નમાઝ અને યોગા : ડૉ. મહેબૂબ દેસાઈ

૫,૬ માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગ અને હોલીસ્ટીક રીસર્ચ સેન્ટર, સૂરતના સંયુક્ત ઉપક્રમે “હોલીસ્ટીક વે ઓફ લીવીંગ એન્ડ યોગા” વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. એ સેમીનારના ઉદઘાટન સમારંભમાં અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એમ પટેલ સાહેબે તેમના વ્યાખ્યાનમાં કહ્યું હતું,
“ઇસ્લામમાં મહંમદ સાહેબે દરેક મુસ્લિમને પાંચ સમયની નમાઝનો આદેશ આપ્યો છે. દરેક પાક મુસ્લિમ પાંચ સમયની નમાઝ પઢે છે. તે નમાઝ પઢવાની ક્રિયા પણ એક પ્રકારનો યોગ છે.”

કુલપતિશ્રીનું આ વિધાન સાચ્ચે જ વિચાર માંગી લે તેવું છે. નમાઝની ક્રિયાને યોગ સાથે સરખાવી મા. પટેલ સાહેબે બંને ધર્મના સમન્વયકારી સ્વરૂપને વાચા આપી છે. દરેક ધર્મના મૂલ્યો અને વિચાર એક સમાન છે. પણ મંઝીલ પર પહોંચવાના માર્ગો કે કિયા ભિન્ન છે. અલબત્ત યોગાને આપણે ધર્મ કરતા વિજ્ઞાન કહીએ તો પણ દરેક ધર્મના પાયામા રહેલા જ્ઞાન અને વિજ્ઞાનના વિચારોમાં માનવકલ્યાણની ભાવના સમાન છે. નમાઝની ક્રિયાએ પણ ઇસ્લામના આદેશ મુજબની શારીરિક, માનસિક અને અધ્યાત્મિક કસરત છે. તે દ્વારા માનસિક તાણ, સાથે હદય અને કમરના રોગોમાં અવશ્ય રાહત મળે છે.બલ્ડ પ્રેશર સમતુલ રહે છે. યોગા અને નમાઝ બંનેની ઉત્પતિના મૂળમાં શારીરિક અને આધ્યાત્મિક તંદુરસ્તી છે. બંને પોતાના સ્થાને સ્વતંત્ર અને આગવી વિચાર ધારા ધરાવે છે. પણ બંનેના ઉદેશો સમાન છે.
યોગ અને ઇસ્લામની નમાઝનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ વિદ્વાનોએ અનેક વાર કર્યો છે. એવો એક પ્રયાસ ૧૭ જુન ૨૦૧૫ના રોજ દિલ્હીમાં થયો હતો. રાજ્ય કક્ષાના સ્વસ્થય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીપાદ યાસ્સૂ નાયકે “યોગા એન્ડ ઇસ્લામ” નામક અંગ્રેજી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. ૩૨ પૃષ્ઠ અને ૧૨ પ્રકરણની આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન આર.એસ.એસ સાથે જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા થયું હતું. તેમાં “યોગ ઇઝ નોટ અન ઇસ્લામિક”, “ઓબ્જેકટીવસ ઓફ યોગા ઇઝ નોટ સ્પ્રેડ હિંદુ રીલીજીયન”, “નમાઝ ઇઝ વન સોર્ટ ઓફ યોગા આસન” અને યોગા ઇઝ નોટ અનનોન તો મુસ્લિમ” જેવા પ્રકરણોમાં નમાઝની ક્રિયાઓ સાથે યોગના આસનોની સામ્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ પુસ્તિકાની કેટલીક બાબતોનો મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ કર્યો હતો.
યોગને ઇસ્લામની નમાઝની ક્રિયા સાથે સરખાવવાનો આ પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલા પણ આ વિષય પર વડોદરાના અશરફ એફ નિઝામીએ “નમાઝ, ધી યોગા ઓફ ઇસ્લામ” નામક પુસ્તક ૧૯૭૭ પ્રકાશિત કર્યું હતું. જેમાં નમાઝની વિવિધ ક્રિયાઓને યોગોના આસનો સાથે સરખાવવામાં આવ્યા હતા.એ પછી તેમણે રાયપુરમાં યોજાયેલ “National Yoga Convention”માં “Synthesis of Namaz and Yoga” વિષયક સંશોધન પત્ર ૩ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ રજુ કર્યું હતું. જેમાં તેમણે નમાઝની કુલ સાત અવસ્થાઓને યોગના આસનો સાથે સરખાવી, ઈબાદતમાં એકાગ્રતા લાવવામાં તેમની ભૂમિકા સમજાવી હતી. તેમણે પોતાના સંશોધન પત્રમાં રજુ કરેલ વિગતો જાણવા જેવી છે. તેઓ પોતાના શોધ પત્રના આરંભમાં લખે છે,

“એરેબીક ભાષામાં નમાઝને “સલાહ” કહે છે. સલાહ શબ્દ “સીલા” પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે મુલાકાત કે મળવું. એ અર્થમાં નમાઝ એટલે ખુદા સાથેની મુલાકાત. નમાઝની ક્રિયામાં ખુદાનો બંદો ખુદા પાસે પોતાની કેફિયત રજુ કરે છે અને ખુદા તેનો સ્વીકાર કરે છે.”
નમાઝ હઝરત મહંમદ સાહેબે ખુદાની ઈબાદત માટે આપેલ ક્રિયા છે. પાંચ સમયની અર્થાત ફજર (સૂર્યોદય પહેલા પ્રભાત), ઝોહર (બપોર), અશર (સાંજ), મગરીબ (સૂર્યાસ્ત પછી) અને ઈશા (રાત્રી) ની નમાઝ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. દરેક નમાઝમાં રકાત હોય છે. એક રકાતમાં સાત શારીરિક ક્રિયા કરવાની હોય છે. એ સાત ક્રિયાઓને ૧. કીયામ ૨. રુકુ ૩. કોમાહ ૪. સજદા ૫. જલસા ૬. કદાહ અને ૭. સલામ કહે છે. જો કે આમ તો સાચા અર્થમાં જોઈએ તો નમાઝની આંઠ ક્રિયાઓ છે. ૧. તકબીર ૨. કીયામ ૩. રુકુ
૪. કોમાહ ૫. સજદા ૬. જલસા ૭. કદાહ અને ૮.સલામ. પણ શારીરિક કસરતની દષ્ટિએ સાત ક્રિયાઓ મહત્વની છે.
જેમાં કીયામ સૌ પ્રથમ છે. કીયામમાં બંને હાથ નાભી પર બાંધી નીચી નજર રાખી સિધ્ધા ઉભા રહેવું. એ પછીની ક્રિયા રુકુંમા કમરેથી વાંકા વળી બંને હાથો ઘૂંટણ પર રાખવા અને નજર બંને પગોની વચ્ચે નીચે રાખવી. “રુકુ”ની સ્થિતિને યોગના “અર્ધ ઉત્તરાસન” અથવા અર્ધ શીર્ષાસન સાથે સરખાવી શકાય. છે. એ પછી કોમાહમા ફરીવાર ઉભા થઇ સંપૂર્ણ શાંત અને એકાગ્ર ચિત્તે ઉભા રહેવાનું છે. પછી “સજદા”માં જવાનું છે. નમાઝમાં “સિજદા”ની ક્રિયા એક વિશિષ્ઠ અવસ્થા છે. જેમાં બંને ઘુટણ અને બંને હાથોની હથેળીઓ સાથે પેશાની એટલે કે કપાળ અને નાકને જમીન પર ટેકવવામાં આવે છે. તેને નમાઝમાં “સિજદો” કહેવામાં આવે છે. યોગના સંદર્ભમાં આ સ્થિતિને “બાલાસન” અથવા અર્ધ શીર્ષાસન પણ કહી શકાય છે. નમાઝમાં બે વાર સિજદો કરવામાં આવે છે. સિજદા પછીની અવસ્થા “જલસા”ની છે. “જલસા” અર્થાત બને પગો ઘુટણથી વાળી બંને હાથો ઘુટણ પર રાખી, નજર નીચી રાખી, ટટ્ટાર બેસવાની ઇસ્લામિક સ્થિતિ. મેડીટેશન માટેની આ ઉત્તમ સ્થિતિ છે. જેને યોગાના સંદર્ભમાં “વર્જાસન” સાથે સરખાવી શકાય. અને એ પછીની સલામની ક્રિયા છે. જેમાં નજર બંને ખભા પર રાખી મસ્તકને જમણી અને ડાબી બાજુ ફેરવવામાં આવે છે. નજર અને ગરદનને તેથી કસરત મળે છે.
આ પ્રમાણે પાંચ સમયની માત્ર ફર્ઝ નમાઝ અદા કરતી વખતે દરેક મુસ્લિમ ઉપર મુજબની રોજ ૧૯૯ વાર શારીરિક ક્રિયા (કસરત) કરે છે. સમગ્ર માસ દરમિયાન કુલ ૩૭૫૦ શારીરિક ક્રિયા કે કસરત દરેક મુસ્લિમ નમાઝ અદા કરતી વખતે કરે છે. જયારે સમગ્ર વર્ષ દરમિયાન ૪૨,૮૪૦ વાર તે પાંચ સમયની નમાઝ અદા કરતી વખતે શારીરિક ક્રિયા કે કસરત કરે છે. માનવીનું આયુષ્ય સરેરાશ ૫૦ વર્ષનું ગણીએ તો ૧૦ વર્ષની ઉમરથી તેણે નમાઝ પઢવાનું શરુ કર્યું હોય તો તે પોતાના આયુષ્ય દરમિયાન ૧,૭૧૩,૬૦૦ વાર આંગિક ક્રિયા કે કસરત નમાઝ દરમિયાન કરે છે. પરિણામે નિયમિત નમાઝ પઢનાર મુસ્લિમ શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે હંમેશા તંદુરસ્ત રહે છે. અને એટલે જ કુરાને શરીફ (૨૬.૪૫)માં કહ્યું છે,
“પાબંધ નમાઝી શારીરિક માંદગી કે માનસિક વ્યથાઓથી કયારેય પીડાતો નથી”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s