ડૉ. મહેબૂબ દેસાઈ

હંમેશા જ્ઞાની માણસ અર્થ પૂર્ણ વાત કરે તે જરૂરી નથી. એજ રીતે ઘણીવાર નાનો માણસ પણ અનાયસે ઘણી ગહેન વાત કરી દેતો હોય છે. એ દિવસે મારી ગાડી આગળ જઈ રહેલ રીક્ષા પાછળ એક શાયરી લખી હતી. જેના પર મારી નજર પડી અને મન ખુશ થઇ ગયું. એ શાયરી હતી,

“કર્મ તેરે અચ્છે હૈ તો, કિસ્મત તેરી દાસી હૈ

 નિયત તેરી અચ્છી હૈ, તો ઘરમે મથુરા કાશી હૈ”

શાયરીના પ્રથમ મત્લામા કર્મની વાત છે. સારા કર્મ કરનાર માટે નસીબ તેની દાસી સમાન બની રહે છે. અર્થાત તે નસીબનો બળવાન હોય છે. ઈશ્વર તેના પર ખુશ રહે છે. તે ઈશ્વર પાસે જે માંગે છે તે પ્રાપ્ત કરે છે. જો કે આ માન્યતા દરેક ધર્મમા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. તેના આધારે જ કર્મ અથવા આમાલનો સિદ્ધાંત બંને ધર્મગ્રંથોમાં વિકસ્યો છે. પરંતુ દરેક ધર્મમાં કર્મનો સિદ્ધાત નૈતિક મુલ્યોના પાયામાં પર આધારિત હોય છે. સેવાકીય અને સદ્કાર્યો તંદુરસ્ત વ્યક્તિ અને સમાજ માટે અનિવાર્ય છે. એટલે જ ઇસ્લામ અને  હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. ઇસ્લામમાં માનવીના કર્મના આધારે જ જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ જ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. કર્મનો સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો  ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

 “કર્મણયેવાધીકારસ્તે  મા ફલેષુ કદાચન,

 મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી”

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે

૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે

૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર  છે.

૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.

૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણ કે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળ તારા ફળને અનુરૂપ જ ઈશ્વર આપશે. ઇસ્લામમાં કર્મને “આમાલ” કહેલ છે. કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. “અલ આમલ બીન નિયતે” અર્થાત “સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે” દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે “ફી સબીલિલ્લાહ” અર્થાત “ખુદાના માર્ગે કર્મ કર” અને તારા એ  નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યાજ આપીશું. અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે, તેમને અમે તેનો તુરત બદલો આપીશું”

“જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ”

“એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે”       

ગીતામાં આજ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,

“આ લોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે”

ઇસ્લામ અને હિંદુ ધર્મના ઉપરોક્ત આદર્શોને જીવનમાં સાકાર કરનાર મહાનુભાવો બન્ને ધર્મમાં થયા છે. મહંમદ સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન સદ્કાર્યોની સુવાસ દ્વારા અરબસ્તાનની જંગલી પ્રજામાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એ યુગમાં અરબસ્તાનમાં બાગાયતની જમીન અને મિલકત દુર્લભ ગણાતા. મખૈરિક નામના એક ધનવાને હઝરત મહંમદ સાહેબને પોતાની જમીનમાંથી સાત બગીચા ભેટ આપ્યા. મહંમદ સાહેબે એ તમામ બગીચા “વકફ” કરી દીધા. અર્થાત તે તમામ બગીચા લોકહિતાર્થે અર્પણ કરી દીધા. અને એ બાગોની તમામ ઉપજ ગરીબો અને હાજતમંદોની ઉન્નતી માટે ઉપયોગમાં લેવાનો આદેશ કર્યો. એકવાર મુસાફરીમાં મહંમદ સાહેબના જોડાનો પટ્ટો તૂટી ગયો. એક સહાબીએ કહ્યું,

“લાવો, હું તે સાંધી આપું”

આપે ફરમાવ્યું,

“એ તો વ્યક્તિ પૂજા થઇ. તે મને પસંદ નથી”

મહંમદ સાહેબની વફાત (અવસાન) પછી ઇસ્લામના ચારે ખલીફાઓએ પણ તેમના આવા ઉત્તમ આદર્શોને જીવનમાં સાકાર કર્યા હતા. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમરનું જીવન સદ્કાર્યોના બોધ સમાન હતું. લોકોના સુખદુઃખ જાતે જાણવા રાત્રે શહેરમાં ગુપ્ત વેશે ફરતા. દુષ્કાળમા લોકોને  ભોગવવી પડતી તંગીને ધ્યાનમાં રાખી પોતે પણ ધીદુધનો ત્યાગ કરી સુકી રોટી ખાતા. ગુલામોને પણ પોતાના જેવું જ ભોજન, વસ્ત્રો અને સવારી આપતા. તેમની સાથે જ ભોજન લેતા. પર ધર્મીઓને રાજ્યમાં રક્ષણ આપતા. પોતાના ખર્ચનો બોજા રાજ્ય પર ન નાખતા અને કુરાને શરીકની નકલો કરી પોતાનું ગુજરાન ચલાવતા. આવા સદ્ કર્મો જ “કર્મ તેરે અચ્છે હૈ તો, કિસ્મત તેરી દાસી હૈ” ઉક્તિને સાચીને સાચી ઠેરવવા અનિવાર્ય છે.  

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s