સુરે ફાતિહા : ઉમ્મુલ કુરાન : ડૉ. મહેબૂબ દેસાઈ

કુરાને શરીફનો આરંભ જે સૂરાથી થાય છે, તેને અલ ફાતિહા કહે છે. અલ ફાતેહા એટલે શરુ કરવું, આરંભ કરવો. અથવા મૃતાત્માઓ માટે પ્રાથના. આ સૂરા વિશ્વના તમામ મુસ્લિમો દરેક નમાઝ વખતે ફરજીયાત પઢે છે. છતાં મોટાભાગના મુસ્લિમો તેના અનુવાદ કે આધ્યાત્મિક અર્થથી વાકેફ નથી હોતા. આજે મારે એ અંગે થોડી વાત કરવી છે. સૂરે ફાતિહાને મહંમદ સાહેબ (સ.અ.વ.)એ “ઉમ્મુલ કુરાન” અર્થાત કુરાનની મા કહેલ છે. કારણ કે ઇસ્લામના સાચા હાર્દને આ સૂરાની માત્ર સાત આયાતોમાં સમાવવામાં આવેલ છે.સૌ પ્રથમ આપણે સૂરે ફાતિહાનો શુદ્ધ અનુવાદ જોઈએ.

“સઘળા વખાણ (સ્તુતિ)અલ્લાહ માટે જ છે, જે તમામ દુનિયાનો માલિક છે.
તે પરમ કૃપાળુ અને દયાળુ છે. ન્યાયના દિવસનો માલિક છે. અમે ફકત તારી જ ઈબાદત (ભક્તિ) કરીએ છીએ.અને તારાથી જ મદદની યાચના કરીએ છીએ. અમને સીધા માર્ગ પર ચલાવ. તે લોકોના માર્ગ પર જેના પર તે નેમતો (ખુદા તરફથી મળેલ સગવડતાઓ) ઉતારી છે, અને તે લોકોના માર્ગથી બચાવ જેનાથી તું ક્રોધિત થયો અને જેઓ સીધા માર્ગથી ભટકી ગયા”

સૂરે ફાતેહા કુલ સાત આયાતો પર આધારિત છે. જેમાની પ્રથમ ત્રણ આયાતોમાં અલ્લાહના વખાણ અને સ્તુતિનું આલેખન કરવામાં આવેલ છે. જયારે છેલ્લી ત્રણ આયાતોમાં માનવી તરફથી અલ્લાહ પાસે દુવાની દરખાસ્ત કે વિનંતી કરેલ છે. આ દરખાસ્ત કે વિનંતી અલ્લાહ પોતે જ પોતાન બંદોને શીખવાડે છે. જયારે વચ્ચેની ચાર નંબરની આયાતમાં અલ્લાહના વખાણ અને દુવા બંને છે. સૂરે ફાતિહાની આ સાતે આયાતો અલગ અલગ રીતે આપણે જોઈએ.
૧. તમામ તારીફ (વખાણ) એક માત્ર અલ્લાહ માટે જ છે, જે તમામ દુનિયાનો માલિક છે.
કુરાને શરીફની આ પ્રથમ આયાતમાં રબ્બીલ આલમીન શબ્દ વપરાયો છે. એ દર્શાવે છે કે રબ અર્થાત ખુદા. આલમીન અર્થાત સમગ્ર વિશ્વનો. અર્થાત ખુદા સમગ્ર વિશ્વનો માલિકા છે. તેમાં કોઈ એક કોમ, જાતી, પ્રદેશ કે વિસ્તારની સંકુચિતતા નથી. કારણ કે તેમાં રબ્બીલ આલમીન કહેવામાં આવ્યું છે, રબ્બીલ મુસ્લિમ નથી કહેવામાં આવ્યું. આવી સંકુચિતતા સમગ્ર કુરાને શરીફમાં કયાંય જોવા મળતી નથી. કારણ કે ખુદા સમગ્ર માનવજાત અને સમગ્ર વિશ્વનો છે. અને તેથી જ તેને રબ્બીલ આલમીન કહેવામાં આવેલા છે. તેમાં વિશ્વના પ્રત્યેક સજીવ-નિર્જીવ પદાર્થો, દ્રશ્ય-અદ્રશ્ય મખ્લુક, સુર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, આકાશગંગા, નિહારિકાઓ, નક્ષત્રો, વીજળી. પર્યાવરણ, વનસ્પતિ, ફરિશ્તા, જીન્નાત બધાનો સમાવેશ થાય છે.
૨. બીજી આયાતમાં કહ્યું છે “તે ઘણો જ કૃપાળુ અને દયાળુ છે.” આ આયાતમાં અલ્લાહની બેપનાહ રહેમતોની તારીફ (વખાણ) કરવામાં આવેલા છે. સમગ્ર માનવજાત પર ખુદાની રહમ નજર (કૃપા દ્રષ્ટિ) અવિરત છે. તેની નજરમાં કોઈ ભેદભાવ નથી. કોઈ વેરઝેર નથી. તેની નજરમાં સૌ સમાન છે. અલબત સૌના આમાલો-કર્મો પર તેની નજર છે. તેના ખજાનામાં કોઈ ખોટ નથી. સાચી નિયતથી માંગનાર સૌને તે આપે છે.
૩. ત્રીજી આયાતમાં કહ્યું છે “ન્યાયના દિવસનો તે માલિક છે” અર્થાત કયામતના દિવસ. અલ્લાહ તઆલાએ સારા નરસા આમાલોનો બદલો આપવા માટે નક્કી કરેલો દિવસ એટલે “ન્યાયનો દિવસ” “કયામતનો દિવસ”. દરેક વ્યક્તિને તેના આમાલનો બદલો, કર્મોનો બદલો આપવામાં આવશે. અલ્લાહે પૃથ્વી પર માનવજાતનું સર્જન સદ્કાર્યોના પ્રચાર અને અમલ માટે કર્યું છે. પણ તેનો હિસાબા તો “ન્યાયના દિવસે” કરવાની બાહેધરી આ આયાતમાં ખુદાએ આપેલ છે. કુરાને શરીફમાં આ અંગે ઘણી આયાતો છે. જેમકે
“એટલે અમે લોકોને આખીરત (ન્યાયનો દિવસ) ના અઝાબ (સજા) પહેલા દુનિયામાં એ સજા સમકક્ષ સ્વાદ ચખાડીએ છીએ.”(૩૨.૨૧)
“આખીરતની સજા ઘણી મોટી હોય છે” (૬૮.૩૩).
૪.ચોથી આયાતમાં કહ્યું છે, “અમે ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ અને ફક્ત તારી પાસે જ મદદની યાચના કરીએ એ છીએ” આ આયાતમાં પ્રથમ વાક્ય સ્તુતિ અર્થાત વખાણનું છે જયારે બીજું વાક્ય ઈબાદત અર્થાત દુવાનું છે. ઇસ્લામમાં તોહીદ કેન્દ્રમાં છે. તોહોદ એટલે એકેશ્વર વાદ. ખુદા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. ઇસ્લામમાં ખુદા સિવાય અન્યની ઈબાદત સ્વીકાર્ય નથી. ખુદા સિવાય કોઈને સિજદો માન્ય નથી. અર્થાત દરેક મુસ્લિમ એક માત્ર ખુદાની જ ઈબાદત કરે છે, અને તેની જ ઈબાદત કરવાના આદેશનું પાલન કરે છે. જ્યારે બીજા વાક્યમાં ખુદા પાસે મદદ, સહાય અને સહકારની યાચના, વિનતી, અરજ કે આજીજી કરવામાં આવેલા છે. ખુદા પાસે કરગરીને, રડીને, વિનતી કરીને માંગવાની ક્રિયા સાથે સવાબ અને યકીન બંને સંકળાયેલા છે. સવાબ એટેલે પુણ્ય અને યકીન એટલે ઈમાન. વિશ્વાસ.
છેલ્લી ત્રણ આયાતો એક બીજા સાથે ભાવ અને અર્થથી જોડાયેલી છે. તેમાં કહ્યું છે,
“અમને સીધા માર્ગ પર ચલાવ.
એવા લોકોના માર્ગ પર જેને તે નેમતો આપી છે.
અને એવા લોકોના માર્ગથી બચાવ જેના કાર્યોથી તું ક્રોધિત થયો, અને જેઓ સીધા માર્ગથી ચલિત થઇ ગયા”

આ આયાતમાં બંદો ખુદા પાસે “સીધા માર્ગ પર ચલાવવાની દુવા માંગે છે. સીધો માર્ગ એટેલે નૈતિક, મુલ્યનિષ્ઠ અને સત્યનો માર્ગ. સદ્કાર્યો અને સેવાનો માર્ગ. સત્યના આચરણ અને નિષ્ઠાનો માર્ગ. એવા માર્ગે ચાલનાર તારા બંદાઓને તે ખુબ નેમતો આપી છે. પણ એવા લોકોના માર્ગ પર એ ખુદા અમને ન ચલાવીશ જેના કાર્યો કે આમાંલોથી તું નારાજ થાય છે, ગુસ્સે થાય છે. જેઓ નૈતિક, મુલ્યનિષ્ઠ અને સત્યના માર્ગથી ચલિત થઈ ગયા છે.
ટુંકમાં કુરાને શરીફની નમાઝમાં વારંવાર પઢાતી “સૂરે ફાતિહા”નું અત્રે અલ્પ વિવરણ આ નાચીઝે કરવાનો આછો પ્રયાસ કર્યો છે. અલ્લાહ તેને વધુ સમજવાની અને તેનો અમલ કરવાની મને અને આપ સૌને હિદાયત અને શકિત આપે -આમીન

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s