સ્વામીવિવેકાનંદની ગુજરાતની મુલાકાત : ડૉ. મહેબૂબદેસાઈ

વર્ષો પૂર્વે અર્થાત ૩૦ વર્ષ પહેલા મે કલક્તાના બેલુર મઠની મુલાકાત લીધી હતી. અને ત્યારે વિવેકાનંદ જી છેલ્લી રાત્રી જે રૂમમાં રહ્યા હતા તેની મુલાકાત લેતા મારા  રૂવાડા ઊભા થઈ ગયા હતા. આજે એ પળ અને એ દ્રશ્યો સાથે સ્વામી વિવેકાનંદ જીએ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શીકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વ્યાખ્યાનના શબ્દો મારા હદય ગુંજી રહ્યા છે.

“મને એવા ધર્મનો પ્રતિનિધિ હોવાનો ગર્વ છે જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે. અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં જ માનતા નથી, પરંતુ અમે તમામ ધર્મોની સત્યતાનો સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ છે કે હું એવા રાષ્ટ્રનો વતની છું જેણે તમામ ધર્મો અને વિશ્વના તમામ રાષ્ટ્રોના દલિત અને શરણાર્થીઓને આશ્રય આપ્યો છે.”

હિન્દુ ધર્મના આવા પ્રખર ચિંતક સ્વામી વિવેકાનંદજીના જીવનમાં ગુજરાતનું  સ્થાન અને પ્રદાન ખૂબ જ મહત્વના રહ્યા છે, એ બહુ ઓછી જાણીતી ઐતિહાસિક ઘટના છે.

ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર,  શિહોર,  જુનાગઢ,  ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી. લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા. વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચલાવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

“મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ. ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક સાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો”

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

“આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા. તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શક્તિ ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા”

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

“જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું”

આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી.

વિશ્વ ધર્મ પરિષદમાં જતાં પૂર્વે વિવેકાનંદજી શારદામાના આશીર્વાદ લેવા તેમના નિવાસ સ્થાને ગયા હતા. એ સમયે રામ કૃષ્ણ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યા હતા. વિવેકાનંદજી એ આવીને કહ્યું,

” મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું”

શારદા મા એ પૂછ્યું,

“અમેરિકા જઈને શું કરશો ?”

“હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ”

શારદા માએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ચુપ રહ્યા. થોડી પળ પછી પોતાનું કામ કરતા કરતા બોલ્યા,

“પેલી શાક સુધારવી છરી મને આપશો ?”

વિવેકાનંદજી એ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદ જીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદ જીના હાથમાંથી છરી લેતા બોલ્યા,

“જાઓ મારા આશીર્વાદ છે તમને”

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

“મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબધ છે ?”

શારદા મા એ કહ્યું,

“હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતા પૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુઃખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.”

હિન્દુ ધર્મના આવા સાચા ઉપાસક અને રક્ષક વિવેકાનંદ અને શારદા માને કોટિ કોટિ વંદન

Leave a comment

Filed under Uncategorized

પુસ્તક દિનની સાર્થક ઉજવણી : ડૉ. મહેબૂબદેસાઇ

૨૩ મી એપ્રિલે વિશ્વભરમાં ૧૦૦ કરતાં પણ વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાઈ છે. મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખર ઈન્કા ગાર્સીલાસો ડે લા વેગા જેવા અન્ય લેખકોનું ૨૩  એપ્રિલના જ દિવસે અવસાન થયું હોવાથી ૧૯૯૫માં યુનેસ્કોએ ૨૩ એપ્રિલની તારીખે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપીયરના યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીને  જાગૃતિ કરવાનો છે. લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરી, લોકોના પુસ્તકો પ્રત્યેનો લગાવને જીવંત રાખવાનો છે.

૨૩ એપ્રિલ ૧૯૯૫ના રોજ  પ્રથમ વખત યુનાઇટેડ કિંગડમમાં તેની ઉજવણીનો આરંભ લંડનના ગ્લોબ થિયેટરમાં વડાપ્રધાન ટોની બ્લેર દ્વારા કરવામાં આવ્યો હતો. પુસ્તક દિન નિમિત્તે દર વર્ષે વિશ્વમાં પુસ્તક ટોકન રૂપે મેળવતા બાળકોની સંખ્યામાં વધારો થતો ગયો  છે. દિવસે પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓને ખાસ વાઉચર આપવામાં આવે છે. ઉપરાંત પુક્ત વયના લોકોની પુસ્તક વાંચનની રૂચીને જીવંત રાખવા પુસ્તક ક્વિજ, ક્વીક રીડ (વાંચન શિબિરો), પુસ્તક રિવ્યુ જેવા કાર્યક્રમોનું પણ વિશ્વમાં આયોજન કરવામાં આવે છે. પરિણામે ૨૦૦૭માં વર્લ્ડ બુક ડેની 10મી વર્ષગાંઠની ઉજવણી સમયે દસ લાખ પુસ્તકોનું પ્રકાશન વિશ્વમાં થયું હતું. આ ઉપરાંત પુસ્તક દિન ની ઉજવણીના ભાગ રૂપે 2.99 યુરોની કિંમતની ઑડિયો વિના મૂલ્યે વિદ્યાર્થીઓને આપવાનો આરંભ થયો છે. જેથી પ્રસાર માધ્યમોના વિકાસ સાથે કદમ મિલાવી પુસ્તક વાંચનની વિરાસતને જીવંત રાખી શકાય.

ભારતમાં પણ આપણે પણ પુસ્તક દિન ની ઉજવણી કરીએ છીએ. જો કે પુસ્તકોની દુનિયાને વિકસતા પ્રસાર મધ્યમોને કારણે જરૂર અસર થઈ છે. મારા પુસ્તકોના જાણીતા પ્રકાશક સાથે હાલમાં જ થયેલા સંવાદો જાણવા અને સમજવા જેવી છે. તેમણે કહ્યું,

દેસાઇ સાહેબ, એક સમયે અમે મોટા ગજાના લેખકોના પુસ્તકોની પાંચ હજાર જેટલી નકલો છાપતાં હતા. અને તે વેચાઈ પણ જતી હતી. પણ આજે અમે કોઈ પણ લેખકના પુસ્તકની ત્રણસો કે વધુમાં વધુ પાંચસો નકલો છાપવાની હિંમત કરીએ છીએ.”

મે પૂછ્યું, એવું શા માટે છે ?

તેમણે કહ્યું,

એક સમયે શાળા, કોલેજો, ખાનગી સરકારી ગ્રંથાલયોમાં પુસ્તકોની ખરીદી સારા પ્રમાણમાં થતી હતી. પણ આજે સ્થગિત થઈ ગઈ છે. પરિણામે પ્રકાશકો  પુસ્તકના પ્રકાશનમાં રસ દાખવતા નથી. સિવાઈ આપણાં વિકસિત પ્રસાર માધ્યમો જેવા કે ટીવી, મોબાઈલ, વૉટશોપ, ઇન્સટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક અને તેને પ્રાણ પૂરતા ઈન્ટરનેટનો ફાળો મહત્વનો છે. જો કે દરેક વિકસતા સાધનોના ફાયદા ગેરફાયદા બંને હોય છે. પણ યુવા વર્ગ જે રીતે તેના ઉપયોગમાં સમય અને શક્તિનો ભોગ આપી રહ્યો છે, તે સાચ્ચે ચિંતા જનક છે.”

આ કોઈ એક વ્યક્તિ કે પ્રકાશકની વ્યથા નથી પણ બદલાતા જતાં સમયમાં વિશ્વભરની સમસ્યા છે.

એક સમયે અધ્યાપકો, શિક્ષકો, સંશોધકો કે વાંચક વિચારકોને નાનામાં નાની માહિતી મેળવવા ગ્રંથાલયમાં પુસ્તકોનો સહારો લેવો પડતો. પણ આજે ઈન્ટરનેટ કે ગૂગલ દ્વારા માહિતીનો વિસ્ફોટ થયો છે. ગમે તેવી માહિતી આંગળીના ટેરવે અલ્પ સમયમાં ઉપલબ્ધ થઈ જાય છે. પરિણામે માહિતીના સ્રોત તરીકે પુસ્તકોનું મૂલ્ય ઘટ્યું છે. પણ માહિતી અને જ્ઞાન વચ્ચે આછી ભેદ રેખા છે. તે સમજવા જેવી છે. માહિતી વિષય વસ્તુ કે ઘટનાનો માત્ર શાબ્દિક કે આંકડાકીય ચિતાર આપે છે. તેનું અર્થઘટન, વિશ્લેષણ કે તેની પાછળના કારણો પરિણામે તપાસવાનું કાર્ય નથી કરતી. એટલે જ આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ વિશ્વમાં ઓછું થયું નથી. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

ટૂંકમાં, વિદેશોમાં પુસ્તક દિનની ઉજવણી એક સેવાકીય કાર્ય તરીકે અત્યંત ગંભીરતાથી થાય છે. પરિણામે આજે પણ વિદેશોમાં પુસ્તકો બહોળી માત્રમાં છપાય છે અને વંચાય પણ છે. આપણે પણ પુસ્તક દિનની ઉજવણી દ્રષ્ટિ કરવાનો આરંભ કરીશું, તો અવશ્ય પુસ્તક અને વાચકો પ્રત્યે ઊભી થઈ રહેલી દિવારને દૂર કરી શકીશું. આશા છે આપણે તરફ  કદમો માંડી પુસ્તક દિનની સાર્થક ઉજવણી કરીએ : અસ્તુ

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામઅનેઅપરિગ્રહ : ડૉ. મહેબૂબદેસાઈ

ગાંધીજી એ જીવનમાં પાળવાનાં અગિયાર વ્રત સ્વીકાર્યા હતા. સત્ય, બ્રહ્નચર્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ, સ્વદેશી વ્રત. ગાંધીજીનાં અગિયાર વ્રતોમાંનું એક વ્રત અપરિગ્રહ હતું. આ વ્રતનો સીધોસાદો અર્થ થાય કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જો કે ગાંધીજીનું આ વ્રત માત્ર  ધન-સંપત્તિમાં જ સમાઇ જતું નથી. તેમના જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વ્રતની આણ વર્તાતી હતી.

જૈન ધર્મમાં અપરિગ્રહ  રાજયોગ કે અષ્ટાંગ યોગ દર્શનનો એક ભાગ છે. આ  સંકલ્પનાનો અર્થ એવો છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો, સંગ્રહ ન કરવો જોઈએ. જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાં અહિંસાઅસ્તેયબ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતોમાં અપરિગહનો  પણ સમાવેશ થાય છે.

ઇસ્લામના એક મોટા સૂફી સંતની હજરત શાહશુજા કિરામની ની એક જાણીતી કથા જાણવા અને માણવા જેવી છે. તેઓ રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતા અત્યંત વૈરાગી અને જ્ઞાની હતા. તેમણે પોતાની અંત્યંત સુંદર પુત્રીના નિકાહ એક ગરીબ અને ઈમાનની દૌલતથી માલામાલ યુવાન સાથે કર્યા.

નિકાહ પછી તે યુવાન સંત કિરામની ની પુત્રીને લઈ પોતાની નાનકડી કુટીરમાં આવ્યો. કુટીરના એક ખૂણામાં પાણીના કુંજા પાસે રોટલીનો સુકાઈ ગયેલો એક ટુકડો પડ્યો હતો. અમીર પિતાની પુત્રીએ એ જોઈ પતિને પૂછ્યું,

“સુકાઈ ગયેલો રોટલીનો ટુકડો અહિયાં કેમ મૂકી રાખ્યો છે. ?”

“આજે રાત્રે ખાવા કામ લાગશે એમ માની ગઈ કાલથી રાખી મૂક્યો છે.”

આ સાંભળી હજરત શહેસુજા  કિરમાની (ર. અ.)ની પુત્રીએ ગરીબ પતિનું ઘર

છોડી પિતાના ઘર તરફ કદમો માંડ્યા. ગરીબ પતિ આ જોઈ બોલી ઊઠયો,

“મને ખબર જ હતી કે હજરત શહેશુજા જેવા ધનાઢ્યની પુત્રી મારા જેવા

ગરીબને ત્યાં નહીં રહી શકે.”

આ સાંભળી પત્નીએ નમ્રતાથી કહ્યું,

“તમારી ગરીબાઈને હું સર આંખો પર ચઢાવું  છું. પણ આવતી કાલની

ચિંતામાં અપરિગ્રહ કરનાર ઇન્સાનને ખુદા અને પોતાની જાત પર વિશ્વાસ

નથી. એવા ઈમાન વિહોણા માનવી સાથે હું કેમ રહી શકું ?”

પોતાની જરૂરિયાતથી વધુ કે અનાવશ્યક કયારેય ન રાખવાની મહંમદ સાહેબની

આદત અને ઇસ્લામનો આદેશ બને અપરિગ્રહના સંદર્ભમાં જાણવા જેવા છે.

ઇસ્લામના પાયાના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવ મૂલ્યો પડ્યાં છે. આમા જકાત અર્થાત દાનમાં અપરિગ્રહનો સિધ્ધાંત સમાયેલો છે. ઇસ્લામી કાનૂન મુજબ દરેક મુસ્લિમે પોતાની કુલ સ્થાવર જંગમ મિલકતના અઢી ટકા રકમ ફરજિયાત દાનમાં આપવી જોઈએ. ફરજિયાત દાન એટલે તમારી જરૂરિયાત કરતાં તમારી પાસે જે વધારે ધન છે તે ગરીબ કે જરૂરતમંદોમાં વહેચી દેવું. કુરાને શરીફમાં આ અંગે કહેવામાં આવ્યું છે,

“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શુ ખર્ચીએ ?”

“કહો જે કઈ તમારી જરૂરિયાત કરતાં વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”

મહંમદ સાહેબના પત્ની હજરત આયશ કહે છે,

“આવતી કાલ માટે બચાવી રાખવાને મહંમદ સાહેબ અલ્લાહ

પરના વિશ્વાસની ઉણપ કહેતા.”

મહંમદ સાહેબના અનુયાયીઓ અવારનવાર તેમને કીમતી ભેટસોગાદો આપતા.

પણ પોતાની કુટિરમાં તેનો તેઓ કયારેય સંગ્રહ કરતાં નહીં. સોનું, ચાંદી કે

પૈસા જે દિવસે કુટિરમાં આવતા એ જ દિવસે મહંમદ સાહેબ તેને ગરીબોમાં વહેચી

દેતા. તે રાતવાસો મહંમદ સાહેબની કુટીરમાં ક્યારેય ન રહેતા.

એકવાર મહંમદ સાહેબ ને રાત્રે બેચેની થવા લાગી. પત્ની હજરત આયશાને

અડધી રાત્રે જગાડી આપે પૂછ્યું,

“કુટિરમાં પૈસા, સોનું કે ચાંદી તો નથી પડ્યા ને ?”

હજરત આયશા બોલી ઉઠયા,

“હા, સાંજે અબ્બા (અબૂબકર) ગરીબોને આપવા પૈસા આપી ગયા છે તે પડ્યા છે.”

હજરત મહંમદ સાહેબ તુરત બોલ્યા,

“જા અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેચી દે. પ્રેષિતના છાપરા નીચે

ધન ન હોય”

અને અડધી રાત્રે હજરત આયશાએ એ ધન ગરીબોમાં વહેચી દીધું.

મહંમદ સાહેબ હંમેશા કહેતા,

“માનવીનો હક્ક આટલી ચીજો સિવાઈ કશા પર નથી. રહેવા માટે ઘર, દેહ ઢાંકવા

વસ્ત્રો, ભૂખ મિટાવા રોટી અને પ્યાસ બુજાવવા પાણી.”   

અરબસ્તાનના શાસક તરીકે તેમણે અપરિગ્રહના સિધ્ધાંતનું અક્ષરસહ પાલન કર્યું

હતું. મહંમદ સાહેબ ક્યારેય કોઈ સિંહાસન કે ઊંચા આસન પર બેઠા નથી. તેમનું  

રહેવાનું મકાન કાચી ઈંટોનું હતું. એ મકાનમાં ખજૂરીના પાંદડાની ગારાથી છાંદેલી

દીવાલો હતી. છાપરું પણ ખજૂરીના પાંદડાનું બનેલું હતું. ઘરમાં બેસવા સાદડી કે

સાદા પાથરણ હતા. મહંમદ સાહેબના પહેરણને મોટે ભાગે બટન હોતા નહીં. આવા

અત્યંત સાદા ઘરમાં પણ સ્વચ્છતા અને સુઘડતા નજરે પડતી.

હજરત મહંમદ પયગંબર સાહેબ હંમેશા કહેતા,

“મુસાફરીમાં જેટલું આપણે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું

જોઈએ.”

એકવાર કોઇકે આપને પૂછ્યું,

“આપને તકિયો જોઈએ જોઈએ છીએ ?”

હજરત મહંમદ સાહેબ ફરમાવ્યું,

“મુસાફર વૃક્ષના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય એથી વધુ મારો

સંબધ આ જગત સાથે નથી.”

અપરિગ્રહના આવા કપરા સિધ્ધાંતનું પાલન કરનાર મહંમદ સાહેબ પાસેથી કદાચ

ગાંધીજી પણ આ સિધ્ધાંતનું સાચું અર્થઘટન પામ્યા હશે એમ કહેવું વધુ પડતું નહીં

કહેવાય.  

Leave a comment

Filed under Uncategorized

“મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા” ઑ. પી. નૈયર  : ડૉ. મહેબૂબ દેસાઇ

પ્રેમનો તહેવાર એટલે વેલેન્ટાઇન ડે. એમ કહેવાઈ છે કે નફરત પ્રેમનું પ્રથમ સોપાન છે. પણ કયારેક પ્રધાડ પ્રેમ પછી પ્રઘાડ નફરત પણ સાચા પ્રેમની પરિભાષા બની જાય છે. “મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા”  આ શબ્દો એ મહાન સંગીતકારના છે, જેણે  ફિલ્મ રસિકોને આશા ભોંસલે દ્વારા એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. ઑ પી નૈયાર અને આશા ભોંસલે ૧૯૬૩ થી ૧૯૭૨ નવ વર્ષ સુધી પ્રેમના પ્રઘાડ સબંધોથી બંધાયેલા રહયા હતા. મુંબઈ ખાતેના મીરામાર બિલ્ડિંગના પેન્ટ હાઉસમાં બંને એક સાથે જ રહેતા. તેમના એ પ્રેમબંધને ફિલ્મ સંગીતને અનમોલ ખજાનો આપ્યો છે. તુમ સા નહીં દેખા (૧૯૫૭), નયા દૌર (૧૯૫૭), સોને કી ચિડિયા (૧૯૫૮), હાવડા બ્રિજ (૧૯૫૮), રાગિણી (૧૯૫૮), ફાગુન (૧૯૫૮), બસંત (૧૯૬૦), જાલીનોટ (૧૯૬૦), એક મુસાફિર એક હસીના (૧૯૬૨), ફીર વહી દિલ લાયા હું (૧૯૬૨), કશ્મીર કી કલી (૧૯૬૪), મેરે સનમ (૧૯૬૫), સાવન કી ઘટા (૧૯૬૬), સીઆઇડી ૯૦૯ (૧૯૬૭), હમસાય (૧૯૬૮) અને કિસ્મત (૧૯૬૮) જેવી અનેક ફિલ્મોમાં આશા ભોંસલે અને ઑ પી નૈયરની જોડી એ બેમિસાલ ગીતો આપ્યા છે. પણ ૧૯૭૨માં આ પ્રેમ બંધનને જાણે કોઇની નજર લાગી ગઈ. અને બંને વચ્ચે પ્રઘાડ પ્રેમનું સ્થાન પ્રઘાડ નફરતે લઈ લીધું. ઑ પી નૈયરના આ પ્રેમ સબંધોને કારણે જ તેમના સ્વજનો તેમનાથી છૂટયા. ઘર છૂટ્યું. અને છેલ્લા દિવસોમાં તેઓ એક નાનકડા ઘરમાં પેઈન્ ગેસ્ટ તરીકે રહ્યા.

ઑ પી નૈયર સાહેબે આશા ભોંસલે સાથે જે છેલ્લું ગીત બનાવ્યું તે તેમના પ્રેમની વ્યથા અને કથા બંને વ્યક્ત કરે છે.   

चैन से हमको कभी आपने जीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से हमको कभी

चांद के रथ में रात की दुल्हन जब जब आएगी

याद हमारी आपके दिल को तरसा जाएगी

आपने जो है दिया, वो तो किसीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से …

आपका ग़म जो इस दिल में दिन-रात अगर होगा

सोचके ये दम घुटता है फिर कैसे गुज़र होगा

काश ना होती अपनी जुदाई मौत ही आ जाती

कोई बहाने चैन हमारी रूह तो पा जाती

इक पल हँसना कभी दिल की लगी ने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

આ ગીતના એક એક શબ્દમાં પ્રેમમાં હતાશ પ્રેમીની દાસ્તાન વ્યક્ત થાય છે. આશા ભોંસલે અને સંગીતકાર ઑ પી નૈયરની જોડીનું આ અંતિમ ગીત ૧૯૭૩માં રજૂ થયેલ સુનિલ દત્ત અને રેખાની ફિલ્મ “પ્રાણ જાય પર વચન ન જાયે” નું છે. પણ આ ગીત ફિલ્મમાં નથી. છતાં 1975ના વર્ષના ૨૨માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં શ્રેષ્ટ  ફિમેલ સોંગનો ફિલ્મ ફેર એવોર્ડ આ ગીતને મળ્યો હતો. જે લેવા આશા ભોંસલે આવ્યા ન હતા. તેમના બદલે એ એવોર્ડ ઑ પી નૈયરે લીધો હતો. એવોર્ડ લઈ તેઓ સીધા ફંક્શન બહાર નીકળી ગયા. તેમની સાથે ગીતના શાયર એસ. એચ. બિહારી પણ બહાર આવ્યા. બંને નૈયર સાહેબની કારમાં બેઠા. અને કાર મુંબઈના માર્ગ પર દોડવા લાગી. થોડી વારે નૈયર સાહેબે કાર રોકી. અને હાથમાં રાખેલી ફિલ્મફેરની ટ્રોફી જોરથી બારી બહાર ફેકી. ફિલ્મફેર ટ્રોફી લાઇટના એક પોલ સાથે અથડાઇ અને તેના બે ટુકડા થઈ ગયા. ત્યારે સંગીતકાર નૈયર દુખદ સ્વરે બોલી ઉઠયા હતા,

મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા. ઇસી તરહ  ઉસને મેરા દિલ તોડા હૈ, અબ વો મેરી દુનિયા સે બહોત દૂર ચલી ગઈ હૈ”

હતાશ પ્રેમની આ પરાકાષ્ટા સાથે જ એક નાનકડા રૂમમાં પેઇન ગેસ્ટ તરીકે ઑ પી નૈયર સાહેબે ૨૮ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ દેહ ત્યાગ કર્યો. પણ તેમના પ્રઘાડ પ્રેમની કથા આજે પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતાં યુવાનોને પ્રેમની પરિભાષા સમજાવતી રહે છે.

Leave a comment

Filed under Uncategorized

ફિલ્મો અને સમાજ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇતિહાસના દરેક યુગમાં હિંસા અને અહિંસા બંને જોવા મળે છે. અલબત તેના ઉદેશના મૂળમાં હંમેશા મૂલ્યોનું જતન અને માનવીય અભિગમ કેન્દ્રમાં છે. અત્રે હિંસાનો અર્થ માત્ર જીવ માત્રની હત્યા નહીં પણ માનવીના મનને દુ:ખ પહોંચાડવાની કિયા પણ હિંસા છે. દરેક ધર્મમાં પણ હિંસક યુધ્ધોનો ઉલ્લેખ છે. રામાયણ અને મહાભારતમાં બે યુધ્ધો આલેખાયેલા છે. બંનેમાં અસત્ય સામે સત્યનો સંધર્ષ છે. ઇસ્લામમાં જંગે બદર અને કરબલાના યુધ્ધનો ઉલ્લેખ છે. ભારતના સ્વાતંત્ર્ય યુગમાં ગાંધીજીની સત્ય અને અહિંસા ભલે કેન્દ્રમાં હોય, પણ હિંસાનું તત્વ તેમાં પણ ડોકયા કરે છે. ચંદ્રશેખર અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ હિંસાના સહારે સ્વાતંત્ર્ય દેવીને પામવાનો પ્રયાસ કર્યો છે. અને આજે પણ આપણે સૌ એ વીરોના બલિદાનને બિરદાવીએ છીએ.

અત્રે હિંસાને પ્રોત્સાહિત કરવાનું પ્રયોજન નથી. પણ હિંસાને મનનનો વિષય બનાવવાની પ્રેરણા એટલા માટે મળી છે કે છેલ્લા કેટલાક સમયથી આપણો  સામાજિક અભિગમ અને રસ હિંસાત્મક ફિલ્મો તરફ વળતો જોવા મળી રહ્યો છે. આ વર્ષ દરમિયાન પઠાણ, જવાન, ગદર 2, એનિમલ અને સલાર જેવી હિંસાથી ભરપૂર ફિલ્મોને અપાર સફળતા સાંપડી છે. આ ફિલ્મોની અપાર  હિંસાને આપણા

સમાજ અને ખાસ કરીને યુવા વર્ગે સહર્ષ આવકારી છે. તેની સાથે રજૂ થયેલી સ્વચ્છ, કોમેડી અને ઉદેશ લક્ષી ફિલ્મોને ધારી સફળતા સાંપડી નથી. જેમ કે મોટા સ્ટાર તરીકે પંકાયેલા શાહરુખ ખાનની ફિલ્મ ડંકી સ્વચ્છ અને ઉદેશલક્ષી હોવા છતાં તેને પ્રેક્ષકોનો જોઈએ તેવો આવકાર નથી મળ્યો. તેના સ્થાને આજે એનિમલ અને સાલાર જેવી હિંસાત્મક ફિલ્મોને આમ સમાજ વારંવાર જોવાનું પસંદ કરે છે. એક સમયે અમિતાભ બચ્ચનની એંગરી યંગ મેનની નકારાત્મક ફિલ્મો લોકોએ સ્વીકારી હતી. ત્યારે વિવેચકો, વિશ્લેષણકારો અને ખુદ ફિલ્મના લેખક સલીમ જાવેદ નું કહેવું હતું કે એંગ્રી યંગ મેન પ્રજા માનસના રોષનું પ્રતિબિંબ છે. અને માટે જ એવી ભૂમિકાવાળી ફિલ્મો એ સમયે ખૂબ સફળ રહી હતી. આજે જ્યારે હિંસાત્મક ફિલ્મો સફળ થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આમ સમાજ તેમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે ? જો કે એવું કહેવું સંપૂર્ણ પણે ઉચિત નથી. પણ એ સત્યને નકારી ન શકાય કે મૂલ્યોનું જતન કરતો સમાજ ધીમે ધીમે લધુમતીમાં આવતો જાય છે. ધીમે ધીમે અસત્ય અને અત્યાચાર સમાજનો આગવો હિસ્સો બનતા જાય છે. પણ ભારતીય સમાજ હંમેશા મૂલ્યનિષ્ટ અને સ્વચ્છ સમાજની ખેવના કરતો રહ્યો છે. આજે પણ આપણે મૂલ્યનિષ્ટ સમાજને મનોમન આવકારીએ છે. પરિણામે ફિલ્મના પરદા પર સત્ય અને અસત્ય વચ્ચેના હિંસાત્મક પણ કાલ્પનિક યુધ્ધને આપણે સહર્ષ માણીએ છીએ. હિંસા દ્વારા પણ સત્યનો વિજય થતો આપણને ગમે છે. તુલસીદાસ તેમના એક દોહામાં કહે છે,

नीच चंग-सम जानिए, सुनि लखि तुलसीदास’।

हील देत महि गिरि परत, खैंचत चढ़त अकास॥

અર્થાત અનૈતિક સમાજ કે પુરુષ પતંગ સમાન હોય છે. પતંગને ઢીલ આપો તો તે નીચે આવી જાય છે. પણ તેની દોરને ખેંચીને પકડી રાખો તો તે આકાશમાં ઊંચે ટકી રહે છે. દુષ્ટ સમાજ કે પુરુષને પણ ઢીલી દોર કરતાં કઠોર અને કડક દોરની જરૂર હોય છે. અર્થાત સમાજને મૂલ્યનિષ્ટ બનાવી રાખવા કઠોર કાયદાઓનું પાલન જરૂરી છે. અલબત તે હિંસા રહિત અનિવાર્ય છે. એટ્લે જ અન્યાય, અત્યાચાર કે અસત્યને સમાજમાં પ્રસરાવતા અટકાવવા માટે કડક પણ અહિંસક કાયદા પાલન આવકાર્ય છે અને દરેક મૂલ્યનિષ્ઠ સમાજ માટે તે હંમેશા અનિવાર્ય રહેશે. અસ્તુ

Leave a comment

Filed under Uncategorized

અવલ મંજિલકે અવલ રાસ્તે : ડૉ. મહેબૂબદેસાઈ

1966માં એટ્લે કે આજ થી 57 વર્ષ પૂર્વે આવેલી એક ફિલ્મ “તીસરી કસમ”મા કવિ શૈલેન્દ્રનું એક સુંદર ગીત હતું, જેના શબ્દો હતા,

“सजन रे झूठ मत बोलो

खुदा के पास जाना है

न हाथी है न घोड़ा है

वहाँ पैदल ही जाना है”

ગીતના મુખડામાં કવિ “સજન” તરીકે સમગ્ર માનવજાતને ઉદેશીને ખુદા કે ઈશ્વર પાસે જવાના માર્ગનો ઉલ્લેખ કરી રહ્યા છે. ઈશ્વર કે ખુદા પાસે જવાનો માર્ગ તો દરેક ધર્મમાં એક જ છે. પણ માનવીને ઈશ્વર કે ખુદા પાસે પહોંચાડવાની વિધિ કે ક્રિયા દરેક ધર્મ અને સમાજમાં ભિન્ન છે. જેને અંતયેષ્ટિ અર્થાત અંતિમ કિયા કહે છે. સમગ્ર વિશ્વમાં માનવીના મૃત દેહનો નિકાલ કરવાની છ પ્રથાઓ અસ્તિત્વમાં છે. (1) ઘરમાં કે આંગણામાં દાટવું, (2) શબને હોય તેવું જ રાખી મૂકવું (ઇજિપ્તની ‘મમી’ પ્રથા), (3) અગ્નિદાહ, (4) જલવિસર્જન, (5) જંગલ કે ખુલ્લામાં શબને મૂકી રાખવું, (6) શબનું ભક્ષણ કરવું. (7)  નિશ્ચિત કબ્રસ્તાનમાં દાટવું.

આ તમામ ક્રિયા પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ રહેલ છે.

હિન્દુ ધર્મ દુનિયાનો શ્રેષ્ટ અને વ્યાપક ધર્મ છે. જેમાં જીવન અને મૃત્યુ અંગે બૌધ્ધિક આચાર અને વિચાર જોવા મળે છે. હિંદુઓના જન્મથી મૃત્યુ પર્યંતના સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર અગ્નિસંસ્કાર છે. હિન્દુ સમાજમાં ઋગ્વેદ પહેલાં અને પછી પણ અગ્નિદાહની પરંપરા વિશેષ રીતે પ્રચલિત હતી. હિંદુ ધર્મ મુજબ મૃત્યુ થતાં જ શબને સ્નાન કરાવી નવાં વસ્ત્રો પહેરાવી જમીન ઉપર ગાયના છાણનું લીંપણ કરી સુવડાવવામાં આવે છે. આને ચોકો કરવો કહે છે. શબ પાસે દીવો મૂકે છે. હિંદુઓના અગ્નિસંસ્કાર મુજબ મૃતકનું માથું ઉત્તર તરફ રહે તે રીતે ચિતા પર મૂકવામાં આવે છે. એ પછી મૃત શરીરને અગ્નિ દાહ આપી પંચમહાભૂતોમાં વિલીન કરી દેવામાં આવે છે.

હિન્દુ ધર્મ માને છે કે અવસાન પછી પંચતત્વ એટલે પંચમહાભૂતમાં માનવ શરીર લીન થઈ જાય છે. એ પંચમહાભૂતોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ નો સમાવેશ થાય છે. જળ એટ્લે પાણી, નીર, પ્રવાહી. પૃથ્વી અર્થાત જમીન, ભૂમિ, માટી, રેત. તેજ એટ્લે પ્રકાશ, ચમક, જ્યોત, દીપ્તિ, લાલી, ઉષ્ણતા, અગ્નિ, આગ. વાયુ અર્થાત હવા, પવન, વાતાવરણ, ગંધ. આકાશ એટ્લે ગગન, અંતરીક્ષ. હિન્દુ સસ્કૃતિ મુજબ તેને પંચમહાભૂત કહે છે. ઇસ્લામ પાંચ સ્તંભો પર ઊભો છે. ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા). આ તમામ સ્તંભોના કેન્દ્રમાં માનવ મૂલ્યો પડ્યાં છે. જેમ કે હજ એ ગરીબ અને અસહાય માનવી માટે ફરજિયાત નથી. ઇસ્લામનાં આ સ્તંભોમાં માનવ મૂલ્યો સાથે વફાત (અવસાન) અને તેની ક્રિયાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇસ્લામમાં અવલમંજિલનું સ્થાન કબ્રસ્તાન છે. જ્યાં વ્યક્તિને દફનવવામાં આવે છે. મૃતક વ્યક્તિ અંતિમ સમયે ‘કલમા’ બોલે તો સ્વર્ગમાં જાય એવી મુસ્લિમોમાં માન્યતા છે. મૃતકની રૂહાની શાંતિ માટે ‘ફાતિહા’ પઢવાનો રિવાજ છે. મુસ્લિમો શબને દાટવા માટે કબ્રસ્તાનમાં સરઘસ-આકારે લઈ જાય છે. શબની પાલખીને જનાજો કહે છે. ઇસ્લામમાં જનાજાને કાંધો આપવો એ અત્યંત પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. ઇસ્લામમાં શબને જમણે પડખે અને મોં મક્કા તરફ રહે તે રીતે કબરમાં સુવાડવામાં આવે છે. કુરાને શરીફમાં કહ્યું છે ખુદા કયામતને દિવસે જમીનમાં દફન દરેક માનવીને જગાડશે. દફન વિધિ પછી બીજા કે ત્રીજા દિવસે મુસ્લિમો ઝિયારત કરે છે. ઝિયારત અર્થાત મૃતકની રૂહા (આત્મા)ની  શાંતિ માટે ભેગા મળીને પ્રાર્થના કરવાની ક્રિયા.

હિન્દુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે કેટલીક સામ્યતા અદભૂદ છે. ઇસ્લામમાં અવસાન પામનાર વ્યક્તિ માટેમરહૂમશબ્દ વપરાયો છે. હિન્દુ સંસ્કૃતિમાંસ્વર્ગસ્તશબ્દનો પ્રયોગ થાય છે. મરહૂમ શબ્દરહમ” (ક્રુપા) પરથી આવ્યો છે. અર્થમાં જેના પર ખુદાની રહમત ઉતરી છે તે વ્યક્તિ.

હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવીના અવસાના સમાચાર જાણી કે સાંભળી શાંતિશબ્દનો પ્રયોગ કરવામાં આવે છે શાંતિ એટલે મરનારના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. એ જ રીતે ઇસ્લામી સંસ્કાર મુજબ વ્યક્તિના અવસાનના સમાચાર જાણી કે સાંભળી દરેક મુસ્લિમ ઇન્ન ઇનલીલલહી ઇન્ન ઇલાહી રાજીઉન ( إِنَّا لِلَّٰهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ) કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન શરીફની આ એક આયાત છે, જેનો અર્થ થાય છે,

આપણે સૌ અલ્લાહ થકી છીએ અને આપણે સૌએ અલ્લાહ પાસે જવાનું છે.

ડાઘુઓ ‘રામ નામ સત્ હૈ’ અથવા ‘નારાયણ, નારાયણ’ ના રટણ કરતાં કરતાં શબને સમશાન ગૃહે લઈ જાય છે. ઇસ્લામમાં જનાજાને કબ્રસ્તાને લઈ જતાં સમયે કાંધો આપતી વખતે સૌ

कलमाशहादत کَلْمَۂِ شَہادَت  પઢે છે. કબ્રસ્તાનમાં મૃત શરીરને દફનાવી અર્થાત માટીમાં ભેળવી દેવામાં આવે છે. દફનાવવાની આ ક્રિયાને સુપુર્દે એ ખાક કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે માનવીનું સર્જન ખુદાએ મિટ્ટી અને ગારામાંથી કર્યું છે. કુરાન એ શરીફના હિજર પ્રકરણ 14ની આયાત 28માં કહ્યું છે,

“જ્યારે તારા પરવારદિગારે ફરિશ્તાઑને કહ્યું બેશક હું સડેલ કાદવમાંથી બનેલી ખણખણાટવાળી માટીમાથી માનવીને પૈદા કરનાર છું.”

અર્થાત ખુદાએ માનવ જાતિના પ્રથમ પુરુષ હજરત આદમને ખણખણતી માટીથી જે સડેલ કાદવની બનેલી હતી, તેમાથી બનાવ્યો છે. માટીમાંથી સૌ પ્રથમ આદમનું પૂતળું બનાવવામાં આવ્યું. એ પછીની આયાતમાં કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

“પછી જ્યારે તે પૂતળું ઠીકઠાક બની જશે ત્યારે હું તેમા ફુંક મારી રૂહ (આત્મા) નાખીશ.”

હિન્દુ ધર્મ મુજબ માનવીના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તે મૃત બની જાય છે. ઇસ્લામ પણ રૂહ અર્થાત આત્માને માનવ શરીરનું અવિભાજ્ય અંગ ગણે છે, ખુદાએ માનવ શરીર અર્થાત આદમનું સર્જન કર્યા પછી તેમા રૂહ ફુંકી તેને મૂકકમીલ ઇન્સાન કે માનવી બનાવ્યો છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમા બે તત્વો માટી અને પાણી દ્વારા માનવીનું સર્જન થયાનો ઉલ્લેખ છે. આધુનિક વિજ્ઞાન કહે છે માનવ શરીર 60 થી 70 ટકા પાણીથી બનેલું છે. એ જ રીતે મિટ્ટી અર્થાત માટી કાર્બનિક પ્રદાર્થો, ખનીજો, ગેસો, તરલ પ્રદાથો અને જીવોનું મિશ્રણ છે. જેનો ઉપયોગ માનવીના સર્જનમાં ખુદા કે ઈશ્વરે કરેલ છે.

બૌધ્ધ ધર્મમાં મૃત દેહને અગ્નિદાહ અને દફનાવવાનો બંને રિવાજ છે. આ ધર્મમાં બંને પ્રથાઓ આવકાર્ય છે. તેમાં મુખ્યત્વે અંતિમ સંસ્કાર પ્રથા સ્થાનિક રીતરિવાજો પર નિર્ભર હોય છે. અંતિમ સંસ્કાર સમયે સ્વજનો મૃતક માટે પ્રાર્થના કરે છે. બીજા દિવસે અસ્તિઓને પરિવાર જનો એકત્રિત કરે છે. પરિવાર ઈચ્છે તો તે અસ્તિઓ પોતાની પાસે રાખે છે. અન્યથા તેનું કોઈ સ્થાને વિસર્જન  કરે છે. કેટલાક લોકો તેને સમુદ્રમાં વિસર્જિત કરે છે. જે લોકો મૃતકને દફનાવે છે તેઓ તાબૂતમાં  મૂતક શરીરને મૂકી પ્રાર્થના કરે છે પછી તેને દફનાવે છે. શ્રીલંકા, ચીન, મ્યાનમાર વગેરે દેશોમાંના બૌદ્ધો મૃતદેહને ખુલ્લી જગ્યામાં ઝાડ ઉપર, ખડક ઉપર કે પછી બાંધવામાં આવેલા લાકડાના મંચ ઉપર એવી ભાવનાથી રાખે છે કે પક્ષી કે પ્રાણીઓના ખોરાક તરીકે કામ આપી શકે.

પારસીઓ મૃતદેહના કાન પાસે મંત્ર ભણીને કશ્તી કમરે બાંધે છે, પછી અગિયારીમાં ખાસ મુકરર કરેલા કૂવામાં (દખ્મ) લટકાવે છે, થોડા દિવસોમાં મૃત શરીરનું ગીધ ભક્ષણ કરીને નાશ કરે છે.

ઇસ્લામ અને ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની કલ્પના નથી. ઈસાઈ ધર્મ મુજબ કોફિનમાં (લાકડાની બનાવેલી પેટી)માં મૃત શરીરને મૂકી જમીનમાં દાટી દે છે. ખ્રિસ્તીઓ મૃત શરીર પાસે ક્રોસ મૂકે છે અને અંતિમ સંસ્કારનું ગીત (dirge) ગાય છે.

જૈનોમાં પણ મૃત શરીરને અગ્નિદાહ આપવાની પ્રથા છે. અગ્નિદાહના ત્રીજા દિવસે તેઓ રાખને નદીમાં પધરાવી જૈન મંદિરમાં પૂજાપાઠ કરીને દસ દિવસ સુધી સૂતક પાળે છે. જૈન ધર્મમાં અન્ય કર્મકાંડ નથી થતાં. પરંતુ તેઓ વધુમાં વધુ દાનધર્મ કરી મૃત આત્માને શાંતિ અર્પવાનો પ્રયાસ કરે છે. જૈન ધર્મમાં મૃત શરીર પ્રત્યે મોહ રાખવામાં આવતો નથી. જૈન ધર્મ માને છે આત્મા અને શરીર બંને ભિન્ન છે. આત્માને બીજા શરીરમાં પ્રવેશતા એક સેકન્ડનો સમય પણ નથી લાગતો. હિન્દુ ધર્મમાં આત્મને મોક્ષ ત્યારે જ મળે છે, જ્યારે મૃતકનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યો હોય. જૈન ધર્મ અંતિમ સંસ્કારની વિધિને વિશેષ મહત્વ આપતો નથી. કારણ કે મૃત્યુ પછી આત્મા તુરંત નવું શરીર ધારણ કરી લે છે.

શીખ ધર્મમાં સૌ પ્રથમ મૃતકના શરીરને સ્વચ્છ કરવા તેણે સ્નાન કરાવવામાં આવે છે. જો કે પ્રથા દરેક ધર્મમા જોવા મળે છે. પછી શીખ ધર્મ મુજબ પાંચ મુખ્ય વસ્તુઓ કાંસકો, કટાર, કડુ, કર્પાન, અને કેશ વ્યવસ્થિત કરી મૃતક પાસે મૂકવામાં આવે છે. પછી મૃતકના સ્વજનો વાહે ગુરુનું સ્મરણ કરતાં કરતાં અર્થીને સ્મશાને લઈ જાય છે. અને ત્યાં કોઈ નિકટના સ્વજન મુખાઅગ્નિ અર્પે છે. શીખ સંપ્રદાયમાં મરનાર અંગે શોકવિલાપ નિષિદ્ધ ગણાય છે. તેઓ ધાર્મિક પ્રાર્થના કરે છે. તેમનામાં મૃતકનું સ્મારક પણ નિષિદ્ધ ગણાય છે. દસ દિવસ ઓછુંવત્તું સૂતક પાળે છે. તે દરમિયાન સૂવાબેસવાનું જમીન પર રાખે છે. મરનારના ઘરે ગ્રંથ સાહિબનો પાઠ કરવામાં આવે છે.

જ્યૂ લોકોમાં પણ પુનર્જન્મની કલ્પના નથી. તેઓ માને છે મરનાર પિતૃઓ પાસે જાય છે. તેમના માં પ્રેતદહન થતું નથી, પણ દફન થાય છે. સાત દિવસનું સૂતક અને દફનના દિવસે ઉપવાસ કરવામાં આવે છે. બીજે દિવસે મૃતકના નજીકના સંબંધીઓ મિષ્ટભોજન કરે છે. તેમના ધર્મગ્રંથ તાલમુદમાંથી ‘કાદિશ’ મંત્રો બોલવાનો રિવાજ છે. લિંગાયતમાં અગ્નિસંસ્કાર થતા નથી. મૃતદેહને મીઠા સાથે જમીનમાં દાટી દે છે. તેઓ સૂતક પાળતા નથી અને વર્તુળાકારમાં બેસી ભોજન કરે છે.

ટૂંકમાં, દરેક મજહબમાં મૃત્યુ પછીની આવી ક્રિયાઓનો ઉદેશ મૃતક સ્વજનના આત્માને પરમ શાંતિ અર્પવાનો હોય છે. પણ એ શાંતિ કેટલી, કેવી અને કયા મળે છે, તે આપણે કયારે જાણી શકતા નથી. અલબત્ત વફાત કે અવસાન પછીના માહોલની કલ્પના અનેક કવિ કે સાહિત્યકારોએ કરી  છે. એવી જ એક કલ્પના બહુ ઓછા જાણીતા કવિ નરેન્દ્ર સિંગની રચનામાં વ્યક્ત થઈ છે. જેને વાગોળીએ.

था मैं नींद में और
मुझे इतना
सजाया जा रहा था….

बड़े प्यार से
मुझे नहलाया जा रहा था….

ना जाने
था वो कौन सा अजब खेल
मेरे घर में….

बच्चो की तरह मुझे
कंधे पर उठाया जा रहा था….

था पास मेरा हर अपना
उस वक़्त….

फिर भी मैं हर किसी के
मन
से भुलाया जा रहा था…

जो कभी देखते
भी न थे मोहब्बत की
निगाहों से….

उनके दिल से भी प्यार मुझ
पर
लुटाया जा रहा था…

मालूम नहीं क्यों
हैरान था हर कोई मुझे
सोते
हुए देख कर….

जोर-जोर से रोकर मुझे
जगाया जा रहा था…

कांप उठी
मेरी रूह वो मंज़र
देख कर….

जहां मुझे हमेशा के
लिए
सुलाया जा रहा था….

मोहब्बत की
इन्तहा थी जिन दिलों में
मेरे लिए….

उन्हीं दिलों के हाथों,
आज मैं जलाया जा रहा था !!!

અસ્તુ….


Leave a comment

Filed under Uncategorized

આત્મહત્યા : ઐતિહાસિકસંદર્ભ : ડૉ. મહેબૂબદેસાઇ*

(Gujarat College, Ahemdabad Organized one day National Seminar on “Suicide : Socio-Scintific Perspective” on 5 August 2023. My lecture on “Suicide : Historical Perspective)

આત્મહત્યાનો ઇતિહાસ માનવ સમાજના અસ્તિત્વ જેટલો જૂનો અને જાણીતો છે. સાર્થ ગુજરાતી શબ્દ કોષમાં આત્મહત્યા માટે આત્મઘાત શબ્દ વપરાયો છે. આત્મઘાત અર્થાત સ્વેચ્છિક મૃત્યુ. અંગ્રેજીમાં આત્મહત્યા માટે Suicide અથવા Self-Murder. શબ્દ વપરાયો છે. જ્યારે ઉર્દુમાં આત્મહત્યા માટે  “ખુદકુશી” શબ્દ વપરાયો  છે. શાયરોએ ખુદકુશી પર ઘણું લખ્યું છે. શાયર કૈફી આઝમી લખે છે,

“રહને કો સદા દહર (દુનિયા) મે આતા નહીં કોઈ

 પર તુમ જૈસે ગયે ઐસે જાતા નહીં કોઈ”

આત્મહત્યાની સરળ શબ્દોમાં ટૂંકી વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે,

આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ.

આત્મહત્યા ખુદ એક નીંદનીય અને ધૃણાસ્પદ બાબત છે. પણ તેના સમાચાર અને દ્રશ્યો પણ બાળમાનસ પર કેવી ગંભીર અસર કરે છે તેની એક સત્ય ઘટના સાથે મારે વાત આરંભવી છે.

ત્રીસેક વર્ષો પહેલા મારા દૂરના સબંધીનો બાર વર્ષનો પુત્ર પોતાના મિત્રો સાથે રૂમનો દરવાજો બંધ કરી આત્મહત્યા આત્મહત્યાની રમત રમતો હતો. તે સમયે તેની માતા અન્ય રૂમમાં કામ કરતી હતી. છોકરાએ પોતાના ગાળામાં ફાસો નાખ્યો. અને મિત્રોને હસતાં હસતાં કહેવા લાગ્યો, “જુઓ હવે હું આત્મ હત્યા કરું છું અને તે હસતાં હસતાં લટકી ગયો. તેની સાથે રમતા બાળકો પણ દ્રશ્ય હસતાં હસતાં જોઈ રહ્યા. અચાનક બારી બહાર તેની મમ્મી આવી ચડી અને તે દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ અને બારણું પિટવા લાગી. પણ બાળકો દરવાજો ખોલે પહેલા તો બાર વર્ષનો અહસાન અલ્લાહને પ્યારો થઈ ગયો.

જો આત્મહત્યાના દ્રશ્યો કે સમાચાર બાળમાનસ પર આવી ધાટી અસર કરી શકતા હોય, તો આત્મહત્યા ખુદ માનવ સમાજ પર કેટલી માઠી અસર કરતી હશે.? મુદ્દો સાચ્ચે વિચાર માંગી લે તેવો છે. વળી, આત્મહત્યાના માર્ગો પણ યુગે યુગે  વિકસતા ગયા છે. ગળે ફાસો ખાવાની જૂની રીત સાથે બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું, ઊંચાઈએથી પડતું મૂકવું, વાહન કે રેલવે નીચે છૂંદાઈ મરવું, બંદૂકની ગોળીથી મરવું. ઇલેક્ટ્રિક વાયર પકડી જીવન ટૂંકાવવું, સાઈનાઇડ જીભ મૂકી મરવું જેવા અનેક માર્ગો આજે તો અમલમાં મુકાય છે. તેના નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પગલાઓ લેવાવા  જોઈએ.

ઇતિહાસમાં દરેક પ્રકારની આત્મહત્યાને ગુનો ગણવામાં આવેલ છે. આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે. જો કે આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તનઘટના અને સામાજિક સમસ્યા છે. ઇતિહાસમાં નોંધાયા મુજબ દરેક આત્મહત્યાના ૧૦થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે એવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. અપરિણીત કે છૂટાછેડા લીધેલ, એકલી રહેતી કે વિધવાવિધુર વ્યક્તિઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરિણીત અને સંતાનોવાળી વ્યક્તિઓ દ્વારા થતી આત્મહત્યાના પ્રમાણ કરતાં વધારે જોવા મળે છે.  

ઓશો રજનીશએ તેમની આત્મકથામાં લખ્યું છે,

બચપનમાં હું મૃત્યુ પામનાર સૌની અંતિમ યાત્રામાં દોડીને જતો. તેથી મારા માતાપિતા ઘણા ચિંતિત થઈ જતાં. અને કહેતા પણ ખરા કે શા માટે તું તેની પાછળ દોડે છે. આપણે તો તેને  ઓળખતા પણ નથી. ત્યારે હું કહે તો મને તે માનવી સાથે કોઈ સબંધ નથી, મને તો મૃત્ય સુંદર અને રહસ્યમય લાગે છે અને એટ્લે હું તેની પાછળ દોડું છું.

આવું રહસ્યમય મૃત્યુ જ્યારે સવિચ્છિક હોય ત્યારે તો તેનું રહસ્ય વધારે ઘેરું અને આઘાતજનક લાગે છે. સૌ કોઈ તેની પાછળનો ઐતિહાસિક સંદર્ભ જાણવા ઉત્સુક બને છે.

પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાં સ્વેચ્છિક મૃત્યુને અલૌકિક, નિંદનીય અને દુ:ખદ ગણવામાં આવેલ છે. પ્રાચીન રોમન સામ્રાજ્યમાં અનેક મહાન હસ્તીઓ બ્રુટસ, કૈસીયસ, માર્ક એન્થોની અને મિસ્રની રાજકુમારી ક્લિયોપેટ્રા સ્વેચ્છિક મૃત્યુ માટે જાણીતા છે. પ્રાચીન મિસ્ત્રની પ્રસિદ્ધ રાણી ક્લિયોપેટ્રા તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી હતી. તેની સુંદરતા પર દરેક રાજા અને રાજકુમાર મોહિત હતા. તેણે તેની સુંદરતા અને કૂટનીતિથી મિસ્ર પર શાસન કર્યું હતું. પરંતુ માત્ર 38 વર્ષની વયે તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મહાન અજાકસ જેણે ટ્રોજન યુધ્ધમાં પોતાની જાતની હત્યા કરી હતી. રીતે  લૂકરેટિયા જેની આત્મ હત્યાએ . . પૂર્વે 510 માં રોમન સામ્રાજ્યને રોમન ગણ રાજ્યથી મુકત કર્યું હતું. . પૂર્વે 434ની આસપાસ આત્મહત્યાથી મરનાર ઐતિહાસિક વ્યક્તિ એમ્પેડોલક્સ હતો. તેની માન્યતા હતી કે મૃત્યુ એક પરિવર્તન છે. અને તેના વિચારે તેને આત્માહત્યા કરવા પ્રેરિયો હતો. તેણે પોતાની જાતને સીસીલીના ધગધગતા જવાળામુખી માઉન્ટ એટનામાં હોમીને આત્મહત્યા કરી હતી. પ્રાચીન યુનાની વિચારક પાયથાગોરસ આત્મહત્યાની વિરુધ્ધ હતો. તેના ગણિતજ્ઞ વિચાર મુજબ દુનિયાના સંચાલન માટે નિશ્ચિત આત્માઓની જરૂર છે. અને કોઈની અચાનક આત્મહત્યાથી દુનિયાના સંચાલનમાં અસ્થિરતા પ્રવર્તે છે. રોમન વિચારક અરસ્તુએ પણ આત્મહત્યાનો વિરોધ કર્યો છે. રોમમાં આત્મહત્યા કાનૂની દ્રષ્ટિએ અપરાધ હતો. પણ આત્મહત્યાને રોમન વિચારકો ત્રણ બાબતોમાં પ્રતિબંધિત કરેલ છે. 1. આર્થિક અપરાધોના આરોપીઓ, 2 સૈનિકો અને 3 ગુલામોની આત્માહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે તેમની આત્મહત્યા સમાજ માટે નુકસાનકારક હતી.

19મી શતાબ્દી સુધી આત્મહત્યાના કૃત્યને પાપ કરતાં પાગલપણ તરીકે ઓળખવામાં આવતું હતું. 1879 સુધી અંગ્રેજ કાયદામાં આત્મહત્યા અને માનવહત્યા વચ્ચે ભેદ સ્પષ્ટ થવા લાગ્યો હતો. પરિણામે આત્મહત્યા કરનારની સંપતિ જપ્ત કરવામાં આવતી હતી. પુનઃજાગરણ દરમિયાન આત્મહત્યા અંગેના વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. અંગ્રેજ માનવતાવાદી થોમસ મોરે યુટીપીયમાં 1516માં લખ્યું છે,

વ્યક્તિ પોતાને યાતના ભર્યા જીવનથી મુક્ત કરી શકે છે, કારણ કે મુત્યુંથી તે યાતઓથી મુક્તિનો આનંદ મેળવે છે. તે એક અત્યંત પવિત્ર કાર્ય છે.

પરંતુ અન્ય કારણો સર યુગમાં પણ આત્માહત્યાને અપરાધ માનવામાં આવતી  હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરવામાં આવતો. અને તેની સજા હતી.

ભારતના ઇતિહાસમાં સ્વેચ્છિક મૃત્યુના અનેક કિસ્સાઓ નોંધાયેલ છે. જેના કેન્દ્રમાં ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક કારણો જોવા મળે છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં અનેક વીરતાની કથાઓ છે જેમાં પ્રેમ કે વચનના પાલન માટે સ્વેચ્છિક મૃત્યને સહહર્ષ સ્વીકારવાની પરંપરાના જોવા મળે છે. ભારતના મહાન ગ્રંથ રામાયણમાં એક પ્રસંગ નોંધાયેલ છે. ભગવાન રામના અવસાનના સમાચાર સાંભળી અયોધ્યા વાસીઓએ સામૂહિક સ્વેચ્છિક મૃત્યુને સહહર્ષ સ્વીકારાયું હતું. ઘટનામાં ભગવાન રામ પ્રત્યેનો પ્રજાનો અદભૂદ પ્રેમ અભિવ્યક્ત થાય છે. એજ રીતે દધીચિ ઋષિ બ્રહ્માના પુત્ર અર્થવા ઋષિનું સંતાન હતા. તેમનો જન્મ એક મહાન ઉદ્દેશ માટે અને ધર્મના રક્ષણ માટે થયો હતો. દધીચિનું જીવન અને તેમની કર્મનિર્ભયતા વીરતાનો સંદેશ આપે છે. દધીચિએ રાષ્ટ્ર, સમાજ અને ધર્મના હિત માટે હાડકાંનું દાન કર્યું હતું. તેમણે અસુરતાના નાશ માટે અને ધર્મના રક્ષણ માટે સ્વેચ્છિક મૃત્યુ સ્વીકારી પોતાનાં હાડકાં પણ સમર્પિત કરી દીધાં હતાં. તેમનાં હાડકાંમાંથી ત્રણ ધનુષ્ય બન્યાં હતાં. ગાંડીવ, પિનાક અને સારંગ. જેમાંથી ગાંડીવ અર્જુનને મળ્યું હતું. જેના બળે અર્જુન મહાભારતનું યુદ્ધ જીત્યા હતા. ભગવત ગીતામાં સ્વાર્થ અને વ્યક્તિગત કારણોસર થતી આત્મહત્યાની સખત નિંદા કરવામાં આવી છે. ગીતામાં કહ્યું છે,

સ્વાર્થ અને અંગત કારણો સર આત્મહત્યા કરનાર વ્યક્તિનું શ્રાદ્ધ નથી થઈ સકતું

બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ મુજબ જે લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, તેમણે નિર્ધારિત સમય માટે ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઉપનિષદ પણ આત્મહત્યાની નિંદા કરતાં કહે છે,

જે માનવી આત્મહત્યા કરે છે તેનો આત્મા મૃત્યુ પછી અભેદ અંધકારમાં ભટકતો રહે છે. જો કે વેદો સમાજ અને ધર્મ માટેના ઉમદા કાર્યો માટે સ્વચ્છિક મૃત્યુની અનુમતિ આપે છે. અને કહે છે

સૌથી ઉત્તમ બલિદાન સ્વયંનું બલિદાન છે.

ભારતના પ્રાચીન ઇતિહાસમાં સ્વમાન, શીલ અને ધર્મની રક્ષા માટે સ્વચ્છિક મૃત્યુની અનેક પ્રથાઓ અસ્તિત્વમાં હતી. જેમાં ભારતના ઇતિહાસમાં સતીપ્રથા વિશેષ પ્રચલિત હતી. એક વિધવા સ્ત્રી પોતાના પતિની ચિતા ઉપર ખુદને જીવતી સળગાવી દેતી હતી. રાજા રામમોહન રાય અને વિલિયમ બેન્ટીકના પ્રયાસોથી પ્રથા પર પ્રતિબદ્ધ મુકવામાં આવ્યો. એજ રીતે મધ્યકાલીન ભારતમાં રજપૂત સ્ત્રીઓ મુસ્લિમ આક્રમણ સમયે મુસ્લિમ સૈનિકોથી પોતાના શીલની રક્ષા કાજે સામૂહિક રીતે જોહર કરતી હતી. અર્થાત અગ્નિકુંડમાં પોતાને હોમી દેતી. જો કે પ્રથા પણ કાળની ગર્તતામાં ભુસાઈ ગઈ. એવી અન્ય એક પ્રથા કમળ પૂજા હતી. પણ આજે અસ્તિત્વમાં નથી.

ઈશ્વરખુદા પાસે પોતાના પ્રિયજનના પ્રાણ બચાવવા મૃત્યુને માંગનાર મોઘલ બાદશાહ બાબરે માંદગીને કારણે મૌતની ઘડીઓ ગણતાં પુત્ર હુમાયુંને બચાવવા ખુદાને પ્રાર્થના કરી હતી કે,

મારા પુત્રને બદલે મારી જાન લઈ લો. પણ તેને બચાવી લો.

અને કહેવાય છે કે ખુદા તેની વિનંતીનો સ્વીકાર કરી હુમાયુંને સાજો કરી દીધો અને થોડા સમયમાં બાબરનું અવસાન થયું.

ઇતિહાસમાં આત્મહત્યાના આવા અનેક હકારાત્મક કિસ્સાઓ નોંધાયેલા છે. જેમ કે પ્રાચીન સમયમાં યુધ્ધમાં પરાજયને કારણે સૈનિક આત્મહત્યા કરી લેતા. જેથી દુશ્મન દ્વારા પકડાઈ સંભવિત યાતનાઑ જેવી કે અંગ ભંગ, દાસતા કે યાતનાથી ભરપૂર મૃત્યથી બચી શકાય. સિજેરિયન હત્યારા બ્રુટસ અને કૈસીયસે ફિલિપીના યુધ્ધમાં પોતાના પરાજય બાદ ખુદને મારી નાખ્યા હતા. ભારતના ઇતિહાસમાં પણ પ્રકારની અનેક ઘટનાઓ જોવા મળે છે. જેમાં સ્વમાન, દેશભક્તિ અને યાતનોની મુક્તિનો ઉદેશ જોવા મળે છે. ભારતના સ્વાતંત્ર સંગ્રામના ક્રાંતિકારી સૈનિક ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સેંકડો પોલીસ સામે 20 મિનિટ સુધી લડતા રહ્યા હતા. અંતે, તેમનું સૂત્ર ”આઝાદ છું  આઝાદ રહીશ” ને યાદ કરી, પિસ્તોલની છેલ્લી ગોળી પોતાના મસ્તક પર મારી માતૃભૂમિ માટે શહિદ થઈ ગયા હતા.(27 ફેબ્રુઆરી 1931).

આધુનિક યુગમાં રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીય જાસૂસી સંસ્થાઓમાં પણ પકડાઈ ગયેલ જાસૂસો આત્મહત્યા કરી પોતાના દેશ અને વતનની રક્ષા કરે છે.

આપણાં ધર્મોમાં પણ આવી સ્વચ્છિક હત્યામાં શ્રધ્ધા અને ઈશ્વર કે ખુદાને ખુશ કરવાની ભાવના કેન્દ્રમાં જોવા મળે છે. પણ મોટે ભાગે દરેક ધર્મે આત્મહત્યાની નિંદા કરી છે.

બૌધ્ધ ધર્મ  આત્મહત્યાને નકારાત્મક કાર્ય તરીકે જોવે છે. જો કે કેટલાક સંજોગોમાં તેને સ્વીકારે પણ છે. એક બૌધ્ધ કથામાં વકકીલ નામનો એક ભિક્ષુક બેહદ બીમાર હતો. અને અસહ્ય દર્દથી પીડાતો હતો. તેથી તેણે આત્મહત્યા કરી લીધી. અને તેને તેણે ઈચ્છા મૃત્ય તરીકે આલેખયું. આવો એક અન્ય કિસ્સો ગોંધિકા નામક ભિક્ષુકનો પણ છે. તે પણ અત્યંત બીમાર હતો. તેણે પણ શરીરની પીડાથી મુક્ત થવા અને પુનઃ જન્મ લેવાના ઉદેશથી આત્મહત્યા કરી હતી. ત્યારે ભગવાન બુધ્ધએ કહ્યું હતું,

વાસ્તવમાં તે એક કપરું કાર્ય છે. તેમને જીવનની તુષાણથી કોઈ લગાવ રહ્યો હતો. ગોંધિકાએ અંતિમ નિર્વાણ પ્રાપ્ત કરેલ છે.

એનસાયક્લોપીડિયા ઓફ રિલીજિયનમાં યુરોપિયન ચિંતક મરલીન જે હૈરન લખે છે,

બૌધ્ધ ધર્મ કેટલાક સંજોગોમાં આત્મહત્યાની પૃષ્ટી કરે છે. તેને આત્મ બલિદાન તરીકે જુવે છે. જેણે આત્મ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તેને સવેચ્છિક મૃત્યુ તરીકે બલિદાન કરવાની સંમતિ આપે છે.

હિન્દુ ધર્મમાં પણ આત્મહત્યા નિષેધ છે. પોતાનો પ્રાણ લેવો અહિંસાના સિધ્ધાંતનું ઉલંઘન કરવા સમાન છે. હિન્દુ માન્યતા મુજબ આત્મહત્યાને કારણે વ્યક્તિનો આત્મા અવગતિ પામે છે. અને મૃત્યુ પછી પણ તે ભટકતો રહે છે. મહાભારતમાં પણ કહ્યું છે, જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તે ક્યારેય સ્વર્ગ પ્રાપ્ત કરતો નથી.

રીતે જૈન ધર્મમાં પણ આત્મહત્યાને હિંસાનું અત્યંત નીંદનીય સ્વરૂપ ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં પણ આત્મહત્યાની સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કુરાન શરીફમાં કહ્યું છે,

અને તમે ક્યારેય તમારી જાતની હત્યા કરો. અલ્લાહ તમારા પર હંમેશા મહેરબાન છે. અને જે વ્યક્તિ જુલ્મ અને અત્યાચારને કારણે પોતાની હત્યા કરશે, તેને અમે દોજક (નર્ક)ની આગમાં નાખીશું.

એક અન્ય આયાતમાં કહ્યું છે,

અને પોતાની જાતની પોતાના હાથોથી હત્યા કરો.

ઇસ્લામમાં જેહાદના નામે આતંકવાદીઓ શહીદ થવામાં પુણ્ય માને છે. ઇસ્લામના જેહાદના સિધ્ધાંતનું ખોટું અર્થઘટન છે. જેહાદ એટ્લે અસત્ય સામે સત્યની લડાઈ, જેહાદ એટ્લે દુર્ગુણો સામે સદગુણોનું યુધ્ધ. તેમાં માનવ હિંસાને કોઈ સ્થાન નથી. જેહાદ એટ્લે યુધ્ધ પણ નહીં. યુધ્ધ માટે કુરાને શરીફમાં કીતાલ શબ્દ વપરાયો છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ આત્મહત્યાનો વિરોધ કરવામાં આવ્યો છે. બાઈબલમાં લગભગ અગિયાર સ્થાનો પર આત્મ હત્યાનો ઉલ્લેખ છે. તેમા આત્મહત્યાથી મારનાર વ્યક્તિઓ માટે નકારાત્મક અભિગમ વ્યક્ત થયો છે. રોમન કેથોલિક ધર્મ અનુસાર આત્મહત્યા એક પાપ છે.  કેથોલિક ધર્મ આત્મહત્યા કરનાર વ્યક્તિને તેમના કબ્રસ્તાનમાં દફનાવવાની મનાઈ કરે છે. યહૂદી ધર્મમાં પણ આત્મહત્યાનો વિરોધ કરવામાં આવેલ છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને કબ્રસ્તાનના એક અલગ ભાગમાં દફનાવવામાં આવે છે અને તેના પ્રત્યે કોઈ સહાનુભૂતિ રાખવાં આવતી નથી કે તેના માટે કોઈ ધાર્મિક ક્રિયા કરવા આવતી નથી.

આધુનિક ઇતિહાસમાં આત્મહત્યાની સૌથી કરૂણ અને ઐતિહાસિક ઘટના વિશ્વના જાણીતા સરમુખત્યાર અને માનવ સંહારક એડોલ્ફ હીટલરની છે. વોલ્ટર લેંગર હાવર્ડ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ હતા, તેમણે 1943માં સાયકોલોજિકલ એનાલિસિસ ઓફ એડોલ્ફ હિટલર નામક પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના અંતિમ દિવસનું  વર્ણન કર્યું છે.

1945ની શરૂઆતમાં, બીજું વિશ્વયુદ્ધ ખતમ થવામાં હતું. જર્મની, ઇટાલી અને જાપાન સાથી દેશો, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન સામે નબળા પડવા લાગ્યા હતા. માર્ચ મહિના સુધીમાં બ્રિટિશ અને અમેરિકન સેના બર્લિન શહેરમાં પહોંચી ગઈ હતી. એપ્રિલ સુધીમાં, સોવિયેત આર્મી બર્લિનની અંદર હતી.

હિટલર તેના છેલ્લા દિવસોમાં બર્લિનમાં બનેલા તેના 18 રૂમના બંકરમાં હતો. બંકર જમીનની અંદર લગભગ 50 ફૂટ નીચે બનાવવામાં આવ્યું હતું. બંકર આધુનિક સુવિધાઓથી સજ્જ હતું. અહીંથી તે પોતાની સેના અને અધિકારીઓને આદેશ આપતો. તે સ્થાન છે જ્યાં હિટલરે પોતાની છેલ્લી વસિયત લખી હતી.

29 એપ્રિલ 1945ની મધ્યરાત્રિએ હિટલરે તેની ગર્લફ્રેન્ડ ઈવા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ મુશ્કેલી હતી કે સમયે આવી હાલતમાં પાદરી ક્યાંથી મળે. હિટલરની નાઝી પાર્ટીના મંત્રી માર્ટિન બોરમેન ખૂબ મુશ્કેલીથી લગ્ન કરાવનાર નાઝી પાદરીને શોધી લાવ્યા. અને હિટલરે પોતાની વર્ષો જૂની પ્રેમિકા સાથે લગ્ન કર્યા. ત્યારે રાતના સાડા બાર વાગી ગયા હતા. અને તારીખ 30મી એપ્રિલ થઈ ચૂકી હતી. લગ્ન પછી બંને પોતાના બેડરૂમમાં સૂવા જતાં રહ્યાં.

30 એપ્રિલની સવારે જાગીને, હિટલરે સ્નાન કર્યું અને શેવ કર્યું. આર્મી જનરલોએ હિટલરને જાણ કરી કે સોવિયેત સૈનિકો બર્લિનમાં ઘૂસ્યા છે. સૈનિકો ગમે ત્યારે બંકર સુધી પહોંચી શકે છે. હીટલર કોઈ પણ સંજોગોમાં જીવંત હાલતમાં દુશમન સૈનિકોના હાથમાં પોતાને સોંપવા તૈયાર હતો. મુસોલીનીની ભયંકર હત્યાથી તે વાકેફ હતો. એટ્લે સૌ પ્રથમ હિટલરે તેની પ્રિય કૂતરી બ્લોન્ડીને ઝેરનું આપ્યું. પછી હિટલર અને તેની પત્નીએ ઝેર પીધું. ત્યારબાદ હિટલરે પોતાની પિસ્તોલથી પોતાના મસ્તક પર ગોળી મારી. થોડા કલાકો પહેલાં પોતાના આધુનિક બંકરમાં હિટલરે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાં અત્યારે તેમના બંનેના મૃતદેહો પડ્યા હતા. હિટલર અને તેની પ્રેમિકા ઇવાના મૃત્યુ દેહને કેરોસીન થી ભસ્મીભૂત કરી નાખવામાં આવ્યા.

વીસમી સદીમાં આત્મ હત્યાના અન્ય જાણીતા કિસ્સાઓમાં નોબેલ પારિતોષિક વિજેતા અર્નેસ્ટ હેમીનગવે (2 જુલાઇ 1961), જાણીતા ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, ગુરુદત્ત (10 ઓકટોબર 1964), અમેરિકન ભૂતપૂર્વ ગ્લેમર મોડલે સટેફની એડમ્સે તેના સાત વર્ષના પુત્ર વિન્સેન્ટને 25મા માળની બારીમાંથી ધક્કો માર્યો અને પછી  તેણે પણ બારીમાંથી કૂદ આત્મહત્યા કરી.(18 મે 192018), તાજેતરમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંગ રાજપૂત ( 14 જૂન 2020), ફિલિપ્સ એડમ અમેરિકન ફૂટબોલ ખેલાડીએ 6 લોકો પર  જીવલેણ ગોળીબાર કર્યાના એક દિવસ પછી પોલીસ સાથેના સંઘર્ષ દરમિયાન પોતાને ગોળી મારી દીધી હતી (8 એપ્રિલ 2021), હાલમા ફિલ્મ દુનિયાના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇએ આર્થિક કારણો સર આત્મહત્યા કરી (2 ઓગસ્ટ 2023), વગેરે જેવા અનેક નામાંકિત વ્યક્તિઓની યાદી આપી શકાય. જયારે આમ માનવી જેવા કે થોડા માસ પૂર્વે ગુજરાત યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગના નિવૃત અધ્યાપક પ્રો.યોગેન્દ્ર વ્યાસના આત્મહત્યાના સમાચારે આપણને સૌને ખેદ સાથે આત્મહત્યા અંગે ગંભીરતાથી વિચારતા કરી મૂક્યા છે.

ટૂંકમાં વિશ્વનો કોઈ સમાજ, કોઈ ધર્મ આત્મહત્યાને આવકારતો નથી. આમ છતાં વિશ્વમાં આત્મહત્યાઓ થાય છે, અને થતી રહેશે. જેના મૂળમાં માનવ મનની નબળાઈ, પરાજયનો ભય અને જીવવાની આશાનો સંપૂર્ણ અભાવ મૂળભૂત કારણો રહ્યા છે.

*નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.  

Leave a comment

Filed under Uncategorized

આભ આંબીયાંની અનુભૂતિ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં “મુકમમિલ ઇન્સાન” શબ્દ એવી વ્યક્તિ માટે વપરાયો છે, જે મૂલ્યનિષ્ઠ જીવનને વરેલો હોય. જે ધાર્મિક હોય પણ ધર્માંધ ન હોય. સૂફી પરંપરામાં પણ સૂફીસંતોના જે લક્ષણો વ્યક્ત થયા છે, તેમા સાદગી, શુધ્ધ ચરિત્ર, આચાર વિચારમાં સમાનતા, ભક્તિ, નિસ્વાર્થતા, અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ કેન્દ્રમાં છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક વાણી, અને સમ્યક ચરિત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તમામ ગુણોનો સમન્વય એટલે ડૉ. કુમારપાળ દેસાઈ એમ કહું તો કદાચ આપને અતિશયોક્તિ કે ખુશામત લાગશે. પણ એવું નથી. મે ક્યારેય કુમારપાળભાઈ પાસેથી કઈ જ મેળવ્યું નથી કે મેળવવાની અપેક્ષા રાખી નથી. અમારા વચ્ચેનો નાતો – રિશ્તો બે શિષ્ટ પુરુષો વચ્ચે હોય તેવો જ છે. અમે જયારે પણ મળીએ છીએ ત્યારે એક બીજાને પ્રેમ અને શિષ્ટાચારના આદર સાથે મળીએ છીએ. પણ એ વ્યવહારમાં માત્ર માનવી માનવી વચ્ચેનો નિર્મળ પ્રેમ જ વ્યક્ત થાય છે. અમારા આવા પવિત્ર સબંધો એકાદ બે વર્ષના નહીં, પણ ત્રીસ વર્ષ જૂના છે.

કુમારપાળ ભાઈના નામથી તો હું વર્ષોથી પરિચિત હતો. કોલેજ કાળમાં જયભિખ્ખુ સાહેબની કૉલમ “ઈંટ અને ઇમારત” નિયમિત વાંચતો. એ પછી એ કૉલમના લેખક તરીકે મે કુમારપાળ ભાઈને પણ વર્ષો માણ્યા છે. પણ અમારો સિધ્ધો પરિચય તો ભાવનગરના મુસ્લિમ સમાજના એક ઈનામ વિતરણ કાર્યક્રમને કારણે થયો. એક દિવસ કાર્યક્રમના આયોજકો મને મળવા મારી ઓફિસે આવ્યા. અને મને વિનંતી કરી કે,

“દેસાઈ  સાહેબ, અમારી ઈચ્છા કાર્યક્રમમાં મા. કુમારપાળ દેસાઇને બોલાવવાની છે. આપ જો તેમને અમારા વતી વિનંતી કરો અને તે આવે તો અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય”

હું તેમની વાત મનોમન સાંભળી રહ્યો. અને મનમાં વિચારી રહયો હતો કે કુમારપાળ ભાઈ સાથે મારે કોઈ જ પરિચય નથી. હું તેમને કેવી રીતે વિનંતી કરી શકું ? અને આ સજ્જનો મારા પર મદાર માંડીને બેઠા છે. છતાં મે તેમને મારી દ્વિધા કળવા ન દીધી અને કહ્યું,

“સારું હું પ્રયત્ન  કરીશ”

એક સવારે કુમારપાળ ભાઇનો લેન્ડ લાઇન નંબર શોધી મે તેમને હિમ્મત કરી ફોન કર્યો.

“હલ્લો, હું ભાવનગરથી મહેબૂબ દેસાઇ બોલું છું. ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં અધ્યાપક છું. આપની સાથે બે પાંચ મિનિટ વાત કરી શકું ?”

“બોલો બોલો મહેબૂબ ભાઈ, કેમ છો ? આપણે મળ્યા નથી પણ આપના નામથી પરિચિત છું.”

આવો પ્રેમાળ પ્રતિભાવ સાંભળી મારો માનસિક ભાર થોડો હળવો થયો. અને મે તેમને કાર્યક્રમની વિગતો આપી અને કહ્યું,

“આપ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે પધારો એવી વિનંતી છે. કાર્યક્રમની તારીખ આપ જે કહેશો તે રાખીશું”

“ચોક્કસ આવીશ. પણ મને એકાદ દિવસનો સમય આપો. હું મારી અનુકૂળતા જોઈ તમને તારીખ જણાવીશ.”

“આપનો ખૂબ ખૂબ આભાર”

એમ કહી અમે વાત પૂરી કરી.

અને કુમારપાળ ભાઈ એ કાર્યક્રમમાં ભાવનગર સુધી આવ્યા અને સાચ્ચે જ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. વિદાય સમયે આયોજકોએ તેમને આપવા માટે પુરસ્કારનું કવર મને આપ્યું. મે રસ્તામાં ચાલતા ચાલતા તેમને આપતા કહ્યું,

“સર જી, આપના આવન જાવન ખર્ચ અને પુરસ્કારની અલ્પ રકમ છે.”

તેમણે એક નજર મારા તરફ કરી. પછી ચહેરા પર મીઠું સ્મિત પાથરતા  કહ્યું,

“મહેબૂબ ભાઈ આની જરૂર નથી”

“સર જી , આયોજકોએ પ્રેમથી આપને આપ્યા છે. ના ન પાડશો.”

એમણે પોતાની કારના દરવાજા પાસે પહોંચી કવરમાંથી એક નોટ કાઢી બાકીનું આખું કવર મને પરત કરતાં કહ્યું,

“મહેબૂબ ભાઈ, બસ હવે કશું ન બોલશો. કાર્યક્રમના બહાને આપને અને આપના સમાજને મળવાની મને તક મળી છે. વળી, આવા કાર્યક્રમોના આયોજનની આર્થિક સમસ્યાઓથી હું વાકેફ છું.”

અને મારો હાથ તેમના હાથમાં લઈ સસ્મિત સહેજ દબાવી તેઓ કારમાં બેસી ગયા. અને હું એમને   સદભાવનાથી ભીજયેલી આંખે જોઈ રહ્યો.

આવો જ એક અન્ય પ્રસંગ યાદ આવે છે. 5 ફેબ્રુઆરી 2001ના રોજ ઈશ્વર-ખુદાની ક્રુપાથી મને  અને સાબેરાને હજ યાત્રાએ જવાનો અવસર સાંપડ્યો. એ યુગમાં પૈસાની તાણ. હજ યાત્રા માટે દોઢ લાખ ભેગા કરવાના હતા. તેથી મે સ્વજનો મિત્રો અને મારા પીએફ માંથી લોન લેવા સુધીના પ્રયાસો આરંભી દીધા. એ વખતે કુમારપાળ ભાઈ દેસાઈ  ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપ પ્રમુખ અને ભોળાભાઈ પટેલ પ્રમુખ. મારા એક પુસ્તકને અકાદમીની સહાય મળેલ. પુસ્તક છપાઈ ગયું. અકાદમીને મોકલી આપ્યું છતાં હજુ સહાયની રકમનો ચેક મળ્યો ન હતો.

કુમારપાળ ભાઈ સુધી મારી હજ્જ યાત્રા અને નાણાં ભીડની વાત કેવી રીતે પહોંચી તે તો મને ખબર નથી. પણ એક દિવસ કુમારપાળ ભાઇનો મારા પર ફોન આવ્યો.

“મહેબૂબ ભાઈ, કેમ છો મજામાં ને ?”

“મજામાં છું સર જી”

“હજ યાત્રાએ જાવ છો તો અમારા માટે પણ પ્રાર્થના કરજો.”

“ચોક્કસ સર જી”

“અને હા, આજે જ તમારો ચેક પોસ્ટ કરી દીધો છે. એકાદ બે દિવસમાં તમને મળી જશે. ક્યારે નીકળવાના છો ?

“5 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ આવીશ. અને 10મી એ બપોરે ફ્લાઇટ છે.”

“મારી આપ બંનેને શુભેચ્છાઑ છે.”

અને તેમનો ફોન મૌન થઈ ગયો. 

આવા ગુણીજન કુમારપાળ દેસાઈ સાહેબ સાથે છેલ્લે તેમને કોઈક એવોર્ડ માટે અભિનંદન આપવા મે ફોન કર્યો અને કહ્યું,

“સર જી, હજુ કેટલા એવોર્ડ લેવા છે. કોઈક ના માટે કઈક તો રહેવા દો.”

અને ત્યારે તેઓ એટલું જ બોલ્યા,

“મહેબૂબ ભાઈ, મે કયા ક્યારેય કશું કોઇની પાસે માંગ્યું છે. જે કઈ મળે છે તે ઈશ્વરની ક્રુપા સમજી સ્વીકારી લઉં છું.”

આવા સૂફીજન ડૉ. કુમારપાળ દેસાઈ સાહેબને મારા સો સો સલામ.

Leave a comment

Filed under Uncategorized

પ્રયાણ : ડૉ મહેબૂબ દેસાઇ

આંતર રાષ્ટ્રીય પ્રવાસ કરવાની ઘણી તકો મળી છે. તેના પરિપાક રૂપે પ્રવાસ કથા અને પ્રવાસ વર્ણનો લખ્યા છે. પણ તેનાથી સંપૂર્ણ ભિન્ન આંતર રાષ્ટ્રીય પ્રયાણ કરાવવાનો અદભૂદ અનુભવ હમણાં મને થયો. જે સાચ્ચે જ જાણવા અને માણવા જેવો છે. મારી પુત્રી કરિશ્મા કેનેડા નિવાસી છે. કારણ કે તેના લગ્ન કેનેડા નિવાસી ફહાદ સુરતી સાથે થયા છે. પણ તેની પાસે હજુ પ્રવાસી વિઝા છે. તેના પી. આર.ની ફાઇલ તેના પતિ એ મૂકી દીધી છે. પણ હજુ તેને પી આર મળેલ નથી. ગત વર્ષે એ ગર્ભવતી થઈ. તેની પ્રસૂતિ કેનેડામાં કરાવવા તેના પતિ અને સાસરિયાઑ એ ઘણો આગ્રહ કર્યો. પણ દીકરીની પ્રથમ પ્રસૂતિ પિયરમાં જ કરવાનો આપણો સામાજિક રિવાજ કરિશ્માને પણ વળગી રહ્યો. તેથી તેણે  પોતાની પ્રથમ પ્રસૂતિ અમદાવાદમાં અમારી નિશ્રામાં કરવાનો આગ્રહ રાખ્યો. અને ત્યારે અમારા મોટા ભાગના સ્નેહીઓ, સ્વજનો અને શુભેચ્છકોએ મને સલાહ આપેલી,

“કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

આમ છતાં સપ્ટેમ્બર 2022માં કરિશ્મા કેનેડાથી અમદાવાદ આવી ગઈ. 28 ઓકટોબર 2022ના રોજ તેને ઈશ્વરની કૃપાથી પુત્રનો જન્મ થયો. તેનું નામ તેના પિતાએ જોહાન રાખ્યું. જોહાનનું જન્મ પ્રમાણપત્ર અમદાવાદ મહા નગરપાલિકામાંથી કઢાવવામાં ખાસ્સો સમય લાગ્યો. એકાદ માસમા તેના જન્મ નું પ્રમાણપત્ર મળી ગયું. અહીંથી જ જોહાનની આંતર રાષ્ટ્રીય પ્રયાણની કથાનો આરંભ થાય છે.

જોહાનના પિતા કેનેડાના નાગરિક છે. એટલે તેમનો આગ્રહ હતો કે જોહાનના નાગરિક્ત્વ માટે કેનેડામાં અરજી કરવી. કારણ કે જોહાન કેનેડાની સિટીજનશીપ માટે કાયદાકીય રીતે લાયક છે. પણ તેની પ્રક્રિયા ઘણી લાંબી અને સમય માંગી લે તેવી હતી. છતાં ફહાદભાઈએ અત્રે થી બધા દસ્તાવેજો મેળવી તે માટેની ઓન લાઇન અરજી કેનેડા એમ્બેસીમાં કરી દીધી. અને અમે સૌ જોહાનની કેનેડાની સિટીજન શીપના ઇન્તજારમાં દિવસો ગણવા લાગ્યા. બે ત્રણ માસ નીકળી ગયા. પણ કેનેડા એમ્બેસીમાંથી કોઈ જવાબ કે ક્વેરી ન આવી. અંતે ફહાદભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે,

“આવા કેસોમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. ઘણીવાર તો એકાદ વર્ષ પણ લાગી જાય છે.”

માહિતી જાણી ફહાદભાઈ વિચારમાં પડી ગયા. એક વર્ષ સુધી પત્ની અને પુત્રથી દૂર કેમ

રહેવાય ? તેમણે મને વાત કરી. મે તેમને કહ્યું,

“એથી તો જલ્દી અને સરળ ભારતીય પાસપોર્ટ કઢાવી, જોહાનના વિઝા લઈને કરિશ્મા અને જોહાનને કેનેડા મોકલી શકાય. તેઓ ત્યાં પહોંચી જાય પછી આપ જોહાનની સિટીજન શીપ માટે નિરાંતે પ્રયાસ કરજો.”

મારી વાત તેમના ગળે ઉતરી. અને મે જોહાનના ભારતીય પાસપોર્ટ માટે અરજી કરવાના દસ્તાવેજો એકત્રિત કરવા માંડ્યા. લગભગ એકાદ માસ પછીની પાસપોર્ટ માટેની તારીખ મળી. પણ તેમાં જો પતિ પત્નીમાંથી એકાદ જણ પણ વિદેશમાં હોય તો તેની સંમતિનું સહીવાળું ફોર્મ પાસપોર્ટ કચેરીમાં રજૂ કરવું પડે. મે તે ફૉર્મ (એનેકસર ડી) ફહાદભાઈને તુરત મોકલ્યું. અમે સૌ એ ફોર્મની કાગડોળે રાહ જોવા લાગ્યા. એ ફોર્મ વગર જોહાનના ભારતીય પાસપોર્ટની કોઈ જ કાર્યવાહી ન થાય. પંદર દિવસે એ ફોર્મ અમારા હાથમાં આવ્યું. ત્યારે અમને સૌને હાશકારો થયો. જોહાનના પાસપોર્ટ માટે મળેલી તારીખે કરિશ્મા અને હું બે માસના જોહાનને લઈને પાસપોર્ટ કચેરીએ પહોંચી ગયા. લાંબી કતાર અને લાંબી વિધિ અને લાંબી દલીલો પછી અમે પાસપોર્ટ કચેરીમાંથી બહાર આવ્યા, ત્યારે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવી અમને અનુભૂતિ થઈ.

જોહાનનો  ભારતીય પાસપોર્ટ આવતા લગભગ બીજા પંદર દિવસ નીકળી ગયા. પંદર દિવસમાં તે આવી ગયો ત્યારે મને લાગ્યું ચાલો દીકરી અને નવસો તેમના દેશ પહોંચી જશે. પાસપોર્ટ માટે વેઠેલ વ્યથા અને ખર્ચ લેખે લાગ્યાનો પણ સંતોષ થયો. અને એ જ ઉત્સાહમાં મે જોહાનના કેનેડાના વિઝા માટે પણ વિધિ આરંભી. તેના તમામ દસ્તાવેજો એકત્રિત કર્યા. તેની ઑન  લાઇન અરજી અને ફી પણ ભરી દીધી. અલબત્ત તેમાં સન વર્ડ ટ્રાવેલના દિશા ખત્રી એ મને ખાસ્સી મદદ કરી. અને હું નિરાંતે જોહાનના કેનેડાના વિઝાની રાહમાં દિવસો ગણવા લાગ્યો. પણ ઈશ્વરને મારી આવી નિરાંત મંજૂર ન હતી. જોહાનના વિઝા તો હજુ પ્રોસેસમાં હતા. અને કેનેડાથી જમાઈ ફહાદભાઈનો એક મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું,

“જોહાનની સિટીજન શીપની અરજી મંજૂર થઈ ગઈ છે. જેનું પ્રમાણપત્ર આપને મોકલું છું. હવે જોહાન કેનેડાનો નાગરિક છે. એટલે તેનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવો પડશે. અને તેની કેનેડાના વિઝાની અરજી પણ તુરત પાછી ખેંચી લેવી પડશે.”

મેસેજ વાંચી મને ખુશી અને રંજની મિશ્ર અનુભૂતિ થઈ. હવે પુનઃ નવી પ્રક્રિયા આરંભવી પડશે. જાણે મંજિલ પાછી દૂર ચાલી ગઈ. સૌ પ્રથમ જોહાનનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવાની વિધિનું સંશોધન મે શરૂ કર્યું. ત્યારે ખબર પડી કે આ વિધિ પણ નાની સુની નથી. તેમાં  પણ અનેક નાના મોટા  દસ્તાવેજો આપવા પડે છે. સાથો સાથ દિશા ખત્રીને જોહાનની વિઝા અરજી તુરંત મોકૂફ રાખવાની વિધિ કરવાની પણ સૂચના આપી. ભારતીય પાસપોર્ટ કઢાવવા જેટલા દસ્તાવેજો જરૂરી છે તેટલા જ દસ્તાવેજો પાસપોર્ટ રદ કરવા માટે જરૂરી છે. એ માટે પણ તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એપોઇન્ટમેન્ટ સમયે માતા અને પિતાના ભારત અને કેનેડાના બધા જ અસલ દસ્તાવેજો સાથે રાખવા પડે છે. મહા મુશ્કેલીએ પાસપોર્ટ રદ કરાવવાની એપોઇન્ટમેન્ટ મળી. એ દિવસે કરિશ્મા અને મારી પત્ની સાબેરા જોહાનને લઈને અમદાવાદની પાસપોર્ટ કચેરીએ પહોંચ્યા. એક કલાકની સઘન પૂછપરછના અંતે અધિકારીએ કરિશ્મા પાસે પ્રસૂતિ પછી ઇસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ થયાનું પ્રમાણ પત્ર માંગ્યું. કરિશ્માએ દલીલ કરી કે મે મહા નગરપાલિકાનું જોહાનના જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે. પછી ઇસ્પિતાલના ડિસ્ચાર્જ પત્રની જરૂર નથી. પણ અધિકારી ન માન્યા. અંતે કરિશ્માએ મને ફોન કર્યો.

“પપ્પા, ઇસ્પિતાલ ડિસ્ચાર્જ જેવુ કોઈ સર્ટિફિકેટ છે ખરું ?”

“હા, તારી ઇસ્પિતાલની ફાઇલમાં છે. એ ફાઇલ કયા છે તે મને કહે”

કરિશ્માએ એ ફાઇલનું સ્થળ મને કહ્યું. અને એ ફાઇલમાંથી સર્ટિફિકેટ મેળવી તુરંત મે તે વૉટશોપ પર તેને મોકલી આપ્યું. ત્યારે અધિકારીને સંતોષ થયો. અને તેણે જોહાનના પાસપોર્ટ રદની અરજી માન્ય કરી અને કહ્યું,

“એકાદ અઠવાડિયામાં તમને કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળી જશે.”

અને આમ પાસપોર્ટ રદ કરવાની વિધિ પૂરી થઈ. રદ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર એકાદ અઠવાડિયા પછી મને મળ્યા.

જો કે અમે તેની પણ મેહની જેમ રાહ જોઈને બેઠા હતા. કારણ કે ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળે પછી જ જોહાનના કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી શકાય. જેવો અમને જોહાનનો ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળ્યા,અમે જોહાનના કેનેડીયન પાસપોર્ટ માટેની કાર્યવાહી આરંભી. એ માટે પુનઃ દસ્તાવેજો એકત્રિત કરવાનું શરૂ કર્યું. અને પછી દિલ્હીની કેનેડા એમ્બેસીમાં જોહાનના પાસપોર્ટ માટે દિશા ખત્રીએ ઓન લાઇન અરજી કરી. સાથે જરૂરી બધા દસ્તાવેજો પણ ડાઉન લોડ કર્યા. તેની જરૂરી ફી પણ ભરી દીધી. અમને થયું કામ પતી ગયું. પણ બીજા જ દિવસે મેસેજ આવ્યો દસ્તાવેજો અપૂરતા છે. જોહાનના પિતા ફહાદભાઈનું કેનેડાનું સી આર  જરૂરી છે. અમે તુરંત તે મોકલી આપ્યું. અને આમ એ વિધિ પૂર્ણ થઈ. પછી અમે જોહાનના કેનેડાના પાસપોર્ટની રાહ જોવા લાગ્યા. લગભગ પંદર દિવસમાં જોહાનનો કેનેડાનો પાસપોર્ટ આવી ગયો. સાથે એક પત્ર પણ હતો. જેમાં લખ્યું હતું.

“કેનેડા પ્રવાસ માટે આપે ભારતમાંથી ઇ વિઝા અર્થાત ભારત બહાર જવાના વિઝા લેવા પડશે.”

મને લાગ્યું આ તો કાયદાકીય પ્રક્રિયાનો અંત જ નથી આવતો. પણ નિરાશ કે હતાશ થયે પાલવે તેમ ન હતું. અમે પુનઃ એ માટેના દસ્તાવેજો એકત્રિત કર્યા. અને એ માટેની ઑન લાઇન  અરજી સાથે ફી પણ ભરી દીધી. ઈશ્વરની કૃપાથી જોહાનના વિઝા એકાદ અઠવાડિયામાં આવી ગયા. અમને સૌને હાશકારો થયો. ચાલો હવે તો બધી વિદાય પ્રક્રિયા પૂર્ણ થઇ. જોહાનનું કેનેડા પ્રયાણ પૂર્ણ થયું. પણ એમ અમે છૂટી જઈએ એ ઈશ્વરને મંજૂર ન હતું. કેનેડાથી ફહાદભાઇનો મેસેજ આવ્યો,

“કરિશ્માના પી આર. મંજૂર થઈ ગયા છે. એટલે તેનો પાસપોર્ટ કેનેડા એમ્બેસીમાં સબમિટ કરાવવો પડશે.”

પછી એક નવી વિધિનો આરંભ થયો. ફહાદભાઈએ તેની વિધિ ઑન લાઇન કરી અને પાસપોર્ટ સબમિટ કરવાની તારીખ લીધી. કરિશ્મા એ દિવસે અમદાવાદની કેનેડા એમ્બેસીની કચેરીએ પહોંચી ગઈ. પાસપોર્ટ આપી દીધો. ફી ભરી દીધી. અને અધિકારીને પૂછ્યું,

“પી. આર.નો સિક્કો લાગીને દિલ્હીથી પાસપોર્ટ પરત ક્યારે આવશે ?”

જવાબ મળ્યો,

“લગભગ પંદર દિવસ લાગશે.”

દરમિયાનમાં ફહાદભાઈએ કરિશ્મા અને જોહાનની અમદાવાદથી ટોરેન્ટોની ટિકિટ બૂક કરાવી નાખી. મને મનમાં હજુ ડર હતો. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી જાય તો સારું. અન્યથા ટિકિટો રદ કરવી પડે અને મોટું નુકસાન ફહાદભાઈએ વેઠવું પડે. પણ ઈશ્વર કે ખુદાને ત્યાં દેર હોય છે, અંધેર નહીં. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી ગયા. આમ અનેક વિધિઓમાંથી પસાર થઈ અમે જોહાનના પ્રયાણની અંતિમ મંજિલ પર પહોંચ્યા. ત્યારે સાચ્ચે જ અમને અમારા સ્વજનો, શુભચિંતકો અને સબંધીઓએ કહેલ શબ્દો યાદ આવી ગયા,

“કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

તેમના આ શબ્દો પ્રથમ દ્રષ્ટિએ સત્ય લાગ્યા. પણ એ સ્વજનો, શુભેચ્છકો અને સબંધીઓને અમે આઠ માસ જોહાન સાથે ગુજારેલ પળે પળના આનંદની અનુભૂતિ કયાંથી થાય ? જોહાનના જન્મથી માંડીને તે આઠ માસનો થયો ત્યાં સુધી તેને હસતો, રમતો, ભાખોડિયા ભરતો અને બેબી વોંકરમાં આખા ઘરમાં દોડતો જોવાનો આનંદ અમૂલ્ય હતો. દૂધની બોટલથી માંડીને ચપચપ બેબી ફૂડ ખાતો જોહાન અમારા જીવનનો અતૂટ હિસ્સો બની ગયા હતો. મારી અને સાબેરાની આંખોમાં આંખો નાખી તે અમારી સાથે વાતો કરો, હસતો ત્યારે દુનિયાના સુખની પરાકાષ્ટા અમે અનુભવી હતી.

આજે આઠ માસના અંતે કરિશ્મા અને જોહાન કેનેડા જઈ રહ્યા છે. અમે તેમને એરપોર્ટ પર મૂકવા ગયા, ત્યારે દીકરી કરતાં જોહાન વધુ રડતો હતો. અને ત્યારે અમારી વૃધ્ધ આંખોમાં તેના વિરહની વેદના આંસુ બનીને ઉભરાઇ આવી. એ સમયે જોહાનના કાયદાકીય પ્રયાણની વ્યથાનો સહેજ પણ ભાર અમારા મનમાં ન હતો. માત્ર જોહાનનો હસતો રમતો ચહેરો અને કિલકારીઓ કરતો તેનો મીઠો અવાજ અમારી ચારે બાજુ ગુંજતો હતો.

Leave a comment

Filed under Uncategorized

ગીતા અને કુરાનમાં કર્મનો સિધ્ધાંત : ડૉ. મહેબૂબ દેસાઈ*

ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન આપણી સમન્વય સંસ્કૃતિના પાયામાં છે. બન્ને ની વિચારધાર અને સિદ્ધાતોમાં અનેક સામ્ય છે. ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર (ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. ભગવાન કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. તેમને ખુદા તરફથી “વહી” દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ.

ગીતાનો આરંભ “ધર્મક્ષેત્ર” અથવા “ધર્મભૂમિ” શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ” શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?”
શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે “બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ ” અર્થાત “શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે” એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી”


ઉપરોક્ત આયાતમા એક વાક્ય “રબ્બીલ આલમીન” આવે છે. જેનો અર્થ “સમગ્ર સૃષ્ટિનો રબ” થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા “રબીલ મુસ્લિમ” માત્ર “મુસ્લિમોનો ખુદા” શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે. માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મના સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

“કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી”

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે.

ઇસ્લામમાં કર્મને “આમાલ” કહેલ છે. આમાલ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ થાય છે સારા-નરસા કાર્યો. ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ વર્ષો પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર હતું. કાવ્યનું મથાળું હતું,  “એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

જેની પ્રથમ પંક્તિમાં તેમણે લખ્યું હતું,


“આમલ કી કિતાબ થી

 દુવા કી કિતાબ બના દિયા”

કાવ્યમાં આગળ તેઓ લખે છે,

સમઝને કી કિતાબ થી

પઢને કી કિતાબ બના દિયા

જીન્દો કા દસ્તુર થા

મુર્દો કા મન્સુર બના દિયા

જો ઇલ્મ કી કિતાબ થી

ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

તસ્ખીર-એ-કાયનાતકા દર્સ દેને આઈ થી  

સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી

મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

આ કાવ્યમાં પણ “આમાલ” પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે આમાલ ઇસ્લામમાં કેન્દ્રીય વિચાર છે. ઇસ્લામમાં માનવીના કર્મો (આમાલ) જ માનવીનો સાચો ધર્મ છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,

“અલ્લાહને તેના બંદાના પાંચ આમાલો ખુબ પસંદ છે.

૧. કોઈ પણ વ્યક્તિને ખુશી આપવી.

૨. કોઈ પણ વ્યક્તિની તકલીફ દૂર કરવી.

૩. કોઈ વ્યક્તિનું દેવું કે કર્ઝ માફ કરવું કે ચુકેતે કરવું.

૪. કોઈ પણ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું

૫. કોઈ પણ વ્યક્તિની નૈતિક જરૂરિયાતને પૂર્ણ કરવી.

આ પાંચ આમાલો કરનાર વ્યક્તિ ખુદાને પ્યારો છે.

કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. “અલ આમલ બીન નિયતે” અર્થાત “સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે” દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે “ફી સબીલિલ્લાહ” અર્થાત “ખુદાના માર્ગે કર્મ કર” અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યા જ આપીશું.”
“અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું”
“જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ”
“એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે”
ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
“આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે”

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે.

ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન”

—————————————————————————–

*પ્રોફેસર અને અધ્યક્ષ (નિવૃત્ત), ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Leave a comment

Filed under Uncategorized