ડૉ. મહેબૂબ દેસાઈકાફિર અર્થાત નાસ્તિક

કેટલાક ઇસ્લામિક શબ્દોના અયોગ્ય અર્થઘટન કે અયોગ્ય સમજ સમાજની શાંતિને જોખમે  છે. સમાજના એખલાસ ખંડિત કરે છે. ઇસ્લામી સંસ્કૃતિનો આવો એક શબ્દ છે “કાફિર”. જેની સાચી સમજ કે અર્થઘટનના અભાવે ગેર મુસ્લિમ સમાજ હંમેશા એ શબ્દ પોતાના માટે વપરાતો હોવાનું દુઃખ અનુભવે છે. પરિણામે આપણા તંદુરસ્ત સમાજમા ગેરસમજ પ્રસરે છે. અને આપણી શાંતિ જોખમાય છે. સમગ્ર હિંદુ સમાજમા એક મોટી ગેરસમજ એ પ્રસરેલી છે કે મુસ્લિમો દરેક ગેર મુસ્લિમને કાફર માને છે. કાફર એટલે ઇસ્લામને ન માનનાર તમામ માનવીઓ કાફર છે. આવી મહા ગેરસમજ ને કારણે પ્રસરેલ કે પ્રસરાવવામા આવેલ માન્યતા તંદુરસ્ત અને વિકસતા સમાજ માટે ઘાતક કેન્સર સમાન છે.  

કાફિર શબ્દ અરબી ભાષાના કુફ્ર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે ઢાંકવું, ખોટું સમજવું, ખોટું માનવું અથવા અકૃત્ઘની. .(ઉર્દૂ-ગુજરાતી શબ્દ કોશ,ઉર્દૂ સાહિત્ય અકાદમી,ગાંધીનગર,પૃ.૨૦૯).ઇસ્લામી અર્થ અને માન્યતા મુજબ કાફિર એટલે ઈશ્વર કે અલ્લાહમાં ન માનનાર,નાસ્તિક. ઈશ્વર ખુદાએ આપેલ નેમતો (બક્ષિશો) પર કૃતજ્ઞતા ન પ્રગટ કરનાર. અરબી ભાષામાં ખેડૂતને પણ કાફિર કહે છે. કારણે કે તે બીજને જમીનમાં ઢાંકે છે. એજ રીતે નદી, સમુદ્ર, કૃષક માટે પણ કાફિર શબ્દનો પ્રયોગ થયો છે..ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં પણ કાફિર શબ્દ જ્યાં જ્યાં વપરાયો છે ત્યાં ત્યાં તે અધર્મીઓ  અર્થાત નાસ્તિકો માટે જ વપરાયો છે, વિધર્મીઓ અર્થાત અન્ય કોઈ ધર્મ પાળનાર માટે વપરાયો નથી. એ અર્થમાં કાફિરની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે,

“જે માનવી ખુદા કે ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરે, ઈશ્વર- ખુદાની દયા (રહેમત) કે દીધેલ તમામ નેમતો (સગવડો) માટે ખુદા-ઈશ્વરનો આભાર (શુક્ર) ન માને તે કાફિર છે”

ઈશ્વર કે ખુદાના અસ્તિત્વને ન માનનાર માનવીને આપણે નાસ્તિક કહીએ છીએ. જેમનામાં (ઈમાન) શ્રધ્ધાનો અભાવ છે. જે સૃષ્ટિના સર્જન કે માનવીના નાના મોટા દરેક કાર્યો માટે ઈશ્વર કે ખુદાની શક્તિનો ઇન્કાર કરે છે. સાચા અર્થમાં એ કાફિર છે, નાસ્તિક છે.

ઇસ્લામમાં નીચે મુજબના ચાર પ્રકારના “કાફરો”નો ઉલ્લેખ છે. તે અંગે વિગતવાર વર્ણન આપવામાં આવેલ છે.

૧. કાફિર-એ-અસ્લી અર્થાત એવી વ્યક્તિ કે જેણે ખુદાના અસ્તિત્વનો પ્રથમથી જ અસ્વીકાર કરેલ છે. જ્યારેથી તે સમજણો થયો ત્યારેથી તે ખુદા કે ઈશ્વર જેવી કોઈ તાકાત વિશ્વના સર્જન અને તેના અસ્તિત્વને ટકાવી રાખી રહી છે, તે માનવા તૈયાર નથી.

૨ કાફિર-એ-મુર્તદ અર્થાત એવી વ્યક્તિ કે જેણે એકવાર ખુદાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય. પણ પછી તેનો અસ્વીકાર કર્યો હોય. ઇસ્લામના પ્રચારના આરંભિક યુગમાં મહંમદ સાહેબ માટે આવી ઘટનાઓ સ્વાભાવિક હતી. વળી, આજે પણ ઈશ્વર-ખુદાના અસ્તિત્વનો એકવાર સ્વીકાર કર્યા પછી નાસ્તિક વિચારધારાને સ્વીકારનાર માનવીઓ મળી આવે છે. જેમ કે સામ્યવાદી વિચારધારાને અપનાવનારા માનવી ઈશ્વરના અસ્તિત્વને માનવાનો ઇન્કાર કરે છે. પણ એક વિચાર મુજબ સામ્યવાદીઓ પણ આસ્તિક છે. કારણ કે તેમને લેનિન અને દાસ કેપિટલમા અતુટ શ્રધ્ધા છે. અને જ્યાં શ્રધ્ધા છે, ત્યાં નાસ્તિકતા નથી.

૩. કાફિર-એ- મુજાહિદ અર્થાત એવી વ્યક્તિ કે જે જાહેરમાં ઈશ્વર-ખુદાના અસ્તિત્વનો અસ્વીકાર કરતો હોય, પણ તેનું મન-હૃદય ખુદા-ઈશ્વરની હયાતીનો અહેસાસ કરતુ હોય. આપણા સૌના મનની આ સ્થિતિ છે. કયારેક ઈશ્વર-ખુદા આપણી કસોટી કરે છે. આપણા પર તકલીફો આવી પડે છે. ત્યારે આપણે સૌ એક પળ માટે ખુદા કે ભગવાનને બુરું ભલું કહેવાનું ચુકતા નથી. ત્યારે આપણમાનો નાસ્તિક એક પળ માટે અભિવ્યકત થઇ જાય છે. પણ આપણો આત્મા તો મૂળભૂત રીતે આસ્તિક જ હોય છે.

૪. કાફિર-એ-મુનાફિક અર્થાત એવી વ્યક્તિ જે જાહેરમાં ખુદના અસ્તિત્વનો સ્વીકાર કરતો હોય, પણ તેનું હૃદય-મન તેનો અસ્વીકાર કરતુ હોય. પ્રારંભિક યુગમાં ઇસ્લામના મહંમદ સાહેબ માટે આ સ્થિતિ સામાન્ય હતી. મક્કાના વાસીઓ મહંમદ સાહેબના સાત્વિક સાદગી પૂર્ણ પ્રભાવિત થઇ ખુદાના અસ્તિત્વનો સ્વીકાર કરતા. પણ તેમનું મન માનતું નહીં.

કુરાને શરીફમાં દર્શાવેલા કાફીરના આ પ્રકારો એ બાબત સ્પષ્ટ કરે છે કે કાફિર શબ્દનો ઉપયોગ ઇસ્લામમાં અધર્મી માટે જ થયો છે. વિધર્મી માટે નહી. ઇસ્લામિક ગ્રંથોમાં તેના એક દ્રષ્ટાંતો પણ જોવા મળે છે. જેમ કે  કુરાને શરીફમાં અનેકવાર સર્વધર્મ સમભાવ પર ભાર મુકતા કહેવામાં આવ્યું છે,

“દરેક યુગમાં ઈશ્વર-ખુદાનું આપેલું કોઈ ને કોઈ પુસ્તક ઉપદેશ માટે આપવામાં આવ્યું છે”

એટલે કે ખુદા કે ઇશ્વરના અસ્તિત્વ સાથે દરેક ધર્મના અનુયાયીઓ માટે અર્પેલ ધર્મ ગ્રંથનો સ્પષ્ટ સ્વીકાર કુરાને શરીફમાં કરવમાં આવ્યો છે.

કુરાને શરીફમાં આગળ કહ્યું છે,

“ખરેખર અમે દુનિયાની દરેક કોમ માટે રસુલ (ખુદાના પયગમ્બર) મોકલ્યા છે. જેનો ઉપદેશ એ જ હતો કે ખુદાની ઈબાદત (ભક્તિ) કરો  અને બુરાઈથી બચતા રહો”

કુરાને શરીફમાં કાફિર શબ્દનો પ્રયોગ થયો છે. પણ તે એવા યહુદીઓ માટે કે જેઓ પોતાના ધર્મગ્રંથ “તૌરાત” અને તેના સર્જક ખુદાને માનવાને બદલે વ્યભિચાર અને અનૈતિક જીવન જીવતા હતા. આવા અધર્મી લોકો માટે કુરાને શરીફમાં કાફિર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ટૂંકમાં, કાફિર શબ્દ કુરાને શરીફમાં કયારેય ગેર મુસ્લિમો માટે વપરાયો નથી. બલ્કે એવા લોકો માટે જ વપરાયો છે જેઓ નાસ્તિક છે. ખુદા કે ઈશ્વરે બક્ષેલ નેમતો-બક્ષિશોને જે માનવી સ્વીકારતો નથી. ખુદાનો શુક્ર અદા કરવાને બદલે ખુદાના સર્જનને નાસ્તિક જેમ જોવે છે, સ્વીકારે છે. અને મુલવે છે

તેવો શિક્ષિત કે અશિક્ષિત માનવી કાફિર છે. અને જ્યાં સુધી ખુદા કે ઈશ્વરના અસ્તિત્વનો તે અહેસાસ નથી કરતો ત્યાં સુધી તે કાફિર જ રહેશે.

Advertisements

1 Comment

Filed under Uncategorized

One response to “ડૉ. મહેબૂબ દેસાઈકાફિર અર્થાત નાસ્તિક

  1. તો કાફિરની વ્યાખ્યા બદલાઈ શી રીતે? આ લેખ સાથે અમે લાહોરમાં એક મસ્જિદમાં ગયેલા ત્યારે કાફિર કાફિર કહી ટોળું અમને મારવા દોડેલું તે યાદ આવી ગયું.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s