ગાંધીજી અને ઇસ્લામ : ડો. મહેબૂબ દેસાઈ

૨ ઓકટોબર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અર્થાત ગાંધીજીનો જન્મ દિવસ. સત્ય અને અહિંસાના સૌ પ્રથમ પાઠ વિશ્વને પઢાવનાર ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમની ઊંડી સમજ હતી. આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજોનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના વિચારોમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજ્જ્ઞો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક દ્રષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. તેમના આ વિચારો ગાંધી સાહિત્યમાં આજે પણ સંગ્રહાયેલા છે. આજે એ વિચારોનું થોડું આચમન કરાવવાનો ઉદ્દેશ છે. ૧૯૦૮મા ગાંધીજીએ વિલાયતથી પાછા ફરતા આગબોટમાં “હિન્દ સ્વરાજ” નામક નાનકડી પુસ્તિકા લખી હતી.તેમાં ગાંધીજીએ ભારતના હિંદુ મુસ્લિમો અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સૌ પ્રથમ તેનું આચમન કરીએ. તેમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું સુંદર વર્ણન કરવામાં આવેલ છે. અગ્રેજોને કેન્દ્રમાં રાખી ગાંધીજી લખે છે,

“હું એમ નથી કહેવા માંગતો કે હિંદુ-મુસલમાન કોઈ દિવસ લડશે જ નહિ. બે ભાઈ ભેળા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણા માથા ફૂટશે. તેમ થવાની જરૂર હોય નહિ, પણ બધા માણસો સરખી મતિના નથી હોય શકતા. એકબીજા આવેશમાં આવે ત્યારે ઘણીવાર સાહસકામ કરે છે. એ આપણે સહન કરવા પડશે.પણ આપણી તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહિ લઇ જઈએ.”
આ શિખામણ જેટલી અગ્રેજ સમય માટે સાચી હતી. તેટલી આજે પણ સાચી છે. એ સમયે અગ્રેજો હતા. આજે હિંદુ મુસ્લિમ એકતાને તોડતા અને તેનો લાભ ખાટતા માનવીઓ છે. એજ રીતે ઇસ્લામ અંગેની અસત્ય સમજ ફેલાવનાર એક આખો વર્ગ પણ સક્રિય છે. તે માટે પણ ગાંધીજીના ઇસ્લામના વિચારો જાણવા જેવા છે.

‘હું ઇસ્લામને પણ ખિ્રસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪

‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ અક્ષરદેહ – ૪૦ પૃ. ૫૭

ઇસ્લામ તલવારના જૉરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. ગાંધીજી એ અંગે લખે છે.

‘ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જૉ તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે.’ અક્ષરદેહ – ૨૧, પૃ. ૧૯૫-૧૯૬

ગાંધીજીએ વારંવાર સ્વીકાર્યું હતું કે તેમણે કુરાને શરીફનું અઘ્યયન કર્યું છે. કુરાને શરીફમાં અહિંસાના વિચારને પ્રાધાન્ય આપ્યાનું પણ તેમણે પોતાના લખાણોમાં સ્વીકારેલ છે ગાંધીજી લખે છે,
‘કુરાને શરીફ મેં એકથી વધુ વેળા વાંરયું છે. મારો ધર્મ આ દુનિયાના બધા મહાન ધર્મોમાં જે કંઈ સારું છે તે લેવાની અને પચાવવાની અનુકૂળતા આપે છે. બલકે તેમ કરવાની મારા પર ફરજ પાડે છે.’ હરિજનબંધુ ૨૯-૧૦-૧૯૩૯ પૃ.૨૭૧

‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩

‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨

“કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)ને શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે”. હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬

‘ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.’ હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭

ગાંધીજીનું ઉપરોકત છેલ્લું વિધાન આજે ઇસ્લામના નામે જેહાદ કરી, ઇસ્લામને બદનામ કરનારાઓ તરફ આંગળી ચીંધે છે. શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાન જેવા આદર્શોથી ભરપૂર એવા ઇસ્લામ અંગેના ગાંધીજીના વિચારો સાચે જ ઇસ્લામને ઓળખનાર સંત જેવા છે. ઇસ્લામનું આવું સાચું સ્વરૂપ આજે જુદાં જુદાં માઘ્યમો દ્વારા આમસમાજ સુધી મુકાશે તો, અત્યંત ગેરસમજૉથી ભરપૂર ઇસ્લામ અંગે થોડી પણ ગેરસમજો દૂર કરી શકાશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s