બારીન્દ્ર ઘોષ : એક અજાણ્યો ક્રાંતિકારી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારીને પ્રજલિત કરનારા અને “યુગાંતર” નામક અખબાર દ્વારા લોકોમાં આઝાદીની ખેવના પ્રગટાવનાર બારીન્દ્ર ઘોષની ૧૩૫મી જન્મજયંતી ૫ જાન્યુઆરીના રોજ ગઈ. એ તરફ આપણું ધ્યાન નથી ગયું. આઝાદીના સંગ્રામમાં જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધુ અને આપણને આઝાદીની હવા બક્ષી એવા અજાણ્યા ક્રાંતિકારીઓ માના એક બારીન્દ્ર હતા. બારીન્દ્ર ઘોષનો જન્મ ૫ જાન્યુઆરી ૧૮૮૦ના રોજ ઇંગ્લેન્ડ પાસે આવેલા ક્રોયદોન (croydon) નામક કસ્બામાં થયો હતો. ગુજરાત અને બંગાળમાં ક્રાંતિકારી વિચારધારાના પ્રખર ઉદગમ દાતા શ્રી અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્ર ઘોષનું જીવન ભારતના ઇતિહાસમાં સંઘર્ષો અને ક્રાંતિના આદર્શ સમું છે. પિતા પ્રાશ્વાત્ય સંસ્કારોથી અભિભૂત  હતા. એટલે તેમણે અરવિંદનુ નામ એક્રોઇડને બારીન્દ્રનું નામ ઇમેન્યુએલ પાડ્યા હતા. તેમના પિતા શ્રી કૃષ્ણધન ઘોષ વ્યવસાયે દાક્તર હતા. જયારે તેમની માતા દેવી સ્વર્ણલતા પ્રસિદ્ધ સમાજસુધારક અને વિદ્વાન રાજનારાયણ બાસુના પુત્રી હતા. તેમના મોટાભાઈ અરવિંદ ઘોષ પ્રારંભમાં ક્રાંતિકારી અને પછી આધ્યાત્મિક ચિંતક હતા. તેમના બીજા મોટા ભાઈ મનમોહન ઘોષ ઢાકા યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર હતા.

બારીન્દ્રનું શાળાકીય શિક્ષણ દેવગઢમાં થયું હતું. બચપણમાં બારીન્દ્ર એટલા તોફાની હતા કે દશ વર્ષની ઉંમર સુધી તેઓ મૂળાક્ષર પણ ઓળખી શકતા ન હતા. પરંતુ તેજસ્વી બુદ્ધિને કારણે પછી તેમણે ઝડપી પ્રગતિ સાધી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ પટના કોલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા. વડોદરાના નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ બંને ભાઈઓથી પ્રભાવિત હતા. તેથી તેમણે તેમને બંનેને વડોદરા આવવા નિમંત્રણ આપ્યું. અને આમ બંને ભાઈઓ વડોદરા આવ્યા. ગુજરાતમાં રહીને બંને ભાઈઓએ સાહીત્યક અને ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો. અરવિંદ ઘોષના ક્રાંતિકારી વિચારોનો બારીન્દ્રએ પ્રચાર અને અમલ બંને કર્યો.

એ યુગમાં ક્રાંતિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરવા પર સખત પ્રતિબંધ હતો. દરેક સાહિત્યની પુરતી ચકાસણી પછી અંગ્રેજ સરકાર તે પસિધ્ધ કરવાની મંજૂરી આપતી. પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની ભેખ લેનાર બંને ઘોષ બંધુઓએ તેનો માર્ગ શોધી કાઢ્યો. અરવિંદ અને બારીન્દ્રની બેલડીએ “ઘરગથ્થું આર્યુવેદિક ઉપચાર” નામક એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેમાં બોંબ બનાવવાની રીતો આલેખવામાં આવી હતી. એ પુસ્તિકા એ બોંબ બનાવવાની અનેક ક્રાંતિકરીઓને પ્રેરણા આપી. ઈ.સ. ૧૯૦૯માં અમદાવાદમાં લોર્ડ અને મીસીસ મિન્ટોનું આગમન થયું ત્યારે ખાડીયા પાસે તેમની બગી પર બે બોંબમાં નાખવામાં આવ્યું હતા. સદનસીબે બોંબ બગી પસાર થઇ ગયા પછી ફૂટ્યા. પરિણામે લોર્ડ મિન્ટો અને તેમના પત્ની બચી ગયા. પણ આ ઘટના એ અંગ્રેજ સરકારને ઊંધ હરામ કરી દીધી. બોંબ નાખનારની જોરશોરથી તપાસ આરંભાય. પણ અંગ્રેજ સરકાર બોંબ બનાવનાર કે નાખનારને વર્ષો સુધી શોધતી શકી નહિ. એ બોંબ બનાવનાર અને નાખનારા ગુજરાતના ભડવીર મોહનલાલ પંડ્યા (ડુંગળી ચોંર) હતા. અને તેમને પ્રેરણા આપનારા અરવિંદ અને બારીન્દ્ર ઘોષ હતા.

૧૯૦૨મા બારીન્દ્ર કલકત્તા પાછા આવ્યા. અને યતીન્દ્ર નાથ મુકરજીના સહયોગ ક્રાંતિકારી સંગઠન ઉભું કરવા પ્રયાસ શરુ કર્યો. બારીન્દ્ર ઘોષ અને ભુપેન્દ્રનાથ દત્તના

સહયોગથી ૧૯૦૭મા કલકત્તામાં અનુશીલ સમિતિની રચના કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ “ખુનનો બદલો ખુન” હતો. ૧૯૦૫ના બંગાળના ભાગલા પછી બંગાળ અને દેશના યુવાનોમાં પ્રબળ ક્રાંતિકારી ભાવના પ્રજવલિત થઈ હતી.  જો કે આ સમિતિની સ્થપાના તો ૧૯૦૩મા સૌ પ્રથમવાર પ્રથમ નાથ મિત્ર એ કરી હતી.૧૯૦૬મા તેની પહેલી બેઠક કલકત્તામાં સુબોધ મલિકના નિવાસ્થાને મળી હતી. એ સમયે બારીન્દ્ર ઘોષે ક્રાંતિકારી વિચારના પ્રસર સાથે યુવાનોમાં આધ્યાત્મિક શિક્ષા પર પણ ભાર મુક્યો હતો. પરિણામે યુવાનોને સસ્ત્ર ક્રાંતિ માટે તૈયાર કરી શકાય.

૧૯૦૪મા અનુશીલ સમિતિની એક શાખા ઢાકામાં પણ શરુ કરવામાં આવી.જેનું નેતૃત્વ પુલ્લીન બિહારી દાસ અને પી. મિત્રાને સોંપવામાં આવ્યું હતું. ઢાકામાં તેના લગભગ ૫૦૦ સભ્યો હતા. જેમાં મોટેભાગે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિશેષ હતા. સભ્યોને લાઠી, તલવાર અને બંદુક ચલાવવાની તાલીમ આપવામાં આવતી. ૧૯૦૫મા બારીન્દ્રએ ક્રાંતિને વાચા આપતું પ્રથમ પુસ્તક “ભવાની મંદિર” લખ્યું, જેમાં

“આનંદ મઠ” જેવો જ ક્રાંતિકારી સંદેશ આપવામાં આવ્યો હતો. ૧૯૦૬મા પોતાના મિત્ર ભુપેન્દ્ર નાથ દત્ત સાથે મળીને “યુગાંતર” નામક બંગાળી સાપ્તાહિક શરુ કર્યું. ક્રાંતિ પ્રચારના આ સાપ્તાહિકે રાજનૈતિક અને ધર્મના પ્રચારનું મુખ્ય કાર્ય કરયું. “યુગાંતર” સાપ્તાહિકના પ્રજામાં એટલું લોકપ્રિય થયુ કે એ નામે એક ક્રાંતિકારી  સંગઠનની રચના પણ થઇ. યુગાંતર સાપ્તાહિકના મૂળમાં અનુશીલન સમિતિ હતી. પરિણામે તેના તમામ સભ્યો “યુગાંતર”સંગઠનમાં જોડાઈ ગયા. બંગાળના અનેક પ્રદેશોમાં તેની શાખાઓ ખુલી. જેણે બંગાળમાં ઠેર ઠેર ક્રાંતિની જવાળા પ્રગટાવી. બારીન્દ્ર ઘોષના નેતૃત્વમાં આ તમામ શાખાઓએ બોંબ પ્રવૃતિને સક્રિય બનાવી. દુષ્ટ અને અમાનવીય અંગ્રેજ અધિકારીઓની હત્યાઓ આ જ શાખાના સભ્યો દ્વારા કરવામાં આવી.

બારીન્દ્ર ઘોષનું બીજું પુસ્તક “વર્તમાન રણનીતિ” ૧૯૦૭માં પ્રગટ થયું. જેનું પ્રકાશન અવિનાશ ચંદ્ર ભટ્ટાચાર્યએ કર્યું હતું. આ પુસ્તક ક્રાંતિકારીના પાઠ્ય પુસ્તક જેવું બની ગયું. જેમાં બારીન્દ્ર ઘોષે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું,

“ભારતની આઝાદી માટે લશકરી અને યુદ્ધ તાલીમ ભારતના યુવાનો માટે ફરજીયાત હોવી જોઈએ”

આમ બારીન્દ્ર અને બાઘ જતિને સમગ્ર બંગાળમાં અનેક ક્રાંતિકારીઓ સર્જયા, જેમણે ભારતની આઝાદીમાં પોતાના જાનમાલની  આહુતિ આપી હતી. આ જ ક્રાંતિકારીઓએ કલકત્તાના મનિક્તુલ્લા વિસ્તારમાં “મનિક્તુલ્લા સંગઠન” નામક ગુપ્ત સંગઠનની રચના કરી હતી. જેનું મુખ્ય કાર્ય હથિયારો એકત્રિત કરવાનું હતું. ૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ ખુદીરામ બોસ અને પ્રફ્ફુલ ચંકીએ કિંગ્સ ફોર્ડની હત્યાનો પ્રયાસ કર્યો. પરિણામે અંગ્રેજ પોલીસે અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરી. દુર્ભાગ્ય વશ ૨ મેં ૧૯૦૮ના રોજ બારીન્દ્ર ઘોષની પણ તેમના અનેક સાથીઓ સાથે ધરપકડ કરવમાં આવી. તેમના પર અલીપુર બોંબ કેસ ચલાવવામાં આવ્યો. અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ પાછળથી ફાંસીની સજામાંથી મુક્ત કરી, તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. એ સજા તેમણે આંદાબાનની ભયાનક જેલમાં ભોગવી. ૧૯૨૦મા તેઓ જેલ મુકત થયા.જેલ મુક્ત થયા પછી પાછા તેઓ અખબાર દ્વારા પ્રજા જાગૃતિના કાર્યમાં લાગી ગયા. ગાંધીજીના અસહકાર યુગમાં તેમણે બિજલી નામક પત્ર શરૂ કર્યુ. એમની લેખન શૈલી છેક સુધી ઉગ્ર અને પ્રેરક રહી હતી. કલકતામાં એક પણ અંગ્રેજી કે બંગાળી સામયિક  એવું નહિ હોય જેણે એમના લેખો પ્રગટ  કરવામાં ઉત્સાહ ન સેવ્યો હોય ! જીવનભર દેશકાર્યમાં પોતાની જાત ઘસીનાખનાર બારીન્દ્ર ઘોષ ઇ.સ. ૧૯૫૯માં ૭૯ વર્ષની જૈફ વયે હ્રદયરોગના હુમલાથી અવસાન પામ્યા. ભારતમાં ચાલેલ ઉદ્દામવાદી સશસ્ત્ર ક્રાંતિના તેઓ સાચા  અર્થમાં પિતા હતા. ભારતનો આઝાદીનો ઇતિહાસ તેમના નામ વગર આલેખવો આજે પણ શક્ય નથી.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s