રોયલ હોબાર્ટ હોસ્પિટલમાં એક દિવસ એક રાત : ડો. મહેબૂબ દેસાઈ

હોબાર્ટના ૪૨, લીવર પૂલ સ્ટ્રીટ પર આવેલ રોયલ હોબાર્ટ હોસ્પિટલ ઓસ્ટ્રેલિયાની બીજા નંબરની જુનામાં જૂની હોસ્પિટલ છે. તેનો આરંભ ૧૮૦૪માં થયો હતો. ૧૮૨૦માં તે લીવર પૂલ પર આવેલા હાલની બિલ્ડીંગમાં શીફ્ટ થઇ હતી. ૨૧૯૦ પૂર્ણ સમયનો તાલીમ પામેલા સ્ટાફ અને ૩૦૧૫ જેટલો હંગામી સ્ટાફ ધરાવતી આ હોસ્પિટલ તાજમાનીયા રાજ્યની અઢી લાખની પ્રજાને ૨૪ કલાક સેવા આપે છે. સારવાર, સંશોધન અને શિક્ષણ જેવા ત્રીહેતું સાથે ચાલતી આ હોસ્પિટલ તજમાનીયા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ૫૫૦ બેડ અને નવ ઇન્ટેન્સિવ કેર યુનિટના બેડ ધરાવતી આ હોસ્પિટલમાં સારવાર લેવી એ એક આહલાદક અનુભવ છે. ઓસ્ટ્રેલિયાની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મેડીકલ વિદ્યાર્થીઓ અહિયા તાલીમ લેવા આવે છે. મારો સીટી સ્કેન અને એક્સરે સિડની અને તાજામાંનીયાની બે મેડીકલ વિદ્યાર્થીનીઓએ તજજ્ઞોના માર્ગ દર્શન તળે લીધો હતો. બે મોટા બિલ્ડીંગમાં વિભાજીત રોયલ હોબાર્ટ હોસ્પિટલમાં જુનિયર અથવા અન્ય દેશની ડીગ્રી ધરાવતા દાક્તરોને રજીસ્ટ્રાર કહેવામાં આવે છે.  અત્યંત આધુનિક સાધના સામગ્રીથી સજ્જ આ હોસ્પિટલ મારા માટે તો અજાણ્યા રણમાં ભુલા પડેલા મુસાફિર જેવી હતી. ન તો હોસ્પિટલની કોઈ સિસ્ટમથી હું વાકેફ હતો, ન તેની નર્સો, દાક્તરો કે કર્મચારીઓના ઓસ્ટ્રેલિયન ઉચ્ચારોવાળા અંગ્રેજીથી હું પરિચિત હતો. મારું ઓપરશન લગભગ સવારે નવેક વાગ્યે શરુ થયું હતું. અને સાડા અગીયારેક વાગ્યા સુધી ચાલ્યું હતું. ઓપરશન પછી જે રૂમમાં મને લાવવામાં આવ્યો, તે રૂમમાં ચાર બેડ હતા. ત્રણ બેડ પર ઓસ્ટ્રેલિયાની ત્રણ સીનીયર સીટીઝન વયોવૃદ્ધ લેડી હતી. જયારે દરવાજ પાસેના જ બેડ પર મારો વિસામો હતો.

ભાનમાં આવતા મને ખાસ્સી વાર લાગી. ભાનમાં આવ્યો ત્યારે મારી આજુ બાજુ ઝાહિદ, કરિશ્મા, સીમા અને સાબેરા ઉભા હતા. મારો પૌત્ર ઝેન મારા ઓપરશન કરેલા હાથ પાસે ઉભો હતો. એ મને એક નજરે તાકી રહ્યો હતો. મેં તેને જોઈને સ્મિત કર્યું. પણ એ પરાણે કરેલા સ્મિતમાં હાથમા થતી અસહ્ય પીડા વર્તાતી હતી. પચ્ચીસ વર્ષો પહેલા જે હાથમા તારો બાંધી મારા ફેક્ચરોને જોડવામાં આવ્યા હતા, એ તારો ઓસ્ટ્રેલિયાના સર્જને પચ્ચીસ વર્ષો પછી કાઢી નાખ્યા હતા. અને તેને સ્થાને બીજી ત્રિકોણ પ્લેટ નાખી મારા કોણીના હાડકાને જોડ્યું હતું. એની અસહ્ય પીડા મને અત્યારે સતાવી રહી હતી. મને ભાનમાં આવતો જોઈ ઝાહીદે આસ્ક્રીમની કેન્ડી મારી સામે ધરી. મેં તેમાંથી એકાદ બટકું લીધું. પણ થોડી થોડી વારે મારી આંખો બંધ થઇ જતી હતી. છતાં સૌને ઓળખવાની અને તેમના પ્રશ્નોના જવાબો આપવાની સભાનતા હું કેળવીચુક્યો હતો. મારા જમણા હાથમાં ગ્લોકોઝ ચડાવેલ હોય તેની ટ્યુબ હતી. મારા મો પર ઓક્સિજન પાઈપ હતી. જયારે મારા બંને પગોમાં ઇલેક્ટ્રિક ગરમાવો આપતું મશીન ગોઠવ્યું હતું. જેથી મારા પગની નસોમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય અને મારા હાથમાં થયેલ ઓપરશનમાં જલ્દી રૂઝ આવે. ટૂંકમાં હું ચારે બાજુથી ઘેરાયેલો હતો. પથારીમાં પણ હલન ચલન મારા માટે શક્ય ન હતું. અલબત્ત હોસ્પિટલનો બેડ સંપૂર્ણ આધુનિક હતો. મારી બન્ને બાજુ તેના કન્ટ્રોલિંગ પેડ હતા.બેડ ઉપર નીચે કરવાની  તેમા સ્વીચો હતી. મારી છાતીની સહેજ ઉપર એક બેલની સ્વીચ નર્સને બોલાવવા માટેની લટકતી હતી. અને થોડી થોડી વારે નર્સ મને ચેક કરવા આવતી હતી.

રોયલ હોબાર્ટ હોસ્પિટલમાં દર્દીને ત્રણે સમય પૌષ્ટિક ભોજન વિના મુલ્યે આપવામાં આવે છે. એટલે સવારનો નાસ્તો થોડીવારમાં એક નર્સ આપી ગઈ. ઝાહીદે તે લેવા મને આગ્રહ કર્યો. પણ મેં નાપાડી. અંતે તેણે ફ્રુટના બે પીસ મારા મોમાં મુક્યા. થોડીવારમાં મને વોમીટીંગ થયું. મેં ઝાહીદને કહ્યું,

“હજુ એનેથેસીયાની અસરમાંથી હું સંપૂર્ણ મુક્ત થયો નથી. એટલે કઈ લઇ શકીશ નહિ”

ઝાહીદે તે વાત સ્વીકારી. રમઝાન માસ ચાલતો હોય સાબેરા, કરિશ્મા અને સીમાએ “અમે રોઝો છોડીને આવીએ છીએ” એમ કહી વિદાય લીધી. માત્ર ઝાહિદ આખો દિવસ મારી સાથે રહ્યો. જો કે તેને પણ રોઝો હતો જ. પણ તેણે  રોઝો હોસ્પિટલમાં જ છોડવાનું નક્કી કર્યું હતું. એનેથેસીયાનું ગેન ઓછું થવા લાગ્યું. એટલે નર્સે આવી મને પેઈન કિલર આપી. જેથી તેના ગેનમાં હાથનું દર્દ મને વધુ ન પીડે. આખો દિવસ હું એ જ રીતે ગેનમાં પડ્યો રહ્યો. સાંજે આપણા અમદાવાદમાં જેમ સ્વજનો હોસ્પિટલમાં ઉમટી પડે, તેમજ ઝાહીદના મિત્રો તેમની પત્નીઓ સાથે ઉભરાવા લાગ્યા. અહિયા વસતા ભારતીઓએ પોતાનું એક કુટુંબ બનાવી લીધું છે. તેમાં નાત જાત કે ધર્મના કોઈ ભેદભાવો નથી. બધા એક બીજા સાથે હળીમળીને રહે છે. વાર તહેવારે અથવા ઉજવણીના પ્રસંગો ઉભા કરી ભેગા થાય છે. અને  આનંદ કરે છે. ઝાહીદનો એક મિત્ર દત્તા રાજ મહાબ્રે ગોવાનો બ્રાહ્મણ છે. લગભગ આઠ  વર્ષથી તે હોબાર્ટમાં રહે છે. તેની શાદી આપણા ભારતના રક્ષામંત્રી શ્રી મનોહર પાર્રીકરની સગી ભત્રીજી અનુશ્રી સાથે થઈ છે. પણ બંનેમાં તેની જરા પણ છાંટ વર્તાતી નથી. દત્તા સાથેની મારી થોડા દિવસની મુલાકાતમાં મેં અનુભવ્યું કે તે આધ્યત્મિક ચર્ચાનો શોખીન છે. ધર્મ ઉપરના તેના વિચારો અત્યંત એખલાસ પૂર્ણ છે. તે હોબાર્ટમાં પોતાનું મકાન બનાવી રહ્યો છે. અને તેના ખાત મૂહર્તમાં હિંદુ અને ઇસ્લામિક બંને વિધિ કરાવવા તે ઉત્સુક છે. રમઝાન માસમાં હોબાર્ટની મસ્જીતમાં યોજાતા ઇફ્તીયારીના કાર્યક્રમમાં પણ તે હંમેશા ઝાહિદ સાથે જાય છે અને મગરીબ (સંધ્યા) ની નમાઝ બધાની સાથે પઢે છે. તેણે આવીને તુરત મને કહ્યું,

“અંકલ કૈસે હો ?”

” ઠીક હું” મેં કહ્યું. પછી તે ક્ષમા માંગતા બોલ્યો,

“અંકલ માફ કરના,  અન્નુ (તેની પત્ની) કો હોસ્પિટલ કી એલર્જી હૈ ઇસ લીયે નહિ આઈ. ઘર પર વો આપકો જરૂર મિલને આયેગી”

ઝાહીદનો બીજો મિત્ર પ્રતિક બૈરી અને તેની પત્ની નેહા ચેન્નાઈના બ્રાહ્મણ છે. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી તે ઓસ્ટ્રેલિયા આવ્યો છે. લગભગ ચાર વર્ષથી તે હોબાર્ટમાં છે. તેઓ મારા માટે શીરો બનાવીને લાવ્યા હતા. સાંજના સમયે હું થોડો સ્વસ્થ થયો હતો. ત્યારે સાબેરાએ મને નેહાનો શીરો ખાવા આપ્યો. મેં તે ચાખ્યો.

લગભગ સૌ કુટુંબીજનો મારી સાથે નવેક વાગ્યા સુધી રહ્યા. અહિયા હોસ્પિટલમાં કોઈને પણ દર્દી સાથે રાત્રે રહેવાની છૂટ નથી. જેથી બધા મારી વિદાય લઇ નીકળી ગયા. રાત્રી મારા માટે થોડી વસમી બની રહી. કારણ કે એક તો ઓપરશનની પીડા. બીજું, પથારીમાં પણ હલનચલન ન કરી શકવાની મજબુરી. ગ્લુકોઝ નસ દ્વારા ચડાવવાનું ચાલુ હોયને મને  વારંવાર પેશાબની હાજત લાગ્યા કરતી હતી. વળી, દર બે કલાકે નર્સ મારી તપાસ માટે આવતી. મારું બીપી ચેક કરતી. મારા ઓપરશન કરેલા હાથને તપાસતી. તેમાં કેટલી સેન્સીટીવીટી છે. તે હાથ લગાડી જોતી. એટલે મારી આખી રાત પેશાબની હાજત પૂર્ણ કરવામાં અને નર્સની તપાસમાં જ પસાર થઇ ગઈ. જો કે અત્રેની નર્સોની સેવા નોંધનીય છે.આખી રાતમાં એક પણ વાર એવું નથી બન્યું કે મેં બેલ મારી હોય અને નર્સ હાજર ન થઇ હોય. વળી, જયારે તેને જાણ થઈ કે મને વારંવાર પેશાબની હાજત લાગે છે, કે તુરત તેણે મારા પલંગ પાસેના ટેબલ પર એક સાથે બે ત્રણ પેશાબના ટબ મુકી દીધા. આવી તકેદારી આપણી સરકારી હોસ્પિટલોમાં ખાસ જોવા મળતી નથી.

બીજા દિવસની સવાર મારા માટે થોડી રાહત આપનાર બની રહી. હાથનો દુખાવો ચાલીસ ટકા ઓછો થયો હતો. સવારે મારું બીપી ચેક કરવા આવેલ નર્સે મને પૂછ્યું,

“હાઉ યુ આર ફીલીંગ”

“ગૂડ” મેં કહ્યું. તેણે મારા ઓપરેશનના હાથના આંગળા તપસ્યા. આંગળાની સેન્સીટીવીટી તપાસી. આંગળા કેટલા વળે છે તે પણ જોયું. એ પછી “ગૂડ” કહી સ્મિત સાથે તે જતી રહી. થોડીવારે મારો નાસ્તો આવ્યો. બે દિવસથી મેં કઈ ખાધું ન હતું. એટલે મેં બરાબર નાસ્તો કર્યો. એક નર્સે મને તેમાં મદદ કરી. લગભગ નવેક વાગ્યે તો પ્રતિક આવી ચડ્યો. એટલે મને તેની કંપની સારી મળી ગઈ. અડધી કલાક પછી એક ઓસ્ટ્રેલિયન વ્હીલ ચેર લઇ મને લેવા આવ્યો. મેં તેને પૂછ્યું,

“વ્હેર વી આર ગોઈંગ”

“ફોર એક્સરે”

પ્રતીકે મને વ્હીલ ચેર પર બેસાડ્યો. અને પેલો ઓસ્ટ્રેલિયન વ્હીલ ચેરને દોરતો મને એક્સરે રૂમમાં લઇ જવા નીકયો. અમે થોડાક જ આગળ વધ્યા હઈશુને સામેથી ઝાહીદ અને સાબેરાને આવતા મેં જોયા. અને મને થોડી નિરાંત થઇ. તેમને એક્સરે માટે જઈ રહ્યાનું કહી હું આગળ વધ્યો. એક્સરે રૂમમાં મેડમે મને આવકાર્યો

“હેલ્લો, હોઉં આર યુ ?”

“ફાઈન થેન્ક્યુ”

તેણે એક્સરેના ટેબલ પર મારો હાથ મુકાવ્યો. મેં હાથ મુક્તા કહ્યું,

“આ વોન્ટ તો સી માય એક્સરે ” તેણે સ્મિત સાથે કહ્યું.

“ઓહ , શ્યોર”

એક્સરેની વિધિ પૂરી થઇ. એટલે તે મને મારો એક્સરે બતાવવા મારી વ્હીલ ચેર તેના રૂમમાં દોરી ગઈ. મેં મારા હાથનો એક્સરે તેના ટીવીના સ્ક્રીન પર જોયો. મારા હાથમાંથી અગાઉના તારો કાઢી નાખવમાં આવ્યા હતા, અને તેને સ્થાને કોણીમાં ત્રિકોણ પ્લેટ નાખેલી મેં જોઈ. મને સંતોષ થયો.

“થેન્ક્સ” કહી મારી વ્હીલ ચેર બહાર આવી. અને પાછા અમે મારી હોસ્પિટલની રૂમ પર આવ્યા. મને આજે જ રજા  આપી દેવાની હતી. એટલે સાબેરા અને ઝાહીદે હોસ્પિટલનો ગાઉન કાઢી મને મારા કપડા પહેરાવ્યા. હવે એક માત્ર વીધી બાકી હતી. અને એ દવાઓ લેવાની. હવે પછી મારે તારીખ ૬ જુલાઈના રોજ પાડો છોડવા આવવાનું હતું. ત્યાં સુધી લેવાની દવાઓ હોસ્પીટલમાંથી મને આપવામાં આવનાર હતી. અમે તેની રાહમાં બેઠા હતા. લગભગ એકાદ કલાકના ઇન્તઝાર પછી એક કેમિસ્ટ મારી દવાઓ લઈને આવી ચડ્યો. દવાઓ કેમ અને કેટલીવાર લેવાની છે તે સમજાવ્યું. અને હોસ્પીટલમાંથી અમે ઘર તરફ પ્રયાણ કર્યું.

Advertisements

1 Comment

Filed under Uncategorized

One response to “રોયલ હોબાર્ટ હોસ્પિટલમાં એક દિવસ એક રાત : ડો. મહેબૂબ દેસાઈ

  1. Purvi Malkan

    એકી શ્વાસે વાંચી ગઈ, હજુ ત્રીજો ભાગ છે? 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s