Daily Archives: December 26, 2010

બુખારી શરીફના સર્જક હઝરત ઈમામ બુખારી : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં કુરાન-એ-શરીફ પાયાનો આધારભૂત ગ્રંથ છે. એ પછી ઇસ્લામમાં જે દ્વિતીય કક્ષાના ગ્રંથો છે તેમાં બુખારી શરીફને મોટાભાગના મુસ્લિમો અત્યંત માન અને આદર આપે છે. બુખારી શરીફ હદીસ છે. હદીસ એટલે એવું ઇસ્લામી સાહિત્ય જેનું સર્જન હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ (અનુયાયીઓ)ના કથન દ્વારા થયું છે. મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ(અનુયાયીઓ) એ જોયેલ, જાણેલ અને અનુભવેલ મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવન પ્રસંગો, કથનો, ખાસિયતો, નિયમો અને ઉપદેશોનો સંગ્રહ એટલે હદીસ. આવી હદીસો જીવનભર એકત્રિત કરી ગ્રંથસ્ત કરનાર હઝરત ઈમામ બુખારીનું નામ ઇસ્લામી ઇતિહાસમાં ઘાટા અક્ષરોમાં નોંધાયેલ છે. ૧૯ જુલાઈ ઈ.સ. ૮૧૦, હિજરી સન ૧૯૪ના શવ્વાલ માસની ત્રીજી તારીખે જુમ્મા(શુક્રવાર)ની નમાઝ બાદ બુખારા (ઉઝેબેકીસ્તાન-રશિયા)માં જન્મેલ હઝરત ઈમામ બુખારીનું મૂળ નામ તો મુહંમદ ઇબ્ન ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ ઇબ્ન મુગીરા જુઅફી બુખારી (ઈ.સ. ૮૧૦-૮૭૦)હતુ.પણ તઓ ઇસ્લામી ઇતિહાસમાં ઈમામ બુખારી તરીકે જાણીતા છે.તેમના પિતા ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ પણ હદીસના મોટા વિદ્વાન હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર હઝરત ઈમામ બુખારીનું જીવનચરિત્ર ઇસ્લામી ઇતિહાસકાર અલ ધહાવીએ વિસ્તૃત રીતે આલેખ્યું છે.

માત્ર દસ વર્ષની ઉંમરે(હિજરી ૨૦૫) હઝરત ઈમામ બુખારીએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવનકવનની વિગતો તેમના સહાબીઓ પાસેથી એકત્રિત કરવાનો આરંભ કર્યો હતો.નાનપણથી તેમની યાદ શક્તિ અંત્યંત તીવ્ર હતી.અબ્દુલા ઇબ્ન મુબારકના મહંમદ સાહેબ પરના મોટાભાગના સંશોધનો તેમને મોઢે હતાં. આ અંગે તેમના સહપાઠી હશીબ ઇબ્ન ઈસ્માઈલ કહે છે,
“ઈમામ બુખારી બસરાના ઉસ્તાદો પાસે શિક્ષણ લેવા અમારી સાથે જ આવતા. વર્ગમાં અમે બધા હદીસો નોંધતા. જયારે ઈમામ બુખારી મોઢે યાદ રાખતા. એક દિવસ અમે તેમને કહ્યું કે તમે લખતા કેમ નથી ? તેમણે જવાબમાં અમને પોતે મોઢે કરેલી પંદર હજાર હદીસો એવી સંભળાવી કે જે અમારી પાસે લખેલી ન હતી”

૧૫ વર્ષની વયે(હિજરી ૨૦૧૦) તો તેમની માતા અને ભાઈ સાથે તેમણે મક્કા અને મહંમદ સાહેબ (સ.અ.વ.)ના મુબારક કદમો જ્યાં જ્યાં પડ્યા હતાં તે તમામ સ્થાનોની મુલાકાત લીધી હતી. એક હજાર જેટલા સહાબીઓની મુલાકાત લઈ સાત લાખ જેટલી હદીસો ભેગી કરી હતી. આ અંગે હઝરત ઈમામ બુખારી લખે છે,
“૧૬ વર્ષની ઉંમરે મેં અનેક સહબીઓના મંતવ્યો અને અનુભવોનું લેખન મારા ગુરુ ઉબ્ન અલ્લાહ ઇબ્ન મુસાના માર્ગદર્શન તળે આરંભ્યું હતુ. અને એ જ સમયે મેં ગારે હીરા અંગે પણ એક ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો”

જીદગીના ૧૬ વર્ષની એકધારી રઝળપાટમા તેમણે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સિરીયા, ઈરાક,અને પર્સિયાની મુલાકાત લીધી. અને હદીસોનો બહોળો સંગ્રહ ભેગો કયો. પછી પોતાના વતન પાછા ફર્યા હતા. તેમણે ભેગી કરેલ હદીસોમા કેટલીક સહીહ (આધારભૂત-સત્ય)હતી, તો કેટલીક “ગલત” હતી. કેટલીક “કવી” હતી તો કેટલીક “ઝઈફ”પણ હતી. એટલે તેનું સંપાદન કરવું જરૂરી હતુ. ઈમામ બુખારીએ પોતે એકત્રિત કરેલ સાત લાખ હદીસોનું અંત્યંત તકેદારીથી સંપાદન કર્યું. પણ તેના પ્રકાશનો વિચાર હજુ તેમના મનમાં આવ્યો ન હતો. એક દિવસ તેઓ તેમના મિત્ર ઈસહાક ઇબ્ન રાહવૈહ સાથે બેઠા હતા અને એક મિત્રએ તેમને કહ્યું,
“તમે સહીહ હદીસની એક નાનકડી કિતાબ કેમ નથી લખતા ?”
આ વાત તેમના દિલમાં ઘર કરી ગઈ. અને તેમણે તમામ હદીસોને “સહીહ હદીસો”ના નામે કિતાબના સ્વરૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. જો કે નાનકડી કિતાબ લખવાના વિચાર સાથે આરંભાયેલ આ યાત્રા હઝરત ઈમામ બુખારીને પૂર્ણ કરતા ૧૬ વર્ષ લાગ્યા. ઈમામ બુખારીએ એકત્રિત કરેલ સાત લાખ હદીસોમાંથી પસંદગીની સહીહ (આધારભૂત-સત્ય)હદીસો જ ગ્રંથમા મુકવામાં આવી. અને એટલે જ ઈમામ બુખારીના હદીસોના આ સંગ્રહને “સહીહ હદીસો” પણ કહે છે. સહીહ હદીસ અથવા બુખારી શરીફ ૯૭ ગ્રંથોમા ફેલાયેલ છે. જેમા કુલ ૩૪૫૦ પ્રકરણો છે અને ૭૨૭૫ હદીસો આપવામાં આવી છે. ઇસ્લામના નાના મોટા અનેક વિષય અંગેના મહંમદ સાહેબના વિચારો, આચારો અને ઉપદેશો તેમાં આલેખવામાં આવ્યા છે. જેમ કે ઇલ્મ , ઈમાન, વઝું, હૈઝ, તયમ્મુમ, નમાઝ, અઝાન, જુમ્મા, સલાતુલ ખોંફ (ભયની નમાઝ), ઇદૈન, ઇસિત્સફા, કુસૂફ (સૂર્યગ્રહણ), તહજજુદ જેવા અનેક જાણીતા અજાણ્યા વિષયો પર હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની આજ્ઞાઓ આ સંગ્રહની સંગ્રહાયેલી છે. દુનિયાની અનેક ભાષાઓમાં આ ગ્રંથોનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં પણ તે ઉપલબ્ધ છે.

બુખારી શરીફ સિવાય પણ હઝરત ઈમામ બુખારીએ કિતાબ-અલ-જામી, કિતાબ-અલ-તવારીખ-અલ-કબીર, જેવા વીસેક ઇસ્લામિક ગ્રંથો લખ્યા છે. જેમાના આજે કેટલાક જ ઉપલબ્ધ છે. જીવનના છેલ્લા વર્ષો (ઈ.સ.૮૬૪-હિજરી ૨૫૦)મા ઈમામ બુખારી સાહેબ નીશાપુર(નિસ્બતપુર)માં સ્થાહી થયા હતા.પણ રાજકીય કારણોસર અંતિમ દિવસો તેમણે સમરકંદ પાસેના ખરતંક ગામમાં પસાર કર્યા . ૬૨ વર્ષ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી ૩૧ ઓગસ્ટ ૮૭૦, હિજરી સન ૨૫૬ની ઈદ-ઉલ-ફિત્રની રાત્રે તેમનું અવસાન થયું. તેમની મઝાર ખરતંક ગામના પાદરે આજે પણ હયાત છે. પણ એથી વિશેષ તેમના “સહીહ હદીસો” ના ૯૭ ગ્રંથો તેમને હંમેશા જીવંત રાખવા પૂરતા છે

2 Comments

Filed under Uncategorized