પાટા સાથે પરિભ્રમણ : ડો. મહેબૂબ દેસાઈ

મારા  અકસ્માતના સમાચાર મારા ફેસબુક મિત્રો માટે ચિંતાનો વિષય બની ગયા હતા. પાટા સાથેનો મારો ફોટો ડાઉનલોડ થયાના પાંચેક કલાકમાં તો સો જેટલી શુભેચ્છાઓ આવી ગઈ. સૌ એક જ વાત કહી રહ્યા હતા. “જલ્દી સજા થઇ જાવ એવી દુવા છે” બે દિવસમાં તો ૨૯૬ લાઇક્સ અને ૨૧૯ જેટલી શુભેચ્છાઓથી મારી પોસ્ટ ઉભરાઇ ગઈ. એ માટે સૌનો આભારી છું. પાટા સાથે ઘરમાં મોટે ભાગે મારી પ્રવૃતિ મારું લેખન, ફેસબુક અને મારા ઈમેઈ હતા. પણ એથી અતિ મહત્વનું કાર્ય તો મારા પૌત્ર ઝેન સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનું હતું. અત્યાર સુધી ફરવાની લાયમાં એ તરફ  મારું ધ્યાન જ ગયું ન હતું. પણ ઓપરશન પછી મને તેનું મુલ્ય સમજાયું. મારા જીવનનો એ ઉત્તમ સમય બની રહ્યો. રોજ સવારે “દાદા, વેક અપ ઈટ્સ એ મોર્નિંગ” એમ કહેતો એ મારા રૂમમાં દોડી આવતો. અને હું “નો નો ઈટ્સ નોટ મોર્નિગ” કહું એટલે તે મારા રૂમનો પડદો હટાવીને મારા મો પરનું ગોદડું દૂર કરી મને બતાવે “સી દાદા ઈટ્સ મોર્નિંગ” અને પછી અમારી જુગલ જોડી આખો દિવસ આખા ઘરમાં ધમાલ કરી મુકે. વળી, તેની સાથે એક ઔર ટ્યુનીંગ જામી ગયું હતું. જયારે પણ એ મૂડમાં ન હોય ત્યારે હું તેને કહું,

“ઝેની, આઈ હેવ એ  સરપ્રાઈઝીંગ ગીફ્ટ ફોર યુ” અને તે તુરત

“દાદા વ્હેર ઇસ માય સરપ્રાઈઝ ગીફ્ટ ?”

અને મારા રૂમમાં તેને લઇ જાઉં. મારા પલંગ પર તેને સુવાડવું, આંખો બંધ કરાવું અને પછી બીગ મેજિશિયનની અદાથી “આબ્રા કા ડાબરા, ગીલી ગીલી અપ્પા, ઝેન કી ગીફ્ટ આ જા” કહી મારા કબાટમાં છુપાડી રાખેલ એક નાનકડી કાર કાઢીને તકીયા નીચે મૂકી દઉં. અને પછી તેને આંખો ખોલવા જણાવું. તે આંખો ખોલે એટલે તેને કહું “સર્ચ યોર ગિફ્ટ ઇન માય બેડ” અને તે મારું ઓઢવાનું તકિયો બધું ફેંદી નાખે. અને અચાનક તેને તકિયા

નીચેથી નાનકડી કાર મળી આવે. ત્યારે તેના ચહેરા પરની ખુશી મારું બધું દર્દ ભુલાવી દેતી. હું ખુદાનો શુક્ર અદા કરું કે તેણે મને આ સોનેરી તક આપીને ધન્ય કર્યો છે.

ધીમે ધીમે મારા પાટા વાળા હાથથી હું ટેવાવા લાગ્યો હતો. નિત્ય ક્રિયાઓમાં પણ હવે પહેલા જેટલી તકલીફ પડતી ન હતી. પરિણામે બે ત્રણ દિવસના વિરામ પછી મેં પાટા સાથે બહાર જવાનું શરુ કર્યું. પ્રથમ વાર ઝાહિદ મને, સાબેરા અને ઝેનને તેની કારમાં કિંગસ્ટન બીચ પર લઇ ગયો. હોબાર્ટમાં ફરવા લાયક સ્થાનોમાં સૌથી ઉત્તમ કિંગસ્ટન બીચ છે. જયારે દિવસ સારો હોય અર્થાત તડકો નીકળ્યો હોય ત્યારે બીચ પરની ભીડ અને સુંદરતા જોવા જેવી હોય છે. એ દિવસે પણ સુંદર તડકો હતો. બીચ પર માનવ મહેરામણ ઉભરાયું હતું. અહિયા બીચ પર આવનાર દંપતિઓ, બાળકો કે યુવાઓ સાથે મોટે ભાગે એકાદ કુતરો તો તમને જોવા મળે જ. આમ છતાં બીચ પર કુતરાની ગંદગી કે માનવસર્જિત ગંદગી તમને ક્યાય જોવા ન મળે. મેં ભારતના અનેક બીચ જોયા છે. ઘોઘાનો દરિયા કિનારો હોય કે દીવનો આજવા બીચ હોય કે પછી સોમનાથનો દરિયા કિનારો હોય, પણ તેની સુંદરતાને આપણે માનવ સર્જિત ગંદગી દ્વારા એવા કદરૂપા કરી મુકીએ છીએ કે તેમાં નાહવાનું તો શું પણ ત્યાં વધારે સમય રોકાવાનું પણ મન ન થાય. તેની તુલનામાં કિંગસ્ટન બીચ પર તમને કલાકો સુધી બેસી રહેવાનું મન થાય. લીલોછમ દરિયો તેની મોજમાં ઉછળતો હોય અને એના સ્વચ્છ નીરમાં બાળકો યુવાનો રમતા હોય. કેટલાક વૃદ્ધ કપલો બીચની સિમેન્ટ કોક્રીટની વોકિંગ પટ્ટી પર પોતાના કૂતર સાથે ચાલતા હોય. અને જો પોતાન કુતરા ટટ્ટી કરે તો તે જમીન પર ન રહેવા દેતા, પેપરમાં ઉપાડી કિનારા પર ગોઠવેલ વેસ્ટ બોક્સમાં નાખવામાં જરા પણ શરમ ન અનુભવતા હોય, એવા કપલ માટે  સાચ્ચે જ માન થાય. આવી શિસ્ત પ્રિય પ્રજા હોય પછી બીચની સુંદરતા શાને હણાયા ? એ દિવસે ઝાહિદ ઝેનને લઈને બીચ પર સાયકલિંગ કરાવવા ગયો. હું અને સાબેરા બીચના એક બાકડા ઉપર નિરાંતે બેઠા. લગભગ અડધી કલાક એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર અમે દરિયાની ખુબસુરતી અને આસપાસના માહોલને મન ભરીને પીતા રહ્યા. લગભગ ચાર કિલોમીટરના લાંબા કિનારા પર પથરાયેલ આ બીચ પર ઠંડીનું પ્રમાણ થોડું વધુ હોય છે. એટલે પૂરતા ગરમ વસ્ત્રો પહેરીને ત્યાં જવું હિતાવહ છે. જો કે અહીના લોકો આવી ઠંડીને ગુલાબી ઠંડી કહે  છે. તેને તેઓ ગણકારતા નથી. બીચ પર અનેક યુવક-યુવતીઓ બર્મુડા પહેરીને ફરતા પણ તમને જોવા મળે છે.

પાટા સાથે બહાર જવાથી મારો બીજો ઉદેશ પણ પૂર્ણ થયો. અને તે હતો માર્કેટિંગનો. મારા ઘરથી મારકેટ માત્ર એક કિલોમીટરને અંતરે હતી. એટલે હું મારકેટીંગ માટે ચાલતો એકલો નીકળી પડતો. અત્યાર સુધી મેં મારા માટે કોઈ જ પર્ચેજિંગ કર્યું ન હતું. એટલે તે માટે મને હવે પુરતો સમય મળી ગયો હતો. હોબાર્ટમાં બે મુખ્ય મોલ છે. એક કોલ્સ અને બીજો બીગ ડબલ્યુ. બંને લગભગ પાસે પાસે જ છે. એક દિવસ બપોરે ત્રણેક વાગ્યે તૈયારથી હું બીગ ડબલ્યુમાં જવા નીકળી પડ્યો. ઘણા વખત પછી લાંબુ અર્થાત એક દોઢ કિલોમીટર જેટલું ચાલવા મેં મારી જાતને તૈયાર કરી હતી.અમદાવાદમાં હંમેશા હું કારમાં જ ફર્યો છું. હોબાર્ટમાં આવતા પહેલા મેં ઝાહીદને મજાકમાં કયું હતું,

“મને કાર વગર નહિ ચાલે. તારી કાર તો તું કે સીમા લઈને કામ પર જતા રહેશો. પછી કાર વગર ઘરમાં બેસી રહેવું મને નહિ ગમે”

અને એક આજ્ઞાંકિત પુત્ર તરીકે ઝાહીદે અમે આવીએ એ પહેલા એક જૂની મીતુશુબી કાર અમારા માટે ખરીદીને રાખી હતી. પણ ખુદાની કુદરત અનેરી છે. અત્યારે એ કાર મારી સામે પડી છે અને મારે ચાલતા જવાનો ખુદાનો આદેશ માનવો પડે છે. મેં ઘર બહાર કદમો માંડ્યા. ઝોળીમાં હાથ સાથે મેં મક્કમ મને ચાલવા માંડ્યું. લગભગ એક કીલો મીટરનો માર્ગ કાપી હું વીસેક મીનીટમાં મુખ્ય બજારમાં આવી ચડ્યો. મુખ્ય બજારનું ચિત્ર નજીકથી જોવાની આ સૌ પ્રથમ તક મને સાંપડી હતી. હોબાર્ટ શહેરમાં એક સુંદર અને વ્યવસ્થિત બસ સર્વિસ ચાલે છે. તેનું નામ છે મેટ્રો ટ્રાન્સપોર્ટ. તેની લાંબી અને સંપૂર્ણ વાતાનુકુલ બસમાં મુસાફરી કરવી એ પણ આહલાદક આનંદ છે. તેના બસ સ્ટેન્ડ પાસે હું થોડીવાર ઉભો રહ્યો. બસ સ્ટેન્ડ પર સ્કુલેથી પાછા ફરી રહેલા ઓસ્ટ્રેલિયન છોકરા-છોકરીઓ ઉભા હતા. છોકરાઓ પેન્ટ અને શર્ટના યુનિફોર્મમાં હતા. જયારે છોકરીઓ સ્કર્ટ અને ટોપમાં હતી. સૌના ચહેરા પર માસુમિયત ટપકતી હતી. બસ સ્ટેન્ડની પાસે જ ફૂટપાથ પર બેચાર મોટી સ્ત્રીઓ સિગરેટનો દમ લેતી બિન્દાસ બેઠી હતી. મેં તેમની સામે એક છુપી નજર કરી નજર ફેરવી લીધી. થોડીવારે બસ આવી ચડી. મેં બસમાં નજર દોડાવી. બસમાં કોઈ કંડકટર ન હતો. સૌ પોતાનો પાસ ડ્રાયવર પાસેના મશીનમાં પંચ કરી બસમાં બેસતું હતું. બસના ડ્રાયવર પર મારી નજર ગઈ તો એક મોટી અર્થાત જાડી ઓસ્ટ્રેલિયન લેડી ડ્રાયવરની સીટ પર બેઠી હતી. મારી અને તેની નજર મળતા તેણે મારી સામે હેલોનું સ્મિત કર્યું. મેં પણ સસ્મિત તેનો પ્રત્યુતર પાઠવ્યો. થોડીવાર ત્યાનો નઝારો માણ્યા પછી મેં બીગ ડબલ્યુ તરફ કદમો માંડ્યા. રસ્તામાં આવતી અનેક નાની મોટી દુકાનોમાં હું નજર કરી લેતો. એવી જે એક દુકાનમાં મારી નજર ચડી.એ દુકાનમાં સ્ટેશનરી સાથે પોસ્ટ ઓફીસ પણ હતી. અહિયા પોસ્ટ ઓફીસ ખાનગી દુકાનોમાં ચાલે છે. ત્યાં તમને નાના મોટા દરેક સાઈઝના સ્ટેમવાળા કવરો મળી રહે છે. અને તે તમે પાસેના પોસ્ટ બોક્સમાં અથવા દુકાનદારને આપી શકો છો. થોડું ચાલ્યો હઈશને બીગ ડબલ્યુના ઓટોમેટીક ડોર પાસે હું આવી ચડ્યો. મેં અંદર પ્રવેશ કર્યો. અને મોલના જુદા જુદા વિભાગોમાં ફરવા માંડ્યું. તે દિવસે મેં બધું મારા માટે જ ખરીદયું. ઝીલેટનું નવું ઓટોમેટિક સેવિંગ મશીન, બ્રુટ્સનું આફ્ટર સેવિંગ લોશન, સેવિંગ કિટ, બે ગંજી, એક જીન્સ, ટીશર્ટ, ઓરલબીનું ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ. લગભગ ૨૦૦ ડોલરની ખરીદી કરી હું બહાર આવ્યો ત્યારે સાંજના ચાર વાગવામાં હતા. મેં ઘર તરફ કદમો માંડ્યા. પાછા ફરતા રોડની મારી જમણી બાજુ મેં એક કબ્રસ્તાન જોયું. ભર બજારની વચ્ચે કબ્રસ્તાન જોઈ મને નવી લાગી. મેં તેમાં પ્રવેશ કર્યો. એ કબ્રસ્તાનમાં ૨૩ કબરો અને તેની વિગતો આપતી તકતીઓ હતી. કબ્રસ્તાનના પ્રવેશ ઉપર જ તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. તેનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે ઈ.સ. ૧૮૪૦માં હોબાર્ટમાં પ્રથમ વસવાટ કરનાર એ ૨૩ મહાનુભાવોની કબરો હતી. જેને ઐતિહાસિક પરીપેક્ષમાં અત્રે જાળવી રખવામાં આવી હતી. એ નાનકડા ઐતિહાસિક સ્મારકમાં બેસવા માટે એક બાકડો પણ મૂકવામાં આવ્યો હતો. મેં એ બાકડા ઉપર સ્થાન લીધું. મને અદભુદ શાંતિની અનુભૂતિ થઇ. વીસેક મીનીટ હું એ શાંતિમાં તરબતર થતો રહ્યો. અને પછી મેં ઘર તરફ ચાલવા માંડ્યું.

Advertisements

1 Comment

Filed under Uncategorized

One response to “પાટા સાથે પરિભ્રમણ : ડો. મહેબૂબ દેસાઈ

  1. Purvi Malkan

    પાટા સાથે………નો લેખ વાંચવાનો આનંદ આવ્યો, સૌથી મજેદાર પોઈન્ટ આપનો અને ઝેનનો સમય કાળ લાગ્યો, ( આ સમય ત્યારબાદ ક્બ્રસ્તાનવાળી લાગી, વિચાર આવ્યો કે આપને કબ્રસ્તાનમા બેસતાં ડર ન લાગ્યો?

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s