Monthly Archives: May 2015

હોબાર્ટ : એક ઐતિહાસિક શહેર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૨ મેં ના રોજ અમદાવાદથી મુંબઈ, મુંબઈથી સિંગાપોર, સિંગાપોરથી મેલબોર્ન અને મેલબોર્નથી હોબાર્ટની ૨૮ કલાકની હવાઈ સફર પછી ૧૩ મેંના રોજ અમે ઓસ્ટ્રેલિયાના તાઝમાનીય રાજ્યના ખુબસુરત શહેર હોબાર્ટના નાનકડા હવાઈ મથકે  સવારે ૯.૫૫ કલાકે ઉતર્યો. ત્યારે ત્યાનું વાતાવરણ બિલકુલ ઠંડું હતું. સુસવાટા મારતા ઠંડા પવનનો સૌ પ્રથમ અમને અહેસાસ થયો. પ્લેનમાંથી ઉતરી એ પવનને ચીરતા હું અને સાબેરા ચાલતા એરપોર્ટની બિલ્ડીંગમાં જવા નીકળ્યા. કારણ કે એર પોર્ટ નાનકડું હોવાને કારણે પ્લેન એર પોર્ટની બિલ્ડીંગથી થોડુંક દૂર ઉભું રાખવામાં આવ્યું હતું. ઠંડા પવને મારા શરીરને ધ્રુજાવી દીધું. કફની, લેંઘો અને બંડી એ કાતિલ ઠંડીને રોકવા પૂરતા ન હતા. વળી, આવો ભારતીય પોષક આખા એર પોર્ટમાં તો શું, હોબાર્ટમાં પણ કોઈ પહેરતું નહિ હોય. અમદાવાદથી હોબર્ટની ૧૧૦૨૮ કિલોમીટર અર્થાત ૬૮૫૨ માઈલની સફરે સાચ્ચે જ મને થકવી નાખ્યો હતો. મારો પુત્ર ઝાહિદ, તેની પત્ની સીમા અને મારો પૌત્ર ઝેન મને અને સાબેરાને લેવા આવ્યા હતા. લગભગ ચાર વર્ષ પછી અમો મળી રહ્યા હતા, એટલે મારો પૌત્ર મને જોઈ ભેટી પડ્યો. અને ૨૮ કલાકની સફરનો થાક એકાએક મારા ચહેરા પરથી ગાયબ થઇ ગયો. અને માયનસ ઝીરો વાતાવરણમાં પણ મારા શરીરમાં ગરમી પ્રસરી ગઈ. મેં પૌત્ર ઝેનને ઉચકી તેના ચહેરા પર પ્રેમ ભર્યા ચુંબનનો વરસાદ વરસાવી દીધો. એક બાજુ પૌત્રના પ્રમે મને ભીજવી નાખ્યો, તો બીજી બાજુ આસમાનમાંથી પણ વરસાદના છાંટા શરુ થયા. અને અમે સૌ પાર્કિંગમાં પડેલ ઝાહીદની કાર તરફ દોડ્યા.

ઓસ્ટ્રેલિયાનું તાઝમાનીયા રાજ્ય એક નાનકડા ટાપુ પર વસેલું છે. ત્યાં જવા માટે વિમાન માર્ગ અને દરીયાઈ માર્ગ જ છે. મેલબોર્ન અને તાઝમાંનીયા વચ્ચેનું અંતર લગભગ ૩૮૪ માઈલનું અર્થાત ૬૧૮ કિલો મીટર છે. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુના છેવાડે સુંદર અને નાનકડું હોબાર્ટ શહેર આવેલું છે. ૧૬૯૬ કિલો મીટરના ક્ષેત્રફળમાં પથરાયેલ આ શહેરની વસ્તી ઈ.સ. ૨૦૧૩ની વસ્તી ગણતરી મુજબ ૨,૧૪,૯૭૩ છે. આજે તેમાં ઉમેરણ થઈને લગભગ વસ્તી ચાર લાખ જેટલી થઈ હશે. ૨૦ ફેબ્રુઆરી ૧૮૦૪માં બ્રિટીશ ગવર્નર કોલીનનું  સૌ પ્રથમ અહિયા આગમાં થયું હતું. એ સમયના રાજાના નામ પરથી આ સ્થળનું નામ સુલ્લીવાનસ રાખવામાં આવ્યું હતું. રીવર ડેવરન્ટના કિનારે તેણે એક ટેન્ટ નાખ્યો. એ પછી સ્ત્રીઓ અને બાળકોનું અહીયા આગમન થયું. તેમને આ પ્રદેશને રહેવાલાયક કરવા દીવડ રાત મહેનત કરી. અને તેણે એક નાનકડું શહેર વસવું. જે હોબાર્ટ ટાઉન તરીકે ઓળખ્યું.  ઓસ્ટ્રેલિયાના સૌથી જુના શહેરોમાં સિડનીનો સમાવેશ થયા છે. એ પછી સૌથી જુના શહેર તરીકે બીજા ક્રમે હોબર્ટ આવે છે. ડુંગરો અને ટેકરાઓ પર વસેલ આ શહેર આજે તો પ્રવાસીઓ માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. તેની કુદરતી ખુબસૂરતીને કારણે હનીમૂન માટે આવતા નવ વિવાહીતોથી આ શહેર સતત ધમધમતું રહે છે. અહીંયા જોવાલાયક અનેક સ્થળો છે. તેમાં સોલોમન્સ વિસ્તારમાં વીક એન્ડમાં ભરાતું બજાર જાણીતું છે. અમદાવાદમાં જેમ દર રવિવારે એલીઝ્બ્રીજ નીચે રવિવારી ભરાય છે. તેમાં અહિયા પણ શની રવિ બે દિવસ બજાર ભરાઈ છે.  સોલોમન્સ એરિયા અહીનો સૌથી જુનો વિસ્તાર છે. દરિયા કાંઠે આવેલા આ વિસ્તારમાં અનેક બજારો, શોપિંગ મોલ અને કુદરતી સૌંદર્ય અદભુત છે. આ જ વિસ્તારમાં તાઝ્માંનીયા રાજ્યની પાર્લામેન્ટનું સુંદર બિલ્ડીંગ આવેલું છે. તેની આગળના પાર્કમાં સૌ આરામથી વિના સંકોચે ફરે છે. અહીં ટ્રાફિક અંત્યત શિસ્તબદ્ધ છે. મોટે ભાગે માર્ગો પર કરોજ જોવા મળે છે. પણ તના એક પણ હોર્નનો અવાજ નથી આવતો. અહિયા કારમાં હોર્ન હોય છે. પણ તે કોઈ વગાડતું નથી. કારણ કે સૌ કોઈ પોતાની કાર નિયમોના દાયરામાં રહીને જ ચલાવે છે. હોબર્ટથી લગભગ ૬૦ કિલો મીટરના અંતરે આવેલ પોર્ટ આર્થર જોવા લાયક ઐતિહાસિક સ્થાન છે. ડીમેન્સ લેન્ડ તરીકે એક સમય જાણીતો આ વિસ્તાર તેના લેફ્ટેન્ટ ગવર્નર જ્યોર્જ આર્થરના નામ પરથી પોર્ટ આર્થર તરીકે ઓળખાયો છે.૧૮૩૩ થી ૧૮૫૩ દરમિયાન અહીંયા બ્રિટીશ ગુનેગારોને રાખવામાં આવતા હતા. તે એક આદર્શ જેલ આદર્શ જેલ હતી.પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે પણ પોર્ટ આર્થરનો ઉપયોગ એજ રીતે થયો હતો.

તાઝામાંનીયા રાજ્યની એક માત્ર યુનિવર્સીટી હોબર્ટમાં આવેલી છે. જે યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાનના અધ્યાપકો સામે મારે તા. ૨૯ મેંના રોજ “ગાંધીજીની સૌ પ્રથમ જીવન કથા” (Mr. Gandhi’s First Biography: An Unknown Page of History) વિષયક વ્યાખ્યાન આપવાનું છે. સમાજ વિજ્ઞાન શાખના ડીન પ્રોફે. ડ્રીક્સ મારા પરમ મિત્ર છે.તેઓ તાઝ્માનીયા યુનિવર્સિટીમાં ફીલોસોફી અને માનવ વિજ્ઞાનના હેડ છે. હોબર્ટમાં મારા આગમનની જાણ થતા માનવ વિજ્ઞાનના અધ્યાપકો માટે મારા વ્યાખ્યાનનું તેમણે આયોજન કર્યું છે. અહિયા. સ્થાનિક પ્રજામાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. કારણ કે અહિયા વસ્તી મુંબઈ જેટલી અને વિસ્તાર ભારત કરતા પણ મોટો  છે. પરિણામે ઓસ્ટ્રેલિયન નાગરિકને જીવન નિર્વાહ માટે ઝાઝો સંઘર્ષ કરવો પડતો નથી. સાંજે સાત વાગ્યે દુકાનો અને રસ્તા સૂના થઇ જાય છે. છેલ્લા પંદર વર્ષોમાં ભારતના યુવાનો મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા છે. અને અહિયા ખુબ સારી રીતે સેટેલ થયા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરો મેલબોર્ન, સિડની, એડીલેડ, પર્થ , હોબર્ટ દરેક જગ્યાએ ભારતીય અને ગુજરાતી સમાજના સંગઠનો સક્રિય છે. અને હિંદુ મુસ્લિમ તહેવારો સાથે મળીને સૌ ઉજવે છે.  જંગલોથી ઘેરાયલા આ પ્રદેશમાં બાર માસમાથી આઠ માસ ઠંડી રહે છે. સમરમાં પણ ઠંડીનું હોય છે. પરિણામે લાકડાનો ઉપયોગ વિશેષ જોવા મળે છે. ઘરના બાંધકામમાં ઈંટ અને સિમેન્ટ જુજ વપરાય છે. ૯૦ ટકા ઘરના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થાય છે.

અહીની પ્રજા અત્યંત સોમ્ય છે. સીનીયર સીટીઝન માટે વિશેષ માન ધરાવે છે.રસ્તાઓ, શેરીઓ અને રહેણાંકી વિસ્તારો સ્વચ્છ અને સુઘડ છે. અત્યંત શાંતિ પ્રિય પ્રજામાં સૌ માટે પ્રેમ અને એખલાસ ભરેલો છે. આવા હોબર્ટમાં રહેવું કોને ન ગમે ?

Advertisements

Leave a comment

Filed under Uncategorized

ગુરુ નાનક : બેબાક વ્યક્તિત્વ : ડો. મહેબૂબ દેસાઈ

શીખધર્મના સ્થાપક ગુરુ નાનક સાહેબે (૧૫ એપ્રિલ ૧૪૬૯ થી ૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯) પોતાની અંતિમ ચોથી યાત્રા મક્કામાં આવેલ ઇસ્લામના પવિત્રસ્થાન કાબા શરીફની કરી હતી. શીખ સ્કોલર અને પંજાબના ઇતિહાસના ઊંડા અભ્યાસુ પ્રોફેસર પુરન સિંઘે આ ઘટનાનો સ્વીકાર પોતના ગ્રંથમાં કર્યો છે. પંજાબના ઇતિહાસનું આલેખન કરનાર સૈયદ મુહંમદ લતીફે પણ પોતાના ગ્રંથમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તવારીખે આરબમાં પણ ગુરુ નાનકની કાબા શરીફની યાત્રાનો સવિસ્તર ઉલ્લેખ જોવા મળે  છે. શીખ ધર્મના ગ્રન્થમાં પણ  “મક્કા સાખી”માં તેનો ઉલ્લેખ આજે પણ હયાત છે. ગુરુ નાનકની મક્કાની યાત્રા સમયે તેમનો શિષ્ય મરદાન પણ તેમની સાથે હતો. એ સમયે ગુરુનાનકએ હાજીઓ પહેરે તેવો પોષક પહેર્યો હતો. અ ઘટનાનું વર્ણન કરતા ગુરુ નાનકએ પોતે લખ્યું છે,

“જયારે હું મક્કામાં આવેલ કાબા શરીફમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે એક ખાદીમ (કાઝી રુકાન ઉદ્દ્દીન્)ને મારી પાસે આવી જરા ગુસ્સામાં મને કહ્યું,

“અરે ઓ ફકીર, તમારા પગો કાબા શરીફ તરફ રાખીને ન સુવો”

મેં તેને કહ્યું,

“ભાઈ, તમે ગુસ્સો  ન કરો. હું ખુબ થાકી ગયો છું. એટલે આરામ કરતા મને ધ્યાન ન રહ્યું. આપ જરા મારા પગો કાબા શરીફ સામેથી હટાવી અન્ય દિશા તરફ કરી દેશો ?”

મારી વિનંતી સ્વીકારી એ ખાદીમે મારા પગો કાબા શરીફ સામે થી હટાવી અન્ય દિશા તરફ કર્યા. તે સાથે જ કાબા શરીફ પણ એ દિશા તરફ તે ખાદીમને દેખાવા લાગ્યું. તે આશ્ચર્યચકિત થયો. તેને ખુબ નવાઈ લાગી. અને તે મારો હાથ ચૂમી ચાલ્યો ગયો”

આ ઘટનાનું અર્થઘટન કરતા ગુરુ નાનક કહે છે,

“કાબા શરીફ અર્થાત ખુદા તો દરેક દિશામાં છે.બસ તેને પામવાની, જાણવાની જરુર છે”

ગુરુ નાનકની મક્કા યાત્રાના કારણ અંગે એમ કહેવાય છે કે તેમનો સૌ પ્રથમ શિષ્ય મરદન મુસ્લિમ હતો. તેણે ગુરુ નાનકને વિનંતી કરતા કહ્યું હતું,

“ઇસ્લામમાં હજજ યાત્રા ફરજીયાત છે. એટલે મારે જીવનમાં એકવાર તો તે કરવી જ પડશે.”

ગુરુ નાનકએ તેની વાત સ્વીકારી. અને તેની સાથે હમસફર બની તે પણ મક્કા ગયા.

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના વિચારોમાં ઇસ્લામના સિદ્ધાંતોની ઝાંટ જોવા મળે છે. ગુરુ નાનક નિરાકારી હતા. ઈશ્વરને નિરાકાર માનતા છે. ઇસ્લામ પણ ખુદાને નિરાકાર માને છે. ગુરુ નાનક એકેશ્વરવાદના હિમાયતી હતા. ઇસ્લામ પણ એકેશ્વરવાદ અર્થાત તોહીદમા મને છે. ગુરુ નાનક કે શીખ ધર્મ અવતારવાદમા માનતા ન હતા. ઇસ્લામ પણ અવતારવાદમા નથી માનતો. માનવી એક જ વાર જન્મ લે છે. બીજીવાર તે કયામતના દિવેસે ઉઠે છે. એજ રીતે જાયપાત અને મૂર્તિપૂજામા પણ શીખ ધર્મ નથી માનતો. ઇસ્લામ પણ એવા જાતીય ભેદોથી કોસો દૂર છે. તેની સંપૂર્ણ અવગણના કરે છે. સમાજમાં સૌ કોઈ સમાન છે. “કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી”ના સિધ્ધાંતમા બંને ધર્મો સમાન વિચાર ધરાવે છે. ભક્તિ અર્થાત ઈબાદતમા પણ બંને ધર્મોના સિદ્ધાંતો સમાન ભાસે છે. શીખધર્મમા સરનખંડ, જ્ઞાનખંડ, કરમખંડ અને રચખંડને ઉપાસના માટે કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. ઇસ્લામના સૂફીમત મુજબ ઈબાદત માટે પણ ચાર અવસ્થાઓ કેન્દ્રમાં છે. શરીયત, મારફત, ઉકબા અને લાહૂત. ઇતિહાસના કેટલાક આધારો એ પણ સૂચવે છે કે ગુરુ નાનક અને સૂફીસંત ફરીદને ગાઢ મિત્રતા હતી. બંને સંતો અવારનવાર મળતા અને ઈશ્વર અને ખુદાના અસ્તિત્વની ચર્ચા કરતા. ગુરુ નાનકની વેશભૂષા અને રહેણીકરણી એકદમ સૂફી સંત જેવી જ હતી. વળી, તેમાંન શિષ્યોમાં માત્ર હિંદુ જ ન હતા.પણ ઇસ્લામના અને અન્યુંયીઓ પણ ગુરુ નાનકને માનતા હતા.તેમનો પ્રિય શિષ્ય મરદન મુસ્લિમ હતો. અને એમ કહેવાય છે કે તેના આગ્રહને કારણે જ તેઓ મક્કાની યાત્રાએ ગયા હતા.

ઇસ્લામ સાથેની શીખ ધર્મની સામ્યતા ભલે ભાસે પણ તેના પાયાના સિદ્ધાંતોમાં ભિન્નતા છે. વેદાંતના ઈશ્વર અંગેના સિદ્ધાંતોનો પડઘો શીખ ધર્મમાં જોવા મળે છે. હિંદુ સમાજ અને ધર્મ માટે ગુરુ નાનકને ખુબ આદર અને લાગણી હતી. તેમના બેબાક વચનોમાં તે દેખાય છે.તેઓ કહેતા,

” હિંદુઓમાં કેટલાક વેદ શાસ્ત્રોને નથી માનતા. તેઓ પોતાની મોટાઈમાં જ રચ્યાપચ્યા રહે છે.તેમના કાનો હંમેશા તુર્કોની ધાર્મિક શિક્ષાથી જ ભરેલા રહે છે.અને મુસ્લિમ કર્મચારીઓ પાસે પોતાની જ નિંદા કરીને પોતાના જ લોકોને કષ્ટ પહોંચાડે છે. તેઓ સમજે છે કે રસોઈ માટે ચોકો લગાવી દેવાથી જ હિંદુ બની જવાય છે”

એ યુગના મુસ્લિમ શાશનને ધ્યાનમાં કહેલી આ વાતમાં સત્ય છે. મુસ્લિમ શાશકોને ખુશ કરવા  હિંદુ પ્રજા જે દોહરી નીતિ અમલમાં મુકતી હતી તેનો પર્દાફાસ કરતા ગુરુ નાનક આગળ કહે છે,

“ગૌ તથા બ્રાહ્મણ પર કર લગાડો છો અને ધોતી, લોટા અને માળા જેવી વસ્તુઓ ધારણ કરો છો. અરે ભાઈ, તમે તમારા ઘરમાં તો પૂજાપાઠ કરો છે, પણ બહાર કુરાનના હવાલા આપી તુર્કો સાથે સબંધો બનાવી રાખો છો. અરે, આ પાખંડ છોડી કેમ નથી દેતા ?”

આવા બેબાક ગુરુ નાનકના કેટલાક સદ વચનો માણીએ.

“તેની જ રોશનીથી સૌ  છે”દૈદીપ્યમાન છે”

“દુનિયામાં કોઈ વ્યક્તિએ ભ્રમમાં રહેવું ન જોઈએ “વિના ગુરુ કોઈ પણ વ્યક્તિ બીજા કિનારા પર પહોંચી સકતી નથી.”

“ના  હું બાળક છું, ના એક યુવક છું. ના હું પોરાણિક છું, ના કોઈ જાતિનો છું’

“ઈશ્વર એક છે પણ તેના રૂપ અનેક છે. તે સર્વનો નિર્માતા છે. તે ખુદ મનુષ્યનું રૂપ ધારણ કરે છે”

“તારી હજારો આંખો છે છતાં તારે એક પણ આંખ નથી, તારા હજારો રૂપ છે પણ તારું એક પણ રૂપ નથી”

“ઈશ્વર માટે ખુશીના ગીત ગાઓ. ઈશ્વરના નામે સેવા કરો અને તેના સેવકોના સેવક બની જાઓ”

“બંધુઓ, અમે મૌત ને ખરાબ ન કહેતા, જો અમે જાણતા કે ખરેખર કેવી રીતે મરાય છે”

“કોઈ તેને (ઈશ્વરને) તર્ક દ્વારા સ્નાજાવી નથી સકતું. ભલેને તે યુગો સુધી દલીલ કાર્ય કરે”

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામિક તહજીબનું ઉત્તમ દ્રષ્ટાંત : રોઝીમા : ડૉ. મહેબૂબ દેસાઈ

લગભગ પાંચેક વાગ્યે યુનિવર્સિટીથી આવી મેં મારી નવી નક્કોર હોન્ડા સીટી કાર રોયલ અકબર રેસિડેન્ટસીના ખુલ્લા પાર્કીંગમાં પાર્ક કરી. પાછળની સીટમાં મુકેલ લેપટોપ લીધું. કાર લોક કરી લીફ્ટ તરફ હજુ માંડ દસ કદમ માંડ્યા હશે અને એક મોટો ધડાકો થયો. જાણે કોઈ બોંબ ન ફૂટ્યો હોય ? મેં પાછળ ફરીને જોયું તો મારા હોશ ઉડી ગયા. મારી નવી નક્કોર હોન્ડા સીટી કારનો આગળનો કાચ ભુક્કો થઇ ગયો હતો. બોનેટ પર મોટો ઘોબો પડ્યો હતો. કારની આસપાસ માટીના કુંડાના ટુકડા વેરવિખેર પડ્યા હતા. થોડી મીનીટો આઘાતને કારણે હું કશું જ ન બોલી શક્યો. પછી જરા સ્વસ્થ થઇ મેં ઉપર નજર કરી. પાંચમાં માળ સુધીની બાલ્કનીમાં કોઈ નજર ન આવ્યું. આસપાસ માણસો ભેગા થઇ ગયા. કારની દશા જોઈ સૌ મને આશ્વાસન આપવા લાગ્યા. રોયલ અકબર રેસીડન્સીના ચોકીદાર મારી પાસે ઉભા હતા. મેં તેમને થોડા ગુસ્સામાં પૂછ્યું,

“આ કુંડું ક્યાંથી પડ્યું છે ?”

“લગભગ ચોથા માળેથી પડ્યું લાગે છે”

મેં ઉપર નજર કરી મોટા અવાજે કહ્યું,

“અરે, આ કુંડું કોનું છે ? જેનું  હોય તે બહાર આવશો ?”

પણ કોઈ બહાર ના આવ્યું. ધીમે ધીમે ફલેટના માણસો ભેગા થવા લાગ્યા. કોલાહલ વધવા લાગ્યો.એટલે ઇસ્લામિક લિબાસમાં સજ્જ એક બહેન ચોથા માળની બાલ્કનીમાં આવી ભેગા થયેલા માણસોને નીરખવા લાગ્યા. મેં તેમની સામે જોઈ કહ્યું,

“આપા, યે ગમ્લા (કુંડા) આપકી બાલ્કની સે ગીરા હૈ ?”

અને એ યુવતી એકદમ સજાગ બની ગઈ. પોતાની બાલ્કનીમાં પક્ષીઓ માટે રાખેલ પાણીના કુંડાની જગ્યા પર તેની નજર ગઈ. અને તુરત તે અંદર જતી રહી. તેના આ કૃત્યથી હું વધુ ગુસ્સે થયો.

“કેવા બેજવાબદાર માણસો છે. ખુદાનો ખોફ પણ નથી રાખતા. બીજાનું ગમે તેટલું નુકસાન થાય,તેની તેમને જરા પણ પડી નથી”

હું મારું વાક્ય પૂરું કરું ત્યાતો એક યુવતી મારી સામે આવી ઉભી રહી. લગભગ પાંચ ફૂટની ઊંચાઈ, એકદમ ગોરો વાન, નમણા ચહેરા પર ઇસ્લામિક રૂમાલી બાંધેલી ૨૫-૨૭ વર્ષની એ યુવતીએ આવીને અંત્યંત નમ્ર ભાવે મને કહ્યું,

“અંકલ,મેં માફી ચાહતી હું. યે મેરી ગલતી સે હુવા  હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ, આપ કો દેને કો તૈયાર હું”

તેના માસુમ ચહેરામા મેં ક્ષમા અને પ્રાયશ્ચિતનો ભાવ અનુભવ્યો.

“કયા નામ હૈ આપકા ?”

“મેરા નામ રોઝીમા હૈ. મેં ચોથે મજલે પર રહતી હું. મેરે ખાવિંદ (પતિ)  ટ્રાન્સપોર્ટમેં કામ કરતે હૈ. મેં ભી બચ્ચો કો ટ્યુશન પઢાતી હું. મેરી હી ગલતી સે આપકા ઇતના બડા નુકસાન હુવા હૈ.  મૈ આપ સે માફી ચાહતી હું. મુઝે માફ કર દીજીયે હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ મેં વો દેને કો તૈયાર હું”

રોઝીમાની સૌજન્યશીલતાએ મારા ગુસ્સાને ઓગળી નાખ્યો. મેં તેને શાંત સ્વરે કહ્યું,

“બેટા, મેરી ગાડીકા કંપ્લીટ બીમા હૈ. ફિર ભી મુઝે મીનીમમ રકમ તો ભરની પડેગી. લેકિન વો ગાડી કા સર્વે હોને કે બાદ પતા ચલેગા કી મુઝે કીતની રકમ ભરની પડેગી”

“અંકલ, આપ જીતની કહોગે ઉતની રકમ મેં દે દુંગી.લેકિન આપ મુઝે માફ કર દે. યહી મેરી ગુઝારીશ હૈ. ક્યોકી અલ્લાહ માફી માંગને વાલો કે કરીબ રહતા હૈ, ઉસસે ખુશ રહતા હૈ”

બીજે દિવસે સવારે નવેક વાગ્યે મારી ડોરબેલ વાગી. હું યુનિવર્સિટી જવા તૈયાર થતો હતો. સાબેરાએ કહ્યું રોજીમાં અને તેના પતિ આવ્યા છે. મેં અસ્ સલામો અલયકુમ કહીને તેમને આવકાર્યા. માથે રૂમાલી બાંધેલી રોઝીમાએ સોફા પર સ્થાન લેતા કહ્યું,

“વાલેકુમ અસ્ સલામ અંકલ, આપે મીનીમમ ભરવાના પૈસા કેટલા થાય છે તે મને ખબર ન હતી. એટલે હાલ પૂરતા હું દસ હજાર લાવી છું. પછી જે કઈ વધુ થાય તે મને કહેશો તો પહોંચાડી દઈશ” એમ કહી રોજીમાં એ નોટોનું બંડલ ટીપોઈ પર મુકયું. હું અને સાબેરા તેની સચ્ચાઈને જોઈ રહ્યા. મેં તેમના પતિ અફઝલભાઈને પૂછ્યું

“આપની ટ્રાન્સપોર્ટ કંપની છે ?

“ના,મારી પોતાની કપની નથી. હું અમદાવાદ વેરાવળ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરું છું”

સાબેરાએ એ બંને યુગલને શરબત આપ્યું. થોડીવાર અમારા વચ્ચે મૌન છવાયેલું રહ્યું. પછી

મેં કહ્યું,

“બેટા રોઝીમા, હું તારી તહજીબ, તમીઝથી કાફી પ્રભાવિત થયો છું. ગઈકાલે એક પળનો પણ વિચાર કર્યા  વગર, એક પણ દલીલ કર્યા વગર તે તારી ભૂલ કબુલ કરી લીધી હતી, તે બાબત ઇસ્લામિક

શિષ્ટાચારનો ઉત્તમ નમુનો છે. વળી, આજે નુકસાનીના પૈસા પણ આપ બંન્ને આપવા આવ્યા છો. એ બદલ પણ આપનો આભાર. આપ બંનેના આવા સૌજન્ય પૂર્ણ વ્યવહારે અમારા બંને વૃધ્ધોના મન જીતી લીધા છે. રહી ખર્ચની વાત, મોટા ભાગનો ખર્ચ તો ઇન્સ્યુરન્સ કંપની ભોગવશે.બાકીના જે કઈ થશે તે હું ભોગવી લઈશ. એટલે આપની પાસેથી અમારે એક પણ પૈસો લેવાનો નથી.”

મારી વાત સંભાળી રોઝીમા અને અફઝલભાઈએ મને પૈસા લઇ લેવા બહુ આગ્રહ કર્યો. પણ હું એ યુગલના જીવનમાં વણાઈ ગયેલ ઇસલામિક તહજીબ (સંસ્કૃતિ) થી એટલો પ્રભાવિત થયો હતો કે મેં પ્રેમથી એ પૈસા લેવાની ના જ પાડી. અંતે રોઝીમાએ પૈસા પોતના હાથમાં લેતા કહ્યું,

“અંકલ આપે જયારે પૈસા લેવાની ના જ પાડી છે, ત્યારે એક વડીલ સ્વજન તરીકે આપને એક વાત કરવાનું મને ગમશે”

હું અને સાબેરા રોઝીમાને એજ નજરે તાકી રહ્યા. તેના જેવી સુશીલ અને પાબંધ નમાઝી યુવતી શું કહેવા માંગે છે તે સાંભળવા અમે ઉત્સુક હતા. ચહેરા પર આછું સ્મિત પાથરતા એ બોલી,

“આ વેકેશનમાં બાળકો સાથે મારા પિયર વેરાવળ જવા માટે ટ્યુશનમાંથી બચાવી, આ રકમ મેં ભેગી કરી હતી. પણ મારા હાથે આપની કારને નુકશાન થતા મેં વિચાર્યું કે કોઈનું નુકશાન કરી ફરવા જવાથી ઈશ્વર-અલ્લાહ નારાજ થાય છે. એટલે આ પૈસા અંકલને આપી દેવા. બાળકો સાથે પિયર હું આવતા વર્ષે જઈશ”

એટલું બોલી રોઝીમાં અટકી. તેના અવાજમાં અલ્લાહના ખોફ સાથે થોડી ભીનાશ પ્રસરેલી હતી. આટલી નાની ઉંમરમાં રોઝીમાએ કેળવેલ શિષ્ટાચાર જોઈ મારી આંખો ઉભરાઇ આવી. થોડા સ્વસ્થ થઇ  મેં કહ્યું,

“બેટા રોઝીમા, તમારા જેવી યુવતીને ઈશ્વર-અલ્લાહે જે આધ્યાત્મિક જ્ઞાન અને શિષ્ટાચાર બક્ષ્યા છે તેની સામે આ રકમ તો તુચ્છ છે. બસ અમારા બંને વૃધ્ધો માટે તમે ઈશ્વર-અલ્લાહને દુવા કરશો એજ અમારી ગુઝારીશ છે”

અને રોઝીમા અને તેમના પતિ અફઝલભાઈએ વિદાઈ લીધી. પણ તેમની ઇસ્લામિક તહજીબ અને તમિજ આજે પણ મારા હદયમાં જ્યોત બની પ્રજવલિત છે. અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized

સર્વધર્મ સંસ્થાપકોનું ગુણ-સ્મરણ : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં થોડા દિવસ પૂર્વે વડોદરાના ગોત્રી ગામમાં આવેલ વિનોબા ભાવેના આશ્રમ નિસર્ગોપચાર કેન્દ્રમાં રહેવાની તક સાંપડી. ૧૯૭૮મા સ્થપાયેલ આ આશ્રમમાં દૂર દૂરથી લોકો પોતાના મન અને શરીરની શુદ્ધિ માટે આવે છે. અને મન અને શરીરને સ્વસ્થ કરી ખુશી ખુશી વિદાય લે છે. અમેરિકામાં રહેતા અને કેશોદના વતની ૮૨ વર્ષના વયોવૃદ્ધ શ્રી સુર્યરામ જોશી એવાજ એક સાધક મને પ્રથમ દિવસે જ મળી ગયા. તેમણે આશ્રમના પોતાના નિવાસ દરમ્યાન અનુભવેલ લાગણીને વાચા આપતું એક કાવ્ય લખ્યું હતું. જે મને ભોજન ખંડમાં ભોજન લેતા લેતા તેમણે સંભળાવ્યું હતું. તેની પ્રથમ કડી હતી,

“વિનોબા જી કે આશ્રમમેં  દુઃખ દર્દ મિટાને આતે હૈ

 દુનિયા કે સતાયે લોંગ યહાં, સીને સે લગાયે જાતે હૈ

 જીન દિલવાલે લોગો પર હો જાય રહમત અલ્લાહ કી

 બંધન દુનિયાદારીકે  છોડ કે, યહાં દૌડે ચલે આતે હૈ”

 

એક વૃદ્ધની આ ભાંગીતૂટી રચનામાં આ આશ્રમની સ્થાપના પાછળનો ઉદેશ અભિવ્યક્ત થાય છે. વિનોબા ભાવે (૧૮૯૫-૧૯૮૨)ભારતના એવા રચનાત્મક સંત હતા, જેમના વ્યવહાર અને વર્તનમાં ક્યાય ભેદ ન હતો. તેમના ધાર્મિક ચિંતનના કેન્દ્રમાં માનવતા હતી. તેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા, એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. વિનોબા જીએ લખેલ “કુરાનસાર” નામનું પુસ્તક કુરાનેશરીફનો ઊંડો અભ્યાસ કરીને લખ્યું હતું. આજે પણ તે પુસ્તક કુરાનને સમજવા માંગતા હિંદુ-મુસ્લિમ બંને ધર્મના અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.

એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,

“આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?”

વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,

આધ્યાત્મ એટલે

. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો

. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા

. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા

. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ.”

આવા વિનોબા જીના નિસર્ગોપચાર કેન્દમાં શરીર શુદ્ધિ માટે કુદરતી ઉપચારો જેવા કે માટી લેપ, શિરોધારા, માલીસ, યોગ, વરાળ સ્નાન, જેવા અનેક ઉપચારો થાય છે. પણ મનની શુદ્ધિ માટે અહિયા થતી સર્વ ધર્મ પ્રાથના અને ઉપાસના સાચ્ચે  જ મનને શુદ્ધિના માર્ગ પર આણવા પૂરતી બની રહે છે. રોજ સાંજે સૌ સાધકો સંતબાલ રચિત ગીત ગાઈ છે, જેનું  મથાળું છે

સર્વધર્મ સંસ્થાપકોનું ગુણસ્મરણ”.  જેમાં દરેક ધર્મના સ્થાપકના જીવન કાર્યનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરથી આરંભીને બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, મહંમદ પયગમ્બર અને જરથોસ્તનો મહિમા તેમાં ગાવામાં આવ્યો છે. સૌ પ્રથમ એ ગીત માણીએ.

 “પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્ય પોતા સમ  સહુને

  પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને

  જનસેવાના પાઠ શીખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને

  સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો,વંદન કરીએ બુદ્ધ તને

  એક પત્નીવ્રત પુરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં

  ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં

  સઘળા કામો કર્યા છતાં જે, રહ્યા હંમેશા નિર્લેપ,

  એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડા ખૂંપી

  પ્રેમ રૂપ પ્રભુ ઇશુ જે, ક્ષમા સિંધુને વંદન હો,

  રહમ નેકના પરમ પ્રચારક હઝરત મહંમદ દિલે રહો.

  જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા ઘટમાં જાગો

  સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો”

પ્રાણી માત્રના રક્ષક મહાવીર સ્વામી, જનસેવાના સાધક બુદ્ધ ભગવાન, ન્યાય અને નીતિના ઉપાસક ભગવાન રામ, સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહેલા કૃષ્ણ ભગવાન,પ્રેમના પ્રતિક સમા ભગવાન ઈસુ, રહેમ (ઉદાર) અને નેકી (સદાચાર)ના પ્રચારક હઝરત મહંમદ (સ.અ.વ.) અને પવિત્ર જરથોસ્તનું આવું ગાન દરેક શૈક્ષણિક અને અધ્યાત્મિક સંસ્થાઓમાં દિવસના આરંભે ગવાવું જોઈએ એમ નથી લાગતું ?

Leave a comment

Filed under Uncategorized