બોસ્ટન : શાનદાર શહેર : ડો. મહેબૂબ દેસાઈ

બોસ્ટનમાં અમે પ્રવેશ્યા ત્યારે રમઝાન માસના ચાર પાંચ રોઝા બાકી હતા. તેને કારણે એ દરમિયાન બોસ્ટનમાં ફરવાનો અવકાશ જુજ રહ્યો. આમ છતાં ફિરોઝભાઈ અને શબાના અમને આસપાસના સ્થળોની મુલાકાતે આગ્રહ કરી લઇ જતા. અને અમે એમના એ આગ્રહ સાથે બોસ્ટન પાન કરતા રહેતા. એ અલ્પ પરિભ્રમણ પરથી મને એટલો તો અહેસાસ થઇ ગયો કે બોસ્ટન એક શાનદાર શહેર છે.  તેનો ઇતિહાસ અમેરિકાના ઇતિહાસના કેન્દ્રમાં છે. ૧૬૩૦માં પુરટીન નામના એક બ્રિટીશ વ્યક્તિએ આ શહેરની સ્થાપન કરી હતી. અને થોડા જ વર્ષોમાં તે ન્યુ ઇંગ્લેન્ડનું ધમધમતું  શહેર બની ગયું હતું. રાજકીય, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃતિઓથી એ સમયે ધમધમતા આ શહેરની પડતી અમેરિકન ક્રાંતિ પછી થઇ. ૧૭૭૦ પછી પુનઃ તેના વિકાસનો આરંભ થયો. અને ધીમે ધીમે બોસ્ટન પુનઃ ઝડપતી વિકસતું શહેર બની ગયું. ૧૭૭૨માં આ શહેરની વસ્તી ૧૦૫૮૭ હતી. પણ ૨૦૧૧માં બોસ્ટન ૬,૨૫, ૦૮૭ની ધરખમ વસ્તી ધરાવતું  વિશ્વનું સુંદર શહેર બની ગયું હતું.

અમે બોસ્ટનના જે વિસ્તારમાં ઉતર્યા હતા, તે ક્રોસ સ્ટ્રીટની આસપાસ કેમ્બ્રિજ, માલડોન, બોસ્ટન,લીન, રીવીયર. સોમસ, બર્લિટન અને એવરેટ જેવા આઠ દસ પરાઓ આવેલા છે. જેની પાસે લગભગ સ્કેવરવન મોલ (સોગેસ), મેસીસ સ્ટોર (સોગેસ), લેગોન (સમરવેલ), મ્યુંસિક ઓફ સાઇન્સ (બોસ્ટન), ગેલેરીયા મોલ (કેમ્બ્રિજ) જેવા મોલ અને જોવાલાયક સ્થળો આવેલા છે. બોસ્ટનની સુંદરતા આધુનિકતા અને મધ્યકાલી યુગના સમન્વયનું પ્રતિક છે. અહીના મધ્યકાલીન મકાનોની બાંધણી અદભુત છે. પથ્થરોના બનેલા એ મકાનો બહારથી અંત્યંત ભવ્ય ભાસે છે. જયારે આધુનિક મકાનોમાં મોટા મોટા મોલ માટે તૈયાર થયેલા મકાનોની બાંધણીમાં લાકડા અને કાચનો ઉત્તમ સમન્વય થયો છે. અમે જે મોટા મોલમાં ફર્યા તે બધામાં અમને પશ્ચિમની આધુનિકતાનું પ્રદર્શન જેવા લાગ્યા. એ મોલોમાં બ્રાન્ડેડ વસ્તુઓની ભવ્ય દુકાનો આપણી આંખને પહોળી કરી નાખે એવી છે. રીબોક, પ્યુમા, કલાર્ક, જેવી બ્રાન્ડોના કપડા અને જુતા જોવા ગમે પણ અમેરિકામાં ભારતીય ચલણ લઈને આવનારા કોઈ પણ સામાન્ય પ્રવાસી માટે ખરીદી કરવા પ્રેરે નહિ. એ દિવસે અમે આ બધા મોટા મોટા મોલોની મુલાકત લીધી. પણ ખરીદીના નામ પર કશું ખરીદવાની મને હિમ્મત જ ન થઇ. મારા પુત્ર ઝાહીદે હોંશથી ખરીદી કરી. પણ તેને ઓસ્ટ્રેલિયન ડોલરમાં કમાઈને અમેરિકન ડોલરમાં ખરચવાનું હતું, જયારે મારે ભારતીય રુપીયમાં કમાઈને અમેરિકન ડોલરમાં ખર્ચવાના હતા. આ ફર્ક દરેક અમેરિકા જતા ભારતીય પ્રવાસીએ બરાબર સમજી લેવો જોઈએ. જો કે ઝાહીદે મને  પ્રવાસના આરંભમાં જ કહી દીધું હતું,

” ડેડી, હું તમારો સ્વભાવ જાણું છું. તમે ખરીદી કરવામાં કરકસર કરશો. પણ એવું કરવાની જરૂર નથી. મારું આ ઇન્ટરનેશનલ ક્રેડીટ કાર્ડ રાખો. એમાંથી તમારે જે ખરીદવું હોય તે બિન્દાસ ખરીદ જો.”

મોલ કલ્ચર ભારતમાં પણ ઝડપથી વિકસ્યું છે. એટલે  ભારત કે અમદાવાદમાં આવેલા મોટા મોલોમાં જવાનો અને ખરીદી કરવાનો અનેકવાર મને મોકો મળ્યો છે. પણ મારી જરૂરિયાત દિનપ્રતિદિન માર્યાદિત થતી ગઈ છે. તેથી તેવા મોટા મોલોમાં મને મારા લાયક કોઈ ઉપયોગી કે જરૂરી વસ્તુ કયારે જોવા મળી નથી.

બોસ્ટનના પ્રવાસ દરમિયાન ફિરોઝભાઈ હંમેશા અમારી સાથે રહેતા. અને જોવાલાયક સ્થાનોની માહિતી અચુક અમને આપતા રહેતા. એ દિવસે તેમણે તેમની હોન્ડાકાર બોસ્ટનના જાણીતા વિસ્તાર નોર્થ એન્ડ તરફ વાળી. અને કહ્યું,

“અંકલ, આ વિસ્તાર આખો ઇટાલિયન રેસ્ટોરન્ટ અને દુકાનોથી ભરેલો છે. ઈટાલીની જાણીતી વસ્તુઓઓ અહિયા મળે છે. હું કારની બારીમાંથી તે વિસ્તારને નિહાળી રહ્યો હતો. થોડીવારે ફિરોઝભાઈ કારને  ધીમે પાડતા કહ્યું,

“અંકલ, ઈટાલીની બે મોટી અને જાણીતી મોડર્ન અને માઈક પેસ્ટ્રીની આ દુકાનો છે. તેની પેસ્ટ્રી અહિયા ખુબ વખણાય છે. એટલે તેમાં હમેશા ભીડ હોય છે.”

મેં એ દુકાનોમાં નજર કરી તો સાચ્ચે એ દુકાનોમાં ખરીદી માટેની લાંબી લાઈન મને જોવા મળી. એ જ રીતે અહિયા ચાઈના ટાઉન વિસ્તાર પણ આવેલો છે. ફિરોઝભાઈ ત્યાં પણ અમને લઇ ગયા. ચારે બાજુ ચાઈનીઝ દુકાનો અને રેસ્ટોરન્ટથી ઊભરાતો આ વિસ્તાર મોટે ભાગે ખાણીપીણીની દુકાનોથી ભરેલો છે. ત્યાંથી અમારી સવારી ક્યુંનજીલ મારકેટ તરફ રવાના થઇ. રસ્તમાં માર્ગના કિનારે દોડતી નદી ચાલ્સ રીવરની સુંદરતા પણ  મન ભાવક હતી. તેમાં તરતી નાની નાની બોટો અને તેમાં સફર કરતી અહીની ગોરી પ્રજા દૂરથી પણ સુંદર દ્રશ્યને સાકાર કરતી હતી. થોડી કાર સફર પછી અમે ક્યુંનજીલ મારકેટ આવી પહોંચ્યા. બોસ્ટનનો આ વિસ્તાર તેના નાક સમાન છે. એક બાજુ દરિયા કિનારો અને બીજી બાજુ ભવ્ય અને સ્વચ્છ ઉદ્યાનો, ઈમારતો તથા પંચતારક હોટલો. ચાર બાજુ સૌ પોતાનામા મસ્ત હતા. અહિયા કાર પાર્કિંગનું બહુ મોટો ટેન્શન છે. જાહેર સ્થાનો પર કાર પાર્કિંગમાં માટે ડોલર ચૂકવવા પડે છે. વળી, રસ્તાની સાઈડમાં પણ કાર પાર્ક કરવા માટે અહિયા કલાક દીઠ ડોલર ચૂકવવા માટે ખાસ મશીન મુકવામાં આવેલ છે. જેમાં તમારે કેટલા કલાક કાર પાર્ક કરવી હોય એ મુજબ ડોલર નાખવા પડે છે. ડોલર નાખો એટલે તેમાંથી એક સ્લીપ નીકળે તે કારના કાચમાં દેખાય તેમાં મુકી દેવાની રહે, અન્યથા દંડનું વાઉચર તમારા ઘરે પહોંચી જાય.

અમને દરિયા કિનારે ઉતારી ફિરોઝભાઈ અને ઝાહિદ કાર પાર્કિંગની જગ્યા શોધવા ગયા. થોડી વારે ફિરોઝભાઈ યોગ્ય જગ્યાએ કાર પાર્ક કરી અમારી સાથે દરિયા કિનારે જોડાઈ ગયા. સાંજનો સમય હતો. અમેરિકાની યુવાની હિલોળે ચડી હતી. સમરનું વાતાવરણ  યુવાનોના પહેરવેશ અને મસ્તીમાં ભાસતું હતું. મોટાભાગની યુવતીઓ શોર્ટ્સ અને ટોપમા હતી. અહિયા થોડો તડકો પણ સોને માટે તહેવાર જેવો બની રહે છે. દરિયા કિનારેના કાફે, રેસ્ટોરન્ટ યુવાનોથી ઉભરાયેલા હતા. ચાર બાજુ સુંદરતા અને ભવ્યતા પ્રસરેલા હતા. અમે તેનો લાભ લઇ ફોટા પાડ્યા. ત્યાંથી થોડા આગળ ચાલ્યા અને ફિરોઝભાઈ બોલી ઉઠ્યા,

“અંકલ,આ હોલમાં સીટીઝન ઓથ લેવાય છે”

અમેરિકાના નાગરિક માટે આપે અરજી કરી હોય અને તે મંજુર થાય તો તમારે આ હોલમાં તેના શપથ લેવા આવવું પડે. અહીના નાગરિક તરીકેની તમારી ઓળખ માત્ર કાગળ પર હોવી જરૂરી નથી. તેનું આચરણ પણ જરૂરી છે. રસ્તાઓની સ્વછતા, રાષ્ટ્રીય સંપતિનું જતન અને નાગરિકની ફરજો પ્રત્યેની સભાનતા એ અમેરીકન નાગરિકોના લોહીમાં છે. અને કદાચ એટલાજ માટે અમેરિકા આજે વિશ્વ સત્તા બની બેઠું છે. અહિયા પણ ગરીબી છે. બેરોજગારી છે. ભાવ વધારો છે. અને માનવ સ્વભાવ મુજબ છેતરપીંડી અને થોડી બેઈમાની પણ છે. પણ છતાં અહિયા નાગરિક તરીકેની પોતાની ફરજ પ્રત્યે આંખ મિચામણા જોવા ક્યાય જોવા મળતા નથી.

એ શપથ હોલ પાસે પણ સુંદર મારકેટ આવી છે. પણ અમે પહોંચ્યા ત્યારે રાત્રીના લગભગ દસ વાગ્યા હતા. એટલે મોટાભાગની દુકાનો બંધ થઇ ગઈ હતી. પણ છતાં તેની રોનક યથાવત હતી. દુકાનોના કાચન શટરમાંથી તેની અંદરની ભવ્યતા જોઈ શકાતી હતી. અમે બધા થોડો સમય ત્યાં ફર્યા. પછી ભુખનો પ્રકોપ સૌના પર ઉતર્યો. એટલે ભોજનની વ્યવસ્થામા ફિરોઝભાઈ અને ઝાહિદ લાગી ગયા. એક રેસ્ટોરન્ટ ખુલ્લી મળી આવી. તેમાંથી આઠ હોટ ડોગ લીધા. અને અમે પાર્કના કિનારે નિરાંતે તેનું ભોજન કર્યું. રાત્રી આગળ વધતી જતી હતી. તેની સાથે જ આ વિસ્તારની રોનક પણ વિસ્તરતી જતી હતી. પણ અમે સૌ આખા દિવસની સફરને કારણે થાક્યા હતા. વળી, બીજા દિવસે ઈદ હતી એટલે પણ વહેલા ઉઠવાના આયોજન સાથે અમે ઘરે પરત આવ્યા.

Advertisements

1 Comment

Filed under Uncategorized

One response to “બોસ્ટન : શાનદાર શહેર : ડો. મહેબૂબ દેસાઈ

  1. Purvi Malkan

    વાંચી કાઢ્યું.  ફિરોઝભાઈ ઝાહીદભાઈનાં મિત્ર હોય તેમ લાગી રહ્યું છે. બોસ્ટનનો ઇતિહાસ જાણવાનો આનંદ આવ્યો. આપ ઇતિહાસનાં વ્યક્તિ છો તેથી કહેવાનું મન થાય છે કે બોસ્ટન -ટી પાર્ટીનો ઇતિહાસ (આઈ થિંક પ્લેમાઉથ મિટિંગ ) જ્યાં રચાયો તે સ્થળ જોવાનું ન ભૂલશો. મને એ સ્થળની મુલાકાત લેવાનું ખૂબ મન છે, પણ હજુ સુધી મૂહર્ત આવ્યું નથી. 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s