૌજૂદ હતા. તેમાના કેટલાકના નામો આજે પણ ઇતિહાસના પડળમા દટાયેલા પડ્યા છે. જેમા પંડિત કનક, પંડિત મનકા અને પંડિત કપિલરાય મુખ્ય હતા

આ પંડિતોએ કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા હતા. એ પહેલા આર્યભટ્ટના ગ્રંથ

બ્રહ્મ સિદ્ધાંતનો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની મદદથી અરબી ભાષામાં કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બીજા કેટલાક હિંદુ ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં થયાના પુરાવાઓ મળે છે.

આવા અનુવાદો અને મૌખિક માધ્યમો દ્વારા ભારતીય ધર્મો પ્રત્યેની અરબોની જાણકારી વિસ્તૃત થતી જતી હતી. તે અલ્બેરુની અને જાહીજ જેવા પ્રવાસીઓના વર્ણનો દ્વારા જાણી શકાય છે. પરંતુ ભારત અંગે પ્રત્યક્ષ અને આધારભૂત માહિતી મેળવવાનો આરંભ અલ્બેરુનીથી થયો હતો. અલ્બેરુની ભારતમાં લગભગ ચાલીસ વર્ષો રહ્યો હતો. તેણે બાકાયદા સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું પાયાનું જ્ઞાન તેણે હિંદુ ધર્મ ગ્રંથોમાંથી મેળવ્યું હતું. તેના આધારે તેણે તહ્કીકુલ માહિન્દનામક ગ્રંથ લખ્યો હતો. જેમાં સહજ અને સહકારાત્મક શૈલીમાં તેણે હિંદુધર્મ અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. આ ગ્રંથ અરબી ભાષામાં ભારતશાસ્ત્રનો પરિચય કરાવતો સૌ પ્રથમ અને આધારભૂત ગ્રંથ હતો. આ ગ્રંથમા અલ્બેરુનીએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કર્યો હતો. અને તેમાં ઇસ્લામ અને હિંદુ ધર્મના મૌલિક અંતરને વ્યક્ત કરતા લખ્યું હતું,

હિંદુ ધર્મને સમજવામાં મુસ્લિમોને આ મૌલિક અંતરને કારણે જ તકલીફ પડે છે. જેથી તેનું સકારાત્મક વિષ્લેષણ અનિવાર્ય છે.”

આ સમગ્ર યુગ દરમિયાન હિંદુ વિદ્વાનોના લખાણો દ્વારા ઇસ્લામને સમજવાની કોશીશ થતી રહી હતી. સિંધ અને બગદાદમાં આ અંગે અનેક ધર્મચર્ચો યોજાતી રહેતી હતી. કુરાન-એ-શરીફનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ આ જ સમય દરમિયાન થયો હતો. હિન્દુસ્તાનમાં ઇસ્લામિક શિક્ષણ પ્રથા ઉપર ઘણા પુસ્તકો લખાયા હતા. અનેક હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. અને તેના દ્વારા ઇસ્લામને સમજવાના ભરપુર પ્રયાસો થયા હતા.

આ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો અવશ્ય મહેસુસ થશે કે આજે બરાક ઓબામાએ  હિંદુ અને ઇસ્લામ બંને ધર્મો વચ્ચે સમરસતાની વાત કરી છે, તે તો ભારતની પુરાતન પરંપરાનો એક ભાગ છે. અને તે કોઈ એક તરફી પ્રયાસો ન હતા. બલકે બંને ધર્મોના અનુયાયીઓ, વિદ્વાનો એક બીજાના ધર્મ અને પરંપરાને સમજવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. એ વાતનો અહેસાસ ભારતના સુલતાનોના શાસનકાળમા દરમિયાન ઉડીને આંખે વળગે છે. એ યુગમાં મુસ્લિમ સૂફી સંતો, હિંદુ સંતો અને કવિઓએ બંને ધર્મના વચ્ચે સેતુનું કાર્ય કર્યું હતું. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદ (તૌહીદ)ને અદ્વેત્વાદ તરીકે રજુ કર્યો. તેમાં હિંદુ વિદ્વાનોએ હિંદુ ધર્મની “વેદાંત” વિચારધારાની ઝલક અનુભવી. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલન દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો અને રીતરીવાજો વચ્ચેની સમરસતા અભિવ્યક્ત કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ સમરસતા ઉજાગર કરવમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન અને તુલસીદાસે અગ્ર ભૂમિકા ભજવી. સૂફી સંતો  હઝરત શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગરેની ભૂમિકા પણ અગ્ર હતી. અમીર ખુસરો પણ હિંદુ મુસ્લિમ ગંગા-જમુના સંસ્કૃતિના સમન્વય નાયક તરીકે ઉભરી આવ્યા હતા.

મુઘલ કાળમાં આ સમરસતાને ચાલુ રાખવામાંનું કાર્ય મુઘલ શાસકોએ કર્યું. મુઘલ શાસક બાબરે તેના પુત્ર હુમાયુંને નસિયત કરતા ખાસ કહ્યું હતું,

તારા માટે અનિવાર્ય છે કે તુ તારા હદયમાંથી ધાર્મિક ભેદભરમ દૂર કરી દે. અને દરેક ધર્મના રીતરીવાજ અને સિદ્ધાંતો મુજબ ઇન્સાફ કર. તુ ગાયોની કુરબાની પર પ્રતિબંધ મુક. એ દ્વારા તુ હિન્દુસ્તાનના લોકોના દિલ જીતી શકીશ. અને તેમના દેવસ્થાનોની હિફાઝત કર. એ જ  આદર્શ શાસકની પવિત્ર ફરજ છે

અકબરના સમયમાં અબુલ ફઝલે તેના પુસ્તક આયને અકબરીમા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ આલેખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત પુસ્તકોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. એ પછી જુલ્ફીકાર મવદે દબિસ્તાને મજાહીદનામક એક ગ્રંથ લખ્યો. જેમાં બંને ધર્મોના તુલનાત્મક અધ્યયનને હકારાત્મક શૈલીમા રજુ કરવામાં આવ્યા હતા. મોઘલકાળમાં જ દારા શિકોહએ હિંદુ ધર્મ અને ઇસ્લામની સમરસતાની વાતને પોતાના લેખન અને આચરણમાં રજુ કરી હતી. આ જ પરંપરાને શેખ અબ્દુલ કુદ્દુસ ગંગોહી, મિર્ઝા મઝહર ખાનખાના, મૌલાના ફજલુલ રહમાન ગંજ મુરાદાબાદી, મૌલાના ફજલુલ હસન અને હઝરત મોહનીએ ચાલુ રાખી હતી. એજ રીતે અર્વાચીન યુગમાં ભારતના મહાન સુધારક રાજા રામ મોહન રાયએ ચાલુ રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ સમરસતાને વાચા આપતો ગ્રંથ

તોહાફ્તુલ મોહિદીનલખ્યો હતો. એકેશ્વરવાદ (તોહીદ)ને વાચા આપતો આ ગ્રંથ રાજા રામ મોહન રાયએ ફારસી ભાષામાં લખ્યો હતો. અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબી ભાષામાં લખવામાં આવવી હતી. રાજા રામ મોહન રાયનું વ્યક્તિત્વ પણ બહુ ધર્મી હતું, તેમણે પોતાનું શિક્ષણ ઇસ્લામિક મદ્રેસામા લીધું હતું. જયારે હિંદુ ધર્મની શિક્ષા તેમણે ગુરુકુળમાં લીધું હતું. રાજા રામ મોહન રાય પછી વિવેકાનદે પણ સમરસતાની એ પરંપરાને જીવંત રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ કોમના સંગમને વાચા આપતા કહ્યું હતું,

હુંદુ અને ઇસ્લામ ભારતીય શરીરના બે અંગો છે. જેમાં બુદ્ધિ અર્થાત વેદાંત અને શરીર એટલે ઇસ્લામ છે

તેમણે યથાર્થવાદી અને સહિષ્ણુતાનો પરિચય આપતા કહ્યું હતું,

“ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે”

એ પછીના યુગમાં વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલે હિંદુ મુસ્લિમ સમરસતાની પરંપરાને આગળ વધારી હતી. વિનોબાજીએ “રુહુલ કુરાન” અને પંડિત સુંદરલાલએ ગીતા અને કુરાન જેવા ગ્રંથો દ્વારા

બંને ધર્મની બુનિયાદી એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતની આવી સમરસતા ભારતના ઇતિહાસમાં દટાયેલી પડી છે. આજે જયારે ભારતની યાત્રાએ આવેલ બરાક ઓબામા જો ધર્મના આધારે ભાગલા નહિ પડે તો ભારતનો જરુર વિકાસ થશે ઉચ્ચારે છે ત્યારે મને આપણી ઉપરોક્ત ધાર્મિક સમરસતાનો ઇતિહાસ સાંભરી આવે છે.

Leave a comment

Filed under Uncategorized

સીરત અંગે નિબંધ સ્પર્ધા : અભિનંદન : ડો. મહેબૂબ દેસાઈ

ગત શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરી ઉસ્માનપુરામાં આવેલા સૂફી સંત હઝરત ઉસ્માન(ર.અ)ના મકબરામા આવેલી શાહી મસ્જિતમાંથી બહાર નીકળ્યો, ત્યારે એક છોકરાએ મારા હાથમાં એક પત્રિકા થમાવી દીધી. આમ તો આવી પત્રિકાઓ વ્યવસાયિક જાહેરાતોની હોય છે. પણ પત્રિકા પર નજર કરી તો નવાઈ લાગી. એ પત્રિકા એક શૈક્ષણિક નિબંધ સ્પર્ધાની હતી. શિક્ષણમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓના જ્ઞાન અને ચરિત્ર ઘડતર માટે થાય છે. આવી જ એક સ્પર્ધામાં વિદ્યાર્થીઓને જોડાવાનું નિમંત્રણ આપતી એ પત્રિકાનું મથાળું હતું

સીરત નિબંધ સ્પર્ધા ઉર્દુમાં સીરત શબ્દ ચરિત્ર માટે વપરાય છે. એ અર્થમાં મુહમ્મદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ના જીવન ચરિત્રના ત્રણ પાસાઓને આવરી લેતી આ સ્પર્ધાનું આયોજન ઇસ્લામી સાહિત્ય એકેડેમી, ગુજરાત (૨, જુમસ્ન ચેમ્બર્સ, અરબ મસ્જિત પાછળ,પથ્થર કુવા, રીલીફ રોડ, અમદાવાદ) દ્વારા કરવામાં આવેલ છે. હઝરત પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ના જીવન ચરિત્રના ત્રણ પાસાઓ આ સ્પર્ધામા આવરી લેવામાં આવ્યા છે.

. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (...) : એક વિશ્વ વિજેતા

. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (...) : ઇસ્લામી દાઈ (નિમંત્રક)

. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (...) : એક સર્વ શ્રેષ્ટ સમાજ સુધારક

આ નિબંધ સ્પર્ધાનું ઉત્તમ પાસુ એ છે કે ૯ થી ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ પણ કોમ કે ધર્મના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ શકે છે. એ પત્રિકામાં ૩૦૦ થી ૪૦૦ શબ્દોમાં પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) ના ઉપરોક્ત  ત્રણ પાસામાંથી કોઈ પણ એક પર નિબંધ લખવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આવું ઉદેશ્ય લક્ષી આયોજન કરવા બદલ સ્પર્ધાના આયોજકોને અભિનંદન. જો કે મારે અત્રે એ સ્પર્ધા અંગે વધુ વાત નથી કરવી. પણ ઉપરોક્ત વિષય માટે સ્પર્ધકો કે વિદ્યાર્થીઓએ કયા આધારભૂત ગ્રંથો રીફર કરવા જોઈએ તે અંગે થોડી વાત કરવી છે.

દરેક ધર્મના સંતો,પયગમ્બરો કે મહામાનવો સમગ્ર સમાજ માટે આદર્શ અને અનુકરણીય હોય છે. મુલ્યનિષ્ઠ સમાજના ઘડતરમાં તેમનો ફાળો નીવ કી ઈંટ સમાન હોય છે. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) એવા જ ઇસ્લામના અંતિમ પયગંબર હતા.

મહાન ઇતિહાસકાર અર્નોલ્ડ ટોયનબી તેમના પુસ્તક “ઘી પ્રીચિંગ ઓફ ઇસ્લામ”માં લખે છે,

“મહંમદ સાહેબને એકી સાથે ત્રણ વસ્તુઓ સ્થાપવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન),એક રાજ્ય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો દાખલો જોવા મળતો નથી.”

અગ્રેજ લેખક માઇકલ હાર્ટ તેમના પુસ્તક ધી ૧૦૦ મા લખે છે,

પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(...) વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતા

બ્રિટીશ લેખક બોસબર્થ લખે છે,

જો કોઈ વ્યક્તિ માટે એવું અધિકારથી કહેવું હોય કે તેણે સપૂર્ણ પણે ન્યાય અને ખુદાઈ આદેશ અનુસાર જીવન વિતાવ્યું અને શાસન સંભાળ્યું છે, તો માટે એક  માત્ર નામ છે પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(...)

ઇસ્લામના અંતિમ પયગમ્બર મુહમ્મદ સાહેબ(...) અંગે આજ દિન સુધી અનેક ગ્રંથો લખાયા છે. પણ મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખવાનો યશ ઈબ્ન હિશામનીને જાય છે. ઈબ્ન  હિશામનીનું મૂળ નામ તો ઘણું લાંબુ છે. મુહંમદ ઈબ્ન  હિશામની ઈબ્ન યાસીર ઈબ્ન ખિયાર. પણ ઇસ્લામી ઇતિહાસમાં તેઓ ઈબ્ન હિશામની તરીકે જાણીતા છે. ઈ.સ. ૭૦૪મા મદીનામાં જન્મેલ ઈબ્ન  હિશામનીના પિતા આરબોના કેદી હતા. ઇસ્લામનો અંગીકાર કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ મદીનામાં આવી વસ્યા. નાનપણથી જ હિશામની મુહંમદ સાહેબના નામ અને કામથી ખુબ પ્રભાવિત હતા. પરિણામે નાનપણથી પિતા અને કાકા સાથે તેઓ મુહંમદ સાહેબની વિગતો એકત્રિત કરવા લાગ્યા હતા. તેમનો એ શોખ ગાંડપણની હદ સુધી વિસ્તર્યો. દિનપ્રતિદિન ઈબ્ન  હિશામની તેમાં ઊંડા ઉતરતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે તેઓ મુહંમદ સાહેબની આધારભૂત વિગતો માટેનું મૂળભૂત સ્રોત બની ગયા.

બગદાદમાં વસવાટ દરમિયાન જ ઈબ્ન  હિશામની મુહંમદ સાહેબ અંગે જાણવાની શરૂઆત કરી હતી.એ પછી મદીના આવી મુહંમદ સાહેબ અંગે બાકાયદા સંશોધન આરંભ્યું. સંશોધને અંતે તેમણે મુહંમદ સાહેબનું સૌ પ્રથમ જીવનચરિત્ર લખ્યું. ઈબ્ન  હિશામનીએ લખેલા મુહંમદ સાહેબના એ જીવનચરિત્રનનું નામ છે

“સીરતુન-નબી સ.અ.વ.” એ મૂળ ગ્રંથનું ૬૦ વર્ષ પછી પુનઃ પ્રકાશન થયું છે. એ જ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ  એ. ગુલ્લ્યુંમે ૧૯૫૫મા ધી લાઇફ ઓફ મુહંમદ નામે કર્યો હતો. આજે પણ ઈબ્ન હિશામનીએ લખેલ અસલ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ચાર ભાગોમાં “સીરતુન-નબી સ.અ.વ.” નામે ઉપલબ્ધ છે. જેનો ગુજરાતી અનુવાદ અહમદ મુહમદ હથુરાણીએ કરેલ છે. અરબી ભાષાની સૌથી પ્રમાણભૂત અને સાડા બાર સો વર્ષ પહેલા લખાયેલી આ સીરત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક યુવકે સૌ પ્રથમ તપાસવી જોઈએ, વાંચવી જોઈએ. એ પછી  દ્વિતીય કક્ષાના સાહિત્યમાં તો મહંમદ સાહેબના મુસ્લિમ લેખકોએ લખેલા અનેક જીવન ચરિત્રો ઇસ્લામિક બૂક સેન્ટરોમા ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને અગ્રેજીમાં ઉપલબ્ધ છે. પણ એ સાથે પંડિત સુખલાલજીએ લખેલ “મહંમદ અને ઇસ્લામ” (નવજીવન પ્રકાશન,અમદાવાદ) પણ ખાસ વાંચવા મારી ભલામણ છે. મહંમદ સાહેબના ચરિત્રને બખૂબી રજુ કરવામાં પંડિત સુખલાલજી સફળ રહ્યા છે.  એ જ રીતે “ઇસ્લામો સુવર્ણ યુગ” લે. ચુનીલાલ બારોટ(પ્ર.ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ) પણ જોઈ જવા વિનંતી છે. સ્પર્ધામા ભાગ લેનાર સૌ વિદ્યાર્થી મિત્રોને મારી આકાશભરીને શુભેચ્છાઓ.

Leave a comment

Filed under Uncategorized

ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

ગાંધીજીના સફાઈ અભિમાન અને ભારતમાં તેમના આગમનની હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. ગાંધીજીને મહાત્માનું બિરુદ સૌ પ્રથમ સૌરાષ્ટ્રના જેતપુરમાં આપ્યાની વાત થોડા સમય પહેલા આ જ કોલમમાં મેં કરી હતી. આજે ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહ અને તેની સફળતા પણ સૌરાષ્ટ્રની ધરતી પર સર્જાયેલ હતી, તે ઘટના ઇતિહાસના પાનાઓ પર આલેખાયેલ છે. છતાં ચંપારણા સત્યાગ્રહને ગાંધીજીના ભારતના પ્રથમ સત્યાગ્રહ તરીકે ઇતિહાસમાં વારંવાર મૂલવવામાં આવે છે. પણ એ ઐતિહાસિક સત્ય નથી. સૌરાષ્ટ્રની ધરતી પર જ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહની જાહેરાત કરી હતી. અને એ જાહેરાતને સફળતા પણ સાંપડી હતી. આજે એ ઐતિહાસિક સત્યને ઉજાગર કરવું છે.

૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે મુંબઈના બંદરે ઉતર્યા પછી ગાંધીજી તેમના મોટા ભાઈની વિધવા અને બીજા કુટુંબીજનોને મળવા રાજકોટ તથા પોરબંદર જવા નીકળ્યા હતા. રસ્તામાં વઢવાણ સ્ટેશને ત્યાના પ્રજા સેવક શ્રી મોતીભાઈ દરજી ગાંધીજીને મળવા આવ્યા. તેમણે ગાંધીજીને વિરમગામની જકાત તપાસણીથી   સૌરાષ્ટ્રની પ્રજાને પડતી અનહદ કનડગતની વાત કરી.એ ઘટનાનું આલેખન કરતા ગાંધીજી પોતાની આત્મકથા “સત્યના પ્રયોગો”માં લખે છે,

“મુંબઈથી કોઈએ તાર કાગળ મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાના પ્રજા સેવક તરીકે પંકાયેલા દરજી મોતીભાઈ મળ્યા હતા. તેમણે મારી પાસે વીરમગામ જકાત તપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો. તેથી વાતો કરવાની ઈચ્છા થોડી ઓછી હતી. મેં તેમને ટૂંકમાં જ જવાબ દીધો :

“તમે જેલ જવા તૈયાર છો ?”

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનાર ઘણા જુવાનો જેવા જ મેં મોતીભાઈને માન્ય હતા. પણ તેમણે બહુ દ્રઢતા પૂર્વક જવાબ દીધો :

“અમે જરૂર જેલમાં જશું. પણ તમારે અમને દોરવા જોઈશે. કાઠીયાવાડી તરીકે તમારી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતા તમારે વઢવાણ ઉતારવું પડશે. અહીના જુવાનિયાઓનું કામ ને તેમનો ઉત્સાહ જોઈ તમે ખુશ થશો. અમને તમારી સેનામાં જયારે માંગશો ત્યારે ભરતીમાં લઇ શકશો.”

ગાંધીજીના ભારતમાં આગમન પૂર્વે ઈ.સ. ૧૯૧૨-૧૩માં જ મોતીભાઈએ વઢવાણમાં દેશ ભક્તિની જ્યોત પ્રગટાવી હતી. ભારતમાં લોકમાન્ય તિલક મહારાજ અને દેશભક્ત ગોખલેજી આઝાદીની ચળવળ ચલાવતા હતા, ત્યારે મોતીભાઈએ તેમાં પોતાનો સૂર પુરાવી વઢવાણમાં આઝાદીનો પડઘો પાડ્યો હતો. પરિણામે ગાંધીજી તેમના સેવા કાર્યોથી ખાસ્સા પ્રભાવિત હતા. પ્લેગમાં સમાજ સેવા કરતા કરતા તેમનો જીવન દીપક બુઝાઈ ગયો હતો. તેમના અંતિમ દિવસોનો તેમને અહેસાસ થઈ ગયો હોય, પોતાના મિત્ર પથુભાઈ ભાથીને તેની જાણ કરતો પત્ર લખવા બેસાડે છે. પથુભાઈ પેન્સિલ અને કાગળ લઇ કાગળ લખવા ખાટલા પર બેસે છે. ત્યારે મોતીભાઈ તેમની સામે નજર કરતા પૂછે છે,

‘પેન્સિલ સ્વદેશી છે કે વિદેશી ?’

‘વિદેશી’

‘જાવ સ્વદેશી પેન્સિલ લઇ આવો પછી કાગળ લખો’

આવા દેશભક્ત મોતીભાઈએ વીરમગામ જકાત બારીની સમસ્યા ગાંધીજી પાસે રજુ કરી. ગાંધીજીએ તેની ગંભીરતાથી નોંધ લીધી અને તેના અંગે કાર્યવહી આરંભી. આ અંગે ગાંધીજી પોતે લખે છે,

“કાઠીયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વિરામગામ જકાતની તપાસને અંગેની  હાડમારીની ફરિયાદો સંભાળી. તેથી લોર્ડ વિલિગ્ડને આપેલ નિમંત્રણનો મેં  ઉપયોગ કર્યો. આ બાબતમાં મળ્યા એટલા કાગળિયા વાંચ્યા. ફરિયાદમાં ઘણું તથ્ય હતું. એમ મેં જોયું. તે બાબતે મુંબઈની સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લોર્ડ વિલિગ્ડનને પણ મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી”

પરિણામે ગાંધીજીએ કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો. પણ તેમના તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ ન સાંપડ્યો. અંતે તા. ૧૨.૧૨.૧૯૧૫ના રોજ ગાંધીજીએ બગસરાની જાહેસભામાં વીરમગામ જકાતબારી દૂર નહિ કરવામાં આવે તો સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી. અમદાવાદ રાજદ્વારી પ્રાંતિક પરિષદમાં પણ વીરમગામ જકાતબારી અંગે ઠરાવ રજુ કરવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું,

“કાઠીયાવાડથી બ્રિટીશ મુલકમાં આવતા લોકો ઉપર લેવામાં આવતી જકાતને લીધે જે અગવડ અને હાડમારી ખમવી પડે છે અને તેમને જે ખીજવત થાય છે તે ઉપર આ પરિષદ સરકારનું ધ્યાન ખેંચે છે. અને તેમાં પણ ખાસ કરીને વીરમગામ રેલ્વે સ્ટેશને જે રીતે જકાત લેવાનું ધોરણ છે અને જે સખ્તાઈ છે, તે ઉપર સરકારનું મુખ્યત્વે  કરીને લક્ષ ખેંચે છે. સરકારને આતુરતાથી પ્રાર્થના કરે છે કે તેમણે જકાતનું ધોરણ કાઢી નાખવું જોઈએ”

આ બધા પ્રયાસો પછી લગભગ બે વર્ષે લોર્ડ ચેમ્સફોર્ડએ ગાંધીજીની વાત સાંભળી વીરમગામના કાગળિયા તાત્કાલિક મંગાવ્યા. અને જકાતબારી રદ કરવાનું વચન આપ્યું. ઈ.સ. ૧૯૧૭ના નવેમ્બરની ૧૦મી તારીખે વિરમગામ જકાત બારી કાઢી નાખવાની સરકારે જાહેરાત કરી.

આ જીતને ગાંધીજીએ સત્યાગ્રહની સફળતા તરીકે મૂલવતા લખ્યું છે,

“મેં આ જીતને સત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિશે વાતો દરમિયાન મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિશે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિશે તેમણે પોતાની નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું,

‘તમે આને ધમકી નથી માનતા ?’

મેં જવાબ આપ્યો હતો,

‘આ ધમકી નથી. આ લોકકેળવણી છે. લોકોને પોતાના દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક ઉપાયો બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે. સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિશે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિશે પણ મને શંકા નથી”

આ સમગ્ર ઘટના બે બાબતો સ્પષ્ટ કરે છે.

૧. ભારતમાં ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહની જાહેરાત વીરમગામ જકાત બારી અંગે કરી હતી.

૨. ગાંધીજીને તેમના પ્રથમ સત્યાગ્રહ વીરમગામ જકાત બારીમાં સફળતા સાંપડી હતી.

ઇતિહાસના આવ અનેક સત્યો હજુ આજે પણ ઉજાગર કરવાના બાકી છે. જે ઇતિહાસની સ્થાપિત માન્યતાઓમાં પરિવર્તન કરવા સક્ષમ છે.

Leave a comment

Filed under Uncategorized