યુગ પાલનપુરીની ગઝલોમાં આધ્યાત્મિકતા

શૂન્ય પાલનપુરી અને ઓજસ પાલનપુરી જેવા પાલનપુરના જાણીતા શાયરોએ પોતાની ગઝલો દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. ઓજસ પાલનપુર તો એક માત્ર શેર,
“મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરી ગઈ”
થી આજે પણ જાણીતા છે. એવા પાલનપુરમાં વસતા એક અન્ય શાયર યુગ પાલનપુરી, પાલનપુર શહેર અંગે લખે છે,
“દિલમાં ખુશ્બુ આંખમાં નૂર
એ જ અમારું પાલનપુર”
આમ તો યુગ પાલનપુરીનું મૂળ નામ ઈબ્રાહીમ કુરેશી છે. પણ તેમનું તખ્લુસ (ઉપનામ) તેમણે “યુગ પાલનપુરી” રાખ્યું છે. કારણ કે એ તખ્લુસની અંદર જીવે છે એક ધબકતો મઝહબી ઇન્સાન, જેની રચનોઓમાં ખુદાનો ખોફ અને ઇન્સાનિયતની સુગંધ પ્રસરેલી છે. હમણાં તેમનો ગઝલ સંગ્રહ “કુંજગલી” અનાયાસે મારા વાંચવામાં આવ્યો. ભાષાની મીઠાશ અને સરળતા સાથે વિચારોની મૌલિકતા સાચ્ચે જ ગમી જાય તેવા અનુભવ્યા.
“સુખમાં છું છતાંય પરેશાન થાઉં છું
સાચે જ સાચ એ ઘડી ઇન્સાન થાઉં છું
હિન્દુ ન થાઉં ન મુસલમાન થાઉં છું
બિન્દુ બની ને સિન્ધુનીય શાન થાઉં છું”
સિંધુ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિના મૂળમાં પડેલી છે. તેની શાનને વાચા આપનાર આ નાનકડો શાયર ખુદાના ફરિશ્તાઓની ઉંચાઈઓ અને ગહેરાઈઓથી પણ વાકેફ છે.
“છળ કપટથી દ્વેષથી જે દૂર થઇ ગયા
કોણે કહ્યું કે એ જ બધા નૂર થઇ ગયા
સહેલું નથી ઓ દોસ્ત મકબુલ થઇ જવું
બાકી ઘણાંએ માણસો મશહુર થઇ ગયા”
મશહૂર થવું અલગ વાત છે. અને મકબુલ થવું અલગ વાત છે. મકબુલ એટલે ખુદાનો એવો બંદો જે ખુદાને પ્રિય હોય અને જેની દુવા ખુદા કબુલ કરતા હોય.એટલે માત્ર છળ કપટ કે દ્વેષથી દૂર રહેનાર માનવી જ ખુદાના પ્યારા બંદા નથી બની શકતા. એ માટે તો એથી પણ વિશેષ પવિત્રતા, ઈબાદત અને નિસ્પૃહિતા જરૂરી છે. એકાગ્ર ઈબાદત જરૂરી છે. અને એટલે જ યુગ પાલનપુરી લખે છે,
“સાફ દિલ રાખ તું ખુદા માટે
કર દુવા તું પછી બધા માટે
રંગ ને રાગ બે ઘડીના છે,
એ નકામા છે આપણા માટે”
રંગ અને રાગ અર્થાત દુનિયાની માયા અને મોહ ખુદાના બંદા માટે સાવ નકામા છે. કારણ કે તે તો માત્ર બે ઘડીના જ છે. છેલ્લા મુગલ સમ્રાટ અને મશહુર શાયર બહાદુર શાહ “ઝફર”નો આવો જ એક શેર ખુબ જાણીતો છે.

“ઉમ્રે દરાજ માંગકર લાયે થે ચાર દિન
દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં”

ઇસ્લામમાં નમાઝને ઈબાદતનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. પણ નમાઝ પઢતા પૂર્વે દરેક મુસ્લિમેં સાચા નમાઝી થવું જરૂરી છે. યુગ પાલનપુરી એ અંગે શાયર લખે છે,
“સાચા નમાઝી માણસ ક્યાં છે
પ્રેમ પ્રકાશિત ફાનસ કયા છે
સંત કબીર તુલસી મીરા,
કલયુગના એ યાચક ક્યાં છે
જેના થકી હું માનવ થાઉં
એ સદગુણોની કાનસ ક્યાં છે”
સાચા નામાંઝીનો સૌથી મોટો ગુણ અને લક્ષણ સૌ પ્રથમ સાચો અને સારો ઇન્સાન થવાનો છે. તે ભલાઈને પ્રાધાન્ય આપે છે. અને પોતાના દુશ્મનનું પણ બૂરું નથી ઇચ્છતો. “કર ભલા હો ભલા અંત ભલે કા ભલા” એ ઉક્તિને સાકાર કરતા પોતાના એક શેરમાં શાયર કહે છે,
“આગ પાણીમાં લગાવીને તું વિખવાદ ન કર
કર ભલું કોઈનું પણ કોઈને બરબાદ ન કર”
આવો સારો ઇન્સાન જ સાચો નમાઝી થઇ શકે. અને આવા નમાઝીનો ખુદા સાથે એકાકાર થાય એ પળની કલ્પના કરતા યુગ પાલનપુરી કહે છે,
“આંખ અલ્લાહથી મળી ગઈ છે.
વેદનાઓ બધી ટળી ગઈ છે
જ્યાં દુવા માંગીએ ખુદા નામે
આશ દિલની બધી ફળી ગઈ છે”
અને જેની આંખ ખુદા સાથે મળી જાય છે, તેના દીલોમાંથી ધર્મના ભેદોની દીવાલો આપો આપ ઓગળી જાય છે.
“હૈયામાં જેના હરઘડી બેઠેલા રામ છે
એના દિલે તો પ્રેમ છે, રાધે છે શ્યામ છે
ભૂલી શકું કઈ રીતે રસખાનનું નામ
મુસ્લિમ હતો છતાંયે દિલે કૃષ્ણનામ છે
સળગે છે શાને હોળીઓ આપસમાં પ્રેમની
ઉંચા હર એક ધર્મના અહિયા મુકામ છે
ઈર્ષાનો છોડ વાવતા પહેલા વિચાર કર,
એ તો કોઈ આ દેશના દુશ્મનનું કામ છે”

આવા શાનદાર શાયર યુગ પાલનપુરીને તેમના વિચારોની ઊંચાઈ અને સરળતા માટે સલામ.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s