હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક વિદ્વાન છે હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ. અમેરિકા અને કેનેડામાં સ્થાયી બિન નિવાસી ભારતીય શિક્ષિત મુસ્લિમોની સંસ્થા “અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ફ્રોમ ઇન્ડિયા” દ્વારા ૧૧,૧૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ સાંતા ક્લારા, સાંફ્રાન્સીસકો (અમેરિકા)માં મળેલ વાર્ષિક અધિવેશનમાં ભારતના નાગપુર નિવાસી બહુશ્રુત વિદ્વાન મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ (૧૯૨૨-૨૦૦૭)ને “ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને એ એવોર્ડ એનાયત કરવાનું નિમંત્રણ પાઠવતા આયોજકોએ પત્રમાં લખ્યું હતું,

“કુરાન અને હદીસનું જ્ઞાન આમ સમાજ માટે સુલભ કરવાનું આપનું સમર્પિત મહાકાર્ય પ્રશંસનીય છે. ભારતીય નાગરિકો, વિશેષતઃ મુસ્લિમ સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે આપની પ્રતિબદ્ધતા ઉદાહરણીય છે. શિક્ષણમાં, ખાસ કરીને મહિલા શિક્ષણમાં, દીની-દુન્વયી ઉભય શિક્ષણોને સાંકળી લઈને આગેકુચ કરવા માટેનો આપનો આગ્રહ નવજીવન બક્ષનારો છે. મઝહબી તેમજ બીજા ક્ષેત્રોમાં આપની ગણના પાત્ર સિધ્ધિઓને લક્ષમાં લઈને “એફમી”ની કારોબારી કમીટી અને વાર્ષિક અધિવેશન સમિતિએ એનો પ્રતિષ્ઠિત “ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા” એવોર્ડ (ભારતનું ગૌરવ) આગામી અધિવેશનમાં આપને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે.”

ભારત સરકારે પણ તેમની ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજની ખિદમત (સેવા) માટે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના પ્રજાસત્તાક દિને “પદ્મ ભૂષણ” નો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું છે.

ભારતના આવા બહુશ્રુત વિદ્ધાન હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ અંગે હઝરત મૌલાના સૈયદ અબુલ હસન અલી નદવી લખે છે,

“પવિત્ર કુરાનની નિતાંત સેવા કરનારાઓમાં એક નામ પ્રિય અલહાજ મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબનું પણ છે, તેમની દીર્ઘકાલીન સેવાના કારણે ઇસ્લામના નિષ્ઠાવાન પ્રચારક તથા કુરાનના આવાહકના રૂપમાં સૌ તેમને ઘણા લાંબા સમયથી ઓળખે છે અને તેમની તકરીરો (પ્રવચનો)નો લાભ ઉઠાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં મુહતરમ મૌલાના પારેખ સાહેબના “દરસે કુરાન” (કુરાનના પાઠો)એ મુસ્લિમ નવજવાનો તથા આજના શિક્ષિત યુવા દેશબંધુ વર્ગને ઘણા પ્રભાવિત કર્યા છે. અને તેમનામાં દીન (ઇસ્લામ)નો શોખ તથા કુરાનનું આકર્ષણ પૈદા કર્યું છે. મુહતરમ મૌલાના સાહેબ પોતાના વ્યવસાય તથા કારોબારની જવાબદારીઓ સંભાળવા ઉપરાંત આજે પણ આ દીની ખિદમતને અંજામ આપી રહ્યા છે.”

હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ વ્યવસાયે વેપારી હતા. નાગપુર (મહારાષ્ટ્ર)માં તેમનો ઇમારતી લાકડાનો મોટો વેપાર હતો. આજે પણ તેમના પુત્ર એ વેપાર સંભાળી રહ્યા છે. પણ વેપાર સાથે તેમના વાંચન, લેખનના શોખે તેમને વિદ્વાન આલીમ બનાવ્યા હતા. ઉર્દૂ, અરબી, ફારસી, હિંદી, મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, સિંધી અને સંસ્કૃત ભાષાઓ પર તેમનું એક સરખું પ્રભુત્વ હતું. હિંદુ, ખ્રિસ્તી, યહુદી, બૌદ્ધ, જૈન, શીખ અને ઇસ્લામ ધર્મના તેઓ ઊંડા અભ્યાસુ હતા.ઇસ્લામમાં તેમનું મોટું પ્રદાન તેમના ઇસ્લામિક ગ્રંથો અને તકરીરો અર્થાત વ્યાખ્યાનો છે. એક માનવીય અને પરિવર્તનશીલ મુસ્લિમ તરીકે આજે પણ તેમના ઇસ્લામ અંગેના અભિપ્રયો આલિમો અને મુસ્લિમ સમાજમાં વજનદાર ગણાય છે.
ઇસ્લામ વિષયક તેમણે કુલ ૧૭ ગ્રંથો લખ્યા છે. જેમાં મુખ્યત્વે તશરીહુલ કુરાન (કુરાનનો સંપૂર્ણ અનુવાદ અને તેનું વિવરણ) જે ઉર્દૂ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. તફસીર ખજાના, આસાન લુગાતુલ કુરાન, કૌમે યહુદી ઔર હમ (કુરાન કી રોશની મેં), બહનો કી નજાત, હજ કા સાથી, ગાય કા કાતિલ કૌન ઔર ઈલ્ઝામ કિસ પર ?, મદહે રસૂલ (સલ), મોમીન ખવાતીન ઔર કુરાન, પારઃ અમ્મા, જાદુ કા તોડ, તલીમુલ હદીસ, આયાતે શીફા, દુઆ એ હિફાઝત અને હજ કે પાંચ દિન. આ તમામ ગ્રંથોનો એકથી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલા છે. આ ઉપરાંત યુ ટ્યુબ પરના તેના ઇસ્લામક વ્યાખ્યાનો જેવા કે ઇસ્લામ મેં ઔરત કા હક્ક,
તૌબા કયા હૈ ?, ઈમાનવલે કી સિફાત, શાદી બ્યાહ મેં ગલત રસ્મે, ચાર નિકાહ તીન તલાક, હદીસ શરીફ કા તારૂફ જેવા વ્યાખ્યાનો આજે પણ મુસ્લિમ અને ગૈર મુસ્લિમ બંને સમુદાયને માર્ગદર્શન આપતા રહે છે.

તેમનો બહુ જાણીતો ગ્રંથ “આસાન લુગાતુલ કુરાન” તો આજે પણ આમ મુસ્લિમ સમાજ અને આલીમોમાં કુરાનના શબ્દોના આધારભૂત સરળ શબ્દકોશ તરીકે જાણીતો છે. લુગાતુલ શબ્દ અરબી કે ઉર્દૂ ભાષાનો છે. તેનો અર્થ થાય છે “શબ્દ કોશ”. કુરાને શરીફના શબ્દોના આ સરળ શબ્દ કોશનું સૌ પ્રથમ પ્રકાશન ૧૯૫૨ માં થયું હતું. એ પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની આજ દિન સુધી ચાલીસ આવૃતિઓ પ્રગટ થઇ ચુકી છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાલી, તુર્કી અને અંગ્રેજીમાં તેનું ભાષાંતર પણ થયું છે. જેનું ગુજરાતી ભાષાંતર જનાબ અબ્દુલ કાદીર ફતીવાલાએ કરેલ છે. કુરાને શરીફના આયાતોના ક્રમ મુજબ તેમાં આવતા અરબી શબ્દોના ઉચ્ચારો અને તેના અર્થને દર્શાવતા આ કોશના ગુજરાતી અનુવાદ અંગે લેખક ખુદ લખે છે,

“વાચકોની સહૂલત માટે કિતાબને ચાર વિભાગોમાં વિભાજીત કરીને એની વિસ્તૃત અનુક્રમણિકા પણ શરૂમાં આપવામાં આવી છે. મુસલમાનો પોતાના દૈનિક જીવનમાં અતિ ઉપયોગી અને જિંદગીમાં જરૂરી સૂરતો અને દુવાઓ તેના મૂળ અરબી મતન, તેના શબ્દાર્થો અને ગુજરાતી ભાષાંતર સહીત એમાં ઉમેરવામાં આવ્યા છે. એનાથી એની નમાઝ અને દુવાઓમાં ઇન્શાલ્લાહ જાન પડશે. અને ખુશૂઅ તથા ખુઝુંઅ (એકાગ્રતા અને તન્મયતા)
માં વધારો થશે. ગુજરાતી અનુવાદમાં વ્યાકરણના પાંચ પરિશિષ્ઠો ઉમેરવામાં આવ્યા છે. વ્યાકરણમાં આપેલા સ્વાધ્યાયોના જવાબો પણ અલગ અલગ વિભાગ બનાવી આપ્યા છે. જેથી જાતે અભ્યાસ કરનાર પોતાના જવાબો એની સાથે મેળવી શકે”

એજ રીતે મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબે કરેલ કુરાને શરીફનો ગુજરાતી અનુવાદ પણ તારીફે કાબિલ છે. જેણે ગુજરાતી ભાષામાં કુરાને શરીફનો અભ્યાસ કરવા ઇચ્છતા ગુજરાતી મુસ્લિમોને કુરાને શરીફની આયાતોનો સાચો અર્થ અને તેનું વિવરણ જાણવામાં ભારે સહાય કરી છે. આવા બહુશ્રુત વિદ્વાનનું ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ ૮૫ વર્ષની વયે નિધન થયું. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી વિલાસ રાવ દેશમુખે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું,
“તેઓ ભારતની બિનસાંપ્રદાયિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s