શિક્ષક અને વિદ્યાર્થીના સબંધો

૫ જુલાઈના રોજ સાણંદ મુકામે ગુજરાત કેળવણી પરિષદ દ્વારા “શિક્ષક અભિમુખતા કાર્યક્રમ” યોજાયો હતો. અમદાવાદ શહેરના અને તાલુકાના ૯૦ જેટલા માધ્યમિક શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. એ કાર્યક્રમમાં “શિક્ષક અને વિદ્યાર્થી સબંધો” વિષયક વાત કરવાની તક મને સાંપડી હતી. એ વ્યાખ્યાનના થોડા અંશો અત્રે રજુ કરવાની રજા લઉં છું.
આજે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર જરીરિયાત બની ગયો છે. એક ને નોકરી કે વ્યવસાય માટે પદવી જોઈએ છે. તો બીજાને માસના અંતે પગાર. પરિણામે તેમાં સેવા, ભક્તિ અને કર્મની નિષ્ઠાનો અભાવ છે. શિક્ષણ વ્યવસાયી બની ગયું છે. એટલે તેમાં માહિતી છે. કેળવણી નથી. ગાંધીજીએ શિક્ષણ માટે
“કેળવણી” શબ્દનો પ્રયોગ કર્યો છે. ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”. એ ભાવના ઉદેશ આજે નથી રહ્યો. બદલાતા જમાના સાથે શિક્ષક અને વિદ્યાર્થીના સબંધો પણ બદલાતા રહ્યા છે. શિક્ષક ગુરુ ન રહેતા માહિતી આપનાર માધ્યમ બની ગયો છે. વિદ્યાર્થી જ્ઞાન કરતા અભ્યાસને વ્યવસાય કે નોકરી માટેનું માધ્યમ માનતો થયો છે. હવે કોઈને જ્ઞાનની જરૂર નથી. પણ નોકરી પૂરતી માહિતીની જ જરુર છે. આવા યુગમાં એકલવ્ય ન જ પાકે. અને પાકે તો આજનો એકલવ્ય અંગુઠો આપવા કરતા બતાવાનું વધારે પસંદ કરે.
આવા સંજોગોમાં શિક્ષણનું સ્તર નીચે ઉતરતું જાય તે સ્વાભાવિક છે. તેની અસર યુવા પેઢીના ધડતરમાં થઇ રહી છે. આમ છતાં સાવ નિરાશ થવા જેવું ચિત્ર પણ નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જો ફરીવાર એક સેતુ સધાય તો શિક્ષક અને વિદ્યાર્થી બંને સમાજને ઉજળો કરવામાં પુનઃ સહભાગી બની શકે.
માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે, ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે ? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.
જયારે માબાપ ડોકટરને ત્યાં માંદા દીકરાને લઈને જાય છે. ત્યારે માબાપ ડોક્ટરમાં સંપૂર્ણ વિશ્વાસ મુકે છે. ડોક્ટર કહે તે દવા કરે છે. ડોક્ટરને જરૂર જણાય તો એમના દીકરા પર શસ્ત્ર પ્રયોગ પણ કરવા દે છે. હાથ કે પગ કાપવા દે છે. એ માબાપનો ડોકટર પરનો વિશ્વાસ છે. આ તો દીકરાના સ્થૂળ દેહની સારવારની વાત થઇ. એ જ માબાપ પોતાના દીકરાને શાળાએ મુકવા જાય છે. વર્ગ શિક્ષકના હાથમાં દીકરાને સોંપે છે. થોડા દિવસ માટે નહિ પણ વર્ષો માટે, ઝિંદગીના મૂલ્યવાન વર્ષો માટે. દેહની માવજત માટે નહિ પણ મન, ચારિત્ર અને વ્યક્તિત્વ ઘડતર માટે. દીકરાનો હાથ શિક્ષકને સોંપતા સમયે માબાપ કહે છે,
“તમારો દીકરો છે સાહેબ “
તેનો અર્થ શિક્ષક કેટલો સમજે છે અને એ શિક્ષક પર માબાપ કેટલો વિશ્વાસ મુકે છે ? તે પ્રશ્ન આજના સંદર્ભમાં વિચાર માંગી લે છે.
જનોઈનો અર્થ સમજાવતા કાકાસાહેબ કાલેલકર કહે છે,
“બાળકને જયારે જનોઈ અપાય છે. ત્યારે તેને માના ખોળામાં બેસાડી જમાડવામાં આવે છે. માના ખોળામાં બેસી માને હાથે કોળિયો ભરવાની એ છેલ્લી તક છે. બાળકે વિદ્યા દીક્ષા લીધી એટલે તે માબાપનો મટી શિક્ષકનો થઇ જાય છે. તેથી મા દીકરો એ છેલ્લો લહાવો લઇ લે છે. પિતા તો પોતાના દીકરાને દીક્ષા દઈને શિક્ષકને સોંપી તેને આધીન રહેવા દીકરાને સુચના આપે છે”
હિંદુ સંસ્કારોમા જે ઉદેશ જનોઈ વિધીનો છે. તે જ ઉદેશ ઇસ્લામમાં બિસ્મિલ્લાહનો છે. બાળકને ભણાવવાનો આરંભ કરતા પૂર્વે ઇસ્લામમાં બિસ્મિલ્લાહ પઢાવવામા આવે છે. અને ત્યાર પછી તેને મદ્રેસામા મોકલવાની શરુઆત થાય છે. બંને મજહબમા ગુરુ અર્થાત ઉસ્તાદ અને વિદ્યાર્થીના સંબંધો મહત્વના છે. એ યુગમાં ગુરુનું સ્થાન ઈશ્વર જેવું ગણવામાં આવતું. આપણા શાસ્ત્રોમાં એના અનેક શ્લોક જોવા મળે છે. “ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો ભવઃ” “ગોવિંદ દોને ખડે”, તેના ઉત્તમ ઉદાહરણ છે.
હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો, કોણ ગુરુને ચંપલ પહેરાવે ? અંતે ગુરુએ ન્યાય કર્યો. બંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ થઇ. તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
‘આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તેમને પહેરાવવાનું કહ્યું હતું?’
હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા,
‘આપે મારા રાજકુમારોને આપના ચંપલ ઉચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાનું શીખવી સુસંસ્કારો આપ્યા છે.’
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા. ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો.
‘થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.’
પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તમને દસ હજાર દિનાર આપતા બોલ્યા,
‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.’
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.

પણ આજે પરિસ્થિતિ બદલાય છે. ગુરુ શિષ્યના આવા સબંધો રહ્યા નથી. પણ એ સ્થિતિ પુન: સર્જવા પૂ. રવિશંકર મહારાજે શિક્ષકોને કહેલુ,
“સાચા શિક્ષક માટે ત્રણ ગુણો આવશ્યક છે. જ્ઞાન , કર્મ અને ભક્તિ. આ ત્રણે માર્ગોનો સંગમ એના કાર્યમાં થવો જોઈએ. જ્ઞાન તો જોઈએ જ. ભણવાનું છે. શીખવાનું છે. શિક્ષક માટે જ્ઞાન આવશ્યક છે. એ જ્ઞાન સરળ બનાવી વિદ્યાર્થીમાં ઉતારવાની શિક્ષકની ફરજ છે. જ્ઞાનને પચાવતા વિદ્યાર્થીઓને શીખવવાની પણ શિક્ષકની ફરજ છે. જ્ઞાન સાથે કર્મ જોઈએ. વિષયના અભ્યાસ સાથે તેની તાલીમ અને પ્રયોગો પર ધ્યાન આપવું જોઈએ. શિક્ષકનું કર્મ જ્ઞાન સાથે ઘડતરનું પણ છે. કર્મ દ્વારા તે વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરનું પણ કાર્ય કરે છે. અને છેલ્લે ભક્તિ. શિક્ષક માટે ભક્તિ સાધના છે. ભક્તિ એટલે વિદ્યાર્થીઓને પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એટલે ભક્તિ”
પૂ. રવિશંકર મહારાજે સુચવેલ જ્ઞાન, કર્મ અને ભક્તિ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સબંધોના મૂળમાં છે. જ્ઞાન અને કર્મ તો બજારુ કે વ્યવસાયિક ટ્યુશન કલાસોમાં પણ મળી રહે છે. પરિણામે વિદ્યાર્થી કસોટીઓમાં ઉત્તીર્ણ થાય છે. જયારે જીવનમાં તે નાપાસ થાય છે. કારણકે ભક્તિ એ જ વિદ્યાર્થીઓના ઘડતરનો રાજ માર્ગ છે. સાચા અર્થમાં તે જ વિદ્યાર્થીને આદર્શ નાગરિક, સારો માનવી બનાવે છે. તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પૂરી કરી દે છે. તે મુક્તિનું દ્વાર છે. તે સાધનાની કુંચી છે. વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને. શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને. એજ સાચી ભક્તિ છે.

તેના કારણે જ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના પ્રેમ ભર્યા સબંધોને કારણે,

૧. વિદ્યાર્થી શિક્ષક સાથે નિકટતા, આત્મીયતા અનુભવે છે.
૨. વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વિકસે છે અને તે સુરક્ષાની અનુભૂતિ કરે છે.
૩. શૈક્ષણિક અને સમાજિક માર્ગદર્શન મેળવવામાં વિદ્યાર્થી નિર્ભય બને છે.
૪. સામાજિક અને કૌટુંબિક વ્યવહાર અને વર્તનની સમસ્યાઓ માટે તે શિક્ષકનો નિઃસંકોચ સંપર્ક કરે છે.
૫. ગરીબ વિદ્યાર્થીઓ પોતાની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષક સાથે નિખાલસ ચર્ચા કરે છે.
૬. વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક ઉદેશ અર્થે સંપૂર્ણ શ્રધ્ધાવાન બને છે. અને તે માટે કટીબદ્ધ બને છે.

જો કે શિક્ષકની વિદ્યાર્થી વચ્ચેની આત્મીયતાને કારણે શિક્ષકની જવાબદારી અનેક ગણી વધે છે, તેને પોતાના જીવનને વધુ સંસ્કારી અને આદર્શ બનાવવાની તકેદારી રાખવી પડે છે. હંમેશા સદઆચરણને પોતાના જીવનનો ઉદેશ બનાવવો પડે છે. કારણ કે એક સંશોધન મુજબ વિદ્યાર્થી શાળમાં આઠ થી દસ કલાક વિતાવે છે. વર્ષના દસ માસ તે આજ રીતે રોજના આઠ દસ કલાકો શિક્ષકો સાથે જીવે છે. એ દરમિયાન શિક્ષકને જોનાર તેને અનુસરનાર અને તેના જેમ વર્તવાનો પ્રયાસ કરનાર એક નહિ અનેક વિદ્યાર્થીઓની આંખો હોય છે. તે આંખો શિક્ષકને જોવે છે. તેની સારી નરસી આદતોનું નિરીક્ષણ કરે છે. તેના વસ્ત્રો, બોલચાલ, રહેણીકરણીને ધ્યાનથી નીરખે છે. અને તેને પોતાના જીવનમાં અનુસરવાનો પ્રયાસ કરે છે. અર્થાત શિક્ષકનું જાહેર જીવન સમાજ કરતા પણ વિશેષ વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. પરિણામે શિક્ષકના નાનામાં નાના જીવન વ્યવહારની અસર વિદ્યાર્થીઓના જીવન ઉપર પડે છે.

ગુરુ પૂર્ણિમાના અવસરે જો આજના ગુરુઓ ઉપરોક્ત બાબતો પર થોડો પણ વિચાર કરશે તો પરિવર્તન એધાણ અવશ્ય અનુભવી શકશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s