ઐતિહાસિક ફિલ્મો : ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ

હાલમાં જ “બાજીરાવ મસ્તાની” ફિલ્મ જોઈ. ઇતિહાસના અધ્યાપક તરીકે ઐતિહાસિક ફિલ્મ જોવાનો મને શોખ છે. તેનો મુખ્ય ઉદેશ ફિલ્મ સર્જકે ઇતિહાસ સાથે કેવી અને કેટલી છુટછાટ લીધી છે, તેનો અભ્યાસ કરવાનું મને ગમે છે. વળી, ઇતિહાસ મારો રસ અને વ્યવસાયનો વિષય હોય એ પ્રત્યેની સજાગતા અને જ્ઞાન અભિવૃદ્ધિ માટે પણ ઐતિહાસિક ફિલ્મો જોવાનું ચૂકતો નથી.
મને બરાબર યાદ છે કોલેજ કાળમાં મેં સોહરાબ મોદીની ઐતિહાસિક ફિલ્મ “સિકંદર” સૌ પ્રથમ મેં જોઈ હતી એ પછી તો અનારકલી, મિર્ઝા ગાલીબ, ઝાસી કી રાની, મોગલે આઝમ, બૈજુબાવરા,પુકાર, શહીદ, રઝીયા સુલતાન, મંગલ પાંડે, અશોકા, ગાંધી, સરદાર, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ જેવી અનેક ફિલ્મો જોઈ. આજે પણ એ સીલસીલો ચાલુ છે. જો કે આજે ઐતિહાસિક ફિલ્મો અર્થાત કોસ્ચુમ ફિલ્મો જુજ બને છે. કારણ કે તેમાં અઢળક સંશોધન અને ઐતિહાસિક તથ્યોની આધારભૂત રજૂઆત અનિવાર્ય હોય છે. એવી ગુણવત્તા આપણા આજના ફિલ્મ સર્જકોમાં બહુ જુજ જોવા મળે છે. પણ એક યુગ હતો જયારે ઐતિહાસિક ફિલ્મો બનતી અને લોકો ભરપેટ તે માણતા હતા. એ યુગમાં ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં સોહરાબ મોદી, કમાલ અમરોહી, મહેબૂબ ખાન અને કે. આસીફ, વિજય ભટ્ટ જેવા નિર્દેશકોનું નામ સૌ ઈજ્જતથી લેતા હતા. આજે આપણી પાસે એવા નિર્દેશકો નથી. પરિણામે ઐતિહાસિક ફિલ્મોનો યુગ પુરો થઇ ગયાનું આપણે સૌ અનુભવીએ છીએ.
૨૦૦૨મા ભગતસિંહ પર એક સાથે ત્રણ ફિલ્મો બની હતી. શહીદે આઝમ, ૩૧ માર્ચ ૧૯૩૧ : શહીદ, ધી લેજન્ડ ઓફ ભગતસિંહ. પ્રથમ ફિલ્મમાં સોનું સૂદ, બીજીમાં બોબી દેઓલ અને ત્રીજીમાં અજય દેવગને ભગતસિંહની ભૂમિકા અદા કરી હતી. અજય દેવગણની ફિલમનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. પ્રમાણમાં એ ફિલમ કઇંક સારી હતી. પણ તારને ફીલોમાં સદંતર નિષ્ફળ રહી હતી. એ ત્રણે ફિલ્મોમાં ભગતસિંહની પ્રેમકથાને કલ્પનાના સહારે બહેલાવવામાં આવી હતી. વળી, તેમાની એક ફિલ્મ જેમાં બોબી દેઓલ હતો તેમાં તો ભગતસિંગને બગીચામાં પ્રેમિકા સાથે ગીત ગાતા પણ દર્શાવવામાં આવ્યા હતો. અને ત્યારે એક ઇતિહાસના અધ્યાપક તરીકે એ ફિલ્મ સર્જકને ગોળીએ દેવાનો ક્રૂર વિચાર મારા મનમાં ક્ષણવાર માટે જન્મ્યો હતો. પણ અહિંસા પણ કોઈ ચીજ છે. એમ માનીએ એ વિચારને દાટી દઈ હું અડધી ફિલ્મે ઘર ભેગો થઇ ગયો હતો.
પણ રસ્તામાં મને મનોંજકુમારની ભગતસિંહ પર આધારિત ફિલ્મ “શહીદ” યાદ આવી ગઈ. ઈતિહાસને તેના અસલ સ્વરૂપમાં રજુ કરતી એ ફિલ્મ આજે પણ ભગતસિંગ પર બનેલી આધારભૂત ફિલ્મ છે. મનોજકુમારે તેના સર્જન પૂર્વે ભગતસિંહ પર કરે ઝીણવટ ભર્યા સંશોધનનો તે ફિલ્મ જોતા અહેસાસ થઇ આવે છે. ફિલ્મના સર્જન પૂર્વે મનોંજ કુમારે ભગતસિંહની માતાની મુલાકાત પણ લીધી હતી. આવી સજ્જતા ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં અતિ આવશ્યક છે. ટૂંકમાં ઐતિહાસિક વિષય લેખન કે ફિલ્મ સર્જન ઝીણવટ ભર્યું સંશોધન માંગી લે છે. મને બરાબર યાદ છે જયારે મારા વડીલ અને જાણીતા લેખ ડો. રાહી માસુમ રઝા બી.આર. ચોપરાની “મહાભારત” ટી.વી સીરીયલ લખી રહ્યા હતા ત્યારે મહાભારતના દરેક પાત્ર પર તેમણે કરેલ સંશોધનનો હું સાક્ષી રહ્યો છું. તેમના લેખન ખંડમાં મહાભારત પર લખાયેલા અનેક ભાષી ગ્રન્થો મેં જોયા છે. એક મુસ્લિમ હોવા છતાં મહાભારત અને ગીતાનું તેમનું જ્ઞાન કોઈ હિંદુ પંડિતને પણ શરમાવે તેવું હતું.
અલબત ઐતિહાસિક વિષયો પરની ફિલ્મોના સર્જનમાં ગ્લેમર અને કલ્પનાનો તડકો વ્યવસાયિક દ્રષ્ટિએ જરૂરી હોય છે. પણ ઐતિહાસિક તથ્યો સાથે કોઈ પણ પ્રકારના ચેડા કર્યા વગર તેનો સમાવેશ થવો જરુરી છે. કથા કેટલાક કાલ્પનિક પાત્રો ભલે ઉમેરાય, પણ મુખ્ય પાત્રની ઐતિહાસિકતાને જાળવવી અંત્યંત જરૂરી છે. પણ આપણા મોટાભાગના ફિલ્મ સર્જકોમાં એવી સભાનતા નથી. કારણ કે તેઓ ફિલ્મ વ્યવસાયિક દ્રષ્ટિથી બનાવાત હોય છે. પરિણામે ઘણીવાર તો આખે આખી ઐતિહાસિક ફિલ્મ કોઈ કાલ્પનિક પાત્ર પર બન્યાના દાખલા પણ હિન્દી ફિલ્મમાં જાણીતા છે. એવું જ એક કાલ્પનિક પાત્ર ફિલ્મ સર્જકોમાં વર્ષોથી લોકપ્રિય રહ્યું છે. જેનું નામ છે “અનારકલી”. આ પાત્ર પર અનેક ફિલ્મો બનીએ છે. સૌ પ્રથમ બહુ ચાલેલી બીનારોય અને પ્રદીપકુમારની ફિલ્મ “અનારકલી”. બીનારોય એટલે એક જમનાના જાણીતા વિલન અને ચરિત્ર અભિનેતા પ્રેમનાથના પત્ની. એ પછી કે. આસિફે વર્ષોની જહેમત પછી બનાવેલી સલીમ અને અનારકલીની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ “મોગલે આઝમ”. મોગલે આઝમ પણ અત્યંત સફળ નીવડી હતી. પણ તે કથા સંપૂર્ણ કાલ્પનિક છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે. ઇતિહાસના પાનાઓ પર અનારકલી જેવું કોઈ પાત્ર અઢળક સંશોધન પછી પણ મને જોવા મળ્યું નથી. છતાં પ્રેમકથાઓના સર્જનમાં ઐતિહાસિક પાત્રો ફિલ્મ સર્જકોમાં અત્યંત પ્રચલિત રહ્યા છે. લૈલા મજનું, હીર રાંઝા, સોહની મહિવાલ, જોધા અકબર અને બાજીરાવ મસ્તાની જેવી પ્રેમકથાઓ પર અનેક ફિલ્મો બની છે. કારણ કે દર્શકોને થીયેટર સુધી લાવવામા આવી પ્રેમ કથાઓ હંમેશા સફળ રહી છે.
હમણાં છેલ્લી બે પ્રેમ કથાઓ જોધા અકબર અને બાજીરાવ મસ્તાની પર સુંદર ફિલ્મો જોવા મળી છે. “જોધા અકબર” નું સર્જન આશુતોષ ગોવાલકરે કર્યું છે. જયારે બાજીરાવ મસ્તાનીનું સર્જન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. બંને ફિલમો ઇતિહાસના મધ્યયુગની ઘટનાઓ પર આધારિત છે. એક ફિલ્મ મોઘલ શાસન કાળના રાજકીય ઈતિહાસને વાચા આપે છે. તો બીજી ફિલ્મ મરાઠા શાસનને વ્યક્ત કરે છે. “જોધા અકબર” ફિલ્મમાં અકબર જોધા વચ્ચેનો પ્રેમ અને લગ્નનું ચિત્રણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. એ જ ઘટના ” મોગલે આઝમ” ફિલ્મમાં પણ દર્શાવવામાં આવેલ હતી. પણ એ મૂળ કથાના પ્રવાહમાં આવતી ઘટના તરીકે ચિત્રિત થઈ હતી. જયારે “જોધા અકબર” ફિલ્મ બંને પાત્રોને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવી હતી. તેમાં બંનેના પ્રેમને કેન્દ્રમાં રાખવમા આવ્યો હતો. તેમાં દર્શાવવામાં આવેલ અકબર અને જોધાના પ્રસંગોમાં વ્યક્ત થતી ધાર્મિક સદભાવના આજે પણ ઇતિહાસ બોધ તરીકે જીવંત છે. ભારતની બિન સાંપ્રદાયિકતાના આદર્શો તેમાં બખૂબી પ્રતીત થાય છે.

મઘ્યકાલીન ભારતના ઇતિહાસમાં “અકબર જોધા” આધારભૂત પાત્રો છે. ઇતિહાસમાં તેમનુ વજુદ છે. એ યુગમાં રાજપૂત કન્યા સાથેના અકબરના લગ્નએ ઇસ્લામિક કટ્ટર પંથીઓમાં મોટો વિવાદ જગાડ્યો હતો. એ પણ કડવું સત્ય છે. પણ અકબરની દૂરંદેશી અને મક્કમતાને કોઈ મુસ્લિમ કટ્ટરપંથીઓ ડગાવી શકાય ન હતા.અકબરની ધર્મનિરપેક્ષ નીતિના મૂળમાં જોધા સાથેના નિકાહ પણ એક મહત્વનું પરિબળ હતા. એ દરેક ઇતિહાસકાર નિર્વિવાદ સ્વીકારે છે. અકબર અભણ હતો. પણ અંત્યત દૂરંદેશી હતો. ભારતમાં વિદેશી શાસક તરીકે શાશન કરવાની નીતિનો તે સખત વિરોધી હતો. ભારતની હિંદુ પ્રજા તેને વિદેશી શાશક તરીકે જોવે તેને તે પોતાનું અપમાન ગણતો હતો. જોધાની ધાર્મિક વિચારધારાને રાજ્યમાં યોગ્ય માન અને સ્થાન આપી તેણે પોતાની ધર્મ નિરપેક્ષ નીતિ જાહેર કરી દીધી હતી. પ્રજા સાથે પણ એજ સમાન વ્યવહાર કરવાનો રાજ્યના તમામ સુબોને તેણે આદેશ આપ્યો હતો. અકબરની આવી નીતિ કારણે જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ અંતે જોધાને મોઘલ સામ્રાજ્યની મહારાણી તરીકે સ્વીકારી લીધી હતી.

બાજીરાવ મસ્તાનીની કથા એ દ્રષ્ટિએ થોડી જુદી છે. બાજીરાવ મસ્તાનીની પણ ભારતના મધ્ય યુગની પ્રેમ કથા છે. મરાઠા સામ્રાજયનો એ મધ્યાન યુગ હતો. બાજીરાવની સત્તા અને શક્તિનો સુર્ય તપતો હતો. એવા સમયે એક પ્રેમ કથા આકાર લે છે. નૃત્ય અને સંગીતને પોતાનો વ્યવસાય બનાવી જીવતા એક મુસ્લિમ કુટુંબમાંથી આવતી સુંદર કન્યા મસ્તાનીના પ્રેમમાં બાજીરાવ પડે છે. આ પ્રેમ કથાના હિંદુ અને મુસ્લિમ બંને પાત્રો ઐતિહાસિક છે. બાજીરાવનો મસ્તાની સાથેનો અણી શુદ્ધ પ્રેમ ઇતિહાસના પાનાઓ પર આજે પણ અંકિત છે. એ ઘટના પ્રેમની અદભુદ પરિભાષા વ્યકત કરે છે. પણ છતાં ધર્મના ઠેકેદારો બાજીરાવના લગ્નને માન્ય કરતા નથી. અલબત્ત બાજીરાવ તે માટે અઢળક પ્રયાસો કરે છે. છતાં તે મસ્તાનીને પોતાના રાજ્યમાં એક પટરાણી જેવું માન અને સ્થાન અપાવવામાં નિષ્ફળ જાય છે. એ ફિલ્મની હાઈ લાઈટને નિર્દેશકે સુંદર રીતે ચિત્રિત કરેલ છે.

Advertisements

1 Comment

Filed under Uncategorized

ઉજબ્ : માનવીના પતનનો માર્ગ

હમણાં એક બેઠકમાં કોઈકે અહંકારના પ્રવાહમાં કહ્યું કે “આ કામ તો હું જ કરી શકીશ.” તેમના આ વિધાનમાં આત્મા વિશ્વાસ કરતા અહંકાર વધારે દેખાતો હતો. આત્માવિશ્વાસ અને અંહકાર વચ્ચે આછો ભેદ છે.
“હું જ આ કરી શકીશ”
“હું આ કરી શકીશ” બંને વિધાનો સરલ છે.પણ બંનેનો ભાવ ભિન્ન છે. એકમાં અહંકાર નીતરે છે. તો બીજામાં આત્મવિશ્વાસ. અહંકારને ઉર્દુમાં મગરૂરી કહે છે. ઇસ્લામિક સાહિત્યમાં એ માટે ઉજબ શબ્દ પણ વપરાયો છે. ઉજબ્ અર્થાત અહંકાર, અભિમાન. એ જ રીતે તક્ક્બુર શબ્દ પણ એવાજ અર્થમાં વપરાયો છે. જેનો અર્થ થાય છે અભિમાન, ધમંડ કે શેખી. એવો જ બીજો એક શબ્દ પણ છે ગુમાન અર્થાત ઘમંડ, અહંકાર, અભિમાન કે ગર્વ. ઇસ્લામમાં બદ ગુમાન અને નેક ગુમાન એવા બે શબ્દો પ્રચલિત છે. ગુમાનના બે પ્રકારો પાડવામાં આવ્યા છે. એક નેક ગુમાન, જેને આપણે અભિમાન કહીએ છીએ. બીજો શબ્દ બદ ગુમાન છે, જે અહંકારને વ્યકત કરે છે. ઇસ્લામમાં બદ ગુમાન અર્થાત અહંકારનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
એક હદીસમાં હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“હું તમને બતાવું છું કે જન્નતી માણસો કોણ છે. તે ગરીબ માણસો જન્નતમાં જશે જે લોકોની નજરમાં તુચ્છ છે. અને તે લોકો દોઝાકી છે જે ઉદ્ધત, હરામખોર અને ઘમંડી છે”
ખુદા તક્ક્બુર (ઘમંડ) કરનારને દોસ્ત નથી માનતા.
હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પણ અનેક અવતરણોમાં તક્ક્બુરને નાપસંદ ફરમાવેલા છે. એક અન્ય હદીસમાં આપે ફરમાવ્યું છે,
“જે માનવીના દિલમાં રાયના દાણા બરાબર પણ તક્ક્બુર હશે તે જન્નતમાં દાખલ નહિ થઇ શકે”
“ત્રણ વસ્તુ હલાક (મૃત્યુ સમાન) છે. બખીલી (કંજુસાઈ)ને અનુસરવું, મનોવિકારને આધિન થવું અને પોતાનાને મહાન સમજી ઘમંડ (ઉજબ) કરવો”
એક આલીમ (જ્ઞાની ) એક આબિદ (તપસ્વી )પાસે આવ્યો અને તેને પૂછ્યું,
“તમારી નમાઝ કેવી છે ?”
પેલા એ જવાબ આપ્યો,
“મારી નમાઝનું શું કહેવું ! હું રાતોની રાતોં નમાઝ પઢું છું”
એ આલિમે પૂછ્યું,
“ખુદા પાસે તેમ કેટલું રડો છો ?”
પેલા આબિદે જવાબ આપ્યો,
“અરે હું ખુદા પાસે ચોધાર આંસુએ અવિરત રડું છું. મારા જેવી ઈબાદત અને મારા જેવો ખુદનો ખોફ ખુદાના અન્ય કોઈ બંદામાં નહિ હોય”
આલીમ આ સંભાળી એટલું જ બોલાયા,
“તમારી ઈબાદત (ભક્તિ ) અને તમારા ખુદા પ્રત્યેના ખોફ (ડર) માં ઉજબ (ગર્વ) છે. જેથી તેનું કોઈ મુલ્ય નથી.”
ઘમંડ કે મગરૂરી માનવીના સર્વ ગુણોને અવગુણમાં પરિવર્તિત કરી નાખે છે. મગરૂરી માનવીના જીવનમાં ઉધઈ જેવું કાર્ય કરે છે. એ માનવીના સદગુણોને કોરી ખાય છે. ઘમંડ, મગરૂરી કે અહંકાર માનવીના વ્યવહાર વર્તનમાં નિર્દયતા, સ્વાર્થ અને અમાનવીયતા આણે છે. સંત તુલસીદાસની એક ચોપાઈ છે :
“દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન
તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટમે પ્રાન”
ધર્મના મૂળમાં દયા છે. પણ અભિમાનના મૂળમાં પાપ છે. તુલસીદાસ અભિમાનને સૌથી મોટો દુર્ગુણ માને છે. દયાની વિરોધી વૃત્તિ ક્રૂરતા છે. પણ ક્રૂરતા કરતા પણ વધારે મોટો દુર્ગુણ અભિમાન છે. આવો દુર્ગુણ જે માનવીમાં પ્રસરી જાય છે, તે સમાજમાં નિરુપયોગી બની જાય છે. તેનું પતન થાય છે.
એક સંતને એમના એક શિષ્યે પૂછ્યું,
“મહારાજ, આપણે બધા પૃથ્વીવાસીઓ તો અનાજ, ફળ આદિ ખાઈએ છીએ. પણ ભગવાન શું ખાતા હશે ?”
સંતે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું,
“ભગવાન માણસનું અભિમાન ખાય છે. ભગવાનનો ખોરાક અભિમાન છે.”
અભિમાન માનવીની આધ્યાત્મિક કે ભૌતિક પ્રગતિમાં મોટું અવરોધક બળ છે.
અભિમાન કે ઘમંડ કરનારા માનવીના લક્ષણો પણ ઇસ્લામિક ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. જે માનવી હલનચલન અને બોલવામાં અકડાઈ રાખે, મહેફિલ કે મજલિસમાં ઉચ્ચ સ્થાન માટે અપેક્ષા રાખે, બરોબરિયા પર સરસાઈ મેળવવાની નાહક્ક કોશિશ કરે, ખુદાએ બક્ષેલ ધન દોલતનો ગર્વ કરે, માન-પાનની ભુખ રાખે, પોતાના વખાણની ખેવના રાખે અને પોતાના ઇલમને શ્રેષ્ટ માને તે માનવી મગરૂર છે. ઉજબને આધિન છે. તક્ક્બુરથી ઘેરાયેલો છે. જ્ઞાની-આલીમ પોતાના જ્ઞાનનું અભિમાન નથી કરતો. એ નાનામાં નાના માનવી પાસેથી સતત શીખવા તત્પર રહે છે. આંબાને જેમ ફળ લાગતા જાય છે તેમ તે ઝૂકતો જાય છે. અમીર માનવી પોતાના ઘનને ખુદાની દેન સમજી, ગરીબો માટે, સમાજ માટે વાપરે છે. માન-મોભો કે રુતબો તો ખુદાએ આપેલ નેમત છે, તેનો જે માનવી સમાજ અને જરૂરતમંદો માટે હંમેશા સદુપયોગ કરે છે તેજ માનવી ખુદનો સાચો બંદો છે. અને એટલે જ રહીમે તેમના એક દોહામાં કહ્યું છે
“બડા બડાઈ ના કરે, બડે ન બોલે બોલ,
રહીમન હિરા કબ કહે લાખ ટકા હૈ મોલ”
પણ અભિમાન, ઘમંડ ઉજબ કે તક્ક્બુરમા જે માનવી હંમેશા રાચતો રહે છે તેનું સમાજમાં કોઈ માન કે સ્થાન રહેતું નથી. તેવા માનવી માટે કબીર કહે છે,
“બડા હુઆ તો કયા હુઆ જૈસે પૈડ ખજુર,
પંથી કો છાયાં નહિ, ફળ લાગે અતિ દૂર”
મહાકવિ ડાન્ટેએ “ઇન્ફર્નો”મા લખ્યું છે,
“અભિમાન, ઈર્ષા અને લોભ એ તણખા છે, જેણે તમામ માનવીઓના હૈયામાં આગ ચાંપી છે”
ગાંધીજીએ તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે,
“ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય થાઓ…..જે કોઈ સત્યનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોય એણે તો અભિમાનને ઓગળવા માટે નમ્રતાનો આશ્રય લેવો જ રહ્યો”

ટૂંકમાં તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ તમારું તો અચૂક પતન કરે છે. માટે અહંકાર, ઉજબ , તક્ક્બુર કે ગુમાનથી ઈશ્વર આપણને સૌને દૂર રાખે એજ દુવા : આમીન.

Leave a comment

Filed under Uncategorized

ગાંધી અને આંબેડકર : તુલનાત્મક અભ્યાસ

ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં ગાંધી અને આંબેડકર સબંધો વચ્ચે વ્યાપેલા વિચાર ભેદ આજે પણ સંશોધન અને અભ્યાસનો ગહન વિષય છે. તેમના વિચારોમાં રહેલા ભિન્નતાતો અભ્યાસ આરંભીએ એ પૂર્વે તેમના ઉછેર અને વિકાસના તબક્કોનો અભ્યાસ અનિવાર્ય છે. એ જ બાબત તેમના વિચારોની ભિન્નતાના અભ્યાસમાં મૂળભૂત સ્ત્રોતનું કાર્ય કરશે.
આંબેડકરનો જન્મ એક દલિત જાતિમાં થયો હતો. ગાંધીજી સ્વર્ણ વણિક પુત્ર હતા. આમ છતાં બંનેના ઉછેરમાં અસ્પૃશ્યતાનું કલંક એક ય બીજા સ્વરૂપે અસ્તિત્વમાં હતું. આંબેડકર જન્મથી અસ્પૃશ્યતાનો અભિશાપ અનુભવ્યો હતો. ગાંધીજી સાવ નાનપણથી જ અસ્પૃશ્યતાને અભિશાપ માનતા હતા. તેથી જ તેઓ તેમણે કહ્યું હતું,
“હું મારી પટનીને પરણ્યો તે પહેલા ઘણાં વખત પર અસપૃશ્યતા નિવારણે વર્યો હતો.”૧
ગાંધીજીએ પોતાના ઘરમાં પાયખાનું સાફ કરવા આવતા ઉકાભાઈના સ્પર્શથી અભડાઈ જવાય એ વાત સ્વીકારવાનો સૌ પ્રથમ ઇનકાર કર્યો હતો. અસપૃશ્યતા નિવારણના તેમના આદર્શની સાક્ષી સમાન તેમનું આ વિધાન મહત્વનું છે,
“અમારા સયુંકત જીવનમાં બે પ્રસંગો એવા આવ્યા હતા જયારે મારે અત્યંજો માટે કામ કરવાની અને પત્ની સાથે રહેવાની વચ્ચે પસંદગી કરવાની હતી, અને મેં પહેલી જ પસંદગી કરી હોત, પણ મારી પત્નીની ભલાઈને લીધે એ અણીનો વખત ટળી ગયો. મારું આશ્રમ જે મારું કુટુંબ છે તેમાં કેટલાય અત્યંજો છે, અને એક મીઠી પણ તોફાની બાળા મારી પોતાની દીકરી તરીકે રહે છે.”૨
ડૉ. આંબેડકર દલિત જાતિમાં જન્મ્યા હોઈને, તેમણે જીવનભર અપમાનો સહન કર્યા હતા. ગાંધીજીને પણ તે અનુભવ દક્ષિણ આફ્રિકામાં પોતાની ચામડીના રંગ ભેદને કારણે થયો હતો. ગાંધીજીને પોતાની પાસે પ્રથમ વર્ગની ટીકીટ હોવા છતાં તેમને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ડૉ. આંબેડકર અને ગાંધી બંનેએ પોતાનું ઉચ્ચ શિક્ષણ પશ્ચિમમાં લીધું હતું. ડૉ. આંબેડકરે અમેરિકામાં અને ગાંધીએ ઇંગ્લેન્ડમાં લીધું હતું. બંને એ પશ્ચિમી સંસ્કૃતિનો અનુભવ વિદ્યાર્થી અવસ્થમાં જ લીધો હતો. જો કે આંબેડકર જીવનભર પશ્ચિમી સભ્યતાના પ્રશંશક રહ્યા હતા. જયારે ગાંધીજીએ ઈંગલેન્ડમાં અભ્યાસકાળ દરમિયાન જ પશ્ચિમી સંસ્કૃતિને ત્યજવાનો આરંભ કરી દીધો હતો. અને “હિન્દ સ્વરાજ” પુસ્તક લખ્યું ત્યાં સુધી તો તેઓ તેના સખત ટીકાકાર બની ચૂકયા હતા. બંને નેતાઓ પોતાના વિચારોને જડતાપૂર્વક વળગી નહોતા રહેતા.સમય અને સંજોગ અનુસાર તેમના વિચારોમાં પરિવર્તન આવતું રહેતું હતું. ગાંધીજી અસ્પૃશ્યના વિરોધી હતા. પણ વર્ણવ્યવસ્થાના સમર્થક હતા. તેમણે જ્ઞાતિ વ્યવસ્થાને કદી ટેકો આપ્યો ન હતો. બલકે છેવટના વર્ષોમાં તેમણે સ્વર્ણ-અવર્ણ વિવાહનું સમર્થન કર્યું હતું. ડૉ. આંબેડકરે પહેલા સંયુક્ત મતદારમંડળોનું સમર્થન કર્યું હતું. પછી અલ્પ મતદાર મંડળોનું સમર્થન કર્યું હતું. દલિતોને વધુ અનામત બેઠકો સાથે તેમણે સંયુક્ત મતદાર મંડળોને ટેકો આયો હતો. પછી તેમણે પોતાનું મંતવ્ય બદલ્યું હતું. ડૉ. આંબેડકર માનતા હતા કે વર્ણ વ્યવસ્થાની નાબૂદી વગર અસ્પૃશ્યતાનું કલંક સમાજમાંથી જશે નહિ. ગાંધીજી સર્વધર્મ સમભાવના સમર્થક હતા. ડૉ. આંબેડકર દલિતોના ગૌરવ અને આત્મ સન્માન અપાવે તેવા ધર્મની શોધમાં હતા. જીવનના અંતિમ તબક્કામાં તેમણે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો. મૂળમાં ગાંધીજીનું ચિંતન ધાર્મિક હતું. ડૉ. આંબેડકરનું ધર્મનિરપેક્ષ હતું. ગાંધીજીએ જીવનભર સત્તાને સ્પર્શ નહોતો કર્યો. ડૉ. આંબેડકરે સત્તા સ્વીકારી હતી. અને જરુર લાગી ત્યારે તે આસાનીથી છોડી પણ હતી. ડૉ. આંબેડકર દલિત જાતિઓ માટે આજીવન જીવ્યા. ગાંધીજી વિશ્વના સૌ દુખીયારઓ માટે આજીવન પ્રયાસ કરતા રહ્યા. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંને વાણીમાં સત્યતા હતી. અને આત્મ ગૌરવની ખુમારી હતી. પણ બંનેની અભિવ્યક્તિમાં આસમાન જમીનનું અંતર હતું. ગાંધીજીની વાણીમાં નમ્રતા અને મધુરતા હતી. ડૉ. આંબેડકરની વાણીમાં તેજસ્વીતા અને કઠોરતા હતી.

કેટલાક વિદ્વાનો માને છે કે ગાંધીજી મનુવાદી હતા. પણ એ સત્ય નથી. ગાંધીજીએ “મનુસ્મૃતિ”નું અધ્યયન નાનપણમાં કર્યું હતું. પણ તેના કેટલાક ભાગોથી એમને સંતોષ ન હતો.બીજા કેટલાક ભાગો તેમને વિરોધ કરવા જેવા લાગ્યા હતા.૩ ડૉ. આંબેડકર મનુવાદના ઘોર વિરોધી હતા. બંને મહાનુભાવો દેશના મુસ્લિમ રાજકારણના સમર્થક ન હતા. ડૉ. આંબેડકરે ગાંધીજીનો અનેકવાર કડક અને કડવી ભાષામાં વિરોધ કર્યો હતો. ગાંધીજી પોતાના વિચારો પર ગાંધીજી પોતાના વિચારોમાં અડગ હોવા છતાં ડૉ. આંબેડકરના વિચારોમાં રહેલ સત્યનું સમર્થન કરતા હતા. ડૉ. આંબેડકરે ગાંધીજી વિરોદ્ધ અનેકવાર અપમાનજનક ભાષા વાપરી હતી. પણ તેના સંદર્ભે ગાંધીજી કહેતા,
” સવર્ણ હિન્દુઓએ અવર્ણ પર સેકડો વર્ષથી કરેલ ગુજારેલ અન્યાય ને જોતા ડૉ. આંબેડકરની એવી ભાષા સમજી શકાય તેમ છે.”૪
ડૉ. આંબેડકરે ગાંધીજીને ક્યારેય કોંગ્રેસથી અલગ માન્યા ન હતા. પણ ગાંધીજી અને કોંગ્રસના વિચારોમા અનેક સ્થાનો પર વિરોધ હતો. કોંગ્રેસને વિખેરી નાખવા સુધીનો વિચાર ગાંધીજી વ્યક્ત કરી ચૂકયા હતા. ટુંકમા ગાંધીજીએ કોંગ્રેસનો સાથ લીધો, તેને સાથ આપ્યો અને છેવટે તેનો સાથ છોડ્યો હતો. જયારે ડૉ. આંબેડકરે કોંગ્રેસનો મોટેભાગે વિરોધ કર્યો હતો. થોડો વખત તેને સહકાર આપ્યો હતો. પણ પછી તેનાથી અલગ થઇ ગયા હતા.

ગાંધીજી અને ડૉ. આંબેડકરે બને વ્યક્તિગત સ્વાર્થથી પર હતા. ગાંધીજીનું જીવન ધ્યેય સત્યની શોધ હતું. એ સંદર્ભે એમને અસ્પૃશ્યતા એક સમાજિક અન્યાયના સંકેત સમી દેખાતી હતી. તેથી તેઓ તેનો વિરોધ કરતા હતા. ડૉ. આંબેડકરનું જીવન ધ્યેય અસ્પૃશ્યતાને ખત્મ કરવાનું હતું. એ મિશન જ તેમનું સત્ય હતું. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંને પુખ્તવયના તમામ દેશવાસીઓ માટે મતાધિકારના ભારે સમર્થક હતા. એ ન થયા ત્યાં સુધી બંને દલિતો સારું અમુક સમયની મર્યાદા સાથે અનામત બેઠક રાખવાના સમર્થક હતા.

આટલી સામ્યતા સાથે બને વચ્ચે જે વિચાર ભેદ હતો તે પણ જાણવા જેવોં છે. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંનેના વિચારધારામાં અલ્પ ભેદ હતો. ગાંધીજી સમગ્ર માનવજાતનું હિત ઈચ્છતા હતા. જયારે ડૉ. આંબેડકર સમાજના એક અંગનું હિત વિચારતા હતા. ગાંધીજીની માનવ સેવાનો આરંભ સમાજના સૌથી દલિત અને પીડિત લોકોની સેવાથી થતો હતો. જયારે ડૉ. આંબેડકરે દલિતોના હિતને જ પોતાના જીવનનું મુખ્ય મિશન બનાવ્યું હતું. આમ છતાં ડૉ. આંબેડકરે રાષ્ટ્રના બંધારણનો ખરડો ઘડનાર સમિતિના અધ્યક્ષ તરીકે સમગ્ર સમાજનો ખ્યાલ રાખ્યો હતો. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્નને માનવીય દ્રષ્ટિએ, નૈતિક પ્રશ્ન તરીકે જોતા હતા. જેથી એ માટેનો ઉકેલ તેમને સવર્ણ હિન્દુઓના માનસ પરિવર્તનમા દેખાતો હતો. ડૉ. આંબેડકરને દલિતોના હિતોને બંધારણીય ટેકો આપવામાં રસ હતો. અને તેમના એ પ્રયાસોમાં અંતે તેમને સફળતા પણ સાંપડી.

આ વૈચારિક ભેદને કારણે જ બંને વચ્ચે ગજગ્રાહ થયો હતો. આકરા મતભેદો થયા હતા.

————————————————————
૧. ગાંધીજી, નવજીવન, ૯-૧૧-૧૯૩૧, પૃ. ૮૯
૨. એજન.
૩. દેસાઈ નારાયણ, મારું જીવન જ મારી વાણી, તૃતીય ખંડ, પૃ. ૧૪૫.
૪. એજન, પૃ. ૧૪૫.

Leave a comment

Filed under Uncategorized

શ્રી ક. મા. મુનશીનું ગુજરાતના ઇતિહાસમાં પ્રદાન

(અ) શ્રી ક. મા. મુનશી–એક પરિચય

લૉર્ડ કર્ઝનનું ચરિત્ર ચિત્રણ કરતા વિન્સેટ ચર્ચીલે કહ્યું હતું “Everything interested him and he adorned nearly all that touched him” અર્થાત્ દરેક વસ્તુમાં તેમને રસ હતો અને જે વસ્તુને તે અડતા તેને અલંકૃત કરી દેતા. આજ ઉક્તિ શ્રી ક. મા. મુનશી માટે યોગ્ય સાબિત થઈ છે. ક. મા. મુન્શીના જન્મને ૧૨૮ વર્ષ પૂર્ણ થયા છે. રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમના સાહીત્યક પ્રદાનની તો ઘણી વાતો થઇ છે. પણ તેમાના ઇતિહાસના ક્ષેત્રના પ્રદાન અંગે બહુ ઝાઝી ચર્ચા થઇ નથી. આજે એ અંગે થોડી વાત કરવી છે.
ભરૂચમાં ‘મુનશી ટેકરા’ પર આવેલા ‘નાના ઘર’માં 1887ની 30મી ડિસેમ્બરે જન્મેલ મુનશી જીવનના એક જ ફેરામાં અનેક કાર્યો કરી ગયા. સાહિત્ય, શિક્ષણ, કલા, ધર્મ, ફિલસૂફી, કાનૂન, કારોબારી અને ઇતિહાસ એમ તમામ ક્ષેત્રે નોંધપાત્ર ભાગ ભજવનાર મુનશીનું વ્યક્તિત્વ વિવિધ વિરોધાભાસોથી ભરેલું જોવા મળે છે. સર્જક અને વહીવટકર્તા, ધારાશાસ્ત્રી અને સુધારક, મંત્રી અને મંત્રદૃષ્ટા, રાજ્યપાલ અને ક્રાંતિકારી, વિદ્વાન અને મુત્સદ્દી, સ્વપ્નદૃષ્ટા અને ઘડવૈયા આ તમામ એકબીજાથી વિરુદ્ધના ભાવો તેમના વ્યક્તિત્વમાં એવી સચોટતાથી વ્યક્ત થાય છે કે મુનશી એક નહીં, અનેક છે, એવી છાપ પડ્યા વગર રહેતી નથી.
એક સાહિત્યકાર તરીકે મુનશી શ્રેષ્ઠ હતા. શ્રી મુનશીએ ગોવર્ધનરામ પછી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે એમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. કવિતા સિવાય સાહિત્યના લગભગ બધા જ સ્વરૂપો ઉપર તેઓ સફળ રીતે કલમ અજમાવી ચૂક્યા છે. તેમણે શરૂઆત નિબંધોથી કરી હતી, પણ ધીમે ધીમે નવલિકાઓ, નવલકથાઓ, નાટકો, સાહિત્યનો ઇતિહાસ, વિવેચન, સંસ્કૃતિ, ચરિત્ર, પ્રવાસ વગેરે જુદા જુદા સાહિત્ય પ્રકારો ઉપર વિપુલ માત્રામાં સર્જન કર્યું છે. તેમના સાહિત્યમાં ઇતિહાસને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જે તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ નાટકો પરથી જોઈ શકાય છે. ગુજરાત તેમને ઐતિહાસિક નવલકથાઓના લેખક તરીકે ઓળખવાનું વધુ પસંદ કરશે. શ્રી મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ પ્રત્યેની તેમની અભિરૂચિના દર્શન થાય છે. અલબત્ત તેમની ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ કરતાં કલ્પનાને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું જોવા મળે છે. તેમના શબ્દોમાં જ કહીએ તો “મારી ઐતિહાસિક નવલકથાઓમાં મેં ગુજરાતના ચાલુક્યો વિશે જે કલ્પના સ્વીકારી હતી તે ઐતિહાસિક સાધનોના સમગ્ર અવલોકનને પરિણામે મારે ખેપૂર્વક છોડી દેવી પડી છે.”૧
આ ઉપરાંત તેમણે એ પણ સ્વીકાર્યું છે કે,
“હું ઐતિહાસિક નવલકથાઓને રોમાન્ટિક કલ્પનાવિહારથી બીજું કાંઈ માનવા અસમર્થ રહ્યો છું.”૨ આમ છતાં તેમની નવલકથાનો પાયો ઇતિહાસના જ કોઈ વિષય પર ચણાયેલો જોવા મળે છે. ગુજરાતના ઇતિહાસને ભલે નવલકથાના સ્વરૂપમાં પ્રજા સમક્ષ રજૂ કર્યો પણ તે દ્વારા ગુજરાતના ઇતિહાસથી ગુજરાતી પ્રજાને પરિચિત કરવાનો એક આછો પ્રયાસ તેમણે જરૂર કર્યો છે. એ માટે ઇતિહાસ તેમનો જરૂર આભારી છે.
માત્ર તેમની ઐતિહાસિક નવલકથાઓને લીધે જ ગુજરાતના ઇતિહાસમાં તેમને ઇતિહાસકાર તરીકેનું બિરુદ ન જ આપી શકાય, પણ ક. મા. મુનશીએ ગુજરાતના ઇતિહાસને નજર સમક્ષ રાખી માત્ર નવલકથાઓનું જ સર્જન કર્યું નથી. ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરી પ્રજા સમક્ષ મૂકવાના ઉમદા પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. ઇતિહાસ એક એવો વિષય છે કે જે કાલ્પનિક વાતોમાં વિશ્વાસ કરવાને બદલે નક્કર સંશોધન દ્વારા સત્યની શોધ કરવાનો પ્રયાસ કરે છે. મુનશીએ પણ ગુજરાતના ઇતિહાસને પ્રજા સમક્ષ મૂકવા માટે આવા જ પ્રયાસો કર્યા છે. તેમણે ગુજરાતના ઇતિહાસમાં એક કથાકાર તરીકેના તેમના વ્યક્તિત્વને ત્યજી દઈ એક ઇતિહાસકાર તરીકે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

(બ) શ્રી મુનશીની ઇતિહાસ વિષયક વિચારસરણી

શ્રી મુનશીએ પોતાના અનેક લખાણો તથા અનેક વ્યાખ્યાનોમાં ઇતિહાસનો અવારનવાર ઉલ્લેખ કર્યો છે. તેનું મુખ્ય કારણ શ્રી મુનશીને ઇતિહાસ સાથે પ્રથમથી જ સીધો સંબંધ હતો. શ્રી મુનશી અભ્યાસકાળ દરમ્યાન ઇતિહાસ વિષય પ્રત્યે આકર્ષાયા હતા. મુનશીએ પોતાની આત્મકથા ‘સીધા ચઢાણ’માં લખ્યું છે કે, “થોડોક વખત મેં ઇતિહાસ લઈને એમ.એ. થવાનો વિચાર કર્યો પણ શરીરની અશક્તિ જોતાં તે માંડી વાળ્યું.”૩ આ વિધાન જ તેમના ઇતિહાસ પ્રત્યેના પ્રેમની સાક્ષી પૂરે છે.
ઇતિહાસની સમજૂતી અને વ્યાખ્યા જુદા જુદા ઇતિહાસકારોએ જે રીતે આપવાનો પ્રયાસ કર્યો છે એ મુજબ જોઈએ તો હિરોડોટ્સ રસિક વાર્તાઓને ઇતિહાસ કહે છે. કાર્લાઈલે મહાપુરુષોના જીવનમાંથી પ્રસરતા તેજને ઇતિહાસ નામ આપ્યું છે. જ્યારે ટેવેલીયન ઇતિહાસને ભૂતકાળનું સત્ય કહેતું શાસ્ત્ર માને છે. રાન્કેના મતે તૃષા અને સત્ય શોધી કાઢવા માટેના સંશોધનો જેને ઇતિહાસ નામ આપી શકાય અને ટોયેન્બી માનવ જીવનની ભૂતકાળની હલન-ચલનનું અધ્યયન કરનાર શાસ્ત્રને ઇતિહાસ કહે છે. આ તમામ વ્યાખ્યાઓમાં મુનશીએ આપેલી ઇતિહાસની વ્યાખ્યા એક જુદું જ સ્થાન પ્રાપ્ત કરે છે. મુનશીએ ઇતિહાસની સમજૂતી આપતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વાર્ષિક સભા સમક્ષ કહ્યું હતું કે, “ઇતિહાસ એટલે લોકો એકતા પ્રાપ્ત કરવા માટે જે ઇચ્છાશક્તિ વ્યક્ત કરે તેનો અને તે શક્તિને સર્જનાર મૂલ્યો વડે પ્રગટતી સામુદાયિક ઇચ્છાશક્તિની દિશાનું સંશોધન અને પૃથક્કરણ અને ઇચ્છાશક્તિ કેવી રીતે જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વ્યક્ત થાય છે તેનું દિગ્દર્શન– તે ઇતિહાસ.”૪ શ્રી મુનશી પોતાની વ્યાખ્યાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે, ‘જ્યારે એક જનસમૂહ કોઈ એક કારણે નિરાળો પડે ત્યારે જ તેના ઇતિહાસનો આરંભ થાય છે. આના ત્રણ કારણો આપી શકાય.’
1. આત્મરક્ષણ અને એકત્રવાસ
2. આર્થિક અથવા ભૌગોલિક સ્વસ્થતા ભોગવતા પ્રદેશોમાં વસવાટ઼
3. એક રાજ્યચક્રની આધિનતા.
આ ત્રણેયમાંથી ગમે તે કારણસર જુદા જુદા જનસમૂહ એકબીજાથી જુદા પડી નિરાળા બને ત્યારે તેમના ઇતિહાસનો આરંભ થાય છે.૫ એક દેશ એક જાતિ કે એક પ્રજારૂપે નિરાળા બનેલા જનસમુદાયના પરાક્રમો સંસ્થાઓ, રીતિનીતિ, શાસનકલાને સાહિત્ય વિકાસ પામે તેના ક્રમની નોંધ તેનું નામ ઇતિહાસ.૬
શ્રી મુનશીએ આપેલી ઇતિહાસની વ્યાખ્યા તેમના ઇતિહાસકાર તરીકેના વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે. મુનશીએ ઇતિહાસની વ્યાખ્યાને જેમ પોતાના એક નવા અભિગમથી રજૂ કરી છે, એ જ રીતે તેમણે ઇતિહાસના જુદા જુદા પ્રકાર પાડવાનો પ્રયાસ કર્યો છે. વામન સોમનારાયણ દલાલના અંગ્રેજી પુસ્તક ‘History of India’ ના અવલોકનમાં તેમણે લખ્યું છે કે, “આપણી ઇતિહાસની ભાવના ઘણે ભાગે બદલાઈ ગઈ છે. પહેલા ફક્ત રાજપુરુષોની કારકિર્દી અને તિથિઓમાં જ ઇતિહાસ સમાપ્ત થઈ જતા પણ જેમ જેમ નવા જમાનાની સત્તા સાહિત્ય પર બેસતી ગઈ તેમ તેમ ઇતિહાસની બનાવટ પણ બદલાતી ગઈ. પ્રજાઓનું ઇતિહાસમાં સ્થાન, સંસ્થાઓની સમય પર અસર, પ્રગતિના વલણની દિશા, આ બધી વસ્તુઓ પર વધારે ધ્યાન અપાતું ગયું. તેમાં દૃષ્ટિબિંદુઓ પણ અનેક થતા ગયા. કાર્લાઈલ ઇતિહાસના પ્રવાહોમાં સમયને જ પ્રાધાન્ય આપે છે. એક્ટન જેવા એક બે તત્ત્વની બિલવણીની નોંધ, તેજ તવારીખ એમ માને છે અને રમેશચંદ્ર દત્ત જેવા લોકોને પસંદ પડે એવી નાની રસમય ચોપડી લખી પોતાની કૃતકૃત્યત સફળ થઈ સમજે છે. આ જુદા જુદા આદર્શોમાં નીચે પ્રમાણેના ત્રણ પ્રકારો સહેલાઈથી પડે છે.
(1) જે ઇતિહાસમાં ઇતિહાસકારો ફક્ત સત્ય બનાવો દર્શાવી ભવિષ્યની પ્રજાના જ્ઞાન માટે મોટી શોધોને લોકો આગળ રજૂ કરે છે તેને પ્રથમ પ્રકારનો ઇતિહાસ કહી શકાય.
(2) બીજા પ્રકારના ઇતિહાસમાં ભૂત સમયને સજીવ કરવાની હોય છે. સત્ય વસ્તુને આધારે ઇતિહાસ રચી તેમાં રસિકતા અને ભાવને વધારે પડતું સ્થાન આપવામાં આવે છે.
(3) ત્રીજા પ્રકારના ઇતિહાસો એક રીતે યોગની દૃષ્ટિએ લખાયેલા હોય છે. ઇતિહાસના બનાવોની પરંપરા કયા નિયમોને આધારે થાય છે, કયા કયા તત્ત્વો ખિલવે છે, કઈ કઈ દિશામાં વહે છે. આ બધું જોઈ તે બધાનું સ્પષ્ટીકરણ કરવું એ ઊંચામાં ઊંચો ઐતિહાસિક સાહિત્યનો પ્રકાર છે.”૭

(ક) શ્રી મુનશીનું ગુજરાતના ઇતિહાસમાં પ્રદાન

ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની પ્રજા સમક્ષ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાનો યશ મુનશીને ફાળે જાય છે. “મુનશીને ગુજરાતના ઇતિહાસનો શોખ વર્ષો પૂર્વેનો હતો.”૮ અને એ શોખે જ તેમને ગુજરાતના ઇતિહાસને નજર સમક્ષ રાખી નવલકથાઓનું સર્જન કરવા તરફ પ્રેર્યા હતા. પ્રથમ તો તેમણે ગુજરાતના ઇતિહાસનો ઉપયોગ માત્ર નવલકથાઓની રચના માટે જ કર્યો. ગુજરાતના ઇતિહાસને નવલકથાઓ દ્વારા વિકૃત કરવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે, તેવા કેટલાક આક્ષેપો તેમની સામે ઊભા થયા. તેમણે કેટલેક અંશે આ બાબતોનો સ્વીકાર પણ કર્યો, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમણે નવલકથાઓમાં રજૂ કરેલ ઇતિહાસનો પાયો ઐતિહાસિક સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ઐતિહાસિક ઘટનાઓને મુનશીએ રસમય બનાવવા કેટલાક સુધારા વધારા તેમાં જરૂર કર્યા હતા. આ અંગે શ્રી મુનશી પોતે કહે છે કે, “ઐતિહાસિક નવલકથા ઇતિહાસ નથી, પણ માત્ર નવલકથાએ નથી, બંનેનું સંમિશ્રણ છે.”૯ આ રીતે જોઈએ તો ઐતિહાસિક નવલકથાઓના સર્જન દ્વારા ગુજરાતના ઇતિહાસથી અલિપ્ત રહેલ પ્રજા અને ઇતિહાસકારોને ગુજરાતના ઇતિહાસમાં રસ લેતા કરવાનું આમુલ કાર્ય મુનશી દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં એક ઐતિહાસિક સાહિત્યકાર તરીકે ખ્યાતિ મેળવ્યા પછી તેમણે ગુજરાતના ઇતિહાસમાં એક ઇતિહાસકાર તરીકે પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનો પ્રયાસ કર્યો. આમ છતાં તેઓ કહે છે તેમ ‘મેં ઇતિહાસકાર હોવાનો ડોળ કદી કર્યો નથી.’ ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના પછી શ્રી મુનશીએ સાહિત્ય પરિષદના અન્ય વિભાગોની સાથે ઇતિહાસનો વિભાગ પણ શરૂ કરાવ્યો અને આ પછી ગુજરાત સાહિત્ય પરિષદના વાર્ષિક અધિવેશનમાં હંમેશાં ઇતિહાસ, સંશોધન અને પુરાતત્ત્વ વિષયોને લગતા લેખોનો સમાવેશ થવા લાગ્યો. મુનશીના પ્રયત્નો દ્વારા જ ગુજરાત સાહિત્ય પરિષદના 1942માં મળેલ અધિવેશનમાં મૂળરાજ સોલંકી સહસ્ત્રાબ્દિ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ મુજબ ગુજરાતનો પ્રાગો ઐતિહાસિક કાળથી ઈ.સ. 1297 સુધીનો ગુજરાતનો ઇતિહાસ ચાર ભાગોમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ ગ્રંથના સંપાદનની જવાબદારી શ્રી મુનશીને સોંપવામાં આવી, જે તેમણે યોગ્ય રીતે બજાવીને ગુજરાતના ઇતિહાસને સમૃદ્ધ કરતા ચાર ગ્રંથોનું સર્જન કર્યુ. સંપાદન કાર્ય ઉપરાંત આ ગ્રંથોમાં મુનશીએ મોટા ભાગના લેખો લખી ઇતિહાસકાર તરીકેની તેમની આવડત સિદ્ધ કરવાનો એક આછો પ્રયાસ કર્યો. મુનશીના આ પ્રયાસો ગુજરાતના ઇતિહાસ પ્રત્યેની તેમની અભિરૂચિ દર્શાવે છે. મુનશીએ ગુજરાતના ઇતિહાસને નજર સમક્ષ રાખી જે ઐતિહાસિક ગ્રંથો લખ્યા તેને નીચે પ્રમાણે આપણે જોઈ શકીએ.

1. ગુજરાતની કીર્તિગાથા (The Glory that was Gurjara Desa)

ઈ.સ. 1942ના ગુજરાત સાહિત્ય પરિષદના સંમેલનમાં મૂળરાજ સોલંકીની સહસ્ત્રાબ્દિની ઉજવણી કરવાનું નક્કી થયું. એ મુજબ મુનશીએ પોતાના વિષયને સંપૂર્ણ ન્યાય આપવાના હેતુથી ગુજરાતના પ્રાગૈતિહાસિક કાળથી પુસ્તકની શરૂઆત કરી. આ પુસ્તકમાં શ્રી મુનશીએ ગુજરાતની ભૂસ્તર રચના, પ્રાગૈતિહાસિક ગુજરાત, ગુજરાતના પ્રાચીન વિભાગો, પ્રાગ્વૈદિક અને વૈદિક આર્યો વગેરે વિભાગોને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મુનશીએ અન્ય વિભાગોના સંપાદન ઉપરાંત પ્રાગ્વૈદિક અને વૈદિક આર્યોનો વિભાગ લખ્યો છે. આ વિભાગમાં મુનશીએ આર્યોનું આગમન, આર્યોની ધાર્મિક વિચારસરણી, તેમની જાતિ, આર્યોનો સુમેર સાથેનો સંબંધ, સિંધુખીણની સંસ્કૃતિ અને ગુજરાતમાં તેના અવશેષો, આર્યોનું સ્થળાંતર વગેરે પ્રશ્નોને વિસ્તૃતપણે ચર્ચવાનો પ્રયાસ કરેલો જોવા મળે છે. શ્રી મુનશીએ ઉપરના પ્રશ્નોની ચર્ચામાં વિદેશી લેખકો બ્લુફિલ્ડ, ટ્વેર, વેલર, મેક્સમૂલર, માર્શલ વગેરેના અવતરણો આપ્યા છે. આ ઉપરાંત પ્રાચીન સાહિત્ય ગ્રંથોનો પણ ઉપયોગ કરેલો જોવા મળે છે. મુનશી આ લેખના વિષયવસ્તુને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કરે છે. જેમ કે ‘આર્યો પરદેશી ન હતા’ એ વિધાનને સાબિત કરવા તેમણે પ્રાચીન સાહિત્ય સાધનોનો આશ્રય લીધો છે. આમ છતાં મુનશીએ લખેલ આ વિભાગ અને ત્યાર પછી તેમણે લખેલ અન્ય ઐતિહાસિક ગ્રંથોમાં તફાવત જોવા મળે છે. ઇતિહાસની નક્કરતા સાબિત કરવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ હતો. તેમ માની તે તફાવત સ્વીકારવો જ રહ્યો.

2. ગુજરાતમાં આર્યોનું આગમન (The Early Aryans in Gujarat)

શ્રી મુનશીએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનોને એકત્રિત કરી પુસ્તક રૂપે બહાર પાડવામાં આવ્યા છે. આ પુસ્તકમાં શ્રી મુનશીએ આગળના પુસ્તકના ઇતિહાસનો ક્રમ જાળવી રાખ્યો છે. શ્રી મુનશીએ ઈ.સ. પૂર્વે 1000થી ઈ.સ. 500 સુધીના સમય દરમ્યાન ગુજરાતમાં આર્યોનું આગમન થતા તેમનો વિસ્તાર અને સ્થિરતાનો કાળ આલેખેલો જોવા મળે છે. પુસ્તકામાં તેમણે આ વિષય માટે ઉપયોગમાં લીધેલી સાધન સામગ્રીઓ અને તે પ્રાપ્ત કરવા માટેની મુશ્કેલીઓનું પ્રથમ આલેખન કરેલ છે. આ પછીના પ્રકરણોમાં તે સમયના રાજાઓ તથા તેમના શાસનકાળ વિશેની ચર્ચા, પરશુરામનો ગુજરાત પર વિજય, ભૃગુ અને હાયદાયા વચ્ચેનું યુદ્ધ અને છેલ્લા પ્રકરણમાં આ યુદ્ધનું પરિણામ વગેરે પ્રશ્નોની સવિસ્તાર ચર્ચા કરેલી જોવા મળે છે. આ વિષયો માટે જે પુસ્તકોનો સહારો લીધો છે તેમાં ઋગ્વેદ, પુરાણો, અથર્વવેદ, મહાભારત, અંતરીય બ્રાહ્મણોનાં ગ્રંથો વગેરે પ્રાચીન ગ્રંથોનો સમાવેશ કરી શકાય. આ પુસ્તકમાં મુનશીની સંશોધનકર્તા તરીકેની શક્તિનો પરિચય મળે છે. આ ઉપરાંત શ્રી મુનશીની કલમમાં સદ્ધરતા અને ઇતિહાસકાર તરીકેની જવાબદારીનું ભાન જોવા મળે છે.

3. ચક્રવર્તી ગુર્જરો (The Emperial Gurjaras)

શ્રી મુનશી દ્વારા ગુજરાતના ઇતિહાસ પર લખાયેલ આ ત્રીજો ગ્રંથ છે. આ ગ્રંથમાં પણ આગળના ગ્રંથનો કાળક્રમ જાળવી આગળનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. મુનશીએ ઈ.સ. 500થી 1300 સુધી ચક્રવર્તી ગુર્જરોનો ઇતિહાસ આપ્યો છે. આ ગ્રંથમાં મુનશીએ કેટલાક અગત્યના પ્રશ્નો કે જે ગુજરાતના ઇતિહાસમાં ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા હતા તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, આ પ્રશ્નોમાં –
(1) ગુર્જરો કોણ હતા ? (2) ગુર્જરોનો પ્રદેશ ક્યાં સુધી હતો ? (3) ઈ.સ. 500 થી ઈ.સ. 1200ની વચ્ચે અર્વાચીન રજપૂતાના, માળવા ને ગુજરાતમાં વસતા લોકોના પૂર્વજોમાં ભાષા, રૂપરંગ અને સંસ્કૃતિની એકતા કેટલા પ્રમાણમાં હતી ? (4) તૂર્કોના આક્રમણ સમયે મધ્યપ્રદેશના છેલ્લા મહાન સમ્રાટો કોણ હતા ? (5) પરમારો, ચાલુક્યો, માહમાનો કોણ હતા ? (6) તૂર્કોનો સામનો ગુર્જર દેશના ક્ષત્રિયો શા માટે કરી શક્યા નહીં ? (7) 1000 થી 1200 વચ્ચે ગુર્જર દેશે તૂર્કોની સામે કેવો અને કેટલો પ્રતિકાર કર્યો? (8) ગુર્જર દેશના ગૌરવનો અસ્ત કયા કારણોને લીધે થયો ? (9) ઈ.સ. 550 થી 1300 સુધીની સત્તા અને સંસ્કૃતિ પાછળ પ્રેરકબળો કયા હતા ?
આ તમામ પ્રશ્નો ઉકેલવામાં શ્રી મુનશીએ આ પુસ્તકમાં પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આ ગ્રંથમાં મુનશીએ એ સમય દરમ્યાન થઈ ગયેલા રાજાઓ, તેમનો રાજ્ય વહીવટ તથા તેમની યુદ્ધકીય કારકિર્દી વગેરેનો સુંદર ચિતાર આપ્યો છે. આ ગ્રંથમાં મુનશીએ ગુજરાતમાં મેહમુદે કરેલા વિનાશ પછી તેના પાછા ફરતી વખતે ગુજરાતના રાજાઓએ તેને કેવી રીતે ક્રૂર વિદાય આપી હતી તેનું ઐતિહાસિક પુસ્તકોના અવતરણો દ્વારા સુંદર રીતે આલેખન કરેલું છે. પરંતુ મુનશીએ અહીં મેહમુદના આક્રમણનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો નથી, પરંતુ મુનશીએ તેમના પુસ્તક ‘અખંડ હિન્દુસ્તાન અને અન્ય લેખો’માં તેનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે મેહમુદે ધાર્મિક ક્રૂરતાને વશ થઈને આક્રમણ કર્યું નથી. તેનો ઉદ્દેશ રાજકીય હતો. ટૂંકમાં મુનશીનો આ ગ્રંથ તેમના ઇતિહાસકાર તરીકેના વ્યક્તિત્વને ઉપસાવવામાં મહદ્અંશે સફળ થયો છે. આ ગ્રંથમાં તેમની કલમ વધુ સ્પષ્ટ અને પુરાવાસહિત વસ્તુવિષયની રજૂઆત કરે છે.

4. સોમનાથ – શાશ્વત મંદિર (Somnath – The Shrine Eternal)

“કદાચ આ મુનશીનું પ્રિય પુસ્તક હશે, હોવું જોઈએ. તેમાં તેમના જીવન, સ્વપ્ન અને સિદ્ધિઓનો ચિતાર છે.”૧૧
મુનશીનું આ પુસ્તક કેટલેક અંશે ઐતિહાસિક છે, તો કેટલેક અંશે તેમાં સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કેટલીવાર અને કેવી રીતે થયો તેનું વિસ્તૃત વર્ણન આપવામાં આવેલું છે. જો કે તે પણ એક ઐતિહાસિક બાબત છે, જેથી સંપૂર્ણ પુસ્તકને એક ઇતિહાસના પુસ્તક તરીકે ચકાસીએ તો કંઈ ખોટું નથી. આ પુસ્તકમાં મુનશીએ પ્રથમ પ્રકરણમાં સોમનાથના મંદિરના ઇતિહાસને આલેખ્યો છે. બીજા પ્રકરણમાં સોમનાથના મંદિરનું અવારનવાર ઇતિહાસમાં થયેલું બાંધકામ દર્શાવેલું છે. જેમાં તે કોના સમયમાં તોડવામાં આવ્યું અને કોના સમયમાં બાંધવામાં આવ્યું તેનો વિગતવાર ઉલ્લેખ જોવા મળે છે. મુનશીની ઇચ્છા પણ સોમનાથના ખંડિત મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની હતી. તેમણે વારંવાર એ અંગેની ઇચ્છા રજૂ કરી હતી. ઈ.સ. 1947માં તેમનું આ સ્વપ્ન કેવી રીતે અને કયા સંજોગોમાં સાકાર થયું તેનું વર્ણન પણ આ પુસ્તકમાં જોવા મળે છે. ઈ.સ. 1947માં સરદાર પટેલે વિશાળ માનવમેદની વચ્ચે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરી અને 1951માં સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે નવા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. આ પછી 14 વર્ષના સતત પરિશ્રમ પછી 13મી મે, 1965 ને દિવસે 21 બંદૂકોની સલામી સાથે કલશ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતી દાખવતો ધ્વજ સોમનાથના ઊંચા શિખર પર લહેરાવવામાં આવ્યો.
આ પુસ્તકમાં રાજકારણ, ઇતિહાસ અને સંસ્કૃતિનો સુયોગ સધાયો છે. આ પુસ્તકમાં મુનશીએ જે માહિતી રજૂ કરી છે તે સોમનાથનો ઇતિહાસ જાણવા પુરતી મહત્ત્વની છે. આ પુસ્તક જ્યારે લખાયું ત્યારે સોમનાથના મંદિરનો ઇતિહાસ એક પુસ્તક આકારે પ્રથમવાર રજૂ કરવાનો યશ શ્રી મુનશીને ફાળે જાય છે.

5. ગુજરાતની અસ્મિતા

શ્રી મુનશીએ પચાસ વર્ષ પૂરા થયા તે અવસરને નજર સમક્ષ રાખી ગુજરાત સાહિત્ય પરિષદે આ પ્રસંગના સંભારણા માટે યોગ્ય આયોજન કરવાનું નક્કી કર્યું. પરંતુ આ અંગે શ્રી મુનશીએ કહ્યું કે ‘સાહિત્ય વિષયક સેવા મેં કરી છે. તેનું સંભારણું સાહિત્ય દ્વારા જ પરિષદ કરે તે જ સર્વથા યોગ્ય છે.’ તેમના સૂચન મુજબ શ્રી મુનશીના પુસ્તકોમાંથી જ તેમના પ્રિય એવા વિષય પર ગુજરાતને ઉપયોગી થઈ પડે તેવા લેખોનો સંગ્રહ પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ગુજરાતની અસ્મિતાને લગતા વ્યાખ્યાનો એકત્રિત કરી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા, જેને ‘ગુજરાતની અસ્મિતા’ એવું નામ આપવામાં આવ્યું.
શ્રી મુનશીનું આ પુસ્તક ઐતિહાસિક છે તેમ કહેવું મુશ્કેલ છે. આમ છતાં ગુજરાતના ઇતિહાસને લગતા લેખો જેવા કે ગુજરાત આર્યાવર્તનું જ એક અંગ, મધ્યકાલીન ગુજરાત, ગુજરાત પર મુસ્લિમ આક્રમણો, ગુજરાત પર આંગ્લ સંસ્કૃતિનું આક્રમણ અને ગાંધીજીનું ગુજરાત વગેરે ઐતિહાસિક લેખોનો તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. આમ આ પુસ્તક દ્વારા ગુજરાતના ઇતિહાસનો એક આછો પરિચય મેળવી શકાય છે.
શ્રી મુનશીના ગુજરાતના ઇતિહાસને ધ્યાનમાં રાખી લખાયેલા ઉપરના પુસ્તકો તેમના ગુજરાત પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. પરંતુ આ પુસ્તકોને પ્રજા સમક્ષ રજૂ કરવા માટે શ્રી મુનશીએ ઉપયોગમાં લીધેલ અંગ્રેજી ભાષાનું માધ્યમ ખટક્યા વગર રહેતું નથી. સફળ ઇતિહાસકાર જે પ્રદેશના ઇતિહાસની રચના કરે છે તેની પાછળનો ઉદ્દેશ તે પ્રદેશની પ્રજાને તેના ઇતિહાસથી પરિચિત કરવાનો હોય છે અને તેથી ઇતિહાસકાર તે પ્રદેશના ઇતિહાસને પ્રજા સમક્ષ પ્રાદેશિક ભાષામાં રજૂ કરે છે. જ્યારે શ્રી મુનશીએ અંગ્રેજી માધ્યમનો સહારો લઈ કેટલેક અંશે ગુજરાતીઓને ગુજરાતના ઇતિહાસથી વંચિત રાખ્યા છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી. અલબત્ત તેમના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો અનુવાદ ભારતીય વિદ્યાભવન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ તે ઘણા લાંબા સમય પછી. આમ છતાં સર્વાનુમતે શ્રી મુનશી દ્વારા ગુજરાતના ઇતિહાસની જે સેવા થઈ છે તે પ્રશંસાપાત્ર છે એમાં બે મત ન હોઈ શકે.

(ડ) શ્રી મુનશીના અન્ય ઐતિહાસિક પુસ્તકો

ગુજરાતના ઇતિહાસ ઉપરાંત શ્રી મુનશીએ ભારતના ઇતિહાસ તથા રાજકીય પરિસ્થિતિને નજર સમક્ષ રાખી કેટલાક પુસ્તકોનું સર્જન કર્યું છે. આ પુસ્તકોમાં ઐતિહાસિક બાબતોને પણ કેટલેક અંશે સ્વીકારવામાં આવી છે. જ્યારે કેટલાક પુસ્તકો માત્ર રાજકારણને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યા છે. આપણે ઇતિહાસના મહત્ત્વને સ્વીકારી તે પુસ્તકોનું મૂલ્યાંકન કરીએ. આ ઉપરાંત શ્રી મુનશીએ ગુજરાતના સાહિત્યનો ઇતિહાસ આલેખતો ગ્રંથ પણ તૈયાર કર્યો છે, જેનું પણ આ વિભાગમાં મૂલ્યાંકન કરીએ.

(1) ગુજરાત અને તેનું સાહિત્ય (Gujarat and Its Literature)

શ્રી મુનશીએ લખેલ આ પુસ્તકને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વના સંશોધન ગ્રંથ તરીકે સ્થાન આપવામાં આવે છે. ઇતિહાસ એટલે સંશોધન એવી વ્યાખ્યાનો જો સ્વીકાર કરીએ તો તેમના આ ગ્રંથને પણ ઐતિહાસિક ગ્રંથ તરીકે સ્વીકારી શકાય. આ ગ્રંથમાં શ્રી મુનશીએ ઈ.સ. 500થી ઈ.સ. 1852 સુધી ગુજરાતી સાહિત્યનો થયેલો ક્રમિક વિકાસ દર્શાવેલો છે. ગુજરાત સાહિત્યના ક્ષેત્રે આપેલું પ્રદાન તથા ગુજરાતી ભાષામાં યુગયુગાંતર પ્રમાણે થતા પરિવર્તનો શ્રી મુનશીએ આ પુસ્તકમાં સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. આ પુસ્તકમાં તેમણે યુગ અને સાલ પ્રમાણે પ્રકરણો પાડી તે યુગમાં ગુજરાતી સાહિત્યનું મહત્ત્વ અને તેના વિકાસમાં અગત્યનો ભાગ ભજવનાર વ્યક્તિઓની સવિસ્તાર માહિતી આપેલી છે. શ્રી મુનશી અંગ્રેજી ભાષાનો મોહ અહીંયા પણ છોડી શક્યા નથી. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ અંગ્રેજીમાં દર્શાવી તેમણે ગુજરાતી ભાષાનો વિકાસ ગુજરાતીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જે થોડું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
(2) અખંડ હિન્દુસ્તાન (Akhand Hindustan)
આ પુસ્તકની રચના ભારત અને પાકિસ્તાનની અલગ માંગણી જ્યારે જન્મી ત્યારે મુનશીએ પોતાની અખંડ હિન્દુસ્તાનની કલ્પના ભારતવાસીઓ પાસે રજૂ કરવાની શરૂઆત કરી હતી. શ્રી મુનશીએ અખંડ હિન્દુસ્તાનના ધ્યેયને સિદ્ધ કરવા અને પાકિસ્તાનની કલ્પનાનો નાશ કરવા જુદી જુદી જગ્યાએ આપેલા વ્યાખ્યાનોને એકત્રિત કરી પુસ્તક રૂપે બહાર પાડ્યા છે.. આ પુસ્તકમાં ભારતીય ઇતિહાસની અખંડિતતા સમજાવવા માટે શ્રી મુનશીએ ભારતના ઇતિહાસને જુદા જુદા નવ વિભાગોમાં વહેંચી કાઢ્યું અને પ્રાચીન કાળથી અર્વાચીન સમય સુધી ભારત પર થયેલા આક્રમણો અને તેમાં ભારતીય પ્રજાએ બતાવેલી એકતા વગેરે બાબતોનું વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે. ટૂંકમાં ઇતિહાસ અને સંસ્કૃતિના એક અચ્છા અભ્યાસી તરીકે શ્રી મુનશીનો પરિચય મેળવવા આ પુસ્તક વાંચવા જેવું છે.

(3) એક યુગનો અંત (The End of The Eva)

શ્રી મુનશીના આ પુસ્તકમાં રાજપુરુષ મુનશીની પ્રતિભાના બે પાસાંઓ તેમની તીવ્ર દેશભક્તિ અને તેમની તીવ્ર મુત્સદ્દીગીરીનો પરિચય મળે છે. સરદાર પટેલે દેશી રાજ્યોના વિલિનીકરણનો સળગતો પ્રશ્ન હાથમાં લીધો, પરંતુ કેટલાક રાજ્યો જેવા કે જૂનાગઢના નવાબ અને હૈદ્રાબાદના નિઝામે સ્વતંત્ર કોમી રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું. આવા પ્રસંગે શ્રી મુનશીને હૈદ્રાબાદમાં ભારતના એજન્ટ તરીકે નિમવામાં આવ્યા. મુનશીએ અત્યંત કુનેહપૂર્વક નીડરતાથી અને કેટલીકવાર જાનના જોખમે પોતાને સોંપવામાં આવેલી કામગીરીને સફળતાથી પાર પાડી, તેનું વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે. આપણે આ પુસ્તકનું મહત્ત્વ ઇતિહાસની દૃષ્ટિએ આંકી શકીએ. કારણ કે ભારતના ઇતિહાસમાં એકીકરણનો પ્રશ્ન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ મુજબ મુનશી દ્વારા એવા સળગતા પ્રશ્નનો નિકાલ કેવી રીતે, કયા સંજોગોમાં લાવવામાં આવ્યો તે આજની પેઢી માટે એક મહત્ત્વના ઇતિહાસનો વિષય બની શકે.
આ ઉપરાંત મુનશીના અન્ય પુસ્તકો જેવા કે The Indian deadlock, The changing shape of Indian Politics, I follow the Mahatma Gandhiji, The Master વગેરેનો સમાવેશ રાજકારણના વિષયમાં થતો હોઈ અહીં તેમને સ્પર્શવું યોગ્ય ન લાગતાં માત્ર ઉલ્લેખ જ કરું છું.

(ઈ) સમાપન

“ગુજરાતના જ્યોતિર્ધરો’ નામના લેખમાં શ્રી મુનશીએ લખ્યું છે, ‘ગુજરાત એક મહાન વૃક્ષ છે. તેના મૂળમાં શ્રીકૃષ્ણનો કર્મયોગ છુપાયેલો છે. તેને દયાનંદ ને ગાંધીજીની કૂંપળો લાગી છે.”૧૩ અલબત્ત આ મહાનવૃક્ષને લાગેલી કેટલીક કૂંપળોમાં એક ક. મા. મુનશી નામની કૂંપળનો પણ ઉમેરો કરીએ તો એ યથાર્થ ગણાશે. શ્રી મુનશીનું વ્યક્તિત્વ અને એમની પ્રવૃત્તિ મિશ્ર સ્વરૂપની હતી. પણ તેમાં તેજસ્વિતા અને રચનાત્મક અંશ નિઃસંદેહ એમને ગુજરાતના ઇતિહાસમાં અવિસ્મરણીય સ્થાનના અધિકારી ઠેરવે છે. તેમના જીવનના અનેક મિશ્ર પાસાઓમાંથી ઇતિહાસના રચયિતા તરીકેના તેમના વ્યક્તિત્વને અહીં સ્પર્શવાનો આછો પ્રયાસ કર્યો છે. તેમના ગુજરાતના ઇતિહાસ પર લખાયેલા પુસ્તકો તેમને શ્રેષ્ઠ ઇતિહાસકાર સાબિત કરે છે તેમ કહેવાનો આ લેખનો ઉદ્દેશ નથી જ, પણ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રહેવા છતાં ઇતિહાસ પ્રત્યેના આકર્ષણને લીધે ગુજરાતના ઇતિહાસને અલ્પ ન્યાય આપવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. પરંતુ આ તુચ્છ પ્રયાસે ગુજરાતના ઇતિહાસકારોને ગુજરાતના ઇતિહાસનું પુનઃ અવલોકન કરવાની ફરજ પાડી હતી. તેને જ તેમનું મોટું પ્રદાન કહી શકાય. ટૂંકમાં ક. મા. મુનશી ગુજરાતમાં એ સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે કે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અર્વાચીન યુગને ‘મુન્શીયુગ’ કહેવામાં આવશે. એમાં શંકાને સ્થાન નથી.૧૪

————

સંદર્ભગ્રંથ
1. મુનશી, ક. મા., ચક્રવર્તી ગુર્જરો, પૃ. 10.
2. કનૈયાલાલ મુનશી વ્યક્તિ અને વાઙ્મય, પૃ. 53.
3. મુનશી, ક. મા., સીધા ચઢાણ, પૃ. 198.
4. એજન, પૃ. 199.
5. એજન, પૃ. 199
6. એજન, પૃ. 200.
7. એજન, પૃ. 65.
8. પારેખ, મધુસૂદન, ક. મા. મુનશી, સાહિત્યજીવન અને પ્રતિભા, પૃ. 23.
9. ગાંધી, એમ. સી., સાહિત્યકાર મુનશી, પૃ. 116.
10. મુનશી, ક. મા., ચક્રવર્તી ગુર્જરો, પૃ. 6.
11. પારેખ, મધુસૂદન, ક. મા. મુનશી, સાહિત્યજીવન અને પ્રતિભા, પૃ. 92.
12. મુનશી, ક. મા., ગુજરાતની અસ્મિતા, પૃ. 1.
13. મુનશી, ક. મા., કેટલાક લેખો, પૃ. 353.
14. પ્રસાદ, વિશ્વનાથ, મુનશી અભિનંદન ગ્રંથ, પૃ. 69.

1 Comment

Filed under Uncategorized

મહંમદ સાહેબના અંતિમ દિવસો

ઈદે મિલાદનો લેખ પ્રસિદ્ધ થયા પછી અમદાવાદ નિવાસી એક બહેનનો ફોન આવ્યો. જેમા તેમણે મહંમદ સાહેબના વફાતનો સમય અને તે દિવસો અંગે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ તો મહંમદ સાહેબ (સ.અ.વ.)ની વફાત થઇ કે તેઓ અવસાન પામ્યા એવું કહેવા કરતા ઇસ્લામના અનુયાયીઓ મહંમદ સાહેબએ (સ.અ.વ.)
“પર્દા ફર્માંયા” કહેવાનું વધારે પસંદ કરે છે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ “પર્દો ફરમાવ્યો” એ દિવસ હતો ૮ જૂન ઈ.સ.૬૩૨, સોમવાર,મુસ્લિમ ચાંદ ૧૨ રબીઉલ અવલ હિજરી સન ૧૧. સમય મધ્યાહન પછી.
છેલ્લા થોડા દિવસોથી મહંમદ સાહેબ બિમાર રહેતા હતા. બીમારીના આરંભ વિષે ઇબ્ને હિશામીની સીરતુલ નબીમાં લખ્યું છે,
“બીમારીની શરૂઆત એવી રીતે થવા પામી કે મહંમદ સાહેબ (સ.અ.વ.) અર્ધી રતના સમયે પોતાના ઘરમાંથી નીકળીને “જન્ન્તુલ બકી”(મદીનામાં આવેલ મશહુર કબ્રસ્તાન)માં ગયા. ત્યાં તેમણે કબ્રસ્તાન વાસીઓ માટે દુવા ફરમાવી. એ આપ કબ્રસ્તાનથી પોતાના મકાને તશરીફ લાવ્યા. એ પછીના દિવસે સવારે આપ ઉઠ્યા ત્યારે આપે માથાના દુખાવાની વાત કરી હતી”
તેમની માંદગીનો આમ આરંભ થયો. ૬ જૂનની રાતે તેમને તાવ ખુબ વધ્યો. તેમની બેચેની જોઈને તેમની એક પત્ની ઉમ્મ સલમા રડવા લાગ્યા. મહંમદ સાહેબે તેમને શાંત પાડતા કહ્યું,
“રડો નહિ. જેને અલ્લાહ પર વિશ્વાસ છે તે આમ રડતા નથી”
એ આખી રાત મહંમદ સાહેબ કુરાનની આયાતો, જેમાં અલ્લાહની સ્તુતિ કરવામાં આવી છે તે વારંવાર પઢતા રહ્યા. ૭ જૂને મહંમદ સાહેબને ખુબ અશક્તિ મહેસૂસ થવા લાગી.બિમાર થયા તે દિવસથી જ તેઓ ઉપવાસ કરતા હતા. એટલે અશક્તિ સ્વાભાવિક હતી. અને તાવ પણ હતો જ. રવિવારે અર્ધ જાગૃત અવસ્થામાં કોઈ કે તેમને દવા પીવડાવવાની કોશિશ કરી. તેથી તેઓ નારાજ થયા. એ જ દિવસે તેમણે પત્ની આયશા ને કહ્યું,
“તમારી પાસે બિલકુલ પૈસા ન રાખશો. જે કઈ બચાવીને ક્યાંય રાખ્યું હોય તે ગરીબોને વહેચી દો”
આયશા એ થોડો વિચાર કર્યો પછી તેમને યાદ આવી જતા, પોતાની પાસે સાચવીને રાખેલા સોનાના છ દીનાર મહંમદ સાહેબના હાથમાં મૂકી દીધા. મહંમદ સાહેબે તુર્ત કેટલાક ગરીબ કુટુંબોમાં તે વહેચી દીધા.પછી બોલ્યા,
“હવે મને શાંતિ મળશે. હું અલ્લાને મળવા જાઉં અને એ સોનું મારી મિલકત રહે એ ખરેખર સારું નથી.”
એ જ રાત્રે ઘરમાં દીવો કરવા તેલ સુધ્ધાં ન હતું. પત્ની આયશાએ દીવો કરવા માટે પડોશીને ત્યાંથી થોડું તેલ માંગી, દીવો કર્યો. મહંમદ સાહેબની એ રાત્રી પણ માંદગીમાં વીતી. ૮ જૂન સવારે તાવ થોડો ઓછો થયો હતો. મહંમદ સાહેબને ખુદને તબિયત કંઇક સારી લાગતી હતી. મહંમદ સાહેબના નિવાસ બહાર મસ્જિતના ચોકમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પયગમ્બર સાહેબની ખબર જાણવા ઉત્સુક બની ઉભા હતા. ફઝરની નમાઝનો સમય થયો. અબુબક્ર નમાઝ પઢાવવા ગયા. હજુ પ્રથમ રકાત પૂરી થઇ હતી. એટલામાં આયશાની ઝૂંપડીનો પરદો ઊંચકાયો. બે માણસોના ટેકે મહંમદ સાહેબ બહાર આવ્યા. તેમને જોઈ બહાર ઉભેલા સૌના ચહેરા ખીલી ઉઠ્યા. મહંમદ સાહેબે સસ્મિત પોતાના સાથી ફઝલને ધીમા સ્વરે કહ્યું,
“અલ્લાહે સાચ્ચે જ મને આ નમાઝ બતાવીને મારી આંખો ઠારી છે”
એજ ટેકાથી મહંમદ સાહેબ નમાઝ પઢતા લોકો તરફ આગળ વધ્યા. લોકોએ ખસીને મહંમદ સાહેબને રસ્તો કરી આપ્યો. અબુબક્ર નમાઝ પઢવતા હતા. તેઓ પાછે પગે ખસીને મહંમદ સાહેબ માટે ઈમામની જગ્યા કરવા ગયા. પણ મહંમદ સાહબે હાથના ઈશારાથી તેમને ના પડી. અને તેઓ નમાઝ પઢાવવાનું ચાલુ રાખે તેમ સૂચવ્યું. અને પોતે તેમની પાસે જમીન પર બેસી ગયા. અબુબકરે નમાઝ પૂરી કરી.
નમાઝ પછી મહંમદ સાહેબ ફરી પાછા આયશાની ઝૂંપડીમા ચાલ્યા ગયા. એઓ અત્યંત થાકી ગયા હતા. એક લીલું દાતણ માંગીને તેમણે દાંત સાફ કર્યા. પછી કોગળા કરીને સુઈ ગયા. આયશાનો હાથ મહંમદ સાહેબના જમણા હાથ પર હતો. તેમણે તેને પોતાનો હાથ ખસેડી લેવા ઈશારો કર્યો. થોડીવાર પછી તેમના મુખમાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા,
“હે અલ્લાહ, મને ક્ષમા આપ અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ”
પછી
“સદાને માટે સ્વર્ગ !” “ક્ષમા ” “હા પરલોકના મુબારક સાથીઓ” શબ્દો સાથે મસ્જિતમાંથી પાછા ફર્યા પછી થોડા કલાકમાં જ હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની ૧૨ તારીખને સોમવાર ઈ.સ. ૬૩૨, ૮ જૂનના રોજ મધ્યાહન પછી થોડીવારે મહંમદ સાહેબે “પર્દો ફરમાવ્યો”.

બહાર મસ્જિતમા લોકોનું ટોળું ભેગુ થયું હતું. ઘણાને વિશ્વાસ નહોતો પડતો કે ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે. સમાચાર મળતા જ અબુબક્ર મહંમદ સાહેબના રૂમમાં આવ્યા. અને તેમણે મહંમદ સાહેબના મુખ પરથી ચાદર ખસેડી અને તેમનું મોઢું ચૂમ્યું અને પછી કહ્યું,
“આપ જીવનમાં સૌના પ્રિય રહ્યા અને મૃત્યુમાં પણ પ્રિય રહ્યા છો. આપ મારા મા અને બાપ બંને કરતા મને પ્રિય હતા.આપે મૃત્યુના કડવા દુઃખો ચાખી લીધા. અલ્લાહની નજરમાં આપ એટલા કીમતી છો કે તે આપને મૌતનો આ પ્યાલો બીજીવાર પીવા નહિ દે”
બહાર આવી અબુબક્રએ લોકોને કુરાને શરીફની બે આયાતોનું સ્મરણ કરાવ્યું. એક આયાત કે જેમાં ખુદાએ મહંમદ સાહેબને ફરમાવ્યું હતું,
“અવશ્ય તું પણ મરણ પામશે અને આ બધા લોકો પણ મરણ પામશે”
અને બીજી આયાતમા ખુદાએ ફરમાવ્યું છે,
“મહંમદ એક રસુલ છે. તો પછી એ મરી જાય કે માર્યો જાય તો શું તમે તમારા ધર્મ (ઇસ્લામ) થી વિમુખ થઇ
જશો ?”
અલી,ઓસામ,ફજલ અને અન્ય સહાબીઓએ મહંમદ સાહેબના પાર્થવી શરીરને સ્નાન કરાવ્યું. તેમના શરીર પર બે ચાદરો લપેટવામાં આવી. સૌથી ઉપર યમનની એક કીનારીદાર ચાદર ઓઢાડવામાં આવી. એમના પાર્થવી શરીરને અંતિમ દીદાર માટે રાખવામાં આવ્યું. એ પછી મંગળવારે અબુબકર અને ઉમરે જનાજાની નમાઝ પઢાવી. અને તે જ દિવસે આયશાની ઝૂંપડીમાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, ત્યાજ તેમને દફનાવવામાં આવ્યા.

1 Comment

Filed under Uncategorized

ઈદ-એ-મિલાદ :ડૉ . મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અનુયાયીઓએ મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબનો જન્મદિવસ ઈદ-એ-મિલાદ અર્થાત બારે વફાત ૨૪ ડીસેમ્બરના રોજ ઉજવ્યો. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી.

યુવાનીમાં “અલ અમીન” અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબ એક સારા વેપારી હતા. હઝરત ખદીજાના વેપારી જહાજો લઈને વિદેશમાં ઈમાનદારીથી વેપાર કરી સારો નફો રળીને લાવ્યા હતા. તેમનામાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક “લાઈફ ઓફ મહંમદ” માં લખે છે,
“મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાન્તમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શો, એ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવા, ચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉતારાની ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી.”

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટો, યાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા. યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,

“તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતા, જગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા.”

યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક “મહંમદ એન્ડ મહંમદઇઝમ”માં લખે છે,

“મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન), એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો”
ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક “પ્રીચિંગ ઓફ ઇસ્લામ” માં લખે છે,

“મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું”

આમ મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબ અંગે વિશ્વના અનેક વિદ્વાનોએ પોતાના શબ્દો દ્વારા તેમના વિષે અઢળક અભિપ્રયો પાઠવ્યા છે. પણ ભાવનગરમાં વસતા નાનકડા શાયર મન્સુર કુરેશીએ મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબની શાનમાં રચેલ એક ગઝલ આપની સાથે શેર કરી વિરમીશ.

“મશહુર છે જગતમાં શરાફત હુઝુરની
રબને હતી પસંદ ઈબાદત હુઝુરની

કેવા હતા અબુબક્ર, ઉમર ઉસ્માન ને અલી !
જેણે કદી ના છોડી ઈબાદત હુઝુરની

જન્નત થશે વાજિબ, મળે જો અગર તને
અલ્લાહના ફઝલથી શફાઅત હુઝુરની

છે કેવો આલી મરતબો અલ્લાહથી મળ્યો !
જિબ્રીઈલ લઈને આવે ઇજાઝત હુઝુરની

આખિરમાં આવીને થયા ઈમામુલ અંબિયા,
છે કેટલી બુલંદ ઈમામત હુઝુરની

કાકાનો છે કાતિલ છતાં માફી મળે અહીં !
એવી હતી અનોખી અદાલત હુઝુરની

મનસુર ! દુવા એજ સદા માંગતો રહે,
મુજને ય મળી જાય શફાઅત હુઝુરની”

માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે. તેમાના જન્મ દિવસે નિમિત્તે આપણે સૌ તેમના આદર્શ જીવનમાથી થોડા વચનો પણ જીવન અને સમાજમાં અપનાવીશું તો સમાજ અને જીવનમાં વ્યાપેલી વિસમતાઓને અવશ્ય નિવારી શકીશું.

Leave a comment

Filed under Uncategorized

“વૈષ્ણવજન તો તેને કહીએ…” ભજનનું ઇસ્લામીકરણ

ગાંધીજીએ ૨૪,૨૫ ઓક્ટોબર૧૯૨૫ દરમિયાન કચ્છની મુલાકાત લીધી હતી. તેમની એ મુલાકાત કચ્છના ઇતિહાસમાં યાદગાર છે. પણ ગાંધીજી માટે એ બહુ સંતોષકારક ન હતી. ગાંધીજીની અનેક સભાઓમાં અસ્પૃશ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા જોઈ ગાંધીજી ઘણા વ્યથિત થયા હતા. અને એ માટે મુલાકાત દરમિયાન અનેકવાર તેમણે પોતાના વ્યાખ્યાનોમા દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આમ છતાં કચ્છમાં તેમને કેટલાક અદભુત અને યાદગાર અનુભવો પણ થયા હતા. કચ્છની એક સભામાં ગાંધીજીને ગૌરક્ષા માટે એક મુસ્લિમ ખોજા ગૃહસ્થ તરફથી રૂપિયા પાંચસોનું દાન મળ્યું હતું. એ ગૃહસ્થ વિષે મહાદેવભાઈ દેસાઈ લખે છે,

“એક ખોજા ગૃહસ્થે ગૌરક્ષા માટે રૂપિયા ૫૦૦ આપ્યા. આ સંબંધમાં ભાઈ ચમનની ઓળખાણ કરાવવી જરૂરી છે. નિખાલસતાનો એ નમુનો છે. કોઈનું રાખતો નથી. ગાંધીજીને પણ કઈ કહેતા સંકોચ નહિ, તેમ પોતાને વિષે માઠું કહેતા પણ સંકોચ નહી. સભાને બીજે દિવસે પોતે ગાંધીજી પાસે આવ્યા. અહિંસામાં પોતાની ઓછી થતી શ્રધ્ધાની વાત કરી. ખાદીથી એમનું શરીર સારું નથી રહેતું એવી વહેમની પણ વાત કરી. અને એકવાર પહેરેલી ખાદી કેમ છોડી એની પણ વાત કરી, ગૌરક્ષા માટે રૂ. ૫૦૦ આપ્યા, અને “વૈષ્ણવજન તો તેને કહીએ” નું ઉર્દૂ ભાષાંતર મુસ્લિમોને લગાડીને કરાયું એ ગાંધીજીને આપી ગયા.” (મહાદેવભાઈની ડાયરી પુસ્તક આઠમું, પૃ. ૩૨૭).

“વૈષ્ણવ જન તો તેને કહીએ” ભજનના રચયતા આપણા જાણીતા સંત નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૧૮) છે. ૧૫મી સદીમાં રચાયેલ આ ભજનમા ઈશ્વરના ભક્તની ઉત્તમ લાક્ષણિકતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. પાંચ વર્ષની ઉમરે તેમના માતા પિતાનું અવસાન થતા તેઓ જૂનાગઢ આવી વસ્યા હતા. એમ કહેવાયા છે કે આઠ વર્ષની ઉમર સુધી તેઓ બોલી શકતા ન હતા. ૧૪૨૬મા તેમના લગ્ન માણેકબહેન સાથે થયા હતા. જૂનાગઢમા તેઓ તેમના ભાઈ બંસીધરના ઘરમાં રહેતા હતા. નરસિંહ મહેતાએ અનેક પ્રભાવક ભક્તિ ગીતો લખ્યા છે. પણ તેમનું આ ભજન ગાંધીજીને અત્યત પ્રિય હતું. અને એટલે જ ગાંધીજીએ તેને આશ્રમની ભજનાવલીમા સ્થાન આપ્યું હતું. ગાંધીજી માટે ચમનભાઈએ કરેલ “વૈષ્ણવજન તો તેને કહીએ”નું ઇસ્લામીકરણ કે ઉર્દૂકરણ સાચ્ચે જ માણવા જેવું છે. તેમાં પણ વૈષ્ણવ જનના લક્ષણો ઉત્તમ રીતે ઉભારવાનો પ્રયાસ થયો છે. પણ ઉર્દુમાં રચાયેલ વૈષ્ણવ જન ભજનનો અનુવાદ માણીએ એ પહેલા મૂળ “વૈષ્ણવજન તો તેને કહીએ” ભજન જોઈએ. જેથી તેના ઇસ્લામીકરણના થયેલ ફેરફારને સંપૂર્ણપણે માણી શકાય.

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

ઉપરોક્ત ગુજરાતી ભજનનું ઉર્દૂ કે ઇસ્લામીકરણ સરળ ભાષામા કરવાનો પ્રયાસ ભાઈ ચમને કર્યો છે. આમ છતાં કેટલાક ઉર્દૂ શબ્દો એવા પણ તેમણે વાપર્યા છે જે થોડા ભારે છે. અને સમાન્ય જનને સમજવામા મુશ્કેલી પડે તેવા છે. પરિણામે તેનો ગુજરાતી અર્થ કૌંસમા આપેલ છે. ભજનનું ઉર્દુકરણ થયું હોવા છતાં તેમા વ્યક્ત થયેલ ભક્તિનો ભાવ યથાવત રહ્યો છે.

“મુસ્લિમ ઉસકો કહીએ, ઔરો કા દર્દ જાને
અહેસાં (અહેસાન) કરે કિસી પર, તો વો ભી ભૂલ જાને

સબસે ઝુકાએ સર કો, ગીબત (ટીકા) હરેક કી છોડે
દિલ ઔર ઝબાનો તનસે બદીઓસે (દુષણો) મુંહ કો મોડે

એક હી નજર હો સબ પર, માદર પરાઈ ઝન (સ્ત્રી) હો,
જુઠ કભી ન બોલે, મિટ્ટી પરાયા ધન હો.

હીર્સોહવસ (કામ) કો છોડે, રબ્બીવીર્દ (વૈરાગ) હો ઝબાં કા,
પરબત (પ્રતિબિંબ) હય ઐસે તનમેં હરપાક આસ્તાં (તીર્થ) કા

બુખ્લો (લોભ) નિફાકો (કપટ) શહવર્ત (મોહ) હો ગયઝ (ક્રોધ) દૂર જીસસે,
ઐસા બસર હૈ લે લો જન્નત કા નૂર જીસસે”

ભક્તિ અર્થાત ઈબાદતને ભાષા સાથે કોઈ સબંધ નથી. તેને કોઈ શ્લોક કે આયાત સાથે પણ સબંધ નથી. ભક્તિ ગીત, શ્લોક કે આયાત એ માનવીને મુલ્ય નિષ્ઠ વ્યવહાર તરફ નિર્દેશ માત્ર કરે છે. ભક્તિ કે ઇબાદતમાં તેનો ઉપયોગ માત્ર સ્વને ખુદામાં લીન કરી મુલ્યનિષ્ઠા માર્ગ તરફ સ્વને દોરવા માટે જ થયા છે. “વૈષ્ણવ જન તો તેને કહીએ” ભજન તેનું ઉત્તમ ઉદાહણ છે. તેમાં ખુદાનો બંદો કે ઈશ્વરનો ભક્ત કેવો હોવો જોઈએ તેના લક્ષણો આપવમાં આવ્યા છે. જે બીજાની પીડાને અનુભવે છે. જે નિરાભિમાની છે. જેણે મોહ, માયા અને કામ ક્રોધને વશ કર્યા છે. જે લોભી અને લાલચુ નથી. તે ખુદા-ઇશ્વરનો સાચો ભક્ત છે. જુદી જુદી ભાષા અને ધર્મમાં રચાયેલા આવા ભક્તિ ગીતો પોતીકી ભાષામાં અનુવાદિત કરવાનું કાર્ય સમાજમાં ધર્મિક સદભાવને પ્રસરાવવા માટે અનિવાર્ય છે. ગાંધી યુગમાં આવા કાર્યો થતા હતા. આ ભજન તેની સાક્ષીરૂપ છે. આજે પણ આપણા ભક્તિ ગીતોના અનુવાદો થવા જોઈએ. જેથી આપણી ધાર્મિક સદભાવના અને સંવાદિતતા જીવંત રહે અને એક તંદુરસ્ત સમાજના સર્જનમાં આપણે સૌ સહભાગી બની શકે એજ દુવા : આમીન.

Leave a comment

Filed under Uncategorized