ઇલ્મ અને આલિમ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇલ્મ એટલે જ્ઞાન. વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલીમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો અર્થ શબ્દ કોશમાં આપતા કહેવામાં આવ્યું છે,
“જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ” અત્રે આલીમ એટલે ધર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ એવો સંકુચિત અર્થ યોગ્ય નથી. ધર્મ અંગે માર્ગદર્શન આપનાર વ્યક્તિને મૌલવી કે ઈમામ કહે છે. મૌલવી ઇસ્લામ કે કુરાને શરીફના આદેશો આમ મુસ્લિમ સમાજમાં સ્પષ્ટ કરે છે. તેને સમજાવે છે. મદ્રેસામાં બાળકોને ધાર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ મૌલવી છે. જયારે ઈમામ એટલે જેમની પાછળ મસ્જીતમાં ઉભા રહી આમ મુસ્લિમ નમાઝ પઢે છે. જે મસ્જીતમાં નમાઝ પઢાવવાનું કાર્ય કરે છે. ઈમામ એ મુસ્લિમ સમાજના નેતા કે મસીહા નથી. તેમને ઇસ્લામની ધાર્મિક બાબતો સિવાય અન્ય કોઈ રાજકીય આદેશ આપવાનો અધિકાર નથી. તે તેમનું કાર્ય ક્ષેત્ર પણ નથી.

આલીમ શબ્દ તો સ્પષ્ટ રીતે ઇલ્મ કે જ્ઞાન સાથે જ સંકળાયેલો છે. તેનો અર્થ જ્ઞાન જ થાય છે. ઇસ્લામમાં જ્ઞાનનું અત્યંત મહત્વ છે. મહંમદ (સ.અ.વ.) પર ઉતરેલ પહેલી વહીનો પહેલો શબ્દ “ઇકરાહ” હતો. જેનો અર્થ થાય છે “પઢ, વાંચ”. એ દ્રષ્ટિએ ઇસ્લામમાં જ્ઞાન કે ઇલ્મનો અત્યંત મહિમા છે. ઇસ્લામિક ગ્રંથોમાં જ્ઞાન મેળવવા માટેની હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલાક નોંધપાત્ર અને બહુ જાણીતી હદીસો છે. જેમાં તેમણે કહ્યું છે,
“શહીદોના ખુન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે”
“જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે”
“ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો”
“જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે”
આવી રીતે જ્ઞાન મેળવનાર આલીમ છે.
સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપને આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ. પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. બાર્બર અર્થાત વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે. તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી. પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.
એક વખત હઝરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હઝરત ઈમામ અજમએ ડોલી ઉભી રાખી.ડોલીમાંથી ઉતારી ભરબજારમાં લોકો જુવે તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જીજ્ઞાસાથી પૂછ્યું,
“આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી ?”
આપે ફરમાવ્યું,
“એ સફાઈ કામદારને કુતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કુતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું જયારે કુતરો એક પગ ઉંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું. નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ હું તેને આલિમ માનું છું. અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે”
આ ઘટના આલિમની નમ્રતા પણ વ્યક્ત કરે છે. આલિમને પોતાના જ્ઞાનનો ગર્વ ,અભિમાન કે અહંકાર ન હોવો જોઈએ. મળેલ જ્ઞાન માટે તે હંમેશા અલ્લાહનો શુક્ર (આભાર) અદા કરતો હોવો જોઈએ. અલ્લાહે કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
“અમે દાઉદ અને સુલયમાનને ઇલ્મ આપેલ છે. તે બંનેએ તેનો શુક્ર અદા કરતા કહ્યું છે,’ તમામ તારીફ એક માત્ર અલ્લાહની છે જેણે અમને પોતાના અનેક બંદો કરતા વધુ ઇલ્મની બક્ષીશ આપેલ છે”
કુરાને શરીફની આ આયાત ઈલ્મી કે જ્ઞાની માટેનું પ્રથમ લક્ષણ વ્યક્ત કરે છે. દાઉદ અને સુલયમાન બંને પયગમ્બરોને ખુદાએ આપેલ જ્ઞાનની દોલત અને ઊંચા દરજ્જા માટે ખુદાનો શુક્ર અદા કરેલ છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મુલ્ય અનેક ઘણું છે. પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે. એમ દ્રઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.
એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરભિમાન વધવા જોઈએ. રહીમ તેના એક દોહામાં કહે છે,
“બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ
રહીમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ”
એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં હું સાચો અને તું ખોટો જેવો વિચાર કે વ્યવહાર નથી હોતો. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્વ છે. કારણ કે દરેક વિચાર વ્યક્તિની સમજ મુજબ યોગ્ય છે. વિચારમાં અધુરપ કે ગેરસમજ હોય શકે. પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. એવા અનૈતિક વિચારનું સમર્થન ના હોય. જ્ઞાની માનવી એવ અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે. પણ તેના અમલીકરણ માટે દુરાગાહ નથી સેવતો.
ટૂંકમાં, આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. પરિણામે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની જરૂરિયાત બની ગયું છે. તેને સમાજમાં પ્રસરાવવાનું કે પહોંચાડવાનું કાર્ય જ્ઞાની અર્થાત આલીમ જ કરે છે. અને એટલે જ એક સંસ્કૃતના શ્લોકમાં કહ્યું છે,
“સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્રૈ પૂજયતે”
અર્થાત “રાજા માત્ર તેના દેશમાં પુજાય છે, જયારે આલિમ-વિદ્વાન-જ્ઞાની સમગ્ર વિશ્વમાં પુજાય છે”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s