યે કતઈ ઇસ્લામ નહી હૈ

 

આતંકવાદીઓની વિશ્વભરમાં અમાનવીય હત્યાઓએ પુન: ઇસ્લામના સિદ્ધાંતો અને આદેશો અંગે લોકોને વિચારતા કરી મુક્યા છે. ન્યુસ ચેનલો અને અખબારોને ચર્ચવાનો એક ગરમાગરમ વિષય મળી ગયો છે. દરેક પક્ષના સભ્યો અને સમાજ ચિંતકો પોતાના મંતવ્યો સંભાળી સંભાળીને મૂકી રહ્યા છે. કારણ કે મંતવ્ય મુકવામાં પણ આમીર ખાન કે શાહરૂખ ખાન જેમ ફસાઈ જવાનો ભય સૌને છે. એમાંય વળી, મુસ્લિમ સેલિબ્રિટી માટે તો આ તકેદારી અનિવાર્ય બની ગઈ છે. કારણ કે સહિષ્ણુતા અને અસહિષ્ણુતાના અંગેના તેમના વિધાનોને એક ખાસ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આજે સંસદ સુધી એ ચર્ચા ચાલી રહી છે. એવા સમયે ઇસ્લામ અને તેના સાચા સિદ્ધાંતોની વાત અનિવાર્ય બને છે. આતંકવાદીઓ ઇસ્લામના નામે જે અમાનુષી કાર્યો કરી રહ્યા છે, “યે કતઈ ઇસ્લામ નહી હૈ”.  ઇસ્લામમાં આવા કોઈ આદેશો નથી. ઇસ્લામ માનવીય મઝહબ તરીકે મહંમદ સાહેબના યુગમાં જાણીતો હતો. અને આજે પણ તેના સિદ્ધાંતો એ જ દર્શાવે છે.

કોઈ ધર્મ અમાનવીય, અનૈતિક કૃત્યોને આચરવાનો આદેશ આપતો નથી. કોઈ ધર્મને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માનવ શક્તિની આવશ્યકતા નથી. ધર્મ ખુદ એટલો સત્વશીલ અને માનવીય હોય છે, જે ખુદ યુગો સુધી ટકી રહે છે. હિંદુ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી આ બધા ધર્મો તેના ઉમદા ઉદાહરણ છે. ઇસ્લામ ૧૪૦૦ વર્ષથી દુનિયામાં ટકી રહ્યો છે. એ માટે કોઈ તલવાર કે બળ જવાબદાર નથી. પણ મહંમદ સાહેબે આપેલા સત્વશીલ માનવીય સિદ્ધાંતો છે. ઇસ્લામના ધર્મ ગ્રંથ “કુરાન-એ-શરીફ”માં પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અંગે આયાતો છે. કુરાને શરીફમાં તેની અનેક દ્રષ્ટાંત કથાઓ પણ આપવામાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે, અને આતંકવાદીઓ જેના નામે હિંસા આચરી રહ્યા છે, તે જિહાદનો આધ્યાત્મિક અર્થ પણ આતંકવાદીઓ જાણતા નથી. કસાબને એક પત્રકારે પૂછ્યું હતું,

“જિહાદ એટલે શું ?”

“કોશિશ કરવી એટલે જિહાદ”

“પણ આવી હિંસા શા માટે”

તેનો જવાબ હતો,

“પૈસા માટે”

કુરાને શરીફમાં બે શબ્દો વારંવાર વપરાયા છે. એક, કીતાલ અર્થાત યુદ્ધ અને બીજો જિહાદ. કીતાલ શબ્દ યુદ્ધ કે માનવ માનવ વચ્ચેના સંઘર્ષ માટે વપરાયો છે. જયારે જિહાદ શબ્દ હંમેશા આધ્યાત્મિક પરિવર્તન માટે વપરાયો છે. માનવીના અંદરના દુર્ગુણોને નાથવા માટે માનવી પોતાની જાત સાથે જે સંઘર્ષ કરે છે તે જિહાદ છે. અર્થાત “માનવી પોતાના અવગુણો, દુષણો, કુટેવો અને અનૈતિક કાર્યોનું દમન કરવા પોતાના મન અને હદય સાથે જે સંઘર્ષ કરે છે તે ક્રિયા જેહાદ છે.” આવા ઉમદા કાર્યમાં ક્યાય માનવ હત્યા કરવાનો આદેશ નથી. નિર્દોષ માનવીઓના ખુન વહેવડાવવાનો ક્યાય ઉલ્લેખ નથી. બલકે કુરાને શરીફમાં ખાસ કહેવામાં આવ્યું છે કે,

“લા તુ ફસીદ” અર્થાત “ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કર.”

અર્થાત સમાજમા ઝગડો, ફસાદ કે સંઘર્ષ ન કર. સમાજમાં રહેનાર દરેક માનવી એક કોમના સભ્યો છે. તેની સાથે પ્રેમ અને એખલાસથી રહેવાનો આદેશ મહંમદ સાહેબના ઉપદેશો અને કુરાને શરીફની આયાતોમાં ઠેર ઠેર જોવા મળે છે. એ જ રીતે ધર્મના પ્રચાર બાબત પણ ઇસ્લામમાં સ્પષ્ટ આદેશ છે,

“લા ઇકરા ફીદ્દીન’ અર્થાત “ધર્મની બાબતમાં બળ જબરી ન કરીશ”

ઇસ્લામનો પ્રચાર તલવારના જોરે થયાનું કહેનાર સૌ માટે કુરાને શરીફનો આ આદેશ પુનઃ વિચાર માંગી લે છે.  હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના સંદર્ભે હતી. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું, “પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે.” કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ હિરરહેમા નિરરહિયમ” થી થાય છે. જેનો અર્થ થાય છે, શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે.” “અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર  વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.” “અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યશીલ લોકોની સમીપ છે.” “જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જોઈ રહ્યો છે.” “તારો રબ (ખુદા) એવો નથી કે તે વિના કારણ વસ્તીઓનો નાશ કરે.” “તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.” આજે આપણા સમાજમાં અભિવાદન કે સલામ કરવાના શબ્દો પણ ધર્મ અને જાતિના ધોરણે પ્રચલિત   છે. જેમ કે “જય જિનેદ્ર” “જય માતાજી” “જય સ્વામીનારાયણ” “જયશ્રી કૃષ્ણ”. ઇસ્લામિક સંસ્કારો મુજબ એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે છે ત્યારે “અસ્સલામો અલયકુમ”  કહે છે અર્થાત તમારા પર ખુદા સલામતી વરસાવતા રહે. તેના જવાબમાં કહેવામાં આવે છે “વાલેકુમ અસ્લામ” અર્થાત ખુદા તમારા પર પણ સલામતી વરસાવતા રહે. પણ ઇસ્લામ તો તેનાથી પણ આગળ સર્વધર્મ અભિવાદનને આવકારતા કહે છે,

“જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો.”

અર્થાત મને કોઈ “જય સ્વામીનારાયણ” કહે તો તે શબ્દમાં જ તેનો ઉત્તર વાળવો ઇસ્લામમાં પુણ્યનું કાર્ય છે.

એજ રીતે દુર્ગુણોથી દૂર રહેવા તરફ નિર્દેશ કરતા કુરાને શરીફમાં કહ્યું છે.

“શેતાન માત્ર એટલું જ ઈચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વચ્ચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો ?

આતંકવાદીઓની અકારણ માનવ હત્યાઓએ સમગ્ર માનવજાતને હચમાચવી મુક્યો છે. પરિણામે આજ કાલ સોશોયલ મીડિયામાં એક કાવ્ય વહેતું થયું છે. એ સાચ્ચે જ આજના સંદર્ભમાં સમજવા અને સમજાવવા જેવું છે. જેમાં ઇસ્લામને જિહાદના નામે બદનામ કરતા આતંકવાદીઓને ટકોર કરતા કહેવામાં આવ્યું છે.

 

 “હર બાર એ ઇલ્જામ રહ ગયા,

 હર કામ મેં કોઈ કામ રહ ગયા

 નમાઝી ઉઠ ઉઠ કર ચલે ગયે મસ્જિત સે

 દહેશત ગરો (આતંકવાદીઓ) કે હાથ મેં ઇસ્લામ રહ ગયા

 

 ખુન કિસી કા ભી ગીરે યહાં

 નસ્લે (વંશ) આદમ કા ખુન હૈ આખીર

 બચ્ચે સરહદ પાર કે હી સહી

 કિસી કી છાતી કા સુકુન હૈ આખીર

 

 ખુન કે યે નાપાક યે ધબ્બે,

 ખુદા સે કૈસે છુપોગે

 માસુમો કે કબર પર ચડ કર,

 કૌન સી જન્નત મેં જાઓગે

 

કાગઝ પર રખ કર રોટિયાં

ખાઉ ભી તો કૈસે

ખુન સે લથપથ આતા હૈ

અખબાર ભી આજ કલ

 

દિલેરી કા હરગીઝ, હરગીઝ યે કામ નહિ હૈ

દહેશત (આતંક) કિસી મઝહબ કા પૈગામ નહિ હૈ

 

તુમ્હારી ઈબાદત, તુમ્હારા ખુદા

તુમ જાનો, હમે પક્કા યકીન હૈ

યે કતઈ (નિશ્ચિત પણે) ઇસ્લામ નહી હૈ,

યે કતઈ ઇસ્લામ નહી હૈ”

 

 

ઈશ્વર-ખુદા સૌને સદબુદ્ધિ આપે એજ અભ્યર્થના સાથે વિરમીશ.

 

Advertisements

1 Comment

Filed under Uncategorized

One response to “યે કતઈ ઇસ્લામ નહી હૈ

  1. Purvi Malkan

    bahu saras lekh, gazal roopi agyat sandesh pan sundar rahyo.samjawa jevo rahyo.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s