સૂફી કથાઓમા માનવ મુલ્યો

સૌ પ્રથમ “દિવ્ય ભાસ્કર”ના તમામ મુસ્લિમ વાચકોને આકાશભરીને “ઈદ-ઉલ- અઝહા”ની મુબારકબાદ.તા. ૧૧ ઓગસ્ટના રોજ ગ્રામ દક્ષિણામૂર્તિ, મણારમા પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા અંતર્ગત
“સૂફી કથાઓમાં માનવ મુલ્યો” વિષયક વ્યાખ્યાન આપવાનો અવસર સાંપડ્યો. વ્યાખ્યાનનો આરંભ મેં સૌ પ્રથમ સૂફીસંતોના લક્ષણોથી કર્યો, જેમા ઠેર ઠેર માનવ મુલ્યો દ્રષ્ટિગોચર થાય છે. જેમકે
૧. સૂફીસંતો ખુદા કે ઈશ્વરને પ્રિયતમા માની તેનો “જિક્ર” કરે છે. તેને પ્રેમ કરે છે.
૨. તેઓ ખુદા કે ઈશ્વરને મંદિર-મસ્જિતમા નથી શોધતા. તેઓ માને છે ઈશ્વર કે ખુદા દરેક માનવીના હદયમા વસે છે.
૩. તેઓ મોટેભાગે ધાર્મિક ક્રિયાકાંડોથી અલિપ્ત રાહે છે.
૪. તેઓ મૃત્યુંને મુક્તિ માને છે. મુક્તિના આનંદની ઉજવણી કરે છે. અને એટલે જ સૂફીસંતોની દરગાહ પર ઉર્ષની ઉજવણી મૃત્યુતિથિ પર થાય છે, જન્મતિથી પર નહિ.
૫. સૂફી સંતો ઊંચનીચ, અમીર ગરીબ, ધર્મ જ્ઞાતિના ભેદભાવોમા માનતા નથી. તેમને મન સૌ સમાન છે. સૌ એક જ ખુદાના સંતાનો છે.
૬. તેઓ માને છે ખુદાની પ્રાપ્તિ માટે જરૂરી છે અહંકારનો ત્યાગ.
વિશ્વના સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી સંત હઝરત મહંમદ પયગમ્બર સાહેબ હતા. જેમના જીવન કવન માંથી સૂફીઓં હંમેશા પ્રેરણા લેતા રહે છે. તેઓ સાદગી, સેવા, સંયમ, ઈબાદત અને નિરાભિમાનનું આદર્શ દ્રષ્ટાંત હતા. તેઓ પોતાના અનુયાયીઓ સાથે સમાન વ્યવહાર કરતા.એકવાર સફરમાં સૌ ભોજન બનાવવામા લાગી ગયા. મહંમદસાહેબ જંગલમાંથી સૂકા લાકડા શોધવા નીકળી પડ્યા. સહાબીઓએ ઘણી ના પાડી ત્યાંરે તેઓ બોલ્યા,
“જે પોતાની જાતને અન્યથી ઉંચી કે બહેતર માને છે તેને ખુદા નથી ચાહતા”
આવા માનવીય સિદ્ધાંતોને જીવનમાં સાકાર કરનાર અનેક સૂફીઓ ભારતમાં થઇ ગયા
સૂફી સંતોના પિતામહ સમા અલ મન્સુર, જેમણે સૌ પ્રથમ “અનલ હક”નો સિધ્ધાંત આપ્યો. અર્થાત તેમણે સૌ પ્રથમ કહ્યું “હું ખુદા છું. મારામાં ખુદા છે” તેમની એ વાત એ યુગમાં કોઈના ગળે ન ઉતરી અને તેમને પથ્થરો મારીને મારી નાખવામાં આવ્યા. અબ્દુલ રહીમ ખાનખાન જેઓ અકબરના માર્ગદર્શક બહેરામ ખાનના પુત્ર હતા. અને ઉત્તમ કૃષ્ણભક્ત હતા. તેમણે પોતાની એક સાખીમાં કહ્યું છે,
“બડે બડાઈ ના કરે, બડેના બોલે બોલ
રહિમન હીરા કબ કહે લાખ ટકા હૈ મોલ”
સિંધના સૂફી સંતોમાં બુલ્લેશાહનું નામ ઘણું મોટું છે. તેમણે કહ્યું છે,
“મંદિર-મસ્જિદ તોડો,
મુઝે પ્યાર કૈસા
પર પ્યાર ભરા દિલ કભીના તોડો
જિસ દિલ મેં દિલબર રહેતા”
અત્રે જે દિલબરની વાત બુલ્લેશાહ કરે છે તે ઈશ્વર-ખુદા છે. જેના હદયમાં ખુદા રહે છે, તે દિલ ક્યારેય ના તોડો. આવા માનવ મૂલ્યોની શીખ બુલ્લેશાહના ઉપદેશોના કેન્દ્ર છે. એવા જ એક અન્ય સૂફીસંત થઇ ગયા બાબા ફરીદ, જેઓ જાણીતા સૂફીસંત નીઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. વર્ષો જગલમાં રહી, ઝાડના પાંદડાઓ ખાઈને ઈબાદત કરી. પછી તેઓ પોતાના ઘરે આવ્યા. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. ગૂંચાઈ ગયા હતા. વર્ષો પછી પોતાના પુત્રને જોઈ તેમની મા ઘણા ખુશ થયા. પુત્રનું માથું ખોળમાં મૂકી તેના પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદે કહ્યું,
“મા મારા વાળમાં હાથ ન ફેરવ. વાળ ગુંચાયેલા છે, તેથી મને પીડા થાય છે”
ત્યારે મા બોલ્યા,
“બેટા ફરીદ, વર્ષો તે જંગલમાં ઝાડના પાંદડા તોડી ને ખાધા ત્યારે એ વૃક્ષોને કેટલી પીડા થઇ હશે ?”
અને બાબા ફરીદને જ્ઞાન લાધ્યું “ઈબાદત એવી રીતે કરો જેમાં પીડા તમારે ખુદે સહેવી પડે”
સંત કબીર પણ ઉત્તમ કોટના સૂફી હતા. જેમનું જીવન અને સાખીઓ તેની સાક્ષી પૂરે છે. તેઓ કહે છે,
“મૌકો કહા ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં
નહીં ખાલ મેં, નહીં પોંછ
મેં ના હડ્ડી ના માસ મેં
ના મૈં દેવલ,
ના મૈં મસજિદ,
ના કાબે કૈલાસ મેં
મેં તો રહૌ સહર કે બહાર,
મેરી પુરી મવાસ મેં
કહે કબીર સુનો ભાઈ સાધો,
સબ સાંસો કી સાંસ મેં”
ગુજરાત પણ સૂફી પરંપરાથી તરબતર છે. સંત અહેમદ ખટુ ગંજબક્ષ, હઝરત ઉસ્માન, હઝરત શાહઆલમ શાહ, મહેમુદ શાહ બુખારી, હઝરત દાવલ શાહ, હઝરત સતાર શાહ. સૂફી સંપ્રદાયની ચિસ્તીયા શાખાના હિમાયતી સત્તાર શાહના કોમી એકતાને વાચા આપતા ભજનો આજે પણ લોક જીભે રમે છે.
“કોઈ બ્રાહ્મણ કોઈ વાણીયો
કોઈ સૈયદ કોઈ શેખ
જ્ઞાન કરીને જોઈ લો
ભાઈ આત્મ સૌના એક ”
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ.સ.૧૬૯૯) અને જીવણ મસ્તાન (ઈ.સ.૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ ગવાતી હતી.જીવણ મસ્તાન લખે છે,
“ઇશ્વરતો છે સોનો સરખો રે, એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે ઉભું થયું એવું ભાન છે
સજનો ક્સાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય , એ ભક્તિનો સાર”
આવ સૂફીસંતોએ વહેવડાવેલ માનવ મુલ્યોની સરવાણી આજે પણ આપણને રાહ ચીધતી રહે છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s