ગાંધીજીનો બાઈબલ ખંડ : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતને ઉત્તમ પ્રવાસ સ્થાન તરીકે વિકસાવવાના ગુજરાત સરકારના પ્રયાસો પ્રશંસનીય છે. પરિણામે ગુજરાતના પ્રવાસ સ્થાનોના પ્રચાર પ્રસારનું કાર્ય વિવિધ માધ્યમો દ્વારા સતત ચાલ્યા કરે છે. ગુજરાતના અર્વાચીન પ્રવાસ સ્થાનોમાં ગુજરાત વિદ્યાપીઠ અને ગાંધી આશ્રમ મોખરે છે. પણ તેનો યોગ્ય પ્રચાર પ્રસાર અનિવાર્ય છે. એવું જ એક પ્રવાસ સ્થાન ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે જેનું નામ છે “ગાંધીજીનો બાઈબલ ખંડ”. ૧૯૨૬માં નાદુરસ્ત તબિયતને કારણે ગાંધીજીએ અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું હતું. એજ અરસામાં ગાંધીજી નિયમિત ગુજરાત વિદ્યાપીઠના એક ખંડમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો આપતા. એ ખંડ આજે પણ યથાવત રીતે જાળવી રાખવામાં આવ્યો છે. એ ખંડની બહારની તકતીમાં લખવામાં આવ્યું છે,
“મહાત્મા ગાંધી સન ૧૯૨૬ની સાલમાં આ ખંડમાં દર શનિવારે બાઈબલનું વાંચન કરતા હતા. અને તેની સમજુતી આપતા હતા. આ પ્રવચનોનો લાભ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો ઉપરાત લોકો પણ લેતા હતા”
ગાંધીજી દર શનિવારે આ ખંડમાં બાઈબલનું વાંચન કરતા. એ સાથે દરેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોની તુલના પણ બાઈબલના સિદ્ધાંતો સાથે કરતા હતા. વળી, ગુજરાત વિદ્યાપીઠમાં આજે પણ દરેક કાર્યકરને સેવક જ ગણવામાં આવે છે. અહિયા પટાવાળાથી માંડીને કુલનાયક સુધી સર્વ સેવક છે. અને સૌની સાથે સમાન માનપૂર્ણ વ્યવહાર કરવાનો હોય છે. એ પ્રથા ગાંધીજીએ પાડી હતી. જેનો ઉલ્લેખ પણ આ તકતીમાં જોવા મળે છે. આજે પણ
બાઈબલ ખંડની ગરીમા અને પવિત્રતા અંદર દાખલ થનાર સૌ કોઈ અનુભવે છે. તેની દીવાલો પર દરેક ધર્મના સુંદર આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે. હિંદુ ધર્મ અંગેનું ગાંધીજીનું અવતરણ માણવા જેવું છે. “મારો હિંદુ ધર્મ”ના મથાળા નીચે લખ્યું છે,
“મારો હિંદુ ધર્મ એકદેશીય નથી. તેમાં તો ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ અને જરથોસ્તી ધર્મ- આ સૌમાં જે સરસ વસ્તુ હું જાણું છું-એ વસ્તુનો સમાવેશ થાય છે”
એ સાથે મનુસ્મૃતિ અને ભગવત ગીતાના બે સુંદર શ્લોકો, જેમાં ધર્મની ટૂંકી વિભાવના આપવામાં આવી છે તે એક તકતીમાં મુકવામાં આવ્યાછે. જેમાં નોધ્યું છે,
“સજ્જન તથા રાગદ્વેષ રહિત એવા વિદ્વાનોએ નિત્ય જેનું સેવન કર્યું હોય અને જેનો હદય સ્વીકાર કરે તેને ધર્મ
જાણવો” (મનુસ્મૃતિ ૨.૧)
“કર્મને વિષે જ તારો અધિકાર છે, તેમાંથી નીપજતા ફળ વિષે કદાપી નહિ. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ કરવા વિષે પણ તેનો આગ્રહ ન હજો” (ભાગવત ગીતા ૨.૪૭)
ગીતાના બહુ જાણીતા આ શ્લોકનું આવું સરળ ભાષાંતર અવશ્ય નાનામાં નાના માનવીને સમજાય તેવું છે.ઈશ્વરના ભિન્ન ભિન્ન ભવનો અર્થાત ભક્તિ-ઈબાદત સ્થાનો અંગે પણ આ બાઈબલ ખંડમાં ગાંધીજીનું એક સુંદર અવતરણ તકતીમાં મુકવામાં આવેલા છે. જેમ લખ્યું છે,
“મંદિરો, મસ્જીતો અથવા દેવળો….આ બધા ઈશ્વરના ભવનો વચ્ચે હું કશો ભેદ કરતો નથી. એ બધા શ્રધ્ધાએ નિર્માણ કર્યા છે. કોઈને કોઈ રીતે અદ્રષ્ટને પહોંચવાની માનવીની ઝંખનાને એ સંતોષે છે”
તેની સાથે જ સર્વધર્મ નિષ્ઠાના મથાળા નીચે ગાંધીજીના સર્વધર્મ વિચારને વ્યક્ત કરતા એક તકતીમાં લખ્યું છે,
“મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ બંધ કરી દેવામાં આવે એ હું નથી ઈચ્છતો. મારા ઘરની આસપાસ દેશદેશાન્તરની સંસ્કૃતિઓના પવન સૂસવતા રહે એમ જ હું પણ ઈચ્છું છું. પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઉથલી પડું એ હું નથી ઈચ્છતો”
ભારતીય સંસ્કૃતિમાં સમન્વય જરૂરી છે. પણ એ સમન્વય આપણી સંસ્કૃતિના હાર્દને ખંડિત કરે તે ખુદ ગાંધીજી ઇચ્છતા ન હતા. એ આ અવતરણ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે. અને એ સમન્વયના ભાગ રૂપે બાઈબલ ખંડમાં દરેક ધર્મના સુંદર અવતરણો આપવામાં આવ્યા છે. ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની આયાતોને એક તકતી ઉપર ટાંકતાં લખવામાં આવ્યું છે,
“તું ગમે તે બાજુ ફરે, ત્યાં અલ્લાહ અભિમુખ છે” (કુરાન : ૨.૧૦૯)
“અલ્લાહનો આદેશ ન્યાય માટે, સત્કાર્યો કરવા માટે અને આશ્રિતોને જરૂર હોય તે પૂરું પાડવા માટે છે. તે દુષ્ટતા અસમાનતા, અને જુલ્મનો નિષેધ કરે છે” (કુરાન : ૧૬.૯૨)
ખ્રિસ્તી ધર્મના ઉદેશને સાકાર કરતુ અવતરણ એક અન્ય તકતી પર જોવા મળે છે.
“ઈસુ કહે છે ‘તું તારા પ્રભુ ઉપર પુરા હૃદયથી, પુરા જીવથી અને પુરા મનથી પ્રેમ રાખજે : એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ બીજી છે : તારા માનવ બધું ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખજે. સમગ્ર શાસ્ત્રનો અને પયગમ્બરની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે”
જરથોસ્ત ધર્મનું પણ એક સુંદર અવતરણ બાઈબલ ખંડની દીવાર પરની એક તકતી પર પણ જોવા મળે છે.જેમાં લખ્યું છે,
“સર્વ માનવી પોતા સમા અને પોતાના બાળકો સમા છે. આથી માનવીએ જાણીબુઝીને બીજાઓને પીડા ન કરવી જોઈએ.તે જ રીતે તેમને થતી પીડામાં આનંદ ન માનવો જોઈએ” (ડીન્કર્ડ-૯)
“સુખી એ, જેનાથી બીજા સુખી” (યસ્ન : ૪૩.૧)
એ જ રીતે જૈન ધર્મના પણ બે અવતરણો આપવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે.
“પોતાના માટે કે પારકા માટે ક્રોધના આવેશમાં આવીને કે ડરીને કોઈની હિંસા થાય એવું અસત્ય વચન બોલવું નહી અને બીજા પાસે બોલાવવું નહિ” (દશવૈતાલિક સુત્ર : ૬.૧૧)
“પોતાના આત્માનું હિત ઇચ્છતા મનુષ્યે પાપને વધારનાર ક્રોધ, માન માયા અને લોભ આ ચારે દોષને તજી દેવા જોઈએ” (દશવૈતાલિક સુત્ર : ૮.૩૭)
બૌદ્ધ ધર્મના આદર્શ સૂત્રને વ્યક્ત કરતા એક તકતી પર લખ્યું છે,
“આ જગતમાં વેરથી વેર કદી પણ શાંત થતા નથી. પ્રેમથી વેર શાંત થાય છે એ સનાતન ધર્મ છે”
(ધમ્મપદ ૧.૫.)
“અક્રોધ વડે ક્રોધને જીતવો, સાધુતા વડે અસધુતાને જીતવી, દાન વડે કંજુસાઈને જીતવી અને સત્ય વડે અસત્યવાદીને જીતવો” (ધમ્મપદ ૧૭.૩.)

આવા સુંદર આધ્યાત્મિક અવતરણોથી સજાવેલ ગાંધીજીના “બાઈબલ ખંડ”ની ગુજરાતના પ્રવાસે આવતા સૌ પ્રવાસીઓએ એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. તેમાં વ્યાપેલ ગાંધી મહેકને માણવી જોઈએ. તેમાં અનુભવાતી શાંતિ અને પવિત્રતાને આત્મસાત કરવી જોઈએ. તો જ ગુજરાતના અર્વાચીન પ્રવાસ સ્થાનોની મુલાકાતે આવતા પ્રવાસીઓ પ્રવાસનો સાચો હાર્દ પામી શકશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s