બિસ્મિલ્લાહ અર્થાત શિક્ષણનો આરંભ

ગઈકાલે ઉજવાએલ મારા પૌત્ર ઝેનની બિસ્મિલ્લાહના નિમંત્રણો મિત્રો અને સગા સબંધીઓને પાઠવ્યા, ત્યારે કેટલાક હિંદુ મિત્રોએ મને પૂછ્યું “બિસ્મિલ્લાહ” એટલે શું અને તેની ઉજવણી પાછળનો ઉદેશ શું ?” જો કે હિંદુ મિત્રો સાથે ઇસ્લામના કેટલાક અનુયાયીઓ પણ આજે તો બિસ્મિલ્લાહના પ્રસંગનું મહત્વ ભૂલી ગયા છે. આમ તો “બિસ્મિલ્લાહ” શબ્દ ઇસ્લામમાં કોઈ પણ શુભ કાર્યના આરંભ ટાણે વપરાય છે. જેમ હુંદુ ધર્મમાં “શ્રી ગણેશ નમઃ” કોઈ પણ શુભ કાર્યના આરંભમાં કહેવાય છે, તેમ ઇસ્લામમાં “બિસ્મિલ્લાહ” શબ્દ વપરાય છે. “બિસ્મિલ્લાહ” શબ્દનો અર્થ થાય છે “શરુ કરું છું અલ્લાહના નામથી” કુરાને શરીફનો આરંભ આ જ આયાતથી થાય છે. અને કુરાને શરીફના દરેક પ્રકરણોનો આરંભ પણ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ”થી થાય છે. જેનો અર્થ થાય ” શરુ કરું છું અલ્લાહના નામથી જે પરમ દયાળુ અને કૃપાળુ છે”
ઇસ્લામિક સંસ્કારો મુજબ પૈદાઈશ (જન્મ), અકીકા (મુંડન), ખતના (સુન્નત કે મુસલમાની) અને બિસ્મિલ્લાહ જેવા સામાજિક પ્રસંગોની ઉજવણી કરવાનો રીવાજ મુસ્લિમ સમાજમાં પ્રચલિત છે. બિસ્મિલ્લાહ એ કોઈ ધાર્મિક ક્રિયા કે આદેશ નથી. પણ મુસ્લિમ સંસ્કારોનો એક ભાગ છે. પરંપરાઓ સમાજ સાથે વણાઈ જાય ત્યારે તે સંસ્કાર બની જાય છે. બિસ્મિલ્લાહ પણ એવી જ એક પરંપરા છે જે ઇસ્લામિક સંસ્કાર બની ગઈ છે. જયારે કોઈ પણ મુસ્લિમ બાળક ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસનું થાય છે, ત્યારે તેના શિક્ષણનો આરંભ કરવામાં આવે છે. મુઘલ કાળમાં મુસ્લિમ બાળકોના શિક્ષણ માટે મકતબ અને મદ્રેસા હતા. મકતબમાં પ્રથામિક અને માધ્યમિક શિક્ષણ આપવામાં આવતું. જ્યારે મદ્રેસાઓમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અપાતું. મકતબમાં મૌલવી સાહેબો બાળકોને ધાર્મિક સાથે વ્યવહારુ શિક્ષણ પણ આપતા. આજે મદ્રેસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે જ જાણીતા છે. પણ એ યુગમાં મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ સાથે સાહિત્ય, તર્કશાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, કાયદા શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ચિકિત્સા, કલા કૌશલ્ય જેવા વિષયો પણ ભણાવવામાં આવતા. એટલે મુસ્લિમ બાળક ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસનું થાય ત્યારે તેના શિક્ષણનો આરંભ મકતબના મૌલવી સાહેબ દ્વારા કરવામાં આવતો. એ વિધિ ઇસ્લામના અનુયાયીઓમાં “બિસ્મિલ્લાહ પઢાવવા”ના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. એ પ્રસંગે મૌલવી સાહેબ બાળકને સૌથી પ્રથમ શબ્દ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ” (શરુ કરું છું અલ્લાહના નામથી જે પરમ દયાળુ અને કૃપાળુ છે) પઢાવે છે.

ઇસ્લામમાં શિક્ષણ દ્વારા જ્ઞાન(ઇલ્મ) મેળવવાનો મહિમા સૌથી વિશેષ છે. મુહંમદ (સ.અ.વ.) સાહેબ પર ઉતરેલ સૌથી પહેલી વહીનો પહેલો શબ્દ “ઇકરાહ” હતો. જેનો અર્થ થાય છે “પઢ, વાંચ”. કુરાને શરીફના ૩૦માં પારાની સૂરે અલક ૧ થી ૫ આયાતોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. હઝરત મહંમદ સાહેબ પર મક્કા શહેરના નાનકડા ડુંગરની હીરા નામક ગુફામાં રમઝાન માસમાં ઉતરેલા આ પ્રથમ વહી હતી. “વહી” એટલે છુપી વાતચીત, ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૦ દીવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને “રુહુલ કુદ્સ” અને “રુહુલ અમીન” કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબને કહ્યું,
“હું જિબ્રીલ આપને અલ્લાહનો શુભ સંદેશ આપવા માટે આવ્યો છું.આપ તેનો સ્વીકાર કરો. આપ અલ્લાહના રસુલ-પયગમ્બર(અલ્લાહનો સંદેશ લાવનાર સંદેશાવાહક) છો. પઢો અલ્લાહના નામે “ઇકરાહ”
અને પછી ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર ઉતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,
‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’
વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હતા કે આ દુનિયાનું સર્જન મેં કર્યું છે, તેનાં રહસ્યોને પામવા તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે, માટે જ ઇલ્મ અંગે ની આ આયાત સૌ પ્રથમ નાઝીલ થઈ. એ દ્રષ્ટિએ ઇસ્લામમાં જ્ઞાન કે ઇલ્મનો અત્યંત મહિમા છે. અને તે મેળવવા શિક્ષણ અત્યંત જરૂરી છે.

“બિસ્મિલ્લાહ પઢાવવા”ની વિધિ એ ઇલ્મ મેળવવાનો આરંભ છે. એટલે જ તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. દરેક મુસ્લિમ પોતાની હસ્તી મુજબ એ વિધિ ઉજવે છે. એ દિવસે માતાપિતા પોતાના સગા સબંધીઓને નિમંત્રણ પાઠવે છે. બાળકને નવા કપડા પહેરાવવામાં આવે છે. મસ્જિત કે પોતના નિવાસે મૌલવી સાહેબને બોલાવવામાં છે. અને બધાની હાજરીમાં મૂળાક્ષરની ચોપડીમાંથી મુળાક્ષરો ઓળખવી તેનું ઉચ્ચારણ કરાવે છે. પવિત્ર કુરાને શરીફની પ્રથમ શબ્દ “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્ રહીમ” પઢાવે છે. તેનો અર્થ સમજાવે છે. એ પછી હાજર રહેલા સૌ સગાસબંધીઓ બાળકના માતા પિતાને મુબારકબાદી આપે છે. બાળકના માતા પિતા તરફથી સબંધીઓ અને શિક્ષકને ભોજન અને મીઠાઈ પીરસવામાં આવે છે. આમ સૌ શિક્ષણના આરંભની ખુશી માણી છુટા પડે છે. એ દિવસ સમગ્ર કુટુંબ અને સબંધીઓ માટે આનંદનો દિવસ હોય છે. કારણ કે એ દિવસે બાળકે શિક્ષણ દ્વારા જ્ઞાન મેળવવાનો આરંભ કર્યો હોય છે. એ દિવસે તેના શિક્ષણનો આરંભ થયો હોય છે. કારણ કે કુરાને શરીફ અને હદીસોમાં શિક્ષણનું મહત્વ વિશેષ આંકવામાં આવેલ છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s